Archive for નવેમ્બર, 2008

સરદાર વલ્લભભાઈ પટેલ

નવેમ્બર 30, 2008

ગતાંકથી ચાલુ સરદારની આગેવાની હેઠળ ખેડા જીલ્લામાં પણ મહેસુલ સામે સત્યાગ્રહ કરવામાં આવેલો. તેનું સંચાલન પણ સરદારે સફળતાપુર્વક કરેલું. અમદાવાદ શહેસુધરાઈના એ પ્રમુખ ચુંટાયેલા અને શહેરના મીલમાલીકો અને મુડીવાદીઓનું મજુર સામેના ઘર્ષણો અને હડતાલોમાં વચ્ચે પડી સંતોષકારક સમાધાનો કરાવેલાં. ગુજરાતના બીજા અન્ય સમાજવાદી આગેવાનો ઈન્દુલાલ યાજ્ઞીક, છોટુભાઈ પુરાણી, ચંદ્રશંકર ભટ્ટ વીગેરે સાથે સંબંધ રાખેલો. પરંતુ કોંગ્રેસના વહીવટમાંથી અલગ રાખેલા. ભારત વીદ્યાલય કરાડી, મટવાડ વીદ્યાર્થી મંડળ, અમલસાડ વીસ્તારના અનેક રાષ્ટ્રીય દેશસેવકો જોડે એમનો ઉંડો સંબંધ. મરોલી આશ્રમ અને વેડછી આશ્રમ સાથે પુરો પાકો સંબંધ. રાષ્ટ્રીય લડત વખતે આ બધા જ સંબંધો એમણે ઉપયોગમાં લીધેલા. ગણેશ વાસુદેવ માવલંકરને એમણે મુંબઈના સ્પીકર અને બાદમાં દીલ્હીના સ્પીકર બનાવેલા. ગુજરાતના અનેક કાર્યકરોને એમણે ઠેકાણે પાડેલા. ધીમે ધીમે આખા દેશમાં અને કોંગ્રેસના બંધારણીય તંત્રની મુખ્ય જવાબદારી એમના હાથમાં આવેલી. કોંગ્રેસ પાર્લામેન્ટરી બોર્ડના એ પ્રમુખ બનેલા. સ્થાનીક અને સમગ્ર દેશની તમામ ચુંટણી વખતે એમની બોલબાલા. જેમાં એક વાર મુંબઈના અને કોંગ્રેસના જાણીતા પારસી આગેવાન નરીમાન સાથે દીલ્હીની ચુંટણી પ્રસંગે મતભેદ પડેલા અને તે ઝગડો કોંગ્રેસની ખાસ સમીતી સુધી ગયેલો. સમીતીએ નરીમાનને સંપુર્ણપણે સાંભળેલા અને સરદારને સાંભાળેલા. આખરી નીર્ણય સરદારની તરફેણમાં આવેલો.

એક પ્રસંગે પ્રાંતીય રાજસત્તાના કોંગ્રેસી પ્રધાન ખરેએ અયોગ્ય પગલું ભરેલું. જેથી એને સ્થાન પરથી પદભ્રષ્ટ કરેલો. ઘણો ખળભળાટ થયેલો. પરંતુ સરદારે સંતોષકારક ખુલાસો આપેલો. પ્રાંતીય ધારાસભાની ચુંટણી પ્રસંગે અને પછીથી અનેક પ્રસંગો બનેલા તેમાં આપણે ત્યાં આપણને સ્થાનીક વહીવટદારોએ ચુંટણીમાં લડાવેલા. કોંગ્રેસના નીયમાનુસાર એક બેઠક માટે એક જ માણસે ઉમેદવારી કરવાની અને તે જેને કોંગ્રેસ કહે તેણે જ. જ્યારે આપણી બેઠક માટે ત્રણ ભાઈઓ પાસે ઉમેદવારી પત્રો ભરાવેલાં. ૧. લલ્લુભાઈ મકન, ૨. પી.સી. પટેલ, ૩. ગણેશભાઈ સુખા. આ નીતી સામે પરસોત્તમભાઈ તલાટી, મોરારીભાઈ સોમા અને મેં સખત વાંધાઓ લીધેલા. પરંતુ તેમાં સફળ થયેલા નહીં. અંતે ત્રણે ભાઈઓનાં ઉમેદવારી પત્રો ગયેલાં. લલ્લુભાઈનું મંજુર થયેલું. મુંબઈ-ગુજરાત ધારાસભામાં લલ્લુભાઈ સહુથી યુવાન અને સહુથી વધારેમાં વધારે મતોથી જીતેલા, કારણ કે ચુંટણી પ્રસંગે આપણે સહુએ સંપુર્ણ સહકારથી કામ કરેલું. (મારે માટે એરુ-એથાણ વીસ્તાર આવેલો.)– (વધુ આવતા અકમાં)

