Archive for November, 2008

કઠ-ઉપલેટ

November 30, 2008

કઠ-ઉપલેટ કઠનો બહુવર્ષાયુ છોડ હીમાલયમાં ૮થી ૧૨ હજાર ફુટની ઉંંચાઈએ થાય છે. પાણીમાં થતા આ છોડનાં સુગંધી મુળ (જે બજારમાં મળે છે) ઔષધમાં વપરાય છે. મુળ ૩થી ૪ ઈંચ લાંબાં, અડધો ઈંચ પહોળાં, એક બાજુએ ચીરાયેલાં કે ફાટેલાં જલદી ભાંગી જનાર, તોડવાથી અંદર ગાજર જેવાં લાલ હોય છે. મુળ સ્વાદે તીખાં, કડવાં અને ગરમ હોય છે. એ ખાવામાં અને ચોપડવામાં વપરાય છે. એ કફ-વાયુના રોગોમાં ફાયદો કરે છે. એ મળને ખોતરનાર, શુક્રની શુદ્ધી કરનાર અને માલીશમાં ઉપયોગી છે. કઠ તીખી, કડવી, ઉષ્ણ, મીઠી, વાજીકર, રસાયન, શુક્રલ, કાંતીકારક, વાતકફનાશક, કોઢ, વીસર્પ, ખંજવાળ વગેરે મટાડે છે. (૧) મુળનું ચુર્ણ પા ચમચી સવાર-સાંજ મધ સાથે લેવાથી ચામડીના ઘણા રોગોમાં ફાયદો થાય છે. (૨) વ્રણ, ડાઘા, કોઢ, ખરજવા પર તેનો લેપ કરવાથી ફાયદો થાય છે. (૩) કઠ અને ધાણાનો લેપ કરવાથી ચામડીનો મંડલકુષ્ઠ મટે છે. (૪) કઠ-તેલનું હરસ પર માલીશ કરવાથી હરસ શાંત થાય છે. (૫) પા ચમચી કઠનું ચુર્ણ એક ચમચી મધ સાથે સવાર-સાંજ લેવાથી એપીલેપ્સી-અપસ્મારમાં ફાયદો થાય છે. (૬) કઠ અને જેઠીમધના ચુર્ણનો લેપ કરવાથી મુખકાંતી-સૌંદર્ય વધે છે. (૭) પા ચમચી કઠનું ચુર્ણ, એક ચમચી મધ અને બે ચમચી ઘી મીશ્ર કરી રોજ સવારે ચાટવાથી નીરોગી રહેવાય છે અને દીર્ઘાયુષી થવાય છે. (૮) વાલના દાણા જેટલું આ કઠના મુળનું ચુર્ણ સવાર-સાંજ એક ચમચી જેટલા મધમાં મીશ્ર કરી ચાટવાથી ઉન્માદ, અપસ્માર અને મુત્રલ હોવાથી સોજા અને મુત્રમાર્ગના રોગોમાં ખુબ જ હીતાવહ છે તથા સતત આવતી હેડકીનો વેગ શાંત થાય છે. (૯) કઠનું ચુર્ણ પાણી સાથે લગાડવાથી ત્વચા-ચામડીના રોગોમાં ફાયદો થાય છે. (૧૦) કઠનું ચુર્ણ ખાપરીયામાં શેકી તેલમાં કાલવી લેપ કરવાથી માથાનો ખોડો મટી જાય છે.

કચુરો

November 29, 2008

કચુરો કચુરો ભારતમાં બધે થાય છે. ઔષધમાં એનો કંદ વપરાય છે. એના કંદમાં ઉડ્ડયનશીલ તેલ, ગુંદર, શર્કરા, સ્ટાર્ચ અને સેન્દ્રીય અમ્લ હોય છે. તે કડવો, તીખો અને ગરમ હોય છે. કચુરો ભુખ લગાડનાર, અરુચી દુર કરનાર, પચવામાં હલકો, દમ, ગોળો, વાયુ, કફ, કૃમી, હેડકી અને હરસ મટાડે છે. કચુરાના કંદના સુકવેલા ટુકડા બજારમાં મળે છે. કચુરાના ટુકડા મોંમાં રાખવાથી મોંની ચીકાશ દુર થઈ ગળું સાફ રહે છે. દમ, ખાંસી અને હેડકીમાં એનો ઉપયોગ ખાસ થાય છે. તે શ્વેતપ્રદરમાં પણ ઉપયોગી છે.

