Archive for ઓક્ટોબર, 2008

દીવાનજીભાઈ (ગતાંકથી ચાલુ)

ઓક્ટોબર 31, 2008

દીવાનજીભાઈ વીષે વધુ દીવાનજીભાઈ નઈતાલીમના અને સર્વોદયના મુખ્ય આગેવાન હતા. ગુજરાત નઈતાલીમ સંઘના અને ગુજરાત સર્વોદય યોજનાના અધ્યક્ષ પણ રહી ચુક્યા હતા.

આપણા કાંઠાવીભાગમાં આચાર્ય મણીભાઈનું અને દીવાનજીભાઈનું ઘણું મોટું પ્રદાન છે, એ ન ભુલીએ.

મણીભાઈ ૧૯૨૮માં આચાર્ય તરીકે આવ્યા હતા. ૧૯૪૬માં નીવૃત્ત થયા. દીવાનજીભાઈ ૧૯૩૪માં આવ્યા હતા. ૧૯૯૧માં ગયા-પોતાના પ્રીય રેંટીયાનું સ્મરણ કરતાં કરતાં ખુલ્લા ખાલી હાથે. કાંઠાવીભાગને ખુબ આપ્યું. ગુજરાતમાં ગાંધીવીચારને વરેલાઓમાં આગવી ઓળખ આપી.

રેંટીયો તેમનો આરાધ્ય દેવ. ગમે ત્યાં જાય, થેલીમાં રેંટીયો તો હોય જ. સમય મળે ત્યારે કાંતે જ. ગમે તેવી સભા હોય, સંમેલન હોય, તેમનો રેંટીયો કોઈને ખલેલ પાડ્યા વીના શાંતીથી ચાલ્યા કરે. મળસ્કે ત્રણથી પાંચ સુધી કાંતતા. ફાવટ એવી કે અંધારામાં પણ કાંત્યા કરતા. એક વાર કોંગ્રેસના એક અધીવેશનમાં મહાદેવભાઈ વહેલી સવારે પ્રતીનીધીઓને જોવા નીકળ્યા. તે જ વખતે વીજળી રીસાઈ ગયેલી. છતાં દીવાનજીભાઈ અંધારામાં કાંતતા હતા. તે વખતે સાડાત્રણેક વાગ્યા હતા. કાંતવા માટે તેમને અજવાળાની જરુર ન હતી. ગમે તેવું કામકાજ હોય, દોડધામ હોય તો પણ દરરોજ અમુક તાર કાંતવા એટલે કાંતવા જ, એવી ધુન. તે વીના ઉંઘે નહીં, એવા વ્રતી. રેંટીયાની આવી ઉપાસના મેં બહુ ઓછામાં જોઈ છે. શરુઆતમાં તો તેઓ સાડાત્રણ-ચાર કલાક કાંતતા. તેની જે મજુરી મળતી તેમાંથી પોતાની જરુરીયાત પુરતું રાખીને બાકીનું ઉદ્યોગ વીદ્યાલયને અર્પણ કરી દેતા.

આદુ

ઓક્ટોબર 31, 2008

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

આદુ : આદુ ચોંટી ગયેલા મળને તોડનાર અને નીચે સરકાવનાર, ભારે, તીક્ષ્ણ, ઉષ્ણ, જઠરાગ્ની પ્રદીપ્ત કરનાર, તીખું, પચ્યા પછી મધુર, રુક્ષ, વાયુ અને કફ મટાડનાર, હૃદય માટે હીતાવહ અને આમવાતમાં પથ્ય છે. રસ તથા પાકમાં શીતળ છે. આદુ આહારનું પાચન કરનાર, આહાર પર રુચી કરાવનાર અને કંઠને હીતકર છે. એ સોજા, શરદી, ઉધરસ, શ્વાસ જેવા કફના રોગો, ગળાના રોગો, કબજીયાત, ઉલટી અને ઉદરશુળને મટાડે છે. આદુનો મુરબ્બો, અવલેહ અને પાક બનાવવામાં આવે છે; તથા આદુમાં મીઠું અને લીંબુનો રસ મેળવી અથાણું બનાવવામાં આવે છે.

