શીમળો

October 26, 2009 by ગાંડાભાઈ વલ્લભ

શીમળો શીમળાને તીક્ષ્ણ લોખંડ જેવા કાંટા હોય છે, લાલચોળ ફુલ હોય છે, અને ઘેરાં લીલાં પાન હોય છે. એની છાલમાંના ચીકણા રસમાંથી લાલ ગુંદર થાય છે જેને મોયરસ કહે છે. શીમળાના ફુલનું શાક સીંધવ અને ઘીમાં વઘારીને ખાવાથી કષ્ટસાધ્ય પ્રદર, રક્તપીત્ત પ્રદર અને કફનો નાશ થાય છે. (૧) શીમળાનાં સુકવેલાં મુળને શેમુર મુસળી કહે છે. આ મુસળીનું અડધી ચમચી ચુર્ણ, એક ચમચી સાકર અને એક ચમચી ગાયનું ઘી એક ગ્લાસ દુધમાં નાખી ગરમ કરી દરરોજ રાત્રે પીવાથી શીઘ્ર સ્ખલનની તકલીફ મટે છે. (૨) એક ચમચી શીમળાની છાલ છાસમાં લસોટી તાજેતાજી સવાર-સાંજ પીવાથી અતીસાર, સંગ્રહણી અને જુનો મરડો મટે છે. (૩) શીમળાની છાલનું ચુર્ણ અડધી ચમચી, એક ચમચી મધ અને એક ચમચી સાકર રોજ રાત્રે લેવાથી શરીર બળવાન બને છે.

