Archive for નવેમ્બર 17th, 2008

દેલવાડા સ્મારક (ચાલુ)

નવેમ્બર 17, 2008

દેલવાડા સ્મારક (ચાલુ) હું ૧૯૯૫માં પાછો ન્યુઝીલેન્ડ ગયો. ત્યાં મીત્રવર્તુળમાં સ્મારકના વીચારો રજુ કર્યા. ઑક્લેન્ડવાસી ઘણા ભાઈઓને વીચારો ગમ્યા. ખર્ચને પહોંચી વળવા ઑક્લેન્ડમાં એક સમીતીની રચના કરવામાં આવી. જેના અધ્યક્ષપદે મટવાડના શ્રી છોટુભાઈ છીમાને નીયુક્ત કરવામાં આવ્યા. ૧૨ વર્ષની કીશોરવયે ન્યુઝીલેન્ડ આવેલા દેલવાડાના મણીલાલ છગનભાઈએ ફાળો એકઠો કરવામાં તનમનધનથી મદદ કરી. એ રીતે ન્યુઝીલેન્ડમાં ફાળો એકઠો થયો. હું પાછો ભારત આવ્યો. ખર્ચને પહોંચી વળવા દેલવાડા વીભાગ અને કાંઠા વીભાગનાં ગામોમાંથી પણ લોકોએ હોંશે હોંશે ફાળો આપ્યો.

દેલવાડા-કાંઠા વીભાગ અને આસપાસનાં ગામોમાંથી રચવામાં આવેલી સ્થાનીક સમીતીએ ઉદ્ઘાટન માટે ૨૬મી જાન્યુઆરી ૧૯૯૭નો પ્રજાસત્તાક દીન પસંદ કર્યો. સ્મારકના ઉદ્ઘાટન માટે ગાંધીજીના પૌત્ર માનનીય શ્રી રાજમોહન ગાંધીને વીનંતી કરવામાં આવી. જેનો એમણે સહર્ષ સ્વીકાર કર્યો.

ગામની પ્રાથમીક શાળા, ગામનાં યુવાન ભાઈબહેનો અને વડીલોએ ભારે જહેમત ઉઠાવી સુંદર તૈયારી કરી. પુર્ણાના બંને કાંઠાનાં ગામોમાં નીમંત્રણો મોકલાયાં. લોકો આવ્યાં. ઉપરાંત ન્યુઝીલેન્ડ, ઈન્ગ્લેન્ડ, કેનેડા અને દક્ષીણ આફ્રીકાથી પણ કેટલાક વતનપ્રેમીઓ પધાર્યા હતા.

ઉકાળો

નવેમ્બર 17, 2008

ઉકાળો (૧) ઉકાળો બનાવીને પીવા માટે સુકી વનસ્પતીઓનું જવકુટ મીશ્રણ ભેગું કરી ડબ્બામાં ભરી રાખી શકાય.

(૨) લીલી વનસ્પતી જેટલી તાજી તેટલી સારી. તેને ઉકાળો બનાવતી વખતે જ કુટીને મેળવવી જોઈએ.

(૩) ઉકાળો પલાળવા કે ઉકાળવા સ્ટીલના વાસણનો ઉપયોગ કરવો જોઈએ.

(૪) ઉકાળો પલાળો ત્યારે ઢાંકો પરંતુ ઉકાળતી વખતે ઢાંકવું નહીં.

(૫) ધીમા તાપે ઉકાળવાથી ઉકાળો વધુ ગુણકારી બને છે.

(૬) ઉકાળાના દ્રવ્યોનો વધુમાં વધુ બે જ વખત ઉકાળો બનાવવામાં ઉપયોગ કરવો.

(૭) ઉકાળો તાજો અને ગરમ ગરમ જ પીવો, આગલા દીવસનો વાસી ઉકાળો પીવો નહીં કે તેનું તૈયાર પ્રવાહી પીવું નહીં.

(૮) ઉકાળો દીવસમાં એક કે બે વાર પીવો. તે ખાલી પેટે વધુ લાભ આપે છે. એટલે સવારે નરણે કોઠે કંઈ પણ ખાધા વગર તેને લેવાનો સમય ઉત્તમ છે.

(૯) ઉકાળામાં મધ મેળવવાનું હોય તો તે ઠરે, ઠંડો થાય પછી જ મધ ઉમેરવું.

(૧૦) ઉકાળામાં તજ, લવીંગ, એલચી જેવાં સુગંધી દ્રવ્યો મેળવવાનાં હોય તો ઉકાળો બનાવ્યા પછી પીતી વખતે ચુર્ણના રુપમાં મેળવીને લેવાં. અગાઉથી ન નાખવાં.

(૧૧) ઉકાળામાં સાકર નાખવી હોય તો વાયુના વીકારમાં ચોથા ભાગે, પીત્તમાં અડધા ભાગે અને કફમાં સોળમા ભાગે નાખવી.

(૧૨) ઉકાળામાં મધ નાખવાનું હોય તો વાયુમાં સોળમા ભાગે, પીત્તમાં આઠમા ભાગે અને કફમાં ચોથા ભાગે નાખવું.

(૧૩) ઉકાળામાં દુધ, ઘી, તેલ, ગોમુત્ર, ગોળ જેવા પ્રવાહી લેવાનાં હોય તો ૨૦ મી.લી. જેટલાં લેવાં. બીજાં સુગંધી દ્રવ્ય મેળવવાનાં હોય તો ૩ થી ૪ ગ્રામ લેવાં.