(૧) આદુ કાંજી અને સીંધવ કે મીઠા સાથે લેવાથી પાચક, અગ્નીદીપક, કબજીયાત તથા આમવાતનો નાશ કરનાર છે.

(૨) બે ચમચી આદુનો રસ, બે ચમચી લીંબુનો રસ અને ૧/૪ ચમચી સીંધવ જમતાં પહેલાં લેવાથી જઠરાગ્ની પ્રદીપ્ત થાય છે, મુખ અને હૃદયની શુદ્ધી થાય છે, સ્વરભેદ (અવાજ બેસી જવો), ઉધરસ, દમ, અપચો, અરુચી, મળાવરોધ, સોજા, કફ, વાયુ અને મંદાગ્ની મટાડે છે.

(૩) ભોજનની પહેલાં નમક અને અાદુ સર્વ કાળે પથ્ય છે. એ જઠરાગ્ની પ્રદીપ્ત કરનાર, રુચી ઉપજાવનાર અને જીભ તથા કંઠને સાફ કરે છે.

(૪) કોઢ, પાંડુરોગ, મુત્રકૃચ્છ-અટકી અટકીને પેશાબ થવો, રક્તપીત્ત, વ્રણ-ચાંદાં, જ્વર અને દાહ હોય ત્યારે અને ગ્રીષ્મ તથા શરદ ઋતુમાં અાદુ હીતકારી નથી. 

દીવાનજીભાઈ (ગતાંકથી ચાલુ)

ઓક્ટોબર 31, 2008

દીવાનજીભાઈએ તૈયાર કરેલા ખાદી ખાર્યકર્તાઓ તેમાંના એક હીરાભાઈ છીબાભાઈ પુણીવાળા. મુળ તો પટેલ, પણ હીરાભાઈ પુણીવાળા તરીકે જ એ વધુ પ્રતીષ્ઠીત થયા.

કાંતણકામમાં પુણીનું ખુબ મહત્ત્વ. પુણી સારી હોય તો સુતર સારું કંતાય. સુતર સારું કંતાયું હોય તો સારું વણાય, સારી ખાદી તૈયાર થાય. સારી ખાદી ઉપડે વધુ, એની માંગ વધુ રહે. એટલે સારી પુણીનું ખુબ મહત્ત્વ. હીરાભાઈની દેખરેક હેઠળ તૈયાર થયેલ પુણીની માંગ આખા ગુજરાતમાં અને આખા દેશમાં રહેતી. એ રીતે કરાડી ખાદીકેન્દ્ર તરીકે દેશમાં ખુબ જાણીતું થયું.

દીવાનજીભાઈના હાથ નીચે તૈયાર થયેલ બીજા કાર્યકર તે ભાનુભાઈ. ભાનુભાઈ રવજીભાઈ પટેલ.

દીવાનજીભાઈએ રેંટીયાના ઉત્પાદનમાં પગભર થવાનું, સારા રેંટીયા બનાવવાનું વીચાર્યું હતું. તે માટે એમણે ભાનુભાઈને તાલીમ આપી હતી. ભાનુભાઈએ રેંટીયાના ઉત્પાદન માટે એક કારખાનું ચાલુ કર્યું હતું. આ કારખાનામાં બનાવેલા રેંટીયા આખા ગુજરાતની સંસ્થાઓમાં, ખાદીભંડારોમાં જતા હતા. ભાનુભાઈના રેંટીયા એટલે પરફેક્ટ ચરખા. એક નાના એવા ગૃહઉદ્યોગ મારફતે પ્રજાના કેટલા બધા બેકાર લોકોને કામ આપી શકાય તેનો અનુભવ થયો.

