Archive for March, 2009

તુલસી

March 31, 2009

તુલસી તુલસીમાં રહેલું એક વીશીષ્ટ તેલ હવાને જંતુમુક્ત કરી શુદ્ધ કરે છે. સવારે નરણે કોઠે તુલસીનો રસ પાણી સાથે લેવાથી બળ, તેજ અને સ્મરણ શક્તી વધે છે. મોંમાંથી દુર્ગંધ આવતી હોય તો તુલસીનાં થોડાં પાન દરરોજ ચાવવાથી તે દુર થાય છે અને સ્વાસ્થ્યની વૃદ્ધી થાય છે. તુલસી શરીરની વીદ્યુત જાળવી રાખે છે. તુલસીની માળા ધારણ કરનાર ઘણા રોગોથી મુક્ત રહે છે. તુલસી ગરમ હોવાથી કફના તમામ રોગોમાં અતી ઉપયોગી છે. શરદી, સળેખમ, સસણી, ઉધરસ, શ્વાસ જેવા કફના રોગો તે મટાડે છે. આ ઉપરાંત પાચનતંત્રના રોગોમાં પણ તે ઉપયોગી છે. ભુખ મરી જવી, ખાવામાં રુચી ન રહેવી, પેટ ડબ રહેવું, મોં વાસ મારવું વગેરે રોગોમાં તેનો ઉપયોગ થઈ શકે. તુલસીનાં પાન એમ ને એમ કાચાં ખાઈ શકાય. તેનાં પાનનો રસ કાઢી પી શકાય. તુલસીનાં પાનની સુકવણી કરી જરુર પડ્યે ઉપયોગમાં લઈ શકાય. ગરમ પ્રકૃતીવાળાએ અને પીત્તજન્ય રોગોમાં તેનો ઓછો ઉપયોગ કરવો. તુલસીનાં પાન ખાઈને દુધ પીવું નહીં. એના નીત્ય સેવનથી એસીડીટી, મરડો, કોલાઈટીસ વગેરે મટે છે. સ્નાયુનો દુખાવો, શરદી, સળેખમ, મેદવૃદ્ધી, માસીક સંબંધી રોગો અને દુખાવો, બાળકોના રોગો- ખાસ કરીને શરદી, કફ, ઝાડા-ઉલટીમાં ફાયદો કરે છે. તુલસી હૃદયરોગમાં આશ્ચર્યજનક ફાયદો કરે છે. આંતરડાના રોગોની તુલસી અકસીર દવા છે. એક ફ્રેન્ચ ડૉક્ટરે પણ કહ્યું છે કે તુલસી એક અદ્ભુત ઔષધી છે. તુલસી પર કરવામાં આવેલા પ્રયોગોથી સાબીત થયું છે કે બ્લડપ્રેશરના અને પાચનતંત્રના નીયમનમાં, રક્તકણો વધારવામાં, તેમ જ માનસીક રોગોમાં તુલસી અત્યંત લાભદાયી છે. ઉપરાંત એ બ્રહ્મચર્યના રક્ષણમાં અને યાદશક્તી વધારવામાં અનુપમ સહાયક છે. તુલસીનો રસ બેથી ત્રણ ચમચી અને સુકી તુલસીનું ચુર્ણ એક ચમચી મધ સાથે સવાર-સાંજ લઈ શકાય.

