આઝાદીની ગૌરવગાથા

સ્વાતંત્ર્ય સંગ્રામની ગૌરવગાથા

લેખકઃ દયાળભાઈ કેસરી

સંપાદકઃ મોહનભાઈ દાંડીકર

(ઉંઝા જોડણીમાં ઈન્ટરનેટ પરઃ ગાંડાભાઈ વલ્લભ)

ઈન્ટરનેટ આવૃત્તી-પ્રાસ્તાવીક

આ પુસ્તકના સર્વ હક્ક એના લેખક શ્રી દયાળભાઈ કેસરીના છે.

-ગાંડાભાઈ વલ્લભ

પુસ્તકનું સંપાદન સાહીત્યનો જ્ઞાનપીઠ પુરસ્કાર વીજેતા ગુજરાતીના જાણીતા સાક્ષર શ્રી. મોહનભાઈ દાંડીકરે કર્યું છે. ૨૦૦૫ સુધીમાં એમણે ૪૭ પુસ્તકો પ્રસીદ્ધ કર્યાં છે.

શ્રી દયાળભાઈ કેસરી શરુઆતમાં આ ગાથા કહેતા ગયેલા અને ભાઈશ્રી બળવંતભાઈ છીમા એને કાગળ પર ઉતારતા ગયા હતા. આ ઉપરાંત દયાળભાઈ પાસે બીજી જે કંઈ સામગ્રી (કોર્ટ કેસના જજમેન્ટની નકલ, છાપાની નકલ, જેલનાં કેટલાંક સર્ટીફીકેટ, શહીદોના ફોટા વગેરે પૈકી જરુરી) હતી તે બધું એમણે મોહનભાઈને સોંપ્યું હતું અને મોહનભાઈએ એને પુસ્તક સ્વરુપે મુક્યું. એને ફેબ્રુઆરી ૨૦૦૬માં પ્રસીદ્ધ કરવામાં આવ્યું.

દયાળભાઈનો ચાર પેઢી સુધીનો પરીવાર અહીં ન્યુઝીલેન્ડમાં છે. તેઓ ભાગ્યે જ ગુજરાતી વાંચી શકે છે. આથી એનું અંગ્રજીમાં ભાષાંતર પ્રગટ કરવાની પણ એમની ઈચ્છા છે. અંગ્રેજીમાં અનુવાદનું કામ એમણે મને સોંપ્યું ત્યારે આ પુસ્તક બધાના લાભ માટે ઈન્ટરનેટ પર મુકવાનું મેં સુચન કર્યું, જે એમણે સ્વીકાર્યું. દયાળભાઈની મંજુરીથી આ પુસ્તકને ઉંઝા જોડણીમાં મુકવાનું નક્કી કર્યું છે.

આમાંની કેટલીક વાતો મેં દયાળભાઈના સ્વમુખે સાંભળી છે. રાજપીપળાથી નવસારી પ્રકરણ મુળ પુસ્તકમાં નથી. આ વાત દયાળભાઈ જ્યારે અહીં વેલીંગ્ટન આવ્યા ત્યારે મેં એમની પાસે સાંભળી અને મેં એનો સમાવેશ આ ઈન્ટરનેટ આવૃત્તીમાં કર્યો છે. તે જ રીતે જવાહરલાલ નહેરુ પણ મુળ પુસ્તકમાં નથી, પણ આ આવૃત્તીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. દયાળભાઈનું કહેવું છે કે અમુક વીગતો રહી જવા પામી છે તેનો નવી આવૃત્તીમાં સમાવેશ કરવો જોઈએ.

દયાળભાઈ કહે છે, દાંડીના ત્રણ મીત્રો શ્રી મોહનભાઈ દાંડીકર, શ્રી ધીરુભાઈ હી પટેલ અને શ્રી દયાળજી મો પટેલના સહકાર વીના આ પુસ્તકનું પ્રકાશન કાર્ય શક્ય બન્યું ન હોત.

મોહનભાઈ દાંડીકર કહે છે, દયાળભાઈની વીશેષતા એ છે કે એમની પાસે અનુભવનું ભાથું છે. રજુઆતની આવડત છે. અભ્યાસ પણ છે, માત્ર લખવા ખાતર લખ્યું નથી. મનોમંથન કર્યું છે. વરસો સુધી મનમાં ઘુંટાયા કર્યું છે. પછી કલમ ઉપાડી છે. આ પુસ્તકની ખાસ વીશેષતા એ છે કે કેટલાક પ્રસંગો અહીં પહેલી વાર રજુ થયા છે. (સ્વાતંત્ર્ય લડત વીષે ઘણાં પુસ્તકો પ્રગટ થયાં છે.) તે પ્રસંગોથી હું ઘણો જ પ્રભાવીત થયો છું.

તેઓ વધુમાં કહે છે, પુસ્તકમાં લેખો આઝાદીની લડત અંગેના છે, એ લડતમાં જોડાયેલા આગેવાનો અંગેના છે. એ આગેવાનોનાયે આગેવાન મહાત્મા ગાંધી અંગેના છે. આશા રાખું છું, જેમણે આ લડતમાં ભાગ લીધો છે તેમને અને જેઓ આ માહોલથી સાવ અપરીચીત છે, અલીપ્ત છે, તેમને પણ ૪૨ના લડતના ઈતીહાસની આ વાતો ગમશે જ.

Comment

ઉત્તમ ગજ્જર // September 5, 2008 at 1:02 am (edit)

વહાલા ભાઈ,

બ્લોગની દુનીયા મારે માટે હજી નવી જ છે. અમારા સૌના વહાલા ટૅક્સાસ નીવાસી મીત્ર સુરેશ જાનીએ તમારી આ લીંક મોકલી અમને ખુબ જ આનંદ અને સંતોષ આપ્યો.. આભાર સુરેશભાઈ.. પ્રાસ્તાવીકમાં તમે લખો છો કે, દયાળભાઈ કહે છે, “દાંડીના ત્રણ મીત્રો શ્રી મોહનભાઈ દાંડીકર, શ્રી ધીરુભાઈ હી પટેલ અને શ્રી દયાળજી મો. પટેલના સહકાર વીના આ પુસ્તકનું પ્રકાશન કાર્ય શક્ય બન્યું ન હોત.આ વાંચ્યું ત્યારે મને બહુ ગમ્યું કારણ કે આ ત્રણે મારા વીદ્યાપીઠકાળના સહાધ્યાયી મીત્રો છે અને મને તેનું ગૌરવ છે..

ભાઈ, તમે આ ન્યુઝીલેન્ડ બેઠે લખો છો કે ? તમને જાણીને આનંદ થશે કે અમારા એક અમદાવાદી મીત્ર અને લોકભારતીના સ્નાતક શ્રી જુગલકીશોર નવી પેઢીનેયે રસ પડે તેવી વાત લઈને હાલ તેઓ આવ્યા છે. તેમણે ગાંધીદર્શન’—

http://mahatmaji.wordpress..com/ નામનો બ્લોગ શરુ કર્યો છે..

મુ. શ્રી નારાયણભાઈ દેસાઈનું પુસ્તક સંત સેવતાં સુકૃત વાધેતેમણે હપ્તે હપ્તે ત્યાં મુકવા માંડ્યું છે. નારાયણભાઈએ જાતે તેમને આશીષ આપ્યા. મહામનાને મન કે સામાન્ય વાચકનેય જોડણી મહત્ત્વની નથી.. તમારું આ લખાણ શુદ્ધ સાર્થમાં જ છે.. માત્ર બબ્બે ને બદલે તમે એકેક જ વાપર્યાં છે એટલું જ, જે યોગ્ય જ છે; કારણ કે તે અર્થભેદક જ રહ્યા નથી.. તેથી ક્યાં સુધી તે નીરર્થક કર્મકાંડ નીભાવવો ? માટે તે બાબતનો સંકોચ રાખશો નહીં

અમારી ઘણી ઘણી શુભેચ્છા સૌના આ પુરુષાર્થ બદલ.. ભાઈ, ગાંધી નામનું માટીનું કોડીયું ગાયના શુદ્ધ ઘીથી બળે છે અને સાવ ઝીણો તોય ચોખ્ખો પ્રકાશ પાથરે છે જેની આ જગતને સદા ગરજ રહેવાની.. અમારા મીત્ર મોહનભાઈ દાંડીકરને અભીનંદન પહોંચાડજો અને પુજ્ય દયાળજી કેસરીજીને અમારા ભાવભીના પ્રણામ પાઠવજો..

મેઈલ કરશો તો ગમશે..

..ઉત્તમ અને મધુ..સુરત.. uttamgajjar@hotmail.com

નમસ્તે ઉત્તમભાઈ,

આપનું ઈ-મેઈલ મળ્યું કે તરત પહેલું કામ મુ. દયાળભાઈ કેસરીને ઓક્લેન્ડ ફોન કરવાનું કર્યું. હું ન્યુઝીલેન્ડના પાટનગર વેલીંગ્ટનમાં છું. ઓક્લેન્ડ અને વેલીંગ્ટન વચ્ચે ૬૫૦ કી.મી.નું અંતર છે.

શ્રી. દયાળભાઈ મો. પટેલ સાથે સારો પરીચય થયો છે. એમનાં સંતાનો બધાં અહીં વેલીંગ્ટનમાં છે. આથી દયાળભાઈ અહીં રહીને ગયા છે. ગયા વર્ષે દેશ આવવાનું થયેલું ત્યારે દાંડી એમને મળવા પણ ગયેલો. મારું ગામ બોદાલી, દાંડીથી બહુ દુર નથી. સુરત એમ.ટી.બી. કોલેજમાં પણ બે વર્ષ ૧૯૬૧-૬૨ અને ૧૯૬૨-૬૩માં ભણવા માટે ગયેલો. ધીરુભાઈ સાથે પણ સાધારણ પરીચય ખરો. મોહનભાઈ દાંડીકરને જોયેલા ખરા, પરીચય થયો નથી.

ગાંધીવીચારમાં મને રસ છે.

નારાયણભાઈ દેસાઈ સાથે કદાચ ૧૯૬૯માં એક વાર અખીલ ભારત સર્વોદય શીબીરમાં ૧૫ દીવસ સાથે રહેવાનું થયેલું. દેશમાં હતો ત્યારે ભુમીપુત્ર નીયમીત વાંચતો. એમાં આવતા નારાયણભાઈના લેખો મને ખાસ ગમતા. હું ૩૩ વર્ષથી અહીં છું. શ્રી જુગલકીશોરભાઈનો બ્લોગ મેં જોયો છે.

-ગાંડાભાઈનાં સ્નેહવંદન.

નોંધઃ આ પુસ્તક દયાળભાઈ કેસરીએ આચાર્ય મણીભાઈ, દયાળભાઈનાં માતા લાલીબહેન, અને એમનાં પત્ની ડાહીબેનને અર્પણ કરેલું છે.

પ્રસ્તાવના

-દયાળજી કેસરી

અનેક મીત્રોએ વારંવાર વીનંતી કરી કે દયાળજી તમારાં લડત અંગેનાં સ્મરણો લખવાં જોઈએ. તેમાંના અનેક મીત્રો આજે અવસાન પામ્યા છે. શ્રી રમેશભાઈ, છીબુભાઈ, જોગીભાઈ, નરસીંહભાઈ વગેરે બહુ ઓછા જીવે છે. હું પણ સંધ્યાકાળમાં જ છું.

ખુબ ખુબ ઉંડા મનોમંથન બાદ સમજાયું કે સૈનીકોના વારસો પાસે આ માહીતી રહેવી જોઈએ. અને બની શકે તેટલી સાચી માહીતી લખાવી જોઈએ. ભાઈ જી. સી.એ અને ભાઈ જેકે એમનાં સ્મરણોની પુસ્તીકાઓ બહાર પાડી જ છે. બીજા કેટલાક ભાઈઓએ પણ લખ્યું છે. મેં સંકલ્પ કર્યો છે કે દરેક સૈનીકના પરીવારને આ પુસ્તક મફત મળવું જોઈએ. એ દેશમાં, કાંઠા વીભાગમાં હોય કે પછી ઈંગ્લેન્ડ, આફ્રીકા, કેનેડા, ન્યુઝીલેન્ડમાં હોય ત્યાં એને પહોંચાડવા માટે પ્રમાણીકપણે સક્રીય પ્રયત્નો કરવામાં આવશે.

હું લેખક પણ નથી અને વીદ્વાન પણ નથી. જેથી કેટલીક ટુંકમાં વીગતો આપી છે. લડતનો આ સંપુર્ણ ઈતીહાસ નથી. પણ હવે પછીની પેઢી માટે આ એક સંશોધન-રીસર્ચનો વીષય જરુર છે.

આપણા કાંઠા વીભાગમાં રાષ્ટ્રવાદનો મુળ પાયો તો આપણી ચાર રાષ્ટ્રીય શાળાઓ છે. બોદાલી, કરાડી, મટવાડ અને બોરી ફળીયા. એ બધાંની શરુઆત પ્રજાના પૈસાથી થયેલી. જેમ ગુજરાત વીદ્યાપીઠે મણીભાઈ જેવા અનેક સેવકો પેદા કર્યા, તેમ આ રાષ્ટ્રીય શાળાઓએ રાષ્ટ્રવાદી સૈનીકો પેદા કર્યા. આજે એમાંની એક માત્ર કરાડી શાળા નભેલી છે.

આ લખેલી માહીતીમાં કોઈ વીગતદોષ જણાય તો આપણી પાસે કોર્ટમાં કેસ ચાલેલા તેનાં જજમેન્ટની નકલો છે. વળી કેટલાકનાં જેલસર્ટીફીકેટો પણ છે. શહીદોના ફોટા વગેરે પણ છે. બની શકે તેટલી સાચી માહીતી આપવા પ્રયત્ન કર્યો છે. સુભાષચંદ્ર બોઝની આઝાદ હીંદ ફોજમાં જોડાયેલા ભાઈનો ફોટો પણ છે. દુઃખની વાત એ છે કે સ્વરાજ મળ્યા પછી આપણા દરેક સ્વાતંત્ર્ય સેનાનીઓને યોગ્ય ન્યાય મળ્યો નથી.

આ પુસ્તક નીમીત્તે મારે બીજા પણ કેટલાક હેતુઓ પાર પાડવાના છે.

પ્રથમ તો એ કે અમને રાષ્ટ્રીયતાનો રંગ લગાડનાર, સ્વાતંત્ર્ય સેનાની બનાવનાર આચાર્ય મણીભાઈ અને મટવાડ પ્રા.શા.ના શીક્ષક નાગરજીભાઈ જેવા ગુરુજનો તથા લડતના સાથીદાર જેવા અનેક મીત્રોને યાદ કરી મૈત્રીઋણ અદા કરવું છે. તથા બીજું એ કે કાંઠા વીભાગની ખમીરવંતી ધરતીને પ્રણામ પાઠવવા છે. આઝાદીની લડતનો આંખે દેખ્યો હેવાલ પ્રજા સમક્ષ રજુ કરવો છે. અને ત્રીજું એ કે ભવીષ્યની પેઢી માટે પ્રેરણાત્મક ભવ્ય ભુતકાળ દર્શાવવો છે. આમ ત્રીવીધ હેતુસર આ પુસ્તકનું નીર્માણ થયું છે.

આ બધાં સંસ્મરણો લખવામાં ભાઈ શ્રી બળવંતભાઈએ મને ખુબ મદદ કરી છે. એમની પાસે પણ સારી લેખનકળા છે. ભાષા પ્રભુત્વ છે. એટલે પ્રસંગોનું આલેખન કરવામાં બળવંતભાઈ ખુબ જ ઉપયોગી નીવડ્યા છે. તે બદલ એમનો ખુબ ખુબ આભારી છું.

દાંડીના ત્રણ મીત્રો શ્રી મોહન દાંડીકર, શ્રી ધીરુભાઈ હી. પટેલ અને શ્રી દયાળજી મો. પટેલના સહકાર વીના આ પુસ્તકનું પ્રકાશન કાર્ય શક્ય બન્યું ન હોત. તેમાંયે શ્રી મોહન દાંડીકરે તો એનું સંપાદન કાર્ય પોતે, જાતે, સુપેરે પાર પાડ્યું. પ્રસંગો મારા પણ આલેખન મોહનભાઈનું. કરાડીના સ્વ. જેકભાઈનું પુસ્તક પણ એમણે જ સંપાદીત કર્યું હતું. સંપાદક તથા અનુવાદકનો ખુબ બહોળો અનુભવ ધરાવનાર મોહનભાઈના હાથે આ પુસ્તકનું સંપાદન કાર્ય થયું છે. તે મોટું અહોભાગ્ય ગણાય. ધીરુભાઈ અને દયાળજીભાઈને સોંપીને હું તો પાછો ન્યુઝીલેન્ડ ચાલ્યો આવ્યો હતો. ત્રણે મીત્રોએ મળીને આ કાર્ય પાર પાડ્યું તે બદલ એમનો સૌનો અંતઃકરણથી આભાર માનું છું.

અંતમાં આ લખાયેલી તમામ વીગતોની જવાબદારી મારી છે. મેં તટસ્થ ભાવે નીરુપણ કર્યું છે. હું તો એમ ઈચ્છું કે હવે પછી પણ આ સ્વાતંત્ર્ય સંગ્રામમાં જેમણે પ્રત્યક્ષ ભાગ લઈ કાર્ય કર્યું છે, તે દરેકે પણ પોતાની રીતે સ્વાતંત્ર્ય સંગ્રામનો ઈતીહાસ આલેખવો જોઈએ. જેથી વીવીધ દૃષ્ટીથી, નોખી લેખનપદ્ધતીથી, યુવાપેઢીને એમનો ઈતીહાસ જાણવા મળે.

અંતમાં આ પુસ્તકના નીર્માણમાં જેમણે પણ પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ સહકાર આપ્યો છે તેમનો ઋણસ્વીકાર તથા દીવંગત મીત્રોને શ્રદ્ધાંજલી અર્પી વીરમું છું.

સંપાદકની નજરે

-મોહન દાંડીકર

મારી કીશોર અવસ્થામાં મેં પણ આઝાદીની લડતમાં ભાગ લીધો છે. અમે સરઘસો કાઢતા, આઝાદીનાં ગીતો ગાતા-ગવડાવતા, પત્રીકાઓ વહેંચતા. શ્રી દયાળભાઈ કેસરીએ લખેલું આ પુસ્તક – “સ્વાતંત્ર્ય સંગ્રામની ગૌરવગાથા-તૈયાર કરતી વખતે ફરી એ દીવસો યાદ આવ્યા. આંખ સામે બધું તાદૃશ થવા માંડ્યું-કોઈ ચીત્રપટની જેમ.

સ્વાતંત્ર્ય સંગ્રામની ગૌરવગાથા-પુસ્તકમાં ૪૨ની ક્રાંતીનાં ખમીર અને ખુમારી આબાદ ઝીલાયાં છે. દયાળજીભાઈની એ વીશેષતા છે. એમની પાસે અનુભવનું ભાથું છે. રજુઆતની આવડત છે. અભ્યાસ પણ છે. માત્ર લખવા ખાતર લખ્યું નથી. મનોમંથન કર્યું છે. વરસો સુધી મનમાં ઘુંટાયા કર્યું છે. પછી કલમ ઉપાડી છે.

પણ આ પુસ્તકની ખાસ વીશેષતા એ છે કે કેટલાક પ્રસંગો અહીં પહેલી વાર રજુ થયા છે. બહુ સમતોલપણે, તટસ્થભાવે રજુ થયા છે. તે પ્રસંગોથી હું ખુબ જ પ્રભાવીત થયો છું. તેને કારણે આ પુસ્તકની ગુણવત્તા, પુસ્તકનું મુલ્ય, વધી જાય છે. રજુઆત કરનારનું પણ. જે વ્યક્તીઓના સંદર્ભમાં એ પ્રસંગો લખાયા છે તેમને વીશે આપણો આદર વધી જાય છે. ઓહ! આવા હતા આપણા ધુરીણો! એમ થાય છે.

દયાળજીભાઈનો ખુબ ખુબ આભાર. આ પુસ્તક દ્વારા એમણે આવાં વ્યક્તીત્વોનો, ચરીત્રોનો, પરીચય કરાવ્યો. જે મીત્રો આ વાતથી, વાતાવરણથી, સાવ અપરીચીત છે તેમને પણ એ પ્રસંગો ગમશે. એ વાતો ગમશે. એવા થોડા પ્રસંગોનો ઉલ્લેખ કરુંઃ

() સુભાષચંદ્ર બોઝની આઝાદહીંદ ફોજમાં આપણા દેલવાડા તરફના આઠ ભાઈઓ હતા. સુભાષબાબુ એમના ખબરઅંતર પુછવા આવતા. તે વાત અહીં પહેલી વાર રજુ થઈ છે.

() આપણા વીભાગનાં ૩૦૦ ભાઈબહેનો ધરાસણા સત્યાગ્રહમાં જોડાયેલાં. તેમાં કોથમડીના ફકીરભાઈને પોલીસોએ ખુબ મારેલા. તે કારણે તેમને બે મહીના સુધી મુંબઈની હોસ્પીટલમાં રહેવું પડેલું.

() આચાર્ય મણીભાઈ વીશે છુટક છુટક આપેલી વીગતો પણ આગેવાન તરીકેની મણિભાઈની સુંદર છબી ઉપસાવે છે. સોડીયા વડવાળો કેસ મોતીલાલ વીણ લડેલા અને તેમણે પોતાની ફી લીધી ન હતી-મણીભાઈની અંગત ઓળખાણને કારણે.

() સોડીયા વડવાળો પ્રસંગ તો બહુ જાણીતો છે. તેમાં રવજીભાઈ છીબાની ભુમીકા મહત્વની હતી તે વાત અહીં સરસ રીતે મુકાઈ છે. પોલીસ પાસેથી ભરેલી બંદુક ઝુંટવી લેવી તે રવજીભાઈ ગટી જેવા ભડનું કામ.

() રવજીભાઈની મર્દાનગીનો એક બીજો પ્રસંગ પણ આ પુસ્તકમાં આવે છે. ભુગર્ભવાસી મીત્રોમાંથી બે જણ કોર્ટમાં હાજર થઈ જવાનો નીર્ણય કરે છે. તેમને રવજીભાઈ પોતાના પર ધરપકડનો વોરંટ હોવા છતાં બળદગાડામાં મુકવા જાય છે. પોતાની ઉપર વોરંટ હોવા છતાં વટથી કોર્ટમાં આવવું, તેમાં છાતી જોઈએ. અત્યાર સુધી તેમના વીશે આટલી સરસ રીતે લખાયું નથી.

() ડાહીબેનની નીડરતાનો પ્રસંગ પણ બહુ સરસ રીતે મુકાયો છે. પોલીસો દેલવાડા ગામને ઘેરી લે છે-મધરાતે. ગામ તો ભર ઉંઘમાં છે. દેલવાડામાંથી ૧૦ જણની ધરપકડ થાય છે. તેમાં દયાળભાઈ પણ છે. શું થવાનું છે તેની કંઈ ખબર નથી. પણ ડાહીબેન પોલીસના ઘેરામાંથી સીફતથી છટકી જાય છે. બાજુવાળાં પાનીબેનના ઘરે પહોંચી જાય છે. પાનીબેન એમને રસોડાની પેટીમાં સંતાડી દે છે. તરત જ પોલીસો દોડી આવે છે. પાનીબેનને પુછે છેઃ અહીં ડાહી નામની છોકરી આવી છે?” પાનીબેન ઠાવકાઈથી કહે છેઃ ના રે ના, અહીં તો ડાહીયે નથી ને ગાંડીયે નથી.પોલીસો ભોંઠા પડીને ચાલી જાય છે.

આ પુસ્તકમાં આવા બીજા પણ સરસ સરસ પ્રસંગો છે. જેને લીધે આ પુસ્તક વધુ રોચક, વધુ વાચનક્ષમ બન્યું છે. પણ અહીં અટકું.

૧. ગાંધીજી દક્ષીણ આફ્રીકામાં

કુદરતની કળાનો ખેલ ઘણી વાર મનુષ્યો પામી શકતા નથી. કોઈક પામે છે તે તેનું મુલ્યાંકન કરી શકતા નથી. અને જેઓ મુલ્યાંકન કરી શકે છે તેઓ કાર્યદક્ષ નીવડી શકતા નથી. આ સંસારના સર્જનહારને તો ધર્મઅધર્મના ત્રાજવામાં તોળીને સમગ્ર બ્રહ્માંડનો વ્યવહાર કરવો પડે છે. સર્જનહાર કોઈનાં પાપ કે પુણ્ય માથે લેતો નથી. પરંતુ જ્યારે અધર્મનું આચરણ માઝા મુકે છે ત્યારે ભગવાન એના કોઈ વીશ્વાસુ ભક્તને નીમીત્ત બનાવી એનો નાશ કરવા મોકલે છે.

ગાંધીજીના જીવનનો અભ્યાસ કરીશું તો સમજાશે કે હીન્દુસ્તાનની આઝાદીનો યશ ભગવાને એ પુણ્યાત્માના નામે જ પ્રસ્થાપીત કર્યો હશે. તે માટે જ ગાંધીજીનો દક્ષીણ આફ્રીકાની યાત્રાનો યોગ નીર્માયો હશે. સૃષ્ટીના સર્જનહારે એમ માન્યું હશે કે હીન્દુસ્તાનની આઝાદીના આ સ્વપ્ન દૃષ્ટાને, ઘડવૈયાને, પ્રથમ તો માનવો ઉપર થતા અમાનુષી અત્યાચારોનું દર્શન કરાવું. એટલે એમણે ગાંધીજીને દક્ષીણ આફ્રીકા મોકલ્યા હશે.

આમ તો ગાંધીજી દક્ષીણ આફ્રીકા એક વકીલના દુભાષીયા તરીકે ગયા હતા. તે સમયે એમના મનમાં ધંધાકીય લક્ષ સીવાય બીજો કોઈ ખ્યાલ નહીં હોય. પરંતુ ત્યાં ગયા પછી અન્યાય અને ઉત્પીડનના એક પછી એક એવા અનુભવોમાંથી એ પસાર થતા ગયા કે કરમચંદ ગાંધીના આ કાચા હીરા પર પાકા પહેલ પડતા ગયા. દક્ષીણ આફ્રીકાના નીવાસ દરમીયાન એમને અનેક અપમાનો સહન કરવાં પડ્યાં. અમાનુષી અત્યાચારો સહેવા પડ્યા. અન્યાયના કડવા ઘુંટડા ગળવા પડ્યા. છતાં તેઓ ડગ્યા નહીં. ન તો કોઈ પ્રકારનો ભય તેમને ડરાવી શક્યો. અનેક વાર જેલ યાત્રાઓ ભોગવી, છતાં તેઓ વીચલીત ન થયા. ગાંધીજીને એવી ખાતરી થઈ ચુકી હતી કે ઈશ્વર તેમની કસોટી કરી રહ્યો છે.

દક્ષીણ આફ્રીકામાં ત્યાંની અંગ્રેજ સરકાર ત્યાંના હીન્દુસ્તાનીઓ પર જાત જાતના જુલમો કરતી હતી. તેની સામે સત્યાગ્રહ કરીને, અસહકાર કરી લડીને, તેને નમાવીને ગાંધીજી ૧૯૧૫માં દેશમાં પાછા આવ્યા. એ રીતે દક્ષીણ આફ્રીકા ગાંધીજીના જીવનનું એક ઉજ્જવળ અને ગૌરવશાળી પ્રકરણ છે. જેમાંથી એ મહાત્મા ગાંધી બનીને બહાર આવ્યા.

ગાંધીજીના સાથીદારો

દક્ષીણ આફ્રીકામાં ગાંધીજીના અનેક સાથીદારો હતા. તેમાંથી આપણા નવસારી વીભાગના કાછલીયા અને સાલેજના પ્રાગજીભાઈ તો ગાંધીજીની અતી નીકટ હતા. ગાંધીજી નવસારી આવેલા ત્યારે સાલેજ ચાલીને ગયેલા. એવા એમના લાગણીના સંબંધો. તેમાં આપણા કાંઠા વીભાગના પણ બે જણા હતા. એક હતા મટવાડના નાના છીતા. નાના છીતાએ તો ગાંધીજીએ દક્ષીણ આફ્રીકા છોડ્યું તે પછી પણ ત્યાંની રંગભેદની નીતી સામેની લડત એક સાચા સત્યાગ્રહીની જેમ મૃત્યુ પર્યંત ચાલુ રાખી હતી. બીજા હતા આટ ગામના ફકીરા. ફકીરાભાઈ ભીખાભાઈ પટેલ. પણ ફકીરા તરીકે જ તેઓ ઓળખાતા. શરીરે ખડતલ અને પહાડ જેવા ઉંચા. પ્રભાવશાળી એવા કે એમની આંખોમાંથી પ્રગટતું તેજ સામેની વ્યક્તીને પોતાના બનાવી લેતું.

ફકીરા આમ તો એક સમાન્ય વ્યક્તી હતો. ગરીબ કુટુમ્બમાં જન્મ્યો હતો. પ્રાથમીક શાળાથી વીશેષ ભણતર નહીં. નોતી કોઈ વીશેષ લાયકાત પણ ગાંધીજીનાં પ્રથમ દર્શને જ તેઓ ગાંધીભક્ત બની ગયા હતા. પછી જીવ્યા ત્યાં સુધી ગાંધીજીનાં કામમાં સાથે રહ્યા.

ફકીરા પાસે કોઈ આર્ષદૃષ્ટી જરુર હતી. જેને કારણે તેઓ ગાંધીજીના અંતરના ઉંડાણમાં રહેલ માનવતાની ભાવનાને ઓળખી શક્યા હતા. ગાંધીજીની દીવ્ય દૃષ્ટીને પીછાણી શક્યા હતા. ગાંધીજીએ પણ એમને અંતરના ઉમળકાથી વધાવી લીધા હતા. એમની સેવા અમુલ્ય હતી. એટલે જ નમક સત્યાગ્રહ બાદ તા. ૮-૪-૧૯૩૦ ને દીવસે ગાંધીજીએ આટ ગામમાં જઈ ફકીરાના ઘરની મુલાકાત લીધી હતી. તા. ૫-૧-૧૯૧૬ ના રોજ નવસારીની જાહેર જનતાએ ગાંધીજીને માનપત્ર આપેલું તે પ્રસંગે ગાંધીજીએ સ્વ. ફકીરાની કામગીરીને બીરદાવતાં કહ્યું હતું : “દક્ષીણ આફ્રીકામાં મેં જે સેવા બજાવેલી તેનું માન મને મદદ કરનારાઓમાં શ્રી ફકીરાને ઘટે છે….” આ ફકીરા આપણું રત્ન છે. આપણી કીંમતી જણસ છે. એટલે જ શ્રી નારાયણભાઈ દેસાઈએ મારું જીવન એ જ મારી વાણીપુસ્તકમાં ગાંધીજીના દક્ષીણ આફ્રીકાના સાથીદારોના ફોટા મુક્યા છે તેમાં આપણા ફકીરાનો ફોટો પણ મુક્યો છે. ગાંધીજીના એ સાથીદારોને સલામ. આપણા વીભાગના એવા જ ગાંધીજીના બીજા અનુયાયી તે નાના સીતા. નાના સીતા વીષે, એમની ગાંધીજી સાથેની કામગીરી વીષે ભાગ્યે જ લખાયું છે. પણ આપણા દીવાનજીભાઈએ નાના સીતા ગુજરી ગયા ત્યારે એમને ભાવાંજલી આપતો એક લેખ ભુમીપુત્રમાં લખ્યો છે, તે જોઈએ:

ફકીરા વીષે મુ. પ્રભુદાસ ગાંધીએ જીવનનું પરોઢપુસ્તકમાં સરસ નોંધ કરી છે. ગાંધીજીના અંતરંગ મંડળમાં એમનું શું સ્થાન હતું તેનો નીર્દેશ એમાં છે.

“….એ જ અરસામાં એક મોટા માણસ પણ ફીનીક્સ આવી વસ્યા. એ હતા શ્રી ફકીરાભાઈ. ફકીરાભાઈ અગીયાર વાર જેલ જઈ આવ્યા હતા. તેમણે જોહાનીસબર્ગમાં પરવાના વગર વારંવાર શાકફળની ફેરી કરીને ઉપરાઉપરી સજા મેળવી હતી. તેઓ જેલમાંથી છુટતા કે તરત ફરી પાછા સત્યાગ્રહ કરીને જેલમાં પહોંચી જતા. અને એ રીતે દક્ષીણ આફ્રીકાના જેલયાત્રીઓમાં તેમણે પોતાનું નામ મોખરે રાખેલું. એટલી બધી વાર સજા પામેલા બીજા કોઈ સત્યાગ્રહીનું નામ દક્ષીણ આફ્રીકામાં આગળ આવ્યું ન હતું. હવે એમને પોતાની જેલ યાત્રાઓ બંધ કરીને હડતાળીયાઓને મદદ કરવા સારું ફીનીક્સ મોકલવામાં આવ્યા હતા. ફકીરાભાઈ જ્યાં બેઠા હોય ત્યાંથી સહેજે ઉઠે નહીં. બેઠા બેઠા વાતોના ચાપડા માર્યા જ કરે. પણ જ્યારે ઉઠે ત્યારે કામ કરાવે બહુ જબરા હતા. ભુખ્યા હડતાળીયાઓને સીધુ તોળી આપવાનું કામ એમને માથે હતું. એ કામ તેઓ લાગલગાટ બાર બાર અને પંદર પંદર કલાક સુધી કરતા અને કોઈને જરાયે તુંકારો ન કરતા, ગરીબમાં ગરીબની સાથેય બહુ મીઠાશથી વર્તતા.”

નાના સીતા

(નાના સીતા તા. ૨૩-૧૨-૬૯ના રોજ અવસાન પામ્યા હતા. તેમને વીષે શ્રી દીવાનજીભાઈએ તા. ૧૧-૧-૭૦ના ભુમીપુત્રમાં શ્રદ્ધાંજલી લેખ લખ્યો હતો, તે અહીં પ્રસ્તુત છે.)

નાના સીતા નવસારી જીલ્લાના મટવાડ ગામના રહીશ. શ્રી લલ્લુ્ભાઈ મકનજીના પીતરાઈ ભાઈ. એમના વડીલો દક્ષીણ આફ્રીકામાં વ્યાપારધંધા અર્થે વર્ષો પહેલાં ગયેલા. ૧૯૨૧માં હીંદ આવેલા ત્યારે ગાંધીજીની અસહકારની લડતમાં નાના સીતાએ ભાગ લીધો હતો. સત્ય, અહીંસા અને પ્રેમ વીષેના બાપુના આગ્રહો આ યુવાનના અંતરને સ્પર્શી ગયા. બાપુના એ ભક્ત અને અનુયાયી થતા ગયા અને છેવટ સુધી રહ્યા.

દક્ષીણ આફ્રીકાની જુલમી થતી જતી રંગભેદની નીતી સામે સતત સત્યાગ્રહની લડત આપનાર નાના સીતાનું ૨૩-૧૨-૬૯ ના રોજ ૭૫ વર્ષની ઉંમરે અવસાન થયું. નાના સીતા અણનમ સત્યાગ્રહી હતા. જ્યારે દક્ષીણ આફ્રીકાની હીન્દી પ્રજા રંગભેદની જુલમી નીતીને મુંગે મોઢે સહન કરી ગુલામી જેવી દશા ભોગવી રહી હતી ત્યારે કવીવર ટાગોરના એકલો જાને રેના ભવ્ય ગીતનો જીવનમાં સાક્ષાત્કાર કરતા નાના સીતાએ અજબ પ્રેરણા અને બળ મેળવેલાં. ગ્રુપ એરીયાના કાળા કાયદા સામે એમણે સતત સત્યાગ્રહો કર્યા હતા. એ કાયદાના પરીણામે હજારો હીન્દીઓને એમનાં વર્ષો જુનાં રહેઠાણોમાંથી દુર કરવામાં આવ્યા. એમની દુકાનોમાંથી પણ એમને ખસેડી હીન્દીઓ માટેની અલગ વસાહતોમાં તેમને મોકલી દીધા.

૧૯૬૫નું વર્ષ હતું. આ કાયદાની સામે થવા નાના સીતાએ ફરી સત્યાગ્રહ કર્યો. એમનું જુનું રહેઠાણ હરક્યુલસ છોડી દેવાના સરકારી હુકમનો એમણે ઈન્કાર કરી, એ ગોઝારા કાયદાનો સવીનય ભંગ કર્યો. ૨૮મી ઑગષ્ટે કોર્ટમાં એમને ખડા કરવામાં આવ્યા. એમનાં પત્ની પ્રેમીબેન પતીના આ સત્યાગ્રહમાં એમની પડખે રહ્યાં. ગોરી સરકાર વધુ અકળાઈ અને મુંઝાઈ.

તે દીવસે મેજીસ્ટ્રેટ સમક્ષ કરેલા પોતાના નીવેદનમાં નાના સીતાએ જે બુલંદ અવાજ ઉઠાવ્યો તે ૧૯૨૨માં બાપુએ અમદાવાદની કોર્ટમાં કરેલા ભવ્ય નીવેદનનું સ્મરણ તાજું કરાવે છે:

આ ઘાતકી કાયદાને કારણે જે અમાનુષી વર્તાવ હીન્દીઓ પ્રતી કરવામાં આવે છે તે માનવ જાતી સામેનો ગુનો છે. પરમેશ્વર સામેનું પાપ છે. એક દીવસ એવો આવશે જ્યારે આ કાયદા ઘડનારાઓએ આ પાર્લામેન્ટથી પર એવી જે પરમ શક્તી છે તેની સમક્ષ ખડા થવું પડશે. આ કાયદાને પરીણામે જે યાતનાઓ હીન્દીઓને ભોગવવી પડી છે તે માટે એ પરમ શક્તીને કાયદા ઘડનારાઓએ જવાબ આપવો પડશે. પરંતુ મારી પ્રાર્થના છે કે ભગવાન આ લોકોને ક્ષમા કરે.

આ કાયદાનો ભંગ કરી તેનો વીરોધ કરવા હું તમારી સામે ખડો થયો છું. મારો અંતરાત્મા આ ગોઝારા કાયદાને કબુલ કરવા ના પાડે છે. અંતરાત્માના પરમ આદેશને હું માથે ચડાવું છું. આથી આ કાયદા આગળ હું હરગીઝ નમતું આપવા માગતો નથી. હું તો મહાત્મા ગાંધીનો નમ્ર અનુયાયી છું. ગાંધીજીએ આચરી બતાવેલા સત્ય, પ્રેમ અને અહીંસાના વીચારોમાં મારી શ્રદ્ધા અટલ છે. આથી હું મારો પરમ ધર્મ સમજું છું કે મારે આ અન્યાય અને જુલમનો સામનો કરવો. આમ કરતાં કાયદાના ભંગને કારણે મારે જે શીક્ષા ભોગવવી પડે તે માટે હું તૈયાર છું.

તમે મને જો ગુનેગાર ગણશો તો જે શીક્ષા તમે કરશો તે માટે હું તૈયાર છું. સહન કરીશ. આમ કરતાં મને જે દુ:ખો ભોગવવાં પડશે તે મારા દેશબાંધવો રોજેરોજ કાયદાને પરીણામે જે દુ:ખો ભોગવી રહ્યા છે તેની આગળ નજીવાં છે.

હું તો જે યાતનાઓ ભોગવીશ તે તો સત્ય, ન્યાય, પ્રેમને માટેની યાતનાઓ હશે. જો દક્ષીણ આફ્રીકાની ગોરી પ્રજાના અંતરને મારી આ યાતનાઓથી સ્પર્શ કરી શકાશે તો મારો આ સતયાગ્રહ સાર્થક ગણીશ. મારી ઉંમર ૬૯ વર્ષની છે. હું વાના રોગથી હેરાન થતો રહ્યો છું. પરંતુ તે કારણ માટે હું કંઈ તમારી પાસે દયાની યાચના કરવા નથી માગતો, તમે મને જે શીક્ષા કરશો તે માટે હું તો તૈયાર જ છું.”

નાના સીતાનું નીવેદન સાંભળી કોર્ટમાં હાજર રહેલાની આંખો ભીની થઈ. પરંતુ મેજીસ્ટ્રેટે તો નાના સીતાને ગુનેગાર ઠરાવી શીક્ષા કરી જ.

નાના સીતા એકલા હતા તો યે ત્યાંની ગોરી સરકાર એમનાથી ગભરાતી. પોતાના વતનમાં જવા માટે એમણે અવારનવાર પાસપોર્ટ માગ્યો. ગોરી સરકારે એમને સ્વદેશ ન જવા દીધા. એમને ચીંતા થતી કે ત્યાં જઈ ગોરી સરકારના જુલમ આ સત્યાગ્રહી વીર બહાર પાડશે. જીવનભર તેઓ બાપુના સત્ય અને અહીંસાના માર્ગે અનન્ય શ્રદ્ધાથી રંગભેદની જુલમી નીતી સામે લડતા જ રહ્યા.

એ એકલા હતા, છતાં અણનમ રહ્યા. જ્યારે એમને પ્રશ્ન કરવામાં આવતો કે તમે એકલા સત્યાગ્રહ કરશો તેથી કંઈ ગોરી સરકાર રંગભેદની નીતી હળવી નહીં કરે. ત્યારે સત્યાગ્રહમાં અનન્ય શ્રદ્ધા રાખનારા નાના સીતા જવાબ આપતા:

ભલે બીજા મને સાથ ન આપે, તેથી કંઈ જેને હું અન્યાય અને જુલમ ગણું છું તેને મારો અંતરાત્મા કેમ સાંખી લે? ભલે હું તદ્દન એકલો હોઉં, છતાં હું આવા જુલમી કાયદાને કદી પણ સહકાર નહીં જ આપું.

નાના સીતાનો સત્યાગ્રહ જીવનપર્યંત ચાલુ જ રહેલો. આ એમનો ભવ્ય સત્યાગ્રહ તો બાપુને આપેલી એમની સર્વોત્તમ શ્રદ્ધાંજલી હતી.

૨. સ્વદેશાગમન

ડંકો વાગ્યો લડવૈયા શુરા જાગજો રે

શુરા જાગજો રે કાયર ભાગજો રે – ડંકો વાગ્યો.

ડંકો વગાડીને આપણા દેશના લોકોને લડવાની તૈયારી કરવાનું કહેનાર અને અંગ્રેજો જેઓ આપણા દેશ પર રાજ કરતા હતા તેમને અહીંથી ભાગી જવાનું કહેનાર હતા મહાત્મા ગાંધી. એ વખતે અંગ્રેજો આપણી ઉપર રાજ કરતા હતા. એમણે આપણા દેશને ખુબ લુંટ્યો. ફોલી ખાધો. આપણા ગૃહગ્રામઉદ્યોગોનો નાશ કરી નાખ્યો. આવા અંગ્રજો સામે આપણા દેશના લોકોએ વારે વારે લડતો આપી.

પહેલી લડત ૧૮૫૭માં આપણા દેશી સીપાઈઓએ કરી. ગોરા સીપાઈઓ આપણા દેશી સીપાઈઓનું ડગલે ને પગલે અપમાન કરતા હતા. એ લોકો કુતરા હોય એમ હડહડ કરતા. પણ જ્યારે આપણા સીપાઈઓને ધર્મભ્રષ્ટ કરવાનો પ્રયત્ન થયો ત્યારે તેમણે અંગ્રેજ અમલદારો તથા સીપાઈઓ પર હુમલો કર્યો. એમની કતલ કરી. દેશના ઘણા ભાગોમાં અંગ્રેજોને ભગાડ્યા. દીલ્હીની ગાદી પર બહાદુર શાહ ઝફરને બેસાડ્યા. અંગ્રેજોને આપણા દેશના લોકોની તાકાતનો પરચો મળી ગયો. એ લડાઈમાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ મેરી ઝાંસી નહીંં દુંગીકહીને અંગ્રેજો સામે તલવારથી લડી હતી. એ લડાઈમાં હીન્દુ તથા મુસલમાન બન્ને ખભેખભા મીલાવીને લડ્યા હતા. લડાઈ એકાએક શરુ થઈ હોવાથી અને હથીયારો પુરતાં ન હોવાથી આપણે હારી ગયા હતા. (હીન્દ છોડો લડતમાંથી)

ગાંધીજી આ ઐતીહાસીક હકીકતથી વાકેફ હતા. એટલે એમણે દક્ષીણ આફ્રીકામાં અંગ્રેજ સરકાર જેવા મગરમચ્છ સામે નવી જ રીત અજમાવી- દુનીયામાં કોઈએ ન અજમાવી હોય એવી. શસ્ત્રની સામે શસ્ત્ર નહીંં, તેમાં તો જે બળીયો હોય તે જ ફાવે. વેરની સામે વેર નહીંં-અવેર. દુશ્મનને પણ ચાહવો. તેનો હૃદયપલટો કરવો. જુલમ સહન ન કરવો. તેમ કરતાં કુરબાન થઈ જવું પડે તો કુરબાન થઈ જવું, પણ જુલમગારને તાબે ન થવું. આત્મશક્તીને જગાડતો આ મંત્ર એમણે શીખવ્યો. સત્ય, અહીંસા, સત્યાગ્રહ એમનાં શસ્ત્રો હતાં. જેના વડે એમણે ત્યાંની ગોરી સરકારને નમાવી હતી. કોઈ માનવા તૈયાર ન હતું. પણ આ ઈતીહાસ હતો, ૧૮૯૪ થી ૧૯૧૫ સુધીનો. મોહનદાસ કરમચંદ ગાંધી એ ઈતીહાસ રચનારા હતા, સર્જક હતા.

