આદુ આદુ ચોંટી ગયેલા મળને તોડનાર અને નીચે સરકાવનાર, ભારે, તીક્ષ્ણ, ઉષ્ણ, જઠરાગ્ની પ્રદીપ્ત કરનાર, તીખું, પચ્યા પછી મધુર, રુક્ષ, વાયુ અને કફ મટાડનાર, હૃદય માટે હીતાવહ અને આમવાતમાં પથ્ય છે. રસ તથા પાકમાં શીતળ છે. આદુ આહારનું પાચન કરનાર, આહાર પર રુચી કરાવનાર અને કંઠને હીતકર છે. એ સોજા, શરદી, ઉધરસ, શ્વાસ જેવા કફના રોગો, ગળાના રોગો, કબજીયાત, ઉલટી અને ઉદરશુળને મટાડે છે. આદુનો મુરબ્બો, અવલેહ અને પાક બનાવવામાં આવે છે; તથા આદુમાં મીઠું અને લીંબુનો રસ મેળવી અથાણું બનાવવામાં આવે છે. (૧) કાંજી અને સીંધવ કે મીઠા સાથે લેવાથી પાચક, અગ્નીદીપક, કબજીયાત તથા આમવાતનો નાશ કરનાર છે. (૨) બે ચમચી આદુનો રસ, બે ચમચી લીંબુનો રસ અને ૧/૪ ચમચી સીંધવ જમતાં પહેલાં લેવાથી જઠરાગ્ની પ્રદીપ્ત થાય છે, મુખ અને હૃદયની શુદ્ધી થાય છે, સ્વરભેદ (અવાજ બેસી જવો), ઉધરસ, દમ, અપચો, અરુચી, મળાવરોધ, સોજા, કફ, વાયુ અને મંદાગ્ની મટાડે છે. (૩) ભોજનની પહેલાં નમક અને અાદુ સર્વ કાળે પથ્ય છે. એ જઠરાગ્ની પ્રદીપ્ત કરનાર, રુચી ઉપજાવનાર અને જીભ તથા કંઠને સાફ કરે છે. (૪) તેમ છતાં કોઢ, પાંડુરોગ, મુત્રકૃચ્છ-અટકી અટકીને પેશાબ થવો, રક્તપીત્ત, વ્રણ-ચાંદાં, જ્વર અને દાહ હોય ત્યારે અને ગ્રીષ્મ તથા શરદ ઋતુમાં અાદુ હીતકારી નથી. (વધુ ઉપયોગો આવતા અંકમાં)
Archive for October, 2008
આદુ
October 31, 2008અંજીર
October 31, 2008અંજીર અંજીર શીતળ છે અને રક્તપીત્ત મટાડે છે. બાળક, યુવાન, વૃદ્ધો અને ગર્ભીણી બધા માટે અંજીર હીતાવહ છે. તેમાં લોહ, કેલ્શીયમ, તાંબુ, ઝીંક, વીટામીનો, શર્કરા, ક્ષારો વગેરે શરીરોપયોગી તમામ તત્ત્વો છે. તાજાં પાકાં ફળો જ્યાં સુધી મળે ત્યાં સુધી રોજ ખાવાં જોઈએ. તાજાં જ મળતાં હોય ત્યારે સુકાં ન ખાવાં. અંજીર રેચક છે આથી મળ સાફ ઉતરે છે. કબજીયાત હોય તો બેથી ત્રણ અંજીરના નાના ટુકડાઓ કરી દુધમાં ઉકાળી સુતી વખતે પીવાથી સવારે સરળતાથી મળ ઉતરી જાય છે. મધુપ્રમેહ, બરોળના રોગો, કમળો, રક્તાલ્પતા, હરસ વગેરેમાં અંજીર ઉપયોગી છે. જે બાળકોને રીકેટ્સ-સુકારો રોગ થયો હોય તેને અંજીરના દુધના પાંચ-સાત ટીપાં પતાસા પર પાડી ખવડાવવાથી ફાયદો થાય છે. રોજ બેત્રણ અંજીર ખાવાથી ધાતુપુષ્ટી થાય છે. આમ અંજીર ઉત્તમ આહાર અને ઔષધ છે. લીલાં અંજીરમાં લોહ, તાંબુ, કેલ્શીયમ, વીટામીન વગેરે પોષક તત્ત્વો સારા પ્રમાણમાં રહેલાં છે. સુકાં અને લીલાં બંને અંજીર રેચક-મળ સાફ લાવનાર, મુત્રપ્રવૃત્તી વધારનાર, પૌષ્ટીક અને રક્તવર્ધક છે. પાંડુરોગમાં તથા દુર્બળ વ્યક્તીને હીતકારી છે. રોજ સવાર-સાંજ બેથી ત્રણ અંજીર ખુબ ચાવીને ખાઈ ઉપર એક ગ્લાસ દુધ પીવું.