તુલસીના ઉપયોગો હવે પછી

તાંદળજો

March 30, 2009

તાંદળજો એક પ્રચલીત લોકમાન્યતા અથવા લોકવાયકા છે કે, આયુર્વેદની દવાઓ ચાલતી હોય તો તાંદળજાની ભાજી ન ખવાય. એથી દવાઓની અસર મારી જાય છે. આવી લોકમાન્યતામાં કશું તથ્ય નથી. બારે માસ મળતી તાંદળજાની ભાજી બારે માસ ખાઈ પણ શકાય. એ એક ઉત્તમ ઔષધ છે. તાંદળજો વીષઘ્ન એટલે કે ઝેરનાશક છે. તે મધુર અને શીતળ હોવાથી પીત્તના, લોહીના અને ત્વચાના રોગોમાં ખુબ જ હીતાવહ છે. પચવામાં હલકો, સ્વાદીષ્ટ અને રુચી ઉપજાવનાર, જઠરાગ્ની પ્રદીપ્ત કરનાર અને બધાંને જ હીતકર આહારદ્રવ્યો એમાં છે. શરીરની આંતરીક બળતરાને શાંત કરનાર, મળમુત્ર સાફ લાવનાર, મુત્રાવરોધમાં ખુબ જ ઉપયોગી, કબજીયાતને તોડનાર, આંખો માટે હીતાવહ, રક્તસ્રાવ બંધ કરનાર, હરસ-મસા (પાઈલ્સ), લોહીવા, રક્તાતીસાર, ગડગુમડ, જ્વર, ખંજવાળ, ખરજવું, દાદર, ગરમીના સોજા, નસકોરી ફુટવી, ધાવણ ઓછું આવવું વગેરે વીકૃતીઓમાં તાંદળજાનું સેવન ખુબ ફાયદાકારક છે. તાંદળજાના તાજા રસમાં સાકર મેળવી પીવાથી હાથપગની બળતરા અને આંતરીક દાહનું શમન થાય છે. આંખનું તેજ વધે છે, ત્વચાની કાંતી ચમકવા લાગે છે. તાંદળજાનો રસ સાકર નાખી પીવાથી વીષની અસર પણ ઘટી જાય છે. વળી શરીરના કોઈ પણ ભાગમાંથી રક્તસ્રાવ થતો હોય અથવા શરીરના કોઈ પણ ભાગમાં બળતરા થતી હોય તો તાંદળજાના તાજા રસમાં સાકર નાખી પીવાથી લાભ થાય છે. આંખના રોગોમાં તાંદળજો ઉત્તમ ગણાય છે, કેમ કે એમાં વીટામીન સારા પ્રમાણમાં છે. તાવમાં પણ તાંદળજાની ભાજી પથ્ય છે. ભાજીઓમાં તાંદળજાનું સ્થાન ઉંચું છે. ઉન્માદ, તાવ, રક્તપીત્ત, પાંડુ, કમળો, ત્રીદોષ, શીતપીત્ત, કફ અને ઉધરસનો નાશ કરે છે.

તલનું તેલ

March 29, 2009

તલનું તેલ માત્ર તલ અને સરસવનું તેલ જ તેલ કહેવાય, શીંગ, સુર્યમુખી, કપાસીયા, પામોલીન વગેરેના તેલને તેલ કહેવાય નહીં. તલનું તેલ ગરમ છે, આથી તે જઠરાગ્નીને પ્રદીપ્ત કરે છે, અને વાયુનાશક છે. તે એક ઉત્તમ ટોનીક છે. તે ઝાડા અને પેશાબને બાંધે છે. તલના તેલથી ચામડી મુલાયમ બને છે. તલના તેલથી કૉલેસ્ટરોલનો નાશ થાય છે.

તલના તેલનો કોગળો મોંમાં તલનું તેલ ભરી થાકી જવાય ત્યાં સુધી મોં ફુલાવી રાખવાથી જડબાં બળવાન બને છે, સ્વર ગંભીર-દુર સુધી સાંભળી શકાય તેવો સુસ્પષ્ટ તથા મુખપ્રદેશ ભરાવદાર થાય છે. આહાર-રસોના સ્વાદની યોગ્ય અનુભુતી અને આહાર પર અભીરુચી ઉત્પન્ન થાય છે. તલના તેલનો કોગળો કરનારને ક્યારેય મુખશોષ(મોં સુકાવું તે) થતો નથી કે હોઠ ફાટવાનો ભય રહેતો નથી. ખાટા આહાર દ્રવ્યો ખાધા પછી દાંત અંબાઈ જતા નથી કે દાંતની જડમાં દર્દ થતું નથી. તેના દાંત અત્યંત સખત ખોરાક પણ ચાવીને ખાવાને સમર્થ બને છે.