કઠ-ઉપલેટ

નવેમ્બર 30, 2008

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

કઠ-ઉપલેટ : કઠનો બહુવર્ષાયુ છોડ હીમાલયમાં ૮થી ૧૨ હજાર ફુટની ઉંંચાઈએ થાય છે. પાણીમાં થતા આ છોડનાં સુગંધી મુળ (જે બજારમાં મળે છે) ઔષધમાં વપરાય છે. મુળ ૩થી ૪ ઈંચ લાંબાં, અડધો ઈંચ પહોળાં, એક બાજુએ ચીરાયેલાં કે ફાટેલાં જલદી ભાંગી જનાર, તોડવાથી અંદર ગાજર જેવાં લાલ હોય છે. મુળ સ્વાદે તીખાં, કડવાં અને ગરમ હોય છે. એ ખાવામાં અને ચોપડવામાં વપરાય છે. એ કફ-વાયુના રોગોમાં ફાયદો કરે છે. એ મળને ખોતરનાર, શુક્રની શુદ્ધી કરનાર અને માલીશમાં ઉપયોગી છે. કઠ તીખી, કડવી, ઉષ્ણ, મીઠી, વાજીકર, રસાયન, શુક્રલ, કાંતીકારક, વાતકફનાશક, કોઢ, વીસર્પ, ખંજવાળ વગેરે મટાડે છે.

(૧) મુળનું ચુર્ણ પા ચમચી સવાર-સાંજ મધ સાથે લેવાથી ચામડીના ઘણા રોગોમાં ફાયદો થાય છે.

(૨) વ્રણ, ડાઘા, કોઢ, ખરજવા પર મુળના ચુર્ણનો લેપ કરવાથી ફાયદો થાય છે.

(૩) કઠ અને ધાણાનો લેપ કરવાથી ચામડીનો મંડલકુષ્ઠ મટે છે.

(૪) કઠ-તેલનું હરસ પર માલીશ કરવાથી હરસ શાંત થાય છે.

(૫) પા ચમચી કઠનું ચુર્ણ એક ચમચી મધ સાથે સવાર-સાંજ લેવાથી એપીલેપ્સી-અપસ્મારમાં ફાયદો થાય છે.

(૬) કઠ અને જેઠીમધના ચુર્ણનો લેપ કરવાથી મુખકાંતી-સૌંદર્ય વધે છે.

(૭) પા ચમચી કઠનું ચુર્ણ, એક ચમચી મધ અને બે ચમચી ઘી મીશ્ર કરી રોજ સવારે ચાટવાથી નીરોગી રહેવાય છે અને દીર્ઘાયુષી થવાય છે.

(૮) વાલના દાણા જેટલું કઠના મુળનું ચુર્ણ સવાર-સાંજ એક ચમચી મધમાં મીશ્ર કરી ચાટવાથી ઉન્માદ, અપસ્માર અને મુત્રલ હોવાથી સોજા અને મુત્રમાર્ગના રોગોમાં ખુબ જ હીતાવહ છે તથા સતત આવતી હેડકીનો વેગ શાંત થાય છે.

(૯) કઠનું ચુર્ણ પાણી સાથે લગાડવાથી ચામડીના રોગોમાં ફાયદો થાય છે.

(૧૦) કઠનું ચુર્ણ ખાપરીયામાં શેકી તેલમાં કાલવી લેપ કરવાથી માથાનો ખોડો મટે છે.

સરદાર વલ્લભભાઈ પટેલ

નવેમ્બર 29, 2008

સરદાર વલ્લભભાઈ પટેલ

દેશમાં સહુથી વધારેમાં વધારે મહત્ત્વનું કાર્ય કોઈએ કર્યું હોય તો તે સરદાર વલ્લભભાઈએ. જેનાં થોડાં સ્મરણો યાદ કરીએ.