અમેરીકન લશ્કરી અમલદાર જનરલ ડગ્લાસ મૅક આર્થરે સાચું જ લખ્યું હતુ: સભ્યાતાની ઉત્ક્રાંતીમાં જો એણે ટકવું હશે, તો સૌ કોઈને છેવટે ગાંધીની જેમ એ નીષ્કર્ષ પર આવ્યા વીના છુટકો નથી કે મતભેદના પ્રશ્નોને ઉકેલવા શસ્ત્રો વાપરવાની રીત એ મુળે માત્ર ખોટી જ નથી, પણ એ રીતની અંદર જ આત્મહત્યાનાં બીજ રહેલાં છે.સશસ્ત્ર યુદ્ધની નાકામયાબી ખુદ લશ્કરી વડાએ કબુલ કરી છે.

એ મહાત્મા ગાંધી ૧૯૧૫માં વીજયી બનીને સ્વદેશ પાછા ફર્યા. ઠેરઠેર લોકોએ એમનું સ્વાગત કર્યું. એમને પોંખ્યા. રાષ્ટ્રીય આગેવાનોએ એમને સ્વતંત્રતાની લડતમાં ભાગ લેવા આગ્રહ કર્યો. પણ એમના રાજકીય ગુરુ ગોખલેએ એવું સુચન કર્યું કે સ્વરાજ્યની લડતમાં ભાગ લેવા પહેલાં એક વરસ હીન્દુસ્તાનનો પ્રવાસ કરો. તે પ્રમાણે ગાંધીજી એક વરસ આખા દેશમાં ફર્યા. દેશનાં દર્શન કર્યાં.

કાશી વીદ્યાપીઠમાં

૧૯૧૬માં ગાંધીજી કાશી વીદ્યાપીઠની સ્થાપનાના સંમેલનમાં ગયા. કાશી વીશ્વવીદ્યાલયની એ સભાના મંચ પર આખા દેશમાંથી આવેલા રાજામહારાજાઓ બીરાજેલા હતા. ખુદ વાઈસરૉય પોતે પણ હાજર હતા. એની બેસન્ટ અધ્યક્ષ હતાં. મંચ પર બીરાજેલા રાજામહારાજાઓના શરીર પર કીમતી આભુષણો ઝગારા મારી રહ્યાં હતાં. એના ચળકાટથી આંખો અંજાઈ જતી હતી, એવા વાતાવરણમાં દેશી સાળ પર વણાયેલી ખાદીનું જાડું અંગરખું પહેરીને અને માથે કાઠીયાવાડી પાઘડી બાંધીને ગાંધીજીએ પ્રવેશ કર્યો. લોકોએ એમના તરફ જોયું, પણ તેઓ ખામોશ હતાં. તેમને ખબર હતી કે આ ગામડીયા જેવા દેખાતા માણસે દક્ષીણ આફ્રીકાની ગોરી સરકારને ફેં ફેં કરાવી દીધી હતી. … અને પછી ગાંધીજીએ મૌન તોડ્યું. જેણે દેશનો નકશો બદલી નાખ્યો. ઈતીહાસ બદલી નાખ્યો. એમણે પોતાની મૌનયાત્રાનો ઉલ્લેખ કરતાં કહ્યું: આખા દેશમાં ફર્યા પછી આ દેશના લોકોની અસહ્ય ગરીબી જોઈને હું આશ્ચર્યચકીત થઈ ગયો છું. મને સતત એવું લાગ્યા કર્યું છે કે આ દેશ તો ઘણો સુખીસમૃદ્ધ હતો. લોકો એને સોનાની ચીડીયા કહેતા હતા. એ ધનવૈભવ ક્યાં ગયો? આ મંચ પર રત્નો અને આભુષણોનો ઝગમગાટ જોઈને મને ખ્યાલ આવી ગયો કે આ દેશની લક્ષ્મી ક્યાં ગઈ છે? જો મારું ચાલે તો આ જે સંપત્તી છે તે હું દેશનાં લાખો કરોડો ગરીબ લોકોમાં વહેંચી દઉં!.. હું પણ ક્રાંતીકારી છું….

અધ્યક્ષ સ્થાને બેઠેલાં એની બેસન્ટે ગાંધીજીને આ વાત પર બોલતા અટકાવ્યા. પણ ગાંધીજીએ નીચે બેઠેલા શ્રોતાજનોને પુછ્યું: મારું ભાષણ પુરું કરી દઉં?” અધ્યક્ષશ્રી જવાબ આપે તે પહેલાં લોકો જ બોલી ઉઠ્યાં: ના. ના અમારે ગાંધીજીને સાંભળવા છે.અને ગાંધીજીએ જે કંઈ કહ્યું તેણે દેશના ઈતીહાસને નવી દૃષ્ટી આપી. ૧૯૧૬ એટલે પ્રથમ વીશ્વયુદ્ધના એ જમાનામાં આવું બોલવાનો શું અર્થ થાય તે કહેવાની જરુર નથી. પણ તે દીવસે ગાંધીની વાણીમાં નવો સંકલ્પ ઘોષીત થયો હતો, જેણે દેશની સીકલ બદલી નાખી.

ચંપારણ સત્યાગ્રહ

૧૯૧૭ની શરુઆતમાં લખનૌમાં મહાસભાનું સંમેલન હતું. ગાંધીજી આ સંમેલનમાં ગયા. ત્યાં રાજકુમાર શુક્લ નામના એક ખેડુતે ગાંધીજીને ચંપારણ (બીહાર) આવવા વીનંતી કરી. ગાંધીજીએ એ વીનંતી સ્વીકારી ચંપારણની મુલાકાત લીધી. ચંપારણમાં ગળીની ખેતી થતી હતી. એેના માલીકો અંગ્રેજો હતા. ખેડુતો જમીનના ૩/૨૦ ભાગમાં ગળીનું વાવેતર કરી મુળ માલીકોને કાયદેથી આપવા બંધાયેલા હતા. આ પ્રથાને તીન કઠીયાતરીકે ઓળખવામાં આવતી હતી. આ રીતે ખંડુતો પર થતા અન્યાયથી ગાંધીજીનું હૃદય આક્રંદ કરી ઉઠ્યું. તેમણે ચંપારણના ખેડુતોનો પ્રશ્ન હાથમાં લીધો. એટલે તેમની ઉપર ફોજદારી કાયદાની કલમ ૧૪૪ પ્રમાણે કેસ કરવામાં આવ્યો. કેસની સુનાવણી વખતે મેજીસ્ટ્રેટ અને સરકારી વકીલ ગભરાતા હતા. કેસ મુલતવી રાખવા સરકારી વકીલે જણાવ્યું. ત્યારે ગાંધીજીએ કહ્યું કે કેસ મુલતવી રાખવાની જરુર નથી. ગુનો મને કબુલ છે. મેં સરકારી આદેશની અવગણના કરી છે. તેમ કરવાનો મને પુરેપુરો અધીકાર છે. ચંપારણના ખેડુતોના કેસની મારે પુરેપુરી તપાસ કરવી છે. કેવળ ખેડુતોની જ નહીંં, પરંતુ નીલવરોની પણ મુલાકાત લઈ, સંપુર્ણ તપાસ કરવા ઈચ્છું છું. એમ કરતાં જેલ જવું પડે તો તે માટે પણ મારી પુરી તૈયારી છે. ખેડુતોને સહાય કરવાની બાબતમાં અને કેસની તપાસ કરવાની બાબતમાં વકીલ બ્રજકીશોરબાબુ અને રાજેન્દ્રબાબુનો પુરો સહકાર મળ્યો હતો. આ બંને બીહારના પ્રતીષ્ઠીત વકીલો હતા. આચાર્ય કૃપલાનીએ પણ મદદે આવવા વચન આપ્યું હતું. આ રીતે ચંપારણના સત્યાગ્રહનો તખ્તો ગોઠવાયો હતો. ગાંધીજીએ આગેવાની લીધી. ચંપારણની આ લડતથી હીન્દુસ્તાનને સત્યાગ્રહ અને સવીનય કાનુનભંગનો નવો પદાર્થપાઠ મળ્યો.

ભારતમાં આવ્યા પછી ગાંધીજીએ ગુજરાતના ખેડા જીલ્લામાં તથા બીહારના ચંપારણ જીલ્લામાં ખેડુતો પર સરકારે સારો પાક ન ઉતર્યો હોવા છતાં કમરતોડ મહેસુલ વધાર્યું હતું, તેના વીરોધમાં ખેડુતો પાસે સત્યાગ્રહ કરાવ્યો હતો. જેને લીધે મહેસુલ વધારો પાછો ખેંચવાની સરકારને ફરજ પડી હતી.

ગાંધીજીને મળેલી આ પહેલી સફળતા.

બેરીસ્ટર ગાંધી દક્ષીણ આફ્રીકાથી આવ્યા પછી બીજે જ વર્ષે ચંપારણના ગરીબ ખેડુતોનો પ્રશ્ન લડવા ગયા ત્યારે ત્યાં કેવી રીતે રહેતા હતા તે વીષે એમની સાથે ગયેલાં મણીબેન પરીખે એક સરસ પ્રસંગ લખ્યો છે, તે જોઈએ:

અમે મોતીહારી ગયાં ત્યારે ત્યાં ખુબ જ ઠંડી હતી. અમારી પાસે ઓઢવા પાથરવાનું કંઈ જ સાધન ન હતું. એક શેતરંજી અને એક ઓશીકું હતું. તે નરહરીભાઈને આપ્યું. બીહારથી એક રુપીયાનો એક ધાબળો લીધો. કપડાનું ઓશીકું કરીએ. ખુબ જ ઠંડી. એટલે હું અને દુર્ગાબેન સાથે સુઈ જઈએ. તો યે હુંફ જ ન મળે. મહાદેવભાઈ અને નરહરીભાઈ બહાર પાટ પર ભેગી પથારી કરીને સુઈ જાય. બાપુ પાસે પણ એક જ ધાબળો. તે અડધો નીચે પાથરે અને અડધો ઓઢે. મહાદેવભાઈ ને નરહરીભાઈ સુવા જાય ત્યારે બાપુ કહે કે, “મહાદેવ, આ બધાં છાપાં છે તે મારી ઉપર નાખો.બાનું પણ આમ જ ચાલે. અમે બધાંને ઠંડીનો સરસ અનુભવ થાય.

લોકનાડ પારખવા માટે ગાંધીજીએ શું શું ન કર્યું? શું શું ન વેઠ્યું? કડકડતી ઠંડીમાં અડધો ધાબડો ઓઢવો ને અડધો પાથરવો ને છાપાં ઓઢી સુઈ રહેવું એ રીતે પ્રજાની ગરીબાઈના જાતઅનુભવ દ્વારા ગાંધીજીએ ભારતના જાહેર જીવનમાં પ્રવેશ કર્યો.

૩. ઐતીહાસીક દાંડીકુચ

ઈતીહાસની ઝાંખી કરીશું તો એવું જોવા મળશે કે સ્થાનીક ધરતી ઉપર જે કંઈ પાકે છે તેની ઉપર તે તે પ્રજાનો અધીકાર હોય છે. કુદરતની કૃપાથી, કુદરતી વીસ્તારમાં જે કંઈ ઉત્પન્ન થતું હોય તેની ઉપર અંકુશ મુકવો કે કરવેરા નાખવા તે ત્યાંની પ્રજાને અન્યાય કરવા બરાબર છે. બ્રીટીશ સરકારે ભારતમાં નમકનો કાયદો કરી ૨૪૦૦ ટકા નમકવેરો નાખ્યો હતો. તે દ્વારા વરસે દહાડે ૬ કરોડ રુપીયા સરકારની તીજોરીમાં જમા થતા હતા.

આ અન્યાયનો પ્રતીકાર કરવા ગાંધીજીએ ૧૯૩૦ની સાલમાં એક જબરજસ્ત લડત ઉપાડી, અને તે માટે નવસારી પાસે આવેલા દાંડી ગામની પસંદગી કરી.

હીન્દુસ્તાન પાસે ૪૮૦૦ કીલોમીટરનો વીશાળ દરીયા કીનારો છે. આ દરીયા કીનારા ઉપર અનેક શહરો વસેલાં છે. આ બધાં શહેરો પૈકી ગાંધીજીએ દાંડી જેવા નાના ગામને જ શા માટે પસંદગી આપી હશે?

ગાંધીજીએ દક્ષીણ આફ્રીકામાં રંગભેદની નીતી સામે જે લડત ઉપાડેલી અને તેમાં સફળતા મેળવેલી તેમાં તેમને કાંઠાની પ્રજાનો સહકાર મળ્યો હતો. આટના શ્રી ફકીરા અને મટવાડના નાના સીતા એમના સાથીદારો હતા. તે સીવાય શ્રી કાછલીયા અને સાલેજના પ્રાગજીભાઈ ખંડુભાઈ જેવા બીજા અનેક વફાદાર યુવાનો એમની સાથે હતા. તેમની દેશદાઝ અને બલીદાનની ભાવનાનો ગાંધીજીને પરીચય થઈ ગયો હતો. માતૃભુમી પ્રત્યની તેમની ભક્તી અને વફાદારીને કારણે ગાંધીજીએ દાંડી ગામની પસંદગી કરી હોય એમ બનવા સંભવ છે.

ગાંધીજીની લડવાની રીત અનોખી હતી. ચોરીછુપીથી કે છળકપટથી કંઈ કરતા નહીં. ડંકો વગાડીને સામેવાળાને જાણ કરતા. બને ત્યાં સુધી સમાધાન કરવાનો પ્રયત્ન કરતા. સમાધાન ન જ થાય તો પોતે જે નક્કી કર્યું હોય તે કરતા. દાંડીકુચ કરતાં પહેલાં એમણે સમાધાન માટે લૉર્ડ અર્વીનને વીગતવાર પત્ર લખ્યો. એ પત્ર રેજીનાલ્ડ રેનલ્ડ્સ નામના એક યુવાન મારફતે હાથોહાથ પહોંચાડ્યો, પણ એનો પ્રતીસાદ મોળો હતો. બોદો હતો. પત્ર વાંચીને ગાંધીજીએ કહ્યું: પગે પડીને મેં જ્યાં ખાવાનું માગ્યું ત્યાં ભાણામાં મને પથરા મળ્યા!એટલે પછી લડત અનીવાર્ય બની ગઈ. લડત માટે એમણે આખા દેશમાંથી પોતાન ૮૧ ચુનંદા બલીદાની સાથીદારોની પસંદગી કરી.

દાંડીકુચના એક્યાસી સૈનીકો

1. મહાત્મા ગાંધીજી ગુજરાત વય ૬૧

2. પ્યારેલાલજી પંજાબ વય ૩૦

3. છગનલાલ નથ્થુભાઈ જોષી ગુજરાત વય ૩૫

4. પંડીત નારાયણ મોરેશ્વર ખરે મહારાષ્ટ્ર વય ૪૨

5. ગણપતરાવ ગોડસે મહારાષ્ટ્ર વય ૨૫

6. પૃથ્વીરાજ લક્ષ્મીદાસ આસર કચ્છ વય ૧૯

7. મહાવીર ગીરી નેપાલ વય ૨૦

8. બાળ દત્તાત્રેય કાલેલકર મહારાષ્ટ્ર વય ૧૮

9. જયંતી નથ્થુભાઈ પારેખ ગુજરાત વય ૧૮

10. રસીક દેસાઈ ગુજરાત વય ૧૭

11. વીઠ્ઠલ લીલાધર ઠક્કર(પહેલા શહીદ)ગુજરાત વય ૧૬

12. હરખજી રામજીભાઈ હરીજન ગુજરાત વય ૧૮

13. તનસુખ પ્રાણશંકર ભટ્ટ ગુજરાત વય ૨૦

14. કાંતીલાલ હરીલાલ ગાંધી ગુજરાત વય ૨૦

15. છોટુભાઈ ખુશાલભાઈ પટેલ ગુજરાત વય ૨૦

16. વાલજીભાઈ ગોવીંજી દેસાઈ ગુજરાત વય ૩૫

17. પન્નાલાલ બાલાભાઈ ઝવેરી ગુજરાત વય ૨૫

18. અબ્બાસ ગુજરાત વય ૨૦

19. પુજાભાઈ શાહ ગુજરાત વય ૨૫

20. માધવજીભાઈ ઠક્કર કચ્છ વય ૪૦

21. નારણજીભાઈ કચ્છ વય ૨૨

22. મગનભાઈ વોરા કચ્છ વય ૨૫

23. ડુંગરશીભાઈ કચ્છ વય ૨૭

24. સોમાલાલ પ્રાગજીભાઈ પટેલ ગુજરાત વય ૨૫

25. હસમુખરાય જોખાકર ગુજરાત વય ૨૫

26. દાઉદભાઈ (મુસ્લીમ) મુંબઈ વય ૨૫

27. રામજીભાઈ વણકર ગુજરાત વય ૪૫

28. દીનકરરાય પંડ્યા ગુજરાત વય ૩૦

29. દ્વારકાનાથ મહારાષ્ટ્ર વય ૩૦

30. ગજાનન ખરે મહારાષ્ટ્ર વય ૨૫

31. જેઠાલાલ રુપારેલ કચ્છ વય ૨૫

32. ગોવીંદ હરકરે મહારાષ્ટ્ર વય ૨૫

33. પાંડુરંગ મહારાષ્ટ્ર વય ૨૨

34. વીનાયક આપ્ટેજી(શારદાબેન) મહારાષ્ટ્ર વય ૩૩

35. રમધીરરાય સંયુક્તપ્રાંત વય ૩૦

36. સુલતાનસીંહ રાજપુતાના વય ૨૫

37. ભાનુશંકર દવે ગુજરાત વય ૨૨

38. મુનશીલાલ સંયુક્તપ્રાંત વય ૨૫

39. રાઘવજી કેરલ વય ૨૫

40. રાવજીભાઈ નાથાભાઈ પટેલ ગુજરાત વય ૩૦

41. શીવાભાઈ ગોકળભાઈ પટેલ ગુજરાત વય ૨૭

42. શંકરભાઈ ભીખાભાઈ પટેલ ગુજરાત વય ૩૫

43. જશભાઈ ઈશ્વરભાઈ પટેલ ગુજરાત વય ૨૦

44. સુમંગલપ્રકાશજી સંયુક્તપ્રાંત વય ૨૫

45. ટાઈટસજી કેરલ વય ૨૫

46. કૃષ્ણ નાયર કેરલ વય ૨૫

47. તપન નાયર કેરલ વય ૨૫

48. હરીદાસ વરજીવનદાસ ગાંધી ગુજરાત વય ૨૫

49. ચીમનલાલ નરસીલાલ શાહ ગુજરાત વય ૨૪

50. શંકરન કેરલ વય ૨૫

51. સુબ્રહ્મણ્યમ આંધ્ર પ્રદેશ વય ૨૫

52. રમણીકલાલ મગનલાલ મોદી ગુજરાત વય ૩૮

53. મદનમોહન ચતુર્વેદી રજપુતાના વય ૨૭

54. હરીલાલ માહીમતુરા મુંબઈ વય ૨૭

55. મોતીબાસદાસ ઉત્કલ વય ૨૦

56. હરીદાસ મજમુદાર ગુજરાત વય ૨૫

57. આનંદ હીંગોરાની સીંધ વય ૨૪

58. મહાદેવ માર્તંડ કર્ણાટક વય ૧૮

59. જયંતીપ્રસાદ સંયુક્તપ્રાંત વય ૩૦

60. હરીપ્રસાદ સંયુક્તપ્રાંત વય ૨૦

61. ગીરીધરધારી ચૌધરી બીહાર વય ૨૦

62. કેશવ ચીત્રે મહારાષ્ટ્ર વય ૨૫

63. અંબાલાલ શંકરભાઈ પટેલ ગુજરાત વય ૨૫

64. વીષ્ણુ પંત મહારાષ્ટ્ર વય ૨૫

65. પ્રેમરાજજી પંજાબ વય ૩૫

66. દુર્ગેશચંદ્ર દાસ બંગાળ વય ૪૪

67. માધવલાલ શાહ ગુજરાત વય ૨૭

68. જ્યોતી રામજી સંયુક્તપ્રાંત વય ૨૫

69. સુરજભાન પંજાબ વય ૩૪

70. ભૈરવદત્ત સંયુક્તપ્રાંત વય ૨૫

71. લાલાજી ગુજરાત વય ૨૫

72. રત્નજી ગુજરાત વય ૧૮

73. વીષ્ણુ શર્મા મહારાષ્ટ્ર વય ૩૦

74. ચીંતામણી શાસ્ત્રી મહારાષ્ટ્ર વય ૪૦

75. નારાયણ દત્ત રાજપુતાના વય ૨૪

76. મણીલાલ મોહનદાસ ગાંધી ગુજરાત વય ૩૮

77. સુરેન્દ્રજી(છેવટ સુધી રહેલા) સંયુક્તપ્રાંત વય ૩૦

78. હરીભાઈ મોહની મહારાષ્ટ્ર વય ૩૨

79. પુરાતન જન્મશંકર બુચ ગુજરાત વય ૨૫

80. સરદાર ખડબહાદુર ગીરી નેપાળ વય ૩૨

81. શંકર દત્તાત્રેય કાલેલકર મહારાષ્ટ્ર વય ૨૦

સને ૧૯૩૦ના માર્ચની ૧૧મીની રાત્રે જ લોકો વાળુ-પાણી કરીને આશ્રમમાં આવી ગયા હતા. ગાંધીજીને ક્યારે પકડી જાય તેનો કંઈ ભરોસો નહીં. ચાંદની રાતમાં લોકો રસ્તા પર ધુળમાં બેઠાં હતાં. બાળકો અને બહેનો પણ ટોળામાં હતાં. મધરાત થઈ તો પણ લોકો ખસતાં નથી. સવારના ત્રણ વાગ્યા. ઠંડીનો ચમકારો થયો. લોકોએ તાપણાં સળગાવ્યાં. ચાર વાગે બધાં પ્રાર્થના માટે તૈયાર થઈને બેઠાં. ગાંધીજીની પડખે બે મુત્સદ્દી બેઠા હતા- પ્રભાશંકર પટ્ટણી અને અબ્બાસ તૈયબજી. લોકો માતા નથી. પંડીત ખરેએ ગીત ઉપાડ્યું :

શુર સંગ્રામ કો દેખ ભાગે નહીંં

દેખ ભાગે સોઈ શુર નહીંં

પ્રાર્થના પછી લોકો આઘાપાછા થયા. સૈનીકો તૈયારીમાં પડ્યા. લોકોને, નેતાઓને, છાપાવાળાઓને, કેમેરાવાળાઓને એમ કે હમણાં પકડશે…હમણાં પકડશે… પણ મહા બળીયા સાથે બાથ ભીડનાર સેનાપતીને એવી કોઈ ચીંતા જ નથી! એ તો પોતાના ખંડમાં જઈને પાછા ઘસઘસાટ ઉંઘી ગયા!

૧૯૩૦ની ૧૨મી માર્ચનું મંગળ પ્રભાત. બરાબર ૬-૦૦નો ટાઈમ થયો. પંડીતજીએ પ્રસંગને અનુરુપ પ્રીતમજીનું ભજન ગાયું :

હરીનો મારગ છે શુરાનો

નહીં કાયરનું કામ જોને

સત્યગ્રહીઓ બબ્બેની હારમાં ગોઠવાઈ ગયા. તેમને ખબર હતી કે આ આખરી ફેંસલો છે. કેસરીયાં કરવાનાં છે. આશ્રમ ફરી જોવા મળે ન મળે! કુટુંબીઓએ છુપાવેલાં અશ્રુ સાથે, પણ હસતે મોઢે, ચાંલ્લા કરી વીદાય આપી. આવજો… ગાંધીજીને કસ્તુરબાએ કુમકુમનો ચાંલ્લો કર્યો, સુતરની આંટી પહેરાવી, હાથમાં લાકડી આપી. પછી નમસ્કાર કર્યા. બરાબર ૬ ને ૨૦ મીનીટે પોતાની ટુકડી સાથે આશ્રમની બહાર પગ મુક્યો.

પ્રાર્થના સભામાં જ તેમના મુખમાંથી ભાવી ભાખતા ઉદ્ગારો નીકળ્યા હતા : મારો જન્મ બ્રીટીશ સામ્રાજ્યનો નાશ કરવા માટે જ થયો છે.પછી સંકલ્પ જાહેર કર્યો હતો: હું કાગડા-કુતરાને મોતે મરીશ, રખડી-રઝળીને મરીશ, પણ સ્વરાજ્ય લીધા વીના આ આશ્રમમાં પગ મુકવાનો નથી.

અદ્ભુત હતો એ પ્રસંગ!

દુર્લભ હતું એ દર્શન!

હીન્દુસ્તાનના ઈતીહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે એ દીવસ! સમગ્ર વીશ્વની નજર એ યુગપુરુષ ગાંધી તરફ મંડાયેલી હતી. હરદ્વાર એ હીન્દુ સંસ્કૃતીના જીવન અને મરણને સાંકળી લેતું આધ્યાત્મીક સંગમસ્થાન છે. ગંગામાં સ્નાન કરનાર પાપમુક્ત થઈ પુણ્યના પગથીયાનું આરોહણ કરે છે. દાંડીને હરદ્વારની ઉપમા આપી ગાંધીજી બોલી ઉઠ્યા હતા: દાંડી તો મારું હરદ્વાર છે.દાંડી માટે એવો ભાવ એમના મનમાં હતો. એ દાંડીમાં સ્વરાજ્યની ઈમારતનો પાયો ચણાવાનો હતો. એ દાંડી હીન્દની સ્વતંત્રતાનું પ્રવેશદ્વાર Gate way of Freedom બનવાનું હતું.

૧૯૩૦ની છઠ્ઠી એપ્રીલનો એ દીવસ હતો. બ્રીટીશ સરકાર આંખો પહોળી કરી મલકાય રહી હતી. સવારે ૬ વાગે ગાંધીજીએ લંગોટીભેર સમુદ્રસ્નાન કરી, ૬-૩૦ વાગે વાસી શેઠના બંગલા પાસે સુરક્ષીત રાખેલા ખાડામાંથી ચપટી નમક ઉપાડી કાયદાનો ભંગ કર્યો. હજારો લોકોના ગગનભેદી નાદ ગાજી ઉઠ્યા: નમક કા કાનુન તોડ દીયા.મીઠાની ચપટી ભરી એ યજ્ઞપુરુષે અગમવાણી ઉચ્ચારી: બ્રીટીશ સામ્રાજ્યની ઈમારતના પાયામાં આથી હું લુણો લગાડું છું.આ શબ્દો બોલતી વખતે ગાંધીજીનો આત્મા કેટલી ઉત્કૃષ્ટ કક્ષાએ હશે તેની તો કલ્પના જ કરવી રહી. પછી એ વીશ્વવંદ્ય વીભુતીએ વીદેશી પત્રકારોને લખીને આપ્યું : “I want world sympathy in this battle of right against might.” “સત્તાબળ સામે ન્યાયની આ લડતમાં હું વીશ્વની સહાનુભુતી ઈચ્છું છું.છઠ્ઠી એપ્રીલની એ ભવીષ્યવાણી ૧૭ વરસ પછી ૧૯૪૭ના ઑગષ્ટની ૧૫મી તારીખે સાચી પડી.

સરકારી માણસોએ તો કુદરતી રીતે પાકેલું મીઠું માટીમાં ભેળવી દીધું હતું. પણ સુલતાનપુરના છીબુભાઈ કેશવભાઈએ અગમચેતી વાપરી એક ખાડામાં થોડું મીઠું હતું ત્યાં કાંટીયાં નાખી દીધાં હતાં. એ રીતે છીબુભાઈએ આપેલો ફાળો અનન્ય છે. કાંઠા વીભાગની પ્રજા એ ભુલી શકે નહીંં. તે પછી ગાંધીજી આટ, ઓંજલ, સુલતાનપુર પણ ગયા હતા. આટની ખાંજણમાંથી મીઠું ઉપાડ્યું હતું. પોલીસે આચાર્ય મણીભાઈ અને મનુભાઈ ડૉક્ટર (સ્વામીજી)ની ધરપકડ કરી હતી. દાંડીમાં પીવાના પાણીની અગવડ હતી. બીજાં ગામોમાંથી બળદગાડાં મારફતે પાણી લવાતું હતું. ટપાલની વ્યવસ્થા પણ ન હતી. અવરજવરની તકલીફ પડતી. એટલે ગાંધીજીએ ૧૬મીએ દાંડી છોડ્યું, અને કરાડીની ઝુંપડીમાં પોતાનો નીવાસ રાખ્યો. ૧૬મી એપ્રીલથી ૪થી મે સુધી ગાંધીજી કરાડીની ઝુંપડીમાં રહ્યા.

ગાંધીજી કરાડીની ઝુંપડીમાં રહ્યા તે દરમીયાન નવજીવન પ્રેસમાં છપાયેલ લખાણોની નકલો લઈને એક ભાઈ સુરતના પાટીદાર આશ્રમમાં આવેલા. એ નકલો ગાંધીજીને પહોંચાડવાની હતી. તે કામ આટના પરભુભાઈ બદીયાને સોંપાયું. તે વખતે સુરતના સ્ટેશન માસ્તર મહાદેવભાઈ દેસાઈના ભાઈ હતા. ફ્રન્ટીઅર મેઈલ આવી રહ્યો હતો. પણ તે નવસારી થોભતો ન હતો. એટલે મહાદેવભાઈના ભાઈએ ફ્રન્ટીઅર મેઈલના ગાર્ડને ખાસ સુચના આપી કે ફ્રન્ટીઅર મેઈલ નવસારી સ્ટેશને ખાસ ઉભો રાખી આ ભાઈને (બદીયાને) ત્યાં ઉતારી દેવા. તે પ્રમાણે ગાર્ડે પરભુભાઈ બદીયાને નવસારી ઉતારી દીધા. અંધારી રાત. પરભુભાઈ ચાલતા ચાલતા જલાલપુર, બોદાલી, મછાડ થઈને ધલ્લાની ખાડી સુધી આવ્યા. ખાડી પર વહાણનો એક ઘંટ હતો. લોકોને સાબદા કરવા તે વગાડ્યો. છાવણીમાં આવી પરભુભાઈએ ગાંધીજીને જગાડ્યા, કાગળો આપ્યા, સંદેશો આપ્યો. ગાંધીજીએ તરત જ જવાબ લખી પરભુભાઈને વીદાય કર્યા.

પછી તો આ લડતે આખા હીન્દુસ્તાનમાં ઉગ્ર સ્વરુપ પકડ્યું. લોકો સમુદ્રનું ખારું પાણી લાવી, ઉકાળી મીઠું બનાવી નાનાં નાનાં પડીકામાં વેચતાં, ધરપકડ વહોરી લેતાં.

તે દરમીયાન ગાંધીજીએ કરાડીની છાવણીમાંથી વાઈસરૉય લોર્ડ અર્વીનને બીજો પત્ર લખ્યો : હવે હું ધરાસણાના મીઠાના અગરો ઉપર ચઢાઈ કરવાનો છું.એટલે વાઈસરૉયે એમની ઉપર વૉરંટ કાઢ્યું. ગાંધીજી કરાડીની ઝુંપડીમાંથી કુચ કાઢે તે પહેલાં જ પાંચમી મેની રાત્રે એક વાગે એમની ધરપકડ કરવામાં આવી. રાતોરાત વેડછા સ્ટેશનની કેબીન આગળ હાંસાપોર ફાટક પાસે (હવે આ સ્થળે ફ્લેગ સ્ટેશન બન્યું છે.) ટ્રેન ખાસ થોભાવીને એમને યરવડા જેલમાં લઈ જવામાં આવ્યા.

ધરાસણાનો કાળો કેર

ગાંધીજીને ખબર હતી. ગમે ત્યારે એમની ધરપકડ થશે જ. એટલે એમણે અગાઉથી લડતનો કાર્યક્રમ ગોઠવી દીધો હતો. તે કાર્યક્રમ પ્રમાણે ગાંધીજીની ધરપકડ થાય તો તે પછી લડતની આગેવાની અબ્બાસ તૈયબજીએ લેવી. અને જો અબ્બાસ તૈયબજીની ધરપકડ કરવામાં આવે તો આગેવાની સરોજીની નાયડુએ લેવી, એવું નક્કી કરવામાં આવ્યું હતું. તે પ્રમાણે ગાંધીજીની ધરપકડ થતાં અબ્બાસ તૈયબજીએ આગેવાની લીધી. અને અબ્બાસ તૈયબજીની ધરપકડ થતાં આગેવાની સરોજીની નાયડુએ લીધી. તેઓ અલાહાબાદથી સીધાં ધરાસણા આવી પહોંચ્યાં હતાં.

ધરાસણાના અગરોની ફરતે વાડ કરવામાં આવી હતી. લાઠીધારી પોલીસોની ચોકી ગોઠવવામાં આવી હતી. સત્યાગ્રહીઓ નમકના કયદાનો ભંગ કરવા આગળ વધ્યા. એટલે લાઠીધારી પોલીસો એમની ઉપર તુટી પડ્યા. કેટલાક ઘવાયા, કેટલાકનાં ગુહ્યાંગો દબાવ્યાં, કાંટા ભોંક્યા, કેટલાક લોહીલુહાણ થઈ ઢળી પડ્યા. પણ આ તો ગાંધીના સૈનીકો. મારથી ડરી જાય કે ડગી જાય એવા નહોતા! ડગલું ભર્યું કે ના હઠવું ના હઠવુંમંત્ર હૈયે અને હોઠે હતો.

એક ટુકડીની આગેવાની ગુજરાત વીદ્યાપીઠના મહામાત્ર નરહરીભાઈ પરીખે લીધી હતી. જેવા એ આગળ વધ્યા તેવો લાઠીનો જોરદાર ફટકો એમની ચળકતી ટાલ પર પડ્યો. ફરી આગળ વધ્યા. ફરી જોરદાર ફટકો પડ્યો. મુર્છીત થઈ ઢળી પડ્યા. માથું લોહીથી લાલ લાલ થઈ ગયું. એમના પત્ની મણીબેનને કોકે ઉતાવળે અધકચરા સમાચાર આપતાં કહ્યું : તમને એક માઠા સમાચાર આપવાના છે. ધરાસણામાં ઘાયલ નરહરીભાઈએ પોતાના પ્રાણ ગુમાવ્યા છે.

મણીબેને ક્ષણમાં સમતુલા જાળવી લીધી અને કહ્યું : અત્યારે તો હું દારુના પીઠા પર પીકેટીંગ કરું છું. મારાથી અહીંથી ખસાઈ નહીં.

પછીથી પોતાની દીકરી વનમાળાને તપાસ કરવા મોકલી, ત્યારે ખબર પડી કે એ સમાચાર ખોટા હતા.

ઘાયલ થયેલા સત્યાગ્રહીઓને પોલીસો ખારા પાણીમાં ઝબોળતા હતા, કાંટા ભોકતા હતા, ગુહ્યાંગ દબાવતા હતા. એમના વસ્ત્રો પરથી લોહીના રેલા વહેતા. છતાં એમનો જુસ્સો એવો ને એવો હતો.

કોથમડીના ફકીરભાઈ પરાગભાઈને પણ સખત માર પડ્યો હતો. તેમને બે માસ સુધી મુંબઈની હોસ્પીટલમાં ખસેડવા પડ્યા હતા.

ધરાસણાના આ સત્યાગ્રહનું નીરીક્ષણ કરવા વેબ મીલર નામનો એક અમેરીકન પત્રકાર આવેલો. એણે ન્યુફ્રીમેનમાં પોતાનો આંખે દેખ્યો હેવાલ આ પ્રમાણે આપ્યો છે :

સંપુર્ણ મૌન સાથે કુચ કરતા ગાંધીના આ સૈનીકોને મીઠાના ઢગલાથી સોએક વાર છેટે અટકાવ્યા. ગોરા અમલદારનો આદેશ થતાં પોલીસો ધસ્યા અને લોખંડની કડીથી સજ્જ એવી લાઠીવર્ષાને રોકવા કોઈએ પ્રયત્ન પણ ન કર્યો. આડો હાથ પણ નહોતા ધરતા.પછી એણે લખ્યું છે : ખબરપત્રી તરીકેનાં જીંદગીનાં ૨૨ વરસમાં મેં આવાં રમખાણો તો ઘણાં જોયાં છે. પણ ધરાસણા જેવાં કમકમાટી ઉપજાવે તેવાં દૃશ્યો મેં ક્યાંય જોયાં નથી. કેટલીક વખત તો દૃશ્યો એવાં ત્રાસજનક હતાં કે અમારે આડું જોઈ જવું પડતું.

સ્વયંસેવકોની શીસ્ત આશ્ચર્યજનક હતી. ગાંધીજીની અહીંસાનો ઉપદેશ એમણે બરાબર પચાવ્યો હોય તેવું લાગતું હતું.

પોતાના સાથીદારો પર ભયંકર માર પડતો નજરોનજર જોવા છતાં હીંમતથી તેઓ આગળ વધતા હતા. આપણા કાંઠાવીભાગમાંથી ૩૦૦ જેટલાં ભાઈબહેનોએ ધરાસણાના સત્યાગ્રહમાં ભાગ લીધો હતો.

પછી તો લોકોએ જાતેજ લડત ઉપાડી લીધી. ઠેર ઠેર મીઠાના અગરો પર હુમલા થયા. વીદેશી કાપડની હોળી થઈ. દુકાનો પર બહેનોએ પીકેટીંગ કર્યું. દારુની દુકાનો પર બહેનો ચોકી કરવા લાગી. આ લડાઈમાં ગરીબ અને તવંગર, ભણેલી અને અભણ, તમામ બહેનોએ આગળ પડતો ભાગ લીધો.

મીઠાંનો ચમત્કાર

મીઠાંના સત્યાગ્રહની સાથે જોડાયેલા બે પ્રસંગો અહીં ખાસ નોંધવા જેવા છે. જેમાં આપણું રાષ્ટ્રીય ચારીત્ર્ય અને આપણું પ્રજાકીય ખમીર કેવું હતું તે વ્યક્ત થાય છે.

ધરાસણામાં અંબાલાલ શુક્લ નામના એક સત્યાગ્રહી હતા. એમની ઉપર ૮-૧૦ પોલીસો તુટી પડ્યા. ગીધડાંની જેમ પીંખાટી નાખ્યા. છાતી પર મુક્કા માર્યા. ગળે નહોર ભરાવ્યા. એમનાં ગુહ્યાંગ દબાવ્યાં. છેવટે કાંટાની વાડ પર ફેંકી દીધા. સ્વયં સેવકો એમને ઈસ્પીતાલ લઈ ગયા. દોઢ કલાકે ભાન આવ્યું. ત્યારે એમણે પુછ્યું:

હું સરકારી ઈસ્પીતાલમાં તો નથી ને? ”

ના.સ્વંસેવકોએ કહ્યું.

તો ઠીક, મારી પાસે હજી મીઠું છે.

એમ કહીને એમણે મુઠ્ઠી ખોલી મીઠું બતાવ્યું.

આ સત્યાગ્રહથી વીરોધીઓનાં કઠણ હૃદય પણ પીગળી ગયાં હતાં.

આપણા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીને રાજદ્રોહના ગુના માટે સજા કરનાર મેજીસ્ટ્રેટે પુછ્યું : તમારે તમારા બચાવમાં કંઈ કહેવું છે?” ત્યારે મેઘાણીએ એક ગીત ગાવાની રજા માગી. રજા મળતાં એમણે પોતાના બુલંદ કંઠે એક ગીત ગાયું:

નથી જાણ્યું અમારે પંથ શી આફત ખડી છે,

ખબર છે એટલી કે માતની હાકલ પડી છે.

ગીત સાંભળતાં મેજીસ્ટ્રેટની આંખમાં આંસુ આવી ગયાં. એ એટલા હલી ઉઠ્યા કે ચુકાદો આપતાં એમણે કહ્યું : હવે મારે બે કામ કરવાનાં છે. પહેલું તો તમે કરેલા ગુના માટે તમને બે વર્ષની કેદની સજા કરવામાં આવે છે. બીજું, જે દેશની સરકારમાં દેશપ્રેમને ગુનો ગણવામાં આવે અને એને સજા કરવી પડે, તે સરકારમાંથી હું રાજીનામું આપું છું. આખરે મને પણ મારા દેશ માટે પ્રેમ છે.

હૃદયપલટાનો આવો જ એક પ્રસંગ મહાવીર ત્યાગીએ પણ નોંધ્યો છે :

નમક સત્યાગ્રહના એ દીવસો હતા. ગાંધીનો બોલ પડતાં આખા દેશમાં લોકો મીઠું પકવીને વેચવા લાગ્યા. ત્યાગીજીએ પણ એ કામ શરુ કર્યું. ત્યાં પોલીસે એમની ધરપકડ કરી. મેજીસ્ટ્રેટ પં. બેનીપ્રસાદ સમક્ષ કેસ ચાલ્યો. પોલીસ પાસે સાક્ષીઓની યાદી તો તૈયાર જ હતી. તેઓ ખુદાને હાજર રાખી સાચુંબોલી ગયા. પછી મેજીસ્ટ્રેટે ત્યાગીજીને પુછ્યું: તમારે કંઈ કહેવું છે?” ત્યાગીજી ઉભા થયા, કહ્યું: આમ તો સાક્ષીઓએ ખુદાને માથે રાખીને જુબાની આપી છે. પરંતુ એનાથી એ સાબીત નથી થતું કે અમે કરેલ લીલામનાં પડીકામાં મીઠું હતું કે ફટાકડા? ચાક કે ચુનો?”

વાત તો સાચી છે. એ સાબીતીની ખામી છે.મેજીસ્ટ્રેટે સ્વીકાર્યું.

એટલે ત્યાગીજીએ કહ્યું : આપને વાંધો ન હોય તો ચાખી જુઓ.

સાહેબે મીઠું ચાખ્યું. છે તો મીઠું જ.

ત્યાગીજી બુમ પાડી ઉઠ્યા : વર્ષોથી આપ અંગ્રેજોનું નમક ખાતા આવ્યા છો, હવે મને નીરાંત થઈ. આજે આપે ગાંધીનું નમક(લુણ) ખાધું છે તે યાદ રાખજો.

મેજીસ્ટ્રેટ સાહેબનો ચહેરો ઝાંખો પડી ગયો.

ત્યાગીજીને સજા તો થઈ. પણ સાહેબ રજા પર ઉતરી ગયા. પછી જાણ્યું કે રજા પુરી થાય તે પહેલાં એમણે રાજીનામું આપી દીધું હતું.

આવો પ્રભાવ હતો ગાંધીનો. આવી ભાવના હતી-વીરોધીઓમાં પણ.

૪. ૧૯૪૨ની ક્રાંતીમાં કાંઠા વીભાગનું યોગદાન

કોઈ પણ પ્રજા માટે સ્વરાજ્ય આવશ્યક અને અનીવાર્ય છે. દુનીયામાં કોઈ પણ પ્રજાની સહનશક્તીને એક હદ હોય છે. એક મર્યાદા હોય છે. દમનનીતી જ્યારે એ મર્યાદા ઓળંગી જાય છે ત્યારે પ્રજા બળવો કરે છે. વીફરે છે. અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થવા માટે દેશમાં અગાઉ આંદોલનો થયાં જ હતાં. મહાસભાના રાષ્ટ્રવાદીઓના મનમાં અંગ્રેજ સરકારની દમનનીતી સામે, કુટનીતી સામે રોષ ભભુકતો જ હતો. હીંદ છોડોના લલકારે બ્રીટીશ સામ્રાજ્યનાં ગાત્રો ઢીલાં કરી નાખ્યાં હતાં. પ્રજાનો ઠસ્સો અને જુસ્સો અદ્ભુત હતો. આપણા પ્રદેશમાં, ખાસ કરીને આપણા કાંઠાવીભાગમાં એનો પ્રતીઘોષ એવો પડ્યો કે આઝાદીની લડતની હવામાં નવો પ્રાણ ફુંકાયો. નવચેતનાનો સંચાર થયો. વળી જ્યારથી ગાંધીજીએ દાંડીમાં નમક સત્યાગ્રહનો યજ્ઞ માંડ્યો ત્યારથી તો આ વીભાગની પ્રજામાં ગજબની જાગૃતી આવી. મેઘાણીભાઈએ ગાયું છે ને-

તારા નામમાં ઓ સ્વતંત્રતા, મીઠી શી વત્સલતા ભરી,

મુડદાં મસાણોથી જાગતાં, એવી શબ્દમાં શી સુધા ભરી.