દીવાનજીભાઈએ પુણીથી માંડીને ખાદીના વેચાણ સુધીની પ્રક્રીયા માટે, તેના વહીવટ માટે આખા ગુજરાતમાં કેન્દ્રો સ્થાપ્યાં હતાં. આ કેન્દ્રોમાં કામ કરવા માટે સ્થાનીક કાર્યકર્તાઓને તાલીમ આપી તૈયાર કરતા હતા. આ રીતે દીવાનજીભાઈના હાથ નીચે તાલીમ પામેલા યુવાનોમાં ચંદુભાઈ રવજીભાઈ, દયાળભાઈ નાનાભાઈ અને હીરાભાઈ મોરારભાઈને બીજાં બીજાં કેન્દ્રોમાં જવાબદારી સોંપવામાં આવી હતી. દયાળભાઈ નાનાભાઈ ખાદીગ્રામોદ્યોગ બોર્ડની અમદાવાદની ઑફીસમાં મુખ્ય હીસાબનીસ હતા. સામાપુરના હીરાભાઈ સોમાભાઈ દીવાનજીભાઈના હાથ નીચે તૈયાર થયા હતા. વણાટકામમાં એટલા બધા કુશળ તજજ્ઞ હતા કે મુંબઈ સરકારે એમને રાજપીપળાની માધ્યમીક શાળાના શીક્ષકોને તાલીમ આપવાની શીક્ષણસંસ્થા ગ્રેજ્યુએટ બેઝીક ટ્રેનીંગ સેન્ટરમાં મુખ્ય ઉદ્યોગ શીક્ષક તરીકે મુક્યા હતા. દાંડીવાળા સોમભાઈ પણ કુશળ વણાટશીક્ષક, દાંડીમાં વણાટશાળા ચલાવતા. તેમણે તેમના વણાટકામના અનુભવો વીષે લખેલ પુસ્તકને ગુજરાત સરકારનું પારીતોષીક મળ્યું હતું.

છેલ્લે છેલ્લે દીવાનજીભાઈએ ધરમપુર વીસ્તારમાં ખાદીકામ વીસ્તાર્યું હતું.

અંજીર

ઓક્ટોબર 31, 2008

અંજીર : અંજીર ઉત્તમ આહાર અને ઔષધ છે. લીલાં અંજીરમાં લોહ, તાંબુ, કેલ્શીયમ, વીટામીન વગેરે પોષક તત્ત્વો સારા પ્રમાણમાં રહેલાં છે. સુકાં અને લીલાં બંને અંજીર રેચક-મળ સાફ લાવનાર, મુત્રપ્રવૃત્તી વધારનાર, પૌષ્ટીક અને રક્તવર્ધક છે.

અંજીર શીતળ છે અને રક્તપીત્ત મટાડે છે. બાળક, યુવાન, વૃદ્ધો અને ગર્ભીણી બધા માટે અંજીર હીતાવહ છે. તેમાં લોહ, કેલ્શીયમ, તાંબુ, ઝીંક, વીટામીનો, શર્કરા, ક્ષારો વગેરે શરીરોપયોગી તમામ તત્ત્વો છે. તાજાં પાકાં ફળો જ્યાં સુધી મળે ત્યાં સુધી રોજ ખાવાં જોઈએ. તાજાં જ મળતાં હોય ત્યારે સુકાં ન ખાવાં.

(૧) અંજીર રેચક છે આથી મળ સાફ ઉતરે છે. કબજીયાત હોય તો બેથી ત્રણ અંજીરના નાના ટુકડાઓ કરી દુધમાં ઉકાળી સુતી વખતે પીવાથી સવારે સરળતાથી મળ ઉતરી જાય છે.

(૨) મધુપ્રમેહ, બરોળના રોગો, કમળો, રક્તાલ્પતા, હરસ વગેરેમાં અંજીર ઉપયોગી છે.

(૩) જે બાળકોને રીકેટ્સ-સુકારો રોગ થયો હોય તેને અંજીરના દુધના પાંચ-સાત ટીપાં પતાસા પર પાડી ખવડાવવાથી ફાયદો થાય છે.

(૪) રોજ બેત્રણ અંજીર ખાવાથી ધાતુપુષ્ટી થાય છે.  પાંડુરોગમાં તથા દુર્બળ વ્યક્તીને હીતકારી છે. રોજ સવાર-સાંજ બેથી ત્રણ અંજીર ખુબ ચાવીને ખાઈ ઉપર એક ગ્લાસ દુધ પીવું.

