Archive for May, 2009

પપનસ

May 29, 2009

પપનસ એને ચકોતરું પણ કહે છે. એનાં ફુલ મોટાં, ગોળ અને પાકે ત્યારે પીળાં પડી જાય છે. પપનસ સાધારણ ખટમધુરાં હોય છે. તેનાં ફળ બારે માસ થાય છે, ફળ ઉપરની છાલ હથેળી જેટલી જાડી હોય છે. પપનસને છોલી તેના ચીરા કરી તેની ઉપર થોડું સીંધવ કે ખાંડ ભભરાવી ચુસવાથી અરુચી દુર થાય છે અને ભુખ લાગે છે.

નીરો

May 28, 2009

નીરો તાજો નીરો ઠંડો, પેશાબ સાફ લાવનાર, રક્તશુદ્ધીકર તથા પૌષ્ટીક છે. એમાંથી બનતી તાડી ભુખ લગાડનાર, પાચન સુધારનાર, ઉત્તેજક અને પૌષ્ટીક છે. ખુબ નીરો પીવાથી પરમીયો મટે છે.

નીરંજન ફળ

May 27, 2009

 નીરંજન ફળ આ ઔષધ આપણું ન હોવા છતાં આપણે અપનાવી લીધું છે. તેને ‘સીંગાપુરી બોર’પણ કહે છે. જે સીંગાપુર આસપાસ થાય છે અને આપણે ત્યાં આવે છે. મોટા ખારેકી બોરના ઠળીયા જેવડું કથ્થઈ તથા આછા પીળા રંગનું આ ઔષધ છે. હરસ-પાઈલ્સમાંથી રક્તસ્રાવ થતો હોય, કબજીયાત રહેતી હોય અને એને જ લીધે મળ સુકાયેલો અને કઠણ ઉતરતો હોય તેમને નીરંજન ફળ આશીર્વાદ સમાન છે. એક નીરંજન ફળ ઉકાળીને ઠંડા કરેલા એક કપ પાણીમાં રાત્રે પલાળી રાખો. સવારે તેને સાકરના ભુકા સાથે મસળીને પી જવાથી ઉત્તમ પરીણામ મળે છે. એક-બે દીવસમાં સારું પરીણામ આપનાર આ ઔષધ ફળ સસ્તું પણ છે, સુલભ પણ છે, ફળદાયી પણ છે.

નાળીયેરનું પાણી

May 25, 2009

નાળીયેરનું પાણી  

तस्यांभ शीतलं हृद्यं दीपनं शुक्रलं लघु |

पिपासापित्तजित्स्वादु बस्तिशुद्धिकर परम् ||

નાળીયેરનું પાણી સ્વાદીષ્ટ, શીતળ, હૃદ્ય એટલે કે હૃદયને માટે હીતકર, જઠરાગ્ની પ્રદીપ્ત કરનાર, શુક્રજનક, પચવામાં હળવું, મુત્રાશયની શુદ્ધી કરનાર તથા તરસ અને પીત્તને શાંત કરનાર છે.

નાળીયેર

May 24, 2009

 નાળીયેર  

नारिकेलफलं शीतं दुर्जरं बस्तिशोधनम् |

विष्टंभि बृहणं बल्यं वातपित्तास्रदाहनुत ||

  નાળીયેર શીતળ, દુર્જર (પચવામાં ભારે) બસ્તીશોધક-મુત્રાશયની શુદ્ધી કરનાર, મળ રોકનાર, બૃંહણ-વજન વધારનાર, બળકારક અને વાયુ, પીત્ત અને રક્તવીકાર-બગાડ તથા દાહ-બળતરા મટાડનાર છે.  કોપરું બળ આપનાર, ઠંડું અને વજન વધારનાર છે. કોપરાના અનેકવીધ ઉપયોગો છે. તેનાથી જઠરાગ્ની પ્રદીપ્ત થાય છે, અમ્લપીત્ત, અરુચી, રક્તપીત્ત, ક્ષય, ઉલટી વગરેમાં કોપરાપાક અપાય છે. નારીયેળનું દુધ કોલેરામાં આપવાથી ઉલટી બંધ થાય છે. નારીયેળના છોડામાંથી કાઢેલો કાથો તકીયા, ગાદલા, ખુરશી વગેરેમાં ભરવામાં ઉપયોગી છે. નારીયેળનું તેલ વાળને વધારે છે તેટલું જ નહીં, વાળને તે કાળા અને સુંવાળા પણ બનાવે છે.