સ્વતંત્રતાનું નામ પડતાં મસાણનાં મુડદાં પણ જાગી જાય, બેઠાં થઈ જાય, એવી તાકાત, એવો જાદુ, એ શબ્દોમાં છે. ગાંધીના આગમનથી, ગાંધીવાણીથી એવો ઉત્સાહ પ્રગટ્યો હતો.

હીંદની મહાસભાએ ૧૯૪૨ના ઑગષ્ટની ૮મી તારીખે એક ખાસ સભા મુંબઈમાં ગોવાલીયા ટેન્ક મેદાન ખાતે બોલાવી હતી. આ સભાનું પ્રમુખસ્થાન મહાત્મા ગાંધીને આપવામાં આવ્યું હતું.

૮મી ઑગષ્ટનો એ દીવસ હીન્દુસ્તાનના આઝાદીના ઈતીહાસમાં ચીરસ્મરણીય રહેશે. તે દીવસે હીન્દુસ્તાનની ધરતીના અણુએ અણુમાં કોઈ અલૌકીક શક્તીનો સંચાર થઈ રહ્યો હતો. તે દીવસે સભાના અધ્યક્ષ તરીકે બીરાજેલા મહાત્મા ગાંધીના મુખેથી આ શબ્દો બોલાયા હતા ઃ “QUIT INDIA!” “ભારત છોડો!અને સદીઓથી ગુ્લામીની જંજીરોમાં જકડાયેલી હીન્દુસ્તાનની રાંક પ્રજામાં વીદ્યુત ચમકાર થયો. ગોવાલીયા ટેંકના મેદાનમાં હાજર રહેલ માનવમેદનીના હૃદયમાં રાષ્ટ્રાભીમાનની ભાવનાનો પ્રતીઘોષ થયો. આ ઠરાવના અમલની સંપુર્ણ જવાબદારી ગાંધીજીને સોંપવમાં આવી હતી. ગાંધીજીએ પોતાના પ્રવચનમાં હીંદની પ્રજાને હાકલ કરી ઃ “Do or die.” “કરેંગે યા મરેંગે.આ પાર કે પેલે પાર. તે માટે જે કરવું ઘટે તે કરવું. પણ કોઈની મીલકતને કે જીવનને હાની ન પહોંચાડવી, હીંસા ન કરવી.

ક્વીટ ઈન્ડીયાના ઠરાવ પછી સરકારે પણ બધી તૈયારી કરી લીધી. હીંદી મહાસભા અને કોંગ્રેસ કારોબારીના તમામ સભ્યોને રાતોરાત જેલભેગા કરી દીધા. જયપ્રકાશ નારાયણ, રામમનોહર લોહીયા, અચ્યુત પટવર્ધન અને અરુણા અસફઅલી જેવા સમાજવાદી આગેવાનો ભુગર્ભમાં ચાલ્યા ગયા હતા. ત્યાંથી તેઓ દોરવણી આપતા હતા. પણ કોંગ્રેસના પ્રથમ હરોળના બધા આગેવાનો જેલમાં હતા. સરકાર એવું માનતી હતી કે આવી રીતે છાપો મારીને એણે આંદોલનની હવા કાઢી નાખી છે. પણ એ એનો ભ્રમ હતો.

ગાંધીજી હરીજનબંધુ ચલાવતા હતા. ગાંધીજીની ધરપકડ પછી કીશોરલાલભાઈ એ ચલાવતા હતા. તેમાં તેમણે લોકોને માર્ગદર્શન આપતાં લખ્યુંઃ

હીન્દ છોડોની લડાઈમાં વાહનવ્યવહાર ખોરવી નાખવાની છુટ છે, પણ એથી કોઈની જાનહાની થવી ન જોઈએ. હડતાલ એ સારામાં સારો ઉપાય છે. પણ એમાં સફળતા ન મળે તો તાર-ટેલીફોનનાં દોરડાં કાપવાં, વીજળીના થાંભલા ઉખેડી નાખવા, રેલ્વેના પાટા ઉખેડી નાખવા એ બધું થઈ શકે. પણ એ બધું કોઈની જાનહાની ન થાય એ રીતે થઈ શકે….

બસ, લોકોને ગાઈડલાઈન મળી ગઈ. સૌએ પોતપોતાની રીતે એનું અર્થઘટન કર્યું.

આઝાદીની આ જ્યોતને જલતી રાખવા માટે મુંબઈમાં વીઠ્ઠલભાઈ પટેલ રોડ પર રુપીયા દોઢ લાખના ખર્ચે એક અદ્યતન આઝાદ હીન્દ રેડીયો સ્ટેશનસ્થાપવામાં આવ્યું હતું. આ રેડીયો સ્ટેશન પરથી હીન્દુસ્તાનનાં ૨૫ જેટલાં મોટાં શહેરોમાં પ્રસારણ થતું હતું. હીન્દના સ્વરાજ્યના સંદર્ભમાં શું શું બની રહ્યું છે તે સમાચારો આ રેડીયો મથકેથી પ્રસારીત થતા હતા. તેનું સંચાલન એક બહેન કરતાં હતાં-ઉષાબહેન મહેતા. તેઓ એમ.એ. થયેલાં હતાં. રાષ્ટ્રીય રંગે રંગાયેલાં હતાં. તેમના બે ભાઈઓ પણ આ લડતમાં જોડાયેલા હતા. મોટાભાઈ ચંદ્રકાંતભાઈ તો કૉલેજમાં પ્રોફેસર હતા. બીજા ભાઈ મૅડીકલમાં અભ્યાસ કરતા હતા. પીતા રીટાયર્ડ જજ હતા. આ ત્રણે સંતાનો લડતમાં જોડાય તો એમનું પેન્શન બંધ થાય. એટલે પીતાનો સખત વીરોધ હતો. છતાં આ ત્રણે ભાઈબહેનોએ પીતાની ઈચ્છા વીરુદ્ધ લડતમાં ઝંપલાવ્યું હતું.

પોલીસોએ આ રેડીયો સ્ટેશનને ઝડપી પાડવા આકાશ પાતાળ એક કર્યાં. એને પકડી પાડનારને મોટું ઈનામ આપવાની જાહેરાત કરી. પણ તેમાં સફળતા ન મળી.

અંતે એક દીવસ રેડીયો યંત્ર તૈયાર કરનાર ભાઈ પકડાયો. તેણે ઈનામની લાલચ હોય કે પોલીસનો ત્રાસ હોય, પણ દગો દીધો. પોલીસને રેડીયોમથક પર લઈ ગયો, ને ઉષાબેન તથા બીજાઓને પકડાવી દીધા.

ઉષાબેન અને એની જોડે પકડાયેલાઓને પોલીસથાણે લઈ ગયા. ત્યાં ખુબ ત્રાસ આપ્યો. મારી મારીને અધમુઆ કરી નાખ્યા. દીવસો સુધી આ રંજાડ ચાલ્યા કરી. તેને લીધે ઉષાબેન જીવ્યાં ત્યાં સુધી કશો અનાજનો ખોરાક લઈ શકતાં નહીં. આમ છતાં એ લોકોએ પોલીસને કશી માહીતી આપી નહીં. સરકારે એમની ઉપર રાજદ્રોહ અને સરકારને ઉથલાવી નાખવાનું કાવતરું કરવાનો ગુનો દાખલ કર્યો. કોર્ટમાં કેસ ચાલ્યો. પેલા રેડીયોમથક તૈયાર કરનારે સરકારી સાક્ષી તરીકે બધી વીગતો આપી દીધી. ઉષાબેને પોતાનો બચાવ ન કર્યો. ન્યાયાધીશે ચુકાદો આપતાં ઉષાબેનની હીંમતનાં વખાણ કર્યાં અને ચાર વર્ષની સજા ફટકારી.

હીન્દ છોડોની લડત કેવી હતી તેનો ખ્યાલ નીચેની વીગતો પરથી આવશે ઃ

લડત દરમીયાન પોલીસે ૬૦૧ વખત ગોળીબાર કર્યો. તેમાં ૧,૯૦૧ માણસો મૃત્યુ પામ્યા અને ૩,૦૬૪ ગંભીર રીતે ઘવાયા. લોકોએ પોલીસ ચોકીઓ અને સરકારી કચેરીઓ પર હુમલા કર્યા તેમાં ૧,૦૩૧ લોકો મર્યા અને ૨,૯૩૪ ઘવાયા. ૧,૩૬૮ જણે રાજીનામા આપ્યાં. ૨૦૮ પોલીસ ચોકી પર હુમલા થયા. ૭૪૯ સરકારી કચેરીઓ કબજે કરી. ૬૬૪ બોમ્બ વીસ્ફોટ થયા. ૧,૩૬૯ બોમ્બ ફાટે તે પહેલાં જ પોલીસોએ કબજે કર્યા. સરકારે ૯૦ લાખ રુપીયાનો દંડ વસુલ કર્યો. ૯૧,૮૩૬ સત્યાગ્રહીઓ પકડ્યા. ૨,૫૬૨ને ચાબુકના ફટકાની સજા કરવામાં આવી. ૩૩૨ રેલ્વે સ્ટેશનોનો નાશ કર્યો. પાટા ઉખેડવાના ૪૧૧ બનાવો બન્યા. ૬૬ ગંભીર અકસ્માતો થયા. ૯૪૫ ટપાલકચેરીઓનો નાશ કર્યો. ટેલીફોનનાં દોરડાં કાપવાના ૧૨,૨૮૬ બનાવો બન્યા. ૬૮ વખત લશ્કરે ગોળીબાર કર્યા, જેને કારણે ૨૩૮ સત્યાગ્રહીઓ મૃત્યુ પામ્યા.

હીન્દ છોડોની લડાઈ લોકોએ આપમેળે ચલાવી હતી. ૧૯૪૭ની ૧૫મી ઑગષ્ટે એનો અંત આવ્યો. (હીન્દ છોડો લડતમાંથી)

મુંબઈની હાકલ મટવાડમાં

૧૯૪૨ની ક્રાંતી દરમીયાન કાંઠા વીભાગમાં જે ઘટનાઓ બની છે તેની નોંધ લેવાવી જોઈએ તે રીતે લેવાઈ નથી, એ એક અફસોસની વાત છે. સ્વરાજ્ય માટે જેમણે સક્રીય ભાગ લીધો હતો તેની કદર નથી રાજ્ય સરકારે કરી, નથી કેન્દ્ર સરકારે કરી. જેમણે લડતમાં ઝંપલાવ્યું હતું એેમણે કોઈ સ્વાર્થની

ભાવનાથી નહોતું ઝંપલાવ્યું. પણ સ્વેચ્છાએ માભોમની મુક્તીના યજ્ઞમાં આહુતી આપવા કટીબદ્ધ થયા હતા. સ્વરાજ્યના યજ્ઞમાં સ્વને હોમી દેવાનાં સ્વપ્નો સેવતા હતા. કર્મયોગે પુર્ણાનો ઉત્તર કાંઠો અને નવસારી શહેર ગાયકવાડી હકુમત હેઠળ હતાં. બ્રીટીશ સામ્રાજ્યની આણ ત્યાં નહોતી.

આ લડતના સમયમાં જલાલપુર તાલુકાનાં કાંઠાનાં ગામોમાં વીશેષ જાગૃતી હતી. અનેક પ્રવૃત્તીઓ ચાલતી હતી. સરઘસો નીકળતાં હતાં. સભાઓ થતી હતી. તેમાં ભારત વીદ્યાલય કરાડીના વીદ્યાર્થીઓ અને તેના શીક્ષકો હંમેશાં મોખરે રહેતા હતા.

૧૯૩૦માં ગાંધીજી નમક સત્યાગ્રહ માટે આવેલા ત્યારે દાંડી અને કરાડીના નીવાસ દરમીયાન આજુબાજુનાં તમામ ગામડાંઓમાં અને શહેરોમાં ફરેલા. લોકોને મળેલા. એને કારણે ગાંધી સહુને પોતાના લાગતા. ગાંધીએ સ્વદેશાભીમાન જાગૃત કરી દીધું હતું. કાંઠાની પ્રજામાં સ્વરાજ્ય માટે કુરબાન થવાની ભાવના પ્રવર્તતી હતી.

૧૯૪૨ના ઑગષ્ટની ૧૯મી તારીખે ભારત વીદ્યાલય કરાડીથી એક પ્રભાતફેરી નીકળી. મટવાડના ઉતારા પાસે પહોંચી. પોલીસો ધુઆંપુઆં થઈ ગયા. સરઘસને અટકાવ્યું. અકારણ અચાનક લાઠીમાર શરુ કરી દીધો. કોઈના માથાં પર તો કોઈના શરીર પર માર પડ્યો. હાથપગ ભાંગ્યા. બનાવથી લોકોનો પીત્તો ગયો.

મેં (દયાળભાઈ કેસરીએ) કાંઠાના વીશાળ વડલા સમા આચાર્ય મણીભાઈને એવું સુચન કર્યું કે આ અન્યાય અને અપમાન સાંખી ન લેવાય. એનો પ્રતીકાર થવો જોઈએ. તેના અનુસંધાનમાં ૨૨મી ઑગષ્ટે મટવાડના આઝાદ મેદાન ખાતે એક જંગી જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું. આ સભામાં કાંઠાનાં ગામેગામથી બધા આવે એવું નક્કી કરવામાં આવ્યું હતું. બોદાલી, મછાડ અને કરાડી ભેગાં થઈને પુર્વ બાજુથી આવે. દાંડી, સામાપોર અને મટવાડ પશ્ચીમ બાજુથી આવે. પેથાણ, કોથમડી સીધા જ આવે. ઓંજલ, આટ અને આવડાફળીયા સીધા આઝાદ મેદાન ખાતે આવી પહોંચે એમ નક્કી થયું હતું. તે પ્રમાણે બધા આવ્યા. આવેલ ગ્રામજનોને શ્રી મગનભાઈ છીબાભાઈ, શ્રી પરસોત્તમભાઈ હીરાભાઈ અને શ્રી મનુભાઈ પાઠકે સંબોધન કર્યું હતું અને માર્ગદર્શન આપ્યું હતું. આ સરઘસને મટવાડની પોલીસચોકીએ ન લઈ જવું. વીનયપુર્વક બધા વીખરાઈ જાય અને પોતપોતાને ગામ ચાલ્યા જાય, એવું નક્કી કરવામાં આવ્યું હતું. તે પ્રમાણે દાંડી, સામાપોર અને મટવાડના ભાઈઓવાળું સરઘસ ઉતારા પાસેની મટવાડની નાળમાંથી પસાર થતું હતું. ત્યાં અચાનક પોલીસો ધસી આવ્યા. પોલીસોના આગેવાન જમાદાર મુસ્તફાને શ્રી છીમાભાઈ દુભાભાઈ, ઉંકાભાઈ રણછોડભાઈ અને ઉંકાભાઈ પાંચાભાઈએ નમ્રતાપુર્વક કહ્યું કે મહેરબાની કરીને લાઠીમાર કરશો નહીં. અમે બધાને સમજાવીને પાછા વાળીએ છીએ. પરંતુ પોલીસે વીનંતી માન્ય ન રાખી. આવેશમાં આ ત્રણે આગેવાનો પર લાઠીના ફટકા શરુ કરી દીધા. નજીકમાં ઉભેલા યુવાનો આ સહન ન કરી શક્યા. મેં (દયાળભાઈ કેસરી) અને રામભાઈ ઉંકાભાઈએ પોલીસો પાસેથી લાઠી ઝુંટવી લીધી. અને અમે તેમને ભોંયભેગા કરી દીધા. વીફરેલ ટોળાએ પોલીસો પાસેથી લાઠી-બંદુક ઝુંટવી લીધી. જોતજોતામાં ઝપાઝપી, મારામારી શરુ થઈ ગઈ. એક બાજુ હથીયાધારી પોલીસો, બીજી બાજુ નીઃશસ્ત્ર લોકો. ઝપાઝપી દરમીયાન ત્રણ પોલીસો પાસેથી તેમની બંદુક ઝુંટવી લેવામાં આવી. એ દરમીયાન રામુ સદાશીવ નામનો ચોથો પોલીસ પોતાની બંદુક લઈને વડની ઓથે સંતાઈ ગયો. ત્યાંથી ગોળીબાર કરવા લાગ્યો. ૨૮ ગોળીબાર કર્યા, તેનાથી ૨૧ માણસોને ઈજા પહોંચી. ૧૦ જણ ગંભીર રીતે ઘવાયા. ૩ જણાને તાત્કાલીક હોસ્પીટલ ભેગા કરવા પડ્યા. જેઓ પછીથી મૃત્યુ પામ્યા. કરાડીના મોરારભાઈ પાંચીયાબાઈ (૪૫ વર્ષ), રણછોડભાઈ લાલાભાઈ (૨૨ વર્ષ) અને મોખલા ફળીયાના મગનભાઈ ધનજીભાઈ (૧૬ વર્ષ).

આ જંગમાં મટવાડના રણછોડભાઈ લાલીયા, સામાપુરના મંગાભાઈ ગોવીંદજી, કરાડીના ભીખુભાઈ ટેલર, મછાડના ભવનભાઈ છીકાભાઈ અને પ્રેમાભાઈ છીકાભાઈને ગંભીર ઈજાઓ થયેલી. કરાડીના રામાભાઈ ઉંકાભાઈ અને મને (મટવાડના દયાળભાઈ કેસરીને) પણ ઈજાઓ થયેલી. મારા હાથ પર આજે પણ તે નીશાની છે.

પોલીસોના હાથમાંથી ઝુંટવી લીધેલી એક બંદુક બોરીફળીયેનાં વાલીબેન પરસોતના હાથમાં આવી પડી ત્યારે તેઓ સીંહણની જેમ ઘુરક્યાં હતાં. એમની નસોમાં કાંઠાનું લોહી ધબકતું હતું. છતાં સમતુલા જાળવી રાખી હતી.

પોલીસોના આ હીચકારા વર્તનથી ટોળાનો જુસ્સો અને ગુસ્સો એટલો તાને ચડ્યો કે એમની જ લાઠીઓ ઝુંટવી લઈને એમને માર્યા હતા. લાલાભાઈ છીબાભાઈ અને ગોસાંઈભાઈ સુખાભાઈએ કોઈ કસર બાકી નોતી રાખી.

આ જંગમાં એક પોલીસનું પણ મરણ થયું હતું. ઘાયલ થયેલ એક પોલીસનો હાથ કાપી નાખવો પડ્યો હતો. એક પોલીસ માનસીક સમતુલા ગુમાવી બેઠો હતો. કાંઠામાં ખેલાયેલ આ જંગે સરકારને પડકાર આપ્યો હતો. સત્તા સામેના આ ધમસાણે કાંઠાના પાણીનો પરચો બતાવ્યો હતો.

ઘાયેલ થયેલ સૌને સ્થાનીક ડૉક્ટરની સારવાર આપવામાં આવી હતી. ગંભીર ઈજા પામેલાઓને નવસારી હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઘાયલોને નવસારી હોસ્પીટલમાં લઈ જતી વેળા કરાડી-મટવાડના કેટલાકની ધરપકડ કરવામાં આવી હતી. જે ત્રણ જણ શહીદ થઈ ગયા હતા તેમના પ્રત્યે નવસારીના પ્રજાજનોએ, વેપારીવર્ગે ખુબ જ સહનુભુતી બતાવી હતી. તેમની ભવ્ય સ્મશાન યાત્રા જ્યારે નવસારીના રાજમાર્ગો પરથી પસાર થઈ ત્યારે લોકોએ ગજબની શીસ્ત જાળવી હતી. માનવમેદની સમાતી ન હતી. અગાશીઓ પરથી પુષ્પવૃષ્ટી થતી હતી. આ દૃશ્ય પ્રજાના હૃદયમાં ઉમટેલ સ્વયંભુ રાષ્ટ્રીય ગૌરવને તાદૃશ કરતું હતું. ધર્મના, જ્ઞાતીના, કોમકોમના ભેદો ભુલાઈ ગયા હતા. સૌ ભારતવાસી એકની ભાવનાનાં દર્શન થતાં હતાં. વેરાવળની સ્મશાન ભુમીમાં અગ્નીસંસ્કાર કરવામાં આવ્યો ત્યારે અગ્નીની જ્વાળાઓમાંથી આઝાદીની ઘોષણા વ્યક્ત થતી હતી. જાણે કલકલ વહેતી ધીરગંભીર પુર્ણાનો જળપ્રવાહ પણ જંપી ગયો હતો.

નવસારીના મહાજને સ્વંયસેવકોને મદદરુપ થવા ડૉક્ટર ખંડુભાઈ દેસાઈના પ્રમુખપદે એક સમીતીની રચના કરી હતી. ઘાયલોની સારવાર માટે સુંદર ફાળો એકઠો કર્યો હતો. તે જમાનામાં આ ગાયકવાડી શહેર અગત્યનું શહેર ગણાતું. એની ઉદારતા, એનું સૌજન્ય પ્રસંશનીય ગણાતું. કાંઠા વીભાગનાં લોકો પર આવી પડેલી આ આપત્તીમાં સૌ સાથે હતાં.

તે જમાનામાં લોકોની આર્થીક પરીસ્થીતી નબળી હતી. કુટુંબો પર આવી પડેલી આ અણધારી આફતનો ખ્યાલ કરીને ન્યુઝીલેન્ડ નીવાસી કરાડીના ડાહ્યાભાઈ પ્રેમાભાઈ તથા મટવાડના ભાણાભાઈ હરીભાઈએ શહીદોનાં કુટુમ્બીજનોને સહયરુપ થવા ફાળો એકઠો કર્યો હતો. તે રકમ તેમણે પેથાણના એક ભાઈ મારફત મોકલાવી હતી. આચાર્ય મણીભાઈએ તે રકમ દયાળભાઈ કેસરી મારફતે શહીદોના કુટુમ્બીજનોને અપાવી હતી.

પોલીસોનો કાળો કેર

જંગ તો ખેલાઈ ગયો, પણ એનું ઝેર હવે પછી પ્રસરવાનું હતું. એક બાજુ સરઘસ વીખેરાઈ ગયું. બીજી બાજુ મટવાડના પોલીસથાણા પર બલુચી દળ ગોઠવાઈ ગયું. તે વખતે મટવાડનો પોલીસ પટેલ મોસમમીયા નામનો એક મુસલમાન હતો. તોરી, તુંડમીજાજી, સરકારનો ખાંધીયો. એ મગરુબીથી બોલતોઃ સાલ્લાઓ, સવરાજ લેવા નીકળી પડ્યા છે! ચકલીને દાંત આવશે, હથેળીમાં વાળ ઉગશે, ત્યારે સવરાજ મળશે!એને એવી કલ્પના જ નહીં કે હીન્દુસ્તાનને આઝાદી મળશે.

એ ગોઝારા દીવસની એક રાતે અનેક રાષ્ટ્રવાદીઓને ગીરફતાર કરવામાં આવ્યા હતા. મટવાડના કુંભારફળીયામાં રાત્રે બે વાગે છાપો મારી, બારણું તોડી, છીમાભાઈ દુભાભાઈને ગીરફ્તાર કરવામાં આવ્યા હતા. સગીર વયના એમના દીકરા છોટુભાઈને પણ ગીરફ્તાર કરવામાં આવ્યા હતા. કુંભાર ફળીયાના બીજા પણ અનેકને ગીરફ્તાર કરવામાં આવ્યા હતા. દોલા ફળીયા અને નીશાળ ફળીયામાંથી પણ અનેકને ગીરફ્તાર કરી ચોરા આગળ ભેગા કરવામાં આવ્યા હતા. મારો પત્તો ન મળતાં મારાં માતૃશ્રીને અસહ્ય માર મારવામાં આવ્યો હતો. નાનાં માટાં જે કોઈ હાથમાં આવે એને પકડી ઝુડવામાં આવતાં હતાં. વાઘને કોણ કહે કે તારું મોં ગંધાય. પોલીસોએ કાળો કેર વર્તાવ્યો હતો. મટવાડ પછી કરાડીમાં પ્રવેશ કર્યો. કરાડીમાંથી ૭૦ જેટલા રાષ્ટ્રવાદીઓની ધરપકડ કરવામાં આવી. જો કે પછીથી વૃદ્ધોને અને સગીર વયના છોકરાઓને છોડી મુકવામાં આવ્યા હતા. પોલીસોએ અત્યંત જુલમ કર્યો હતો. જે કોઈ મળી જાય એને મારતા. ઘરમાંથી જે કંઈ ગમી જાય તે ઉપાડી જતા. કોણ પુછે? જંગલનો કાયદો હતો. ત્રાસ એટલો અસહ્ય થઈ પડ્યો કે લોકો પોતાનાં ગામ છોડીને, ઘરબાર છોડીને, નાઠા. આસપાસનાં ગામોમાં આશરો લીધો. દાંડી-સામાપુરના લોકોએ દરીયા કીનારે પોતાનાં ખેતર, વાડાઓમાં જઈને આશરો લીધો. કેટલાક હોડીઓ લઈને સામે કાંઠે વાંસી-બોરસીમાં ભાગી ગયા. પોલીસોના ત્રાસથી લોકોમાં ભય વ્યાપી ગયો હતો. પોલીસ આવવાની જાણ થાય તે માટે સામાપુરમાં ચોરમલા પર ઝંડો ફરકાવવામાં આવતો. જેથી લોકો સલામત જગ્યાએ ભાગી જાય. મટવાડ-કરાડી ગામનાં લોકોએ આટ-ઓંજલ કે સામે કાંઠે આવેલાં ગાયકવાડી ગામ તવડી, દેલવાડા, ભીનાર વગેરેમાં આશરો લીધો હતો. બોદાલી-મછાડનાં લોકોએ પણ ગાયકવાડી ગામોમાં આશરો લીધો હતો.

કાંઠાવીભાગના આ રાષ્ટ્રવાદીઓને તવડીમાં ડાહ્યાભાઈ છીબાભાઈ, હીરાભાઈ ગોવીંદ, નારણભાઈ મોરાર, દેવાભાઈ હાંસજી, છીમાભાઈ રામા અને ડાહ્યાભાઈ કાનજીને ત્યાં આશરો મળ્યો હતો. દેલવાડા ગામમાં દયાળભાઈ હીરા, જગુભાઈ સુખા, જસમત જોગી, હરીભાઈ ડાહ્યા, ડાહ્યાભાઈ બુધીયા, છીમાભાઈ દાજી તથા જેરામભાઈ ગાંડાભાઈને ત્યાં આશરો મળ્યો હતો. કાદીપોરમાં કુંવરજી ગોપાળ, રવજી હીરા અને ભાણાભાઈ કેશવ તથા ધામણ ગામે ગોરધનભાઈ ભક્ત, માધવ માસ્તર, અને ધીરજ ગોરધનને ત્યાં, પેરામાં ખુશાલભાઈ માધવને ત્યાં, નાગધરામાં દયાનંદ સુખાભાઈને ત્યાં, અષ્ટગામ ભુલાફળીયામાં દયાળભાઈ(સુખાભાઈ) નારણને ત્યાં આશરો મળ્યો હતો. સાગરા, ભીનાર, નીમળાઈ, કરાંખટ વગેરે ગામોએ પણ આશરો આપ્યો હતો. આ રીતે આશરો આપવા પાછળ એમનો એક જ હેતુ હતો, સ્વરાજની જ્યોતને જ્વલંત રાખવી, એવું કામ કરનારાઓને ટેકો આપવો. એમ કરીને તેઓ પોતાની રાષ્ટ્રભક્તી પ્રગટ કરતા હતા.

પોલીસોએ પોતાની સલામતી અને સુરક્ષા માટે બલુચી દળ ગોઠવી દીધું હતું. આ બલુચી પોલીસોએ કાળો કેર વર્તાવ્યો. લોકોના ઘરમાં ઘુસી જઈને જે કંઈ મળ્યું તે લુંટી ગયા. મટવાડ વીદ્યાર્થી મંડળના પુસ્તકાલયમાંથી પુસ્તકો, કબાટ, ખુરશી, ટેબલ વગેરે બાળી મુક્યું હતું.

જે રાષ્ટ્રવાદીઓ પકડાયા નહોતા તેમનાં માબાપને કે ભાઈબહેનોને હેરાનપરેશાન કરવામાં આવતાં હતાં. કરાડીમાં જેકભાઈ ન પકડાતાં એમના પીતાને પકડી ગયા હતા. મટવાડમાં પી.સી. (પરભુભાઈ છીબા) ન પકડાતાં એમના મામાને પકડી ગયા હતા. કરાડીમાં જેરામભાઈ રવજી ન પકડાતાં એમના સાળા નારણભાઈ ભાણાને પકડવામાં આવેલા. બોદાલીમાં પરસોતભાઈ હીરાભાઈ ન પકડાતાં એમના સાળાઓને જેલભેગા કરવામાં આવેલા. જે લોકો આશરો આપતા એમની ધરપકડ થતી. કાયદાકાનુન જેવું કંઈ હતું જ નહીં. જંગલરાજ. પોલીસો કહે-કરે તે કાયદો. લોકોને ત્રાસ આપવો, હેરાનપરેશાન કરવાં તે એમનો ધર્મ. નીતીનીયમો એમણે ગજવામાં ઘાલ્યા.

કરાડી-મટવાડના ત્રણ ભાઈઓ ઈસ્ટ આફ્રીકાની સફરે જઈ રહ્યા હતા. ત્યારે એમને મુંબઈ બંદરે પકડી પાસપોર્ટ જપ્ત કરવામાં આવ્યા હતા. પુરાવા સીવાય ગીરફ્તાર કરી જેલભેગા કરી દીધા હતા. આમાં કરાડીના નાનાભાઈ મકનભાઈ, તથા મટવાડના મંગાભાઈ સુખાભાઈ અને રામજીભાઈ સુખાભાઈ મુખ્ય હતા. સરકારની આવી મેલી રમતને કારણે આ ભાઈઓનો આફ્રીકાનો કાયમી હક ઝુંટવાઈ ગયો હતો.

સામાપોરના કેટલાંક કુટુંબો માછલાં વેચી પોતાનું ગુજરાન ચલાવતાં. માછલાં વેચવા માટે બહેનોને મટવાડની પોલીસ ચોકી પાસેથી જ પસાર થવું પડતું. ત્યારે પોલીસો બહેનો પાસેથી પરાણે માછલાં લઈ લેતા. મટવાડના પરસોતમભાઈ હીરાભાઈ જેલમાંથી છુટીને આવ્યા ત્યારે તેમણે માછલાં વેચનારી બહેઓ પ્રત્યે સહાનુભુતી બતાવી, સાથે આવવાની હીંમત બતાવી, ત્યારે પોલીસોએ તેમને તમાચો મારી તેમની ટોપી ઉડાડી હાંસી કરેલી. પરસોતમભાઈએ પોલીસના અધીકારીને રુબરુ મળીને નામ-નંબર સાથે સુરતના ડી.એસ.પી.ને અરજી કરેલી. એટલે ડી.એસ.પી.એ એ પોલીસને બરતરફ કર્યો હતો. ફરીથી કોઈ આવું કરશે નહીં તેની ખાતરી આપી હતી.

સ્વાતંત્ર્ય સંગ્રામની લડત દરમીયાન કાંઠાની પ્રજા પર જે જુલમ ગુજારવામાં આવ્યો હતો તેવો જ જુલમ બંગાળ, બીહાર અને ઓરીસ્સામાં પણ ગુજારવામાં આવ્યો હતો. તેમની ઘરવખરી લુંટી લીધી હતી. અનાજ અને ખોરાકની વસ્તુઓ લુંટી લીધી હતી. પરીણામે ત્યાં ભુખમરો સર્જાયો હતો. ૩૫ લાખ લોકો ભુખમરામાં ભરખાઈ ગયાં હતાં. બ્રીટીશ સામ્રાજ્યની સરકારે માનવતાનું દેવાળું કાઢ્યું હતું.

નાગરીકોના અવાજને કોઈ સ્થાન ન હતું. પોલીસોના વર્તન સામે પ્રજા લાચાર હતી. પોલીસો બેફામ બનતા જતા હતા. પોલીસ જેમને ગીરફતાર કરતી તેમને નવસારી જેલમાં રાખવામાં આવતા. ૧૫-૨૦ દીવસ પછી સુરત જેલમાં ખસેડવામાં આવતા. ત્યાંથી નડીયાદ સબ જેલમાં લઈ જવામાં આવતા.

જે રાષ્ટ્રવાદીઓ નાસતા ફરતા હતા તેઓ કરાડી કે દેલવાડાની સીમમાં રહેતા હતા. તેમને ગીરફતાર કરવા માટે પોલીસો ઘણી વાર ગાયકવાડી પોલીસોનો પણ સહારો લેતા હતા. પરસોત્તમભાઈ હીરાની ગીરફતારી એમના સાસરે બોદાલીથી કરવામાં આવી હતી. પોલીસના પંજામાં ન સપડાવા માટે તેમણે માળ પરથી કુદકો માર્યો હતો. પણ ઈજા થવાને કારણે પકડાઈ ગયા હતા. એ જ સમયે મગન ટારઝનને પણ પકડી લીધો હતો.

૫. કેટલાંક સાહસીક સંસ્મરણો

૧૯૪૨ ની ક્રાંતી દરમીયાન કેટલાક બનાવો બનેલા. સરકારની વીરુદ્ધમાં એ બનાવો હતા. તેના ઉપરથી ખ્યાલ આવશે. લોકો પરદેશી શાસનને કેટલું ધીક્કારતા હતા!

સાગરાનો રેલ્વે પુલ ઉડાવવાનો પ્રયાસ

બ્રીટીશ શાસનને છીન્નભીન્ન કરી નાખવું, રફેદફે કરી નાખવું, તે માટેના પ્રયત્નો થતા હતા. આયોજનો થતાં હતાં. તેમાં એક વાર નવસારી અને મરોલી વચ્ચે આવેલ સાગરાનો પુલ ઉડાવી દેવાનું નક્કી કર્યું. તેમાં તવડીના ચાર ભાઈઓ, કાદીપોરના ચાર ભાઈઓ અને દેલવાડા, કરાડી, મટવાડના યુવાનો પણ હતા. પી.સી. પટેલે મુંબઈના એક કોન્ટ્રાક્ટર પાસેથી દારુગોળો મેળવ્યો હતો. આ દારુગોળો રાત્રે મરોલી સ્ટેશને ઉતારવામાં આવ્યો હતો. ત્યાંથી દેલવાડાના ભાઈઓ બળદગાડામાં લઈ ગયેલા. આ કાર્યક્રમમાં જોડાયેલ ભાઈઓને દારુગોળાના ઉપયોગ વીષેનું જ્ઞાન અને અનુભવ ઓછો હતો. પુલના થાંભલાની મજબુતાઈ વીશે પણ પુરો ખ્યાલ નહોતો. એટલે રાત્રે પુલના કોંક્રીટને તોડતાં ઠીક ઠીક સમય લાગેલો. અંતે જ્યારે દારુગોળો મુકી સળગાવવામાં આવેલો ત્યારે પ્રચંડ ધડાકો થયેલો. જેનો અવાજ માઈલો સુધી સંભળાયેલો. પરંતુ સફળતા નહોતી મળી. અનુભવ અને આવડતની ખામીને કારણે પુલમાં નાનકડું ગાબડું જ પડ્યું હતું. પુલ તો સલામત હતો.

કનાઈ ખાડીના રેલ્વે પુલ પર બોમ્બ મુક્યો

સાગરાનો પુલ ઉડાવી દેવામાં મળેલી નીષ્ફળતા પછી એમ થયું કે હવે કનાઈ ખાડી પરનો રેલ્વે પુલ ઉડાવી દઈએ, જે નવસારી અને વેડછા વચ્ચે આવ્યો છે. આ વખતે વધુ ચોકસાઈ રાખી વ્યવસ્થીત આયોજન કર્યું. બે ટુકડી પાડી. એક ટુકડી નવસારીની, બીજી ટુકડી કાંઠા વીભાગની. બંને ટુકડી વચ્ચે સાંકેતીક ભાષામાં વાતચીત થતી. એક ટુકડી વંદેબોલે તો બીજી ટુકડી માતરમબોલે, એટલે ખબર પડી જતી કે એ આપણાવાળા જ છે. એક બીજો સંકેત પણ હતો. જો કોઈ અકલ્પ્ય સંજોગો ઉભા થાય તો ત્રણ વાર ટોર્ચનો પ્રકાશ કરવો, જેથી ખબર પડે કે એ આપણા જ સાથીદારો છે. નક્કી કરેલ સમયે કાંઠા વીભાગની ટુકડી કનાઈ ખાડીના પુલ નજીક પહોંચી ગઈ હતી. નવસારીની ટુકડી ત્યાં આવી નહોતી. તપાસ કરતાં ખબર પડી કે તે ટુકડી તો ખુબ સરસ રીતે તૈયાર થઈને આવી ગઈ છે. તેમની પાસે હથીયારો હતાં. બોંબ પણ તેમની પાસે જ હતો. બધાએ કાળો પોશાક પહેર્યો હતો અને બુકાની જેવું બાંધ્યું હતું. એક ટુકડી બોંબ મુકવા આગળ વધી. બીજી ટુકડી પુલને બંને છેડે ચોકી માટે ગોઠવાઈ ગઈ. કનાઈ ખાડીના પુલની રખેવાળી માટે બે રખેવાળો આંટાફેરા કરતા હતા. એ બંનેને પકડી લીધા. ખબરદાર કંઈ બોલ્યા તો…રામભાઈ ઉંકાભાઈએ ધા (ધારીયા જેવું હથીયાર) બતાવ્યું. ગભરાયેલા બીચ્ચારા રખેવાળોનાં કપડાં બગડી ગયાં….. ગાડી વેડછા સ્ટેશને આવી ચુકી હતી. જલદી જલદી બોંબ ગોઠવી દીધો. જામગીરી ચાંપી દીધી. ભયંકર વીસ્ફોટ થયો. બોંબ મુકનાર ભાઈઓ તો રેસના ઘોડાની જેમ ભાગ્યા. હમણાં ગાડી આવશે ને હમણાં ફુરચા ઉડી જશે એમ થતું હતું, પણ કંઈ જ ન થયું. પુલ અડીખમ ઉભો હતો. ગાડી સડસડાટ કરતી નીકળી ગઈ.

સરકારી ચોરા બાળવાનો કાર્યક્રમ

કાંઠાવીભાગમાં સરકારી ચોરાઓને આગ ચાંપી બાળી નાખવાનું કામ હાથ ધરવામાં આવ્યું. તે માટે કાર્યક્રમ ઘડી ટુકડીઓ પાડી. બોદાલી, મછાડ, કોથમડી, દાંડી, આટ વગેરે ગામોના સરકારી ચોરા બાળવાની પ્રવૃત્તીમાં એક અવરોધ હતો. દરેક ગામમાં સેવાભાવી ચોકીદારો રહેતા. રાત્રીના સમયે આ ચોકીદારો ગામલોકોની અને ગામડાંની મીલકતની રક્ષા કરતા. ગામડાંના લોકો પગાર આપે કે ન આપે તેની દરકાર કર્યા વીના સેવા કરતા. એટલે ગામલોકોને એમને માટે લાગણી. તેથી આ કામમાં ધારી સફળતા ન મળી. ઉતારા પ્રવૃત્તીમાં ગામલોકો જાગી જતા ત્યારે રાષ્ટ્રવાદીઓને જીવ લઈને ભાગવું પડતું, કારણ કે જો પકડાઈ જાય તો સરકાર જીવતા છોડે એમ નહોતી. એટલે સરકારી ચોરા બાળવાની પ્રવૃત્તીમાં સફળતા નહોતી મળી.

કપાસની હોળી કરી

૧૯૨૮ની સાલમાં ખેડુતોનું જીવન કેવું કપરું છે તેનો ખ્યાલ કર્યા વીના સરકારે જમીનનું મહેસુલ વધારી દીધું. ખેડુતો મુશ્કેલીમાં મુકાઈ ગયા. બારડોલીના ખેડુતોએ સત્યાગ્રહ કર્યો. સત્યાગ્રહની નેતાગીરી વલ્લભભાઈએ લીધી. લાંબી લડતને અંતે વીજય થતાં લોકો તરફથી વલ્લભભાઈને સરદારનો ગૌરવભર્યો ખીતાબ મળ્યો.

સત્યાગ્રહ દરમીયાન ખેડુતો જે થોડોઘણો કપાસ પકવી શક્યા હતા તે એક જીનમાં સોંપી દઈ વળતરની રાહ જોઈ બેઠા હતા. તે વખતે એક મોટા કંપાઉન્ડનો કબજો સરકારે લઈ લીધો. ખેડુતોની આંતરડી કકળી ઉઠી. વલ્લભભાઈનું હૃદય આક્રંદ કરી ઉઠ્યું. તેમણે કહ્યું આપણી મહેનતનો કપાસ સરકારે મફત પડાવી લીધો છે.

સત્યાગ્રહીઓની આ મેદનીમાં મટવાડના મંગાભાઈ સુખાભાઈ, કરાડીના રણછોડભાઈ લાલાભાઈ અને મકનભાઈ પરસોતભાઈ હાજર હતા. મફતમાં પડાવી લીધેલ કપાસના ઢગલાનો નાશ કરવાનો સંકલ્પ આ ત્રણે જણે લીધો. ત્રણે નવસારીના ડૉ. ખંડુભાઈને મળ્યા. વાત કરી. ડૉ. ખંડુભાઈ ખુબ રાજી થયા. મદદ કરવા તૈયાર થયા.

એમણે એક તરકીબ શોધી કાઢી. કપાસના ઢગલામાં ફોસ્ફરસ મુકી કપાસ બાળી મુકવાનો હતો. કામ કઠણ હતું. જાનનું જોખમ હતું. કાંટાળા તારની વાડ હતી. ચોવીસ કલાક પોલીસોનો પહેરો હતો. પકડાયા તો આવી જ બને. કાં ફાંસી, કાં કારાવાસ. છતાં આ ત્રણે વીરો કપાસને આગ ચાંપવા કૃતસંકલ્પ હતા.

ત્રણે વીરો સર્પની જેમ સરકતા સરકતા કંપાઉન્ડમાં દાખલ થયા. કપાસના ઢગલા પાસે પહોંચી ગયા. સુર્યનારયણનાં પ્રથમ કીરણો કઈ બાજુથી આવે છે તેનો ખ્યાલ કરીને ઢગલામાં ફોસ્ફરસ ભભરાવી દીધો. સર્પની જેમ સરકતા સરકતા પાછા આવતા રહ્યા. સુર્યનારાયણ હીંદના સ્વરાજ્યની જ્યોત જલતી રાખવા પોતાનો રથ હંકરતા હંકારતા ઉગમણી કોરે આવી રહ્યા હતા. સુર્ય નારાયણે પોતાનું પહેલું કીરણ ઝુંટવી લીધેલા કપાસના ઢગલા પર ફેંક્યું, અને જંગલમાં દવ લાગે તેમ ફોસ્ફરસ સળગી ઉઠ્યો. આંખના પલકારામાં બધું બળીને ખાખ થઈ ગયું. પોલીસો અને અધીકારીઓ ચકીત થઈ ગયા. આવું બને જ શી રીતે? તેમને માટે કોયડો કોયડો જ રહ્યો!

આ બાજુ ડૉ. ખંડુભાઈ દેસાઈ અને કાંઠાના ત્રણે રાષ્ટ્રવાદી યુવાનો મતૃભુમીની મુક્તી માટેના યજ્ઞમાં કંઈક કર્યાનો પરીતોષ લઈ રહ્યા હતા.

તાડના ઝાડ પર ત્રીરંગો ઝંડો ફરકાવ્યો

એક વાર દેલવાડા ગામની સીમમાં બેઠા હતા. ત્યારે મણીભાઈના મનમાં વીચાર આવ્યો. એમણે જેક સામે પ્રસ્તાવ મુક્યોઃ

મણીભાઈ જેક!

જેક બોલો મણીભાઈ? શું વાત છે?

મણીભાઈ બીજી ઓક્ટોબરે ગાંધી જયંતી છે.

જેક શું ઈચ્છા છે?

મણીભાઈ ભારત વીદ્યાલય કરાડીની નજીક

ત્રીરંગો ઝંડો ફરકાવવો જોઈએ.

જેક જરુર ફરકાવીએ. ઝંડો ક્યાંથી લાવીશું?

મણીભાઈ શાળામાં શીક્ષકોના ઓરડામાં મોટા

કબાટમાં બે મોટા ઝંડા છે. તાળાં તોડીને લાવવું પડશે.