તલ

March 28, 2009

તલ તલ કાળા, સફેદ અને રાતા એમ ત્રણ પ્રકારના થાય છે. એમાં કાળા તલ શ્રેષ્ઠ ગણાય છે. બધા જ પ્રકારના તલ મધુર, તીખા, કડવા, તુરા, સ્વાદીષ્ટ, ચીકણા, ગરમ, કફ અને પીત્ત કરનારા, બળ આપનારા, વાળ માટે હીતકર, ધાવણ વધારનારા, બુદ્ધીપ્રદ, દાંત માટે હીતકારી તેમ જ મળને બાંધનારા છે. તલ અગ્નીવર્ધક તથા વજન વધારનાર છે. વહેલી સવારે એકાદ મુઠ્ઠી તલ ચાવીને ખાવાથી દાંત એવા મજબુત બને છે કે લાંબા સમય સુધી હલતા, દુખતા કે પડતા નથી. રોજ સવારે બે મુઠી કાળા તલ ખુબ ચાવીને ખાઈ ઉપર ઠંડુ પાણી પીવાથી શરીરની સપ્રમાણ વૃદ્ધી થાય છે, લાંબુ આયુષ્ય પ્રાપ્ત થાય છે અને દાંત મરતાં સુધી પડતા નથી.

તડબુચ

March 27, 2009

તડબુચ મળને રોકનાર, ઠંડાં, ભારે, દૃષ્ટીશક્તી તથા પીત્ત અને શુક્રને નષ્ટ કરનાર છે. પાકાં ફળ ઉષ્ણ, ક્ષારવાળાં અને કફવાયુ મટાડે છે. તડબુચનાં બીની મીંજને મગજતરી કહે છે, કેમ કે એ મીંજ ખાવાથી બુદ્ધી વધે છે.

તમાલપત્ર

March 26, 2009

તમાલપત્ર એ મધુર, ગરમ, તીક્ષ્ણ, ઉત્તેજક, વાતહર અને પચવામાં હલકાં છે. તમાલપત્ર કફ, વાયુ, હરસ, ઉલટી-ઉબકા, અરુચી અને સળેખમ મટાડે છે. એ સર્વ પ્રકારના કફરોગો, અજીર્ણ, અપચો, પેટનો દુખાવો, અવાર-નવાર થતા ઝાડા વગેરે પાચનતંત્રના રોગો દુર કરે છે. પ્રસુતી પછી ગર્ભાશયમાં કોઈ દોષ રહી ગયો હોય તો તમાલપત્ર અને એલચીદાણાનું સમભાગે બનાવેલ ચુર્ણ અડધી અડધી ચમચી સવાર-સાંજ લેવાથી મટે છે.

તજ

March 25, 2009

તજ તજ તીખી, મધુર, ઉષ્ણ, લઘુ, પીત્તકારક છે. એ કફ, વાયુ, હૃદયરોગ, ખંજવાળ, આમ, અરુચી, હરસ, શરદી, ખાંસી, શ્વાસ, કફજ્વર વગેરેમાં વીભીન્ન રીતે ખુબ જ હીતાવહ છે. તજના તેલનું પુમડું દુખતા દાંત પર મુકી દબાવવાથી દુખાવામાં તરત જ રાહત થાય છે. તજને પાણીમાં લસોટી કપાળ પર ચોપડવાથી માથાનો દુખાવો, આધાશીશી-માઈગ્રેન અને શરદીમાં ઘણી જ રાહત થાય છે. તજ અરુચી મટાડે છે, જઠરાગ્ની પ્રદીપ્ત કરી સારી ભુખ લગાડે છે અને આહારનું સારી રીતે પાચન પણ કરે છે. પાતળી તજ ઉત્તમ ગણાય છે. તે તીખી, મધુર, કડવી, સુગંધીદાર, વીર્યને વધારનાર, શરીરનો રંગ સુધારનાર તેમ જ વાયુ, પીત્ત, મુખશુષ્કતા અને તરસ મટાડનાર છે. તેની અતીશય વધારે માત્રા નપુસંકતા લાવે છે. પા ચમચી તજનું ચુર્ણ સવાર-સાંજ પાણી સાથે લેવાથી અજીર્ણ, ઉલટી, પેટની ચુંક, આફરો વગેરે પેટનાં દર્દો મટે છે. ગર્ભાશયનું સંકોચન કરનાર હોવાથી પ્રસુતી પછી હીતકારી છે.