દીવાનજીભાઈ

ઓક્ટોબર 30, 2008

દીવાનજીભાઈ

પરદેશી કાપડનો બહીષ્કાર અને ખાદીગ્રામોદ્યોગોનો સ્વીકાર એ હીન્દુસ્તાનની આઝાદીની ચળવળમાં એક મહત્ત્વનો કાર્યક્રમ છે. સીમાચીહ્નરુપ કાર્યક્રમ છે. ગાંધીજીએ ચીંધેલ માર્ગે હીન્દુસ્તાનમાં કરોડો લોકોએ પરદેશી કાપડનો બહીષ્કાર કર્યો હતો. વીદેશી વસ્ત્રોની હોળી કરી હતી. પરદેશી કાપડના બહીષ્કારની સાથે સાથે જ હાથે કાંતેલી અને હાથે વણેલી ખાદીનો પુનર્જન્મ થયો હતો. હીન્દુસ્તાનની ગરીબ રાંક પ્રજાને બટકું રોટલો મળે, રોજીરોટી મળે તે માટે આ ડોશીમાનો રેંટીયો, આ ખાદીઉદ્યોગ આશીર્વાદ સમાન નીવડ્યો હતો. આ ખાદીગ્રામોદ્યોગના પ્રચાર અને પ્રસાર માટે ગુજરાતમાં ખાદીગ્રામોદ્યોગ બોર્ડની રચના કરવામાં આવી હતી. એ સંસ્થાના સંચાલનમાં ગુજરાતના મુખ્ય કાર્યકર્તાઓમાં દીવાનજીભાઈ પણ એક હતા. ખાદીઉદ્યોગને દીવાનજીભાઈએ પાયામાંથી વીકસાવ્યો હતો. વ્યવસ્થીત કર્યો હતો. અહીં કરાડી-મટવાડમાં ૧૬થી વધુ સાળો ચાલતી હતી. દાંડીના વણાટ પરીશ્રમાલયમાં ૧૨ જેટલી સાળો ચાલતી હતી. સામાપુર, આટ અને ઓંજલમાં પણ સાળો ચાલતી હતી. (અમારા ગામ બોદાલીમાં પણ એક સાળ હતી.-ગાંડાભાઈ). સરસ ચાલતી હતી. અહીં રુની ખરીદીથી માંડીને પીંજવું, પુણી બનાવવી, કાંતવું, વણવું, વેચવું ત્યાં સુધી બધું એકદમ વ્યવસ્થીત અને સરસ નેટવર્ક ગોઠવાયું હતું. જે લોકો જન્મજાત વણકર ન હતા તેવા લોકોને વણાટકામની તાલીમ આપી ઉત્તમ વણકર બનાવ્યા હતા. અહીં ૬૦ આંકનું સુતર વણનારા કારીગરો તૈયાર થયા હતા. અહીંની વણાયેલી ખાદી આખા ગુજરાતમાં પંકાતી. ખાદીભંડારોમાં એની ખાસ માંગ રહેતી. એવી પ્રતીષ્ઠા એક સમયે હતી. એવું સુંદર કામ અહીં થતું હતું. એનો જશ દીવાનજીભાઈને જાય છે. એમની પાસે ખાદીકામના જાણકાર, તજજ્ઞ કહી શકાય તેવા નીવડેલા કાર્યકરોનું જુથ હતું. સરસ ટીમ હતી-મીશનરી ઢબે કામ કરનારી ટીમ. એમના જ હાથ નીચે ઘડાયેલા, ટીપાયેલા, તૈયાર થયેલા કાર્યકરોની ટીમ. જેઓ ખાસ ભણેલા નહીં, પણ ટકોરાબંધ કારીગરો હતા, કસબીઓ હતા. ખાદીઉદ્યોગને વીકસાવવા દીવાનજીભાઈએ કાંઠા વીભાગમાંથી અનેક યુવાન કાર્યકર્તાઓને તૈયાર કર્યા હતા. (વધુ આવતા અંકમાં)

અંઘેડો

ઓક્ટોબર 30, 2008

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

અંઘેડો : એનાથી ઘણા રોગોનો નાશ થાય છે, આથી એને સંસ્કૃતમાં અપામાર્ગ કહે છે. અંઘેડો તીખો કડવો અને ગરમ છે. એ વાયુ અને કફના રોગોમાં ઉપયોગી છે. આપણે ત્યાં અંઘેડો ચોમાસામાં બધે થાય છે. પાણીવાળી વાડી-ખેતરોમાં બારે માસ થાય છે.