ગુજરાતી ભાષાની સમૃદ્ધી

October 24, 2009 by ગાંડાભાઈ વલ્લભ

ગુજરાતી ભાષાની સમૃદ્ધી

ગાંધીજીની આત્મકથા મુળ ગુજરાતીમાં વાંચવાના આશયથી પરભાષી ગુજરાતી શીખવા આવ્યાં, એ સમાચારથી બહુ હરખાઈ જવાની જરુર નથી એમ કોઈએ કહ્યું. આ પ્રસંગ પરથી જે તારણ આપણે કાઢવું જોઈએ તે એ કે ગાંધીજીની આત્મકથાએ અને અન્ય લખાણોએ ગુજરાતી ભાષાને સમૃદ્ધ બનાવી છે. ગાંધીજીનું કહેવાનું તાત્પર્ય ખરેખર તો એમણે જે ભાષામાં પોતાના વીચારો વ્યક્ત કર્યા છે તે ભાષામાં વાંચવાથી જ સાચી રીતે સમજી શકાય. ભાષાંતરમાં ભાષાંતર કરનારની અસર રહેવાની. એક જ હકીકત જુદા જુદા ભાષાંતર કરનાર જુદી જુદી રીતે મુકશે. ગુજરાતી ભાષાને શી રીતે સમૃદ્ધ કરી શકાય? એમાં એવાં ઘણાં બધાં જ્ઞાનસમૃદ્ધ, ઉચ્ચ કક્ષાનાં પુસ્તકો હોય જે બધા જ વીષયોને આવરી લે-વીજ્ઞાનની બધી જ શાખાઓ, ભૌતીકવીજ્ઞાન, રસાયણવીજ્ઞાન, જીવવીજ્ઞાન, ખગોળ, ભુસ્તર, વગેરે(આ માત્ર ઉદાહરણો છે, સંપુર્ણ યાદી નથી) અને આ બધાં વીજ્ઞાનોની બધી જ શાખા-પ્રશાખાઓ ઉપર આજ સુધીનું જ્ઞાન સમાવી લેતાં પુસ્તકો મળી શકે એવી વ્યવસ્થા કરવામાં આવે, તો સંદર્ભ ગ્રંથ તરીકે અન્ય ભાષા જાણનારાઓ પણ ગુજરાતી શીખવા માંડશે- આ જ્ઞાન પોતાની ભાષામાં ઉતારવા માટે. જેમ આજે અંગ્રેજી ભાષા લોકો શીખવા આતુર છે તેમ ગુજરાતી માટે બની શકે. અત્યારે જ સમાચાર વાંચવા મળ્યા કે ગુજરાત યુનીવર્સીટી બધા વીષયોમાં પી.એચ.ડી. માટેના નીબંધો ધીમે ધીમે માત્ર અંગ્રેજીમાં જ સ્વીકારશે. કેમ કે ગુજરાતીમાં લખેલા ઉચ્ચ કક્ષાના નીબંધોને પણ કોઈ લક્ષમાં લેતું નથી. ખરેખર એનું કારણ ગુજરાતી ભાષાની નબળાઈ છે? કોઈ ગણ્યાગાંઠ્યા નીબંધ હોય તો તે લોકોનું ધ્યાન ખેંચી ન શકે તે સમજી શકાય. હા, શરુઆતમાં એવા ગુજરાતી નીબંધોનું અંગ્રેજી કરવાની જરુર રહેશે. પછી લોકોને ખ્યાલ આવશે કે જો અંગ્રેજીમાં આ વાંચવા કરતાં મુળ ગુજરાતીમાં વાંચવામાં આવે તો જ આનું હાર્દ સમજી શકાશે. વળી ગુજરાતી જેની માતૃભાષા હશે તે પોતાના વીચારો ગુજરાતીમાં વધુ સારી રીતે વ્યક્ત કરી શકે. એની ગુણવત્તા એવી હોય તો પછીથી એનું અંગ્રેજી કરવું વધુ યોગ્ય ગણાશે. ગુજરાતીમાં આવું થઈ શકે? હા, જરુર. જો રતિલાલ ચંદરયા જેવા દાની આપણી પાસે હોય તો આ બની શકે. ગુજરાત આર્થીક રીતે સમૃદ્ધ છે. જરુર છે આ માટે કામ કરનારાઓની. આ માટે પહેલાં તો દસ વાર્ષીક યોજના બનાવવી જોઈએ. શરુઆતમાં કેટલા અને કયા કયા વીષયો લેવા-મળી શકતા વીદ્વાનો, ભેગું કરી શકાતું ફંડ વગેરે મુજબ આ યોજના બનાવી શકાય. દેશ-વીદેશમાં વસતા ગુજરાતીઓ પાસેથી ફંડની વ્યવસ્થા થઈ શકે. આ કામ સહકારી ધોરણે કરી શકાય. જો આપણી પાસે નીસ્વાર્થ ભાવે કામ કરનારા, માત્ર માતૃભાષાની સેવાની ધગશ રાખનારા સેવકો હોય તો આ મુશ્કેલ નથી. પણ સેવા પાછળ કોઈ પણ પ્રકારના મેવાની ઈચ્છા ન હોવી જોઈએ. એ મેવો પછી આર્થીક હોય કે માન-મરતબાનો કે ગમે તે. આ બધું જ્ઞાન લોકભોગ્ય ભાષામાં હોવું પણ મહત્ત્વનું છે. ગાંધીજીએ એમ પણ કહ્યું છે કે ભાષા તો કોશીઓ-કોશ ચલાવનાર પણ સમજી શકે તેવી સાદી હોવી જોઈએ. હાલ અંગ્રેજી શબ્દોની જે ભરમાર જોવામાં આવે છે તે અંગ્રેજી ન ભણ્યા હોય તે લોકો સમજી શકે ખરા? જો કે હું તો લગભગ પાંત્રીસ વર્ષથી અહીં ન્યુઝીલેન્ડમાં છું, આથી દેશમાં જે પરીવર્તન આવી ગયું હશે તેનાથી અજાણ છું. પણ મને લાગે છે કે સામાન્ય માણસ સમજી શકે તેવા નવા ગુજરાતી શબ્દો બનાવતા જવું જોઈએ. ગુજરાતી જેની માતૃભાષા છે તેને શબ્દોના કલેવરથી અર્થબોધ થાય તેમ કરવું જોઈએ. એક સમયે કોઈકે અંગ્રેજી મુજબ નામ ઉપરથી ક્રીયાપદ ગુજરાતીમાં પણ લખવાનો પ્રયોગ કરેલો. જેમ કેઃ સવારે ઉઠીને દાતણ્યો. આ મુજબ આપણા ગુજરાતીના પરીચીત શબ્દો પર અર્થની નવી નવી કલમો કરી શકાય. સાદી ભાષામાં મહત્ત્વનું જ્ઞાન પણ ઉતારી શકાય.

શીરીષ

October 23, 2009 by ગાંડાભાઈ વલ્લભ

શીરીષ એનાં પાન કુવાડીયા જેવાં અને ફુલ એક કલગી જેવું અનેક પુંકેસરોનું બનેલું અત્યંત મૃદુ હોય છે. એ એટલું કોમળ હોય છે કે અડવાથી ખરી જાય છે. ફુલ સફેદ, પીળાં, લાલ એમ વીભીન્ન રંગનાં અત્યંત સુગંધીત હોય છે. કોઈ પણ જાતના ઝેરમાં શીરીષની અને સાદડની છાલનું એક એક ચમચી ચુર્ણ ઠંડા પાણી સાથે લેવું.

શાક

October 22, 2009 by ગાંડાભાઈ વલ્લભ

શાક લગભગ બધાં જ શાક ભારે, વાયુ અને કબજીયાત કરનારાંં હોય છે. આ દુર્ગુણો દુર કરવા તેને તેલમાં જીરુ અને હીંગ નાખી વઘારીને જ ખાવાં જોઈએ. શાક ચડી રહ્યા પછી તેમાં મીઠું, ખટાશ અને હીંગનું પાણી નાખવું જોઈએ.