ડોડી

March 24, 2009

ડોડી-જીવંતી જીવનને નીરોગી રાખનાર અને પ્રાણશક્તી આપે તે જીવંતી. શાકમાત્રમાં એ શ્રેષ્ઠ છે. એને ગુજરાતીમાં દોદી, ડોડી, ખરખોડી, ચડારુડી વગેરે પણ કહે છે. એના વેલા વાડો પર ચડેલા હોય છે. બારે માસ લીલીછમ રહે છે. તેની ડુંખો, કોમળ પાન, ફુલ, બધું જ મીઠું અને સ્વાદીષ્ટ હોય છે. પાન તોડીને સીધાં ખાઈ શકાય છે. ડોડી મધુર, બળ આપનાર, શીતળ, લોહીના અને પીત્તના વીકારો શાંત કરનાર અને કોઠાનો લોહીવા અથવા રતવા મટાડનાર છે. એ બળ આપનાર, મૈથુનશક્તી વધારનાર, શરીરની સર્વ ધાતુઓને સમાન કરનાર છે. (૧) ડોડીના સુકા મુળનું અડધી ચમચી ચુર્ણ સવાર-સાંજ તાજા દુધ સાથે ફાકવાથી મૈથુનશક્તી વધે છે. (૨) આ ચુર્ણથી ઝીણો તાવ, દાહ, અશક્તી, ઉધરસ વગેરે પણ મટે છે. (૩) આ ચુર્ણથી વજન પણ વધે છે. ત્રણેક મહીના આ ચુર્ણનો ઉપયોગ કરવો. (૪) ડોડીમાં વીટામીન રહેલુ હોવાથી રતાંધણાપણું મટાડે છે. (૫) એના પાનનું અડધી ચમચી ચુર્ણ સવાર-સાંજ દુધ સાથે લેવાથી શરીર પુષ્ટ થાય છે અને આંખાોની નબળાઈ મટે છે. ડોડી ઉત્તમ જીવનીય ઔષધ છે.

