Archive for the ‘Uncategorized’ Category

ગુજરાતી ભાષાની સમૃદ્ધી

October 24, 2009

ગુજરાતી ભાષાની સમૃદ્ધી

ગાંધીજીની આત્મકથા મુળ ગુજરાતીમાં વાંચવાના આશયથી પરભાષી ગુજરાતી શીખવા આવ્યાં, એ સમાચારથી બહુ હરખાઈ જવાની જરુર નથી એમ કોઈએ કહ્યું. આ પ્રસંગ પરથી જે તારણ આપણે કાઢવું જોઈએ તે એ કે ગાંધીજીની આત્મકથાએ અને અન્ય લખાણોએ ગુજરાતી ભાષાને સમૃદ્ધ બનાવી છે. ગાંધીજીનું કહેવાનું તાત્પર્ય ખરેખર તો એમણે જે ભાષામાં પોતાના વીચારો વ્યક્ત કર્યા છે તે ભાષામાં વાંચવાથી જ સાચી રીતે સમજી શકાય. ભાષાંતરમાં ભાષાંતર કરનારની અસર રહેવાની. એક જ હકીકત જુદા જુદા ભાષાંતર કરનાર જુદી જુદી રીતે મુકશે. ગુજરાતી ભાષાને શી રીતે સમૃદ્ધ કરી શકાય? એમાં એવાં ઘણાં બધાં જ્ઞાનસમૃદ્ધ, ઉચ્ચ કક્ષાનાં પુસ્તકો હોય જે બધા જ વીષયોને આવરી લે-વીજ્ઞાનની બધી જ શાખાઓ, ભૌતીકવીજ્ઞાન, રસાયણવીજ્ઞાન, જીવવીજ્ઞાન, ખગોળ, ભુસ્તર, વગેરે(આ માત્ર ઉદાહરણો છે, સંપુર્ણ યાદી નથી) અને આ બધાં વીજ્ઞાનોની બધી જ શાખા-પ્રશાખાઓ ઉપર આજ સુધીનું જ્ઞાન સમાવી લેતાં પુસ્તકો મળી શકે એવી વ્યવસ્થા કરવામાં આવે, તો સંદર્ભ ગ્રંથ તરીકે અન્ય ભાષા જાણનારાઓ પણ ગુજરાતી શીખવા માંડશે- આ જ્ઞાન પોતાની ભાષામાં ઉતારવા માટે. જેમ આજે અંગ્રેજી ભાષા લોકો શીખવા આતુર છે તેમ ગુજરાતી માટે બની શકે. અત્યારે જ સમાચાર વાંચવા મળ્યા કે ગુજરાત યુનીવર્સીટી બધા વીષયોમાં પી.એચ.ડી. માટેના નીબંધો ધીમે ધીમે માત્ર અંગ્રેજીમાં જ સ્વીકારશે. કેમ કે ગુજરાતીમાં લખેલા ઉચ્ચ કક્ષાના નીબંધોને પણ કોઈ લક્ષમાં લેતું નથી. ખરેખર એનું કારણ ગુજરાતી ભાષાની નબળાઈ છે? કોઈ ગણ્યાગાંઠ્યા નીબંધ હોય તો તે લોકોનું ધ્યાન ખેંચી ન શકે તે સમજી શકાય. હા, શરુઆતમાં એવા ગુજરાતી નીબંધોનું અંગ્રેજી કરવાની જરુર રહેશે. પછી લોકોને ખ્યાલ આવશે કે જો અંગ્રેજીમાં આ વાંચવા કરતાં મુળ ગુજરાતીમાં વાંચવામાં આવે તો જ આનું હાર્દ સમજી શકાશે. વળી ગુજરાતી જેની માતૃભાષા હશે તે પોતાના વીચારો ગુજરાતીમાં વધુ સારી રીતે વ્યક્ત કરી શકે. એની ગુણવત્તા એવી હોય તો પછીથી એનું અંગ્રેજી કરવું વધુ યોગ્ય ગણાશે. ગુજરાતીમાં આવું થઈ શકે? હા, જરુર. જો રતિલાલ ચંદરયા જેવા દાની આપણી પાસે હોય તો આ બની શકે. ગુજરાત આર્થીક રીતે સમૃદ્ધ છે. જરુર છે આ માટે કામ કરનારાઓની. આ માટે પહેલાં તો દસ વાર્ષીક યોજના બનાવવી જોઈએ. શરુઆતમાં કેટલા અને કયા કયા વીષયો લેવા-મળી શકતા વીદ્વાનો, ભેગું કરી શકાતું ફંડ વગેરે મુજબ આ યોજના બનાવી શકાય. દેશ-વીદેશમાં વસતા ગુજરાતીઓ પાસેથી ફંડની વ્યવસ્થા થઈ શકે. આ કામ સહકારી ધોરણે કરી શકાય. જો આપણી પાસે નીસ્વાર્થ ભાવે કામ કરનારા, માત્ર માતૃભાષાની સેવાની ધગશ રાખનારા સેવકો હોય તો આ મુશ્કેલ નથી. પણ સેવા પાછળ કોઈ પણ પ્રકારના મેવાની ઈચ્છા ન હોવી જોઈએ. એ મેવો પછી આર્થીક હોય કે માન-મરતબાનો કે ગમે તે. આ બધું જ્ઞાન લોકભોગ્ય ભાષામાં હોવું પણ મહત્ત્વનું છે. ગાંધીજીએ એમ પણ કહ્યું છે કે ભાષા તો કોશીઓ-કોશ ચલાવનાર પણ સમજી શકે તેવી સાદી હોવી જોઈએ. હાલ અંગ્રેજી શબ્દોની જે ભરમાર જોવામાં આવે છે તે અંગ્રેજી ન ભણ્યા હોય તે લોકો સમજી શકે ખરા? જો કે હું તો લગભગ પાંત્રીસ વર્ષથી અહીં ન્યુઝીલેન્ડમાં છું, આથી દેશમાં જે પરીવર્તન આવી ગયું હશે તેનાથી અજાણ છું. પણ મને લાગે છે કે સામાન્ય માણસ સમજી શકે તેવા નવા ગુજરાતી શબ્દો બનાવતા જવું જોઈએ. ગુજરાતી જેની માતૃભાષા છે તેને શબ્દોના કલેવરથી અર્થબોધ થાય તેમ કરવું જોઈએ. એક સમયે કોઈકે અંગ્રેજી મુજબ નામ ઉપરથી ક્રીયાપદ ગુજરાતીમાં પણ લખવાનો પ્રયોગ કરેલો. જેમ કેઃ સવારે ઉઠીને દાતણ્યો. આ મુજબ આપણા ગુજરાતીના પરીચીત શબ્દો પર અર્થની નવી નવી કલમો કરી શકાય. સાદી ભાષામાં મહત્ત્વનું જ્ઞાન પણ ઉતારી શકાય.

