ધતુરો ધતુરો ગરમ અને ઝેરી છે, આથી બાહ્ય ઉપચારમાં વપરાય છે. (૧) ધતુરાનાં પાન પીસી ગરમ કરી દુ:ખાવા કે સોજા પર બાંધવાં. (૨) તલના તેલ કે કોપરેલમાં ધતુરાનાં પાનનો ચાર ગણો રસ નાખી પાણી બળી જાય ત્યાં સુધી ગરમ કરવું. આ રીતે પકવેલું તેલ માથામાં નાખવાથી ખોડો, જુ, લીખ, ખંજવાળ અને બીજા રોગો મટે છે. (૩) ધતુરાને ફળ આવે ત્યારે કાપ પાડી થોડાં બી કાઢી તેમાં લવીંગ ભરી ફરી ફળ બંધ કરી દેવંુ. ફળ ઝાડ પર પાકીને સુકાઈ જાય ત્યારે લવીંગ કાઢી લેવાં. જ્યારે દમનો હુમલો આવે ત્યારે આ લવીંગ અગ્ની પર ફુલાવી ખાઈ જવાં. તરત જ દમનો હુમલો હળવો પડશે.
Archive for April, 2009
ધતુરો
April 30, 2009દ્વીરુત્તર ચુર્ણ
April 29, 2009દ્વીરુત્તર ચુર્ણ હીંગ-૧, ઘોડાવજ-૨, ચીત્રક મુળની છાલનું ચુર્ણ-૪, ઉપલેટ અથવા કઠ-૮, સંચળ-૧૬ અને વાવડીંગ-૩૨ના પ્રમાણમાં લઈ ચુર્ણ બનાવવું. અડધી ચમચી જેટલું આ ચુર્ણ સહેજ નવશેકા પાણી સાથે લેવાથી પાચનતંત્રની તકલીફો જેવી કે ગૅસ, કબજીયાત, આફરો, અરુચી, મંદાગ્ની, ઓડકાર, ચુંક, આંકડી, પેટનો દુખાવો, મોળ, ઉબકા, આંતરડાના કૃમી વગેરે મટે છે.
દ્રાક્ષાસવ
April 28, 2009દ્રાક્ષાસવ ભુખ લગાડનાર, સ્ફુર્તીદાયક, શ્રમહર અને ક્ષયરોગમાં હીતકારી છે. શરીરના સુક્ષ્મ માર્ગોને ચોખ્ખા કરી ધાતુપુષ્ટીમાં સહાય કરે છે. એ ખાંસી, શ્વાસ-દમ, ઉરઃક્ષત, મંદાગ્ની અર્શ(હરસ)-મસા, ગોળો, કૃમી, કુષ્ઠ, વ્રણ, નેત્રરોગ, જીર્ણજ્વર અને અજીર્ણમાં નાનો અડધો કપ એટલે ૬-૮ ચમચી એટલા જ પાણી સાથે સવાર-સાંજ આપવામાં આવે છે. અડધો કપ દ્રાક્ષાસવ અને અડધો કપ પાણી મીશ્ર કરી જમતાં પહેલાં બપોરે અને રાત્રે પીવાથી બળ અને શરીરની કાંતીમાં વૃદ્ધી થાય છે, વજન વધે છે, શરીરની રોગપ્રતીકારક શક્તીમાં વધારો થાય છે તેમ જ હરસ, અરુચી, મંદાગ્ની, પાંડુરોગ, હૃદયરોગ, યકૃતના રોગો, કબજીયાત વગેરેમાં ઘણો ફાયદો થાય છે.
દ્રાક્ષાવલેહ
April 27, 2009દ્રાક્ષાવલેહ ૮૦૦ ગ્રામ કાળી સુકી દ્રાક્ષ બરાબર ધોઈને દુધમાં વાટીને જાડી પેસ્ટ જેવું બનાવવું. તેમાં ૮૦૦ ગ્રામ સાકરની ચાસણી મેળવી જાયફળ, જાવંત્રી, લવીંગ, એલચી, વાંસકપુર, તજ, તમાલપત્ર, નાગકેસર અને કમળકાકડીની મીંજ દરેકનું દસ-દસ ગ્રામ ચુર્ણ નાખી અવલેહ-ચાટણ તૈયાર કરવું. આ અવલેહ ૧ થી ૨ ચમચી સવાર સાંજ લેવાથી અમ્લપીત્ત-એસીડીટી, રક્તપીત્ત, ક્ષય, પાંડુ, કમળો, લીવરના રોગો, અરુચી, ઉબકા, અને અશક્તી મટે છે. અવલેહ લીધા પછી ભુખ લાગે ત્યારે જ જમવું. એક ચમચી દ્રાક્ષાવલેહ સવારે, બપોરે અને રાત્રે લેવાથી રક્તસ્રાવ સંબંધી વીભીન્ન રોગો, નાકનો રક્તસ્રાવ, શરીરના કોઈ પણ ભાગમાં થતી બળતરા, અમ્લપીત્ત તથા તૃષ્ણા રોગમાં લાભ થાય છે. એનો મુખ્ય ફાયદો મળશુદ્ધી થઈ જઠરાગ્ની પ્રદીપ્ત થાય, ભુખ લાગે અને વજન વધે તે છે.
