દયાળભાઈ કેસરીને શ્રદ્ધાંજલી
(દયાળભાઈની અંતીમક્રીયા વખતે હીન્દુ ધર્મની વીધી કરવાનું મને કહેવામાં આવ્યું હતું, તે સમયે તા. ૮-૧૧-૨૦૦૮ના રોજ આપેલી શ્રદ્ધાંજલી.)
તા. ૫ નવેમ્બર ૨૦૦૮ના બુધવારે સવારે લગભગ ૧૦-૩૦ના સમયે દયાળભાઈએ અનંતની યાત્રા આરંભી. ૮૯ વર્ષની વયે લીધેલી એ બહુ જ શાંતીપુર્ણ વીદાય હતી.
દયાળભાઈનો પ્રથમ પરીચય મને પરોક્ષ રીતે થયેલો- અમારા મુ. શ્રદ્ધેય ભાઈ સ્વ. નરસીંહભાઈ દ્વારા. દયાળભાઈ જ્યારે ન્યુઝીલેન્ડ ઈન્ડીયન એસોસીયેશનના પ્રમુખ હતા ત્યારે નરસીંહભાઈ સેક્રેટરી હતા. એ પરીચય મુજબ દયાળભાઈ કેસરી એમના નામ પ્રમાણે નીડર અને સાહસીક તો હતા જ સાથે સ્પષ્ટવક્તા પણ હતા. મારા મન પર તો તેઓ એક પ્રખર રાષ્ટ્રભક્ત અને નીસ્વાર્થ સેવકની છાપ મુકતા ગયા છે.
એમના આ ગુણોના અનુસંધાનમાં નરસીંહભાઈએ એક-બે પ્રસંગો કહેલા. તે સમયે ૧૯૬૦ની આસપાસ સમગ્ર ન્યુઝીલેન્ડમાં વસતા ઈન્ડીયનોના પ્રશ્નોની રજુઆત ગમે તેવા ચમરબંધી સામે સ્પષ્ટ શબ્દોમાં કરતાં તેઓ સહેજ પણ ખંચકાતા નહીં.
ભારતમાં જ્યારે જેલમાં હતા ત્યારે જેલના એક અંગ્રેજ ઉપરી અધીકારીએ જેલની મુલાકાત લીધી. તેમને સ્પષ્ટ શબ્દોમાં કહેવું કે તમને અમારી મુશ્કેલીઓ કહેવાનો કશો અર્થ નથી, કેમ કે તમે કશું કરી શકો તેમ નથી. ગુલામ ભારતમાં અંગ્રેજ અમલદારને આવું સીધું કહેવું તે કાચા-પોચા માણસનું કામ નથી. તે જ રીતે જ્યારે ફોજદાર કહે છે કે તમને તો ફાંસીના માંચડે લટકાવીશું, ત્યારે તેને સીધું જ કહેવું કે તમારા કહેવાથી કંઈ અમને ફાંસી મળવાની નથી, એ માટે તો કોર્ટમાં કેસ ચલાવવો પડશે અને જજનું જજમેન્ટ જોઈશે. આવું ફોજદારને કહેવા માટે પણ છાતીની જરુર છે. ફરીથી યાદ રાખવું જોઈએ કે આ બ્રીટીશ ઈન્ડીયાની વાત છે.
આ ઉપરાંત “સ્વાતંત્ર્ય સંગ્રામની ગૌરવગાથા”માં એક પ્રસંગ લેવાનો રહી ગયો છે, જે મેં એમની પાસે સાંભળ્યો છે. નીડરતા અને સાહસનો એ પ્રસંગ આ પુસ્તકની ઈન્ટરનેટ આવૃત્તીમાં લેવામાં આવશે. આ પ્રસંગ તે રાજપીપળાથી નવસારી છુપા વેશે ચાલતા આવવાનો પ્રસંગ. એમના પર ધરપકડનું વૉરંટ હતું, છતાં આ રીતે આવવાની હીંમત કરી હતી, અને માર્ગમાં બેએક જગ્યાએ પોલીસોનો ભેટો પણ થયેલો.
બીજો સાહસનો પ્રસંગ તે સોડીયાવડવાળો પ્રસંગ. ચાર કેદીઓ પૈકી માત્ર દયાળભાઈ જ ભાગી જાય છે અને પુર્ણા નદી તરીને દેલવાડા પહોંચી જાય છે. એ પ્રસંગ જે રીતે બન્યો હતો તે પ્રમાણે આ ભાગી જવું ખરેખર બહાદુરીનું કામ ગણાય.
દયાળભાઈનો તો ન્યુઝીલેન્ડમાં કાયમી નીવાસનો અધીકાર હતો. એમના પીતાશ્રી અહીં હતા. છતાં માતૃભુમીની ગુલામી સહન ન થતાં અહીંની સ્વતંત્રતાનો ત્યાગ તે સમયે કર્યો હતો અને આઝાદીના જોખમકારક અને યાતનામય જંગમાં ઝંપલાવ્યું હતું. એમાં જાનનું જોખમ પણ હતું જ. અત્યારે તો આપણે તે સમયની પરીસ્થીતીની કલ્પના કરી ન શકીએ. વળી આ જંગમાં જોડાવામાં એમનો કોઈ સ્વાર્થ ન હતો. આથી જ રાજકીય લાભ મેળવવા એમણે પોતાની સમાજવાદી વીચારસરણીનો ત્યાગ કર્યો ન હતો. માત્ર માભોમની સેવા એ જ ધ્યેય હતું.
આવા એક નીડર, સાહસીક, સ્પષ્ટવક્તા, રાષ્ટ્રભક્ત સેવક સ્વાતંત્ર્ય સેનાનીને આપણે ગુમાવ્યા છે. એમને આપ સહુ વતી આ શ્રદ્ધાંજલી અર્પણ કરું છું.
દયાળભાઈ એમની પાછળ પોતાનાં ધર્મપત્ની ડાહીબેન, ઉપરાંત ચાર ચાર પેઢી સુધીનો વીશાળ પરીવાર, અનેક સગાં-સંબંધીઓ, બહોળો ચાહકવર્ગ અને મીત્રોનો સમુદાય મુકતા ગયા છે. એ સહુને અને ખાસ કરીને ડાહીબેનને એમની ભારે ખોટ રહેશે. આપણે પ્રાર્થના કરીએ કે પ્રભુ એ સહુને આ ખોટની સંવેદના સહન કરવાની શક્તી આપે. સાથે સાથે આપણે પ્રાર્થના કરીએ કે પ્રભુ દયાળભાઈના આત્માની બ્રહ્મપ્રાપ્તીની યાત્રા શીઘ્ર, સરળ અને નીષ્કંટક બનાવે.
हरि ॐ शातिः शांतिः शांतिः॥