દાંડી નીમક સત્યાગ્રહ પહેલાં ૧૯૨૮માં બારડોલી સત્યાગ્રહ થયેલો. મહેસુલ નહીં ભરવાના મુદ્દાઓ પર બ્રીટીશ સરકારે ગંભીર ત્રાસ વર્તાવેલો. ખેડુતોના ઘરોની જડતી લઈ માલમીલકત બધું કાઢી લઈ ગયેલા. ઢોર બળદો પણ કાઢી લઈ ગયેલા. જડતી લીધેલા માલનું લીલામ કરેલું. ઘરમાં બંધાઈ રહેલાં ઢોરો ધોળાં થઈ ગયેલાં. લોકોને ઘરબારમાંથી કાઢી મુકેલા. લોકો આમ તેમ સગેવહાલે જઈને રહેલાં. સરકારે જમીન હરાજી કરેલી તે કેટલાક પારસીઓએ સસ્તી મળતી હોવાથી લીધેલી. પરંતુ સરદારે અને પ્રજાએ નમતું તોલેલું નહીં. પરંતુ જીતેલા એમ કહીએ તો ખોટું નથી. ખેડુતોએ સરદારને કહ્યું કે કોઈક જગ્યાએ જમીન મળતી હોય તો અમે ખેતી કરીએ. આ વીષય પર સરદારે ઉંડો વીચાર કર્યો, અને માંડવીથી આગળ રાજપીપળા સ્ટેટ (દેશી રાજ્ય)ના રાજાને મળીને એમનાં જંગલો યોગ્ય કીંમતે આ ખેડુતોને વેચવાનું કહ્યું. તે પ્રમાણે જંગલો ખરીદી, ઝાડો કાપી, મુળીયાં કાઢી, જમીન સાફ કરી ખેતી કરવાનું કામ શરુ કર્યું. આ હકીકત રમુજી છે. ક્રાંતીકાળમાં નીરાશ્રીત તરીકે મેં રાજમાં પાંચેમ ગામે ધામણના ધીરજભાઈ ગોરધનને ત્યાં કાઢેલાં. ત્યારે એ ખેતી અંગેની વીસ્તૃત વીગત મેળવેલી. જંગલો ખરીદે, ઝાડો કપાવે, તેનાં ઈમારતી લાકડાં વેચે. ડાળ-પાંખડાં બાળવા માટે વેચે. થડ-મુળીયાં કોલસા માટે વેચે. આ બધી વીધી કરતાં વ્યવસ્થીત મહેનત કરવી પડે. પછીથી જમીન ચોખ્ખી થાય. ત્યારે પાણીના નીકાલ માટે મોટી નીકો કરવી પડે. એનું નાની નદીઓના વહેણ સાથે સંગમ કરાવવું પડે. ધીરજભાઈ પાસે પાંચેમમાં ૧૨૦૦ વીઘાં આવી જમીન. ત્રણ દીકરા પૈકી એક કાયમ ત્યાં રહે. બાકીના બે ધામણથી આવજા કરે. ધામણમાં ત્રીસ વીઘાં જમીન. ખાનદાની જબરી. હું ત્યાં હતો તે દરમીયાન ધીરજકાકાને મેં રામકબીર ગ્રંથ વાંચી સંભળાવેલો. ખેતી કરવાની પદ્ધતીનો મેં અભ્યાસ કરેલો. ખેડેલી જમીનમાં બે ચાસ કપાસ લીધા પછીથી બે ચાસ ખેતરનું હલકું ભાત ઓરવું એ રીતે ભાતમાં ક્યાંક થોડી તુવેરની છાંટ નાખવી. આ ભાત આસો માસમાં કાપી લેવાયા બાદ કપાસને વીકસવા માટે પુરતી જગ્યા મળી રહે. અમુક ખેતરોમાં જુવાર પણ ઓરે. આ ખેડુતોએ ભાત અને કપાસનો પાક એટલો બધો લીધો કે ઝગડીયા અને નેત્રંગમાં કપાસ અને ભાતનાં કારખાનાં ઉભાં કર્યાં. આથી એક આખો ઉદ્યોગ શરુ થયો. ગોરધનભાઈ ભક્તના કાકાએ રાજપરા ગામે ખેતી ઉપરાંત ઈમારતી લાકડાં વેચવાની એક વખાર ઉભી કરી હતી. ત્યાં અમારા ભત્રીજા રણછોડભાઈ ગોવીંદ રહી આવેલા. બારડોલી વીસ્તારના ખેડુતોની જમીન ગયેલી તેવા અનેક ખેડુતો રાજપીપળા સ્ટેટમાં સ્થીર થયેલા. જ્યારે પ્રાંતીય સરકાર રચાયેલી ત્યારે આ ખાલસા થયેલી જમીન સાચા ખેડુત માલીકોને સરદારે પાછી અપાવેલી. (વધુ આવતા અંકમાં)