એનાં પાન લંબગોળ અને છેડે અણીયાળાં હોય છે. એને લાંબી સળી ઉપર માંજર આવે છે. તેનાં ફુલનાં મોં નીચેની તરફ અને બીજ અણીવાળાં નાનાં હોય છે. અંઘેડાનાં મુળ, બીજ, પંચાંગક્ષાર અને પાન ઔષધમાં વપરાય છે.

(૧) અડધી ચમચી અંઘેડાનાં બીજનું ચુર્ણ ચોખાના ધોવાણ સાથે લેવાથી હરસમાં પડતું લોહી બંધ થાય છે.

(૨) એના બીજનું ચુર્ણ સહેજ સુંઘવાથી પુશ્કળ છીંકો આવે છે અને માથાનો દુઃખાવો મટી જાય છે.

(૩) અંઘેડાના બીજની રાબ બે ચમચી જેટલી ખાવાથી ભષ્મક (પુશ્કળ ભુખ લાગવાનો) રોગ મટે છે.

મણીભાઈ-ગતાંકથી

ઓક્ટોબર 29, 2008

ગતાંકથી ચાલુ-રમેશભાઈ પટેલે સાચું જ કહ્યું છેઃ

તમારા સ્પર્શોથી પથવીહીન માનવકળી

પ્રફુલ્લી, મ્હેંકી ને ધ્રુવનજરથી દૃષ્ટી મળી,

તમારાં ખીલવ્યાં તરુ કુસુમ હે પારસમણી

જ્યાં હો ત્યાં થઈ હૃદયભર તું પા-રસ-મણી.

ભારત વીદ્યાલયમાં અભ્યાસ કરીને દેશપરદેશ જઈ સ્થાયી થયેલા એમના પ્રવાહોને પીછાણનારા હતા. ગુજરાત વીદ્યાપીઠના સ્નાતક હતા. મીલનસાર સ્વભાવના એટલે મીત્રવર્તુળ વીશાળ હતું. પ્રસંગને અનુરુપ વીચારશક્તી અને દીર્ઘ દૃષ્ટી ધરાવતા હતા. રાષ્ટ્રીય શાળાના આચાર્યપદે રહીને એમણે કાંઠાવીભાગમાં શીક્ષણની સાથોસાથ વ્યાયામ પ્રવૃત્તીઓ પણ શરુ કરેલી. જ્યાં જ્યાં શીક્ષકોનો સહકાર મળતો ત્યાં ત્યાં વ્યાયામ પ્રવૃત્તીને વીકસાવવાનું બીડું ઝડપ્યું હતું. વ્યાયામ પ્રચારક મંડળવાળા પુરાણી બંધુઓના પ્રયત્નોને કારણે આખા ગુજરાતમાં એની અસર હતી. ભાવનગર, અમરેલી અને રાજકોટમાં પૃથ્વીસીંહે અખાડાપ્રવૃત્તી શરુ કરી હતી. મણીભાઈ કરાડીથી અબ્રામા સુધી અને પુર્વ બાજુ ધામણ સુધી વ્યાયામ પ્રવૃત્તી વીકસાવવામાં સફળ નીવડ્યા હતા. કરાડી શાળામાં એમના સમયમાં વ્યાયામનાં અનેક પ્રકારનાં સાધનો વસાવવામાં આવ્યાં હતાં. ૪૨ની ક્રાંતી પહેલાં એમણે લાકડાંની રાઈફલો બનાવી યુવાનોને લશ્કરી તાલીમ આપી હતી. આ લાકડાંની રાઈફલો જોઈને બ્રીટીશ અધીકારીઓ ચકીત થઈ ગયા હતા.