અંઘેડો
October 30, 2008અંઘેડો એનાથી ઘણા રોગોનો નાશ થાય છે, આથી એને સંસ્કૃતમાં અપામાર્ગ કહે છે. અંઘેડો તીખો કડવો અને ગરમ છે. એ વાયુ અને કફના રોગોમાં ઉપયોગી છે. અંઘેડો ચોમાસામાં બધે થાય છે. પાણીવાળી વાડી-ખેતરોમાં બારે માસ થાય છે. એનાં પાન લંબગોળ અને છેડે અણીયાળાં હોય છે. એને લાંબી સળી ઉપર માંજર આવે છે. તેનાં ફુલનાં મોં નીચેની તરફ અને બીજ અણીવાળાં નાનાં હોય છે. અંઘેડાનાં મુળ, બીજ, પંચાંગક્ષાર અને પાન ઔષધમાં વપરાય છે. (૧) અડધી ચમચી અંઘેડાનાં બીજનું ચુર્ણ ચોખાના ધોવાણ સાથે લેવાથી હરસમાં પડતું લોહી બંધ થાય છે. (૨) એના બીજનું ચુર્ણ સહેજ સુંઘવાથી પુશ્કળ છીંકો આવે છે અને માથાનો દુઃખાવો મટી જાય છે. (૩) અંઘેડાના બીજની રાબ બે ચમચી ખાવાથી ભષ્મક (પુશ્કળ ભુખ લાગવાનો) રોગ મટે છે.
અંકોલ
October 29, 2008અંકોલ એનાં મોટાં વૃક્ષો કાંટાવાળાં અને કાંટા વગરનાં એમ બે જાતનાં થાય છે. પાન કરેણનાં પાન જેવાં, લાંબાં રુંવાટીવાળાં અને બે આંગળ પહોળાં હોય છે. આપણે ત્યાં ઘણા પ્રાંતોમાં અંકોલ થાય છે. અંકોલનાં ઝાડવાં પંચમહાલ તરફ ખુબ થાય છે. એને જાંબુ જેવાં ગોળ ફળ આવે છે, જે અષાઢ માસમાં પાકે છે, એને ખાઈ શકાય છે. ફળનો રંગ રતાશ પડતો ઘેરો જાંબુડી હોય છે. ઉપરનું છોડું ઉખેડતાં અંદરથી લીચી જેવો ઘેરો સફેદ ગર્ભ નીકળે છે, જે બાળકો હોંશે હોંશે ખાય છે. એનાં બીમાંથી તેલ નીકળે છે. અંકોલ તુરું, કડવું, પારાની શુદ્ધી કરનાર, લઘુ, મળને સરકાવનાર, તીક્ષ્ણ અને ઉષ્ણ છે. તેનો રસ ઉલટી કરાવનાર, વાતશુળ, કટીશુળ, વીષ, કફ, કૃમી, આમપીત્ત, રક્તદોષ, વીસર્પ અને અતીસાર મટાડે છે. તેનાં બીજ ઠંડાં, બળકારક, સ્વાદીષ્ટ, કફકર, મળને