પીલુડી કાગડાઓને એ પ્રીય હોવાથી એને કાકમાચી પણ કહે છે. એના છોડવા ચોમાસામાં ઉગી નીકળે છે. અને બારે માસ જોવા મળે છે. છોડ ચાર-પાંચ ફુટ ઉંચા થાય છે. એની ડાળીઓ રીંગણી, મરચીની જેમ આડી અવળી નીકળેલી હોય છે. પાન મરચીના પાનને મળતાં, ફુલ ધોળાં, ફળ ગોળ વટાણા જેવડાં-કાચાં હોય ત્યારે લીલાં અને પાકે ત્યારે લાલ, કથ્થાઈ અને કાળા રંગનાં થાય છે. પીલુડીનાં પાનની ભાજી ખવાય છે. સોજાવાળા દર્દી માટે આ ભાજી ખુબ સારી છે. પીલુડી વાયુ, પીત્ત અને કફ ત્રણે દોષો દુર કરે છે. એ રસાયન છે. સોજા પર પાનનો રસ ચોપડવો તથા પાનની ભાજી ખાવી. એ શોથઘ્ન છે, આથી સર્વાંગ સંધીવા-આખા શરીરના સાંધાનો દુખાવો-વા અને સોજો હોય તો પીલુડીનો સ્વરસ એક એક ચમચી સવારે, બપોરે અને રાત્રે પીવાથી ખુબ રાહત થાય છે. સોજો અને દુખાવો બંને મટી જાય છે. ચેપી રોગ સીફીલીસમાં પણ આ ઉપચાર કરવાથી તે મટી જાય છે. સોરાયસીસ નામના ચામડીના હઠીલા રોગમાં પણ આની સારી અસર થાય છે. પીલુડીના આખા છોડનો એટલે કે તેનાં પંચાંગનો ઉકાળો સવાર-સાંજ પીવાથી રક્તશુદ્ધી થાય છે અને ત્વચારોગો મટે છે, શરીર નીરોગી બને છે. લીવરના રોગોમાં તેનો રસ ઉપયોગી છે. પીલુડીને કાળી પોપટી પણ કહે છે. એનાં પાનનું શાક વાતરક્ત, હરસ, સોજા, આમવાત, ઉદરરોગો, ચામડીના રોગો અને કમર જકડાઈ જતી હોય તેમાં ખાવાથી લાભ થાય છે. સોજા માટે એ ખુબ પ્રસીદ્ધ છે. એના પાનનો રસ સોજા પર લગાવવામાં આવે છે. એના પંચાંગનું ચુર્ણ અડધીથી એક ચમચી અને એનો રસ એકથી બે ચમચી લઈ શકાય. પીલુડી મૈથુનશક્તી વધારનારી અને રસાયન છે. એ ગરમ પણ નથી અને ઠંડી પણ નથી. એ રેચક અને કુષ્ઠનાશક છે. (૧) ચામડીના અઢાર પ્રકારના કોઢ, શુળ, હરસ, સોજા અને ખંજવાળનો નાશ કરે છે. (૨) કોઢમાં પીલુડીનો રસ બે ચમચી પીવો અને ડાઘા ઉપર ચોપડવો. (૩) વીસર્પ(ગુમડાં)માં પાનનો રસ ઘી નાખી ચોપડવો. (૪) સોજામાં પાનનું શાક બનાવી ખાવું. (૫) ઉરુસ્તંભ એટલે કમર જકડાઈ ગઈ હોય તો મીઠા-નમક વગરનું પીલુડીના પાનનું શાક ખાવું. (૬) વાતજન્ય કાસ એટલે કોરી-કફ વગરની ઉધરસમાં પીલુડીના પાનનો બે ચમચી રસ એક ચમચી મધમાં સવાર-સાંજ પીવો.
Tags: પીલુડી