કચરીયું

November 28, 2008

કચરીયું ગોળથી ત્રણ ગણા કાળા તલ લઈ બંનેને ખુબ ખાંડી-કુટી અથવા મશીનમાં પીલી સુંઠ, ગંઠોડા જેવાં ઔષધીય દ્રવ્યો થોડી માત્રામાં મેળવવાથી કચરીયું બને છે. કચરીયું સ્નીગ્ધ, ઉષ્ણ, મધુર, થોડું તુરું, ત્વચા અને વાળ માટે હીતકારી, વાયુનો નાશ કરનાર અને ભોજન પરની અરુચી દુર કરનાર છે. વજન વધારવા શીયાળામાં કચરીયું ખાસ ખાવું. ૩-૪ ચમચી અથવા પાચનશક્તી મુજબ સવાર-સાંજ ખુબ ચાવીને ખાવાથી એનો પુરતો લાભ મળે છે.

એલચો

November 26, 2008

એલચો (ખાટખટુંબો) એને સંસ્કૃતમાં પર્ણબીજ કહે છે, કેમ કે એના પાનમાંથી નવો છોડ ઉગે છે. અને એના પાનથી ઘા રુઝાતો હોવાથી હીંદીમાં ઘાવપત્તા કે જખ્મેહયાત કહે છે. આના નાના છોડ બહુવર્ષાયુ હોય છે અને કુંડામાં પણ ઉછેરી શકાય. એનાં પાન જાડાં, રસદાર અને કાંગરીવાળાં હોય છે. પાન સહેજ ખાટાં હોવાથી ગુજરાતીમાં એને ખાટખટુંબો પણ કહે છે. એના પાનનાં ભજીયાં અને ચટણી બને છે. (૧) ગમે તેવો રક્તસ્રાવ થતો હોય તો પાન ધોઈ લસોટી તેની લુગદી ઘા પર બાંધવાથી લોહી નીકળતું બંધ થાય છે અને ઘા જલદી મટે છે. (૨) મધુપ્રમેહમાં કેટલીક વખત પાઠાં પડે છે અને મોટાં ગુમડાંની જેમ પાકે છે. આની ઉપર એલચાનાં પાન બાંધવાથી પાઠું જલદી રુઝાઈ જાય છે. (૩) એલચાના પાનના રસનાં ચાર-પાંચ ટીપાં નાકમાં પાડવાથી નસકોરીમાં નાકમાંથી પડતું લોહી બંધ થાય છે. (૪) ચોટ વાગવી, મુઢમાર, ગાંઠ, વ્રણ વગેરે ઉપર એલચાનાં પાન સહેજ ગરમ કરી બાંધવાથી સોજો ઉતરી જાય છે. (૫) ઘા પડ્યો હોય તો પાનની લુગદી કરી ઘા પર મુકી ઉપર બીજું પાન મુકી પાટો બાંધવાથી ઘા જલદી મટી જાય છે.