કચુરો

નવેમ્બર 29, 2008

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

કચુરો ભારતમાં બધે થાય છે. ઔષધમાં એનો કંદ વપરાય છે. એના કંદમાં ઉડ્ડયનશીલ તેલ, ગુંદર, શર્કરા, સ્ટાર્ચ અને સેન્દ્રીય અમ્લ હોય છે. તે કડવો, તીખો અને ગરમ હોય છે. કચુરો ભુખ લગાડનાર, અરુચી દુર કરનાર, પચવામાં હલકો, દમ, ગોળો, વાયુ, કફ, કૃમી, હેડકી અને હરસ મટાડે છે. કચુરાના કંદના સુકવેલા ટુકડા બજારમાં મળે છે. કચુરાના ટુકડા મોંમાં રાખવાથી મોંની ચીકાશ દુર થઈ ગળું સાફ રહે છે. દમ, ખાંસી અને હેડકીમાં એનો ઉપયોગ ખાસ થાય છે. તે શ્વેતપ્રદરમાં પણ ઉપયોગી છે.

ડાહીબેન

નવેમ્બર 28, 2008

ડાહીબેનઃ મારાં પત્ની

મારાં લગ્ન એક મીત્રપત્નીના સહકારથી તા. ૧૮-૫-૧૯૪૨ના રોજ થયેલાં. ખેતી અને પશુપાલન એ મારું મુખ્ય કાર્ય. ૧૯૪૨ના ઑગષ્ટમાં લડત આવી. એમાં મેં ઝંપલાવ્યું. હું અને મારાં પત્ની ભુગર્ભવાસમાં ગયાં. તવડી, કાદીપોર, ધામણ, રાજપીપળા અને અંતે દેલવાડામાં એક ઝુંપડીમાં સાથે ત્રણ માસ રહ્યાં. હરીભાઈ અને ડાહ્યાભાઈએ જબરો સાથ આપ્યો. નીકટના મીત્ર બન્યા. ભાગ્યા બાદ ફરીથી દેલવાડાના સીમાડામાં બે માસ કાઢ્યા. અંતે ૧૯-૨-૪૩ના રોજ વહેલા પરોઢે સીમાડામાંથી ગીરફતાર થયેલા. દરમીયાન મારી પત્નીએ મારો સાથ છોડેલો નહીં. જ્યારે જ્યારે જેલોમાં મળવા આવતાં ત્યારે હંમેશાં ખાવાનું લાવતાં. અને મારા માટે ધોયેલાં કપડાં લાવતાં. મારી પત્નીએ લડત દરમીયાન મને ખુબ જ સહકાર આપેલો. મારી ૧૯ માસની જેલ દરમીયાન વીયોગ સહન કરેલો. મારા અનેક પ્રસંગોની એ ભાગીદાર છે. પુર્ણા નદી એણે મારા કરતાં વધુ વાર ઓળંગી છે. અમને ૨૦ વર્ષની સજા થશે તો એની શું દશા થશે? તે વીચારે જેલમાં અનેક રાત્રે હું ઉંઘતો નહીં. ઠીક થયું કે ભગવાને તેમ ન કર્યું.

આ પુસ્તક મણીભાઈ, માતાજી અને પત્નીને સમર્પણ.