ડુંગળી

March 23, 2009

ડુંગળી ડુંગળી પરમ ગુણકારક છે. ડુંગળીને સંસ્કૃત ભાષામાં પલાંડુકહેવામાં આવે છે. पलति रक्षति बलवीर्यप्रदानेन इति पलांडु બળ તથા વીર્ય-શુક્ર વધારી લોકોનું રક્ષણ કરે છે, તેથી જ પલાંડુ. એ લોહીની ગાંઠોને ઓગાળે છે, આથી હૃદય અને મગજની ગાંઠોમાં થતા થ્રોમ્બોસીસના હુમલા સામે રક્ષણ આપે છે. આ ગુણ કાચી ડુંગળીના છે. ડુંગળી જઠરાગ્ની પ્રદીપ્ત કરી પાચનશક્તી વધારે છે. તે કફનાશક છે, પૌષ્ટીક, શક્તીપ્રદ, સ્નીગ્ધ, ગુરુ, તીખી, અને મધુર છે. ડુંગળી યકૃતને ઉત્તેજીત કરે છે, હૃદયની ગતી સમ્યક કરે છે, શરીરની સાતેય ધાતુઓને બળ આપે છે. થાક દુર કરે છે. ડુંગળી શુક્રવર્ધક, બળવર્ધક, વાયુનાશક તથા યકૃત અને હૃદયની ક્રીયાશક્તી વધારનાર છે. વળી એ આંતરડાનું કૅન્સર અટકાવવાનો ગુણ ધરાવે છે. ડુંગળી ઉષ્ણ અને તીક્ષ્ણ હોઈ પીત્તવર્ધક છે આથી પ્રકૃતીને અનુકુળ હોય તેઓએ જ એનું સેવન કરવું. એનાથી આળસ, ઉંઘ અને કામેચ્છા વધે છે. એ સ્વાદે મધુર, પચ્યા પછી પણ મધુર, પચવામાં ભારે, વાયુનાશક પણ કફકારક, ગરમ, બલ્ય, દીપક અને ભુખ વધારનારી છે. તે મેદસ્વી, આળસુ, ક્રોધી, કામુક અને ઉંઘણસી માટે વર્જ્ય છે. ડુંગળી સાથે દુધ કે ગોળ ન લેવાં જોઈએ. ડુંગળીથી મૅલેરીયા સામેની પ્રતીકાર શક્તી વધે છે. આથી યુરોપ-અમેરીકામાં ગરમ ગરમ ઓનીયન સુપ પ્રચલીત છે. અનુકુળ હોય તેમણે પરમ ગુણકારક ડુંગળીને આહારમાં સ્થાન આપવું. (૧) ડુંગળી તીક્ષ્ણ હોવાથી શરદી, મુર્ચ્છા કે ગરમીના કારણે માથું દુ:ખતું હોય તો તે એનાથી મટે છે. (૨) વાઈના રોગમાં ડુંગળીના રસનાં ટીપાં નાકમાં નાખવાથી સારું પરીણામ મળે છે. (૩) કૉલેરામાં ૧ કપ રસમાં ચપટી હીંગ, વરીયાળી અને ધાણા ૧-૧ ગ્રામ મેળવી પીવાનું ચાલુ રાખવું જોઈએ. (૪) બન્ને સમય ભોજનમાં ડુંગળીનું કચુંબર ખાવાથી ભુખ ઉઘડે છે, તથા અશક્તી દુર થાય છે. (૫) કાચી ડુંગળી વાયુ કરતી નથી. ડુંગળીમાં ઓજસ-કાંતીવર્ધક ગુણ રહેલો છે. (૬) કામશક્તી અને શુક્રવૃદ્ધી માટે ડુંગળીના અડધા કપ જેટલા તાજા રસમાં બે ચમચી ઘી નાખી સવાર-સાંજ પીવું. અથવા ઘીમાં સાંતળેલું ડુંગળીનું તાજું અને કાચું શાક ખાવું. (૭) ડુંગળીના રસનાં ચાર-પાંચ ટીપાં નાકમાં નાખવાથી હેડકી અને શ્વાસમાં તરત જ ફાયદો થાય છે.

ડમરો

March 22, 2009

ડમરો ડમરો ઉગ્ર સુગંધવાળો અને અતી ઝાડીવાળો તુલસીની જાતનો જ વર્ષાયુ છોડ છે. એને મરવો પણ કહે છે. તેનું થડ ભુરી રુંવાટીવાળું અને સીધું હોય છે. કાળા પાનવાળો અને લીલા પાનવાળો એમ બે જાતના છોડ થાય છે. હીંદુઓમાં તુલસીનું જેવું સ્થાન, માન અને આદર હોય છે, તેવું જ મુસલમાનોમાં ડમરાનું છે. ડમરો તુરો, તીખો, કડવો, ઠંડો, હૃદયને હીતકારી, વીર્યવર્ધક અને સુગંધી છે. એ ઝેર, લોહીબગાડ, કોઢ, શરીરની ભીનાશ, ખંજવાળ અને ત્રીદોષ મટાડે છે. વળી એ દીપન, પાચન, યકૃત-પીત્તનીઃસારક, વાયુને હરનાર, સોજો ઉતારનાર, તાવ મટાડનાર, મુત્ર વધારનાર તથા ગર્ભાશયને સંકોચે છે. મળાવરોધ, તાવ, આફરો, શુળ, ત્વચાના રોગો અને રક્તવીકાર મટાડે છે. ડમરા પાસે સાપ આવતો નથી એમ કહેવાય છે.