સરકાવનાર, ચીકણાં અને મૈથુનશક્તી વધારનાર છે. તેનાં બીજનું તેલ વાયુ અને કફનાશક તથા માલીશ કરવાથી ચામડીના દોષોનો નાશ કરે છે. અંકોલનાં ફળ કફને હરનાર છે, પચવામાં ભારે છે, મળાવરોધક(કબજીયાત કરનાર) છે અને જઠરાગ્નીને મંદ કરે છે. એ કફના રોગોમાં ઉત્તમ છે. શરીરને પુષ્ટ કરે છે તથા બળ આપે છે. એ વાયુ અને પીત્તના રોગોમાં ઉપયોગી છે. દાહ-શરીરની આંતરીક બળતરાને શાંત કરે છે. (૧) અંકોલના મુળની છાલ ચોખાના ઓસામણમાં ઘસીને મધ કે સાકર નાખી પીવાથી પાતળા ઝાડા બંધ થાય છે. (૨) અંકોલના ફુલની સુકી કળીઓ, આમળાં અને હળદરનું સમાન ભાગે બનાવેલું ૧-૧ ચમચી ચુર્ણ સવાર-સાંજ પાણી સાથે લેવાથી પાતળા ઝાડા બંધ થાય છે. (૩) અંકોલના લીલાં મુળીયાંનો એક ચમચી રસ પીવાથી રેચ લાગી કૃમીઓ મળ વાટે બહાર નીકળી જાય છે. (૪) એ રસ દરરોજ સવારે લેવાથી શરુઆતનો જળોદર રોગ મટે છે. (૫) અંકોલના બીજનું તેલ લગાડવાથી ગુમડાનાં ચાંદાં મટે છે. (૬) એ તેલમાં અંકોલની છાલ વાટી મલમ બનાવી લગાડવાથી ચામડીના જુના રોગો મટે છે. (૭) અંકોલનાં પાન વાટી લેપ કરવાથી સોજા ઉતરે છે.
અષ્ટમંગલ ઘૃત
October 28, 2008અષ્ટમંગલ ઘૃત બજારમાં એ તૈયાર પણ મળે છે. વજ, કઠ, બ્રાહ્મી, સફેદ વાળો, સરસવ, અનંતમુળ, સીંધવ અને લીંડીપીપર આ આઠ ઔષધ સરખા વજને લઈ પાણીમાં વાટી ચટણી જેવું બનાવી એમાં ચારગણું ગાયનું ઘી અને સોળગણું પાણી મેળવી ધીમા તાપે ઉકાળી ફક્ત ઘી બાકી રહે ત્યારે ઉતારી ગાળી લીધેલા ઘીને અષ્ટમંગલ ઘી કહે છે. આ ઘી બાળકોને થોડું થોડું ચટાડવાથી બુદ્ધી વધે છે, યાદશક્તી તીવ્ર બને છે તથા શારીરીક અને માનસીક વીકાસ ઝડપી બને છે. ત્રણ વર્ષથી મોટાં બાળકોને અડધી ચમચી ઘી સવાર-સાંજ આપવું.