દ્રાક્ષાદી ચુર્ણ
April 26, 2009દ્રાક્ષાદી ચુર્ણ કાળી સુકી દ્રાક્ષ, લીંડીપીપર અને ઠળીયા કાઢેલી ખારેક સરખા ભાગે લઈ ખુબ ખાંડી બનાવેલા ચુર્ણને દ્રાક્ષાદી ચુર્ણ કહે છે. એક ચમચી જેટલું આ ચુર્ણ ઘી અને મધ (ઘી કરતાં મધ બમણું) સાથે સવાર-સાંજ લેવાથી અને જરુરી પરેજી પાળવાથી કફજ્વર, ખાંસી-ઉધરસ, તાવ અને સોજા મટે છે.
લગ્નવીધી પુસ્તકાકારે
April 25, 2009સમગ્ર લગ્નવીધી પુસ્તકાકારે જોવા માટે ક્લીક કરોઃ
દ્રાક્ષાદી ચાટણ
April 25, 2009દ્રાક્ષાદી ચાટણ બી કાઢેલી કાળી સુકી દ્રાક્ષ ૫૦૦ ગ્રામ, સોનામુખી-મીંઢીઆવળ, હરડેની છાલ અને સાકર ૧૦૦-૧૦૦ ગ્રામ, જાવંત્રી ૧૦ ગ્રામ અને કેસર ૫ ગ્રામ બધાં મીશ્ર કરી લસોટી બારીક ચાટણ કરવું. આ ચાટણ અડધીથી એક ચમચી ચાટીને ઉપર પાણી પીવાથી મળ એકદમ સરળતાથી ઉતરશે. એનાથી કબજીયાત, અપચો, અમ્લપીત્ત પણ મટે છે. ૧૦૦ ગ્રામ ઠળીયા કાઢેલી કાળી સુકી દ્રાક્ષ અને એટલું જ હરડેનું ચુર્ણ મીશ્ર કરી ખુબ ખાંડી, લસોટી નાની સોપારી જેવડી ગોળીઓ બનાવી રોજ એકથી બે ગોળી પાણી સાથે રાત્રે લઈ ઉપર નવશેકું એક ગ્લાસ દુધ પીવાથી અમ્લપીત્ત, ગૅસ, ખાટા ઘચરકા-ઓડકાર, કબજીયાત અરુચી વગેરે મટે છે.
દ્રાક્ષાદી ક્વાથ
April 24, 2009દ્રાક્ષાદી ક્વાથ દ્રાક્ષ, હરડે, કડુ, નાગરમોથ, ગરમાળાનો ગોળ અને પીત્તપાપડો સો-સો ગ્રામ લઈ ખુબ ખાંડી ભુકો કરી બાટલીમાં ભરી લેવું. એક ચમચી ભુકાનો ઉકાળો સવાર, બપોર, સાંજ ૧૦થી ૧૫ દીવસ પીવાથી પીત્તજ્વર, તરસ, મુર્ચ્છા, લવારી, શોષભ્રમ, દાહ અને રક્તપીત્ત મટે છે. આ ઉકાળાથી કબજીયાત પણ મટે છે.
દ્રાક્ષ
April 23, 2009દ્રાક્ષ દ્રાક્ષ તરસ, બળતરા, તાવ, દમ, રક્તપીત્ત, છાતીમાં વ્રણ-ચાંદું, ક્ષય, વાયુ, પીત્તના રોગ, મોં કડવું થવું, મોં સુકાવું, ઉધરસ વગેરે મટાડે છે. એ શરીરને પુષ્ટ કરે છે તથા કામશક્તી વધારે છે. એ શીતળ અને સ્નીગ્ધ છે. લીલા રંગ કરતાં કાળી કે જાંબલી દ્રાક્ષમાં શરીરને લાભકારક તત્ત્વો વધુ હોય છે. દ્રાક્ષમાં વીટામીન એ, બી, સી અને થોડા પ્રમાણમાં લોહ હોય છે. એમાં રહેલું રેઝર્વોટેલ નામનું તત્ત્વ ફ્રી રેડીકલ્સનો નાશ કરે છે. દ્રાક્ષમાં સાકર હોવા છતાં એનાથી ડાયાબીટીસ વધતો નથી. ડાયાબીટીસવાળા દર્દી પણ રોજની ૧૦૦ ગ્રામ જેટલી દ્રાક્ષ ખાઈ શકે. રોજ દ્રાક્ષ ખાવાથી લોહીનું પરીભ્રમણ વધે છે, રીઝર્વોટેલને કારણે અકાળે આવતું વૃદ્ધત્વ અટકી જાય છે. લોહીની નળીઓ તુટતી નથી. રોગપ્રતીકારક શક્તી વધે છે. એલર્જીમાં રાહત મળે છે. એમાં રહેલું પોટેસીયમ લોહીનું દબાણ તથા કૉલેસ્ટરોલ ઘટાડે છે. લોહી શુદ્ધ થાય છે, ઝાડા મટે છે, શરીરમાં બળ, તાજગી વધે છે. કબજીયાત અને હરસમાં ફાયદો થાય છે. દરરોજ એક ચમચી દ્રાક્ષનાં બીનો પાઉડર લેવાથી સોજા, ઘા, ઘસરકો મટે છે અને આંખના નંબર ઘટે છે.