શંખાવલી

October 21, 2009 by ગાંડાભાઈ વલ્લભ

શંખાવલી સંસ્કૃતમાં એને શંખપુષ્પી કહે છે. શંખાવલી ગુજરાતમાં બધે થાય છે. સમુદ્ર કીનારાની જમીન તેને વધુ અનુકુળ આવે છે. તેનાં પાંદડાં સોનામુખી જેવાં અને ફુલો શ્વેત ગુલાબી અને શંખના આકારનાં હોવાથી એને શંખાવલી કહે છે. શંખાવલી બારે માસ લીલી મળી રહે છે. એનાં પાન મસળવાથી માખણ જેવાં મુલાયમ થાય છે, આથી તેને માખણી પણ કહે છે. ઔષધમાં શંખાવલીનાં બધાં અંગોનો ઉપયોગ થાય છે. તેના સ્વરસની માત્રા ત્રણથી ચાર ચમચી, ઉકાળો એક કપ અને પંચાંગનું ચુર્ણ એક ચમચી સવાર-સાંજ લઈ શકાય. મગજની પુષ્ટી માટે શંખાવલીના પંચાંગનું ચાટણ દુધ સાથે આપવું. તેના સેવનથી ખાલી પડેલું મગજ ભરાય છે. શંખાવલીમાં સારક ગુણ વધારાનો છે, એ સીવાય બીજા ગુણો બ્રાહ્મીને મળતા છે. એની ભાજી બનાવીને પણ ખાઈ શકાય. ફુલ સહીત એના પાનનું તલના તેલમાં વઘારેલું શાક ખુબ સ્વાદીષ્ટ લાગે છે. એનું શાક વાતહર, પાચક, મળને સરકાવનાર, શક્તી અને બુદ્ધીવર્ધક તથા પીત્તહર છે. શંખાવળીની શાખાઓ વીસ ઈંચ જેટલી સુતળી જેવી બારીક રુંવાટીવાળી હોય છે. તેનાં પાન જરા લાંબાં, બુઠ્ઠાં ટેરવાંવાળાં, બારીક અને આંતરે આવેલાં હોય છે. તેની શાખા ઉપર શંખ જેવા જ આકારનાં ફુલોની હાર જોવા મળે છે. તેનાં ફળ ગોળાઈ લેતાં સુક્ષ્મ અણીવાળાં હોય છે. ઔષધમાં સફેદ ફુલોવાળી શંખપુષ્પી વાપરવી. એ ઉત્તમ બુદ્ધી વધારનાર હોઈ માનસીક રોગો, ગાંડપણ, હતાશા-ડીપ્રેશન, એપીલેપ્સી, વાઈ, ઉન્માદ વગેરેમાં હીતાવહ છે. (૧) બેથી ત્રણ ચમચી શંખાવલીનો તાજો રસ સવાર-સાંજ પીવાથી ગાંડપણ મટે છે. શંખાવલીના આખા છોડને મુળ સહીત ઉખેડી સારી રીતે ધોઈ પથ્થર પર લસોટી રસ કાઢવો. (૨) શંખાવલીનું ચુર્ણ અડધી ચમચી, પાંચ નંગ બદામ, બ્રાહ્મી ચુર્ણ પા(૧/૪) ચમચી, ગુલાબના ફુલની પાંખડી નંગ ૧૦, ખસખસ પા(૧/૪) ચમચી, વરીયાળી અડધી ચમચી, મરી નંગ ૧૦ અને એલચી નંગ ૧૦ને દુધમાં લસોટી ચાટણ જેવું બનાવી એક ગ્લાસ દુધમાં સાકર મેળવી શરબત બનાવી રોજ રાત્રે પીવાથી થોડા દીવસોમાં યાદશક્તી વધે છે, ઉંઘ સારી આવે છે, એપીલેપ્સી, ઉન્માદ અને ગાંડપણમાં ફાયદો થાય છે. (૩) શંખાવલીનું મુળ સાથે શરબત બનાવ્યું હોય તો દસ્ત સાફ ઉતરે છે. રોજ શરબત ન બનાવવું હોય તો શંખાવલી ઘૃત એક ચમચી રોજ રાત્રે ચાટી જવું. (૪) શંખાવલીના ચાર ચમચી રસમાં ચારથી પાંચ ચોખાભાર મીઠી કઠનું ચુર્ણ અને બે ચમચી મધ મેળવી રોજ સવાર-સાંજ પીવાથી ઉન્માદ અને વાઈ મટે છે. તમામ પ્રકારની ઘેલછા અને ગાંડપણમાં ખુબ હીતાવહ છે. (૫) શંખાવલીના પાનનો ચાર ચમચી રસ સાકર નાખી પીવાથી પ્રમેહ અને સંગ્રહણીમાં અસરકારક ફાયદો થાય છે. (૬) શંખાવલીના પંચાંગના રસથી સીદ્ધ કરેલું ઘી રેચક હોય છે. આ ઘી એક ચમચી સવાર-સાંજ લેવાથી પેટનો જુનો રોગ સન્નીપાતોદર મટે છે. (૭) શંખાવલીનાં મુળ અને પાનનો ઉકાળો સંધીવા, વીસ્ફોટક અને શરીરની નબળાઈ પર લાભ કરે છે. (૮) શંંખાવલીનાં સુકાં પાન ચલમમાં નાખી ધુમ્રપાન કરવાથી દમમાં ફાયદો થાય છે. (૯) શંખાવલીના ચાર ચમચી રસમાં બે ચમચી મધ અને પાંચ કાળાં મરીનું ચુર્ણ નાખી પીવાથી ઉબકા, ઉલટી, હેડકી અને ઓડકાર મટે છે. (૯) શંખપુષ્પી ચુર્ણ ઃ શંખાવળીના આખા છોડને તેના મુળ સાથે લાવી છાંયડે સુકવી ટુકડા કરીને ખુબ ખાંડી બનાવેલા બારીક ચુર્ણને શંખપુષ્પી ચુર્ણ કહે છે. જે બે મહીના સુધી વાપરી શકાય. બે માસ પછી તેના ગુણ ઓછા થવા લાગે છે. એક ગ્લાસ દુધમાં અડધી ચમચી આ ચુર્ણ, એક ચમચી ગાયનું ઘી અને બે ચમચી ખડી સાકરનો પાઉડર નાખી ઉકાળવું. પછી ઠંડું પડે ત્યારે રોજ રાત્રે પીવાથી મગજની યાદશક્તી વધે છે. નબળાઈ દુર થાય છે. વીદ્યાર્થીઓ અને બુદ્ધીજીવીઓ માટે તે ખુબ સારું છે. માનસીક રોગોનું તે ઉત્તમ ઔષધ છે.