અશ્વગંધા-ઉપયોગો, ગતાંકથી ચાલુ
October 27, 2008અશ્વગંધા-ઉપયોગો, ગતાંકથી ચાલુ (૫) અશક્તી લાગતી હોય, ચક્કર આવતાં હોય, થાક લાગતો હોય, વજન વધતું ન હોય, કમર દુખ્યા કરતી હોય, એવી વ્યક્તીઓએ એક ચમચી અશ્વગંધાનું ચુર્ણ થોડા ઘીમાં શેકી એક ગ્લાસ દુધમાં નાખી ઉકાળવું. ઉકાળતી વખતે તેમાં બે ચમચી સાકર મીશ્ર કરી ઠંડું પાડી રોજ રાત્રે પીવું. આ ઔષધ પ્રયોગથી થોડા દીવસોમાં જ ઉપરની તકલીફો દુર થાય છે. નબળા બાંધાના બાળકોનું વજન વધારવામાં આ ઉપચાર ખુબ જ હીતાવહ છે. સ્ત્રીઓના પ્રદર-લ્યુકોરીયામાં, પુરુષોના વીર્યદોષો દુર કરવામાં, વૃદ્ધાવસ્થા આવતી રોકવામાં અશ્વગંધાનો આ પ્રયોગ ખુબ ઉપયોગી છે. અશ્વગંધાના લેટીન નામનો અર્થ થાય છે ‘ઉંઘ લાવનાર.’ આમ તે અનીદ્રા અને માનસીક રોગોમાં પણ હીતાવહ છે. (૬) અશ્વગંધાદી ચુર્ણઃ અશ્વગંધા ૪૦૦ ગ્રામ, સુંઠ ૨૦૦ ગ્રામ, લીંડીપીપર ૧૦૦ ગ્રામ, કાળાં મરી ૮૦ ગ્રામ, ભારંગમુળ, તાલીસપત્ર, કચુરો, અજમો, માયાં, તજ, તમાલપત્ર, એલચી, નાગકેસર, જટામાસી, રાસ્ના, નાગરમોથ, ચણકબાબ, કડુ, ગળો અને કઠ આ દરેક ઔષધ ૧૦-૧૦ ગ્રામ અને સાકર ૯૦૦ ગ્રામ લઈ ખાંડીને બનાવેલું ચુર્ણ તે ‘અશ્વગંધાદી ચુર્ણ.’ બજારમાં મળે છે. એક ચમચી જેટલું આ ચુર્ણ ઘી સાથે લેવાથી ક્ષય, માખણ સાથે ચાટવાથી પીત્તરોગ અને ગોખરુના ઉકાળા સાથે પીવાથી પથરી, સોજા અને મુત્રમાર્ગના રોગો મટે છે. આ ચુર્ણ બળ, બુદ્ધી અને વજન વધારે છે.
અશ્વગંધાના ઉપયોગો
October 26, 2008
અશ્વગંધાના ઉપયોગો (૧) એક ગ્લાસ બકરીના દુધમાં એટલું જ પાણી ઉમેરી, એક ચમચી અશ્વગંધાનું ચુર્ણ અને સાકર નાખી પાણી બળી જાય ત્યાં સુધી ઉકાળી સવાર-સાંજ મુખ્ય ઔષધો સાથે પીવાથી ક્ષયમાં જલદી ફાયદો થાય છે. જેમનું શરીર ખુબ જ પાતળું-કૃશ પડી ગયું હોય તથા વજન વધતું જ ન હોય તેઓ પણ આ ઉપચાર કરી શકે. (૨) અશ્વગંધાનાં સડેલાં ન હોય એવાં પુષ્ટ મુળીયાનું બારીક ચુર્ણ (જે બજારમાં તૈયાર પણ મળે છે) અડધીથી એક ચમચી ઘીમાં શેકી એક ગ્લાસ દુધમાં સાકર નાખી ઉકાળીને ઠંડુ પડે પછી પીવાથી અશક્તી લાગતી હોય, કમર દુઃખતી હોય, ચક્કર આવતાં હોય, વજન વધતું ન હોય વગેરેમાં લાભ થાય છે. સુકાતા જતા બાળક માટે અને નબળા બાંધાની સ્ત્રીઓ માટે આ ઉપચાર ખુબ સારો છે. એનાથી પ્રદર મટે છે, વાજીકરણ શક્તી (સેક્સ પાવર) વધે છે અને ઉંઘ પણ સારી આવે છે. અશ્વગંધારીષ્ટ પણ પી શકાય. (૩) અશ્વગંધા, ગળો અને સાકરનું સમભાગે બનાવેલું ચુર્ણ સર્વ રોગહર છે. (૪) એક ગ્લાસ દુધમાં એક ચમચી અશ્વગંધાનું ચુર્ણ અને બે ચમચી સાકર નાખી ઉકાળી ઠંડું પાડી રોજ સવારે અથવા ઉંઘ ન આવતી હોય તો રોજ રાત્રે પીવું જોઈએ. એનાથી શરીર પુષ્ટ થાય છે, બળ વધે છે અને ઉંઘ સારી આવે છે.