લીલું કોપરું સ્વાદીષ્ટ અને ટોનીક છે. કોપરેલ બળ આપનાર, વજન વધારનાર, વાળ માટે સારું, વાયુ અને પીત્તને હરનાર, પચ્યા પછી મધુર અને સોરાયસીસમાં તથા બીજા ચામડીના રોગોમાં ખુબ સારું છે. એ ખરજવું અને બીજા ચામડીના કષ્ટસાધ્ય અને અસાધ્ય રોગોમાં ઉપયોગી છે. કોપરેલ ઠંડું હોવાથી માથામાં નાખવાથી વાળ કાળા, સુંવાળા અને લાંબા થાય છે તથા ખરતા અટકે છે. કુમળુ નાળીયેર પીત્તજ્વર અને પીત્ત મટાડનાર છે. એ પચવામાં ભારે, મુત્રાશયને સાફ કરનાર, ઝાડાને રોકનાર, પુષ્ટી અાપનાર, બળ અાપનાર, વાયુ, પીત્ત, લોહીબગાડ કે રક્તપીત્ત અને દાહ મટાડનાર છે. નાળીયેરનું પાણી ઠંડુ, હીતકારી, અગ્નીને પ્રદીપ્ત કરનાર, વીર્ય વધારનાર, પચવામાં હલકું, તરસ મટાડનાર અને નવા કોષોની ઉત્પત્તીને વેગ આપનાર છે. નાળીયેર હૃદય માટે હીતકારી, પચવામાં ભારે, વીર્ય તેમ જ કામશક્તી વધારનાર, તરસ તથા પીત્તને મટાડનાર અને મુત્રમાર્ગને સ્વચ્છ કરનાર છે. મોટાં લીલાં દસ નાળીયેરનું પાણી કાઢી ઉકાળવું. મધ જેવું ઘટ્ટ થાય ત્યારે ઉતારી તેમાં સુંઠ, મરી, પીપર, જાયફળ અને જાવંત્રીનું ચુર્ણ બરાબર ભેળવી બાટલીમાં ભરી લેવું.  આ ઔષધ સવાર-સાંજ અર્ધીથી એક ચમચી જેટલું લેવાથી અમ્લપીત્ત-એસીડીટી, પીત્તના રોગો ઉદરશુળ અને બરોળવૃદ્ધી મટે છે. નાળીયેર ગુરુ, સ્નીગ્ધ, પીત્તશામક, મધુર, શીતળ, બળપ્રદ, માંસપ્રદ, પોષક, શરીરનું વજન વધારનાર, મુત્રશોધક અને હૃદય માટે પોષક છે. નાળીયેરનું પાણી શીતળ, હૃદયને પ્રીય, જઠરાગ્નીને પ્રદીપ્ત કરનાર, શુક્રવર્ધક, તરસ અને પીત્તને શાંત કરનાર, મધુર અને મુત્રાશયને સારી રીતે શુદ્ધ કરનાર છે. નાળીયેર માંસ અને કફની પુષ્ટી કરે છે. ટ્રીપ્ટોફેન અને લાઈસીન એ બે એમીનો એસીડ નાળીયેરમાં છે. આથી શરીરમાં નવા કોષોના નીર્માણ માટે નાળીયેર ઉપયોગી છે. તાજા કોપરાને છીણી કપડા વડે નીચોવી જે પ્રવાહી નીકળે તે નાળીયેરનું દુધ ક્ષયહર છે. એ કોડલીવર ઑઈલ જેવું પૌષ્ટીક છે. અમેરીકા જેવો દેશ પણ ટી.બી.માં શરીરની પુષ્ટી માટે એનો ઉપયોગ કરે છે. ક્ષયરોગમાં માથું દુખતું હોય તો નાળીયેરનું પાણી અથવા દુધ સાકર નાખી પીવાથી લાભ થાય છે. હાઈપર એસીડીટીમાં આ પાણી અત્યંત પથ્ય અને સુપાચ્ય છે. જ્વરની તરસમાં પણ તે હીતકર છે. આહાર પચવાના સમયે એટલે કે જમ્યા પછી અઢી-ત્રણ કલાકે પેટમાં થતા દુખાવાને પરીણામશુળ કહે છે. પાણીવાળા નાળીયેરની આંખ ફોડી આંખેથી તેમાં ઠાંસોઠાંસ મીઠું(બને તો સીંધવ) ભરી દેવું. પછી તેને કાપડમાં વીંટાળી માટીનો લેપ કરી સુકવવું. સુકાયા પછી અડાયા છાણાની ભઠ્ઠીમાં શેકવું. શેકાયા પછી અંદરનો ભાગ કાઢી તેને બારીક લસોટી ચુર્ણ બનાવવું. આ ચુર્ણ ૧૦ ચોખાભાર અને લીંડીપીપરનું ચુર્ણ ચારથી છ ચોખાભાર મીશ્ર કરી સવાર-સાંજ લેવાથી ત્રણે દોષથી થયેલ પરીણામશુળ મટે છે.