કચરીયું

નવેમ્બર 28, 2008

કચરીયું ગોળથી ત્રણ ગણા કાળા તલ લઈ બંનેને ખુબ ખાંડી-કુટી અથવા મશીનમાં પીલી સુંઠ, ગંઠોડા જેવાં ઔષધીય દ્રવ્યો થોડી માત્રામાં મેળવવાથી કચરીયું બને છે. કચરીયું સ્નીગ્ધ, ઉષ્ણ, મધુર, થોડું તુરું, ત્વચા અને વાળ માટે હીતકારી, વાયુનો નાશ કરનાર અને ભોજન પરની અરુચી દુર કરનાર છે. વજન વધારવા શીયાળામાં કચરીયું ખાસ ખાવું. ૩-૪ ચમચી અથવા પાચનશક્તી મુજબ સવાર-સાંજ ખુબ ચાવીને ખાવાથી એનો પુરતો લાભ મળે છે.

લાલીબેન

નવેમ્બર 26, 2008

લાલીબેનઃ મારી મા

મારી માતાજીનું નામ લાલીબેન. એમની કુખે હું ૧૯૧૯માં કરાડીમાં જન્મેલો. મારી માની ઉંમર આસરે ૨૬ વર્ષની. ભણેલાં ખાસ નહીં. પરંતુ પાછળથી પ્રૌઢ શીક્ષણના વર્ગમાં થોડું શીખેલાં. મને બાળપણમાં વીનય અને વીવક શીખવનાર એ હતાં. મહોલ્લામાં રહેતાં દરેક ભાઈબહેનોને મામા-મામી, માસી, ભાઈ-બહેન વીગેરેથી સંબોધન કરતાં. અરે હરીજનવાસમાં પણ માસી મામા કહેતાં. મારે લડતમાં પડવું હતું અને લગ્ન નહોતાં કરવાં, પરંતુ માતાજીના ખુબ દબાણથી મેં લગ્ન કરેલાં.

ક્રાંતી દરમીયાન મારી માતાજીએ અનેક રીતે મારી દેખરેખ રાખેલી. ૨૨મી ઑગષ્ટની રાત્રે મારી માને બરડા પર અને પગની જાંઘ પર ગંભીર માર પડેલો. તે શરીર અને પગ બ્લુ થઈ ગયેલા. પાંચ પેઢીની સગાઈ શોધી માસીના ઘરે તવડી અમને મોકલેલા. રાજના જંગલમાંથી (રાજપપળા) આવ્યા બાદ ફરીથી લાંબી સગાઈ શોધી ફોઈબાના ઘરે દેલવાડા ગોઠવેલા. કરાડીમટવાડથી દુધ, ઘી, અનાજ વીગેરે મોકલતાં. સોડીયાવડથી ભાગી ગયેલો ત્યારે મને નદી તરીને દેલવાડા મુકવા માટે આવેલાં. પછીથી જેટલી જેલોમાં ગયો તેટલી જેલમાં એ નીયમીત જેલની મુલાકાતે આવતાં. નવસારી, જલાલપોર અને સુરત ખાસ આવેલાં. (સાબરમતી નહીં.) દરેક કટોકટીના પ્રસંગે હીંમત રાખતાં. મુલાકાત વખતે દરેક જાતનું ખાવાનું લાવતાં.

એલચો

નવેમ્બર 26, 2008

એલચો(ખાટખટુંબો) : એને સંસ્કૃતમાં પર્ણબીજ કહે છે, કેમ કે એના પાનમાંથી નવો છોડ ઉગે છે. એના પાનથી ઘા રુઝાતો હોવાથી હીંદીમાં ઘાવપત્તા કે જખ્મેહયાત કહે છે. આના નાના છોડ બહુવર્ષાયુ હોય છે અને કુંડામાં પણ ઉછેરી શકાય. એનાં પાન જાડાં, રસદાર અને કાંગરીવાળાં હોય છે. પાન સહેજ ખાટાં હોવાથી ગુજરાતીમાં એને ખાટખટુંબો પણ કહે છે. એના પાનનાં ભજીયાં અને ચટણી બને છે.

(૧) ગમે તેવો રક્તસ્રાવ થતો હોય તો પાન ધોઈ લસોટી તેની લુગદી ઘા પર બાંધવાથી લોહી નીકળતું બંધ થાય છે અને ઘા જલદી મટે છે.