શરપંખો

October 20, 2009 by ગાંડાભાઈ વલ્લભ

શરપંખો શરપંખો ગુજરાતમાં અને ભારતમાં બધે થાય છે. ચોમાસામાં અષાઢ મહીનામાં સર્વત્ર ઉગી નીકળતો શરપંખો બરોળનું અકસીર ઔષધ છે. બરોળની વીકૃતીઓનો નાશ કરવાનો શરપંખામાં ઉત્તમ ગુણ છે. બરોળ વધી હોય કે યકૃતના રોગોમાં શરપંખાના મુળનું ચુર્ણ પા(૧/૪) ચમચી સવાર-સાંજ છાશમાં નાખી પીવાથી ઉત્તમ ફાયદો થાય છે. શરપંખો અને હળદરને ગાયના દુધમાં ખુબ લસોટીને તેનો લેપ બરોળના સોજા પર, ચરબીની ગાંઠો પર કે ખરજવા પર કરવાથી ફાયદો થાય છે. આ છોડ ત્રણ-ચાર ફુટ ઉંચા થાય છે. શીયાળામાં તલવાર આકારની વાંકી દોઢ-બે ઈંચની શીંગો આવે છે. ખડકાળ, પહાડી જમીન તેને વધુ અનુકુળ આવે છે. સફેદ અને લાલ ફુલવાળા એમ બે પ્રકારના શરપંખા થાય છે. સફેદ ફુલવાળા છોડ ખુબ જ ઓછા જોવા મળે છે. શરપંખાનાં દાતણ કરવામાં આવે છે. તેના સાવરણા પણ બને છે. શરપંખો તીખો, કડવો, તુરો, ગરમ તથા લઘુ છે. તે કૃમી, દમ, કફ અને પ્લીહા, બરોળના રોગો, આફરો, ગોળો, વ્રણ, વીષ, ઉધરસ, લોહીવીકાર, દમ અને તાવ મટાડે છે. શરપંખાનો આખો છોડ મુળ સાથે ઉખેડી, ધોઈ, સુકવી, ખાંડીને બારીક ચુર્ણ કરવું. (૧) મૅલેરીયા કે બીજા કોઈ પણ કારણથી બરોળ વધી જાય કે બરોળની કોઈ તકલીફ થાય તો શરપંખાના પંચાંગનું અડધી ચમચી ચુર્ણ બે ચમચી મધ સાથે સવાર-સાંજ થોડા દીવસ લેવાથી બરોળના રોગો મટી જાય છે. (૨) શરપંખાના મુળનો ઉકાળો મરી નાખી પીવાથી પ્રમેહમાં ફાયદો થાય છે. (૩) શરપંખાના મુળને ચોખાના ધોવાણમાં વાટીને લેપ કરવાથી કંઠમાળ મટે છે.  (૪) શરપંખાના પંચાંગનું અડધીથી એક ચમચી ચુર્ણ કફમાં મધ સાથે, પીત્તમાં ઘી સાથે અને વાયુમાં છાસ સાથે લેવું.