અશ્વગંધા
October 25, 2008અશ્વગંધા અશ્વગંધાને આસન, આસંધ, અજગંધ અને ઢોરગુંજ અથવા આહન પણ કહેવામાં આવે છે. આ ખુબ જ સસ્તું છતાં ગુણોની દૃષ્ટીએ ખુબ જ ઉત્તમ ઔષધ છે. અશ્વગંધાનો છોડ પીલુડીને મળતો આવે છે. અશ્વગંધાના મુળમાં ઘોડા જેવી વાસ આવતી હોવાથી અશ્વગંધા કહે છે. અશ્વગંધામાં બે ખુબ જ અગત્યના ગુણો છે. બૃંહણ અને બલ્ય. બૃંહણ એટલે વજન વધારનાર એટલે કે શરીરને પુષ્ટ કરનાર. બલ્ય એટલે બળ વધારનાર. અશ્વગંધામાં ઉંઘ લાવવાનો એક ત્રીજો ગુણ પણ છે. અશ્વગંધા સ્વાદમાં તુરું, સહેજ તીખું, રસાયન, ધાતુપુષ્ટીકર, બળ આપનાર, કાંતી વધારનાર, વૃષ્ય એટલે કે મૈથુનશક્તી વધારનાર છે. તે વાયુના રોગો, શુક્રદોષ, ક્ષય, દમ-શ્વાસ, ઉધરસ, વ્રણ, સફેદ કોઢ, કફ, વીષ, કૃમી, સોજો, કંડુ એટલે કે ખંજવાળ, અને ત્વચા રોગોમાં ખુબ હીતાવહ છે. અશ્વગંધા રસાયન, ધાતુવૃદ્ધીકર, કાંતીવર્ધક, વાજીકર અને દૃષ્ટી સ્વચ્છ કરે છે.
અશોક
October 24, 2008અશોક આસોપાલવ એ અશોક નથી. અશોકનાં વૃક્ષો આંબાનાં જેવાં ઘેઘુર-વીશાળ થાય છે. એનાં પાન પણ આંબાનાં જેવાં જ હોય છે. એનાં ફળ ઉનાળામાં જાંબુ જેવાં થાય છે, જે ખાઈ ન શકાય તેવાં અત્યંત કડવાં હોય છે. અશોક શીતળ, કડવું, ગ્રાહી, વર્ણપ્રદ, તુરું હોય છે. તે શોષ, ગળા પર થતી ગાંઠ, દાહ, કૃમી, સોજો, વીષ અને રક્તના વીકારો મટાડે છે. અશોકની છાલ રક્તપ્રદર-લોહીવા મટાડે છે. એની છાલમાંથી બનાવાતું દ્રવ અશોકારીષ્ટ અનેક સ્ત્રીરોગોમાં વપરાય છે. જે દરેક જાણીતી ફાર્મસી વેચે છે. અશોકની છાલ સ્ત્રીરોગોમાં ખુબ ઉપયોગી ઔષધ છે. (૧) એક ગ્લાસ ગાય કે બકરીના દુધમાં એટલું જ પાણી ઉમેરી એક ચમચી અશોક વૃક્ષની છાલનું ચુર્ણ નાખી પાણી બળી જાય ત્યાં સુધી ઉકાળી, ઠંડુ કરી સવાર-સાંજ પીવાથી અને આહારમાં ગરમ પીત્તવર્ધક દ્રવ્યોનો ત્યાગ કરી, સંપુર્ણ આરામ કરવાથી રક્તપ્રદર-લોહીવા મટે છે. એમાં બજારમાં તૈયાર મળતું અશોકારીષ્ટ પણ ઉત્તમ છે. (૨) સવાર-સાંજ જમ્યા પછી બે ચમચી અશોકારીષ્ટમાં થોડું પાણી ઉમેરી પીવાથી સ્ત્રીરોગો-રતવા(લોહીવા), અનીયમીત- વધુ પડતું કે ઓછું- માસીક, ગર્ભાશયનો સોજો, સ્ત્રીબીજ ગ્રંથીનો સોજો, સ્ત્રીબીજ છુટું ન પડવું, યોગ્ય કદમાં તૈયાર ન થવું વગેરે દુર થાય છે. આ ઉપરાંત ગાંઠ, સોજો, પેટના કૃમી, ચામડી અને રક્તના રોગોમાં પણ લાભ થાય છે. અશોકની છાલનું ચુર્ણ અડધી ચમચી સવાર-સાંજ લેવાથી પણ ફાયદો થાય છે.