નારીકેલ લવણ

May 22, 2009

નારીકેલ લવણ  છોડાં કાઢી નાખેલ નાળીયેરની એક આંખમાં કાણું પાડી પાણી કાઢી નાખવું. પછી તેમાં સમાય એટલું બારીક વાટલું સીંધવ ભરવું. કાણું પાડેલી આંખ ઘઉંના લોટની પોટીસ બનાવી લીંપીને બંધ કરવી. પછી આ નાળીયેર પર માટીનો જાડો થર કરી તડકે સુકવવું. સુકાયા પછી ૧૦-૧૨ અડાયા છાણા વચ્ચે મુકી સળગાવવું. જો નાળીયેર તુટે તો તરત લઈ લેવું, અને જો ન તુટે તો આપમેળે ઠંડું થવા દેવું. પછી ઉપરની માટી વગેરે દુર કરી અંદરથી કાળા રંગનું ચુર્ણ-લવણ બહાર કાઢી, વાટી બાટલીમાં ભરી લેવું. એને નારીકેલ લવણ કહે છે. એ બજારમાં તૈયાર પણ મળે છે. એસીડીટી, પેટનો દુ:ખાવો, અરુચી, મંદાગ્ની, ગૅસ અને અપચામાં અર્ધી-અર્ધી ચમચી સવાર-સાંજ લેવું.

નારંગી

May 21, 2009

નારંગી હૃદયને બળ આપનાર, પચવામાં હલકી, અગ્ની પ્રદીપક, બળપ્રદ, ભોજન પચાવનાર, બળતરા દુર કરનાર, શ્રમહર, વાયુનાશક, રુચીપ્રદ, પૌષ્ટીક તેમજ ઉદરકૃમી અને ઉદરશુળ દુર કરનાર છે. એમાં વીટામીન ‘સી’ પ્રચુર માત્રામાં અને વીટામીન ‘એ’, ‘બી’ અને ‘ડી’ પણ અલ્પ માત્રામાં રહેલાં છે. સવાર-સાંજ એક એક નારંગીનો રસ લેવાથી પીત્તનું શમન થાય છે. જઠર, આંતરડાં, મુત્રપીંડ વગેરે અવયવો શુદ્ધ થાય છે. (૧) નારંગી ખાવાથી પેટમાંનો વાયુ દુર થાય છે. (૨) નારંગી ખાવાથી લોહીનું ઉંચું દબાણ ઘટે છે. (૩) નારંગી ખાવાથી શરીરની ખોટી ગરમી દુર થાય છે. (૪) નારંગી ખાવાથી ગુમડાં દુર થાય છે. (૫) નારંગી ખાવાથી ચામડીનાં દર્દો દુર થાય છે. (૬) નારંગી ખાવાથી કૃમીનો નાશ થાય છે. (૭) રાત્રે સુતી વખતે એક-બે નારંગી ખાવાથી કબજીયાત મટે છે. નારંગીનો રસ જુની કબજીયાતને પણ દુુર કરી શકે છે. (૭) નારંગીની છાલ ચહેરા પર ઘસવાથી ખીલમાં ફાયદો થાય છે.