જેક ભલે, જરુરથી લઈ આવીશ.

મણીભાઈ પણ આ વાત ગુપ્ત રાખજો.

જેકભાઈની જ્યોતમાં ઘી ઉમેરાયું. બન્ને જણ રાષ્ટ્રધ્વજના વીચારોને ફ્રીજમાં મુકી દે છે. મણીભાઈ વીષયાંતર કરતાં કહે છે-આવતી કાલે તવડી જવું છે. ડાહ્યાભાઈ કાનજીને ત્યાં.

બીજે દીવસે જેકભાઈ ખાડી ઓળંગી મણીભાઈને તવડી લઈ જાય છે. મણીભાઈને જોઈને ડાહ્યાભાઈ તો રાજી રાજી થઈ જાય છે. મણીભાઈને ભેટી પડે છે. પછી બંને વાતોમાં ખોવાઈ જાય છે. જેકભાઈ પાછા દેલવાડા આવે છે.

જેકભાઈનું મન તો ઝંડાના વીચારોમાં ચકરાવે ચડ્યું હતું. ક્યારે બીજી ઓક્ટોબર આવે ને ક્યારે ઝંડો ફરકાવીએ. મનમાં વીચારી લીધું કે જો નીચી જગ્યાએ ફરકાવીએ તો પોલીસો ઉતારી જાય. એને બદલે ઉંચામાં ઉંચી જગ્યાએ ફરકાવીએ તો પોલીસોનું ગજું નહીં.

દેલવાડા ગામમાં તપાસ કરી. કોઈ તાડ પર ચઢે એવો છે? અમારા ગામમાં તાડ પર તફડાં (તાડનાં ફળ) ખુબ આવ્યાં છે. તાડ પર ચઢનાર કોઈ મળે તો ગલેલી (તડફલાં) ખાવાની મજા આવે.

એક જણ મળ્યો ખરો. પુછ્યું તરસાડી (તાડનાં પાંદડાં) પાડવાનું શું લો છો?

પાંચ રુપીયા.

ઠીક, હું તને કહેવડાવીશ.

પણ પછી થયું કે જો કરાડીમાં જ કોઈ મળી જાય તો સારું.

બીજે દીવસે દેલવાડામાં હું-દયાળભાઈ કેસરી, જેરામભાઈ સુખાભાઈ, રામભાઈ ઉંકાભાઈ, નારણભાઈ ઉંકાભાઈ, પરસોત્તમ તલાટી અને ડી. એમ. વગેરે પધાર્યા હતા. જેકભાઈને જોઈને બધા રાજી રાજી થઈ ગયા. જેકભાઈના મગજમાં તો ત્રીરંગો ફરકતો હતો. એટલે હળવેકથી પુછ્યું દેલવાડામાં તાડ ઘણા છે. તાડ પર ચઢનાર કોઈ મળી જાય તો ગલેલી ખાવાની મજા આવે!

કરાડીવાળા નારણભાઈ બોલી ઉઠ્યા જેકભાઈ તમારે ગલેલી ખાવી હોય ત્યારે કહેજો ને!

નીશાન બરાબર વાગ્યું હતું.

નારણભાઈને ખાનગીમાં મળીને આખી યોજના સમજાવી, સુચવ્યું કે શાળાની નજીક હીરા છીબાના ખેતરમાં બે મોટા તાડ છે. તેની ઉપર ત્રીરંગો ઝંડો ફરકાવવાનો છે.

બીજી ઓક્ટોબર આવે તે પહેલાં દેલવાડામાં સોલંકી (જસમતભાઈ), ડી.ડી. ડાહ્યાભાઈ દયાળ અને ડાહ્યાભાઈ બુધીયાભાઈને આખી યોજના સમજાવી.

પહેલી ઓક્ટોબરે કરાડીના દયાળભાઈ સુખાને ઝંડા સહીત કરાડીના સ્મશાને આવી પહોંચવા કહ્યું હતું. કરાડીનું સ્મશાન એ રાષ્ટ્રવાદીઓનું મીલનસ્થળ હતું. નક્કી કરેલ રાત્રે મોટી ભરતી હતી. સામે પુર્ણા નદીનો વીશાળ પટ હતો. પાંચે પાક્કા તરવૈયા હતા. પુર્ણા નદીના ધસમસતા પ્રવાહમાં ઝંપલાવ્યું. તરતા તરતા કરાડીના સ્મશાને આવી પહોંચ્યા. થોડી વાર પછી દયાળભાઈ આવ્યા. જેકભાઈએ પુછ્યું ઝંડો લાવ્યો કે? એ કહે એક જગ્યાએ સંતાડી રાખ્યો હતો. મળતો નથી. જેકભાઈનો ગુસ્સો આસમાને પહોંચ્યો છે. પણ ગળી જાય છે. નારણભાઈ અને જેકભાઈ બંને શાળામાં જઈ તાળું તોડી ઝંડો લઈ આવે છે. હીરા છીબાના ખેતરે પહોંચે છે. નારણભાઈ તાડની નજીક જાય છે. પીઠ પર વાંસ અને ત્રીરંગો ઝંડો બાંધ્યો છે. ઝટપટ તાડ પર ચઢી જાય છે. દોરીથી ત્રીરંગો ઝંડો બાંધે છે. નીચે ઉભેલ મીત્રો રોમાંચ અનુભવે છે. જેકભાઈ મનોમન ગણગણે છે ઝંડા અજરઅમર રહેજે, વધવધ આકાશે જાજે. આકાશને અને ઝંડાને વંદન કરી રાત્રે બે વાગે પાછા દેલવાડા આવી જાય છે.

સવારે જેકભાઈ કરાડી જાય છે. ત્યારે મા હરખભેર સમાચાર આપે છે – “હીરા છીબાની વાડીમાં કોઈ ત્રીરંગો ઝંડો ફરકાવી ગયું છે. પોલીસો તેને શોધે છે!

માને ક્યાંથી ખબર કે એમના લોહીનો જ એ પ્રતાપ છે!

ખરો આનંદ તો પાંચાકાકાને થયો. કહેવા લાગ્યા – “છોકરાઓએ રંગ રાખ્યો.

બાતમીદારોના બેહાલ

પોલીસોના ત્રાસથી બચવા માટે અને સ્વરાજ્યની ચળવળને જ્વલંત રાખવા માટે કરાડી-મટવાડના મીત્રો દેલવાડા ગામમાં રહેતા હતા. દેલવાડા ગામનો સીમાડો રાટ્રવાદીઓનું આશ્રયસ્થાન હતું. કેટલાક રાટ્રવાદીઓ પર પોલીસખાતાનું વૉરંટ હતું. તેઓ ક્યાં છુપાયા છે? શું કરે છે? વગેરે બાતમી મેળવવા માટે મટવાડના પોલીસપટેલ મોસમમીયાં, એનો દીકરો લાલમીયા, આવડાફળીયાના દયાળ દીલી અને દુભા છાપી કેટલીક વાર દેલવાડા ગામની મુલાકાતે આવતા હતા. કેટલીક વાર તાડી લેવાને બહાને કે બળદ, ગાય કે ભેંસની શોધને બહાને આવી ચડતા હતા. મોસમમીયો તો બ્રીટીશ સરકારનો પાકો ખાંધીયો હતો. બાતમીદારનું કામ કરતો હતો. એ રાષ્ટ્રવાદીઓની દરેક પ્રવૃત્તીઓ પર, ગતીવીધીઓ પર ચાંપતી નજર રાખતો હતો. પણ રાષ્ટ્રવાદીઓ એની જાળમાં ફસાય જાય એવા કાચી માટીના નહોતા.

દુભા છાપીની હોડી

દેલવાડામાં રહેતા રાષ્ટ્રવાદીઓ કેટલીક વાર પોતાના કુટુંબીઓના ખબરઅંતર પુછવા ગામ જતા હતા. પોલીસના ત્રાસને કારણે કુટુંબીઓની ચીંતા કરતા હતા.

જેકભાઈને એમ થયું કે કુટુંબીઓને મળવા જાઉં. જેકભાઈ પ્રખર રાષ્ટ્રવાદી, અખાડીયન અને કુનેહબાજ. આઝાદીની કોઈ પણ ચળવળમાં એ હોય જ. સરકાર સામેની ભાંગફોડ પ્રવૃત્તીના એ પ્રણેતા હતા, પ્રાણ હતા.

એક વાર મટવાડના ચોરા પર બોંબ મુકવાનો વીચાર કર્યો. ચોરા પર તો પોલીસનો જમેલો હોય. પકડાઈ ગયા તો….. પણ એ જ તો જેકભાઈ. જેક જેનું નામ. પોતાના સ્વપ્નને સાકાર કરવા પુર્ણાને કીનારે આવ્યા. ભરતીના પાણીનો પ્રવાહ ધસમસતો હતો. વીચાર્યું કે થોડી રાહ જોઉં. મટવાડના ચોરાના ફુરચા ઉડાવવાના તરંગમાં તેઓ રાચતા હતા. એટલામાં દુભો છાપી પોતાની હોડી લઈને ત્યાં ભટકાણો. ક્યાં જવું છે?” જેકભાઈને પુછ્યું. ઘરે જવું છે, કુટુંબીઓને મળવા. જેકભાઈએ કહ્યું.

અને જેકભાઈ પુર્ણા નદી તરીને કરાડીને કાંઠે આવ્યા. ત્યાં અચાનક વેઠીયો મળ્યો. જેકભાઈ વેઠીયાની ગતીવીધી તો જાણતા જ હતા. લોહી ઉકળી ઉઠ્યું. જા, તારા બાપને કહી દેજે કે સીંહ આવ્યો છે. હીંમત હોય તો પકડે.

આવા જેકભાઈ!

કાંઠાનું લુણ. સામેથી પડકારે!

જેકભાઈ જાણતા જ હતા કે દુભો છાપી દુભો જ છે. દુભાયેલો છે. દુર્મતી છે. તાડી કે બીજાં કોઈ બહાનાં હેઠળ આવતો અને પોલીસોને બાતમી પુરી પાડતો હતો. દેલવાડાવાસીઓ પણ એની આ દુર્ભાવના ભરેલી ચાલ પામી ગયા હતા. દુભા છાપીએ સમાચાર પહોંચાડી દીધા. રાત્રે જેકભાઈના ઘરે દરોડો પાડ્યો. જેક ચકોર હતા. તેઓ રાત્રે જ મામાના ઘરે પહોંચી ગયા હતા જલાલપોર. ભાભીએ મોડી રાત્રે શાકરોટલા બનાવી જમાડ્યા હતા જેકભાઈને.

આ તરફ પોલીસોએ જેકભાઈના ઘરને ઘેરી લીધું. તપાસ કરી. જેકભાઈ મળ્યા નહીં. એટલે કુટુંબીઓ પર ખાર ઉતાર્યો. જેકભાઈના વૃદ્ધ પીતાને મારી મારીને પાડી નાખ્યા. ઘર સળગાવી મુકવાની ધમકી આપી. ધમાલને કારણે ઓટલા પર સુતેલી કેસલી ગાંડી જાગી ગઈ. ઘરમાં આવી ઘાસના ઢગલા પર બેસી ગઈ. વેઠીયાએ કહ્યું, “આનો કંઈ ભરોહો નંઈ.પોલીસો ગભરાયા. કેસલી ગાંડીને કારણે ઘર બચી ગયું. પણ જેકભાઈના પીતાને પકડી ગયા. આ તરફ જેકભાઈ જલાલપોર, તવડી થઈ દેલવાડાની બોડમાં પાછા આવી ગયા. બેચાર દીવસ પછી પાછા ગયા, ત્યારે ખબર પડી કે આવું બની ગયું. રુંવાડાં ઉભાં થઈ ગયાં. અંતરનો ઉભરો એમણે ડાહ્યાભાઈ બુધીયા સમક્ષ ઠાલવ્યો. ડાહ્યાભાઈ દેલવાડાની મોંઘી જણસ. રાષ્ટ્રવાદીઓના ભેરુ. રાષ્ટ્ર માટે તનમનધનથી ખુવાર થનાર. જેકભાઈએ તેમને કહ્યુંઃ આપણે એક કામ કરવાનું છે.

શું”?

આ દુભો છાપી સરકારનો ખાંધીયો છે.જેકે કહ્યું.

તે આજે ખબર પડી?” ડાહ્યાભાઈએ કહ્યું.

જેક એની હોડીને સ્વરાજ્યના યજ્ઞમાં હોમવાની છે.

ડાહ્યાભાઈઃ સાથે સાથે એને પણ હોમી દેવાની જરુર છે.

જેક મટવાડના બંદરે લંગારેલી હોડીઓમાંથી તમે એની

હોડીને ઓળખી શકશો?”

ડાહ્યાભાઈઃ હા, હા, ચોક્કસ.

જેક આજે અમાસ થઈ. બીજત્રીજની ભરતીનો લાભ

ઉઠાવીએ.

ડાહ્યાભાઈઃ આપણે એકબે જણને સાથે લેવાની જરુર પડશે.

જેક સોલંકી અને ડી. ડી.ને લઈ લઈએ.

ડાહ્યાભાઈઃ હું આજે જ એમને કહી દઉં.

જેક બે મોટા કુહાડા અને નરાજની પણ જરુર પડશે.

દુભા છાપીના લગનમાં રસોઈ કરવા માટે.

ડાહ્યાભાઈઃ લગ્નમાં આપણા ચાર સીવાય બીજા કોઈને

બોલાવવાની જરુર નથી.

જેક બેત્રણ દીવસ પહેલાં મારા ઘરે પોલીસ મોકલી ખુબ

ત્રાસ આપેલો. મારા પીતાને પકડી ગયેલા.

ડાહ્યાભાઈઃ આપણે હોડી માટે નારણભાઈને કહેવું પડશે.

નારણભાઈને વાત કરી. એણે કહ્યું – “જ્યારે જોઈએ ત્યારે લઈ જજોને.

નારણભાઈએ દુભા છાપીના લગનનું મુરત ગોઠવી કાઢ્યું. ત્રીજનાં પાણી રાત્રે બેના સુમારે આવે. ભરતી પણ મોટી. ચારે જણ હોંશે હોંશે હોડીમાં ગોઠવાયા. જેકભાઈએ સઢ ચઢાવ્યો. પવનવેગી હોડીએ કરાડીની ખાડીમાં પ્રવેશ કર્યો. રોયલી (લંગર) નાખી. ચાલતા ચાલતા મટવાડ બંદરે આવી પહોંચ્યા. ડાહ્યાભાઈએ દુભા છાપીની હોડી શોધી કાઢી. સોલંકીએ કહ્યું કે આમાં તો કેરોસીનના ખાલી ડબ્બા છે. તો તો એ ચોક્કસ નવસારી જવા રાત્રે આવવાનો જ. ખાલી ડબ્બાને પાણીમાં પધરાવી દીધા. સઢના ચીરા કરી પુર્ણામાને અર્ઘ્ય આપ્યો, ડાહ્યાભાઈએ અને જેકભાઈએ કુહાડાથી અને નરાજથી પલબાણ અને પાટીયાંને છુટાં કરી તરતાં મુકી દીધાં. જાય બધું તણાતું, ત્રીજની ભરતી, એટલે પુછવું જ શું? પછી પાછા પોતાની હોડીમાં આવ્યા. રોયલી ખેંચી. સઢ ચઢાવ્યો. કરાડીની કડ્ડી (કીનારો) છોડી દેલવાડાની ખાડીમાં આવી પહોંચ્યા. થાકને કારણે નીદ્રાદેવીને શરણે ગયા. પથારીમાં પડતાં ભેગા ઘસઘસાટ ઉંઘી ગયા.

નારણભાઈને ખબર ન પડી કે એની હોડી સ્વરાજ્યના યજ્ઞમાં પવીત્ર થઈને આવી ગઈ છે.

સવારે બધા જાગ્યા ત્યારે ડાહ્યાભાઈએ કહ્યું – “જેકભાઈ, દુભો છાપી હવે પછી દેલવાડાનું નામ તો શું, દેલવાડા તરફ માથું રાખીને સુશે પણ નહીં!

એ જ લાગનો હતો એ.જેકભાઈએ કહ્યું.

લાલમીયાંની લંગોટી

બ્રીટીશ તાજનો પોલીસ પટેલનો તોફો જેને મળ્યો હોય તેના મીજાજનું પુછવું જ શું? મોસમમીયાનું એવું હતું. રાષ્ટ્રવાદીઓની બાતમી મેળવવા તે તેના દીકરા લાલમીયાંનો ઉપયોગ કરતો. દીકરો બાપને આંટે તેવો હતો. રાષ્ટ્રવાદીઓનું પગેરું કાઢવા તે અવારનવાર દેલવાડા આવતો. બધા એનાથી ચેતતા રહેતા.

એક દીવસે અમે બધા હરીભાઈ સહીત ડાહ્યાભાઈ બુધીયાને ખેતરે બેઠા હતા. ત્યાં સોલંકીએ સમાચાર આપ્યા કે મોસમમીયાંનો કુંવર આવ્યો છે. સમાચાર સાંભળતાં જ ડાહ્યાભાઈનું લોહી ઉકળી ઉઠ્યું. સોલંકીને સાથે લઈ ડાહ્યાભાઈ ગામમાં આવ્યા. ડાહ્યાભાઈના મુખારવીંદ પરથી જેકભાઈ પામી ગયા-કંઈક બનવાનું છે.

દેલવાડા ગામમાં બળદ ખરીદવાને બહાને લાલમીયાં આવે તે વાત ડાહ્યાભાઈને ખટકતી હતી. ડાહ્યાભાઈ તો લાલમીયાંને પાઠ ભણાવવા પહોંચ્યા નદી કીનારે. મોસમમીયાંની દયા ખાઈને કોઈએ એને ચેતવી દીધો કે હમણાં જ ભાગ નહીંતર ગામના જુવાનીયા તારાં હાડકાં ખોખરાં કરી નાખશે. એટલે એ ભાગ્યો. નદી કીનારે આવી હોડીની વાટ જોવા લાગ્યો. હોડી આવી. ડાહ્યાભાઈએ હાથ ઉંચો કરીને હોડીવાળાને સંકેત કર્યો. હોડીવાળો હોડી કીનારે લઈ આવ્યો. તેમાં લાલમીયાં સહીત જેકભાઈ, ડાહ્યાભાઈ, ડી.ડી. અને સોલંકી પણ ગોઠવાઈ ગયા. ડાહ્યાભાઈએ કહ્યું કે અમને કરાડીની બ્રાહ્મણી (એક જગ્યા) પાસે ઉતારી દેવા. બ્રાહ્મણી જેવું પવીત્ર સ્થળ આવ્યું એટલે ચારેય ઉતર્યા. લાલમીયાંએ ઉતરવાની ના પાડી. એટલે ડાહ્યાભાઈએ આગ ઝરતી આંખે કહ્યુંઃ ઉતરે છે કે નહીં?” પછી એનું બાવડું પકડી ઉતારી દીધો.

બોલ, શું કામ આવેલો?”

હું તો….હું તો…..બળદ લેવા આવેલો.ગેં ગેં ફેં ફેં કરવા લાગ્યો.

સાચું બોલ, નહીં તો આ બ્રાહ્મણીમાં તારી કબર ચણી દઈશું. બળદ જોવા આવેલો કે કરાડી મટવાડના ભાઈઓની તપાસ કરવા આવેલો?” સોલંકીએ અને ડી.ડી.એ બરાબર ઠમઠોર્યો.

પછી તો ભાઈ……! શું ધ્રુજે? શું ધ્રુજે? ડાહ્યાભાઈ કહેઃ

બ્રીટીશરોનું કરાડી-મટવાડ નથી. ગાયકવાડનું દેલવાડા છે. સમજ્યો?”

જેકભાઈ કહેઃ ડાહ્યાભાઈ, તમે એને મારી ન નાખતા.

પછી એને પુર્ણા નદીના બે ફાંટા પડે છે ત્યાં એક ટાપુ પર લઈ જઈને, કપડાં કાઢી નાખીને, છોડી દીધેલો.

દેલવાડામાં દીવસો સુધી લાલમીયાંની લંગોટીની વાતો ચાલ્યા કરી. પછી ખબર પડી કે એ ચાલતો ચાલતો મછાડ ગયેલો. ત્યાંથી કોઈ મુસલમાનભાઈની પાસે કપડાં માગીને પછી મટવાડ ગયેલો. લોકો મોસમમીયાંનું ઝેરીયું (હોળીનું

ગીત) ગાતાઃ

મટવાડનો પટેલ મોસમમીયો રે,

મટવાડ ગામનો પટેલ મોસમમીયો,

હો ભાઈ તેનાં તો જુલમનાં ગીત ગવાય રે,

હો ભાઈ તેનાં તો જુલમનાં ગીત…..

લાઠી મરાવી ગોળીબાર કરાવ્યો રે,

લાઠી મરાવી ગોળીબાર કરાવ્યા,

હો ભાઈ તોયે ન ધરાયો એનો જીવ રે,

હો ભાઈ તોયે ન ધરાયો એનો જીવ રે

૬. રાજપીપળાથી નવસારી

અમારા પર વૉરંટ હોવાથી અમે રામભાઈ સાથે બે જણા છુપાતા ફરતા હતા. પોલીસથી છુપાવા માટેના સલામત સ્થળ અંગે વીચારતા હતા ત્યારે અમે રાજપીપળા કે જે તે સમયે દેશી રજવાડું હતું ત્યાં જવા નક્કી કર્યું. અમે ચાલતા તવડીથી કાદીપોર અને ધામણ થઈ મરોલી પહોંચ્યા. ત્યાંથી મળસ્કે ટ્રેનમાં અંકલેશ્વરથી ઝઘડીયા થઈ ધામણના ગોરધનભાઈએ રાજપીપળામાં પાંચેમ ગામે જમીન રાખી હતી ત્યાં પહોંચ્યા. જંગલમાં ઘણા ઉંડાણનું ગામ હોવાથી અમે અહીં સુરક્ષીત હતા. ત્યાં ટપાલ કે છાપાં નીયમીત મળતાં ન હોવાથી લડતના સમાચાર બીલકુલ જાણવા મળતા ન હતા. આથી ૧૪-૧૫ દીવસ ત્યાં રહ્યા બાદ પાછા ફરવાનું વીચાર્યું. પરંતુ ત્યાંથી પાછા શી રીતે આવવું તે પ્રશ્ન હતો, કેમ કે કરાડી-મટવાડના બે ભાઈઓ ટ્રેનમાંથી પકડાઈ ગયા હતા. આથી ટ્રેનમાં જવું જોખમકારક હતું. વળી ચોમાસાના દીવસો હોવાથી રસ્તા કાદવ-કીચડવાળા હતા, છતાં અમે પગપાળા નવસારી પહોંચવાનો વીચાર કર્યો અને બપોરે ૧૨-૦૦ વાગ્યે ચાર ભાખરી લઈ પાંચેમથી ખેતીના રખેવાળના વેશમાં નીકળ્યા.

સાંજે અમે આમકુટ્ટા ગામે જ્યાં માણેકપોરના એક મુસ્લીમ ચાચા રહેતા હતા ત્યાં આવ્યા. અહીં અમે રાત્રે રહેવાનું વીચાર્યું હતું. પરંતુ તેઓ ઘરે ન હતા. આથી ત્યાંથી એક ભોમીયો લીધો જે અમને બોઢાણ ગામ જ્યાં એક પારસી બાવા રહેતા હતા ત્યાં લઈ ગયો. માંડવીથી આ ગામ ૧૨ માઈલ જેટલું દુર હતું. અમે ત્યાં રાત્રે ૧૦-૦૦ વાગ્યે પહોંચ્યા. અહીં અમને ખીચડીના ભોજનની ઑફર કરવામાં આવેલી, પણ અમે જમ્યા ન હતા.

અહીંથી અમે મળસ્કે ચાલી નીકળ્યા અને પાકા રસ્તે ચાલતાં ચાલતાં તાપી નદી આગળ પહોંચ્યા. હોડીમાં તાપી નદી ઓળંગી ઓરણા ગામે રણછોડભાઈના ઘરે આવ્યા. રણછોડભાઈ ઘરે ન હતા, ખેતરે ગયા હતા. એમનાં પત્નીએ કહ્યું, “તમે ભુખ્યા હશો, અમારા ખેતમજુરો (હળપતીઓ) માટે બનાવેલ રસોઈ વધી છે તે તમે જમી લો.અમે ના પાડી છતાં બહુ આગ્રહ કર્યો આથી જમવા બેઠા. પરંતુ જે વાસણમાં કઢી આપવામાં આવી હતી તે કાણું હતું, આથી અમે બધી કઢી થોડી થોડી ઝડપથી વહેંચી લીધી. રણછોડભાઈ ન મળ્યા આથી મેં એમની પત્ની પાસેથી કાગળ માગી ચીઠ્ઠી લખી. મારી પાર્કર પેન વડે ચીઠ્ઠી લખી ત્યારે એ બહેનની નજર પાર્કર પેન તરફ જ હતી તે રામભાઈએ જોયું, અને મને ઈશારો કર્યો. મેં પેન ઝડપથી સીંગલેટમાં મુકી, પણ બરાબર બંધ થઈ ન હોવાથી માત્ર ઢાંકણ રહી ગયેલું અને પેન ક્યાંક પડી ગઈ હતી.

ત્યાંથી અમે ભક્ત કોમના આગેવાન શ્રી ઝીણાભાઈના ગામ વાવ આવ્યા. અમે રાજપીપળામાં ખેતીના રખેવાળ તરીકે અમારી ઓળખાણ આપી. ઝીણાભાઈને એમાં કોઈ શક લાગ્યો ન હતો, પરંતુ એમનો છોકરો અમારા માટે ચા લઈને આવ્યો. તેણે મને તરત જ ઓળખી કાઢ્યો. તે કહે, “તમે પાટીદાર આશ્રમમાં હતા?”

મેં કહ્યું, “ના, તમારી કંઈક ગેરસમજ થતી હશે. હું તો ખેતીનો રખેવાળ છું અને ડાંગરની રોપણી પુરી થઈ આથી ખબર આપવા અમે પાછા વળ્યા.” (મારો પહેરવેશ પણ રખાનો જ હતો).

જેમ જેમ હું ના પાડું તેમ તેમ એ વધુ પુરાવા આપતો ગયો.

તમારું નામ દયાળભાઈ, તમે અખાડાની કસરત કરાવતા..,” વગેરે.

એણે એના પીતાને વાત કરી. આ પછી ઝીણાભાઈ સાથે ઘણી વાતો થઈ. એમનો આગ્રહ હતો કે અહીંથી અમારે બસમાં જ જવું જોઈએ. આથી બસસ્ટેન્ડથી અમે બસમાં ચડ્યા, તો અંદર પોલીસના બે માણસો બેઠેલા. રામભાઈ ગભરાયા. મને કોણી મારી ઈશારો કર્યો, “શું કરીશું?”

મેં કહ્યું કે ગભરાવું નહીં, આપણે બસના પાછળના ભાગે બેસી જઈએ અને પહેલું બસસ્ટોપ આવે ત્યાં ઉતરી જઈશું.

વાવથી ઉપડેલી બસ ચલથાણ આવીને ઉભી રહી. ત્યાં અમે ઉતરી ગયા તો લશ્કરના ચોકીયાતો. એ બધા રાઈફલ સાથે ઉભા હતા. રામભાઈ સાથે અમે નક્કી કર્યું કે એ તરફ જોવું જ નહીં. ઉભા રહેવાનું કહે તો હું ઉભો રહીશ, પણ રામભાઈએ ચાલતા જ રહેવું. જો કે ત્યાં કશું થયું નહીં.

ચલથાણથી આવતાં રસ્તામાં એક જગ્યાએ કુવો આવે છે એવો મને ખ્યાલ હતો, જ્યાં ડોલ અને સાંકળ પણ રાખવમાં આવતી. ત્યાં અમે પહોંચ્યા. કુવામાંથી પાણી કાઢી, હાથપગ ધોઈ પાંચેમથી લાવેલા તે ભાખરી ખાધી.

અમે રાત્રે ૧૦-૩૦થી ૧૧-૦૦ વાગ્યે કાદીપોર પહોંચ્યા. ત્યાં જેરામભાઈ રવજી અને રણછોડભાઈ ગોવીંદ હીંચકા પર બેઠેલા. અમે ખભા પર છત્રી એવી રીતે પકડી હતી કે જાણે રાઈફલ હોય. આથી અમને જોઈને આ બંને ભાઈઓ ગભરાઈ ગયેલા.

૭. સ્વાતંત્ર્ય સેનાનીઓની જેલયાત્રા

૧૯૪૩ની ૧૯મી ફેબ્રુઆરીની રાત્રે દેલવાડા ગામની સીમમાંથી કરાડી, મટવાડ અને દેલવાડાના દશ સ્વાતંત્ર્ય સેનાનીઓને ગીરફતાર કરવામાં આવ્યા હતા. મટવાડનો મોસમમીયો સરકારને બાતમી આપ્યા કરતો હતો. એટલે જ મટવાડના મારા સહીત પી.સી. પટેલ, કરાડીના આચાર્ય મણીભાઈ, જેકભાઈ અને દેલવાડાના ડાહ્યાભાઈ બુધીયાભાઈ, રણછોડભાઈ બુધીયાભાઈ, વલ્લભભાઈ મંગાભાઈ, નારણભાઈ ગાંડાભાઈ, હરીભાઈ જગુભાઈ અને નાથુભાઈ જીવાભાઈને ગીરફતાર કરવામાં આવ્યા હતા. આ સમાચાર વાયુવેગે સમાચાર પત્રોમાં પ્રગટ થયા હતા.

દેલવાડા ગામની સીમમાંથી રાત્રે દશ રાષ્ટ્રવાદીઓને ગીરફતાર કરવામાં આવ્યા છે. તેમની પાસેથી શસ્ત્રો અને મોટી રકમ પણ મળી આવી છે. તેઓ અખાડીયન, હથીયારો વાપરવામાં કુશળ અને પોલીસના પંજામાંથી ભાગી જવામાં પ્રવીણ છે.

ટાઈમ્સ ઓફ ઈન્ડીયામાં આ સમાચાર વાંચી મુંબઈમાં રહેતા મણીભાઈના ગુજરાત વીદ્યાપીઠના એક સહાધ્યાયી મદદ કરવાની અપેક્ષાથી નવસારી સબજેલમાં મળવા આવેલા. સાથે ફળોનો એક મોટો કરંડીયો પણ લઈ આવેલા. સુટમાં સુસજ્જ પોતાના આ મીત્રને મણીભાઈ ઓળખી નોતા શક્યા. જ્યારે મણીભાઈને પાંજરામાંથી બહાર કાઢવામાં આવ્યા ત્યારે મણીભાઈના સ્મૃતી પટલ પર વીદ્યાપીઠનો એ સહાધ્યાયી સાનંદાશ્ચર્ય પ્રગટ થયો. ભેટી પડ્યા. મણીભાઈએ વીસ્તારથી ઘણી વાતો કરી. ત્યારે સહજ રીતે મીત્રે પુછ્યુંઃ કયાં કયાં હથીયારો પકડાયેલાં?” ત્યારે મણીભાઈએ કહ્યું કે એક રીવોલ્વર પકડાયેલી. મીત્રે પુછ્યું કે પૈસા કેટલા પકડાયેલા?

મણીભાઈએ કહ્યું કે દયાળભાઈ કેસરીના ખીસામાંથી ૪૨ રુપીયા પકડાયેલા. મીત્રે કહ્યું કે છાપામાં પોલીસે જે ધડાકો કર્યો છે તે સત્ય નથી. મીત્રે કોઈ પણ પ્રકારની મદદ કરવા જણાવ્યું. મણીભાઈએ કહ્યું કે એવી જરુર પડશે ત્યારે કહીશ. જોગાનુજોગ એ જ વખતે મણીભાઈના ગામ અલીન્દ્રાથી પણ પાંચસાત આગેવાનો જેલમાં મળવા આવેલા. મદદ કરવાની ઈચ્છા વ્યક્ત કરેલી. મણીભાઈએ એમને પણ ના જ પાડેલી.

દેલવાડામાંથી પકડાયેલા દશ રાષ્ટ્રવાદીઓ ગાયકવાડી રાજ્યમાંથી પકડાયા હતા. એટલે એમને નવસારી પોલીસ થાણામાં રાખવામાં આવ્યા હતા. બે દીવસ પછી બ્રીટીશ પોલીસે એમને દશ દીવસના રીમાન્ડ પર જલાલપોર પોલીસથાણામાં તબદીલ કર્યા હતા. જલાલપોર પોલીસથાણામાં દરરોજ રાત્રે ઉલટતપાસ કરવામાં આવતી હતી. અનેક પ્રકારના પ્રહારો કરવામાં આવતા હતા. અમાનુષી વર્તન એ જાણે બ્રીટીશ પોલીસનો અબાધીત અધીકાર હતો. પી.સી. પટેલના માથાના વાળ પકડી માથું દીવાલ સાથે ભટકાડતા. દીવાલ બાજુ મોં રાખી વાંકા વાળી મારતા. આથી પી.સી. પટેલના કાને બહેરાશ આવી ગઈ હતી. વાળ ખરી પડ્યા હતા. મણીભાઈ તો કાંઠાની પ્રવૃત્તીના અગ્રેસર હતા. એટલે એમને પણ સખત માર પડેલો. પોલીસની આંખ મારા પર પણ તગતગતી હતી. નસીબ જોગે જેકભાઈ બચી ગયા હતા.

મને ઉલટતપાસ માટે સતત બે રાત ઓફીસમાં બોલાવવામાં આવ્યો હતો. પ્રથમ રાતે પોલીસે અનેક પ્રકારની લાલચો આપી. સારી સારી વાતો કરી. પણ જ્યારે ફોજદારે જોયું કે આ દયાળ કોઈની ઉપર દયા કરે તેવો નથી. ત્યારે બીજી રાતે ફોજદારે પોતાનો પરચો બતાવ્યો. બીભસ્ત ગાળો દીધી. કહ્યું કે તમારા માટે તો ફાંસીનાં દોરડાં લટકે છે. મેં હીંમતથી કહ્યું કે ફાંસીએ લટકવાનો સમય આવશે તો લટકી જઈશું. પણ એ તમારા હુકમથી આવવાનો નથી. એ માટે તો હાઈકોર્ટના જજનું જજમેન્ટ જોઈશે. આ સાંભળી ફોજદારે પોતાનું રોદ્ર સ્વરુપ ધારણ કર્યું. ગાળો ભાંડી. ચમત્કાર બતાવવાનું શરુ કરી દીધું. સાલ્લાઓ! મને કાયદો બતાવો છો! (બીભત્સ ગાળ)પછી મારતા મારતા બીજી કોટડીમાં લઈ ગયા. ત્યાં એક પોલીસ અને એક હવાલદાર તહેનાતમાં હાજર જ હતા. તેમને ફોજદારે સુચના આપી કે આને બરાબર ગરમ કરજો. અને ભાઈ….. પછી હવાલદાર કંઈ બાકી રાખે કે? ફોજદારને કોટડીમાંથી બહાર નીકળી જવું પડ્યું! સોની નામના એક પોલીસ ક્લાર્કથી આ સહન ન થયું. એટલે તેણે હવાલદારનો હાથ પકડી લીધો. હાંઉ કરો હવે….રાત્રે ૧૧-૩૦ વાગે મને હાથકડી પહેરાવવામાં આવી.

આ બાજુ મણીભાઈ અને પરભુભાઈ (પી.સી.) કોટડીના દરવાજાના સળીયા પકડી મારી રાહ જોઈ રહ્યા હતા. દરવાજામાં દાખલ થતાં જ વડીલ બંધુ સમા મણીભાઈએ મને બાથમાં લઈ લીધો. આખા શરીરે વાત્લ્યભર્યો હાથ ફેરવ્યો. જાણે માનો મમતાળું હાથ! મારથી મારું મોં લાલઘુમ થઈ ગયું હતું.

સોડીયાવડ આગળ અણધાર્યો જંગ ખેલાયો ત્યારે હું અબ્દુલ ગની નામના પોલીસના કબજામાંથી ભાગી છુટ્યો હતો. એને કારણે એની બઢતી અટકાવી દેવામાં આવી હતી. અને સુરત ખાતે એની બદલી કરી દેવામાં આવી હતી. અબ્દુલ ગની એ ભાગી ગયેલ શીકાર પર વેર લેવા બહાવરો બન્યો હતો. એટલે એ સુરતથી જલાલપોર થાણામાં આવ્યો. તે વખતે હું બડી મુછવાલા એક ભૈયાજીની દેખરેખ હેઠળ હતો. મેં એ બડી મુછવાલા ભૈયાજીને કહ્યું કે આ અબ્દુલ ગની મને મારવા માટે આવ્યો છે. જો એ મને મારશે તો જવાબદારી તમારી ગણાશે. એટલે એ બડી મુછવાલા ભૈયાજીએ મને મારવા ન દીધો. પરીણામે હું બચી ગયો.

સ્વરાજવાદીઓ માટે જેલ એ કોઈ આશ્ચર્યજનક ઘટના નહોતી. દરેક રાષ્ટ્રવાદીને ખબર હતી જ, ગમે ત્યારે જેલયાત્રા માટે તૈયાર રહેવાનું છે. દડી (ખાંડણીયું)માં માથું મુક્યા પછી ઘા ગણવાનો શો અર્થ? રાષ્ટ્રવાદીઓ તો રાષ્ટ્રને માટે ગમે તે કુરબાન કરવા તૈયાર હતા.

યારો ફનાના પંથ પર આગે કદમ! આગે કદમ!

અમારું જેલજીવન

જેલમાં અમે પાટી વણવાનું કામ કરતા. નીયમ પ્રમાણે દરરોજ ૭૫ ફુટ પાટી વણવાની. અમે વહેલી સવારે પાટી વણવાનું શરુ કરતા. ૧૧-૧૨ વાગ્યા સુધીમાં પુરી કરી દેતા. પીળી પાઘડીવાળો લાંબી સજાનો એક કેદી પાટી માપતો. જેકભાઈએ તેની સાથે દોસ્તી બાંધી દીધી હતી. પાંચ-દસ ફુટ ઓછી હોય તો પણ એ ચલાવી લેતો. મીત્રધર્મ બજાવતો.

જેલ તો એક આકરું, કપરું સ્થળ. આખો દીવસ કેદખાનામાં પુરાઈ રહેવાનું. ભલભલાના હાંજા ગગડી જાય, સ્ક્રુ ઢીલાં થઈ જાય.

એક વાર કેદીઓની સંખ્યા એટલી બધી વધી ગઈ કે જેલવાળા મુંઝાઈ ગયા. વ્યવસ્થા કેમ કરવી? આપણા માવળંકર દાદાએ (સ્વતંત્રતા પછી દેશના પ્રથમ સન્માનનીય સ્પીકર) આપણા કેદીઓ માટેનું રસોડું ચલાવવાની જવાબદારી સ્વીકારી. પાટીદાર આશ્રમવાળા નરોત્તમભાઈ, પરસોત્તમ તલાટી, અને કતારગામવાળા ભીખુભાઈને જવાબદારી સોંપી. બીજા બધા એમની મદદમાં રહ્યા. ખુબ સારી રીતે રસોડું ચલાવ્યું. સત્તાધીશોનો માથાનો બોજો ઓછો થયો. માવળંકરદાદાએ ઓફીસનું કામ કરવા માટે પણ માણસો આપ્યા.

છેવટની જેલ અમે ૧૯૪૪માં ભોગવેલી. ત્યારે કોંગ્રેસી કેદીઓ છુટી ગયા હતા. તંત્ર ફરી સરકારી અધીકારીઓના હાથમાં હતું. એ લોકો જ રસોડાની વ્યવસ્થા કરતા. ખોરાકમાં સવારે ભડકી, બપોરે બાજરીના બે રોટલા અને મગની આછી દાળ. સાંજે ભાજી ને બે રોટલા. એમ મળતું. ભાજી એટલી ઘરડી કે ચાવતાં થાકી જવાય. એક દીવસે સાંજે મણીભાઈના શાકમાંથી મરેલો જીવડો નીકળ્યો. મણીભાઈ તો જમતાં જમતાં ઉઠી ગયા. જેકભાઈ અને પી.સી.એ પુછ્યુંઃ શું થયું?” મેં કહ્યું કે મણીભાઈની ભાજીમાંથી મરેલો જીવડો નીકળ્યો.એટલે અમે બધા જ ઉઠી ગયા. તે દીવસથી સાંજે ફક્ત લુખ્ખા રોટલા મસોટી ખાતા. મેળ પડે તો સહેજ ગોળનું પાણી રેડીને ખાતા. કોઈ રવીવારે કંઈ સારું બનાવીને ખાવાનો પ્રયત્ન કરતા. મનુભાઈ પાઠક, બે પઠાણી કેદી હતા તેમની સાથે મળીને બધી ગોઠવણ કરતા. જેકભાઈ લીમડા પર ચડીને સુકાં લાકડાં લાવતા.

અમને જેલમાંથી છોડાવવા માટે બહાર રહેલા મીત્રોમાંથી નરસીંહભાઈ મંગા અને રવજીભાઈ છીબા જાત જાતની તરકીબો કરી ચીટ્ઠીઓ મોકલતા. મણીભાઈ એક શાકભાજીવાળા મારફતે એનો જવાબ મોકલતા. એ રીતે જેલના દીવસો પસાર કરતા.

યુરોપીયન અધીકારીની મુલાકાત

લડતનું એક હથીયાર તે પરદેશી કાપડનો બહીષ્કાર. તેના અનુસંધાનમાં બધા ભાઈઓ જેલમાં નીયમીત કાંતતા. બ્રીટીશ સરકારને આ વાત કણાની જેમ ખુંચતી હતી.

આ જેલયાત્રા દરમીયાન એક વાર સુરતની સબજેલમાં એક અંગ્રેજ અધીકારી મુલાકાતે આવ્યા હતા. સૌને રેંટીયો કાંતતા જોઈને પાસે આવી પ્રશ્ન કર્યો.

અંગ્રેજ અધીકારી ઃ કોઈ ફરીયાદ?

કેસરી ના, કોઈ ફરીયાદ નથી.

અંગ્રેજ અધીકારી છોકરાઓ, તમે અહીં આનંદમાં હોવા

જોઈએ.

કેસરી તમે શી રીતે જાણ્યું?

અંગ્રેજ અધીકારી તમે ફરીયાદ કરતા નથી એટલે તમે

આનંદમાં જ હોવા જોઈએ.

કેસરી અમે ફરીયાદ એટલા માટે નથી કરતા કે

તમે કંઈ કરી શકતા નથી.

અંગ્રેજ અધીકારી તમે કહેવા શું માગો છો? હું શા માટે કંઈ

ન કરી શકું? મારી પાસે સત્તા છે. મારી પાસે શક્તી છે. મને તમારી ફરીયાદ કહો.

કેસરી અમારી પાસે સેંકડો ફરીયાદો છે.

(તેણે પોતાના સેક્રેટરીને નોંધ લેવા કહ્યું.)

કેસરી અમને અહીં દરરોજ કાંદા ખવડાવવામાં

આવે છે.

અંગ્રેજ અધીકારી તમારે માટે એ સરસ છે. હું પોતે પણ કાંદા

ખાઉં છું.

કેસરી ખાતા હશો. પણ જેટલા અમે ખાઈએ છીએ એટલા

ચોક્કસ નહીં ખાતા હો.

તેમણે જેલરને પુછ્યુંઃ આ સાચું છે?

જેલર હા જી.

(તેમણે સેક્રેટરીને કાંદાનું પ્રમાણ ઓછું કરવા

કહ્યું.)

કેસરી ઃ અમારાં સગાંસંબંધીઓ સાથેની અમારી મુલાકાતની

વ્યવસ્થા બરાબર થતી નથી. તેઓ ચાલતાં ચાલતાં,

બસમાં કે ટ્રેનમાં દુર દુરથી આવે છે. એમને થોડી જ

મીનીટો આપવામાં આવે છે.

તેમણે જેલરને પુછ્યુંઃ મુલાકતીઓ માટે ધારાધોરણ શું છે?

જેલર કેદીઓને મુલાકાત માટે દશ મીનીટ ઠરાવેલ છે.

કેસરી અમને દશ મીનીટ આપવામાં આવતી નથી.

(તેમણે સેક્રેટરીને આની નોંધ લેવા કહ્યું, અને કહ્યું કે હવે પછી તેમને દશ મીનીટ આપવામાં આવે.)

જેલઅધીકારી બીજી કોઈ ફરીયાદ?

કેસરી અમને વર્તમાન પત્રો મળતાં નથી.

(કાયદો શું છે તે અધીકારશ્રીએ જેલરને પુછ્યું.)

જેલર ઃ જવાબદાર કેદીઓ પોતાના ખર્ચે સરકાર માન્ય

વર્તમાન પત્રો લઈ શકે છે.