(૨) મધુપ્રમેહમાં કેટલીક વખત પાઠાં પડે છે અને મોટાં ગુમડાંની જેમ પાકે છે. આની ઉપર એલચાનાં પાન બાંધવાથી પાઠું જલદી રુઝાઈ જાય છે.

(૩) એલચાના પાનના રસનાં ચાર-પાંચ ટીપાં નાકમાં પાડવાથી નસકોરીમાં નાકમાંથી પડતું લોહી બંધ થાય છે.

(૪) ચોટ વાગવી, મુઢમાર, ગાંઠ, વ્રણ વગેરે ઉપર એલચાનાં પાન સહેજ ગરમ કરી બાંધવાથી સોજો ઉતરી જાય છે.

(૫) ઘા પડ્યો હોય તો પાનની લુગદી કરી ઘા પર મુકી ઉપર બીજું પાન મુકી પાટો બાંધવાથી ઘા જલદી મટી જાય છે.

 

રાષ્ટ્રીય શાળાઓ

નવેમ્બર 25, 2008

રાષ્ટ્રીય શાળાઓઃ ૧૯૨૧માં રાષ્ટ્રીય પ્રવૃત્તીથી દેશ ધમધમી રહ્યો હતો. ગાંધીજીએ અસહકારનો કાર્યક્રમ દેશને આપ્યો હતો. શાળા, મહાશાળા, કોર્ટકચેરીના બહીષ્કારનો આદેશ અપાયો હતો. રાષ્ટ્રીય કેળવણી દ્વારા સ્વદેશ ભાવના ખીલે અને પ્રજા રાષ્ટ્રીય ભાવનાથી રંગાય એ વીચારને કેન્દ્રમાં રાખી કરાડી, મટવાડ, બોદાલી અને બોરીફળીયામાં રાષ્ટ્રીય શાળા શરુ થઈ હતી. આ શાળાઓ રાષ્ટ્રીય શીક્ષણ આપતી હતી, અને આઝાદીની ભાવના પ્રબળ બને એવી ભાવના પ્રેરતી હતી. સ્વતંત્ર સંસ્થાઓ હતી તેથી આર્થીક સમસ્યા પણ નડતી હતી. બ્રીટીશ સરકારની પજવણી પણ હતી. તેથી કરાડી સીવાયની ઉપરની સંસ્થાઓ બંધ પડી. કરાડીની રાષ્ટ્રીય શાળા ભારત વીદ્યાલયનામ ધારણ કરી ૧૯૫૯ સુધી ચાલુ રહી. અંતે આઝાદ ભારતના કેળવણી ખાતાના લોકલ બોર્ડને સોંપી દીધી.

૨૨મી ઑગષ્ટ ૧૯૪૨ના રોજ જે સંઘર્ષ પ્રજા અને પોલીસ વચ્ચે ઉભો થયો તેના મુળમાં ૧૯મીએ ભારત વીદ્યાલયમાંથી નીકળેલી પ્રભાતફેરી કારણભુત હતી. આમ તો તે પ્રભાતફેરી રોજબરોજ નીકળતી અને ગામે ગામ જઈ પ્રજાને આઝાદીનો સંદેશો આપતી. કીશોરો પત્રીકાઓ ઠેર ઠેર ચોંટાડતા અને પ્રજામાં વહેંચતા. ૧૯મીએ નીકળેલી પ્રભાતફેરીમાં ૧૯ વીદ્યાર્થીઓ હતા. આ પ્રભાતફેરીની આગેવાની શાળાના શીક્ષકો નાનુભાઈ છીબાભાઈ, રામજીભાઈ ફકીરભાઈ, જયરામભાઈ છીબાભાઈ (જે.સી.) અને મગનભાઈ છીબાભાઈએ લીધી હતી. પ્રભાતફેરી કરાડીમાં ફરી રહ્યા બાદ વાણીયાવાડ થઈ, સડક પર થઈ મટવાડમાં ફરવાની હતી. મટવાડના પ્રવેશદ્વાર આગળ જ પોલીસગેટ ઉતારો છે. વીદ્યાર્થીઓમાં થનગનાટ હતો અને ખુબ ઉત્સાહથી સુત્રોચ્ચાર કરતા હતા. શ્રી રામભાઈ છીબાભાઈ અને જયરામભાઈ છીબાભાઈના હાથમાં બ્યુગલો હતાં. એઓ બ્યુગલો વગાડતા હતા અને ઉત્સાહ પ્રેરતા હતા. રામભાઈ અમે ડરતા નથી હવે કોઈથી રેએ ગીત ગવડાવતા હતા, અને બધા ઝીલતા હતા.

