ખેર એને સંસ્કૃતમાં ખદીર કહે છે. મધ્યમ કદના, ખરબચડી છાલવાળા કાંટાદાર ખેરના વૃક્ષને આછા પીળા રંગનાં ફુલો થયા પછી ૨ થી ૪ ઈંચ લાંબી, પાતળી, ચપટી અને ભુરા રંગની શીંગ થાય છે. પાનમાં વપરાતો કાથો ખેરના લાકડામાંથી બને છે. ખેર શીતળ, દાંત માટે હીતકર, ખંજવાળ, ખાંસી-ઉધરસ, ગળું બેસી જવું, ગળાનો સોજો અને અરુચીનો નાશ કરે છે. એ કડવું, તુરું, મેદનાશક, કૃમીનાશક, પ્રમેહનો નાશ કરનાર, મોઢાનાં ચાંદાં, સોજો, કોઢ, આમ, પીત્ત અને રક્તના રોગો, પાંડુ તથા ત્વચા રોગો મટાડે છે. ચામડીના રોગોનું ખેર સર્વોત્તમ ઔષધ છે. (૧) ખેરની છાલનું ચુર્ણ ત્રણથી ચાર ગ્રામ સવાર, બપોર, સાંજ પાણી સાથે ફાકવાથી ચામડીના રોગો મટે છે. આખા શરીરે ચામડીનો રોગ પ્રસરી ગયો હોય તો ખેરની છાલનો ઉકાળો પાણીમાં નાખી સ્નાન કરવું. (૨) ચામડીમાંથી પાણી, પરુ, લોહી કે કફ ઝમતાં હોય તો ખેરની છાલના ઉકાળાથી ખરાબ ચામડી-વ્રણ ધોવાં. (૩) કોઢવાળી કોઈ પણ વ્યક્તી નાહવામાં, પીવામાં અને આહારમાં ખેરનો જ ઉપયોગ કરે તો તે રોગમુક્ત બને છે. સફેદ કોઢના દર્દીએ લાંબા સમય સુધી સવાર-સાંજ ખેરની છાલનો ઉકાળો પીવો અને ખેરની છાલનો ઉકાળો નાખેલા પાણીથી સ્નાન કરવું. (૪) શનૈર્મેહ નામના પ્રમેહમાં મુત્ર ધીરે ધીરે અને થોડું થોડું આવે છે. એ કફના કારણે થાય છે. તથા ક્ષૌદ્રમેહ વાયુથી થાય છે. આ બંને પ્રમેહમાં ૧૦ ગ્રામ ખેરની છાલનો ભુકો બે કપ પાણીમાં ધીમા તાપે અડધાથી પોણા ભાગનું પાણી બળી જાય ત્યાં સુધી ઉકાળી, ઠારીને ગાળી રોજ સવાર-સાંજ તાજું બનાવી પીવાથી લાભ થાય છે. (૫) ખેરની છાલનો ઉકાળો મોંમાં ભરી રાખવાથી દાંતના રોગો, દાંતનો દુઃખાવો, રક્તસ્રાવ, મોંમાંથી વાસ આવવી વગેરે મટે છે. (૬) ખેરના વૃક્ષની જીવીત સ્થીતીમાં ઝાડની વચમાં કુદરતી રીતે જે કાથો તૈયાર થાય છે તેને ‘ખેરસાર’ કહે છે. દરરોજ સવાર, બપોર, સાંજ છ ચોખાભાર ખેરસાર અડધી ચમચી મધમાં ચાટવાથી હાથીપગુ મટે છે. (૭) ખેરસાર તુરું હોવાથી ગર્ભાશય ઢીલું થઈ ગયું હોય તો તેને સ્વચ્છ કરી શીથીલતા દુર કરે છે. કસુવાવડ, અતી સંભોગ કે પ્રદર જેવી વ્યાધીને લીધે ગર્ભાશય ઢીલું પડી જાય છે. એમાં ખેરસારનો ઉપયોગ આશીર્વાદ સમાન છે, કેમકે એનાથી ગર્ભાશય મજબુત થાય છે.
ખદીરારીષ્ટ એમાં ખેર મુખ્ય ઔષધ છે. એની માત્રા ચારથી છ ચમચી સવાર-સાંજ. એ મહાકુષ્ઠ-લેપ્રસી, અર્બુદ, પાંડુરોગ, કાસ-ઉધરસ, શ્વાસ, કૃમી, ગાંઠ, સર્વ પ્રકારના કોઢ અને રક્ત બગાડમાં હીતાવહ છે. ખદીરાદીવટી ૧૦૦ ગ્રામ ખેરસાર તથા કપુર, સોપારી, જાયફળ, ચણકબાબ અને એલચી દરેક ૨૦-૨૦ ગ્રામના મીશ્રણના બારીક ચુર્ણમાં પાણી મેળવી ચણાના દાણા જેવડી બનાવેલી ગોળીને ખદીરાદીવટી કહે છે. આ ત્રણચાર ગોળી સવાર, બપોર, સાંજ મોંમાં રાખી ધીમે ધીમે ચુસવાથી સુકી ઉધરસ, અવાજ બેસી જવો, મોંમાં ચાદાં, જીભ, દાંત, દાંતનાં પેઢાંની તકલીફ મોળ આવવી વગેરેમાં ફાયદો થાય છે. ખદીરાદીવટી બજારમાં તૈયાર પણ મળે છે.