મારી આ ફરીયાદ પછી કેદીઓને મુલાકાત માટે દશ મીનીટ આપવામાં આવતી. કેદીઓ બહારથી છાપું મંગાવી શકતા. રાષ્ટ્રવાદી કેદીઓ માટે જેલના નીયમોનું પુસ્તક પણ મંગાવવામાં આવ્યું.

આ રીતે મારા પ્રયત્નને કારણે કેદીઓને કેટલીક સગવડો મળતી થઈ.

૮. જેલનો ઝંઝાવાત

રાષ્ટ્રવાદી કેદીઓને ૧૯૪૩ના ફેબ્રુઆરીની ૨૭મીથી મેની ૨૮મી સુધી નવસારી સબજેલમાં રાખવામાં આવ્યા હતા. આ ત્રણ માસના સમય દરમીયાન અમલસાડ વીસ્તારમાંથી ભાંગફોડની પ્રવૃત્તી કરનારા કેટલાક કોંગ્રેસી કેદીઓ પણ હતા. આ જ વખતે નવસારી શહેરમાંથી પણ કેટલાક રાષ્ટ્રીય કાર્યકરો જેલમાં હતા. આ જેલ વ્યવસ્થામાં રસોડા માટે કેદી દીઠ રકમ સરકાર તરફથી મળતી. તેમાંથી અનાજ અને શાકભાજી બહારથી મંગાવતા. ક્રીમીનલ કેદીઓ અને કોંગ્રેસી રાષ્ટ્રવાદી કેદીઓ બંનેનાં રસોડાં અલગ અલગ હતાં.

નવસારી જેલમાં મણીભાઈ, પી.સી. પટેલ, જેકભાઈ અને મને એમ અમને ચારેને સખત જાપ્તામાં રાખવામાં આવ્યા હતા. બ્રીટીશ પોલીસે ગાયકવાડી જેલ સત્તાવાળાઓને લેખીત સુચના આપી હતી. આ ચારે જણા ઘણા ભયંકર કેદીઓ છે. પોલીસના કબજામાંથી ભાગી છુટ્યા હતા. હથીયારો વાપરવામાં કુશળ છે. અખાડીયન છે. એ પણ જણાવ્યું હતું કે આ ચારેયને ચોવીસે કલાક બેડી નાખીને કોટડીમાં પુરી રાખવા. આ સુચનાનો અમલ શરુઆતમાં તો નોતો કર્યો. પરંતુ ૧૯૪૩ના એપ્રીલમાં કેટલાક ધાડપાડુ કેદીઓ જેલમાંથી ભાગી છુટ્યા હતા. એટલે અગમચેતી વાપરી અમારા ચારેના પગમાં બેડી નાખી દીધી હતી. આની સામે અમે વીરોધ દર્શાવ્યો હતો. જેની કોઈ અસર ન જણાતાં અમે ચારે જણા ભુખ હડતાલ પર ઉતર્યા હતા. આ સમાચાર નવસારી શહેરમાં પહોંચતાં નવસારીના કોંગ્રેસી કાર્યકર કાશીભાઈ વકીલે જેલ સુપરીન્ટેન્ડેન્ટ મી. ગોરેખાંને મળીને બેડી કઢાવી નાખવાનો પ્રયત્ન કર્યો. પાંચમે દીવસે કાશીભાઈએ ફરીથી ખાતરી આપી કે આ કેદીઓ ભાગી જાય તેવા નથી. આ તો રાષ્ટ્રવાદી કેદીઓ છે. ત્યારે સાંજે ચારેયને બેડીમુક્ત કરવામાં આવ્યા હતા.

આ ભુખહડતાલ દરમીયાન એક મુસ્લીમ હવાલદાર, જેઓ ચાચાના હુલામણા નામે જાણીતા હતા, તેમણે જોયું કે આ મણીભાઈ, પી.સી. અને જેક તો શારીરીક બળે ટકી શકશે. પણ આ નાજુક શરીરવાળો કેસરી શી રીતે ટકી શકશે? એટલે એક દીવસ એ પોતાની ટોપીમાં સમોસા સંતાડી લાવેલો. પછી મને કોટડીની પાછળ તેડી ગયો. અને કરગરીને કહ્યું કે હું મરી જઈશ તો પણ કોઈને કહીશ નહીંં. તમે આ સમોસા ખાઈ લો. મેં બહુ જ લાગણીપુર્વક ચાચાના આગ્રહનો અસ્વીકાર કર્યો. ચાચાની આંખમાં ઝળઝળીયાં આવી ગયાં. કહે- પેલા ત્રણ તો ટકી શકશે. તારાથી નહીં ટકાય.ત્યારે મેં કહ્યું કે ચાચા, મારે મારી જાતને છેતરવી નથી.અમારા પર આચરવામાં આવેલ અત્યાચારની વીરુદ્ધમાં બે કાઠીયાવાડી અને એક ગણદેવીના ભાઈ પણ ભુખહડતાલ પર ઉતર્યા હતા.

ઉપવાસ દરમીયાન અમે ચારે જણ બે દીવસ તો હરફર કરી શક્યા, પણ ત્રીજે દીવસે પગ લથડીયાં ખાવા માંડ્યા. ચોથે દીવસે અમે ચારે પથારીવશ થઈ ગયા. આંખે અંધારાં આવવા માંડ્યાં. હું કમળાના રોગનો ભોગ થઈ પડ્યો. ડૉક્ટરે મને દુધ પીવાની સલાહ આપી. કોઈકે કહ્યું કે કેળનાં મુળીયાં છુંદીને પીવડાવો તો સારું.

કમળાના રોગમાં દુષીત પીત્તને કારણભુત માનવામાં આવે છે. આ રોગ પ્રત્યે જો બેદરકારી રાખવામાં આવે તો જીવલેણ પણ બની શકે. આ રોગમાં શેરડીના રસને પ્રતીકારક ગણવામાં આવે છે. એટલે મારા માટે શેરડી ખાસ મંગાવવામાં આવતી. થોડા દીવસ પછી જેકભાઈને નાકે લોહી પડવા માંડ્યું. પ્રતીકુળ ખોરાકને કારણે આવું બન્યું હોય એમ બને. એટલે ૨૮ મેને દીવસે અમને ચારેયને સુરતની સબજેલમાં લઈ જવામાં આવ્યા.

સુરતની સબજેલમાં રાષ્ટ્રવાદી કેદીઓ સીવાય બીજા કેદીઓ પણ હતા. તેમાં બે કોમ્યુનીસ્ટ કેદીઓ પણ હતા. તેમાં વસંતભાઈ કાયદાના સ્નાતક હતા. વડોદરાના મેજીસ્ટ્રેટના દીકરા હતા. એમની જોડે બીલકુલ અભણ એવો છન્નુખાં પણ હતો. છન્નુખાંને અક્ષરજ્ઞાન આપવા માટે વસંતભાઈ કાંઠાના ચારે કેદીઓ પાસેથી પુસ્તકો લઈ જતા. આ કાબેલ વસંતભાઈની મુલાકાત બીજીવાર સાબરમતી જેલમાં થઈ હતી.

હજીરાના રાષ્ટ્રીય આગેવાન બાબુભાઈ પણ સુરતની સબજેલમાં હતા. બાબુભાઈ જેલમાંથી વીદાયની પેરવીમાં વ્યસ્ત રહેતા. એમની જોડે દેલવાડાના નાથુભાઈ જીવાભાઈ પણ હતા. ઉંચા, કદાવર, વાંકડીયા વાળથી શોભતા. મળસ્કે પાંચ વાગે જેલની કોટડીઓ ખોલી નાખવામાં આવતી. ત્યારે બાબુભાઈ નાથુભાઈને બારી પાસે ઉભા રાખી એમની ઉંચાઈનો લાભ લઈ છાપરા પર ચઢી ગયા. ત્યાંથી ઝંપલાવ્યું. પગમાં વાગવાથી ઉઠી શક્યા નહીં. ત્યાં જ પડી રહ્યા. સ્વસ્થ થયા પછી ભાગી ગયેલા. સવારે આઠ વાગે ગણતરી કરી. ત્યારે ખબર પડી કે રાષ્ટ્રવાદી કેદી બાબુભાઈ નથી. કેવી રીતે ભાગી ગયા તેનો ભેદ કોઈ પામી શક્યા નહીં.

લડત દરમીયાન પુર્ણા નદીના ઉત્તર કાંઠાનાં ગામોમાંથી જે સહકાર મળ્યો હતો તે તો અદ્ભુત હતો. સેંકડોની સંખ્યામાં ઉતરી આવેલા રાષ્ટ્રવાદીઓને આશરો આપવો એ ખાવાના ખેલ ન હતા. નૈતીક ફરજ હતી એ સાચું. પણ જોખમ પણ એટલું જ હતું. રાષ્ટ્રદ્રોહના ગુના બદલ ફાંસી પણ થઈ શકે. તે બધું હોવા છતાં દેલવાડાના ઉદારદીલ, દેશપ્રેમી, ભાઈઓએ જે ખાનદાની બતાવી, જે સૌજન્ય બતાવ્યું, તેનો જોટો જડે તેમ નથી. એમને લાખ લાખ સલામ! સ્વાતંત્ર્ય સંગ્રામના ઈતીહાસમાં આપણા વીભાગમાં આવું ઔદાર્ય, આવું સમર્પણ, આવું ખમીર, ભાગ્યે જ જોવા મળે છે.

અમારી ધરપકડ

૧૯૪૩ના ફેબ્રુઆરીની ૧૯મી તારીખ રાષ્ટ્રવાદીઓ માટે અપશુકનીયાળ નીવડી. ડાહ્યાભાઈ બુધીયા અને હરીભાઈ સાંજનું ભોજન લઈને આવ્યા. તેને ન્યાય આપી વાસણો ધોતાં મારા હાથમાંથી માટીનું વાસણ છટક્યું. અને જેકના મોંમાંથી શબ્દો સરી પડ્યા – “કંઈક અમંગળ થવાની આગાહી છે!

ગામગપાટા મારતાં દશે જણા મોડી રાત્રે સુતા. રાત્રે ત્રણેક વાગ્યે ભર ઉંઘમાંથી ઉઠાડી બધાને ઘેરી લીધા. સામે બંદુકો અને રીવોલ્વરથી સજ્જ પોલીસો હતા. આચાર્ય મણીભાઈને નેતરના દંડાથી ફટકાર્યા. પછી પુછ્યુંઃ બંદુકો ક્યાં છે?” આચાર્ય મણીભાઈએ જવાબ આપ્યો, “અમને ખબર નથી.સૌને દોરડાંથી બાંધી દેલવાડા ગામને પાદર ઉભેલ બસમાં બેસાડી દીધા. સવારે દશ વાગે તો માંડ માંડ ચાર-પાંચ રહી શકે એવી કોટડીમાં અમને દશને પુરી દીધા. વારાફરતી દરેકને હાથપગ ધોવા માટે જાહેર નળ પર લઈ ગયા. ત્યાં એક પોલીસ ચોકી કરતો હતો. જેકનો વારો આવ્યો. એને વીચાર આવ્યો કે પેલા મચ્છરને મસળીને ભાગી જાઉં? પણ તે જ ક્ષણે એમ થયું કે દયાળ કેસરી ભાગેલો ત્યારે બધાને કેટલા બધા હેરાન થવું પડેલું! એટલે વીચાર માંડી વાળ્યો. રાત્રે નવ વાગે ડી.એસ.પી. મુલાકાતે આવ્યા. તેમણે તાકી તાકીને પુછ્યું – “આમાં જેક કોણ?” કોઈકે નીર્દેશ કર્યો પેલો વચ્ચે બેઠેલો છે તે. એ તો નાના છોકરા જેવો છે.જેકનું સ્વમાન ઘવાયું. બોલી ઉઠ્યો – “એ તો તમે બહાર કાઢો તો ખબર પડે!

બીજે દીવસે સવારે નવસારી સબજેલમાં લઈ ગયા. અમને ચારેને એક કોટડીમાં પુરી દીધા. બાકીના છને બીજી કોટડીમાં. દરેક જણે પથ્થરના ઓટલા પર સુવાનું. જેલ ફરતે ૧૫ ફુટ ઉંચી દીવાલ. ચારે ખુણે પોલીસોની ચોવીસે કલાક ચોકી. ગાયકવાડી જેલ એટલે બ્રીટીશ પોલીસો જેવો ત્રાસ નહીં. રાત્રે હાજતે જવા માટે એક વાસણ આપતા. તે કોટડીમાં જ રહેતું. ખુબ દુર્ગંધ મારતું. એટલે ન છુટકે જ એનો ઉપયોગ કરતા. નવસારીની આસપાસથી પકડાયેલા બીજા પણ ૪૦ જેટલા રાષ્ટ્રવાદીઓ આ જેલમાં હતા.

આ બધા રાષ્ટ્રવાદી કેદીઓ એક જ રસોડે જમતા. રસોડા માટે જોઈતી સામગ્રી એક લારીવાળો લાવી આપતો. આચાર્ય મણીભાઈ બધાનું ધ્યાન રાખતા. મુલાકાતના દીવસે સગાંસંબંધીઓ વાનગીઓ લઈ આવતાં. ત્યારે આનંદોચ્છવ જેવું વાતાવરણ સર્જાતું.

જેલમાં જેકનું કૌશલ્ય

આચાર્ય મણીભાઈના ચેલાઓ કંઈ સખણા બેસે એવા ક્યાં હતા? તેઓ તો સળીયા કાપીને ભાગી જવાનો ઘાટ ઘડતા હતા. પરંતુ જેલના ચોરસ સળીયા કાપવું તે લોઢાના ચણા ચાવવા જેવું કામ હતું. એટલે એ વીચાર પડતો મુક્યો. પીરામીડનો વીચાર કર્યો. પણ તેમાં તો એક જ જણ ભાગી શકે. એટલે એ પ્લાન પણ પડતો મુક્યો. આચાર્ય મણીભાઈએ પોતાનો પ્રભાવ પેલા લારીવાળા પર અજમાવ્યો. જેલનું તાળું બતાવી કહ્યું કે આ તાળાની ડુપ્લીકેટ ચાવી બનાવી લાવ. ત્રણેક દીવસ પછી એ ચાવી બનાવી લાવ્યો. જેકભાઈએ બીડું ઝડપ્યું. મને આડો ઉભો રાખી તાળું ખોલવા લાગ્યો. તાળું ખોલી તો નાખ્યું, પણ તાળું બંધ નહોતું થતું. એટલે મુંઝાયા. ઘણી માથાકુટ કરી, પણ તાળું બંધ ન થયું. આ તો ઉપાધી થઈ! વોર્ડર જોઈ જાય તો આવી જ બને. તે કરતાંય વધુ ચીંતા એ હતી કે ભાગવાનો પ્લાન બહાર પડી જતો હતો. શીવાનંદ નામના વોર્ડર પર એમની નજર ગઈ. બપોરના સમયે બધા વીશ્રામ કરતા હતા ત્યારે શીવાનંદ લીમડાના છાંયડે બેસી આરામ કરતો હતો. ત્યારે જેકભાઈ ત્યાં પહોંચી ગયા.

જેક જેનું નામ! વાતવાતમાં શીવાનંદને ખુશ કરી દીધો. પછી હસતાં હસતાં કહે – “મારે પેલા ત્રણેનો ઘાટ ઘડવો હતો પણ……..

પણ શું?” શીવાનંદે પુછ્યું.

મારે એ ત્રણેને લોક કરી દેવા છે.જેકે કહ્યું.

શા માટે?” શીવાનંદે પુછ્યું.

એ ત્રણે ભારે ખેપાની છે.જેકે કહ્યું.

તું શું કરવા ધારે છે જેક?” શીવાનંદે પુછ્યું.

જેક ઃ તમે ચાવી આપો તો એ ત્રણેને લોક કરી દઉં.

શીવાનંદ ઃ લઈ જા, પણ પાછો જલદી આપી જજે.

જેક ઃ હમણાં જ પાછો આપી જાઉં.

જેકભાઈ તો ઝુખમો લઈને ઉપડ્યા. કોટડીનાં બારણાં વાસી દીધાં. નહીં બંધ થતું તાળું બંધ કરીને અડાગરો ઉપરથી મુકી દીધો. થોડી વાર આમતેમની વાતો કરી શીવાનંદ કોટડી પાસે આવ્યો. તાળું જોતાં બોલી ઉઠ્યો, “જેક, તાળું નીચે ને અડાગરો ઉપર?” જેક કહે, “અંદરવાળાને થોડી જ ખબર છે?” સાંજે મણીભાઈએ પુછ્યું, “જેક, તાળું કેવી રીતે બંધ કર્યું?” જેક કહેઃ તમારે શી લેવાદેવા?” પછી બધી વાત કરી.

બીજે દીવસે લારીવાળાને બોલાવી વાત કરી. એયે કીમીયાગર નીકળ્યો. એ કહે, “આવતી કાલે હું મેંશની ડબ્બી આપી જઈશ. ચાવી પર મેંશ લગાવીને ચાવી ફેરવવાની. જ્યાં નીશાની પડે તે ભાગ પથ્થર પર ઘસવાનો. તો ચાવી બરાબર થઈ જશે.

મણીભાઈ તો એનો કીમીયો જોઈને ખુશ ખુશ થઈ ગયા.

એક દીવસ કેદીઓની ચોકી કરનારા જમવા ગયા હતા. આ તકનો લાભ લઈને જેકભાઈએ પોતાનું કાયાકૌશલ્ય કસી જોયું. દોડતા છ ફુટ ઉંચા કુવાના થાળા પર થઈ પીપળાના થડ પર અને પીપળાના થડ પરથી પંદર ફુટ ઉંચી દીવાલ પર ચડી ગયા. હું નીચે ઉભો હતો. હું તો છક જ થઈ ગયો.

એક દીવસે જેકભાઈ એક ચકલી પકડી લાવ્યા. મણીભાઈ પાસે આવી કહેવા લાગ્યાઃ જો તમે રજા આપો તો હું ઘડીના છઠ્ઠા ભાગમાં બધાને જેલમાંથી ભગાડી જાઉં.મણીભાઈ કહેઃ એ કઈ રીતે?”

જેકભાઈએ હળવેકથી ખીસામાંથી ચકલી કાઢી. એમના મોં પાસેથી ફુરરર કરતાં ઉડાડી. પછી કહ્યુંઃ આ રીતે.આચાર્ય મણીભાઈ તો પોતાના શીષ્યની કરામત જોઈને ખુશ ખુશ થઈ ગયા.

આ તરફ મણીભાઈએ રવજીભાઈ છીબાને કહેવડાવી દીધું. ફરી મુલાકાતે આવો ત્યારે ફળના કરંડીયામાં રીવોલ્વર લાવજો. જેલમાં ક્રીમીનલ કેદીઓનો વૉર્ડર રાજેખાં બધાને ખુબ ત્રાસ આપતો હતો. એટલે રાષ્ટ્રવાદીઓએ એવું નક્કી કર્યું કે રાજેખાં ડ્યુટી પર હોય ત્યારે જ ભાગી જવું. જેથી રાજેખાંની તમરી ઉતરી જાય. રાજેખાંને વીશ્વાસમાં લેવાનું કામ મણીભાઈએ જેકભાઈને સોંપ્યું. જેકભાઈ રાજેખાંને મળ્યા. અને કહ્યુંઃ અમારા ઘરનાં અને સગાંસંબંધીઓ મળવા આવવાનાં છે. તમારે કંઈ જોઈતું હોય તો મંગાવી શકાય.એણે કહી દીધુંઃ જેક, સુકા બુમલાનાં બે બંડલ લાવવા કહેજો.

જેકભાઈએ કહ્યુંઃ ભલે, જરુર મંગાવી દઈશ.

રાજેખાંને ક્યાંથી ખબર હોય કે સુકા બુમલાના બદલામાં આ જીવતા બુમલા તેની જાળમાંથી છટકી જવાની પેરવી કરી રહ્યા છે!

છ કેદી ભાગ્યા

જેલવાસ દરમીયાન સંદેશા મોકલવાનું કામ ઘણું કઠણ હતું. છતાં નહાવાના સાબુની ગોટીની નીચે છુપાવીને એકબીજાને સંદેશા પહોંચાડતા.

એક દીવસે બીજી બીજી કોટડીઓમાં રહેતા કેદીઓ નાસી છુટવાની યુક્તી રચી મણીભાઈને મળવા આવ્યા. મણીભાઈએ કહ્યું કે એમાં પુછવાનું શું હોય? પણ ભાગ્યા પછી એવી રીતે સ્વરાજ્યની પ્રવૃત્તી કરજો કે ફરી પકડાવ નહીં. બીજી રાતે બેએક વાગે એ છએ છ કેદીઓ ભાગી છુટ્યા. પોલીસો અને સત્તાવાળાઓએ દોડધામ કરી મુકી. મળસ્કે પાંચેક વાગે મેં સમાચાર આપ્યાઃ જેક, પેલા છ કેદીઓ ભાગી ગયા જો.

ભાગી જ જાય ને. હીંમત જોઈએ. હીંમતે મર્દા તો મદદે ખુદા.

સવાર થતાં આખી જેલમાં આ સમાચાર ફરી વળ્યા. જેલસત્તાવાળાઓ ધુઆંપુઆં થવા લાગ્યા.

ભાગનાર ભાગી ગયા અને સત્તાવાળાઓની ઉંઘ હરામ કરી નાખી. ચાર દીવસ પછી અમને ચારેચારને લોખંડની બેડીઓ પહેરાવી દીધી.

જેકભાઈ કહેઃ આ તો સરકારી જણસ છે. તે વીના આપણે ન શોભીએ.

મણીભાઈનો ત્યાગ

કાંઠાવીભાગમાંથી પકડાયેલા કેદીઓને મોટે ભાગે જલાલપોર કે નવસારીની જેલમાં રાખવામાં આવતા. કેટલાકને સુરત સબજેલમાં રાખવામાં આવતા. સુરતમાં જોગવાઈ ન હોય તો કેટલાકને નડીયાદની જેલમાં મોકલવામાં આવતા. ૧૯૪૩ના ઑગષ્ટ માસમાં પ્રાથમીક કેસની સુનાવણી હતી ત્યારે સૌ કેદીઓને નડીયાદથી સુરત લાવવામાં આવ્યા હતા. કાંઠાના કેદીઓનો કેસ મી. જોસેફ નામના ડેપ્યુટી કલેક્ટરના અધ્યક્ષપણા હેઠળ ચાલ્યો હતો. આ કેસની સુનાવણી દરમીયાન ઉંકાભાઈ પાંચાભાઈ મણીભાઈ માટે એક ખાસ ચીટ્ઠી લાવેલા તે મણીભાઈએ ખીસામાં મુકી દીધી હતી. સાંજના ભોજન પછી બગીચામાં ફરતાં ફરતાં કેટલીક વાતો થઈ. ત્યારે મણીભાઈએ મને પુછ્યું કે, “આપણે જે ભાઈઓ જેલમાં છીએ તેમની આર્થીક સ્થીતી કેવી છે?”

કેમ?” મેં પુછ્યું.

ત્યારે મણીભાઈએ પેલી ચીટ્ઠી મારા હાથમાં મુકી.

કાંઠા ખાતે મણીભાઈ તો ઘેઘુર વડલા સમાન હતા. સર્વમીત્ર હતા. મટવાડ ખાતે ખેલાયેલા જંગમાં એક પોલીસ માર્યો ગયો હતો. તે કેસની સુનાવણી થવાની હતી. તેના અનુસંધાનમાં જે ભાઈઓ જેલમાં હતા તેમની પાસેથી પૈસાની માગણી કરવામાં આવી હતી. આ કેસ લડવા માટે ભરુચના વકીલ મણીલાલ કરુણારામને કહેવામાં આવ્યું હતું. આ ખર્ચની જવાબદારી જાણે મણીભાઈની એકલાની હોય તેમ એમણે એમના મીત્ર મગનભાઈ અંબાઈદાસને જણાવ્યું હતું કે અલીન્દ્રામાં મારે ભાગે જે જમીન આવે છે તે જમીન નડીયાદના વાણીયાને લખી આપી પૈસા ઉપાડવા. તે પૈસા ઉંકાભાઈને આપવા. અને તેમાંથી વકીલોના ખર્ચ માટે વાપરવા. આ હકીકત બીજાઓએ જાણી ત્યારે બહાર કામ કરતા મીત્રો હીસ્સો આપવા તૈયાર થયા હતા. પરંતુ મણીભાઈની ચીટ્ઠી વાંચવામાં આવી તે પછી પૈસા બાબુભાઈ શાહ અને છોટુભાઈ શાહને આપવામાં આવ્યા હતા. વળી મણીભાઈએ ખાસ આગ્રહ રાખ્યો હતો કે જેલની અંદર જે મીત્રો છે તેમાંથી કોઈની પાસેથી પૈસા ન લેવા. આ રીતે મણીભાઈ સ્વરાજ્યની લડતમાં પોતાની સ્થાવર મીલકતનો ત્યાગ કરતાં પણ અચકાયા ન હતા.

ન્યુઝીલેન્ડમાં વસતા કાંઠાના મીત્રોએ દેશમાં ચાલતા સ્વાતંત્ર્ય સંગ્રામમાં જે કંઈ બની શકે તે કરવાની તત્પરતા દર્શાવી હતી. ન્યુઝીલેન્ડમાં મોટો ફાળો કર્યો હતો. તે ફાળાની રકમ સુલતાનપુરના છીબુભાઈ કેશવભાઈ પર મોકલવામાં આવી હતી. તેમાંથી વકીલ હીતેદ્રભાઈ દેસાઈ, નાગરજીભાઈ, મણીલાલ કરુણારામ, મી. જોષી, નસરવાન કાવસજી અને લલીતમોહન ગાંધીને તેમની ફી ચુકવવામાં આવી હતી.

૯. મટવાડના કેસની સુનાવણી

બંધન અને મુક્તીનો સંઘર્ષ અનાદીકાળથી ચાલ્યો આવે છે. મુક્તી એ માનવીનું પ્રથમ ધ્યેય છે. તેને પહોંચી વળવા તે સતત પ્રયત્ન કર્યા જ કરે છે. બંધન ગમે તેવું હોય, ગમે તેટલું શક્તીશાળી હોય, બંધન તે બંધન જ છે. માનવ તેને તોડવા માટે જીવનભર પ્રયત્ન કર્યા જ કરે છે. એમાં સફળતા મળે કે ન મળે.

બ્રીટીશ સામ્રાજ્ય ગમે તેટલું મહાન, બળવાન અને શક્તીશાળી હતું, તો પણ હીંદીઓ દાયકાઓથી એને હીંદુસ્તાનમાંથી હાંકી કાઢવા માટે અને સ્વરાજ્યની સ્થાપના કરવા માટે કૃતસંકલ્પ હતા.

૧૯૪૨ની ૨૨મી ઑગષ્ટે મટવાડમાં જે અભુતપુર્વ સરઘસ નીકળ્યું હતું તેનો જુસ્સો ગજબનો હતો. જાણે આજે જ સ્વરાજ મળી જવાનું છે, એવો મીજાજ સૌની આંખોમાં દેખાતો હતો. પોલીસોની સાથે ધીંગાણું થશે એવી તો કોઈને કલ્પના ન હતી. આવડા મોટા સરઘસની પાસે એક પણ હથીયાર ન હતું. નાનકડો દંડુકો પણ નહીં. પણ વાતાવરણમાં આવેશ હતો. ઉશ્કેરાટ હતો. અને ઉશ્કેરાટ અગ્નીનું કામ પણ કરી શકે. સરઘસમાંનું કોઈક જોર જોરથી બોલ્યુંઃ ભારત માતાકી જય.કોણ જાણે કેમ ઉશ્કેરાટ વધી ગયો. ઉશ્કેરાટે ઝનુનનું સ્વરુપ લીધું. પોલીસોને જોઈને ટોળું બેકાબુ બની ગયું. ટોળાને કાબુમાં લેવા પોલીસોએ પહેલાં લાઠીમાર અને પછી ગોળીબાર કર્યો. ભાગંભાગ થઈ ગઈ. ગોળીબારથી ત્રણ જણા પછીથી શહીદ થઈ ગયા. ઝપાઝપીમાં એક પોલીસ પણ મરાયો. આના અનુસંધાનમાં પોલીસો તરફથી કેસ કરવામાં આવ્યો હતો. એ કેસની સુનાવણી હતી.

પોલીસો તરફથી કેસની જે વીગતો રજુ કરવામાં આવી હતી તે આ પ્રમાણે હતી. ઃ ૨૨મી ઑગષ્ટે બેથી ત્રણ હજાર માણસોનું સરઘસ સુત્રોચ્ચાર કરતું કરતું મોટરસ્ટેન્ડ આગળથી નીકળ્યું હતું. ત્યાં પોલીસે કેટલાંક માણસોને અટકમાં લેતાં પોલીસો પર હુમલો થયો હતો. પરીણામે એક પોલીસ મરણ પામ્યો હતો. બીજા કેટલાક ઘવાયા હતા. પોલીસે પણ ગોળીબાર કર્યો હતો. પરીણામે કેટલાક લોકો ઈજા પામ્યા હતા. આ ધમાલમાં પોલીસની ચાર બંદુકો ને બે બેયોનેટ ઘુમ થઈ ગઈ હતી.

રાષ્ટ્રવાદીઓના મતે સરઘસ શાંતીથી વીખેરાતું હતું. આગેવાનોએ પોલીસોને ધમાલ ન કરવા વીનંતી કરી હતી, જે અવગણી કાઢવામાં આવી હતી. પોલીસો નાળમાં ધસી આવ્યા હતા, અને અગેવાનોને ઝુડવાનું શરુ કરી દીધું હતું, જેથી લોકો ઉશ્કેરાયા હતા. પોલીસોની બંદુકો ઝુંટવાઈ ગઈ હતી. બેયોનટની હકીકત ખોટી આપવામાં આવી છે. ધમાલ થતાં એક પોલીસનું મૃત્યુ થયું હતું. ધસી આવેલ પોલીસમાંથી રામુ સદાશીવે છટકી જઈ ટોળા પર ગોળીબાર કર્યો હતો. ૨૮ ગોળી છોડવામાં આવી હતી. પરીણામે ત્રણ રાષ્ટ્રવાદીઓ મરણ પામ્યા હતા. દશેક જણ ગંભીર રીતે ઘવાયા હતા.

આ પોલીસ ખુનકેસમાં સરકારી દફતરે કુલ ૬૨ આરોપીઓને સંડોવવામાં આવ્યા હતા. ૪૮ આરોપીઓ પર કેસ ચલાવવામાં આવ્યો હતો. તેમાંથી ૨૫ આરોપીઓને પુરતા પુરાવાના અભાવે છોડી મુકવામાં આવ્યા હતા. બાકીના ૨૩ આરોપીઓને સેસન્સ કમીટ કરવામાં આવ્યા હતા.

આરોપીઓમાંથી છુટી ગયેલા રાષ્ટ્રવાદીઓ

1. ઉંકાભાઈ રણછોડભાઈ પટેલ

2. ગોવીંદભાઈ નાનાભાઈ પટેલ

3. ઉંકાભાઈ ગોપાળભાઈ પટેલ

4. મંગળભાઈ નરોત્તમભાઈ પટેલ

5. બુધીયાભાઈ ઝીણાભાઈ પટેલ

6. કાનજીભાઈ પાંચીયાભાઈ પટેલ

7. મંગાભાઈ બાવાભાઈ પટેલ

8. હીરાભાઈ ઢેડાભાઈ પટેલ

9. હીરાભાઈ કાનજીભાઈ પટેલ

10. ગોવનભાઈ રવજીભાઈ પટેલ

11. ભાણાભાઈ નાનાભાઈ પટેલ

12. ઉંકાભાઈ પાંચાભાઈ પટેલ

13. રામજીભાઈ ધીરજભાઈ નાથુભાઈ પટેલ

14. ગોસાંઈભાઈ સુખાભાઈ પટેલ

15. લાલભાઈ છીબાભાઈ પટેલ

16. પ્રેમાભાઈ લાલભાઈ પટેલ

17. લલ્લુભાઈ જગાભાઈ પટેલ

18. ભવનભાઈ છીકાભાઈ પટેલ

19. પ્રેમાભાઈ છીકાભાઈ પટેલ

20. પરસોત્તમ હરીભાઈ પટેલ

21. નારણભાઈ ઉંકાભાઈ પટેલ

22. ભાણાભાઈ લાલાભાઈ પટેલ

23. કાનજીભાઈ છીબાભાઈ પટેલ

24. જેરામભાઈ રવજીભાઈ પટેલ

25. પરભુભાઈ જીવાભાઈ પટેલ

સેસન્સ કમીટ રાષ્ટ્રવાદીઓ

1. છીમાભાઈ દુભાભાઈ પટેલ

2. સોમાભાઈ પ્રેમાભાઈ પટેલ

3. રણછોડભાઈ ઝીણાભાઈ પટેલ

4. નાથીયાભાઈ છનીયાભાઈ પટેલ

5. છોટુભાઈ છીમાભાઈ પટેલ

6. દયાળભાઈ મોરારભાઈ પટેલ

7. ડાહ્યાભાઈ ગોપાળભાઈ પટેલ

8. નારણભાઈ રવજીભાઈ પટેલ

9. નરસીંભાઈ સોમાભાઈ પટેલ

10. મગનભાઈ છીબાભાઈ પટેલ

11. કેશાભાઈ સુખાભાઈ પટેલ

12. ભીખાભાઈ રવજીભાઈ પટેલ

13. મંગાભાઈ ગોવનભાઈ પટેલ

14. રણછોડભાઈ લાલાભાઈ પટેલ

15. મનુભાઈ ઉમેદરામ

16. જેરામભાઈ સુખાભાઈ પટેલ

17. રામાભાઈ ઉંકાભાઈ પટેલ

18. કાનજીભાઈ બુધીભાઈ પટેલ

19. ઢેડાભાઈ લાલીયાભાઈ પટેલ

20. દયાળભાઈ સોમાભાઈ પટેલ

21. જેરામભાઈ ફકીરભાઈ પટેલ

22. દયાળભાઈ કેશવભાઈ પટેલ

23. મણીભાઈ છનાભાઈ પટેલ

રાષ્ટ્રવાદીઓ પર એવો આરોપ મુકવામાં આવ્યો હતો કે આ લોકો ગેરકાયદેસર મંડળીઓ રચે છે. સરઘસના રુપમાં સરકારી ચોરા પર હુમલો કરે છે. પોલીસ પર હુમલો કરી ઈજા પહોંચાડી હતી. એક પોલીસનું ખુન કરવામાં આવ્યું હતું. સાથે એ પણ જણાવવામાં આવ્યું હતું કે આ કોમ (કોળી પટેલ)ના બીજા ૧૪ જેટલા રાષ્ટ્રવાદીઓ નાસતા ફરે છે. આ પ્રમાણેનું તહોમત પોલીસ તરફથી મુકવામાં આવ્યું હતું.

જ્યારે કેસના સંદર્ભમાં હકીકત એનાથી જુદી હતી. હકીકત એ હતી કે શાંતીથી વીખેરાઈ જતા સરઘસ પર પોલીસો અકારણ ધસી આવ્યા હતા અને લાઠીમાર કર્યો હતો.

આ કેસમાં કુલ ૩૫ સાક્ષીઓ હતા.

સરકાર પક્ષે ધારાશાસ્ત્રી તરીકે શ્રી લક્ષ્મીશંકર દવે હતા. પાછળથી શ્રી ગુલામરસુલ એ. શેખને રોકવામાં આવ્યા હતા.

રાષ્ટ્રવાદીઓના બચાવપક્ષે ૧થી ૧૬ માટે રાવબહાદુર મણીભાઈ કરુણારામ તથા ૧૭થી ૩૨ માટે રમણીકલાલ જોષી અને ગુપ્તાનંદ પંડ્યા હતા. ૩૩થી ૪૮ માટે નસરવાનજી કાવસજી વકીલ હતા.

કેસની સુનાવણી કરવામાં આવી ત્યારે પોલીસો અને વેઠીયાઓ સાચા સાક્ષી નથી એમ કલેક્ટરે વારંવાર નોંધ લીધી હતી. આ આરોપીઓમાં છોટુભાઈ છીમાભાઈ જ્યારે પકડાયા ત્યારે તેમની ઉંમર ૧૬ વર્ષની નીચે હતી, એટલે એમના વકીલે વારંવાર અપીલ કરી હતી, વીરોધ કર્યો હતો. અંતે મુંબઈ હાઈકોર્ટના નીયમ પ્રમાણે જો છોટુભાઈ ગુનેગાર ઠરે તો સજા ભોગવવી પડે. એ રીતે છોટુભાઈને સજા કરી હતી. છોટુભાઈએ પોલીસથાણે હાજરી આપી સજા ભોગવી હતી.

તેર આરોપીઓને સજા કરવામાં આવી હતી, જેમાં ચાર કેદીઓ તો ઘણી મોટી ઉંમરના હતા. બધાને ચાર કે છ માસની સજા કરવામાં આવી હતી. સજા પામેલા આરોપીઓને સાબરમતી જેલમાં બડા ચક્કર નં. ૪માં રાખવામાં આવ્યા હતા. છેવટે આ બધા કેદીઓ જુન-જુલાઈ માસમાં છુટી ગયા હતા.

૧૦. સોડીયાવડનો જંગ

૨૫મી ડીસેમ્બર ૧૯૪૨ની રાત હતી. મારી સાથે અન્ય પ્રખર રાષ્ટ્રવાદી રામાભાઈ ઉંકા, જેરામભાઈ સુખા અને તાડ પર ત્રીરંગો ફરકાવનાર નારણભાઈ ઉંકા, અમે ચારે જણાએ નારણભાઈના ઘરમાં આશરો લીધો હતો. શું પ્રવૃત્તીઓ કરવી અને પોલીસના પંજામાંથી કેમ છટકવું તેની ચર્ચા વીચારણા કરી અમે ચારે ગાઢ નીદ્રામાં પોઢી ગયા હતા. કોઈ દુષ્ટ દેશદ્રોહીઓએ પોલીસોને બાતમી આપી દીધી હશે. એટલે ત્રણેક વાગે, વહેલી સવારે ઘરને ઘેરી લીધું. ચારેય જણ જાગી ગયા. બાકોરામાંથી નજર કરી. પોલીસો નજરે પડ્યા. લોહી ઉકળી ઉઠ્યું. પોલીસોનું કાટલું કાઢી નાખીએ એમ થઈ ગયું. પણ બીજી જ ક્ષણે એમ થયું કે તો તો ઉલમાંથી ચુલમાં પડવા જેવું થશે. એટલે ચારે જણ શરણે થઈ ગયા. ચારેને બંદીવાન બનાવી મટવાડ પોલીસચોકીએ લઈ ગયા. પરોઢ થતાં વાત આસપાસનાં ગામોમાં ફેલાઈ ગઈ.

પોલીસોના ચહેરા પર ગઢ જીત્યાનો હરખ હતો. વર્તમાન પત્રોમાં ચારેની ધરપકડના સમાચાર આપવા ઉતાવળા થઈ રહ્યા હતા.

આસપાસના ગામોમાં રહેતા ક્રાંતીકારી યુવાનોને સંદેશવાહકો મારફતે જાણ કરવામાં આવી. કરાડીના ક્રાંતીકારી રવજીભાઈ છીબાને જાણ થતાં તેમનો પારો આસમાને પહોંચી ગયો. કંઈક કરવું જોઈએ એમ થયું. અને રવજીભાઈ જે નક્કી કરે તે પાર પડે જ. એવી એમની ધૃતી. એમણે રણછોડભાઈને વાત કરી. પકડાયેલા રાષ્ટ્રવાદીઓને પોલીસના પંજામાંથી છોડાવવા જ એવી ગાંઠ વાળી. સોડીયાવડ પાસે પોલીસો પર હુમલો કરી જાનના જોખમે પણ બધાને છોડાવવાના છે એવું એલાન થઈ ગયું. આસપાસના ગામોમાં રહેતા ક્રાંતીકારીઓને સોડીયાવડની પરબ પાસે આવી પહોંચવાનું કહેણ મોકલાઈ ગયું. પકડાયેલ ચારે જણને બળદગાડામાં બેસાડીને લઈ જવાના છે એવી બાતમી મેળવી લીધી.

સવાર થતાં રાષ્ટ્રવાદીઓની ખબર કાઢવા સગાંસ્નેહીઓ આવી પહોંચ્યાં. સૌ ચીંતીત હતાં. શું થશે? ભાવી અંધકારમય હતું. કેમ કે મટવાડ ખાતે ખેલાયેલ જંગમાં એક પોલીસ માર્યો ગયો હતો. ચાર બંદુકો લોકોએ ઝુંટવી લીધી હતી. મામલો ગંભીર હતો. સાબીત થાય તો કાં ફાંસીની સજા થાય, કાં ૨૦ વરસની કેદ માથે લટકતી હતી.

મોટા ક્રાંતીકારીઓ સોડીયાવડ આગળ પહોંચી ગયા હતા. ધોળે દીવસે ધાડ પાડવાની હતી- બંદુકધારી પોલીસો પર, ને સાથીદારોને છોડાવવાના હતા. પરબની પાછળ બધા સંતાઈ ગયા. કેટલાકે ઓળખાઈ નહીં એ માટે બુકાની બાંધી હતી.

હુમલાની આગેવાની રવજીભાઈ છીબાએ લીધી હતી. તેઓ સૌની મોખરે હતા. તેની પાછળ રણછોડભાઈ રવજીભાઈ, ત્રીજા નંબરે નરસીંહભાઈ મંગા હતા. બાકીના સૌ પાછળ હતા. ક્યારે ગાડાં આવે ને ક્યારે હુમલો કરીએ? ક્યારે સાથીદારોને છોડવીએ? મગજમાં કંઈ કંઈ થતું હતું.

એવામાં કેદીઓને લઈને ગાડાં આવી ગયાં. એક ગાડામાં કેદીઓ અને પોલીસો હતા, બીજા ગાડામાં કેદીઓનાં કુટુંબીજનો હતાં. પાણી પીવા માટે ગાડાં ત્યાં થોભ્યાં. એ તકનો લાભ લઈને ક્રાંતીકારીઓએ એમની ઉપર હુમલો કર્યો. નરસીંહભાઈ મંગાએ આવેશમાં હવામાં ગોળીબાર કર્યો. પરીસ્થીતી વણસી ગઈ. કેટલાક એમ સમજ્યા કે પોલીસે ગોળીબાર કર્યો. એટલે તેઓ પાછા હટી ગયા. ગોળીબારના અવાજથી પોલીસો બેબાકળા બની ગયા. એટલામાં ક્રાાંતીકારી ભાઈઓએ કેદીઓને છોડાવવા હુમલો કર્યો. પોલીસો કુદી પડ્યા. ઝપાઝપી થઈ. એમાં રવજીભાઈ છીબાભાઈ, રણછોડભાઈ રવજીભાઈ, છગનભાઈ રણછોડભાઈ અને ગોસાંઈભાઈ છીબા મુખ્ય હતા.

ઝપાઝપી દરમીયાન એક કદાવર બંદુકધારી પોલીસ છટકી ગયો. તે પોતાનું કૌશલ્ય અજમાવે તે પહેલાં ગોસાંઈભાઈ છીબાએ એની બંદુક પર બે હાથ ભીડાવી દીધા. કદાવર પોલીસે પોતાની બંદુક છોડાવવા સઘળી તાકાત અજમાવી. પણ ગોસાંઈભાઈએ બંદુક છોડી નહીં. કદાવર પોલીસ જ્યારે બંદુક છોડાવી શક્યો નહીં, ત્યારે પોતાની વધુ ઉંચાઈનો લાભ લઈને ગોસાંઈભાઈના માથામાં ઝીંકવા માંડ્યો. ગોસાંઈભાઈના માથમાંથી લોહી નીકળવા માંડ્યું. એક કારમી ચીસ સંભળાઈ. ત્યાં તો રવજીભાઈ છીબા, નરસીંહભાઈ મંગા અને ઉંકાભાઈ દોડી આવી પઠાણી પોલીસને ઝબ્બે કરી લીધો. એની પાસેથી બંદુક ખુંચવી લીધી. જો ગોસાંઈભાઈએ અગમચેતી ન વાપરી હોત તો બેચારનાં રામ રમી જાત.

નરસીંહભાઈ મંગાએ આવેશમાં આવી હવામાં ગોળીબાર કર્યો ત્યારે હું અબ્દુલ ગની નામના પોલીસને ગુલાંટ મરાવીને ભાગી છુટ્યો. માની મુલાકાત લઈને સીધો પુર્ણા નદીને કાંઠે આવ્યો. સામે કાંઠેથી ગાયકવાડી રાજ્યની મુક્ત હવા મને આવકાર આપી રહી હતી. પુર્ણા નદી તરીને હું દેલવાડાનો મહેમાન બની ગયો.