આ વખતે પોલીસો માર્ચપોસ્ટ કરતા હતા. તેઓ ધસી આવ્યા અને લાઠીચાર્જ કર્યો. શીક્ષકો પર સખત લાઠીચાર્જ થયો. તેઓ લાઠીના ઘા હાથ પર ઝીલી લેતા હતા. રમણભાઈ અગ્રેસર હતા. તેમના પર થતા લાઠીચાર્જ સામે શીક્ષકોએ રક્ષણ કર્યું. આ સમાચાર વાયુવેગે કાંઠાવીભાગમાં પ્રસરી ગયા. મુંબઈનાં બે રાષ્ટ્રવાદી અખબારો વંદે માતરમ્અને જન્મભુમીમાં આ સમાચારો હેડલાઈનમાં ચમક્યા. આમ કરાડી-મટવાડ સંયુક્ત નામે ગુજરાતમાં જાણીતું બન્યું.

માહીતી સ્રોતઃ આચાર્ય મણીભાઈ પટેલ સ્મૃતી ગ્રંથ

લે. ભાનુભાઈ કાનજીભાઈ પટેલ ઃ કેનેડા

એલચી

નવેમ્બર 25, 2008

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

એલચી : એલચી મોંની દુર્ગંધ દુર કરે છે. એ સુગંધી, રુચીકારક, ભુખ લગાડનાર, આહારનું પાચન કરાવનાર, કફ અને વાયુનો નાશ કરનાર અને ઉત્તેજક છે. હૃદયને બળ આપનાર, શ્વાસ, અંગોનો ત્રોડ, મુત્રકૃચ્છ, ખાંસી અને ક્ષયમાં ઉપયોગી છે. અન્નનળીની શીથીલતા અને દાહ-બળતરાવાળા રોગોમાં બહુ ઉપયોગી મનાય છે. પાચકરસોની ઉત્પત્તી ઓછી થતી હોય, પીત્તનો ઉચીત રીતે સ્રાવ થતો ન હોય તો એલચી અમુલ્ય ઔષધ છે. નાની એલચી રસમાં તીખી, સુગંધીત, શીતળ, પચવામાં હલકી, કફનાશક, વાયુનાશક, દમ-શ્વાસ, ઉધરસ, હરસ અને મુત્રકૃચ્છ્ર મટાડે છે.

(૧) એલચી દાણા એનાથી બમણા આદુના નાના ટુકડા સાથે સવાર-સાંજ ખુબ ચાવીને ખાવાથી થોડા દીવસમાં જ જઠરાગ્ની પ્રદીપ્ત થશે અને પાચક રસોનો સ્રાવ વધી જશે.

(૨) નાની એલચીના દાણાનું ચુર્ણ ૬૦ ગ્રામ અને શેકેલી હીંગ ૧૦ ગ્રામના મીશ્રણનું પા (૧/૪) ચમચી જેટલું ચુર્ણ સવાર-સાંજ લીંબુના રસ સાથે લેવાથી પેટનો વાયુ, આફરો તેમ જ ઉદરશુળ મટે છે.

(૩) પાચનતંત્રમાં જ્યારે આંતરીક પાચક રસોની ઉત્પત્તી ખુબ જ ઓછી થતી હોય, પીત્તનો યોગ્ય માત્રામાં સ્રાવ થતો ન હોય એવી અવસ્થામાં પાંચથી છ એલચી દાણાનું ચુર્ણ એકાદ ગ્રામ અને શેકેલી હીંગ ૦.૧૫ ગ્રામ (એક ચોખાભાર) લઈ, લીંબુના થોડા રસમાં મેળવીને આપવાથી પેટનો ગેસ-વાયુ, આફરો, ઉદરશુળ શાંત થાય છે, મટી જાય છે.

(૪) રાત્રે એલચી ખાવાથી કોઢ થવાનો સંભવ રહે છે. માટે રાત્રે એલચી ખાવી નહીં.