અશેળીયો
October 23, 2008અશેળીયો એકથી દોઢ ફુટ ઉંચા અશેળીયાના છોડ ભારતમાં બધે જ થાય છે. એ કડવો, તીખો અને ગરમ છે. તેનાં બી રાઈના દાણા જેવાં છીંકણી-રાતા રંગનાં, સાંકડાં, લંબગોળ, ચમકતાં, સુંવાળાં અને ટોચ પર ચપટાં હોય છે. બજારમાં એ મળે છે અને ઔષધમાં વપરાય છે. એમાં ૨૮ ટકા જેટલું તેલ હોય છે. અશેળીયો વાયુનો નાશ કરનાર, બળ વધારનાર, ધાવણ વધારનાર, કટીશુળહર, વાયુ અને કફના રોગોમાં હીતાવહ, હેડકી શાંત કરનાર અને પુષ્ટીકારક છે. અશેળીયાની ઘીમાં બનાવેલી રાબ પીવાથી પ્રસુતી જલદી થઈ જાય છે. આ રાબ પીવાથી હેડકી પણ શાંત થઈ જાય છે, ધાવણ વધે છે, ભુખ લાગે છે અને સ્વાસ્થ્ય સારું રહે છે. એનાથી કમરનો દુ:ખાવો પણ મટે છે. એના બીજનો લેપ કરવાથી મચકોડનો સોજો અને દુ:ખાવો મટે છે. સાંધાના સોજા પર પણ એનો લેપ કરી શકાય. (૧) અશેળીયાનાં બી ખાવાથી યકૃત અને બરોળના લોહીનો જમાવ દુર થાય છે. (૨) સંધીવા, કટીશુળ અને ઘુંટણના દુઃખાવામાં એની રાબડી પીવાથી રાહત થાય છે. (૩) સ્ત્રીઓને જલદી પ્રસુતી કરાવવામાં પણ એની રાબડી વપરાય છે. (૪) શીયાળામાં પુષ્ટી માટે વસાણામાં પણ એ નાખવામાં આવે છે. (૫) અશેળીયો ગરમ અને અનુલોમન ગુણવાળો હોવાથી અપચાને લીધે થતી ઉલટી અને હેડકી મટાડે છે. (૬) એક ગ્લાસ દુધમાં એક ચમચી અશેળીયાનાં બી ઉકાળી બરાબર એકરસ થાય તેવી ખીર બનાવી ખાવાથી વાયુના રોગો મટે છે. (૭) બાળકોને એ ખીર આપવાથી બાળકો હૃષ્ટપુષ્ટ થાય છે. (૮) એનાથી કમર મજબુત થાય છે. ધાતુ પુષ્ટ થાય છે અને રાંઝણ અને કટીશુળ મટે છે. (૯) આ ખીર પ્રસુતાને બે મહીના સુધી ખવડાવવાથી ધાવણ વધે છે અને બાળકનો બાંધો મજબુત બને છે. (૧૦) એક ચમચી અશેળીયાનાં બી એક ચમચી સાકર સાથે રોજ રાત્રે ખાઈ ઉપર દુધ પીવાથી મૈથુનશક્તી વધે છે-વાજીકરણ અને રસાયન ઔષધ જેવી અસર થાય છે.