બંદુક ઝુંટવાઈ ગઈ એટલે પોલીસોનો પારો ઉતરી ગયો. અબ્દુલ ગનીની સુરત ખાતે બદલી કરી દેવામાં આવી.

તે જમાનામાં આ જંગ સોડીયાવડ કેસતરીકે પ્રસીદ્ધી પામ્યો હતો. આ જંગથી પોલીસોને કાંઠાના બ્લડગૃપનો ખ્યાલ આવી ગયો. કાંઠાના લોકોએ પોતાના પાણીનો પરચો બતાવી દીધો. દેશના સ્વાતંત્ર્ય સંગ્રામના ઈતીહાસમાં કાંઠાનું આ ખમીર ભુલી શકાય તેવું નથી.

મારા સીવાય બાકીના ત્રણ કેદીઓ રામભાઈ ઉંકાભાઈ, જેરામભાઈ સુખા અને નારણભાઈ ઉંકાએ ભાગી જવાનું સાહસ નહોતું કર્યું. કર્યું હોત તો રંગ રહી જાત.

ત્રણેને જલાલપોરના થાણામાં લઈ ગયા હતા. હુમલાખોરોની ઓળખાણ પુછવામાં આવી હતી. એમણે બાતમી નહોતી આપી. એટલે સખત માર મારવામાં આવ્યો હતો.

મટવાડના ગાંડાભાઈ છીબા પોલીસને ભટકાઈ ગયા હતા. તેમને શક પરથી મુઢમાર મારવામાં આવ્યો હતો. ન્યુઝીલેન્ડવાસી સૌ ભાઈ ન્યુઝીલેન્ડની ઠંડી હવામાં જીવ્યા ત્યાં સુધી બેંતાલીસની લડતને યાદ કર્યા કરતા હતા.

આશ્ચર્યની વાત તો એ બની કે સોડીયાવડ કેસમાં જેઓ લેશમાત્ર સંડોવાયા ન હતા તેવા જેકભાઈ, પી.સી., લલ્લુભાઈ મકનજી, નાથુભાઈ, એચ. બી. અને કાનજીભાઈ તો ત્યાં હતા જ નહીં, તો પણ તેમને સંડોવી દેવામાં આવ્યા હતા.

ભરુચના રાષ્ટ્રવાદી વકીલ મોતીલાલ વીણએ આ ભાઈઓને પોલીસના પંજામાંથી છોડાવ્યા હતા. તેમની સેવા હંમેશાં યાદ રહેશે. તેમણે ગોસાંઈભાઈ છીબાને બીરદાવતાં એવું કહ્યું હતું કે સ્વતંત્ર ભારતમાં બહાદુરી માટે બ્રીટીશ રાજ્યમાં જે વીક્ટોરીયા એવૉર્ડ આપવામાં આવે છે તેવો એવૉર્ડ જાહેર કરવામાં આવે તો તે ગોસાંઈભાઈ છીબાને આપવો જોઈએ. અમારી વકીલાત સુરતના લલીતમોહન ગાંધીએ કરી હતી. અમને નવ નવ માસની સજા થઈ હતી.

૧૧. બાપુનાં કાર્યોની સંક્ષીપ્ત ઝાંખી

૧૮૬૯ ૨ ઑક્ટોબર, પોરબંદર શ્રી કરમચંદ ગાંધીને ત્યાં એમનો જન્મ.

૧૮૮૩ ૧૩ વર્ષની ઉંમરે કસ્તુરબાઈ સાથે તેમનાં લગ્ન.

૧૮૮૫ શ્રી કરમચંદ ગાંધીનું અવસાન.

૧૮૮૬ મેટ્રીકની પરીક્ષા પાસ કરી કૉલેજમાં દાખલ થયા.

૧૮૮૮ ૪ સપ્ટેમ્બર કાયદાના અભ્યાસ માટે ઈંગ્લેન્ડ ગયા.

૧૮૯૧ ૧૨ જુન ઈંગ્લેન્ડથી ભારત તરફ રવાના થયા.

૧૮૯૩ વેપારી પેઢીના કામે દક્ષીણ આફ્રીકા જવા રવાના થયા.

૧૮૯૩-૯૫ દક્ષીણ આફ્રીકામાં વકીલાતની શરુઆત કરી.

૧૮૯૬ જુન, ભારતમાં પાછા આવ્યા.

૧૮૯૯ બોઅર યુદ્ધમાં ઘાયલોની સેવા માટે સમીતીની સ્થાપના કરી.

૧૯૦૨ દેશયાત્રા, રેલ્વેમાં ત્રીજા વર્ગમાં મુસાફરી કરી.

૧૯૦૩ ૧ જાન્યુઆરી પ્રીટોરીયા ગયા અને એપ્રીલથી વકીલાતનો પ્રારંભ.

૧૯૦૭ સત્યાગ્રહ આંદોલનની શરુઆત.

૧૯૦૮ બે માસની કારાવાસની સજા. ૧૫ ઓક્ટોબર બે માસની જેલ ફરીથી.

૧૯૧૦ શીક્ષણ પ્રબંધ કર્યો.

૧૯૧૩ કસ્તુરબા સાથે સત્યાગ્રહના આંદોલનમાં પકડાયા.

૧૯૧૪ સત્યાગ્રહીઓની નૈતીક ભુલને કારણે ૧૪ ઉપવાસ.

૧૯૧૫ મહાત્માનું બીરુદ મળ્યું.

૧૯૧૬ ૪ ફેબ્રુઆરી, શ્રી નહેરુ સાથે પ્રથમ મુલાકાત.

૧૯૧૭ ૧૩ જુન, સાબરમતી આશ્રમની સ્થાપના.

૧૯૧૮ ૧૧ એપ્રીલ, રૉલેટ ઍક્ટનો વીરોધ કરવા દીલ્હી આવતાં ચળવળમાં ગીરફ્તાર.

૧૯૨૦ ગુજરાત વીદ્યાપીઠની સ્થાપના.

૧૯૨૧ લંગોટી પહેરવાનો નીશ્ચય.

૧૯૨૨ ૧૯ માર્ચ ગુજરાતીમાં આત્મકથા લખવાની શરુઆત કરી.

૧૯૨૩ હીન્દુસ્તાન સેવાદળની સ્થાપના.

૧૯૨૪ ૫ ફેબ્રુઆરી બીનશરતી જેલમુક્તી.

૧૯૩૦ ૧૨ માર્ચ ઐતીહાસીક દાંડી કુચ.

૧૯૩૧ ૨૬ ઑગષ્ટ, ગોળમેજી પરીષદમાં ભાગ લેવા ઈંગ્લેન્ડ જવા રવાના.

૧૯૩૨ ૪ જાન્યુઆરી, સત્યાગ્રહની ફરી શરુઆત.

૧૯૩૩ ૮ મે, ૨૧ દીવસીય ઉપવાસ શરુ. ૨૧ મે, ઉપવાસની સમાપ્તી.

૧૯૩૪ ઑક્ટોબર, કોંગ્રેસના સભ્યપદનો ત્યાગ.

૧૯૩૫ એપ્રીલ, હીન્દીને રાષ્ટ્રભાષાની અપીલ.

૧૯૩૯ હીટલરને યુદ્ધ ન કરવાની અપીલ.

૧૯૪૦ ૧૧ ઑક્ટોબર, સત્યાગ્રહનો સુત્રપાત.

૧૯૪૨ ૯ ઑગષ્ટ, “ભારત છોડોપ્રસ્તાવને કારણે ગીરફ્તાર. ૧૬ ઑગષ્ટ, મહાદેવભાઈનું અવસાન.

૧૯૪૩ ૧૦ ફેબ્રુઆરી, આગાખાન મહેલમાં ૨૧ દીવસના ઉપવાસનો આરંભ.

૧૯૪૪ ૨૨ ફેબ્રુઆરી, કસ્તુરબાનું અવસાન.

૧૯૪૫ સીમલામાં સ્વાતંત્ર્ય વાર્તાલાપ.

૧૯૪૬ ૧ મે, બ્રીટીશ પ્રતીનીધી મંડળ સાથે મુલાકાત.

૧૯૪૭ માર્ચ બીહાર યાત્રા.

૧૯૪૭ ૧૫ ઑગષ્ટ, ભારતની આઝાદી.

૧૯૪૮ ૧૮ જાન્યુઆરી, નેતાઓના આશ્વાસનથી ઉપવાસની સમાપ્તી.

૧૯૪૮ ૨૦ જાન્યુઆરી, પ્રાર્થનાસભામાં બોમ્બ ફેંકાયો, પણ કોઈ નુકશાન ન થયું.

૧૯૪૮ ૩૦ જાન્યુઆરી, મહાપ્રયાણ (નીર્વાણદીન).

૧૨. કાંઠા વીભાગના સ્વાતંત્ર્ય સૈનીકો

કરાડી

1. આ. શ્રી. મણીભાઈ શનાભાઈ

2. મકનજી પરસોતભાઈ

3. ધીરજભાઈ ભાણાભાઈ

4. પાંચાભાઈ પટેલ

5. રવજીભાઈ છીબાભાઈ

6. નાનુભાઈ છીબાભાઈ

7. જેરામભાઈ છીબાભાઈ

8. ફકીરભાઈ છીબાભાઈ

9. જેરામભાઈ ફકીરભાઈ(જેક)

10. કનુભાઈ ભાણાભાઈ

11. પાર્વતીબેન સુખાભાઈ

12. ડાહીબેન સુખાભાઈ

13. ગંગુબેન ફકીરભાઈ

14. ભાણીબેન મકનજી

15. પ્રેમીબેન ભાણાભાઈ

16. રામીબેન વલ્લભભાઈ

17. દેવીબેન ગોવીંદભાઈ

18. મણીબેન મંગળદાસ

19. કમળાવતી દયાળભાઈ

20. જમુબેન ભાણાભાઈ

21. પાર્વતીબેન દયાળજી

22. શાંતાબેન પરસોતમભાઈ

23. કમળાબેન પરસોતમભાઈ

24. જસમતભાઈ નાનાભાઈ

25. ગણેશભાઈ સુખાભાઈ

26. મકનજી પટેલ

27. જસમતભાઈ રાઠોડ

28. રણછોડભાઈ ભાણાભાઈ

29. લાલાભાઈ છીબાભાઈ

30. જેરામભાઈ રવજીભાઈ

31. છોટુભાઈ રવજીભાઈ

32. છગનભાઈ ફકીરભાઈ

33. ભીખાભાઈ રવજીભાઈ

34. કાનજીભાઈ ગોવીંદભાઈ

35. દરબારી સાધુ સ્વામીજી

36. પ્રભુભાઈ ડાહ્યાભાઈ

37. છીબુભાઈ લાલભાઈ

38. જેરામભાઈ રણછોડભાઈ

39. પ્રભુભાઈ ઉંકાભાઈ

40. નારણભાઈ ઉંકાભાઈ

41. નાનુભાઈ રણછોડભાઈ

42. ગોવીંદભાઈ

43. દયાળભાઈ મોરારભાઈ

44. જયરામભાઈ સુખાભાઈ

45. નરસીંહભાઈ સોમાભાઈ

46. ડાહ્યાભાઈ ગોપાળભાઈ

47. કેશવભાઈ સુખાભાઈ

48. નાથુભાઈ છનાભાઈ

49. નારણભાઈ રવજીભાઈ

50. નારણભાઈ સુખાભાઈ

51. નાથુભાઈ ઉંકાભાઈ

52. ધીરુભાઈ નાથુભાઈ

53. કાનજીભાઈ છીબાભાઈ

54. સોમભાઈ પ્રેમાભાઈ

55. જયરામભાઈ દયાળજી

56. શાંતાબેન રવજીભાઈ

57. કાનજીભાઈ છીબાભાઈ

58. મોહનભાઈ રામભાઈ

59. મંગળદાસ સોની

60. બુધીભાઈ કંસારા

61. રામભાઈ ઉંકાભાઈ

62. નારણભાઈ ઉંકાભાઈ

63. મનુભાઈ પાઠક

64. પાર્વતીબેન વલ્લભભાઈ

65. વાલીબેન નાથુભાઈ

66. ગોવીંદભાઈ સુખાભાઈ

67. વાલજીભાઈ મુળચંદ

68. મગનભાઈ છીબાભાઈ

69. ગોવીંદભાઈ બુધીભાઈ

70. નાનુભાઈ મકનભાઈ

71. શહીદ રણછોડભાઈ લાલભાઈ

72. શહીદ મોરારભાઈ પાંચાભાઈ

મટવાડ

1. શ્રી. પરભુભાઈ છીબાભાઈ

2. લલ્લુભાઈ મકનજી

3. ગોસાંઈભાઈ છીબાભાઈ

4. પરસોતમ હીરાભાઈ

5. છીમાભાઈ દુલ્લભભાઈ

6. છોટુભાઈ છીમાભાઈ

7. દયાળભાઈ મકનજી

8. હીરાભાઈ મકનજી

9. જેરામભાઈ વલ્લભભાઈ

10. રામુભાઈ છીબાભાઈ

11. મોરારભાઈ સોમાભાઈ

12. સોમાભાઈ દુલ્લભભાઈ

13. નરસીંહભાઈ છોટુભાઈ

14. ડાહીબેન રામભાઈ

15. દયાળભાઈ કેસરી

16. નાનાભાઈ વલ્લભભાઈ

17. ભાણાભાઈ લાલાભાઈ

18. મંગાભાઈ દીતીયાભાઈ

19. લલ્લુભાઈ જગાભાઈ

20. બાબુભાઈ રામભાઈ

21. રણછોડભાઈ ઝીણાભાઈ

22. દયાળભાઈ સોમાભાઈ

23. મગનભાઈ છીબાભાઈ

24. હીરાભાઈ ભાણાભાઈ

25. બાવાભાઈ સુખાભાઈ

26. સુખાભાઈ ખાપાભાઈ

27. નારણભાઈ બાલાભાઈ

28. ગોવીંદભાઈ નાનાભાઈ

29. દેવીબેન ગોવીંદજી

30. પ્રેમાભાઈ લાલભાઈ

31. મંગાભાઈ સુખા

32. રામજીભાઈ સુખા

33. રણછોડભાઈ મોરારભાઈ

34. દયાળજી ભાણાભાઈ

35. કાનજીભાઈ પાંચીયાભાઈ

36. હીરાભાઈ કાનજીભાઈ

37. ગોવીંદભાઈ રવજીભાઈ

38. ઢેડાભાઈ લાલભાઈ

39. રણછોડભાઈ લાલભાઈ

40. ઉંકાભાઈ ગોપાળજી

41. ડાહ્યાભાઈ ગોપાળભાઈ

42. ગોસ્વામી વલ્લભભાઈ

43. મણીબેન મંગાભાઈ

44. હીરાભાઈ ઢેડાભાઈ

45. નારણભાઈ ભાણાભાઈ

46. ઉંકાભાઈ પાંચાભાઈ

47. ઉંકાભાઈ રણછોડભાઈ

48. નારણભાઈ રવજીભાઈ

49. લક્ષ્મીબેન રામભાઈ

50. નારણભાઈ રવજીભાઈ

51. નાથુભાઈ છનાભાઈ

52. દયાળજી રામભાઈ

53. બાબુભાઈ રામાભાઈ

54. ડાહ્યાભાઈ છીબા

સામાપુર

1. શ્રી. ભાણાભાઈ એન. પટેલ

2. કાનજીભાઈ બુધીભાઈ

3. વ્રજલાલ ભાણાભાઈ

4. દયાળભાઈ રામભાઈ

5. છગનભાઈ રામભાઈ

6. મગનભાઈ મોરારભાઈ

7. મંગાભાઈ ગોવીંદજી

8. છીબુભાઈ ભાણાભાઈ

9. રણછોડભાઈ મોરારભાઈ

10. લલ્લુભાઈ નાનાભાઈ

11. પરભુભાઈ જોગી

દાંડી

1. શ્રી અમૃતભાઈ ડાહ્યાભાઈ

2. નરસીંહભાઈ નાનાભાઈ

3. પરભુભાઈ દેવાભાઈ

4. પરભુભાઈ મંગાભાઈ

5. શાંતીલાલ મકનજી

6. હીરુભાઈ સુખાભાઈ

7. દીનકરભાઈ ભીખુભાઈ દેસાઈ

કોથમડી

1. શ્રી સુખાભાઈ સોમાભાઈ

2. ઉંકાભાઈ પાંચાભાઈ

3. દયાળભાઈ ભાણાભાઈ

4. ફકીરભાઈ પરાગભાઈ

5. લલ્લુભાઈ કારા

પેથાણ

1. શ્રી. ડાહ્યાભાઈ માસ્તર

2. ગંગુબેન મંગાભાઈ

3. કેશવભાઈ

આટ

1. શ્રી છગનભાઈ સુખાભાઈ

2. મોહનભાઈ ભાણાભાઈ

3. લલ્લુભાઈ બુધાભાઈ

4. ખંડુભાઈ સુખાભાઈ

5. લખુભાઈ બુધીયાભાઈ

6. પરસોતમ લખુભાઈ

7. ભાણાભાઈ મંગાભાઈ

8. મોહનભાઈ ભાણાભાઈ

9. કાલીદાસ નરસીંહભાઈ

10. ડાહ્યાભાઈ મકનજી

11. ખંડુભાઈ મંગાભાઈ

12. દયાળજી મકનજી

મછાડ

1. શ્રી પ્રેમાભાઈ છીકાભાઈ

2. સુખાભાઈ છીકાભાઈ

3. ભોવનભાઈ છીકાભાઈ

4. મકનભાઈ સુખાભાઈ

5. ડાહ્યાભાઈ પટેલ

6. છગનભાઈ ફકીરભાઈ

સુલતાનપુર

1. શ્રી છીબુભાઈ કેશવજી

2. ભાણાભાઈ છાણીયા

બોદાલી

1. નાનાભાઈ લાલાભાઈ

2. કેશવભાઈ જેરામભાઈ

3. પરભુભાઈ જેરામભાઈ

4. કેશવભાઈ સુખાભાઈ

5. પ્રાગજીભાઈ ભગુભાઈ

6. મીઠાભાઈ કાનજીભાઈ

7. લાલાભાઈ જેરામભાઈ

8. રામભાઈ પાંચા

9. જેરામભાઈ સોમા

બોરીફળીયા

1. શ્રી વસનજી ઉંકાભાઈ

2. ખંડુભાઈ મંગાભાઈ

3. રામીબેન વલ્લભભાઈ

4. નારણભાઈ મોરારભાઈ

5. મોરારભાઈ રણછોડભાઈ

ઓંજલ

1. શ્રી પરસોતમ પાંચાભાઈ

2. છગનભાઈ રામભાઈ

(બને કે આ યાદી અધુરી હોય. માહીતીને અભાવે કેટલાંક નામો રહી જવા પામ્યાં હોય. ક્ષમા કરશો. નામો મોકલવા વીનંતી.)

(ભારત વીદ્યાલય કરાડીઃ અમૃત મહોત્સવ સ્મરણીકામાંથી સાભાર)

૧૩. જેલજીવનનાં સંભારણાં

રાષ્ટ્રવાદી કેદીઓ જેલમાં બધી રીતે ટેવાઈ ગયા હતા. કોઈ વાર ભસતા તો કોઈ વાર હસતા, કોઈ વાર ઘુરકતા તો કોઈ વાર વળી ટીખળી પણ કરતા. જેલની યાતનાઓને રોતાં પાર આવે એમ નહોતું. એટલે જેલને તેમણે હાસ્યવીનોદમાં પલટાવી દીધી હતી. એમ કરીને તેઓ જેલના દીવસો પસાર કરતા હતા.

બાવાભાઈ બચી ગયા

મટવાડ મોખલા ફળીયાના બાવાભાઈ સુખાભાઈ સુરતમાં એક ખોલી ભાડે રાખીને સામાન્ય નોકરી કરતા હતા. આ તો રાષ્ટ્રવાદનો જમાનો હતો. બ્રીટીશ સરકારને કેમ હંફાવવી તેનું જ રટણ મનમાં ચાલ્યા કરતું. સુરતમાં કેટલાક રાષ્ટ્રવાદી યુવાનો બોંબ બનાવવાની તજવીજમાં હતા. બાવાભાઈ પણ રાષ્ટ્રવાદના રંગે રંગાયેલા હતા. બોંબની તજવીજમાં ફરતા યુવાનોએ કાચા દારુનો જથ્થો બાવાભાઈની ખોલીમાં સંઘર્યો હતો. પોલીસ તો કાબેલ કુતરાની જેમ ગંધ કાઢતી જ હતી. એવામાં સુરતના બોંબ કેસમાં કેટલાક લોકો ઝડપાયા હતા. ઉલટતપાસમાં કોઈકે બાવાભાઈનુંયે નામ આપી દીધું. પોલીસે દરોડો પાડી બાવાભાઈની ખોલીમાંથી દારુગોળો જપ્ત કર્યો. બાવાભાઈને સુરતના બોંબ કેસમાં સંડોવવામાં આવ્યા. બાવાભાઈ બેકાર અને બેહાલ બની ગયા. પરંતુ કોર્ટમાં એમના પરનો આરોપ સાબીત ન થઈ શક્યો. એટલે બાવાભાઈ આબાદ બચી ગયા. છતાં અટકમાં રાખવામાં આવ્યા હતા.

સુરતના બેત્રણ રાષ્ટ્રવાદીઓને સજા કરવામાં આવી હતી. કાંઠાવીભાગમાંથી પણ કેટલાક ઝડપાયા હતા. ગણેશભાઈ સુખાભાઈ, ફકીરભાઈ પરાગભાઈ, ભગતભાઈ લખુભાઈ, પરસોત્તમ લખુભાઈ, મોહનભાઈ ભાણાભાઈ અને દયાનંદ સુખાભાઈને અટકમાં રાખવામાં આવ્યા હતા. અટકમાં રાખવામાં આવેલ કેદીઓ પોતાના પૈસે બહારથી ખાવાનું મંગાવી શકતા હતા. અટકાયતીઓને ઘઉંની રોટી આપવામાં આવતી.

રામનું પતેડીયું

મટવાડ ખાતે અણધાર્યો જંગ ખેલાયો હતો. તેમાં ૨૩ જણા સેશન્સ કમીટ થયા હતા. તેમાં કરાડીના રામભાઈ ઉંકાભાઈ પણ હતા. સેશન્સ કમીટ થયેલ રાષ્ટ્રવાદીઓમાં જો કોઈ ગુનેગાર ઠરે તો તેને ૨૦ વરસની જેલની સજા થાય. એટલે જીંદગીનો ગોટો વળી જાય. તેથી તેઓ ઉંઘી પણ નહોતા શકતા.

છ માસને અંતે જાન્યુઆરી ૧૯૪૪માં કેસની તારીખ નક્કી થઈ. સુરતમાં કેસ ચાલ્યો. દૈવયોગે રામભાઈ નીર્દોષ છુટી ગયા. મનમાં હરખનો કોઈ પાર ન હતો. હરખમાં ને હરખમાં ઘરે જતા હતા. ત્યારે સામેથી પોલીસને આવતા જોયા. એટલે રામભાઈ તરત જ બીજી ગલીમાં વળી ગયા. તો ત્યાં પણ સામેથી પોલીસો જ હતા. મન જેને જોવાયે નહોતું ઈચ્છતું તે આમ સામેથી ભટકાતા હતા. એટલે રામભાઈને શંકા ગઈ. પોલીસોએ એમ માન્યું કે રામભાઈ ભાગે છે. એટલે તરત જ એમની ધરપકડ કરી. સુરતની સબજેલના મહેમાન બનાવી દીધા. કર્મની ગતી પણ ન્યારી છે. આ વખતે રામભાઈ એક આબરુદાર અટકાયતી કેદી હતા. આ આબરુને કારણે તેઓ ઘઉંની રોટી અને ચા માટે લાયક ગણાયા હતા. તેથી જેલના મોટા અધીકારીને મુંબઈ અરજી કરવામાં આવી. અરજી મળતાં જ મોટા સાહેબે કાગળ લખ્યો કે રામભાઈને રોટી અને ચાની સગવડ આપવી. સુરતના અધીકારીએ જણાવ્યું કે અહીં એ સગવડ નથી. એટલે સાહેબે વળતી ટપાલે સંદેશો મોકલ્યો કે એમને સુરતથી અમદાવાદની જેલમાં મોકલી આપો. આ તો બકરું કાઢતાં ઉંટ પેઠુંજેવો ઘાટ થયો. જેલના સાથીદારોએ તો રામભાઈને ચા-રોટલી ને સારું ખાવાનું મળે તે હેતુથી જહેમત ઉઠાવી હતી. જેલના મીત્રોએ રામભાઈનો બીસ્ત્રો બાંધ્યો. ત્યારે રામભાઈ મજાક કરતાં બોલ્યાઃ અલ્યા ભાઈ, ચા, રોટલી ને સારું ભોજન જોઈએ એટલે તમે લોકોએ તો મારું પતેડીયું વાળી દીધું.!અને હાસ્યનું મોજું ફરી વળ્યું.

બ્રીટાનીયા બીસ્કીટ

લડતમાં ભાગ લેનારા મોટા ભાગના યુવાનો હતા. સરખે સરખા હતા. ગમ્મત ન કરે તો પોલીસના ખુનકેસનો વીચાર મનને ચકડોળે ચઢાવતો હતો. એટલે ટીખળ કરી સમય પસાર કરતા હતા. જન્મથી જ બધા જુવારના રોટલા ખાવા ટેવાયેલા હતા. પરંતુ જેલમાં બાજરીના રોટલા આપવામાં આવતા હતા. ખાસ્સા ત્રણ. ગળે ઉતરતાં આનાકાની કરતા હતા. બે માંડ પુરા થતા. રામભાઈ ઉંકાભાઈ વધેલા ટુકડા ભેગા કરી લેતા, અને ચાર વાગે ચાના સમયે ઢોબલું ઠોકી લહેકાથી બુમ મારતાઃ બ્રીટાનીયા બીસ્કીટ, બ્રીટાનીયા બીસ્કીટ….અને સૌ હોંશે હોંશે આવીને ચા સાથે ખાઈ લેતા.

ઉંઘ નોતી આવતી

સાબરમતી જેલ એ હીન્દુસ્તાનના સ્વરાજ્યની કથાનું એક અવીભાજ્ય અંગ છે. આ જેલયાત્રામાં મારી સાથે રામભાઈ ઉંકાભાઈ, દયાળભાઈ સોમાભાઈ અને જેકભાઈ જેવા સાથીઓ હતા. રામભાઈ સાથે અમે બે નજીક નજીક સુતા. પોલીસ ખુનકેસના વીચારોને કારણે હું ઉંઘી નોતો શકતો. રામભાઈ વાતો કરતા ત્યારે ટાપશી પુરાવ્યા કરતો. રામભાઈ પુછતા કે તમે ઉજાગરા કેમ કરો છો? ત્યારે હું કહેતો કે આપણે માથે ખુનકેસનો આરોપ છે. તમને અને મને લટકાવી દેવાનાં નગારાં વાગી રહ્યાં છે. એટલે ઉંઘ નથી આવતી.

જેકભાઈ હીંમતવાન હતા. મર્દાનગીનાં કાર્યોમાં હંમેશાં મોખરે રહેતા. મણીભાઈના તારામંડળમાં એ ચમકતા સીતારા હતા. પણ પોલીસ ખુનકેસની તલવાર માથે લટકતી હતી એ વાત એમને પણ પજવતી તો હતી. ખુન કંઈ એ લોકોને હાથે નોતું થયું. પણ શું ભરોસો? અંતરના ઉંડાણમાં મોજાંઓ અથડાયા કરતાં હતાં. એટલે ઉંઘમાં જેકભાઈ બોલતાઃ પી.સી., ઓ પી.સી., આ જુઠા સાક્ષીઓ આપણને મરાવી લાખવાના જો!

નીર્દોષ છુટી ગયા

૨૫મી ડીસેમ્બર ૧૯૪૨ની રાતે અમને ચારે મીત્રોને પકડી લીધા. ચારેને મટવાડ પોલીસથાણે લઈ ગયા. આસપાસનાં ગામોમાં સમાચાર પહોંચી ગયા. એટલે લોકો ભેગાં થઈ ગયાં. અનેક જાતની શંકાકુશંકા કરવા લાગ્યાં. શું થશે? સજા થશે? કેટલી થશે? કોઈ કહેતું ફાંસીની સજા પણ થાય. તો વળી કોઈ કહેતું ૨૦ વર્ષની સજા પણ થાય- જો ગુનો સાબીત થાય તો. ત્યારે કોઈ કહેતું- પણ ખુન એમણે ક્યાં કર્યું છે? અવળચંડાઈ તો પોલીસોએ કરી છે. આ રીતે લોકોમાં તરેહ તરેહની વાતો થાય છે. તર્કવીતર્ક થાય છે.

આવા વાતાવરણમાં રામભાઈની ધર્મપત્ની મણીબેન પોતાની દીકરી સવીતાને હાથમાં લઈને પતીને નીહાળતી ઉભી છે. દેશની આઝાદી માટે માથું મુકીને ઝઝુમનાર પતી માટે મણીબેનના મનમાં અહોભાવ છે. ગર્વ છે. ટોળાની આગલી હરોળમાં ઉભી ઉભી એ પતી તરફ જોયા કરે છે, અને દીકરીને માથે વહાલથી હાથ ફેરવ્યા કરે છે.

એ દૃશ્યથી મારી આંખો ભીની થઈ. મને ભુતકાળમાં વાંચેલી બંગાળના એક ક્રાંતીકારીની કથા યાદ આવી.

ક્રાંતીમાં સંડોવાયેલ એ યુવાનને ૧૪ વર્ષની સજા થાય છે. પત્ની સગર્ભા હતી, પણ એનાથી એ અજાણ છે. દીકરાનો જન્મ થાય છે. ૧૪ વર્ષની સજા ભોગવી એ ઘરે આવે છે, ત્યારે એ આંગણામાં રમતો હોય છે. કેદી આ કીશોરને પોતાની મા વીષે પુછે છે. કીશોર દોડતો એની દાદીમાને બોલાવી લાવે છે. માને જોતાં જ ૧૪ વર્ષનો ભુતકાળ કોઈ ચલચીત્રની જેમ સામે તાદૃશ થાય છે. કેદી પોતાની માને પુછે છેઃ હેં માડી, આ દીકરો કોણ છે?” અને માડી એને જવાબ આપે છેઃ મારા લાલ, ઓળખ્યો નંઈ ગગાને….?”

દીકરી સવીતાને જોઈને મને એમ થયું કે આનું પુનરાવર્તન તો નહીં થાય ને! ૨૦ વર્ષની કેદ પછી આવવાનું થશે ત્યારે તો આ દીકરી પરણીને સાસરે ગઈ હશે. એના મનમાં કેવા કેવા પ્રશ્નો ઉભા થશે? પીતા કોણ હશે? ક્યાં હશે? શું કરતા હશે?…. કોણ સમાધાન કરશે એના મનનું! એની કુંવારી લાગણીઓનું!

અને આ બાજુ આ બધાને જેલમાં લઈ જાય છે. કેસ ચાલે છે. ચારેચાર નીર્દોષ છુટી જાય છે. હીંદમાતાના આશીર્વાદ અમને ચારેને બચાવી લે છે. અમે ચારેચાર યુવાનો ન્યુઝીલેન્ડમાં સ્થાયી થયેલા હોવા છતાં માભોમની મુક્તીના જંગમાં યા હોમ કરીને કુદી પડ્યા હતા! મુક્તી મળશે કે નહીં એની ક્યાં ખબર હતી?

રોટલાનું રહસ્ય

સાબરમતી જેલમાં બાજરીના રોટલા ખાતા ત્યારે ખેડુતને સુકી ભઠ જમીન ખેડતાં જે અનુભવ થાય તેવો અનુભવ દક્ષીણ ગુજરાતના કેદીઓને થતો. ગળે ઉતારતાં ગોળના પાણીનો સ્નેહાભીષેક આપવો પડતો. છતાં ૩૫ જેટલા રોટલા વધી પડતા. રામભાઈ એ વધેલા રોટલાની થપ્પી લઈને બહાર આવતા ત્યારે રામની વાનરસેનાના એ વારસો એના નામેરીની આસપાસ ડાહ્યાડમરા થઈને ગોઠવાઈ જતા. રામભાઈ દરેકને પ્રસાદમાં અકેક રોટલો આપતા. કોઈક લોભી જીવ બીજો રોટલો લેવા હાથ લંબાવતો ત્યારે રામભાઈ એને ટપારતા એલા, તને એક તો આપ્યો ને! ત્યારે એ જીવ શરમાઈ જતો. હાથ પાછો ખેંચી લેતો.

એક વાર રામભાઈ રોટલાનો પ્રસાદ વહેંચી રહ્યા હતા. ત્યારે જેકભાઈને એ વાંદારાઓની નકલ કરવાનું મન થયું. તેઓ ઉંચા ઓટલા પરથી રામભાઈ જ્યાં રોટલા વહેંચતા હતા ત્યાં હુપ હુપ કરતા કુદ્યા. વાંદરાઓને એમ થયું કે આ નપુંછીયો વળી કોણ? કુદાકુદ કરતા ભાગ્યા.

જેકના આ પરાક્રમથી બધા પેટ પકડીને હસ્યા.

ભાઈલાલ ભટકાણા

સ્વરાજ્યના સમરાંગણમાં જેલો ઉભરાતી હતી. તેમાં જુદા જુદા પ્રાંતોમાંથી બધા આવતા. અસહકાર અને બહીષ્કાર કરનાર સહુનો અહીં ભેટો થતો. સૌ એકમેકને મળતા. ઓળખતા. તેમાં અમદાવાદના બોંબકાંડમાં સંડોવાયેલા પણ કેટલાક હતા. તેમાં એક ભાઈલાલભાઈ હતા. તે બધાથી નોખા જ તરી આવતા હતા. કાંઠાના ભાઈઓ જોડે તેઓ હળીભળી ગયા હતા. તેઓ ઈલેક્ટ્રીકલ એન્જીનીયર હતા. મારી જોડે એમને વધુ મેળ પડતો. ભાઈલાલભાઈ કાંઠાના ભાઈઓને જોઈને કહેતા કે તમે બધા તો જેલમાં પણ ખુબ આનંદથી રહો છો. તમારી જેમ હું આનંદથી રહી શકતો નથી. જેલના ત્રાસથી તેઓ વ્યથીત થઈ જતા હતા.

એક દીવસે મેં એમને કહ્યું કે આપણે બધા સ્વરાજ્યના સૈનીકો છીએ. સ્વેચ્છાએ અહીં આવ્યા છીએ. ત્યારે ભાઈલાલભાઈએ કહ્યું કે તમે તમારી ઈચ્છાથી આવ્યા હશો. હું મારી ઈચ્છાથી આવ્યો નથી. એટલે મેં પુછ્યું કે એમ કેમ? ત્યારે જે જાણવા મળ્યું તે પ્રમાણે ભાઈલાલભાઈ એક કાપડ મીલમાં એંજીનીયર હતા. અમદાવાદના રાષ્ટ્રવાદી યુવાનો આખા અમદાવાદ શહેરમાં અંધારપટ છવાઈ જાય તેવું કરવા ઈચ્છતા હતા. તે માટે તેઓ ઈલેક્ટ્રીસીટી ડેપોમાં બોંબ મુકી વીદ્યુતપ્રવાહ સદંતર બંધ કરી દેવા માગતા હતા. ઈલેક્ટ્રીસીટીના કયા મહત્ત્વના ભાગમાં બોંબ મુકવાથી અંધારપટ કરવામાં સફળતા મળે તેનો પ્લાન દોરવા દ્વારકાદાસ અને રામપ્રસાદ નામના બે યુવાનો ભાઈલાલભાઈ પાસે આવ્યા હતા. ભાઈલાલભાઈએ તેમને ના પાડી હતી. એટલે તેઓ ભાઈલાલભાઈના એક મીત્રની ચીટ્ઠી લઈને આવ્યા. તો યે ભાઈલાલભાઈએ ના જ પાડી. છેવટે એ લોકો મીત્રને રુબરુ લઈને આવ્યા. મીત્રે ધરપત આપી કે ચીંતા ન કરતા. આ વાતની આપણા સીવાય કોઈને ખબર નહીં પડે. ત્યારે ભાઈલાલભાઈ પ્લાન દોરી આપવા તૈયાર થયા. સ્કેચ દોરી આપ્યો. પણ વીધીના લખ્યા લેખ મીથ્યા જતા નથી. રાષ્ટ્રવાદીઓ બોંબ મુકે તે પહેલાં જ ઝડપાઈ ગયા. બાજી બગડી ગઈ. પોલીસે વાત કઢાવવા ભયંકર જુલમો કર્યા. બરફની પાટ પર સુવડાવ્યા. નખમાં ટાંકણી ભોંકી. ત્રાસથી તોબા તોબા થઈ ગયા. છેવટે નામો આપ્યાં. એ રીતે ભાઈલાલભાઈ જેલમાં આવ્યા હતા.

ભાઈલાલભાઈ મોટી ઉમરના હતા. નીઃસંતાન હતા. એમનાં પત્ની દર અઠવાડીયે મીઠાઈઓ અને ફળોના કરંડીયા લઈને આવતાં. બીજા કેદીઓની મદદથી ભાઈલાલભાઈ એ કરંડીયો લાવતા. કાંઠાના ભાઈઓને ખાવા બોલાવતા. પણ પત્નીના વીયોગથી એ એટલા બધા ઢીલા પડી જતા કે ખુબ રડતા. કોઈને કંઈ ખાવું ગમતું નહીં. બીજે દીવસે ભાઈલાલભાઈ સ્વસ્થ થઈ જતા. ત્યારે મીત્રો લહાણી કરતા.

રાષ્ટ્રવાદી મેળો

મેળો શબ્દ સમુદાયનું સુચક છે. હીંદુ સંસ્કૃતીમાં મેળાની વીભાવનામાં ધર્મ અને મોક્ષનો ભાવ અભીપ્રેત છે.

સ્વતંત્રતા સંગ્રામની ચળવળમાં જેલયાત્રાએ અતી મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. આ જેલયાત્રા દરમીયાન દેશના જુદા જુદા પ્રાંતોમાંથી ભાત ભાતના સ્વાતંત્ર્ય સેનાનીઓ આવતા. તેમાંથી કેટલાક રાષ્ટ્રીય નેતાઓ હતા. કેટલાક કવીઓ, લેખકો, પ્રોફેસરો, ડૉક્ટરો, એંજીનીયરો હતા. તો કેટલાક ધનવાન શ્રેષ્ઠીઓ, સમાજસેવકો અને રાજકીય આગેવાનો પણ હતા.

આ જેલયાત્રા દરમીયાન અમને ગણેશ વાસુદેવ માવલંકર, રવીશંકરદાદા, બલ્લુભાઈ મજમુદાર, નીરુભાઈ દેસાઈ, મધુ લીમયે જેવા પ્રતીભાશાળી રાષ્ટ્રીય આગેવાનોનો પરીચય થયો હતો. એમના જ્ઞાન અને અનુભવનો લાભ મળ્યો હતો. બલ્લુભાઈ મજમુદાર બનારસ યુનીવર્સીટીના અર્થશાસ્ત્રના પ્રોફેસર હતા. તેઓ જેલમાં અર્થશાસ્ત્રના વર્ગો ચલાવતા. સાબરમતી જેલમાં ગુજરાતના મોટા ઉદ્યોગપતી અંબાલાલ સારાભાઈ પણ રાષ્ટ્રીય ચળવળમાં ભાગ લેવા બદલ અમારા બધાની સાથે એક કેદીની જેમ રહેતા હતા. જેકભાઈ તેમના સંપર્કમાં આવ્યા હતા. જેકભાઈ ભજનો ગાતા, તે તેમને ખુબ ગમતાં. જેકભાઈને ભજનો સંભળાવવા ખાસ બોલાવતા. સરલાદેવી સારાભાઈ પણ ગાંધી રંગે રંગાયેલાં હતાં. ગુજરાતની અનેક રચનાત્મક પ્રવૃત્તીઓમાં જોડાયેલાં હતાં. જેકભાઈને તો પછીથી ખબર પડી કે જેમને એ ભજનો સંભળાવતા તે અંબાલાલ સારાભાઈ તો અમદાવાદના મોટા મીલમાલીક છે. ત્યારે તેમને નવાઈ લાગી. મહાત્મા ગાંધીએ કેવા કેવા માણસોને ભુરકી નાખી સ્વરાજ્યની લડતમાં ભેળવી લીધા છે! અમને કાંઠા વીભાગના ભાઈઓને આવા વડીલોની સાથે રહેવાનું મળ્યું તેથી જીવનમાં ખુબ જ લાભ થયો છે. સાબરમતી જેલ એ અમારા જેવા માટે તો ઓપન યુનીવર્સીટીહતી.

ભૈયાજીને ભાન થયું

જેલમાં એક ભૈયાજી સાથે ભેટો થયો. જેલમાં મળતા ખોરાકના રેશનથી તેઓ અસંતુષ્ઠ હતા. તેથી ખાવાના રેશનમાં વધારો કરાવવા માટે મારો સંપર્ક સાધ્યો, કેમ કે હું યોગ્ય રીતે દલીલ કરી મદદ કરી શકું. વાતચીત કરતાં મેં ગુનાનો મુદ્દો પુછ્યો. ત્યારે તેમણે જણાવ્યું કે હું દાણાચણા વેચી ગુજરાન ચલાવું છું. મેં દાણાચણાના બદલામાં તાંબાપીત્તળનાં વાસણો ખરીદ્યાં હતાં. ચોરી નહોતી કરી. હું નીર્દોષ છું.

આ દાણાચણાના બદલામાં ચોરીનું તત્ત્વ છુપાયેલું હતું.

પી.સી. પટેલ પણ જેલમાં અમારી સાથે જ હતા. તેમણે એલ.એલ.બી.નો અભ્યાસ કર્યો હતો. તેમણે કાયદાની દૃષ્ટીએ ભૈયાજીને સમજાવ્યું કે ચોરી કરનાર અને ચોરીનો માલ લેનાર બંને ગુનેગાર ગણાય છે. આ સાંભળી ભૈયાજી તો અવાક બની ગયા. આધેડ વયે તેમને વ્યવહારીક જ્ઞાન પ્રાપ્ત થયું. પી.સી.એ અને મેં એમને સમજાવ્યું કે ન્યાયાધીશ જે ન્યાય આપે તે જ સાચો ન્યાય.

પ્રાણાયામનો ચમત્કાર

સુરત સબજેલમાં એક મુસ્લીમ યુવાન સાથે ઓળખાણ થઈ. એક દીવસ તેણે રાષ્ટ્રવાદી કેદીઓ પાસેથી હજામતની બ્લેડ ભેગી કરી અને ખાવા માટે તૈયાર થયો. બધાને એ વીચીત્ર લાગ્યો. કોકે કહ્યું કે એનું મગજ ચસકી ગયું છે. જેલયાત્રીઓએ આવો વીચીત્ર અનુભવ કદી જોયો કે અનુભવ્યો નોતો. એટલે બધા એને સમજાવવા લાગ્યા. છતાં બધા કેદીઓની હાજરીમાં એ બ્લેડ મોંમાં નાખીને ચાવી ગયો. ત્યારે કોક અનુભવીએ સમજાવ્યું કે પ્રાણાયામના પ્રયોગ કરનારાઓ બ્લેડ ખાઈ પણ શકે અને ખાધા પછી બહાર કાઢી પણ શકે.

રામભાઈની કરામત

સ્વરાજ્યની લડતમાં કરાડીના મનુભાઈ ઉમેદરામ પાઠક પણ જોડાયા હતા. જેલમાં એમને મારી સાથે મૈત્રી બંધાઈ. જેલમાં માવલંકરદાદા કેદીઓને પેરોલ પર છોડાવતા હતા. પેરોલ પર છુટવા માટે કેટલીક વાર યુક્તીપ્રયુક્તીઓનો ઉપયોગ પણ થતો. એકવાર મનુભાઈએ પેરોલ પર છુટવા માટે એવી યુક્તી અજમાવી. અરજીમાં એવું જણાવ્યું કે એમનાં માતાજી ઘરડાં છે; મરણપથારીએ છે; મનુભાઈ એમના એકના એક દીકરા છે. એટલે માતાજીને જોવા જવા માટે એમને એક માસની રજા મળવી જોઈએ. જેલના વડાને અરજી મળતાં તેણે તપાસ કરાવી. પોલીસખાતાએ કરાડીમાં ઘરની તપાસ કરી. માને મટવાડ પોલીસથાણે આવી જવા કહ્યું. શંકાકુશંકા કરતાં માતાજી મટવાડ પોલીસથાણે ચાલતાં ચાલતાં ગયાં. પોલીસને સાબીતી મળી ગઈ. અરજી નામંજુર કરવામાં આવી. પણ મનુભાઈ એમ હાર માને તેવા ક્યાં હતા. બીજી વાર અરજી કરી. આ વખતે અરજી કરતાં પહેલાં રામભાઈ ઉંકાએ માતાજીને સંદેશો પહોંચાડી દીધેલો કે પોલીસો બોલાવે ત્યારે જવું નહીં. પથારીમાં જ પડ્યા રહેવું. માએ એમ જ કર્યું. કણસતાં કણસતાં જવાબો આપ્યા. મનુભાઈના પેરોલ મંજુર થયા. પણ પાછા વીમાસણમાં ડુબી ગયા. બાર દીવસ પછી તો છુટવાના જ હતા. મનુભાઈએ પેરોલનો અસ્વીકાર કર્યો. જેલવાળાઓને પણ નવાઈ લાગી! રામભાઈની પ્રયુક્તી સફળ નીવડી હતી.