તે જમાનામાં શાળાની આર્થીક પરીસ્થીતી ધ્યાનમાં રાખીને મણીભાઈએ સ્થાનીક વીદ્યાર્થીઓને શીક્ષક તરીકે રાખેલા. જેમાં ઉંકાભાઈ પાંચાભાઈ, પરભુભાઈ જોગીભાઈ, રમેશભાઈ નાનાભાઈ, છીબાભાઈ લાલાભાઈ, નાનુભાઈ છીબાભાઈ, રામજીભાઈ ફકીરભાઈ, કનુભાઈ સંગીતકાર, જેરામભાઈ છીબાભાઈ તથા મગનભાઈ છીબાભાઈ વગેરેનો સમાવેશ થાય છે. આ સ્થાનીક શીક્ષકો પાસેથી મણીભાઈ ધાર્યું કામ કરાવી શકતા હતા. કરાડીની રાષ્ટ્રીય શાળાને નીભાવવા અને પગભર કરવા સખત મહેનત ઉઠાવતા હતા. તે દીવસે સરકારી ગ્રાંટની સગવડ ક્યાં હતી? એટલે શાળાની આર્થીક પરીસ્થીતીને પહોંચી વળવા એમણે કાંઠાવીભાગમાંથી ફાળો એકઠો કર્યો હતો. છતાં પણ આર્થીક ખેંચ ઉભી થઈ ત્યારે એમણે બે રુપીયા સભ્યફી રાખી હતી. એ સમયે શાળાની આર્થીક પરીસ્થીતીને ખ્યાલમાં રાખીને તેઓ પોતાના નીભાવખર્ચ પુરતો જ પગાર લેતા. જીવનનીર્વાહ માટે તેઓ પોતાના ગામથી અનાજ, કરીયાણું મંગાવી લેતા. તેમણે કબીરનો આદર્શ નજર સામે રાખ્યો હતોઃ

સાંઈ ઈતના દીજીયે તામેં કુટુંબ સમાય,

મૈં ભી ભુખા ના રહું અરુ સાધુ ન ભુખા જાય.

વીદ્યાર્થીઓ એમના સીદ્ધાંતો અને આદર્શો પાળે છે એ એમનું મોટું પ્રદાન છે. આવા એમના ન્યુઝીલેન્ડમાં વસતા વીદ્યાર્થીઓએ, મીત્રોએ એમના તરફનું ઋણ ચુકવવાના આશયથી ન્યુઝીલેન્ડ, ફીજી, અમેરીકા, દક્ષીણ આફ્રીકા, પુર્વ આફ્રીકા અને ઈંગ્લેન્ડ વગેરે દેશોના પ્રવાસનું આયોજન કર્યું હતું.

મણીભાઈ કેવળ કરાડીમાં જ નહીં, આખા કાંઠામાં પરમ આદરણીય સ્વજન તરીકે સન્માન્ય હતા. કાંઠાની પ્રજામાં રહેલ રાષ્ટ્રભાવનાને એમણે યોગ્ય દીશા અને દૃષ્ટી આપી હતી. એમની સેવાની નોંધ લેતાં ખરેખર જ હું ગૌરવ અનુભવું છું. ન્યુઝીલેન્ડમાં ઑક્લેન્ડ શહેરની દક્ષીણે આવેલ વાયુકુ હાઈસ્કુલમાં પ્રવચન કરતાં એમણે કહ્યું હતુંઃ મારા વીદ્યાર્થીઓ મને પ્રવાસ કરાવે છે એ મોટી વાત છે.આ કથને એમના વીદ્યાર્થીઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

कर्मण्येवाधिकारास्ते मा फलेषु कदाचन |” ગીતાના આ કર્મયોગને તેમણે પોતાના જીવનમાં ચરીતાર્થ કર્યો હતો.

એવા નીષ્કામ કર્મયોગી મણીભાઈને અંતઃકરણપુર્વક પ્રણામ.