એલચી

November 25, 2008

એલચી એલચી મોંની દુર્ગંધ દુર કરે છે. એ સુગંધી, રુચીકારક, ભુખ લગાડનાર, આહારનું પાચન કરાવનાર, કફ અને વાયુનો નાશ કરનાર અને ઉત્તેજક છે. હૃદયને બળ આપનાર, શ્વાસ, અંગોનો ત્રોડ, મુત્રકૃચ્છ, ખાંસી અને ક્ષયમાં ઉપયોગી છે. અન્નનળીની શીથીલતા અને દાહ-બળતરાવાળા રોગોમાં બહુ ઉપયોગી મનાય છે. પાચકરસોની ઉત્પત્તી ઓછી થતી હોય, પીત્તનો ઉચીત રીતે સ્રાવ થતો ન હોય તો એલચી અમુલ્ય ઔષધ છે. નાની એલચી રસમાં તીખી, સુગંધીત, શીતળ, પચવામાં હલકી, કફનાશક, વાયુનાશક, દમ-શ્વાસ, ઉધરસ, હરસ અને મુત્રકૃચ્છ્ર મટાડે છે. (૧) એલચી દાણા એનાથી બમણા આદુના બારીક-નાના ટુકડા સાથે સવાર-સાંજ ખુબ ચાવીને ખાવાથી થોડા દીવસમાં જ જઠરાગ્ની પ્રદીપ્ત થશે અને પાચક રસોનો સ્રાવ વધી જશે. (૨) નાની એલચીના દાણાનું ચુર્ણ ૬૦ ગ્રામ અને શેકેલી હીંગ ૧૦ ગ્રામના મીશ્રણનું પા (૧/૪) ચમચી જેટલું ચુર્ણ સવાર-સાંજ લીંબુના રસ સાથે લેવાથી પેટનો વાયુ, આફરો તેમ જ ઉદરશુળ મટે છે. (૩) પાચનતંત્રમાં જ્યારે આંતરીક પાચક રસોની ઉત્પત્તી ખુબ જ ઓછી થતી હોય, પીત્તનો યોગ્ય માત્રામાં સ્રાવ થતો ન હોય આવી અવસ્થામાં પાંચથી છ એલચી દાણાનું ચુર્ણ છથી સાત ચોખાભાર અને શેકેલી હીંગ એક ચોખાભાર લઈ, લીંબુના થોડા રસમાં મેળવીને આપવાથી પેટનો ગેસ-વાયુ, આફરો, ઉદરશુળ શાંત થાય છે, મટે છે. (૪) રાત્રે એલચી ખાવાથી કોઢ થવાનો સંભવ રહે છે. માટે રાત્રે એલચી ખાવી નહીં.

એરંડો

November 24, 2008

એરંડો એરંડો વાયુ દુર કરે છે. તે મધુર, ઉષ્ણ અને તીક્ષ્ણ છે. શરીરના આંતરીક શ્રોતો-માર્ગોમાં પ્રવેશી સર્વત્ર વ્યાપી જાય છે. તે શરીરના માર્ગોની શુદ્ધી કરે છે, વયસ્થાપન કરનાર-ઉમર જણાવા દેતો નથી, અને આરોગ્યદાયક છે. ઉપરાંત બુદ્ધીવર્ધક, બળ વધારનાર, કાંતી અને સ્મૃતીવર્ધક છે. ગર્ભાશયના અનેક રોગોમાં, પેટના-આંતરડાના રોગોમાં, શુક્રના રોગોમાં વાયુ અને કફના રોગોમાં ઉપયોગી ઔષધ છે. (૧) જુના વાયુના રોગમાં એરંડાના મુળની છાલનો બે ચમચી ભુકો બે ગ્લાસ પાણીમાં એક કપ પાણી બાકી રહે ત્યાં સુધી ઉકાળી, ઠંડુ પાડી બે ચમચી મધ નાખી સવાર-સાજ પીવું. એનાથી કટીશુળ, કમર કે સાંધા જકડાઈ જવાં, સાંધા દુઃખવા, પીંડીઓ અને સ્નાયુઓનું કળતર, રાંઝણ વગેરેમાં ખુબ ફાયદો થાય છે. વાયુના ઉગ્ર રોગમાં આ ઉકાળામાં એક ચમચી દીવેલ અને બે ચમચી સુંઠનો પાઉડર નાખી પીવામાં આવે તો વધુ લાભ થાય છે. (૨) દીવેલ એક તદ્દન નીર્દોષ વીરેચન દ્રવ્ય છે. એ ઘણા રોગો મટાડે છે. જુની કબજીયાત, કોઠામાં ગરમી, દુઝતા હરસ, મળમાર્ગમાં ચીરા, વારંવાર ચુંક આવી ઝાડા થવા, આંતરડામાં કે મળમાર્ગમાં બળતરા થવી વગેરેમાં દીવેલ ઉત્તમ ઔષધ છે. એક ગ્લાસ ગરમ દુધમાં બેથી ત્રણ ચમચી કે પોતાની પ્રકૃતી મુજબ દીવેલ નાખી રાત્રે સુતી વખતે પીવાથી એક-બે પાતળા ઝાડા થઈ કફ, પીત્તાદી દોષો નીકળી જાય છે અને આંતરડાની શક્તી વધે છે. (૩) દરરોજ સવારે એક કપ સુંઠના ઉકાળામાં એકથી દોઢ ચમચી દીવેલ નાખી પીવાથી આમવાત મટે છે. (૪) વાયુના રોગીએ એરંડાના પાનને બાફી વાના દુ:ખાવાની જગ્યાએ બાંધવાં. (૫) પેશાબ બંધ થયો હોય કે અટકીને આવતો હોય તો એરંડાના પાનને બાફીને પેઢા ઉપર ગરમ ગરમ બાધવાથી પેશાબની છુટ થાય છે. (૬) એરંડાના મુળની છાલ પરમ વાતહર છે. તેને અધકચરી ખાંડી, ઉકાળો બનાવી પીવાથી તમામ પ્રકારના વાના રોગ મટે છે. (૭) એરંડાનાં બી-દીવેલાનાં ફોતરાં કાઢી ચાર-છ બીજ દુધમાં ઉકાળી પીવાથી વાના રોગો મટે છે તથા પેટ અને પાચન તંત્રના રોગોમાં ફાયદો થાય છે.