ખાદીની સાડી

ગાંધીજીએ સ્વરાજ્ય મેળવવા માટે બ્રીટીશ સામ્રાજ્ય સામે જે ઉપાયો શોધી કાઢ્યા હતા તે અદ્ભુત હતા. તેમાંનો એક ઉપાય તે વીદેશી વસ્તુઓનો બહીષ્કાર. તેનાથી હીન્દુસ્તાનની પ્રજાને સ્વદેશી, સ્વાવલંબન અને સ્વદેશીભાનનો મહામંત્ર મળ્યો. વીદેશી વસ્ત્રોના બહીષ્કારની ઘોષણા થઈ ત્યારે હીન્દુસ્તાનની પ્રજાએ ઢગલાબંધ વીદેશી વસ્ત્રોની સ્વૈચ્છાએ હોળી કરી. લોકોમાં ગજબનો જુસ્સો હતો એ વખતે.

હીંદની પ્રજાને રેંટીયાનું દર્શન થયું. ખાદીનો જન્મ થયો. બ્રીટીશ સરકારના કાપડ ઉદ્યોગને સીધો ફટકો પડ્યો. માંચેસ્ટરની કાપડની મીલો બંધ થવા માંડી. અહીં ઘરે ઘરે રેંટીયા ગુંજવા લાગ્યા. ખાદી વણાવા લાગી. લોકોને નવો ઉદ્યોગ મળ્યો. નવી રોજી મળી. નવી ચેતના મળી.

આપણા કાંઠાવીભાગમાં લોકો ઘેર ઘેર કાંતવા લાગ્યા, ખાદી પહેરવા લાગ્યા. એક પણ ઘર એવું ન મળે જ્યાં રેંટીયો ન કંતાતો હોય. કોઈ ખાદી ન પહેરતું હોય. વીદેશી વસ્ત્રો ભાગ્યે જ દેખાય, એવું વાતાવરણ અહીં હતું.

જે લોકો જેલમાં ગયા હતા તે લોકો જેલમાં પણ નીયમીત કાંતતા. નીયમીત ખાદી પહેરવાનો આગ્રહ રાખતા. જીવન પણ ખાદીને શોભે તેવું જીવતા.

હું જેલમાં પણ નીયમીત રેંટીયો કાંતતો. અને કાંતેલા સુતરમાંથી મારી પત્ની માટે એક સુંદર ખાદીની સાડી બનાવવાનું વીચારતો હતો. ખાદીની સાડીના વીચારથી મારું હૈયું પુલકીત થઈ જતું. છેવટે જેલમાંથી છુટ્યા પછી મેં જાતે કાંતેલા સુતરમાંથી મારી પત્ની માટે એક સુંદર સાડી વણાવી હતી. ૧૯૪૨ની ક્રાંતીના સમય દરમીયાન વણાયેલી ખાદીની એ સાડી આજે ૬૨ વરસ પછી પણ મારાં ધર્મપત્ની ડાહીબેન પાસે કોઈ અણમોલ જણસની જેમ પ્રેમથી સચવાયેલી છે.

છે તો એ સાડી જ, પણ એની સાથે પતીનો સાત્વીક પ્રેમ જોડાયેલો છે. સ્વરાજ્યની લડતનાં અવીસ્મરણીય સંસ્મરણો અને ભારતમાતાની સ્વતંત્રતાનાં સ્વપ્નો જોડાયેલાં છે.

આજે છ દાયકા પછી પણ ડાહીબેને એ સાડી જે ભાવથી, જે લાગણીથી સાચવી રાખી છે, તે અમારાં દાંપત્યજીવનનું એક ઉજળું પાસું છે.

૪૨ની ક્રાંતીના એ દીવસો મારાં પત્ની ડાહીબેન યાદ કરે છે ત્યારે એમની ગર્વીલી મુખમુદ્રા પર યુવાનીનો તરવરાટ દેખાય છે.

સાબરમતીનો સંન્યાસ આશ્રમ

સાબરમતી જેલ એટલે ગુજરાતના રાષ્ટ્રવાદી કેદીઓનો સંન્યાસ આશ્રમ. આ પ્રતીષ્ઠીત જેલમાં દુર દુરના અને લાંબી મુદતના કેદીઓને મોકલવામાં આવતા.

આ જેલમાં કેટલાક ક્રાંતીકારીઓનો ભેટો અનાયાસે થતો. સાધ્ય તો દરેકનું એક જ હતું- સ્વરાજ્ય. સાધનમાં વીવીધતા હતી.

લાંબા જેલવાસ દરમીયાન રાષ્ટ્રીય ક્રાંતીની ચર્ચા થતી. વ્યુહરચના ઘડાતી. ક્યાં નીષ્ફળ ગયા તેનું વીશ્લેષણ થતું.

એક વાર સાબરમતી જેલમાં કાંઠાવીભાગના રાષ્ટ્રવાદી નેતા આચાર્ય મણીભાઈ અને ભરુચ જીલ્લાના ક્રાંતીકારી નેતા ચંદ્રશંકર ભટ્ટની મુલાકાત થઈ. બંને ક્રાંતીકારી આગેવાનો વચ્ચે ખુબ અગત્યની ચર્ચા થઈ. ભુગર્ભ પ્રવૃત્તીઓ અને રચનાત્મક પ્રવૃત્તીઓ વીષે વીચારો થયા. એકબીજાને એકબીજાના કામમાં મદદરુપ બનવું તેવું પણ વીચારાયું. વાતોના નીચોડ પર આવતાં ચંદ્રશંકરભાઈએ મણીભાઈ સમક્ષ જલાલપોરનું પોલીસથાણું લુંટવાનો પ્રસ્તાવ મુક્યો. ભરુચ જીલ્લાના પોલીસથાણા પર હુમલો કરતી વખતે કરાડીના નારણભાઈ છીબાએ જે કૌવત બતાવેલું તેનાથી તેઓ ખુબ જ પ્રભાવીત થયા હતા. મણીભાઈને આ વીચાર મનમાં વસી ગયો. ગાંઠ વાળી. આ પ્રકારની લુંટ માટે બેચાર મીત્રોને તૈયાર કરવા. તેમણે જેકભાઈને કહ્યું કે તમારે અને રવજીભાઈ છીબાએ ચંદ્રશંકર ભટ્ટ પાસે તાલીમ લેવા જવાનું છે. તમે બરાબર તૈયાર થઈને આવો એટલે આપણે જલાલપોરના થાણા પર છાપો મારી બંદુકો-કારતુસો લુંટી લઈએ.

જ્યાં નૈષ્ઠીક સંન્યાસીઓ ભેગા મળે ત્યાં આધ્યાત્મીકતાનાં શીખરો સર કરવાનું વીચારાતું. જ્યાં ક્રાંતીકારીઓ ભેગા મળે ત્યાં સરકારને કેમ હંફાવવી તે વીચારાતું. પોલીસથાણા પર છાપો મારવો તે ખાવાના ખેલ નહોતા. પણ એનાથી ફાયદો એ થતો કે પોલીસો નૈતીક તાકાત ખોઈ બેસતા. એક વાર પોલીસથાણામાં ભોગ બનેલ પોલીસ અધીકારી જીંદગીભર હીંમત ખોઈ બેસતો. ક્રાંતીકારી માટે આ જેવોતેવો વીજય ન હતો.

આપણા કાંઠાવીભાગના ક્રાંતીકારીઓમાં આવી તાકાત હતી. ગમે તેવા ચમરબંધીની સામે બાથ ભીડતાં અચકાતા નહીં. સશસ્ત્ર પોલીસો સામે સામી છાતીએ ટક્કર લેવી તે સાવજના મોઢામાં માથું મુકવા જેવું હતું. આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓએ આઝાદીના સંગ્રામમાં આવું કૌવત બતાવ્યું હતું. તે વખતે અમે ગાતાઃ

અમે ડરતા નથી હવે કોઈથી રે,

ભલે કાયાના કટકા થાય… અમે..

૧૪. કાંઠાનું ખમીર

કાંઠાવીભાગનો રાષ્ટ્રવાદ

હીંદની સ્વતંત્રતાની લડતમાં જે રાષ્ટ્રવાદીઓએ ભાગ લીધો છે તેમાં કાંઠાવીભાગના લોકોનો રાષ્ટ્રવાદ અનોખું સ્થાન ધરાવે છે. કાંઠાવીભાગમાં સ્વરાજ્ય માટે જે કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા હતા, લોકોએ તેમાં જે ભાગ ભજવ્યો હતો, તે અજોડ છે, અવીસ્મરણીય છે. પરદેશી કાપડનો બહીષ્કાર કરવો, પરદેશી શાસનનો બહીષ્કાર કરવો, તેમાં કાંઠાવીભાગનાં લોકો ખુબ સક્રીય હતાં. ગાયકવાડી રાજ્યની પ્રજા પણ હીંદની સ્વતંત્રતાની લડતમાં સહકાર આપવામાં ખુબ સક્રીય હતી. કાંઠાવીભાગમાં જે રેંટીયા પ્રવૃત્તી ચાલતી હતી તે અદ્ભુત હતી. ઘરે ઘરે રેંટીયા ચાલતા. આબાલવૃદ્ધ સૌ હોંશે હોંશે કાંતતાં. ખાદી પહેરતાં. ખાદીનાં શ્વેત વસ્ત્રોમાં સજ્જ થયેલાં યુવકયુવતીઓ સરઘસમાં નીકળતાં ત્યારે આકર્ષક લાગતાં. નવસારીમાં સાહીત્ય પરીષદ ભરાયેલી ત્યારે ઉમાશંકરભાઈએ એની સરસ નોંધ લીધી છે. ખાદી પહેરનારાઓમાં દેશાભીમાન કળાતું. દેશની સ્વતંત્રતા માટે કંઈક કરી છુટવાની ભાવના હતી. લગાવ હતો. લોકો ગાંધીજીનો પડ્યો બોલ ઝીલવા તત્પર હતાં. ગાંધીજી માટે અપાર પ્રેમ હતો. ભક્તી હતી. કેટલાંક તો ગાંધીજીને દેવની જેમ માનતાં. તેમના ફોટા સામે દીવો કરતાં. પગે લાગતાં.

૪૨ની ક્રાંતી દરમીયાન કેવળ કાંઠાની સ્થાનીક પ્રજાએ જ ભાગ લીધો છે એવું નથી. પરંતુ દેશની સ્વતંત્રતામાં ભાગ લેવા માટે અને પોતાના દેશબાંધવોની સાથે ખભેખભો મીલાવીને અંગ્રેજ શાહીવાદને દેશનીકાલ કરવા માટે, ઈસ્ટ આફ્રીકા, સાઉથ આફ્રીકા, ન્યુઝીલેન્ડ, બર્મા અને દુનીયાના અનેક દેશોમાંથી કાંઠાનાં લોકો પોતપોતાનો વ્યવસાય છોડીને આવ્યાં હતાં. કાંઠાની સ્વદેશપ્રેમી અને સ્વાભીમાની પ્રજાને કોઈએ કહેણ નહોતું મોકલ્યું, બીજો કોઈ સ્વાર્થ પણ નહોતો, પણ એ લોકો માતૃભુમી પ્રત્યેની પોતાની ફરજ સમજીને, સ્વેચ્છાએ, આ સ્વરાજ્યયજ્ઞમાં આહુતી આપવા, માતૃભુમી પ્રત્યેનું ઋણ ચુકવવા આવ્યાં હતાં. એટલે જ તો કહેવાયું છે ને, ‘જનની જન્મભુમીશ્ચસ્વર્ગાદપી ગરીયસી.માતા અને જન્મભુમી સ્વર્ગથીયે અધીક છે.

આપણા કાંઠાવીભાગમાંથી જે લોકો પરદેશ ગયેલા, જેમણે પરદેશના જીવનનો અનુભવ કરેલો, તેમણે દેશની ગુલામ પ્રજા પર થતા અન્યાયો સહન ન કરવાનો દૃઢ સંકલ્પ કરેલો. રાષ્ટ્રીય ભાવનાવાળા યુવાનો તૈયાર કરવા માટે સૌ પ્રથમ કરાડીમાં ૧૯૨૨માં રાષ્ટ્રીય શાળા શરુ કરેલી. પછી બોદાલી, મટવાડ અને બોરીફળીયામાં પણ શરુ થયેલી. નાનપણથી જ બાળકોને સ્વદેશાભીમાનના પાઠો ભણાવવા, માતૃભુમી પ્રત્યે ભક્તી જાગે તેવા સંસ્કારો આપવા, જેથી તેઓ આદર્શ નાગરીકો બને, તે લક્ષ્ય હતું. શીક્ષકનો પગાર પરદેશથી આવતા ફંડમાંથી અને સ્થાનીક ફાળામાંથી થતો. સમય જતાં આ શાળાઓને આર્થીક મુશ્કેલી પડી. એટલે બોદાલી, મટવાડ અને બોરીફળીયાની શાળાઓ બંધ થઈ ગઈ. બંધ કરવી પડી.

મટવાડની શાળાની શરુઆત એક ઘરના ઓટલા પર આચાર્ય નાગરજી લલ્લુભાઈ નાયકે કરેલી. પછીથી રાષ્ટ્રીય શાળાનું મકાન તૈયાર થતાં ત્યાં શાળા ખસેડવામાં આવી હતી. જ્યાં આજે લાયબ્રેરી અને બેંક ઑફ બરોડાનું મકાન છે ત્યાં મટવાડની પ્રાથમીક શાળા હતી. મટવાડના વીદ્યાર્થીઓમાં રાષ્ટ્રીય ચેતના જગાડવાનું કામ નાગરજીભાઈ નાયકે કર્યું હતું. તેઓ સરકારી કર્મચારી હોવા છતાં રાષ્ટ્રીય રંગે રંગાયેલા હતા. તેમના સંપર્કમાં આવનાર સૌને તેનો રંગ લગાડ્યા વીના રહેતા નહીં. તેમના સમય દરમીયાન દરેક રાષ્ટ્રીય પ્રસંગો શાળામાં ઉજવાતા. તેમણે જે વીદ્યાર્થીઓને ભણાવ્યા હતા તેમાંથી હું અને પી.સી. પટેલ પ્રખર રાષ્ટ્રવાદી બન્યા. જી. સી. અને લલ્લુભાઈ મકનજી ધારાસભ્ય બન્યા. લલ્લુભાઈ તો ખુબ અભ્યાસી અને મોટા ગજાના લેખક હતા. મટવાડના કેટલાક વીદ્યાર્થીઓને એમણે જુદા જુદા વ્યવસાયોમાં ગોઠવ્યા હતા. સોમાભાઈ દુર્લભભાઈએ નાગરજીભાઈની પ્રેરણાથી જ પુર્વ આફ્રીકામાં પોતાનો પ્રેસ શરુ કર્યો હતો. એ ભાઈ જ્યારે પુર્વ આફ્રીકા છોડી ઈંગ્લેન્ડમાં સ્થાયી થયા ત્યારે તેમણે ઈંગ્લેન્ડમાં પણ પોતાનો પ્રેસ શરુ કર્યો હતો. આજે તેના દીકરાઓ મોટા પાયા પર એ ચલાવી રહ્યા છે. આ રીતે નાગરજીભાઈ જેવા એક જાગૃત રાષ્ટ્રવાદી શીક્ષકના સંપર્કથી ઘણા વીદ્યાર્થીઓના જીવનમાં પલટો આવ્યો છે.

કરાડી રાષ્ટ્રીય શાળાની શરુઆત ચોતરા ફળીયાવાળા ઉંકાભાઈ મોરારને ત્યાં કરવામાં આવી હતી. તેના પ્રથમ આચાર્ય વસનજીભાઈ હતા. તેઓ રાષ્ટ્રીય રંગે રંગાયેલા હતા. ખાદીની ધોતી, ખાદીની કફની અને ઉંચી દીવાલવાળી ખાદીની ટોપી તેઓ પહેરતા. પછીના આચાર્ય હતા કલથાણના દયાળજીભાઈ. તેઓ પણ સ્વરાજ્યના રંગે રંગાયેલા હતા. ત્રીજા આચાર્ય હતા ભરુચના ઋતુપ્રસાદ ભટ્ટ. તેમના ગયા પછી ડાહ્યાભાઈ પ્રેમાભાઈએ વ્યાયામ પ્રચારકવાળા છોટુભાઈ પુરાણીને કરેલી વીનંતીના અનુસંધાનમાં આવ્યા મણીભાઈ શનાભાઈ પટેલ. મુળ અલીન્દ્રાના. ગુજરાત વીદ્યાપીઠના તે જમાનાના સ્નાતક. ગાંધી રંગે રંગાયેલા. રાષ્ટ્રવાદી વીચારધારાવાળા. તેમણે ૧૯૨૮થી ૧૯૪૬ સુધી ભારત વીદ્યાલયના આચાર્યપદે રહી કરાડીનું જ નહીં, આખા કાંઠાવીભાગનું ઘડતર અને ચણતર કર્યું. રાષ્ટ્રીય વાતાવરણ ઉભું કર્યું.

યાદ રાખવાનું છે-ગાંધી તો હજુ આવ્યા નથી આ વીભાગમાં. તે પહેલાં ગાંધીની વાતો, ગાંધીનો રેંટીયો, ગાંધીની ખાદી, ગાંધીની સ્વરાજ્યની, સ્વદેશપ્રેમની વાતો, ગાંધીના આ સુભટો દ્વારા ગામેગામ, ઘરે ઘરે, પહોંચી ગયેલી હતી. તેનું શ્રેય મણીભાઈ જેવા આચાર્યોને છે.

કાંઠાવીભાગના ભુગર્ભવાસીઓ

દેલવાડાની સીમમાંથી પકડાયેલા ૧૦ વોરંટવાળામાંથી જેકભાઈને અને મને તા. ૧૯ સપ્ટેમ્બર ૧૯૪૪ના દીવસે છોડવામાં આવ્યા હતા. અમારી ધરપકડ થઈ હતી ત્યારે મારા ખીસામાંથી ૪૨ રુપીયા જપ્ત કરવામાં આવ્યા હતા. છુટતી વખતે અરજી કરી ત્યારે મને ૪૨ રુપીયા પાછા આપવામાં આવ્યા. છુટી આવ્યા ત્યારે પણ ચળવળ તો ચાલુ હતી જ. ગોસાંઈભાઈ છીબા, રવજીભાઈ છીબા, નાનુભાઈ છીબા અને રામજીભાઈ ફકીર વગેરે મીત્રો પર વોરંટ ચાલુ જ હતું. એટલે તેઓ ભુગર્ભમાં રહીને પ્રવૃત્તી કરતા હતા.

કરાડીમાં એક ભાઈની સ્મશાનયાત્રા હતી. પોલીસ ચાંપતી નજર રાખતી જ હતી. તેમને એમ હતું જ કે નાસતા ફરતા ભાઈઓ આ સ્મશાનયાત્રામાં તો આવશે જ. એટલે એમણે સ્મશાનને ઘેરી લીધું. મરેલાનો પણ મલાજો ન પાળ્યો. પોલીસના ઘેરાથી ચેતી જઈ એ ભાઈઓએ પુર્ણા નદીનો આશરો લીધો. મછાડ બાજુ નીકળી ગયા. પોલસોને પત્તો ન લાગ્યો.

કેટલીક વાર આ ભુગર્ભવાસીઓ સરકારી માલમીલકતને નુકસાન પણ પહોંચાડતા. તોડફોડ કરતા કે બાળી મુકતા. આમ કરતાં તેઓ પકડાતા નહીં ત્યારે તેમનાં સગાંસ્નેહીઓને રંજાડતા. મારઝુડ કરતા. આ દરમીયાન ગાંધીજીએ ભુગર્ભમાં રહીને કામ કરતા લોકોને પોલીસ સમક્ષ હાજર થઈ જવા ઘોષણા કરી. તેના અનુસંધાનમાં ગોસાંઈભાઈ છીબાએ અને દયાળભાઈ મકને પોલીસને તાબે થવાનો નીર્ણય કર્યો. બંને ભાઈઓને વીદાય આપવા મોટી મેદની એકઠી થઈ હતી. કેટલાકના મનમાં દહેશત હતી. શું થશે? બલીના બકરા તો નહીં બને ને? એ બંનેને બળદગાડામાં લઈ જવાનું બીડું રવજીભાઈએ ઝડપ્યું હતું. બધા અવાક્ બનીને જોઈ રહ્યા હતા. કેમ કે રવજીભાઈની ઉપર પણ વોરંટનું જોખમ તો લટકતું જ હતું! પણ એ જ તો ખુબી રવજીભાઈની. મરદ માણસ. રવજીભાઈ વટથી જલાલપોરના પોલીસથાણામાં દાખલ થયા. પરસોત્તમ હીરાભાઈએ બંનેને ફર્સ્ટક્લાસ મેજીસ્ટ્રેટ આગળ હાજર કર્યા. મેજીસ્ટ્રેટે બંનેને જેલની કોટડીમાં પુરી દીધા. પછી રવજીભાઈ વીષે પુછ્યું, “કોણ છે આ ભાઈ?” પરસોત્તમભાઈએ કહ્યું, “એ તો ગાડાંખેડુ છે.ખરેખર તો રવજીભાઈની હીંમતને દાદ દેવી પડે! વગડામાં કંઈ બધે ચંદન હોતાં નથી. પણ હોય છે ત્યાં પોતાની મહેંક ફેલાવ્યા વીના રહેતાં નથી. આ બે જણાની શરણાગતીથી પ્રભાવીત થઈને મેજીસ્ટ્રેટે પરસોત્તમભાઈને કહ્યું, “નાસતા ફરતા બીજાઓને પણ હાજર કરોને.પરસોત્તમભાઈએ કહ્યું, “એ પણ થશે.તે પછી બીજા ભુગર્ભવાસી મીત્રો પણ હાજર થયા હતા.

આ રીતે સ્વેચ્છાએ હાજર થયેલા ભુગર્ભવાસીઓ પર બારડોલી કોર્ટમાં કેસ ચલાવવામાં આવતા. બારડોલી કોર્ટમાં ભુગર્ભવાસીઓને સેસન્સ કમીટ કરવામાં આવ્યા હતા. એટલે તેમના કેસ સુરતની કોર્ટમાં ચલાવવામાં આવ્યા હતા. તેમના વકીલ તરીકે ભરુચના મોતીલાલ વીણ હતા. તેમણે પોતાના કૌશલ્યથી, વાક્ચાતુરીથી ભુગર્ભવાસીઓને નીર્દોષ છોડાવ્યા હતા. જો મોતીલાલ વીણ જેવા કાબેલ, મુત્સદ્દી વકીલ ન મળ્યા હોત તો ભુગર્ભવાસી મીત્રો હેરાન-પરેશાન થઈ જાત.

આમ તો મણીભાઈની ઓળખાણને કારણે મોતીલાલ વીણે કેસો હાથમાં લીધા હતા. તેમના મહેનતાણા પેટે તેમણે કોઈની પાસે કશું જ લીધું નથી. એ રીતે મોતીલાલ વીણની નીઃસ્વાર્થ સેવાને કારણે કાંઠા વીભાગના રાષ્ટ્રવાદીઓના હજારો રુપીયા બચી ગયા. જે સ્વાતંત્ર્ય સૈનીકો પછીથી હાજર થયા હતા તેમને પણ મોતીલાલ વીણે છોડાવ્યા હતા.

૧૯૪૪ની આ વાત.

હજુ તો સ્વરાજ્ય આવ્યું નથી ત્યારની આ વાત. સ્વરાજ્ય માટે બલીદાન આપનારાઓ પાસેથી એક વકીલ ફીના પૈસા નથી લેતો એવું બને કે?

હા, બન્યું હતું.

એક બીજો પ્રસંગ પણ નોંધવો જોઈએ.

કોથમડીના ફકીરભાઈ પરાગને ધરાસણાના સત્યાગ્રહ વખતે ભયંકર માર પડેલો. તેમને લાંબા સમય સુધી મુંબઈની હોસ્પીટલમાં રાખવા પડેલા. અનેકને જેલમાંથી છુટકારો મળ્યો હતો. પણ ફકીરભાઈ અને બાવાભાઈ સુખાભાઈને લાંબા સમય સુધી સાબરમતી જેલમાં અટકમાં રાખ્યા હતા. ફકીરભાઈના ઘરની આર્થીક સ્થીતી નબળી. એટલે મણીભાઈએ મુંબઈમાં રહેતા પોતાન એક મીત્ર પાસેથી અમુક રકમની સગવડ કરી હતી. તેમાંથી ફકીરભાઈની પત્નીને દર મહીને ૫૦ રુપીયા મળ્યા કરે તેવી વ્યવસ્થા મારી મારફતે કરવામાં આવી હતી.

ધન્ય છે ને આવા મીત્રોને.

એક વીરાંગના

સર્જનહારે એના રુપને ઘડવામાં કંઈ બાકી નહોતું રાખ્યું. મોકળે મને લહાણી કરી હતી. યુવાનીના પ્રાંગણમાં ઉભેલી એ નવયૌવના બહાદુર પીતાની પુત્રી હતી. પીતા પ્રખર રાષ્ટ્રવાદી હતા. દેશની આઝાદી માટે પ્રાણને હથેળીમાં રાખી ઝઝુમનારા. દેશની આઝાદી એમને પ્રાણથી પણ પ્યારી હતી. એવા પીતાની પુત્રીમાં પીતાની સ્વદેશભક્તી ભારોભાર ભરેલી હતી. પુત્રીનું નામ ડાહી. પીતાનું નામ મંગાભાઈ સુખાભાઈ. આફ્રીકાના સફરી. પણ પરદેશનો હક્ક જતો કરીને સ્વરાજ્યની લડતમાં કુદી પડ્યા હતા. એમણે પોતાની દીકરીનું સગપણ ન્યુઝીલેન્ડ નીવાસી સ્વાતંત્ર્ય ભાવનાથી છલોછલ રંગાયેલા મટવાડના દયાળભાઈ કેસરી જોડે કર્યું.

કુમકુમ પગલાં પાડતાં ડાહીબેન સાસરે આવ્યાં. ઈર્ષા આવે એવું સુંદર દંપતી. પણ માણસ ધારે શું અને ઈશ્વર કરે શું? હાથની મહેંદીનો રંગ હજુ ઝાંખો નથી થયો ત્યાં મટવાડમાં પોલીસ અને સરઘસ વચ્ચે જંગ ખેલાયો. પતીદેવ એ જંગમાં સંડોવાયા. મારામારીમાં ત્રણ નાગરીકો અને એક પોલીસનું મૃત્યુ થયું. આખા ટોળાને એ ખુનકેસમાં સંડોવ્યું. પોલીસોનો ત્રાસ અસહ્ય હતો. સ્વરાજ્યની જ્યોતને જ્વલંત રાખવી તે રાષ્ટ્રવાદીઓનો ધર્મ હતો. પોલીસના ત્રાસમાંથી બચવાનો એક જ વીકલ્પ હતોઃ ઉત્તરનાં ગાયકવાડી ગામડાંઓમાં આશરો લેવો.

નવદંપતીએ દેલવાડા ગામમાં આશરો લીધો. પતીપરાયણ ડાહીબેન પણ પતીને પગલે પગલે દેલવાડા આવ્યાં. પતી પર તો વૉરંટ હતું. ક્યારે શું થાય કંઈ ભરોસો નહીં. છતાં ડાહીબેન હીંમતથી રહ્યાં. રાષ્ટ્રવાદીઓ દેલવાડા ગામમાં રહે છે તેની ખબર પોલીસોને હતી જ. એટલે પોલીસો અનેક વાર દેલવાડા ગામમાં ઘેરો ઘાલતા. તપાસ કરતા. રાષ્ટ્રવાદીઓનું રક્ષણ અને જતન કરવું તેને દેલવાડાવાસીઓ પોતાનો ધર્મ માનતા હતા.

એક વાર પોલીસોએ દેલવાડા ગામને રાત્રે ઘેરી લીધું. શેરીએ શેરીએ પોલીસ ગોઠવાઈ ગઈ. રાષ્ટ્રવાદીઓની તપાસ થઈ. પણ તેઓ તો ગામમાં રહેતા નહોતા. સીમમાં રહેતા. કોઈ પકડાયું નહીં. ડાહીબેનને પકડાઈ જવાનો ભય. એટલે તેઓ બંદુકમાંથી ગોળી છુટે તેમ ભાગ્યાં. ભાગીને દયાળભાઈ લાલાની વીધવા પાનીબેનના ઘરમાં આવ્યાં. પાનીબેને સમયસુચકતા વાપરી એમને રસોડાની પેટીમાં સંતાડી દીધાં. એટલામાં પોલીસ, મટવાડનો મોસમમીયો, તેનો દીકરો લાલમીયાં દોડતા ત્યાં આવી પહોંચ્યા. પાનીબેનને પુછ્યુંઃ અહીં ડાહી નામની છોકરી આવી છે?” દેલવાડાનાં પાણી પીધેલ ડાહીબેન પણ કંઈ કાચી માટીનાં નોતાં. ફટથી કહી દીધુંઃ ના, ના, અહીં તો ડાહીએ નથી ને ગાંડીયે નથી…ચારેય ડાઘીયા વીમાસણમાં મુકાઈ ગયા!

જો ડાહીબેન પકડાઈ ગયાં હોત તો પોલીસો મારી મારીને એમનું કચુંબર કરી નાખત. એમને પુછતઃ તમારા પતી ક્યાં છે? પોલીસને કોણે મારી નાખ્યો હતો.?” પણ ડાહીબેન બચી ગયાં હતાં. છ મહીના સુધી ભુગર્ભવાસમાં રહીને સ્વતંત્રતાની લડતમાં પતીને સાથ આપતાં રહ્યાં હતાં. આજે ૮૫ વર્ષની જૈફ ઉંમરે પણ એ દીવસો યાદ કરતાં ચહેરા પર તેજ ઝગારા મારે છે. ડાહીબેન એટલે દેશની આઝાદી માટે માથું મુકીને ઝઝુમનાર એક વીરાંગના!

૧૫. સુભાષચંદ્ર બોઝ અને આઝાદહીંદ ફોજ

દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં દરેક પ્રાંતોએ ભાગ લીધો છે. તેમાં ગુજરાતનો ફાળો અનન્ય છે. બંગાળનો ફાળો પણ અનન્ય છે. હીન્દુસ્તાનની મહાસભામાં બંગાળની વીભુતીઓએ સક્રીય અને સંનીષ્ઠ ભાગ ભજવ્યો છે. સ્વરાજ્યના સ્વપ્નને સાકાર કરવામાં ભુપેન્દ્રબાબુ, ઘોષબાબુ, સુરેન્દ્રનાથ, પ્રો. પ્રફુલ્લચંદ્ર રોય, કાલીચરણ બેનરજી, પ્યારીમોહન મુકરજી અને કવીવર રવીન્દ્રનાથ ટાગોર વગેરેએ ઘણો મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. તેમાં સુભાષચંદ્ર બોઝનો ફાળો ભુલાય તેવો નથી. સુભાષચંદ્ર બોઝ એક કુશળ કુનેહબાજ સૈનીક કે સેનાપતી જ નહીં, પ્રખર રાષ્ટ્રવાદી પણ હતા.

સ્વરાજ્યની પ્રાપ્તી માટે તેઓ મૃત્યુને પોતાની હથેળીમાં રાખીને ફરતા હતા. સમર્પણ એ એમનો ધર્મ હતો. દેશપ્રેમ એમની નસેનસમાં વહેતો હતો. દેશની સ્વતંત્રતા માટે ગમે તેવી કુરબાની આપવી પડે તો તે આપવા એ તૈયાર હતા. બ્રીટીશ સરકાર એમની ઉપર ચાંપતી નજર રાખી રહી હતી. ૧૯૪૦ની નવમી ઑગષ્ટે સુભાષ બોઝે સ્વરાજ્યની ઝંખનાના અનુસંધાનમાં બોંબમારાનો પ્રતીઘોષ કર્યો હતો. બ્રીટીશ સરકાર સામે સશસ્ત્ર બળવો કરવા માટે દેશને આહ્વાન કર્યું હતું. એટલા માટે જ એમને એમના કલકત્તાવાળા એલીયેટ રોડ પરના ઘરમાં નજરકેદ રાખવામાં આવ્યા હતા. એમના મકાનની ચારે બાજુ ૧૫૦ જેટલા હથીયારધારી પોલીસો અને છુપા ડીટેક્ટીવો સાદા ગણવેશમાં રાતદીવસ પહેરો ભરતા હતા. એજ બતાવી આપે છે કે સુભાષચંદ્ર બોઝ બ્રીટીશ સરકાર માટે કેટલા જોખમી હતા.

અંગ્રેજો બેવકુફ બન્યા એમણે એમની નજરકેદના સમય દરમીયાન ફોરવર્ડ બ્લોકના અગ્રણી કાર્યકર્તા અને પોતાના દીલોજાન દોસ્ત મુંબઈના શ્રી લક્ષ્મીદાસ દાણીને અંગત પત્ર લખી ત્વરીત કલકત્તા બોલાવ્યા હતા.

સુભાષચંદ્ર બોઝ નજરકેદમાં હોય, એમને મળવું અશક્ય હતું. પરંતુ ચકોર દાણી ટીફીનબોયનો પાસ લઈને એમની પાસે પહોંચી ગયા હતા. આમ કરવામાં કેવળ લાંબી જેલનો પ્રશ્ન જ ન હતો, જાનનો પણ ખતરો હતો. કલકત્તા આવતાં જ લક્ષ્મીદાસ દાણીએ હાવરા વીસ્તારમાં એક મકાન ભાડે રાખી લીધું. પછી તેઓ જાદુગરને પણ આશ્ચર્યચકીત કરી નાખે તેવી યુક્તીથી સુભાષબાબુને હાવરાવાળા મકાનમાં ખસેડી ગયા. કોઈને ગંધ પણ ન આવી. બ્રીટીશ પોલીસો પહેરો ભરતા જ રહ્યા. હાવરાવાળા ઘરમાંથી તેઓ મૌલવીના વેષમાં અને દાણી એક દરવેશના વેષમાં નીકળી બરદ્વાન સ્ટેશને પહોંચી ગયા. ત્યાંથી ટ્રેનમાં બેસી હીન્દુસ્તાનની છેક પશ્ચીમે આવેલા પેશાવર સ્ટેશને પહોંચ્યા. ત્યાંથી ૧૯૪૧ની ૧૭મી જાન્યુઆરીએ પઠાણી પોશાકમાં સજ્જ થઈને અફઘાનીસ્તાનના કાબુલ શહેરમાં ગયા. કાબુલમાં તેમણે એક પંજાબી લોકસેવક લાલા ઉત્તમચંદને ત્યાં મુકામ રાખ્યો હતો. કાબુલથી તેઓ જર્મની જવા વીચારતા હતા. તે માટે રશીયન એલચીને અરજ કરવામાં આવી. પરંતુ તેમાં સફળતા ન મળી. ઈટાલીના એલચીએ સુભાષબાબુને સ્ટાફના ઑફીસર તરીકે રોમ સુધી પહોંચાડ્યા. ત્યાંથી ઈટાલીયન સરકારે ૧૯૪૧ના માર્ચમાં સુભાષબાબુને જર્મની રવાના કર્યા. જર્મનીથી જાપાન ગયા.

સુભાષબાબુનાં યાદગાર પ્રવચનો એમણે બંને જગ્યાના રેડીયો મથકેથી અંગ્રેજોની વીરુદ્ધમાં લોહી ઉકળી ઉઠે તેવાં ભાષણો આપ્યાં હતાં. એમનાં એ ભાષણો આપણા દેશમાં એટલાં બધાં લોકપ્રીય થયાં હતાં કે લોકો નવો રેડીયો ખરીદતી વખતે દુકાનદારને પુછતા, “આમાં જર્મની અને જાપાનના રેડીયો કાર્યક્રમો સંભળાશે ને?” આ બાજુ હીન્દુસ્તાનમાં બ્રીટીશ સરકાર સુભાષબાબુની ખોજ કરી રહી હતી ત્યારે તેઓએ ૧૯૪૨ની ૨૬મી એપ્રીલે બર્લીનથી એક વાયુપ્રવચન આપ્યું હતું. તેમાં તેમણે કહ્યું હતુંઃ

દુનીયામાં હીન્દીઓનો કોઈ દુશ્મન હોય તો તે એક જ છે, જેણે સો સો વરસથી હીન્દુસ્તાનનું શોષણ કર્યું છે, હીન્દમાતાનું લોહી ચુસી લીધું છે, તે છે બ્રીટીશ શાહીવાદ. હીન્દુસ્તાનનાં જુદાં જુદાં સમરાંગણોમાં ખેલાયેલાં યુદ્ધોનાં પરીણામોનો જો આપણે નીષ્પક્ષ અભ્યાસ કરીશું તો હું જે નીર્ણય પર આવ્યો છું તે નીર્ણય પર હરકોઈ આવશે. બ્રીટીશ સામ્રાજ્ય હવે તુટવા માંડ્યું છે. બ્રીટીશ સેનાના હાથમાંથી હીંદ મહાસાગરનાં મથકો હવે જાપાનના હાથમાં સરી પડ્યાં છે. બ્રહ્મદેશમાં માંડલે શહેરનું પતન થયું છે. મીત્ર રાજ્યોના લશ્કરને બ્રહ્મદેશમાંથી હાંકી કાઢવામાં આવ્યું છે. દેશ બાધવો! બ્રીટીશ સામ્રાજ્ય હવે અદૃશ્ય થવા બેઠું છે. હીન્દુસ્તાનની મુક્તીનો દીવસ નજીક આવતો જાય છે. આપણે એની છેલ્લી લડત આરંભી દીધી છે. ….

બર્લીનથી કરવામાં આવેલ આ રેડીયો પ્રવચન પછી સુભાષબાબુની ઈચ્છાથી જર્મનીએ એમને સબમરીનમાં સીંગાપોર પહોચાડી દીધા હતા. સુભાષબાબુ સીંગાપોર પહોંચે તે પહેલાં ૧૫૦૦૦ બ્રીટીશ, ૧૩૦૦૦ ઓસ્ટ્રેલીયન અને ૩૨૦૦૦ હીન્દી લશ્કર જાપાનીઓને શરણે થયું હતું.

આઝાદ હીંદ ફોજ સુભાષબાબુ સીંગાપોર પહોંચે તે પહેલાં રાસબીહારી બોઝે ટોકીયોમાં પ્રવૃત્ત થઈ જાપાનનું નાગરીકત્વ સ્વીકાર્યું હતું. કારણ કે દીલ્હીમાં લોર્ડ હાર્ડીજની સવારી જતી હતી ત્યારે તેમણે બોમ્બ ફેંક્યો હતો. પરીણામે હાથી મરી ગયો હતો. રાસબીહારી બોઝે ટોકીયોમાં ઈન્ડીયન ઈન્ડીપેન્ડન્સની સ્થાપના કરી હતી. દુશ્મનનો દુશ્મન તે મીત્ર, એ સીદ્ધાંતને આધારે જાપાનની સરકારે એમને પ્રમુખ તરીકે માન્ય રાખ્યા હતા. સુભાષબાબુના સીંગાપોર આવ્યાના સમાચારથી જાપાનની સરકારે એમનો સંપર્ક સાધ્યો અને સુભાષબાબુને સીંગાપોરમાં આઝાદ હીંદ ફોજની સ્થાપના કરવાની પ્રેરણા આપી. પ્રોત્સાહન પણ આપ્યું. સુભાષબાબુ આઝાદ હીંદ ફોજના સરસેનાપતી બન્યા. એની ઘોષણા ૨૫ ઑગષ્ટ ૧૯૪૩ને દીવસે કરવામાં આવી. બ્રહ્મદેશ તો જાપાનીઓના શરણે આવી ગયું હતું. તેથી સુભાષબાબુએ હીંદુસ્તાનની આઝાદી માટે આઝાદ હીંદ ફોજ સાથે કુચ કરી. તાંબે, ટીડીમ અને પાલમ વગેરેને સર કરી કોહીમા અને ઈમ્ફાલની ટેકરીઓ સુધી ત્રીરંગો ઝંડો લહેરાતો કર્યો. આમ આઝાદ હીંદ ફોજ દેશના સીમાડા સુધી આવી પહોંચી હતી. ગજબનો ઉત્સાહ હતો.

આઝાદ હીંદ ફોજ અને હીંદ છોડોલડતના સત્યાગ્રહીઓ અંગ્રેજો સામે સહીયારી લડત લડે તે માટે દેશને પુર્વ સીમાડે જયપ્રકાશ અને સુભાષબાબુની મુલાકાત ગોઠવાઈ હતી. પણ એ બંને મહાપુરુષો જ્યાં મળવાના હતા ત્યાં સુભાષબાબુની સેના પહોંચી શકી નહીં. જો પહોંચી શકી હોત તો દેશનું ભાવી કદાચ જુદો જ વળાંક લેત! (હીંદ છોડો લડતમાંથી)

આઝાદહીંદ ફોજમાં જલાલપોર કાંઠાવીભાગના યુવાનો સુભાષબાબુને ગાંધીજીની સાથે કેટલીક બાબતોમાં મતભેદો હતા તે સાચું, પણ તેઓ ગાંધીને બરાબર ઓળખતા હતા. એટલે તેઓએ ગાંધીને રાષ્ટ્રપતી’ ‘ફાધર ઑફ નેશનકહ્યા હતા. અને ગાંધીજી પણ તેમને માનથી જોતા.

આપણા કાંઠાવીભાગની પ્રજા ઘણી જ સાહસીક, મહેનતુ અને દેશપ્રેમી છે. આપણા વીભાગના પરદેશની સફર કરનારા લોકોનો અભ્યાસ કરીશું તો જણાશે કે જે જમાનામાં આજનાં જેવાં વાહનવહેવારનાં અદ્યતન સાધનો ન હતાં, સગવડો ન હતી, ત્યારે પણ આપણા વીભાગના ભાઈઓ નોકરીધંધાર્થે દેશવીદેશમાં ગયા હતા. ને ત્યાં ઠરીઠામ થયેલા.

સુભાષબાબુએ જ્યારે સીંગાપોરમાં આઝાદ હીંદ ફોજની સ્થાપના કરી ત્યારે આપણા વીભાગમાંથી ગણ્યા ગાંઠ્યા ભાઈઓ સીંગાપોરમાં હતા. આ બધા ભાઈઓ પોતાની પત્ની અને બાળકોને દેશમાં મુકીને પરદેશ ગયા હતા. સુભાષબાબુએ આઝાદ હીંદ ફોજની ઘોષણા કરી ત્યારે તેમાં અનેક હીંદીઓ જોડાઈ ગયા.

આપણા વીભાગમાંથી

1. કાનજીભાઈ દાજીભાઈ દેલવાડા

2. કેશવભાઈ છીમાભાઈ દેલવાડા

3. ગોવીંદભાઈ દાજીભાઈ દેલવાડા

4. મગનભાઈ દયાળભાઈ અલુરા

5. લલ્લુભાઈ સોમાભાઈ અલુરા

6. સુખાભાઈ નાનભાઈ ભીનાર

7. નાનાભાઈ વાલાભાઈ નીમળાઈ

8. મકનભાઈ ભીખાભાઈ નીમળાઈ

આ યુવાનોએ જુદાં જુદાં સ્થળોએ લશ્કરી તાલીમ લીધી હતી. આ દેશાભીમાની યુવાનો દશ મહીના સુધી આરેખાન પર આગલી હરોળની બટાલીયનમાં હતા.

૧૯૯૬માં અમે કાનજીભાઈની રુબરુ મુલાકાત લીધી હતી. ત્યારે તેમણે કહ્યું હતું કે ૧૯૪૪માં રંગુનથી બેંગકોક સુધી આઝાદ હીંદ ફોજ ચાલતી આવી હતી. અમારી સાથે ૨૦૦ જેટલાં બહેનો પણ ફોજમાં હતાં. આરેખાનમાં બ્રીટીશ લશ્કર અમારી સામસામે થતાં ભાગી ગયું હતું. ૧૯૪૫માં સુભાષચંદ્ર બોઝ રાત્રે આઠ વાગે વીષ્ણુ મંદીરમાં આવ્યા હતા, અને દરેક સાથે હસ્તધુનન કર્યું હતું. ૧૯૪૫માં જ એક વીમાન અકસ્માતમાં તેમનું મૃત્યુ થયું હતું. તે હીંદુસ્તાનની મુક્તીનાં સ્વપ્નોને મનમાં જ ભંડારીને આ દુનીયામાંથી વીદાય થઈ ગયા. તેઓ જીવતા હોત તો સ્વરાજ્યનો રંગ કંઈક જુદો જ હોત. તેમના અવસાન પછી આઝાદ હીંદ ફોજની પ્રવૃત્તી મંદ પડી ગઈ.