શતાવરી

October 19, 2009 by ગાંડાભાઈ વલ્લભ

શતાવરી શતાવરીના છોડ ભારતમાં બધે જ થાય છે. તેના છોડ ત્રણથી ચાર ફુટ ઉંચા, પાન શરુ જેવાં બારીક અને ડાળીના મુળ પાસેથી છેડા સુધી બંને બાજુએ સરખાં હોય છે. શતાવરીને નાનાં સફેદ સુગંધી ફુલોનાં ઝુમખાં આવે છે. છોડને કાંટા હોય છે. ડાળીની એક બાજુએ એક એક કાંટો હોવાથી એને એકલકંટી પણ કહે છે. તેને ચણી બોર જેવાં ફળો આવે છે. પાક્યા પછી તે લાલ રંગનાં થાય છે. શતાવરીનાં મુળ સુતરના તાંતણા એકઠા કરીને બાંધી રાખ્યા હોય એવાં ઝુમખા રુપે હોય છે. તેનાં મુળને ફીક્કાશ પડતી લાલ-પીળા રંગની છાલ હોય છે. એ છાલ કાઢતાં અંદર ધોળા રંગનો ગાભો અને વચ્ચે દોરા જેવું દેખાય છે. શતાવરીનાં મુળ લીલાં હોય ત્યારે સુકવવામાં આવે છે. આ મુળને જ શતાવરી કહે છે. શતાવરી ઔષધમાં વપરાય છે. શતાવરી એક ઉત્તમ ઔષધ છે. શતાવરીના છોડને સો કરતાં પણ વધારે મુળ હોય છે આથી એને શતાવરી કહે છ. તેનાં પાન વાળ જેવાં ઝીણાં અને પુશ્કળ હોય છે. એના છોડને જમીન તરફ વળેલા અવળા કાંટા હોય છે. શતાવરી ઠંડી, વાજીકર, મધુર-કડવી, રસાયન, સ્વાદીષ્ટ, પચવામાં ભારે, ચીકણી, ધાવણ વધારનાર, બળ આપનાર, બુદ્ધીવર્ધક, જઠરાગ્ની પ્રદીપક, આંખો માટે સારી અને પૌષ્ટીક છે. એ ત્રીદોષનાશક, ક્ષય, રક્તદોષ, સોજા, ગોળો અને અતીસારનો નાશ કરે છે. શતાવરી પરમ પીત્તશામક છે. એક એક ચમચી શતાવરીનું ચુર્ણ અને સાકર દુધમાં મીશ્ર કરી પીવાથી તરત જ અમ્લપીત્ત-એસીડીટી શાંત થાય છે. શતાવરીની બે જાતો થાય છે : (૧) મહા શતાવરી (૨) નાની શતાવરી. મહા શતાવરી ભીલાડથી મુંબઈ સુધીના દરીયાકીનારે વધુ થાય છે. તેનાં મુળ અંગુઠા જેટલાં જાડાં, રસદાર અને આઠથી દસ ફુટ લાંબાં થાય છે. દવામાં જાડાં અને રસદાર મુળીયાં જ વાપરવાં જોઈએ. બજારમાં જે વેચાય છે તે નાની શતાવરીનાં જ મુળીયાં હોય છે. નાની શતાવરી સર્વત્ર થાય છે. રેતાળ જમીનમાં ખુબ થાય છે. નાની શતાવરીનાં મુળ આઠથી બાર ઈંચ લાંબાં અને પાતળાં હોય છે. દવામાં ચુર્ણ કરવું હોય તો નાની શતાવરીનાં મુળનું કરવું અને રસ કાઢવો હોય તો મોટી શતાવરીના મુળનો કાઢવો. જો મોટી શતાવરી મળે તો તેનું ચુર્ણ વાપરવું વધુ સારું. શતાવરી મધુર અને કડવી છે. તે બળ વધારનાર, ધાવણ વધારનાર, શુક્રવર્ધક, રસાયન, મૈથુનશક્તી વધારનાર-વાજીકરણ છે. આ ઉપરાંત રક્તવીકાર, વાયુ, અને પીત્તને હરનાર, રક્તમુત્રતા, મુત્રકૃચ્છ્ર, મુત્રકષ્ટ મટાડનાર છે. જ્યારે મહાશતાવરી હૃદય માટે હીતકારી, બુદ્ધીવર્ધક, જઠરાગ્ની પ્રદીપ્ત કરનાર, પૌષ્ટીક, ગ્રહણી અને હરસને મટાડનાર છે. (૧) દુઝતા હરસમાં રોજ શતાવરી અને સાકર નાખી ઉકાળીને