એક ઉકાળો અને એક સુભાષીત

November 23, 2008

એક ઉકાળો અને એક સુભાષીત સુંઠ, અરડુસી, ભારંગમુળ અને ભોંયરીંગણી દરેક ઔષધ સુકું અને સરખા ભાગે ખાંડીને બનાવેલો અધકચરો બે-ત્રણ ચમચી ભુકો બે ગ્લાસ પાણીમાં નાખી ઉકાળવો. એક કપ જેટલું પાણી રહે ત્યારે ઉતારી, ઠંડું પાડી, ગાળીને સવાર-સાંજ પીવાથી ઉધરસ, હેડકી, શ્વાસ અને સ્વરભેદ મટે છે.

સાથે સાથે એક સુભાષીતઃ

दिनान्ते च पिबेत दूग्धं निशान्ते च पिबेत पय: |

भोजनान्ते च पिबेत तक्रं किं वैद्यस्य प्रयोजनम् ||

જો દીવસના અંતમાં દુધ પીવામાં આવે, રાત્રીના અંતમાં પાણી પીવામાં આવે અને ભોજનના અંતમાં છાશ પીવામાં આવે તો પછી વૈદ્યની શી જરુર છે ?

ઉષ્ણ ફળો

November 21, 2008

ઉષ્ણ ફળો સામાન્ય રીતે ફળો દરેક માટે લાભકારી હોય છે પણ તેમાં કેટલાંક ફળો ઉષ્ણ પ્રકૃૃતી ધરાવતાં હોય છે જેવાં કે કેરી, પપૈયુ, સકરટેટી વગેરે. આવાં ફળો વ્યક્તીમાં જુસ્સો તો પ્રેરે જ છે પણ શ્વાસ (દમ) જેવી બીમારીમાં પણ રાહત આપે છે. તાજેતરમાં થયેલા સંશોધનમાં એ બાબત સાબીત થઈ છે કે દમ, ફેફસામાં થતો કફ એ આવા ઉષ્ણ પ્રકૃતી ધરાવતા ફળોને કારણે ઘટે છે. એટલું જ નહીં પણ બ્લડ પ્રેસર ઘટાડવામાં પણ ઉપયોગી થાય છે. પહેલાં વૈજ્ઞાનીકોનું માનવું હતું કે ફળોથી કફ પ્રધાન વ્યક્તીઓને કફ વધવાની દહેશત રહે છે પણ હવે એ બાબતમાં વૈજ્ઞાનીકોનું એવું મંતવ્ય છે કે જે વ્યક્તીઓને દમ હોય અને સાઈડ ઈફેક્ટના ડરથી દવા લેવા તૈયાર ન હોય તેવી વ્યક્તીને ફળો પણ દમમાં રાહતરુપ થઈ શકે છે.