જાસુદ

March 14, 2009

જાસુદ એને સંસ્કૃતમાં જપા કહે છે. જપાકુસુમ એટલે જાસુદનું ફુલ. જાસુદ મળને રોકનાર, વાળ માટે હીતકર, રક્તપ્રદરનો નાશ કરનાર, તીખું, ગરમ, ઉંદરી મટાડનાર, કફ અને વાયુનો નાશ કરનાર, ધાતુસ્રાવ મટાડનાર, સ્નીગ્ધ, પુષ્ટીપ્રદ, ગર્ભની વૃદ્ધી કરનાર, પ્રમેહ અને હરસનો નાશ કરનાર તથા હૃદય માટે હીતકર છે. જાસુદની કળી રક્ત સંગ્રાહક, વેદનાસ્થાપન તથા મુત્ર લાવનાર છે. પ્રમેહ અને પ્રદરમાં તે ઉપયોગી છે. જાસુદનાં ફુલ હૃદય તથા મગજને બળ આપનાર, ઉન્માદ મટાડનાર, કામશક્તી વધારનાર, રક્તની શુદ્ધી કરનાર તથા પેશાબના પરુનો નાશ કરનાર છે. (૧) જાસુદનાં ફુલ કાળી ગાયના મુત્રમાં લસોટી જ્યાં ઉંદરીથી વાળ ખરી ગયા હોય ત્યાં સવાર-સાંજ લગાવવાથી ઉંદરી મટે છે અને વાળ ફરીથી ઉગે છે. (૨) જાસુદની ચાર-પાંચ કળી દુધમાં લસોટી પીવાથી સ્ત્રીઓનો પ્રદર મટે છે. મોંંમાં ચાંદાં પડ્યાં હોય, લાળ ખુબ જ ટપકતી હોય, મુત્રમાર્ગે ચીકાશ જતી હોય તેમાં પણ આ ઉપચારથી લાભ થાય છે. (૩) બાળકને લાળ ટપકતી હોય તો એકથી બે કળી દુધમાં લસોટી પાવી અથવા જાસુદનું એક તાજુ ફુલ ચાવીને ખાવાનું કહેવું. (૪) સ્વપ્નદોષમાં જાસુદની આઠથી દસ કળી ચાવીને ખાવી. (૫) ગુલકંદની જેમ જપાકંદ બનાવી શકાય. કાચની બરણીમાં જાસુદનાં તાજાં ફુલની છુટી કરેલી પાંદડી અને દળેલી સાકરના થર પર થર કરવા. બન્ને સરખા વજને લેવાં. બરણીનું મોં સફેદ સુતરાઉ કાપડથી બાંધી ૨૫ થી ૩૦ દીવસ તડકામાં રાખવાથી જપાકંદ તૈયાર થાય છે. એનાથી લોહીવા-રતવા, મગજની તથા યાદશક્તીની નબળાઈ, અપસ્માર, ઉન્માદ, હતાશા, ભય વગેરે મટે છે. કામશક્તી વધારવા અને શુક્રજંતુઓની વૃદ્ધી માટે પણ ઉપયોગી છે. એની માત્રા પુખ્ત વયના માટે એક ચમચી અને બે વરસથી મોટાં બાળકો માટે અડધી ચમચી છે.