ઠંડુ કરેલું દુધ પીવું. (૨) જો મુત્રમાર્ગે લોહી પડતું હોય તો ૧ ચમચી શતાવરી, ૧ ચમચી ગોખરું અને ૧ ચમચી સાકરને ૧ ગ્લાસ પાણીમાં નાખી, ઉકાળો બનાવી રોજ સવારે અને સાંજે પીવાથી મટે છે, કેમ કે મુત્રાશયની શુદ્ધી કરવામાં શતાવરી અને ગોખરું બન્ને ઉત્તમ છે. (૩) કીડનીના સોજામાં પણ શતાવરી અને ગોખરું લેવાં. (૪) મહા શતાવરીનો તાજો રસ બે ચમચી સવાર-સાંજ પીવાથી અથવા મહા શતાવરીનું તાજું ચુર્ણ સાકરવાળા દુધમાં પીવાથી ધાવણ સાવ ઓછું આવતું હોય તો તેમાં લાભ થાય છે. શતાવરીનો તાજો દુધપાક બનાવીને પણ લઈ શકાય. (૫) રક્તાતીસારમાં મળમાર્ગે પડતા લોહીમાં ૧ ગ્લાસ બકરીના તાજા દુધમાં ૧ ચમચી શતાવરીનું ચુર્ણ, ૧ ચમચી સાકર અને ૧ ચમચી ઘી નાખી ઉકાળી ઠંડુ પાડી સવાર-સાંજ પીવાથી રક્તસ્રાવ બંધ થાય છે. (૬) ફેફસાની નાની મોટી તકલીફોમાં શતાવરીનું ચુર્ણ અને સાકર દુધમાં ઉકાળી લાંબો સમય લેવાથી સારો ફાયદો થાય છે. (૭) રતાંધળાપણામાં શતાવરીનાં કુમળાં પાન ગાયના ઘીમાં વઘારીને ખાવાથી રતાંધળાપણુ દુર થાય છે. (૮) મોઢામાં, હોજરીમાં, હોજરીના છેડે, આંતરડામાં જો ચાંદાં પડ્યાં હોય તો શતાવરીઘૃત અત્યંત હીતાવહ છે. મળી શકે તો લીલી શતાવરીનો તાજો રસ કાઢી બે ચમચી સવારે, બપોરે અને રાત્રે પીવો. જો લીલી શતાવરી ન મળે તો જ્યારે મળે ત્યારે શતાવરી ઘૃત પકાવી લેવું. ૫૦૦ ગ્રામ ગાયનું ઘી, ૨ કીલોગ્રામ શતાવરીનો રસ અને શતાવરીના મુળીયાનું ૨૦૦ ગ્રામ ચુર્ણ મીશ્ર કરી ઉકાળવું. પાણીનો ભાગ ઉડી જાય ત્યારે ઉતારીને ગાળી લેવું. એક ચમચી આ શતાવરી ઘૃત દીવસમાં ત્રણ વખત લેવાથી જીર્ણ જ્વર, મીરગી-વાયુ, આંતરીક ચાંદાં, ગાઉટ, ફેફસાના રોગો વગેરે મટે છે. શતાવરી મહીલાઓ માટેની પરમ પૌષ્ટીક ઔષધી છે. (૯) શતાવરીના બે ચમચી રસમાં એક ચમચી મધ મેળવી સવાર-સાંજ પીવાથી સ્ત્રીઓને થતું પીત્તનું શ્વેત પ્રદર મટે છે. (૧૦) એક ગ્લાસ દુધમાં એક ચમચી શતાવરીનું ચુર્ણ અને બે ચમચી સાકર નાખી ઉકાળીને ઠંડુ પાડી પીવાથી સ્ત્રીઓને થતું રક્તપ્રદર અને લોહીવા મટે છે. (૧૧) શતાવરી, જીરુ અને ગળો દરેકનું અડધી અડધી ચમચી ચુર્ણ પાણીમાં નાખી સવાર-સાંજ પીવાથી ટાઢીયો તાવ મટે છે. (૧૨) શતારી, સાકર, ગોળ અને કોપરું ખાવાથી પ્રસુતાનું ધાવણ વધે છે. (૧૩) એક ગ્લાસ ગાયના દુધમાં એક ચમચી શતાવરીનું ચુર્ણ નાખી પીવાથી પથરી મટે છે. (૧૪) એક ચમચી શતાવરી અને બોદા ગોખરુનું ચુર્ણ દુધમાં ઉકાળી સવાર-સાંજ પીવાથી પથરી મટે છે અને પેશાબમાં પડતું લોહી બંધ થાય છે. (૧૫) શતાવરી રસાયન છે, આથી એના સેવનથી આયુષ્ય વધે છે, સ્વાસ્થ્ય સારું રહે છે, વજન વધી શરીર હૃષ્ટપૃષ્ટ થાય છે. એક