અંકોલ

ઓક્ટોબર 29, 2008

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

અંકોલ : એનાં મોટાં વૃક્ષો કાંટાવાળાં અને કાંટા વગરનાં એમ બે જાતનાં થાય છે. પાન કરેણનાં પાન જેવાં, લાંબાં રુંવાટીવાળાં અને બે આંગળ પહોળાં હોય છે. આપણે ત્યાં ઘણા પ્રાંતોમાં અંકોલ થાય છે. અંકોલનાં ઝાડવાં પંચમહાલ તરફ ખુબ થાય છે. એને જાંબુ જેવાં ગોળ ફળ આવે છે, જે અષાઢ માસમાં પાકે છે, એને ખાઈ શકાય છે. ફળનો રંગ રતાશ પડતો ઘેરો જાંબુડી હોય છે. ઉપરનું છોડું ઉખેડતાં અંદરથી લીચી જેવો ઘેરો સફેદ ગર્ભ નીકળે છે, જે બાળકો હોંશે હોંશે ખાય છે. એનાં બીમાંથી તેલ નીકળે છે.

અંકોલ તુરું, કડવું, પારાની શુદ્ધી કરનાર, લઘુ, મળને સરકાવનાર, તીક્ષ્ણ અને ઉષ્ણ છે. તેનો રસ ઉલટી કરાવનાર, વાતશુળ, કટીશુળ, વીષ, કફ, કૃમી, આમપીત્ત, રક્તદોષ, વીસર્પ અને અતીસાર મટાડે છે. તેનાં બીજ ઠંડાં, બળકારક, સ્વાદીષ્ટ, કફકર, મળને સરકાવનાર, ચીકણાં અને મૈથુનશક્તી વધારનાર છે. તેનાં બીજનું તેલ વાયુ અને કફનાશક તથા માલીશ કરવાથી ચામડીના દોષોનો નાશ કરે છે. અંકોલનાં ફળ કફને હરનાર છે, પચવામાં ભારે છે, મળાવરોધક(કબજીયાત કરનાર) છે અને જઠરાગ્નીને મંદ કરે છે. એ કફના રોગોમાં ઉત્તમ છે. શરીરને પુષ્ટ કરે છે તથા બળ આપે છે. એ વાયુ અને પીત્તના રોગોમાં ઉપયોગી છે. દાહ-શરીરની આંતરીક બળતરાને શાંત કરે છે.

(૧) અંકોલના મુળની છાલ ચોખાના ઓસામણમાં ઘસીને મધ કે સાકર નાખી પીવાથી પાતળા ઝાડા બંધ થાય છે.

(૨) અંકોલના ફુલની સુકી કળીઓ, આમળાં અને હળદરનું સમાન ભાગે બનાવેલું ૧-૧ ચમચી ચુર્ણ સવાર-સાંજ પાણી સાથે લેવાથી પાતળા ઝાડા બંધ થાય છે.

(૩) અંકોલના લીલાં મુળીયાંનો એક ચમચી રસ પીવાથી રેચ લાગી કૃમીઓ મળ વાટે બહાર નીકળી જાય છે.

(૪) અંકોલના લીલાં મુળીયાંનો એક ચમચી રસ દરરોજ સવારે લેવાથી શરુઆતનો જળોદર રોગ મટે છે.

(૫) અંકોલના બીજનું તેલ લગાડવાથી ગુમડાનાં ચાંદાં મટે છે.

(૬) અંકોલના બીજના તેલમાં અંકોલની છાલ વાટી મલમ બનાવી લગાડવાથી ચામડીના જુના રોગો મટે છે.

(૭) અંકોલનાં પાન વાટી લેપ કરવાથી સોજા ઉતરે છે.

પારસમણી સમા મણીભાઈ

ઓક્ટોબર 28, 2008

પારસમણી સમા મણીભાઈ

મણીનો અર્થ થાય છે રત્ન. આખું નામ મણીભાઈ શનાભાઈ પટેલ. મુળ અલીન્દ્રા, ખેડા જીલ્લાના. એઓ કરાડી રાષ્ટ્રીય શાળાના આચાર્ય તરીકે પધાર્યા તેમાં કુદરતનો સંકેત હશે. તેઓ સાચા અર્થમાં માનવરત્ન હતા. પારસમણી હતા. સ્પર્શથી લોઢાને સોનું બનાવનાર મણી. પ્રખર રાષ્ટ્રવાદી હતા. કાંઠાના રાષ્ટ્રીય શીક્ષણસેવા એ તેમના જીવનનો આદર્શ હતો.