જાંબુ જાંબુ તુરું, મધુર અને ખાટું છે. જે પચી ગયા પછી મધુર બને છે. જાંબુ રુક્ષ-લુખું, શીતળ, પીત્ત અને કફશામક, પ્રબળ વાયુવર્ધક, રક્તસ્રાવ અટકાવનાર, ચામડીના રોગો, રક્તના રોગો અને બળતરાનું શમન કરનાર છે. એ ભુખ લગાડનાર, આહારનું પાચન કરાવનાર, યકૃત-લીવરને ઉત્તેજનાર, મળને રોકનાર, થાક અને તૃષા મટાડનાર, અતીસાર, શ્વાસ, ઉધરસ, ઉદરકૃમી અને મધુપ્રમેહ એટલે કે ડાયાબીટીસમાં હીતાવહ છે.

માંકડાંનો ધંધો

February 5, 2009

મને મળેલું આ ઈમેઈલ બધાંની જાણ માટે મુકું છું.

વીષયઃ આજના આર્થીક સંકટને સમજવાનો સરળ માર્ગ.

માંકડાંનો ધંધો

જો આપને વીશ્વની આજની આર્થીક પરીસ્થીતી સમજવામાં મુશ્કેલી હોય તો નીચે જણાવેલ બાબત કદાચ મદદરુપ થશે…

એક વાર ભારતના એક ગામડામાં એક માણસ ગયો અને કહ્યું કે તે દસ ડોલરમાં વાનર ખરીદવા આવ્યો છે.

લોકોએ જોયું કે પાસેના જંગલમાં પુશ્કળ વાંદરાઓ છે. આથી તેમણે વાંદરા પકડવાનું શરુ કર્યું.

તે ભાઈએ હજારો વાનર દસ ડોલરના ભાવે ખરીદી લીધા. જેમ વાનર મળવા ઓછા થવા માંડ્યા કે લોકોએ તે પકડવાનું બંધ કરી દીધું.

પેલા ભાઈએ ત્યારે જણાવ્યું કે તે એક વાનરના હવે ૨૦ ડોલર આપવા તૈયાર છે. આથી ગામના લોકોએ ફરીથી વાનરો પકડવાનું શરુ કર્યું. થોડા સમયમાં જ વાનરો મળવા મુશ્કેલ બન્યું. આથી લોકોએ પોતના ખેતરમાં કામ કરવાનું શરુ કર્યું.

તેણે ભાવ વધારીને ૨૫ ડોલર કર્યો. પણ વાનરો પકડવાની વાત તો દુર રહી, જોવાના જ દુર્લભ થઈ ગયા.

પેલા ભાઈએ લોકોને કહ્યું કે તે હવે એક વાનરના ૫૦ ડોલર આપશે. જો કે એણે ધંધા અંગે શહેરમાં જવાનું છે, પણ એનો મદદનીશ એના વતી ધંધો સંભાળશે.

એ ભાઈની ગેરહાજરીમાં મદદનીશે લોકોને કહ્યુંઃ આ જુઓ પેલાએ ખરીદેલા બધા વાનરો આ મોટા પાંજરામાં પુરેલા છે. હું તમને આ વાનરો ૩૫ ડોલરના ભાવે વેચીશ, અને જ્યારે વેપારી શહેરમાંથી પાછો ફરે ત્યારે તમે તેને ૫૦ ડોલરના ભાવે વેચી દેજો.

ગામના લોકોએ ભેગા મળી પોતાની બધી બચત એકઠી કરી અને બધા વાનરો ખરીદી લીધા.

આ પછી પેલો વેપારી કે એનો મદદનીશ કદી તેમને જોવા ન મળ્યા, માત્ર વાનરો જ વાનરો બધે દેખાતા હતા.