Archive for the ‘ધર્મ’ Category

લગ્નવીધી પુસ્તકાકારે

April 25, 2009

સમગ્ર લગ્નવીધી પુસ્તકાકારે જોવા માટે ક્લીક કરોઃ

lagnavidhi

ચીંતન

September 4, 2008

દાન

દાન કરવું એ ફરજ છે, કર્તવ્ય છે, દાન કરવું જોઈએ, આથી ઉપકારની ભાવના વીના, બદલાની અપેક્ષા વીના, યોગ્ય સ્થળે, સમયે અને યોગ્ય પાત્રને જે દાન કરવામાં આવે છે તે સાત્વીક દાન છે.

પરંતુ બદલાની આશાથી અથવા કંઈક લાભ થશે એમ માની, ફળની આશા રાખી, કચવાતા મને જે દાન કરવામાં આવે છે તેને રાજસી દાન કહેવાય.

જે દાન સત્કાર વગર, તીરસ્કારથી અને અયોગ્ય દેશકાળમાં કુપાત્રે આપવામાં આવે છે તે તામસી દાન છે.

આમ ગીતામાં દાનના ત્રણ પ્રકાર કૃષ્ણ ભગવાને ગણાવ્યા છે. એમાં પ્રથમ સાત્ત્વીક દાન અંગે જોઈએ. એમાં પહેલો જ શબ્દ છે દાતવ્યમ્. મોટા ભાગના અનુવાદ કરનારાઓએ એનો અર્થ દાન કરવું એ કર્તવ્ય છે, ફરજ છે એવો કર્યો છે. આ ફરજ શબ્દ પાછળથી દાખલ થયો હોવો જોઈએ અને એનો અર્થ પણ કર્તવ્ય શબ્દમાં જે છે તેના જેવો નથી રહ્યો, બગડી ગયો છે. કર્તવ્ય એટલે કરવા જેવું, એ જ કરવા યોગ્ય એવો થાય છે. ફરજ શબ્દ તો જાણે ઈચ્છા ન હોવા છતાં, પરાણે કરવું પડે એવો થઈ ગયો છે. મા-બાપ છે તો એની સેવા કરવી જ પડે ને. નહીંતર સમાજમાં ખોટું દેખાય, ખરાબ દેખાય, લોકો ટીકા કરે. દાતવ્યમ્ દાન કરવા યોગ્ય છે. કેમ? કેમ કે એ કરવાથી આનંદની પ્રાપ્તી થાય છે. દાન કરવું એમાં જ આનંદ છે. એટલું જ નહીં, એ દાન સ્વીકારનાર કોઈ મળે તો દાન કરનાર તેનો આભારી છે, એનો અનુગ્રહી છે. આથી દાન સ્વીકાર્યા બદલ એને દક્ષીણા આપવામાં આવે છે. દક્ષીણાનો અર્થ છે દાન સ્વીકારનારનો આપણે આભાર માનીએ છીએ.

આ દાન દેશ, કાળ અને પાત્ર જોઈને આપ્યું હોય તો જ એ સાત્વીક. જેમ પાણીમાં એક કંકડ નાખવાથી એમાં મોજાં પેદા થાય છે, અને જ્યાં સુધી એ પાણી વીસ્તર્યું હશે ત્યાં સુધી એ ફેલાશે. તે જ પ્રમાણે દાનનું અેક કૃત્ય અનંત, અનાદી ચૈતન્ય સૃષ્ટિ (સમગ્ર બ્રહ્માંડ)માં એક કંપન પેદા કરે છે. આથી પાત્રનું ખુબ જ મહત્ત્વ છે. જેમ કે અપાત્રને દાન કર્યું. એણે એના વડે એક હથીયાર ખરીદ્યું અને તેના વડે કોઈનું ખુન કર્યું. આ ઉદાહરણથી કલ્પી શકાય કે એ કંપન ક્યાં સુધી પહોંચશે. દેશ એટલે સ્થળ અને કાળ એટલે સમય. કોઈ પણ વ્યક્તી જુદા જુદા સ્થળે અને સમયે જુદું જુદું વર્તન કરે છે. તો વ્યક્તી, સ્થળ અને સમય યોગ્ય છે કે કેમ તે માત્ર સાત્ત્વીક ગુણ ધરાવનાર જ જાણી શકશે. એટલે કે સાત્ત્વીક દાન તો સાત્ત્વીક વ્યક્તી જ કરી શકે.

ગામમાં જઈએ ત્યારે એક ભાઈ આવે છે. કહે છે કે કંઈક આપોને. કંઈક એટલે પૈસા. ખાવાનું કશું નથી. એને જોતાં તો એમ લાગે કે મુશ્કેલી કંઈક બીજી છે. એને પૈસા મળે એટલે દારુ પીવા જશે. તો એને કરેલું દાન સાત્ત્વીક નથી.