ગ્લાસ દુધમાં એક ચમચી શતાવરી અને એક ચમચી સાકર નાખી ઉકાળવું. ઠંડુ પડે ત્યારે ધીમે ધીમે પી જવું. એનાથી શરીરમાં સારી શક્તી આવે છે. સ્ત્રીઓનો પ્રદર રોગ મટે છે. (૧૬) શતાવરીમાંથી બનાવેલા તેલને નારાયણ તેલ કહે છે. બધી ફાર્મસી બનાવે છે. વાથી જકડાયેલા સ્થાન પર તેનું માલીશ કરવું. આ તેલની લઘુ એનીમા લેવાથી વાયુના રોગો, કટીશુળ, સાંધાનો દુખાવો, સાંધા જકડાઈ જવા વગેરે મટે છે. (૧૭) શતાવરી ચાંદાં માટેનું અકસીર ઔષધ છે. ૨૦૦ ગ્રામ દુધમાં એટલું જ પાણી નાખી ૧૦ ગ્રામ શતાવરીનું ચુર્ણ અને ૫ ગ્રામ જેઠીમધનું ચુર્ણ બે ચમચી ખડી સાકર નાખી ધીમા તાપે પાણી બળી જાય ત્યાં સુધી ગરમ કરી ઠંડુ પાડી પીવાથી મોંનાં, ગળાનાં, હોજરીનાં, યોનીમાં, આંતરડાંમાં, ગર્ભાશયમાં પડેલાં ચાંદાં મટે છે. આહારમાં દુધનું પ્રમાણ વધારવું. ગોળ, લસણ, ડુંગળી, કાળાં મરી, અથાણાં, પાપડ, મરચાં, બાજરી, રીંગણાં, મુળા, મોગરી, રાઈ, હીંગ વગેરે છોડી દેવાં. મોળાં શાકભાજી, રોટલી જેવો સાદો આહાર લેવો. એનાથી કસુવાવડ થતી હોય કે પુરા માસે જન્મેલું બાળક જીવી શકતું ન હોય તેમાં પણ ફેર પડે છે. (૧૮) જો કોઈ પુરુષને ગરમી હોય અને તેને લીધે શુક્ર ક્ષીણ થઈ જાય, પાતળું પડી જાય, કામશક્તી ઘટી જાય, ઉત્સાહનો અભાવ હોય શુક્રજંતુની ગતી ઘટી જતી હોય તો શતાવરી, આમળાં, સાકર, ઘી અને અશ્વગંધાનું એક એક ચમચી ચુર્ણ સવાર-સાંજ લેવું. (૧૯) શતાવરી, જેઠીમધ અને સાકર આ ત્રણેનું સરખા વજને બનાવેલું એક ચમચી જેટલું બારીક ચુર્ણ સવાર-સાંજ દુધ સાથે લેવાથી શરીરની આંતરીક ગરમી મટે છે. હાથની હથેળીની અને પગના તળીયાની બળતરા મટે છે. શતાવરી પાક ૫૦૦ ગ્રામ શતાવરીનાં મુળ ખુબ ખાંડી પાણી નાખી પેસ્ટ જેવું બનાવી તેમાં ચારગણું ગાયનું દુધ અને ચારગણું ગાયનું ઘી નાખી પાણીનો ભાગ ઉડી જાય ત્યાં સુધી ધીમા તાપે ઉકાળવું. હવે બાકી રહેલા કલ્ક જેટલી સાકર નાખી પાક બનાવવો. એને શતાવરી પાક કહે છે. બે ચમચી જેટલો શતાવરી પાક સવાર-સાંજ ખાવાથી રક્તપીત્ત, એસીડીટી, ક્ષય, પીત્તના અને વાયુના રોગો મટે છે.  શતાવરી ક્ષીરપાક એક કપ દુધમાં એટલું જ પાણી મેળવી તેમાં એક ચમચી શતાવરીનું ચુર્ણ, એક ચમચી જેઠીમધનું ચુર્ણ અને એક ચમચી સાકર મેળવીને ખુબ હલાવી ધીમે તાપે ઉકાળવું. ઉકળવાથી જ્યારે પાણીનો ભાગ ઉડી જાય અને એક કપ જેટલું દુધ બાકી રહે ત્યારે ઉતારી લેવું. ઠંડું પડે ત્યારે પી જવું, આ રીતે સવાર-સાંજ તાજું બનાવેલું શતાવરીયુક્ત દુધ-શતાવરી ક્ષીરપાક પીવામાં આવે તો શરીરની આંતરીક ગરમી, યોનીમાર્ગની આળાશ, બળતરા, ચાંદી, ગર્ભ ન રહેવો, વારંવાર કસુસાવડ થવી વગેરે મટે છે.