એમના સમય દરમીયાન તેઓ વીદ્યાર્થીઓના જીવનઘડતર તરફ પુરતું લક્ષ આપતા. છીબુભાઈ લાલાભાઈના જીવનની સફળતામાં મણીભાઈનો અમુલ્ય ફાળો હતો. છીબુભાઈને તેમણે અસાધ્ય રોગમાંથી મુક્ત કરાવ્યા હતા. નવજીવન આપ્યું હતું. એમના સાન્નીધ્યમાં રહેલ સંગીત શોખીનોને સંગીત શાળામાં અને કલાના ઉપાસકોને કલાશાળામાં, અમદાવાદ દાખલ કરાવ્યા હતા. વીદ્યાર્થીઓની શક્તી, મતી, રુચીને ધ્યાનમાં રાખીને તે તે વીદ્યાશાખાઓમાં દાખલ કરાવ્યા હતા. એ રીતે તેમનું જીવન ઉજમાળું બનાવ્યું હતું. તેઓ માત્ર વીદ્યાર્થીઓના શીક્ષક જ નહોતા, ફ્રેન્ડ, ફીલોસોફર અને ગાઈડ હતા. આત્મીય સ્વજન હતા. એમને હૈયે વીદ્યાર્થીઓનું કલ્યાણ હંમેશાં રહેતું. વ્યાયામના ક્ષેત્રમાં એમણે નાનુભાઈ છીબાભાઈ અને ઉંકાભાઈ પાંચાભાઈને તાલીમ આપી વ્યાયામ વીશારદની પદવી અપાવી હતી.

શ્રી બચુભાઈ મકનજી પટેલે લખ્યું છેઃ

મણીભાઈનું સાન્નીધ્ય વાત્સલ્ય સભર હતું. દરેક વીદ્યાર્થી માટે જાતે ધ્યાન રાખતા. દરેક વીદ્યાર્થીને સુસંસ્કારો મળે તે માટે જાગૃત રહેતા. વીદ્યાર્થીઓમાં શીસ્તપાલન, નીયમીતતા, કસરત કરવી, કાંતવું, ખાદીફેરી, પ્રભાતફેરી, ગ્રામસફાઈ વગેરે કાર્યક્રમો આપી તેમનામાં રાષ્ટ્રભક્તી જગાડતા. પોલીસની દરકાર કરતા નહીં. ૪૨ની ક્વીટ ઈન્ડીયાલડત વખતે કાંઠાવીભાગમાં આગેવાન હતા. જેલવાસી બન્યા હતા. જો એઓ રાજકારણમાં પડ્યા હોત તો મીનીસ્ટર થયા હોત. પણ એમણે તો શ્રી અરવીંદે બતાવેલ આધ્યાત્મીક માર્ગ પસંદ કર્યો હતો. મણીભાઈના સંપર્કમાં જેઓ આવતા તેઓ પ્રેમ અને વાત્સલ્યનો અનુભવ કરતા. (વધુ આવતા અંકે)

અષ્ટમંગલ ઘૃત

ઓક્ટોબર 28, 2008

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

અષ્ટમંગલ ઘૃત બજારમાં એ તૈયાર પણ મળે છે. વજ, કઠ, બ્રાહ્મી, સફેદ વાળો, સરસવ, અનંતમુળ, સીંધવ અને લીંડીપીપર આ આઠ ઔષધ સરખા વજને લઈ પાણીમાં વાટી ચટણી જેવું બનાવી એમાં ચારગણું ગાયનું ઘી અને સોળગણું પાણી મેળવી ધીમા તાપે ઉકાળી ફક્ત ઘી બાકી રહે ત્યારે ઉતારી ગાળી લીધેલા ઘીને અષ્ટમંગલ ઘી કહે છે. આ ઘી બાળકોને થોડું થોડું ચટાડવાથી બુદ્ધી વધે છે, યાદશક્તી તીવ્ર બને છે તથા શારીરીક અને માનસીક વીકાસ ઝડપી બને છે. ત્રણ વર્ષથી મોટાં બાળકોને અડધી ચમચી ઘી સવાર-સાંજ આપવું.