બાલરક્ષક ગુટીકા એલચી, અજમોદ, જાયફળ, જાવંત્રી, તજ, લવીંગ, વાપુંભા, સફેદ મરી, વાવડીંગ, સુવા, સંચળ, હરડે, કરીયાતુ, કાચકા, એળીયો, અતીવીષ, દાડમછાલ, પીપરીમુળ, વાંસકપુર, હીરાબોળ, ખસખસ, લોબાન અને કેસર આ ત્રેવીસ ઔષધો સમાન ભાગે લઈ ખાંડીને બારીક ચુર્ણ બનાવવું. એને મધમાં બરાબર ઘુંટી મગ જેવડી ગોળી બનાવવી. આ ગોળીને બાલરક્ષક ગુટીકા કહે છે. આ ગોળી બાળકોના પાતળા ઝાડા, મંદાગ્ની, વાયુ, અપચો, ઉલટી, કબજીયાત અને નબળાઈ મટાડે છે. બાળકને દુધ સારી રીતે પચે છે. બાળક બળવાન બને છે. બાળકોના બધા રોગોમાં ખુબ જ ઉપયોગી છે. છ મહીના સુધીના બાળકને એકથી બે ગોળી, છથી બાર મહીનાના બાળકને બેથી ચાર ગોળી અને મોટાં બાળકને થોડી વધારે, માતાના ધાવણ સાથે આપવી.