વેંગણ

October 17, 2009 by ગાંડાભાઈ વલ્લભ

વેંગણ વંેગણ પથ્ય શાક છે તેથી રોજ ખાવામાં વાંધો નથી. એ મધુર, ગરમ, તીક્ષ્ણ અને વીપાકમાં કટુ હોવાથી પીત્ત કરે છે. તે કફવાતનું શમન કરે છે તથા અગ્નીને પ્રદીપ્ત કરે છે. હૃદયને હીતકારી, ભુખ લગાડનાર, શુક્ર ધાતુ વધારનાર, તાવ, ઉધરસ તથા અરુચી મટાડનાર અને પચવામાં હલકાં છે. સફેદ વેંગણ કાળાં વેંગણ કરતાં ગુણમાં ઉતરતાં છે. જો કે સફેદ વેંગણ હરસમાં ગુણ કરે છે. ગરમ હોવાથી માત્ર શીયાળામાં જ ખાવા લાયક છે. કુમળાં રીંગણાં ઉત્તમ, નીર્દોષ અને સર્વ દોષોને હરનારાં છે. જો કે વધારે પડતાં બીજવાળાં વેંગણ વીષ સમાન છે. શીયાળામાં વેંગણ પથ્ય હોવા છતાં પીત્તપ્રકોપ, અમ્લપીત્ત તથા હરસના દર્દીને અને સગર્ભા સ્ત્રીને માફક આવતાં નથી. વેંગણ ઝીણો તાવ, કમળો, વાયુ, કફના રોગો અને પથરી મટાડે છે. (૧) રાંધેલા વેંગણના ટુકડા પર વાલના દાણા જેટલો નવસાર ભભરાવવો. નવસાર ઓગળી જાય ત્યારે બધું ચાવીને ખાઈ જવું. એનાથી કમળો જલદી મટી જાય છે.  (૨) માસીક ઓછું, અનીયમીત કે નાની ઉંમરે જતું રહ્યું હોય તો એકાંતરે દીવસે બાજરીનો રોટલો, રીંગણનું શાક અને ગોળ ખાવાં. (૩) બરોળ વધી ગઈ હોય તો સવાર-સાંજ એક કુમળું વેંગણ ચાવીને ખાઈ ઉપર ૧/૪ ચમચી શરપંખાના મુળનું ચુર્ણ લેવું.

વીરેચનવટી

October 16, 2009 by ગાંડાભાઈ વલ્લભ

વીરેચનવટી એળીયો ૪૦ ગ્રામ, રેવંચીનો શીરો ૨૦ ગ્રામ, હીંગ અને ફુલાવેલો ટંકણખાર ૫-૫ ગ્રામનું બારીક ચુર્ણ કરી ગરમાળાના ઉકાળામાં વાટીને બાજરીના દાણા જેવડી ગોળી બનાવતા જઈ શંખજીરાના ચુર્ણમાં નાખતા જવી. એને વીરેચનવટી કહે છે. એકથી બે ગોળી રાત્રે સુતી વખતે લેવાથી સવારમાં એક-બે વાર મળપ્રવૃત્તી થઈ પેટ સાફ થાય છે. હરસ-મસા ઉપરાંત બીજા જે વીકારોમાં પેટ સાફ રાખવાની જરુર હોય તેમાં આ ગોળી નીર્ભયતાથી વાપરી શકાય. સામાન્ય રીતે એક ગોળી લેવાથી એક વાર ઝાડો થાય છે.

વીટામીન બી૨ અને બી૧૨

October 15, 2009 by ગાંડાભાઈ વલ્લભ

વીટામીન બી૨ અને બી૧૨ નાયાસીન એટલે  વીટામીન બી૨ શેકેલી શીંગ, વટાણા, બટાટા, ચોખા, બ્રાઉન બ્રેડ, બદામ વગેરેમાંથી મળે છે. એનાથી સારી ઉંઘ આવે છે, ડાયાબીટીસમાં લોહીમાં સાકરનું પ્રમાણ ઘટે છે, રક્તવાહીનીમાં લોહીના ગઠ્ઠા થતા નથી, કાનમાં અવાજ થવાનું બંધ થાય છે, ચક્કર આવતાં નથી અને માસીક વખતે સ્ત્રીઓનું માથું દુ:ખતું બંધ થાય છે.

વીટામીન બી૧૨ વીટામીન બી૧૨ માંસ, મચ્છી, ઈંડાં, દુધ અને દુધની બનાવટોમાંથી મળે છે. ખોરાકમાંના વીટામીન બી૧૨ને લોહીમાં લાવવા લોહીમાંનો ઈન્ટ્રીન્સીક ફેક્ટર મહત્ત્વનો ભાગ ભજવે છે. આંતરડાની બીમારીને લીધે પણ વીટામીન બી૧૨ની ઉણપ સર્જાય છે. અશક્તી લાગવી, સામાન્ય પીળીયો થવો, વર્તણુંક અને સ્વભાવમાં ફેરફાર થવો, હતાશા, હથેળી અને પગના તળીયાની નસો સુકાઈ જવાથી બળતરા થવી, ખાલી ચડવી વગેરે બી૧૨ની ઉણપનાં લક્ષણો છે. એના ઈલાજ માટે વીટામીન બી૧૨નાં ઈન્જેક્શન લેવાં અને દુધ પીવું.