અનુસ્વાર-ક્યાંક દુકાળ, ક્યાંક સુકાળ
આજે ગુજરાતી ભાષામાં અનુસ્વારના ઉપયોગમાં કેવી અરાજકતા છે, તેનાં ઉદાહરણો એક દૈનીકમાંથી આપું છું. જોડણીના ગોટાળા માત્ર હ્રસ્વ-દીર્ઘના જ છે એવું નથી. મને ખબર નથી કે આ બેદરકારી છે કે આજની ગુજરાતી ભાષા જ આ પ્રકારની છે? એક જ ‘ઈ-ઉ’વાળી જોડણીની ટીકા કરનારાઓને આ દેખાય છે ખરું? પેલા અજ્ઞાત ભાઈ જે નવી જોડણીની અભદ્ર શબ્દો વાપરી ટીકા કરે છે, તેમનું ધ્યાન આ બાબત પ્રત્યે છે ખરું? આ ઉદાહરણો તો એક જ અખબારમાંથી થોડા સમયમાં જ લીધાં છે.
(1) 20 વર્ષની પોલીસ કારકીર્દીમાં એમ.સી. શર્માને તેમની બહાદુરી માટે 6 પોલીસ મેડલથી સમ્માનિત કરવામાં આવ્યા હતાં. તેમણે પોતાની પોલીસ કારકીર્દીમાં 35 એન્કાઉન્ટર કર્યા હતાં. (‘આવ્યા’ માં અનુસ્વાર નથી, ‘હતાં’ માં છે. શું સમજવું? ‘શર્મા’ પુરુષ કે સ્ત્રી?)
(2) આ લોકોએ વેલ્વેટના અને ભરતકામ-જરીકામવાળા વસ્ત્રો પહેર્યા હતાં. (અહીં પણ “પહેર્યા હતાં”)
(3) સુનિતાનાં સસરાજી થાય.
(4) એને સારા દિવસો જતાં હતાં.
(5) એમના ચહેરા ઉપર પીડા અને પરેશાની બેય ફિફટી-ફિફટીનાં સરખા ભાગમાં વહેંચાયેલી અને લીંપાયેલી હતી.
(6) દવાઓનાં ત્રણ હજાર જુદા. (રુપીયા વીશે કહ્યું છે.)
(7) એટલે જે બે મુખ્ય પક્ષો છે એમાંના ભાજપને અને ખાંસ કરીને આડવાણીને ચૂંટણીઓ કરાવવાની બહુ ઉતાવળ છે.
(8) અને વડાપ્રધાન માયાવતી જ બનવાના! (જાણે માયાવતી પુરુષ હોય!)
(9) બન્ને કામ કોંગ્રેસે સાથે કરવાના રહેશે.
(10) ઘરમાં ઉડતા જીવડા વઘુમાં વઘુ ૧૪ જ દિવસ જીવે છે. અને ચોમાસાના જંતુ તો ૧૪ કલાક પણ નથી જીવતા!
(11) વિશ્વમાં ત્રણ ચતુર્થાંશ જંગલી પક્ષીઓના મરણ એમના જન્મ પછી ૬ મહિનામાં જ થાય છે.
(12) ‘સર, મારુંં માનવું છે કે આતંકવાદી પહેલા હવામાન ખાતામાં કામ કરતો હશે !’
(13) તમને પગાર તમારા માસી આપે છે ?’ ‘એ બીચારા ક્યાંથી પગાર આપવાના,
(14) અને દરેક વખત અમેરિકાનાં અખબારો ઉકળી ઉકળીને બર્નાર્ડ શૉને પ્રત્યુત્તર આપવામાં લાગી જતા હતા.
(15) આ બધા નામો કોઈ અંગ્રેજી પુસ્તકોના કે અંગ્રેજી ફિલ્મોના નથી પણ હિંદી ફિલ્મોના છે.
Tags: જોડણી
September 23, 2008 at 6:58 pm |
ગાંડાભાઈ,
તમારી વાત અબરાબર છે. અનુસ્વારનું ધ્યાન રખાવું જોઈએ. ઈ ઉ ને બાજુ મૂકી, અનુસ્વારની વાત છેડી ગાડીને આડેપાટે લઈ જવાની કઈં જરૂર નથી. ઈ ઉ ના ફેરફારથી લખાણ તદ્દન બદલાઈ જાય છે અને એસ્થેટિકલી ગંદુ લાગે છે. અભણ લોકો પણ ઈ ઉ ના લાંબા ટૂંકા ઉચ્ચારો બોલી શકે છે એટલે એ વહેવારમાં મોજુદ નથી એ વાત ખોટી છે.
બીજું, મારો બ્લોગ મારા વિચાર રજૂ કરે છે અને મને એનો હક છે. મારા બ્લોગ પર કોઈ ગાળો કે અભદ્ર શબ્દો નથી. (ઊંઝાના અમુક ટેકેદારો ગંદી ગાળાગાળી કરતા હોય છે એ તમારે નોંધવા જેવું છે). ચંદ્રકાંત બક્ષી મારા પ્રિય લેખક છે અને એમના જેવી ચકાચક ભાષા વાપરવી મને ગમે છે. જુગલભાઈના તાજા લખાણો જોયાં? કેવો ઉકળાટ કાઢ્યો છે? એમની ભાષા વિશે શું કહેશો? સાચું તો કડવું લાગે જ અને વાગે જ!
અનેક લોકો અનામી પ્રતિભાવો આપતા હોય છે. ઘણી વાર બ્લોગ ચલાવનાર કે એના મિત્રો પણ નામી/અનામી પ્રતિભાવો આપતા હોય છે- બ્લોગને ગુ.વર્ડપ્રેસ પર ટોપ પર રાખવા. એટલે ગેરસમજ કરવી નહીં.
September 24, 2008 at 7:05 am |
હાર્દીક આભાર ભાઈ સુકુમાર.