એક ભાઈ ગામના ધનીક શેઠ પાસે ગયા. કહ્યું કે છોકરાં માટે ખાવાનું કશું નથી. શેઠ કંઈક આપો. શેઠ ઘણા ઉદાર સ્વભાવના અને દાની. પણ આ ભાઈને જાણતા હતા.

કહ્યું, હું આપું, પણ મને લાગે છે કે તું છોકરાંને તો ગામમાં આવેલ સર્કસ જોવા લઈ જવાનો છે.

ના ના, શેઠ હોં. સર્કસ માટેના પૈસા તો મેં અલગ જ રાખ્યા છે.

જે દાન આપતાં મનમાં કંઈક રંજ થાય, કેમ કે ધનનો મોહ છે, ધન પર પકડ છે, આથી આપવાનું મન તો નથી, પણ આપવાથી કંઈક પાછું મળશે એવો લોભ છે, પ્રતી ઉપકાર ઉપકાર કરે છે પાછો ઉપકાર મેળવવા, બદલો મળશે એવી ભાવનાથી, અથવા કોઈક ફળની પ્રાપ્તી થશે એમ માનીને દાન કરે છે. પણ એ બદલો મળશે કે કેમ, ફળની અપેક્ષા પુરી થશે કે કેમ તે દાન કરતાં પહેલાં તો નક્કી નથી. આથી મનમાં કચવાટ છે. આ રાજસી દાન છે. જો કે રાજસી દાતા દાન લેનારનો સત્કાર તો જરુર કરશે, કેમ કે એની પાસે પાછું કંઈક મળશે એવી આશા એને હોય છે.

જે દાન તીરસ્કારથી, અપમાનપુર્વક, પોતાનો હાથ ઉપર છે એવા અહંકારથી, પોતે દાતા છે એવા ગુમાન સહીત આપવામાં આવે છે તે તામસી દાન. આવા દાનમાં દેશ, કાળ કે પાત્રનો વીચાર તો હોતો જ નથી. તામસી પોતે જ પાત્ર નથી, આથી જેને આપવાનું છે તે પાત્ર છે કે કેમ તે એ શી રીતે જાણી શકે? આથી ઘણું ખરું તામસી દાનથી તો નુકસાન થવાની જ શક્યતા વધુ છે.

દાન માત્ર ધનનું જ, સંપત્તીનું જ હોય એવું નથી. વીદ્યાદાન, શ્રમદાન, સહાનુભુતી, સાંત્વના વગેરેનાં દાન પણ છે. અને તે પણ ઉપર મુજબ ત્રણ પ્રકારનાં હોય છે.

બીજો દાન બાબતનો મુદ્દો જોઈએ. ખરેખર તો જેને આપણે આપણું માનીએ છીએ તે આપણું છે? આપણે તો એના માત્ર વાલી છીએ, ટ્રસ્ટી છીએ. આ શરીર સુદ્ધાંના આપણે માલીક નથી. એ પણ છેવટે તો છુટી જશે, ગમે તેટલા વળગી રહેવાનાં હવાતીયાં મારીશું તો પણ.

અને અહીં એક પૈસો આપીશું તો પરલોકમાં લાખ મળશે એમ માનીને જે લોકો દાન કરે છે, અને એવું લોકોને જે સમજાવે છે તે બંને ભારે અજ્ઞાની છે. આપતી વખતે તો યાદ રાખવું જોઈએ કે મારું કશું છે જ નહીં. આ યાદ તાજી કરાવવા માટે જ હીન્દુ ધર્મમાં વારંવાર દેવોની પુજા કરતી વખતે દાન મુકવાની વીધી આવે છે, એમ હું માનું છું. નહીં કે પુજા કરાવનાર પુરોહીતને માટે એ દાન છે.

હીન્દુ ધર્મમાં માણસના મૃત્યુ પછી એની પાછળ શ્રાદ્ધ વગેરે કર્યા પછી જે દાન કરવાનો રીવાજ છે તે ઘણો જ મહત્ત્વનો છે. ખરેખર તો ગતાત્માએ પોતે જે સંપત્તી મેળવી હોય-એને પુર્વજો તરફથી વારસમાં મળેલી નહીં- તે બધીનું દાન કરવું જોઈએ. આથી સમાજમાં અસમાનતા બહુ જ ઓછી, નામ પુરતી જ રહી શકે. આપણા દેશમાં સામાન્ય રીતે પુર્વજો તરફથી ઘર-જમીન, વેપાર-ધંધો વગેરે પરંપરાગત મળતાં હોય છે. એ રાખી શકાય.