ઉમરો

November 20, 2008

ઉમરો ઉમરો, પીપળો, પીપર, જાંબુ અને વડ એક જ વર્ગનાં વૃક્ષો છે. એને પંચવલ્કલ કહે છે. આ પાંચે વૃક્ષોની છાલ દવામાં વપરાય છે. એના ઉકાળાથી મોં પાકવું, જીભ આડી થવી, પેઢાં પાકી જવાં વગેરે મટે છે. એના ઉકાળાની બસ્તી લેવાથી આંતરડામાં પડેલાં ચાંદાં-ઘારાં, રક્ત અને પરુ સાથેના ઝાડા, અલ્સરેટીવ કોલાયસીસ વગેરે મટે છે. શરીરના કોઈ પણ ભાગમાંથી લોહી જતું હોય તો ઉમરાનો ઉપયોગ કરી શકાય. તેની છાલ, પાન, ફળ, મુળ બધાં જ ઉપયોગી છે. ઉમરાને તોડવાથી કે કાપવાથી દુધ જેવું સફેદ દ્રવ નીકળે છે. તેને અંજીર જેવાં જ ફળ આવે છે. તે પાકે ત્યારે ખાઈ શકાય. તેનું શાક પણ કરી શકાય. ઉમરો શીતળ, કસુવાવડ અટકાવનાર, ચાંદાં મટાડનાર, રુક્ષ, મધુર અને તુરો, પચવામાં ભારે, વર્ણને સુધારનાર, અસ્થી સાંધનાર, કફ, પીત્ત, અતીસાર તથા યોનીરોગનો નાશ કરનાર છે. ઉમરાની છાલ પેશાબને રોકનાર, શીતળ, દુધ વધારનાર, ગર્ભને હીતાવહ અને વ્રણનાશક છે. તેનાં ફળ મીઠાં, તુરાં, સ્તંભક અને શીતળ છે. (૧) વારંવાર પેશાબ થતો હોય તો એક ચમચી ઉમરાની છાલનો ભુકો ચાર કપ પાણીમાં એક કપ જેટલું પાણી રહે ત્યાં સુધી ઉકાળી સવાર-સાંજ પીવાથી લાભ થાય છે. (૨) ઉમરાનાં પાકાં ફળ ગોળ કે મધ સાથે ખાવાથી રક્તપીત્ત મટે છે. (૩) ઉમરાનું દુધ સોજાવાળા ગાલ પર લગાડવાથી ગાલપચોળીયું મટે છે. (૪) મચકોડના સોજા પર ઉમરાનું દુધ લગાડવાથી સોજો અને દુ:ખાવો મટે છે. (૫) પતાસા પર ઉમરાનાં દુધનાં ચારથી પાંચ ટીપાં પાડી ખાવાથી રક્તાતીસાર મટે છે. (૬) ઉમરાનાં સુકવેલાં પાકા ફળનું એક ચમચી જેટલું ચુર્ણ એટલી જ સાકર સાથે લેવાથી રક્તપ્રદર મટે છે.

ઉપયોગી ચુર્ણ

November 19, 2008

ઉપયોગી ચુર્ણ અજમો, કાંચકાનાં મીંજ અને સંચળનું સરખા વજને બનાવેલું પા ચમચી અથવા વાલના દાણા જેટલું ચુર્ણ રોજ સવાર-સાંજ આઠ-દસ દીવસ લેવાથી પેટના તમામ પ્રકારના કૃમીઓનો નાશ થાય છે. જેથી પેટ હલકું થશે. ભુખ સારી લાગશે. ગૅસ, આફરો, ગડગડાટ મટશે, મળ સાફ ઉતરશે તથા અચાનક જ થઈ જતા ઝાડા મટી જશે. પેટની આંકડી-ચુંક મટી જશે. શરીરમાં રહેતો ધીમો તાવ દુર થશે.