દુધી
April 19, 2009દુધી દુધી ઠંડી, પૌષ્ટીક, ધાતુવર્ધક, બળવર્ધક, વૃષ્ય, વજન જો ગરમીને કારણે ઘટતું હોય તો તે વધારનાર અને ગર્ભને પોષણ આપનારી છે. એ ગરમીવાળાને, ગરમીના રોગવાળાને અને ગરમ ઋતુમાં વધુ માફક આવે છે. દુધીનું તેલ પણ ગરમ પ્રકૃતીવાળા માટે ઉપયોગી છે. દુધીના તેલની માલીશ કરવાથી બુદ્ધી વધે છે. વળી દુધી મધુર, સ્નીગ્ધ, ધાતુપુષ્ટદાયી, પાચનમાં હલકી (પંતુ વધુ ખાવાથી ભારે), હૃદય માટે હીતકારી, રુચી તથા મુત્ર ઉત્પન્ન કરનારી, ગ્રાહી(ઝાડો બાંધનાર), બેચેની, પીત્ત(ગરમી), વીષ, શ્રમ, તાવ, તથા દાહનો નાશ કરે છે. એ બુદ્ધીવર્ધક, ઉંઘ લાવનારી, તરસ દુર કરનાર, રક્તસ્રાવ દુર અટકાવનાર, વાતપીત્તનાશક, તથા કફવર્ધક છે. બંગાળમાં દુધીનાં પાનની ભાજી પણ બનાવવામાં આવે છે. દુધીનાં બીજ મુત્રલ છે તેથી તે સોજા ઉતારે છે.
(૧) શરીરમાં દાહ-બળતરા થતી હોય, રક્તવીકાર, ગુમડાં, શીળસ, ગરમી વધી હોય તથા નાક કે ગળામાંથી લોહી પડતું હોય તો દુધીના રસમાં મધ, સાકર કે ઘી નાખી પીવાથી મટે છે. (૨) ખુબ તાવ હોય અને મગજે ગરમી ચડી ગઈ હોય તો દુધી છીણી અથવા બે ફાડીયાં કરી માથે કે કપાળે બાંધવાથી ઠંડક થઈ રાહત થાય છે. (૩) દુધીના નાના ટુકડા કરી તેમાં આમલી અને સાકર નાખી ધીમા તાપે પાણીમાં ઉકાળી કપડા વડે ગાળીને પીવાથી મગજની ગરમી, માથાનો દુખાવો તેમ જ ગાંડપણમાં લાભ થાય છે. (૪) ઘી અને જીરુ વડે બનાવેલું દુધીનું શાક ખાવાથી અને દુધીના પાનનો રસ હરસ પર ચોપડવાથી હરસ મટે છે. (૫) દાઝી જવાથી થયેલા વ્રણ પર દુધીના ગર્ભની લુગદી લગાડવાથી ફાયદો થાય છે. (૬) ૧૦ થી ૨૦ ગ્રામ દુધીનાં બીના ચુર્ણને સાકર સાથે વાટી સવારે નરણા કોઠે ખાઈ બે કલાક પછી બે ચમચી દીવેલ પીવાથી પેટમાંના ચપટા કૃમીનીકળી જાય છે. (૭) ૧૦ થી ૨૦ ગ્રામ દુધીનાં બીના ચુર્ણમાં સાકર અથવા મધ મેળવી દરરોજ સવાર, બપોર, સાંજે લેવાથી પેશામનાં દર્દો મટે છે. (૮) મધમાખી કે કાનખજુરા જેવાં ઝેરી જંતુના ડંખ પર દુધીના ડીંટાને પાણી સાથે ઘસી લેપ કરવાથી ડંખના વીષનો નાશ થાય છે. (૯) ગરમીમાં દુધીના રસમાં સાકર નાખી શરબત બનાવી પીવાથી રાહત થાય છે. (૧૦) દુધી નાખી પકાવેલું તેલ માથામાં નાખવાથી મગજને ઠંડક મળે છે. (૧૧) એક ચમચી દુધીનાં બીજ પાણી સાથે સવાર-સાંજ ફાકી જવાથી મુત્રપ્રવૃત્તી વધી સોજા ઉતરે છે. (દુધીનાં બીજ ન મળે તો સક્કરટેટી, કાકડી કે તડબુચનાં બીજ પણ ચાલી શકે.) (૧૨) દુધીનો મુરબ્બો મગજને ઠંડક આપે છે. (૧૩) દુધીનો હલવો ધાતુપુષ્ટીકારક છે. (૧૪) દુધીના બીજનું તેલ માથાનાં દર્દોમાં સારું પરીણામ આપે છે. વાળ ખરતા હોય તો દુધીનાં બીજથી પકવેલું તેલ વાપરવાથી વાળ ખરતા તથા સફેદ થતા અટકે છે.