નાગરાદી ક્વાથ

May 19, 2009

નાગરાદી ક્વા નાગર એટલે સુંઠ, ધાણા, નાગરમોથ, બીલું, ઈન્દ્રજવ, વાળો અને અતીવીષની કળી દરેક ૫૦-૫૦ ગ્રામને ભેગાં ખાંડી બનાવેલા અધકચરા ભુકામાંથી બે ચમચી ભુકો બે ગ્લાસ પાણીમાં ઉકાળી એક કપ જેટલું બાકી રહે ત્યારે ગાળીને સહેજ ગરમ ગરમ સવાર-સાંજ તાજો બનાવી પીવાથી રક્તમીશ્રીત અને દુખાવાવાળા તીવ્ર ઝાડા મટે છે. આ ઉકાળો જુના કે નવા મરડાનું અકસીર ઔષધ છે.

નાગરવેલનાં પાન

May 17, 2009

નાગરવેલનાં પાન  નાગરવેલનું પાન તીખું, કડવું, તુરું, તીક્ષ્ણ, ગરમ, રુચી ઉપજાવનાર, ઝાડો સાફ લાવનાર, પીત્ત કરનાર, બળ આપનાર, કફનાશક, મોંંની દુર્ગંધ દુર કરનાર તથા થાક દુર કરે છે. એમાં એક જાતનું સુગંધીત તૈલી દ્રવ્ય રહેલું છે, જે મોંને ચોખ્ખું કરે છે, દાંતમાં સડો થતો અટકાવે છે અને ખોરાકના પાચન માટે જરુરી પાચક રસોનો સ્રાવ કરે છે. નાગરવેલના પાનમાં અડધી ચમચી મધ અને હળદર અને આદુનો એક એક ટુકડો મુકી ખુબ ચાવીને દીવસમાં ત્રણ-ચાર વાર ખાવાથી શરદી, સળેખમ, ઉધરસ જેવા કફના રોગો મટે છે.

નાગલા-દુધેલી

May 16, 2009

નાગલા-દુધેલી એના નાના નાના છોડ ચોમાસામાં બધે ઉગી નીકળે છે. બારે માસ પણ આ છોડ મળી શકે છે. આખો છોડ રતાશ પડતો એક ફુટ જેટલો ઉંચો થાય છે. પાન લાંબાં લંબગોળ, ટેરવે અણીવાળાં, ભાલાકાર, ઉપલી સપાટીનો રંગ લીલો અને નીચેની સપાટી લાલાશ પડતી હોય છે. છોડ તોડવાથી અંદરથી દુધ નીકળે છે, જે એક સારું ઔષધ છે. આ નાગલા-દુધેલી દમમાં ઉપયોગી ઔષધ છે. કેટલાક કેસમાં તો ચમત્કાર જેવો ગુણ જોવા મળે છે. એનાં પાંચથી સાત પાન કે છોડનો એટલો ભાગ લઈ રસ કાઢી સહેજ મધ સાથે મેળવી સવાર-સાંજ પીવાથી શ્વાસનળી ખુલે છે અને કફ છુટો પડે છે. કફ ન છુટવાના કારણે દમના દર્દીનું કષ્ટ વધે છે. આ દવાથી કફ છુટો પડતો હોવાથી દમમાં રાહત જણાય છે. એનો રસ-દુધ ચોપડવાથી દાદર મટે છે. (આ છોડ અમારા ખેતરમાં નીંદાણ તરીકે મેં જોયો છે, પણ તે સમયે મને એના વૈદકીય ઉપયોગની માહીતી ન હતી.)