કાનજીભાઈનો લશ્કરી પોશાકમાં સજ્જ ફોટો અને ટોપી અમારી પાસે સુરક્ષીત છે. આઝાદ હીંદ ફોજના સૈનીકો બનતાં ચાર વરસ અને આઠ માસ સુધી આ યુવાનો કુટુંબ સાથે સંપર્ક નોતા કરી શક્યા. આ યુવાનોની હયાતી વીષે શંકાકુશંકા હતી. પણ બીજું વીશ્વ યુદ્ધ પુરું થયા પછી તેઓ સ્વદેશ પાછા ફર્યા, ત્યારે તેમના કુટુંબીઓની આંખોમાં જ નહીંં, સમસ્ત ગામની આંખોમાં પણ લાગણીનાં પુર ઉમટી આવ્યાં હતાં. ગૌરવનો ભાવ હતો.

આઝાદી મળ્યાને આજે ૫૮ જેટલાં વરસો વહી ગયાં છે, છતાં ભારત સરકારે એમની કદર કરી નથી. નથી એમની વીધવાઓને પેન્શન મળ્યું. ભારત સરકારે આઝાદ હીંદ ફોજના સૈનીકોને પેન્શન મળે તે માટે દીલ્હીમાં ખાતું તો ખોલ્યું છે, પણ દીલ્હીની જાહેરાત આપણા ગામડાંઓ સુધી ક્યાંથી આવે? એટલે આ આઠેય ભાઈઓ પેન્શનથી વંચીત રહ્યા છે. જો કે આ યુવાનો પેન્શન મળશે તે ગણતરીથી ફોજમાં નહોતા જોડાયા. પણ માભોમની મુક્તી માટે, માભોમનું ઋણ અદા કરવા માટે જોડાયા હતા. એમને, માભોમની એમની લાગણીને સલામ!

મેઘાણીભાઈ યાદ આવે છે. એમણે ગાયું હતુંઃ

એની ભસ્માંકીત ભુમી પર ચણજો આરસખાંભી,

એ પથ્થર પર કોતરશો નવ, કોઈ કવીતા લાંબી,

લખજો ખાખ પડી આંહી, કોઈના લાડકવાયાની.

લખજો ખાખ પડી આંહી કોઈના લાડકવાયાની.

કદમ કદમ બઢાયે જા

(આઝાદ હીંદ ફોજનું કુચ ગીત)

કદમ કદમ બઢાયે જા ખુશી કે ગીત ગાયે જા,

યહ જીંદગી હૈ કૌમ કી, તુ કૌમ પર લુટાયે જા….કદમ.

તુ શેરે હીંદ આગે બઢ, મરને સે ભી તુ ન ડર,

આસમાં તક ઉઠાકે સર, જોશે વતન બઢાયે જા….કદમ

તેરી હીંમત બઢતી રહે, ખુદા તેરી સુનતા રહે,

જો સામને તેરે અડે, તુ ખાક મેં મીલાયે જા……..કદમ

ચલો દીલ્હી પુકાર કે, કૌમી નીશાં સંભાલ કે,

લાલ કીલ્લે પે ગાડ કે, લહેરાયે જા, લહેરાયે જા…કદમ

૧૬. કાંઠાના ખમીરવંત આગેવાન સેનાનીઓ

પાંચાકાકા

બ્રીટીશ સરકારે બારડોલીના ખેડુતોની જમીન જપ્ત કરેલી-દુષ્કાળને કારણે જમીન મહેસુલ ન ભરી શકાવાથી. તેમાં કરાડી-મટવાડની સડક પર આવેલ પાંચાકાકાની દોઢેક વીઘાં જમીન પણ હતી. જે જમીન મહેસુલ ન ભરવાને કારણે સરકારે જપ્ત કરેલી.

૧૯૩૭-૩૮માં દેશભરના પ્રાંતોમાં કોંગ્રેસ સરકારો સ્થપાઈ. મુંબઈ સરકારના મહેસુલ પ્રધાન મોરારજી દેસાઈ હતા. જે જમીનો જપ્ત થયેલી તે બધી જ ખેડુતોને પાછી આપવામાં આવી. તે રીતે પાંચાકાકાને તેમની જપ્ત થયેલી જમીન પાછી આપવા સરકારી માણસો ગયા, પરંતુ પાંચાકાકાએ સંપુર્ણ સ્વરાજ્ય ન મળે ત્યાં સુધી જમીન લેવાની ના પાડી. ખુબ સમજાવ્યા. ન માન્યા. એટલે નક્કી કર્યું કે સંપુર્ણ સ્વરાજ્ય મળે ત્યાં સુધી એ જમીન કરાડીના ખાદી કાર્યાલયને અર્પણ કરવી.

૧૯૪૭માં સ્વરાજ્ય મળ્યું, ત્યારે પાંચાકાકાને જમીન લેવા ફરીથી આગ્રહ કરવામાં આવ્યો. પણ પાંચાકાકાએ કહ્યુંઃ સાચું સ્વરાજ્ય ક્યાં છે? જ્યારે પોલીસોની મદદ વીના પ્રજા રહેતાં શીખશે ત્યારે જ સ્વરાજ્યની મારી ટેક પુરી થશે.આવા ટેકીલા.

જમીન તેમણે ન જ લીધી. રાષ્ટ્રીય પ્રવૃત્તી ચલાવવા માટે અર્પણ કરી દીધી. એ જમીન પર દીવાનજીભાઈએ ઝુંપડી બાંધી ખાદી કાર્યાલયની શરુઆત કરી. વર્ષો સુધી દીવાનજીભાઈએ એ ઝુંપડીમાં ખાદીકામની ધુણી ધખાવી. રેંટીયાનો યજ્ઞ માંડ્યો. ખાદીકામને પ્રતીષ્ઠા અપાવી. આખા ગુજરાતને મીશનરી ભાવનાવાળા, નમુનેદાર ખાદી કાર્યકરો આપ્યા.

એ રીતે પાંચાકાકાએ આપેલી જમીનનું સાચું તર્પણ થયું.

આજે તો પાંચાકાકા પણ નથી અને દીવાનજીભાઈ પણ નથી, પણ ત્યાગ અને ખુમારીના પ્રતીક સમી એ જગ્યા એ બંને પુણ્યાત્માઓનું પવીત્ર સ્મરણ કરાવ્યા કરે છે.

પાંચાકાકા સરદાર સાથેઃ અહીં એક બીજો પ્રસંગ પણ નોંધવા જેવો છે, જેથી ખ્યાલ આવે કે કઈ ધાતુમાંથી બનેલ હતા પાંચાકાકા, કયું રસાયણ કામ કરતું હતું એમનો પીંડ ઘડવામાં.

જેમ ગાંધીજી સાથે ઓળખાણ હતી, તેમ સરદાર વલ્લભભાઈ સાથે પણ ઓળખાણ હતી. માત્ર ઓળખાણ નહીંં, સરદારની આંખોએ એમને માપી લીધા હતા. એમને પણ સરદાર માટે પુજ્યભાવ હતો. ગાંધીજીની વીદાય બાદ એક વાર સરદાર બારડોલી આવેલા. પાંચાકાકાને ખબર પડી. પાંચાકાકા એમને મળવા ગયા. પરંતુ મુલાકાત થાય એ માટે બધી વીધી પુરી કરી શકેલા નહીં. નારાજ થઈને પાછા ફરતા હતા. તે વખતે ઑફીસની બારીમાંથી સરદારની નજર ગઈ. ઓળખી ગયા. બોલાવ્યા. અંદર બોલાવ્યા. પોતાની બાજુમાં બેસાડ્યા. ખબરઅંતર પુછ્યા પછી પુછ્યુંઃ કેમ આવ્યા હતા? કંઈ ખાસ કામ હતું?”

પાંચાકાકાએ કહ્યુંઃ એક સંદેશો આપવા આવ્યો છું.

કહો.સરદારે કહ્યું.

ત્યારે પાંચાકાકાએ કહ્યુંઃ આપણા ગાંધીબાપુ તો ચાલ્યા ગયા. પણ તમે આપણા દેશની ગરીબાઈનો વીચાર કરજો, અને ગરીબોને રોટલો મળે એવું કાંઈક કરજો.

બસ આટલી જ વાત કહેવા માટે એ કરાડીથી બારડોલી ગયેલા પોતાના પ્રીય નેતાને મળવા માટે.

અને સરદાર… દેશના ગૃહપ્રધાન….

જેનો નાડીસંબંધ ગામડાની પ્રજા સાથે જોડાયેલો છે તે સરદાર, પોતાના એક ગામડીયા સાથીદારને, જેની આંતરડી ગરીબો માટે કકળતી હતી તે સાથીદારને, જોઈ જ રહ્યા! જોઈ જ રહ્યા!

આ લોક!

આ મારો દેશ!

સરદાર હલબલી ઉઠ્યા!

પારસમણી સમા મણીભાઈ

મણીનો અર્થ થાય છે રત્ન. આખું નામ મણીભાઈ શનાભાઈ પટેલ. મુળ અલીન્દ્રા, ખેડા જીલ્લાના. એઓ કરાડી રાષ્ટ્રીય શાળાના આચાર્ય તરીકે પધાર્યા તેમાં કુદરતનો સંકેત હશે. તેઓ સાચા અર્થમાં માનવરત્ન હતા. પારસમણી હતા. સ્પર્શથી લોઢાને સોનું બનાવનાર મણી. પ્રખર રાષ્ટ્રવાદી હતા. કાંઠાના રાષ્ટ્રીય શીક્ષણસેવા એ તેમના જીવનનો આદર્શ હતો.

એમના સમય દરમીયાન તેઓ વીદ્યાર્થીઓના જીવનઘડતર તરફ પુરતું લક્ષ આપતા. છીબુભાઈ લાલાભાઈના જીવનની સફળતામાં મણીભાઈનો અમુલ્ય ફાળો હતો. છીબુભાઈને તેમણે અસાધ્ય રોગમાંથી મુક્ત કરાવ્યા હતા. નવજીવન આપ્યું હતું. એમના સાન્નીધ્યમાં રહેલ સંગીત શોખીનોને સંગીત શાળામાં અને કલાના ઉપાસકોને કલાશાળામાં, અમદાવાદ દાખલ કરાવ્યા હતા. વીદ્યાર્થીઓની શક્તી, મતી, રુચીને ધ્યાનમાં રાખીને તે તે વીદ્યાશાખાઓમાં દાખલ કરાવ્યા હતા. એ રીતે તેમનું જીવન ઉજમાળું બનાવ્યું હતું. તેઓ માત્ર વીદ્યાર્થીઓના શીક્ષક જ નહોતા, ફ્રેન્ડ, ફીલોસોફર અને ગાઈડ હતા. આત્મીય સ્વજન હતા. એમને હૈયે વીદ્યાર્થીઓનું કલ્યાણ હંમેશાં રહેતું. વ્યાયામના ક્ષેત્રમાં એમણે નાનુભાઈ છીબાભાઈ અને ઉંકાભાઈ પાંચાભાઈને તાલીમ આપી વ્યાયામ વીશારદની પદવી અપાવી હતી.

શ્રી બચુભાઈ મકનજી પટેલે લખ્યું છેઃ

મણીભાઈનું સાન્નીધ્ય વાત્સલ્ય સભર હતું. દરેક વીદ્યાર્થી માટે જાતે ધ્યાન રાખતા. દરેક વીદ્યાર્થીને સુસંસ્કારો મળે તે માટે જાગૃત રહેતા. વીદ્યાર્થીઓમાં શીસ્તપાલન, નીયમીતતા, કસરત કરવી, કાંતવું, ખાદીફેરી, પ્રભાતફેરી, ગ્રામસફાઈ વગેરે કાર્યક્રમો આપી તેમનામાં રાષ્ટ્રભક્તી જગાડતા. પોલીસની દરકાર કરતા નહીં. ૪૨ની ક્વીટ ઈન્ડીયાલડત વખતે કાંઠાવીભાગમાં આગેવાન હતા. જેલવાસી બન્યા હતા. જો એઓ રાજકારણમાં પડ્યા હોત તો મીનીસ્ટર થયા હોત. પણ એમણે તો શ્રી અરવીંદે બતાવેલ આધ્યાત્મીક માર્ગ પસંદ કર્યો હતો. મણીભાઈના સંપર્કમાં જેઓ આવતા તેઓ પ્રેમ અને વાત્સલ્યનો અનુભવ કરતા.

રમેશભાઈ પટેલે સાચું જ કહ્યું છેઃ

તમારા સ્પર્શોથી પથવીહીન માનવકળી

પ્રફુલ્લી, મ્હેંકી ને ધ્રુવનજરથી દૃષ્ટી મળી,

તમારાં ખીલવ્યાં તરુ કુસુમ હે પારસમણી

જ્યાં હો ત્યાં થઈ હૃદયભર તું પા-રસ-મણી.

ભારત વીદ્યાલયમાં અભ્યાસ કરીને દેશપરદેશ જઈ સ્થાયી થયેલા એમના પ્રવાહોને પીછાણનારા હતા. ગુજરાત વીદ્યાપીઠના સ્નાતક હતા. મીલનસાર સ્વભાવના એટલે મીત્રવર્તુળ વીશાળ હતું. પ્રસંગને અનુરુપ વીચારશક્તી અને દીર્ઘ દૃષ્ટી ધરાવતા હતા. રાષ્ટ્રીય શાળાના આચાર્યપદે રહીને એમણે કાંઠાવીભાગમાં શીક્ષણની સાથોસાથ વ્યાયામ પ્રવૃત્તીઓ પણ શરુ કરેલી. જ્યાં જ્યાં શીક્ષકોનો સહકાર મળતો ત્યાં ત્યાં વ્યાયામ પ્રવૃત્તીને વીકસાવવાનું બીડું ઝડપ્યું હતું. વ્યાયામ પ્રચારક મંડળવાળા પુરાણી બંધુઓના પ્રયત્નોને કારણે આખા ગુજરાતમાં એની અસર હતી. ભાવનગર, અમરેલી અને રાજકોટમાં પૃથ્વીસીંહે અખાડાપ્રવૃત્તી શરુ કરી હતી. મણીભાઈ કરાડીથી અબ્રામા સુધી અને પુર્વ બાજુ ધામણ સુધી વ્યાયામ પ્રવૃત્તી વીકસાવવામાં સફળ નીવડ્યા હતા. કરાડી શાળામાં એમના સમયમાં વ્યાયામનાં અનેક પ્રકારનાં સાધનો વસાવવામાં આવ્યાં હતાં. ૪૨ની ક્રાંતી પહેલાં એમણે લાકડાંની રાઈફલો બનાવી યુવાનોને લશ્કરી તાલીમ આપી હતી. આ લાકડાંની રાઈફલો જોઈને બ્રીટીશ અધીકારીઓ ચકીત થઈ ગયા હતા.

તે જમાનામાં શાળાની આર્થીક પરીસ્થીતી ધ્યાનમાં રાખીને મણીભાઈએ સ્થાનીક વીદ્યાર્થીઓને શીક્ષક તરીકે રાખેલા. જેમાં ઉંકાભાઈ પાંચાભાઈ, પરભુભાઈ જોગીભાઈ, રમેશભાઈ નાનાભાઈ, છીબાભાઈ લાલાભાઈ, નાનુભાઈ છીબાભાઈ, રામજીભાઈ ફકીરભાઈ, કનુભાઈ સંગીતકાર, જેરામભાઈ છીબાભાઈ તથા મગનભાઈ છીબાભાઈ વગેરેનો સમાવેશ થાય છે. આ સ્થાનીક શીક્ષકો પાસેથી મણીભાઈ ધાર્યું કામ કરાવી શકતા હતા. કરાડીની રાષ્ટ્રીય શાળાને નીભાવવા અને પગભર કરવા સખત મહેનત ઉઠાવતા હતા. તે દીવસે સરકારી ગ્રાંટની સગવડ ક્યાં હતી? એટલે શાળાની આર્થીક પરીસ્થીતીને પહોંચી વળવા એમણે કાંઠાવીભાગમાંથી ફાળો એકઠો કર્યો હતો. છતાં પણ આર્થીક ખેંચ ઉભી થઈ ત્યારે એમણે બે રુપીયા સભ્યફી રાખી હતી. એ સમયે શાળાની આર્થીક પરીસ્થીતીને ખ્યાલમાં રાખીને તેઓ પોતાના નીભાવખર્ચ પુરતો જ પગાર લેતા. જીવનનીર્વાહ માટે તેઓ પોતાના ગામથી અનાજ, કરીયાણું મંગાવી લેતા. તેમણે કબીરનો આદર્શ નજર સામે રાખ્યો હતોઃ

સાંઈ ઈતના દીજીયે તામેં કુટુંબ સમાય,

મૈં ભી ભુખા ના રહું અરુ સાધુ ન ભુખા જાય.

વીદ્યાર્થીઓ એમના સીદ્ધાંતો અને આદર્શો પાળે છે એ એમનું મોટું પ્રદાન છે. આવા એમના ન્યુઝીલેન્ડમાં વસતા વીદ્યાર્થીઓએ, મીત્રોએ એમના તરફનું ઋણ ચુકવવાના આશયથી ન્યુઝીલેન્ડ, ફીજી, અમેરીકા, દક્ષીણ આફ્રીકા, પુર્વ આફ્રીકા અને ઈંગ્લેન્ડ વગેરે દેશોના પ્રવાસનું આયોજન કર્યું હતું.

મણીભાઈ કેવળ કરાડીમાં જ નહીં, આખા કાંઠામાં પરમ આદરણીય સ્વજન તરીકે સન્માન્ય હતા. કાંઠાની પ્રજામાં રહેલ રાષ્ટ્રભાવનાને એમણે યોગ્ય દીશા અને દૃષ્ટી આપી હતી. એમની સેવાની નોંધ લેતાં ખરેખર જ હું ગૌરવ અનુભવું છું. ન્યુઝીલેન્ડમાં ઑક્લેન્ડ શહેરની દક્ષીણે આવેલ વાયુકુ હાઈસ્કુલમાં પ્રવચન કરતાં એમણે કહ્યું હતુંઃ મારા વીદ્યાર્થીઓ મને પ્રવાસ કરાવે છે એ મોટી વાત છે.આ કથને એમના વીદ્યાર્થીઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

कर्मण्येवाधिकारास्ते मा फलेषु कदाचन |” ગીતાના આ કર્મયોગને તેમણે પોતાના જીવનમાં ચરીતાર્થ કર્યો હતો.

એવા નીષ્કામ કર્મયોગી મણીભાઈને અંતઃકરણપુર્વક પ્રણામ.

દીવાનજીભાઈ

પરદેશી કાપડનો બહીષ્કાર અને ખાદીગ્રામોદ્યોગોનો સ્વીકાર એ હીન્દુસ્તાનની આઝાદીની ચળવળમાં એક મહત્ત્વનો કાર્યક્રમ છે. સીમાચીહ્નરુપ કાર્યક્રમ છે. ગાંધીજીએ ચીંધેલ માર્ગે હીન્દુસ્તાનમાં કરોડો લોકોએ પરદેશી કાપડનો બહીષ્કાર કર્યો હતો. વીદેશી વસ્ત્રોની હોળી કરી હતી. પરદેશી કાપડના બહીષ્કારની સાથે સાથે જ હાથે કાંતેલી અને હાથે વણેલી ખાદીનો પુનર્જન્મ થયો હતો. હીન્દુસ્તાનની ગરીબ રાંક પ્રજાને બટકું રોટલો મળે, રોજીરોટી મળે તે માટે આ ડોશીમાનો રેંટીયો, આ ખાદીઉદ્યોગ આશીર્વાદ સમાન નીવડ્યો હતો. આ ખાદીગ્રામોદ્યોગના પ્રચાર અને પ્રસાર માટે ગુજરાતમાં ખાદીગ્રામોદ્યોગ બોર્ડની રચના કરવામાં આવી હતી. એ સંસ્થાના સંચાલનમાં ગુજરાતના મુખ્ય કાર્યકર્તાઓમાં દીવાનજીભાઈ પણ એક હતા. ખાદીઉદ્યોગને દીવાનજીભાઈએ પાયામાંથી વીકસાવ્યો હતો. વ્યવસ્થીત કર્યો હતો. અહીં કરાડી-મટવાડમાં ૧૬થી વધુ સાળો ચાલતી હતી. દાંડીના વણાટ પરીશ્રમાલયમાં ૧૨ જેટલી સાળો ચાલતી હતી. સામાપુર, આટ અને ઓંજલમાં પણ સાળો ચાલતી હતી. (અમારા ગામ બોદાલીમાં પણ એક સાળ હતી.-ગાંડાભાઈ). સરસ ચાલતી હતી. અહીં રુની ખરીદીથી માંડીને પીંજવું, પુણી બનાવવી, કાંતવું, વણવું, વેચવું ત્યાં સુધી બધું એકદમ વ્યવસ્થીત અને સરસ નેટવર્ક ગોઠવાયું હતું. જે લોકો જન્મજાત વણકર ન હતા તેવા લોકોને વણાટકામની તાલીમ આપી ઉત્તમ વણકર બનાવ્યા હતા. અહીં ૬૦ આંકનું સુતર વણનારા કારીગરો તૈયાર થયા હતા. અહીંની વણાયેલી ખાદી આખા ગુજરાતમાં પંકાતી. ખાદીભંડારોમાં એની ખાસ માંગ રહેતી. એવી પ્રતીષ્ઠા એક સમયે હતી. એવું સુંદર કામ અહીં થતું હતું. એનો જશ દીવાનજીભાઈને જાય છે. એમની પાસે ખાદીકામના જાણકાર, તજજ્ઞ કહી શકાય તેવા નીવડેલા કાર્યકરોનું જુથ હતું. સરસ ટીમ હતી-મીશનરી ઢબે કામ કરનારી ટીમ. એમના જ હાથ નીચે ઘડાયેલા, ટીપાયેલા, તૈયાર થયેલા કાર્યકરોની ટીમ. જેઓ ખાસ ભણેલા નહીં, પણ ટકોરાબંધ કારીગરો હતા, કસબીઓ હતા. ખાદીઉદ્યોગને વીકસાવવા દીવાનજીભાઈએ કાંઠા વીભાગમાંથી અનેક યુવાન કાર્યકર્તાઓને તૈયાર કર્યા હતા.

દીવાનજીભાઈએ તૈયાર કરેલા ખાદી ખાર્યકર્તાઓ

એક હીરાભાઈ છીબાભાઈ પુણીવાળા. મુળ તો પટેલ, પણ હીરાભાઈ પુણીવાળા તરીકે જ એ વધુ પ્રતીષ્ઠીત થયા.

કાંતણકામમાં પુણીનું ખુબ મહત્ત્વ. પુણી સારી હોય તો સુતર સારું કંતાય. સુતર સારું કંતાયું હોય તો સારું વણાય, સારી ખાદી તૈયાર થાય. સારી ખાદી ઉપડે વધુ, એની માંગ વધુ રહે. એટલે સારી પુણીનું ખુબ મહત્ત્વ. હીરાભાઈની દેખરેક હેઠળ તૈયાર થયેલ પુણીની માંગ આખા ગુજરાતમાં અને આખા દેશમાં રહેતી. એ રીતે કરાડી ખાદીકેન્દ્ર તરીકે દેશમાં ખુબ જાણીતું થયું.

દીવાનજીભાઈના હાથ નીચે તૈયાર થયેલ બીજા કાર્યકર તે ભાનુભાઈ. ભાનુભાઈ રવજીભાઈ પટેલ.

દીવાનજીભાઈએ રેંટીયાના ઉત્પાદનમાં પગભર થવાનું, સારા રેંટીયા બનાવવાનું વીચાર્યું હતું. તે માટે એમણે ભાનુભાઈને તાલીમ આપી હતી. ભાનુભાઈએ રેંટીયાના ઉત્પાદન માટે એક કારખાનું ચાલુ કર્યું હતું. આ કારખાનામાં બનાવેલા રેંટીયા આખા ગુજરાતની સંસ્થાઓમાં, ખાદીભંડારોમાં જતા હતા. ભાનુભાઈના રેંટીયા એટલે પરફેક્ટ ચરખા. એક નાના એવા ગૃહઉદ્યોગ મારફતે પ્રજાના કેટલા બધા બેકાર લોકોને કામ આપી શકાય તેનો અનુભવ થયો.

દીવાનજીભાઈએ પુણીથી માંડીને ખાદીના વેચાણ સુધીની પ્રક્રીયા માટે, તેના વહીવટ માટે આખા ગુજરાતમાં કેન્દ્રો સ્થાપ્યાં હતાં. આ કેન્દ્રોમાં કામ કરવા માટે સ્થાનીક કાર્યકર્તાઓને તાલીમ આપી તૈયાર કરતા હતા. આ રીતે દીવાનજીભાઈના હાથ નીચે તાલીમ પામેલા યુવાનોમાં ચંદુભાઈ રવજીભાઈ, દયાળભાઈ નાનાભાઈ અને હીરાભાઈ મોરારભાઈને બીજાં બીજાં કેન્દ્રોમાં જવાબદારી સોંપવામાં આવી હતી. દયાળભાઈ નાનાભાઈ ખાદીગ્રામોદ્યોગ બોર્ડની અમદાવાદની ઑફીસમાં મુખ્ય હીસાબનીસ હતા. સામાપુરના હીરાભાઈ સોમાભાઈ દીવાનજીભાઈના હાથ નીચે તૈયાર થયા હતા. વણાટકામમાં એટલા બધા કુશળ તજજ્ઞ હતા કે મુંબઈ સરકારે એમને રાજપીપળાની માધ્યમીક શાળાના શીક્ષકોને તાલીમ આપવાની શીક્ષણસંસ્થા ગ્રેજ્યુએટ બેઝીક ટ્રેનીંગ સેન્ટરમાં મુખ્ય ઉદ્યોગ શીક્ષક તરીકે મુક્યા હતા. દાંડીવાળા સોમભાઈ પણ કુશળ વણાટશીક્ષક, દાંડીમાં વણાટશાળા ચલાવતા. તેમણે તેમના વણાટકામના અનુભવો વીષે લખેલ પુસ્તકને ગુજરાત સરકારનું પારીતોષીક મળ્યું હતું.

છેલ્લે છેલ્લે દીવાનજીભાઈએ ધરમપુર વીસ્તારમાં ખાદીકામ વીસ્તાર્યું હતું.

દીવાનજીભાઈ નઈતાલીમના અને સર્વોદયના મુખ્ય આગેવાન હતા. ગુજરાત નઈતાલીમ સંઘના અને ગુજરાત સર્વોદય યોજનાના અધ્યક્ષ પણ રહી ચુક્યા હતા.

આપણા કાંઠાવીભાગમાં આચાર્ય મણીભાઈનું અને દીવાનજીભાઈનું ઘણું મોટું પ્રદાન છે, એ ન ભુલીએ.

મણીભાઈ ૧૯૨૮માં આચાર્ય તરીકે આવ્યા હતા. ૧૯૪૬માં નીવૃત્ત થયા. દીવાનજીભાઈ ૧૯૩૪માં આવ્યા હતા. ૧૯૯૧માં ગયા-પોતાના પ્રીય રેંટીયાનું સ્મરણ કરતાં કરતાં ખુલ્લા ખાલી હાથે. કાંઠાવીભાગને ખુબ આપ્યું. ગુજરાતમાં ગાંધીવીચારને વરેલાઓમાં આગવી ઓળખ આપી.

રેંટીયો તેમનો આરાધ્ય દેવ. ગમે ત્યાં જાય, થેલીમાં રેંટીયો તો હોય જ. સમય મળે ત્યારે કાંતે જ. ગમે તેવી સભા હોય, સંમેલન હોય, તેમનો રેંટીયો કોઈને ખલેલ પાડ્યા વીના શાંતીથી ચાલ્યા કરે. મળસ્કે ત્રણથી પાંચ સુધી કાંતતા. ફાવટ એવી કે અંધારામાં પણ કાંત્યા કરતા. એક વાર કોંગ્રેસના એક અધીવેશનમાં મહાદેવભાઈ વહેલી સવારે પ્રતીનીધીઓને જોવા નીકળ્યા. તે જ વખતે વીજળી રીસાઈ ગયેલી. છતાં દીવાનજીભાઈ અંધારામાં કાંતતા હતા. તે વખતે સાડાત્રણેક વાગ્યા હતા. કાંતવા માટે તેમને અજવાળાની જરુર ન હતી. ગમે તેવું કામકાજ હોય, દોડધામ હોય તો પણ દરરોજ અમુક તાર કાંતવા એટલે કાંતવા જ, એવી ધુન. તે વીના ઉંઘે નહીં, એવા વ્રતી. રેંટીયાની આવી ઉપાસના મેં બહુ ઓછામાં જોઈ છે. શરુઆતમાં તો તેઓ સાડાત્રણ-ચાર કલાક કાંતતા. તેની જે મજુરી મળતી તેમાંથી પોતાની જરુરીયાત પુરતું રાખીને બાકીનું ઉદ્યોગ વીદ્યાલયને અર્પણ કરી દેતા.

દરબારી સાધુ

ભારતને આઝાદી મળી તે પહેલાં ગુજરાત અને મહારાષ્ટ્ર મુંબઈ પ્રાંતમાં હતાં. તે જમાનામાં મુંબઈ પ્રાંતમાં દારુબંધી ન હતી. દારુ-તાડી છુટથી મળતાં. આ વ્યસન સમાજ માટે અભીશાપરુપ હતું. આ વ્યસનનો ભોગ બનનાર માનવીનું કુટુંબ અનેક રીતે ખુવાર થઈ જતું. પાયમાલ થઈ જતું. કુટંુબજીવન બરબાદ થઈ જતું. કુટુંબમાં અને સમાજમાં ક્લેશ-કંકાશ, વેરઝેર વધી જતાં. દારુતાડીના વ્યવસાયમાં મોટે ભાગે પારસીઓ હતા. રાષ્ટ્રીય ચળવળ દરમીયાન દારુતાડીથી થતી પાયમાલી જોઈને, તેના નીવારણ માટે કંઈક કરવું જોઈએ તેવા શુભાશયથી સુરતના એક પારસી બાવાજી કાંઠાવીભાગમાં આવેલા. તેઓ દરબારી સાધુતરીકે ઓળખાતા. કેટલાક એમને ભગવા રંગની ખાદીની ધોતીકફનીમાં જોઈને સ્વામીજીતરીકે પણ ઓળખતા. અલગારી જીવ. એક જ ધુન. આ દારુતાડી બંધ થવાં જોઈએ. તે માટે આ અલગારી સાધુએ દારુતાડીના નીષેધ માટે કાંઠાવીભાગમાં અથાગ પ્રયત્નો કરેલા-ગાંધીજીના આગમન પહેલાં. તેઓ જાતે દારુતાડીનાં પીઠાં પર જઈ પીકેટીંગ કરતા. લોકોને સમજાવતા. જલાલપોરથી માંડીને અબ્રામા સુધીમાં જેટલા પીઠાવાળા હતા તેમને સમજાવવામાં એમણે કસર નોતી રાખી. થાય તેટલી મહેનત કરી હતી. માથાકુટ કરી હતી. પણ એમણે જોયું કે નથી તો પીઠાવાળા સમજતા કે નથી તો પીવાવાળા સમજતા. આ લાગણીશીલ જીવને બીજો કોઈ ઉપાય સુઝ્યો નહીં, ત્યારે જીવનમાં હતાશા આવી ગઈ. સખત આઘાત લાગ્યો. માનસીક સમતુલા ખોઈ બેઠા. સમાજને સ્વસ્થ કરવા નીકળેલો માણસ પોતે જ અસ્વસ્થ બની ગયો. દારુતાડીનાં પીઠાં બ્રીટીશ સરકાર માટે દુઝણી ગાય સમાન હતાં. એટલે એને તો પીઠાં ચાલુ રહે એમાં જ રસ. આઝાદીની ચળવળ દરમીયાન ગાંધીજીને પણ આ દુષણનો પુરો ખ્યાલ આવી ગયો હતો. એટલે એમણે દારુતાડીનાં પીઠાંઓ ઉપર પીકેટીંગ કરવાનું કામ બહેનોને સોંપ્યું હતું. કેટલુંક કામ થયું પણ હતું. પણ બહુ સફળતા મળી ન હતી. આઝાદી મળ્યા પછી એકમાત્ર ગુજરાત દારુબંધીને વળગી રહ્યું છે ખરું. પણ છીદ્રો ઘણાં છે. પોલીસ ખાતું સફળ થતું નથી. ત્યાં બીચારા દરબારી સાધુનું કેટલું ગજું? લોકોના સક્રીય સહકાર વીના, લોકભાગીદારી વીના, એકલો દરબારી સાધુ, એકલું પોલીસ ખાતું, એકલી સરકાર કંઈ કરી શકે નહીં. લોકશીક્ષણ, લોકસમજણ એ જ શ્રેષ્ઠ ઉપાય. સમાજને કોરી ખાતા આ ધીમા ઝેરને રોકવાનો બીજો કોઈ સુલભ ઉપાય દેખાતો નથી.

એક દીવસ શ્રી સંપતરાયના પ્રાંગણમાં પગ મુકતાં મણીભાઈની નજર ઓટલા પર બેઠેલા ભગવાં વસ્ત્રધારી સાધુ પર પડી. તેઓ કોઈ પુસ્તક વાંચતા હતા. માથે મુંડન કરાવેલું હતું.

ધનજીશાહ દરબારી મુળ સુરતના. એમના પીતાનું નામ બહેરામશાહ દરબારી. મમતાના મંદીર સમા માતા તો ધનજીશાહને બાળપણમાં મુકીને ગુજરી ગયેલાં. એમના વડવાઓ રાજ્યના દરબારોમાં કામ કરતા, તેથી કુટુંબ દરબારી કહેવાતું. કુટુંબ જ્ઞાની અને ધર્મભાવનાવાળું હતું. તેથી તેઓ દસ્તુર (પારસીઓના ગોર) તરીકે સમાજમાં પ્રતીષ્ઠીત હતા.

ધનજીશાહ દરબારી શીક્ષણ પુરું કરીને સુરત રેલ્વેમાં નોકરી કરતા હતા. સ્વતંત્ર મીજાજના. નોકરીમાં પરાધીનતા. ન ફાવ્યું. સુરત બાલાજી મંદીરના સંકુલમાં તાપી બ્રહ્મચર્ય આશ્રમના સંસ્થાપક પુ. આત્માનંદ સરસ્વતીની કથા સાંભળવા નીયમીત જતા. તેમનો રંગ લાગી ગયો. ભગવાં ધારણ કરી લીધાં.

૧૯૨૮માં સુરત શહેરમાં બારડોલી સત્યાગ્રહ દીનની ઉજવણી થઈ. આ ભગવાં વસ્ત્રધારીને એની જબરી અસર થઈ. કામરેજ તાલુકામાં હળપતીઓની વચ્ચે જઈને બેઠા. વ્યસનમુક્તીનું કામ કરવા લાગ્યા. અનેક લોકોને વ્યસનમુક્ત કર્યા. મણીભાઈના સંપર્કને કારણે કાંઠાવીભાગમાં આવ્યા. ૯-૮-૧૯૨૯નો એ દીવસ. મદ્યનીષેધની ઝુંબેશ ઉપાડી. ઑગષ્ટ ૧૯૨૯માં મદ્યનીષેધના ઠરાવો થયા. દારુતાડીનાં પીઠાંઓ સામે યુવાનોએ ઝુંબેશ ઉપાડી. સ્વામીજી ગામેગામ ફરીને લોકોને સમજાવવા લાગ્યા. અસર થઈ. કાંઠાવીભાગનાં ગામોમાં અને ગાયકવાડી ગામોમાં પણ મદ્યનીષેધ માટે વાતાવરણ તૈયાર થયું. દારુતાડીનાં પીઠાં બંધ કરવા સ્વામીજીએ કમર કસી. યુવાનોએ બરાબર સાથ આપ્યો. સભાઓ ભરવી, સરઘસોની યોજના કરવી, સ્વયંસેવકો તૈયાર કરવા, પત્રીકા છાપવી, વહેંચવી, દારુતાડી ન પીવાના સોગંદ લેવડાવવા, ખજુરાં કાપવાં, આ બધાં કામો માટે સ્વામીજીએ યુવાનોને તૈયાર કર્યા. સ્વામીજીના આ કામની અસર દક્ષીણ આફ્રીકા અને ન્યુઝીલેન્ડમાં વસતા ભાઈઓમાં પણ થઈ. તેમણે સ્વામીજીને પત્રો લખ્યા. અહીં આવતા ત્યારે મળતા પણ ખરા. સ્વામીજી પણ હૃદયના ભાવથી એમને વધાવતા. એક વાતાવરણ જામ્યું હતું.

૧૯૩૦માં ગાંધીજી મીઠાના સત્યાગ્રહ માટે દાંડી આવ્યા ત્યારે કરાડીનીવાસ દરમીયાન મળવાનું થયું. તે પહેલાં નવમી એપ્રીલે ગાંધીજીએ આટમાં મીઠાનો સત્યાગ્રહ કર્યો હતો. તેમાં કરાડીની ટુકડી પણ હતી. સ્વામીજી પણ હતા. સરકારી અમલદારોની નજર એમની ઉપર હતી. એમને ઝડપી લેવા લાગ જોઈ રહ્યા હતા. કોકે કહ્યુંઃ તમને પકડવાના છે.એમણે કહ્યુંઃ હીંમત હોય તો પકડે.ત્યાં ઉભેલ સરકારી અધીકારીએ મમરો મુક્યો મીઠું ઉપાડો તો ખબર પડે. અને સ્વામીજીએ ચપટી ભરીને મીઠું ઉપાડ્યું. તરત જ એમની ધરપકડ થઈ. મોહનલાલ પંડ્યાએ કહ્યું કે તમે પોલીસની ચાલમાં ફસાઈ ગયા. સ્વામીજી જલાલપોરની જેલમાં પહોંચી ગયા. કેસ ચાલ્યો. એક વરસની સજા થઈ. સાબરમતી જેલમાં પહોંચી ગયા. ત્યાંથી નાસીક લઈ ગયા. ત્યાં રવીશંકરદાદા અને કીશોરલાલ મશરુવાળા સાથે મુલાકાત થઈ. ૧૦ માસમાં છુટી ગયા. પાછા કરાડી આવ્યા. ફરી દારુતાડીનાં પીઠાં પર પીકેટીંગ કરવાનું શરુ કર્યું. પણ ગમે તે કારણોસર અસ્વસ્થ રહેવા લાગ્યા.

ગાંધીકુટીરમાં સુરેન્દ્રજી સાથે મુલાકાત થઈ. એમનું અસ્વસ્થ મન ધ્યાન, ચીંતન, અભ્યાસ અને સુરેન્દ્રજી સાથેના વાર્તાલાપથી એકાંતવાસ તરફ ઢળ્યું. તેઓ કરાડીના સ્મશાન પર રહેવા ગયા. ત્યાંથી દાંડી ગયા. પરંતુ આ જીવને ક્યાંય સોરવતું નહીં. પાછા કરાડી આવ્યા. પાછી જમાવટ કરી. એટલે ફરી ધરપકડ થઈ. આ વખતે બે વરસની સજા થઈ. વૈરાગ્ય આવી ગયો. થોડો વખત હીમાલયને ખોળે પણ જઈ આવ્યા. ત્યાંય શાંતી ન મળી. પાછા આવ્યા.

દંભથી દાઝેલા સ્વામીજીએ વર્ધા જવાનું પસંદ કર્યું. ત્યાં ગાંધીજી, સુરેન્દ્રજી, નાથજી અને કીશોરલાલભાઈ સાથે મળવાનું થયું. થોડો વખત રહ્યા પણ ખરા. પાછા કરાડી આવ્યા. આ વખતે ચોથી વાર સરકારે પકડ્યા. એક વરસની સજા કરી. કાંઠામાં કોઈએ વધુમાં વધુ વાર જેલવાસ ભોગવ્યો હોય તો તે સ્વામીજીએ. સાબરમતી, નાસીક, યરવડા, વીસાપુર એમ દરેક જેલના એમને મહેમાન બનાવવામાં આવ્યા હતા. છેલ્લે છેલ્લે એયે માનસીક રીતે થાકી ગયા હતા. કાંઠામાં, કરાડીમાં કંઈક સમાધાન મળતું હતું, પણ પ્રજા ઉપરનો સરકારનો જુલમ જોઈને દુઃખી થતા હતા. ચીત્ત અશાંત હતું. શાંતી માટે ઉપવાસ અને મૌન પાળતા. વ્યસનમુક્તી માટે પોતાનું જીવન હોમી દીધું હતું. પણ તેનું પરીણામ દેખાતું ન હતું. જુગતરામભાઈએ એમને સલાહ આપીઃ આપનું ધ્યેય અને માનસીક વલણ આધ્યાત્મીક છે. મનના મનોરથો પુરા કરવા આપ કાંઠો છોડી જાઓ તે સીવાય કોઈ વીકલ્પ નથી.જુગતરામભાઈની સલાહ વાજબી લાગી. મનને સમાધાન થયું. જેવાં અન્નજળ માની કાંઠાને છેલ્લા નમસ્કાર કર્યા.

ત્યારથી કાંઠો વ્યસનમુક્ત થવા કોઈ સાધુની વાટ જોયા કરે છે.

શું પાંચાકાકાએ, મણીભાઈએ, દરબારી સાધુએ, ગાંધીજીએ, મીઠુબેને અને દીવાનજીભાઈએ કરેલું તપ એળે જશે કે? એવું બને તો નહીં. કાંંઠાનાં લોકો એવાં નગુણાં તો નથી. કો જાને કલ કી?

પરભુકાકા (બદીયા)

આઝાદી ચળવળના ભુગર્ભ સેનાની સ્વ. શ્રી પ્રભુભાઈ સોમાભાઈ પટેલ (બદીયાવાળા)નો જન્મ તા. ૧૫-૨-૧૯૧૧ના રોજ દાંડી ગામે થયો હતો. પ્રાથમીક શીક્ષણ નવસારીમાં લીધેલું, અને માધ્યમીક શીક્ષણ સુરતમાં પાટીદાર આશ્રમમાં રહીને પુરું કરેલું. તે દરમીયાન ૧૯૩૦ના ગાળામાં પાટીદાર આશ્રમ આઝાદી ચળવળનું કેન્દ્ર બની ગયું હતું. એવા વાતાવરણમાં સત્યાગ્રહપત્રીકાના તંત્રી તરીકે હીંમતભેર સાઈક્લોસ્ટાઈલ પત્રીકાની પરંપરા ચલાવેલી. અરે, ત્યારે સ્વ. પ્રભુભાઈ વીષે પોલીસ કહેતીઃ પ્રભુભાઈ સોમાભાઈ પટેલ કોણ?”

એવી ભુગર્ભ પ્રવૃત્તીમાં પ્રવૃત્ત રહી પોલીસને હંફાવી હતી! એ અંગે ૨૬ જાન્યુઆરી ૧૯૫૬ના સમીસાંજમાં પ્રગટ થયેલો વીસ્તૃત લેખ સાંભરે છે. એ લેખના લેખક હતા સ્વ. શ્રી નરોત્તમભાઈ ડાહ્યાભાઈ પટેલ (પાટીદાર આશ્રમના ગૃહપતી). એ જ વખતે ૧૯૩૦માં દાંડીકુચનો આરંભ થયો હતો. ત્યારે સરદારશ્રી વલ્લભભાઈ પટેલે પ્રભુભાઈને ગાંધીજીનો ખાનગી(ગુપ્ત) સંદેશો કરાડી સુધી અંધારી રાતે પહોંચાડવા માટે સુરત ફ્રન્ટીઅર મેઈલમાં ગાર્ડની સાથે બેસાડી ટ્રેનને નવસારી સ્ટેશન પહેલાં થોભાવી ઉતારવાની વ્યવસ્થા કરી હતી! અને પ્રભુભાઈ નવસારી સ્ટેશનથી કાચા રસ્તે ખેતર વટાવતા વટાવતા છેક રાત્રે અઢી વાગ્યે કરાડી પહોંચેલા. ગાંધીબાપુએ સરદારશ્રીનો સંદેશો વાંચી કહ્યુંઃ હું તૈયાર જ છું!અને ૩-૩૦ વાગ્યે પોલીસ કરાડી ગાંધીકુટીરમાં આવી પહોંચી હતી! આવા મર્દ યુવાનની ઉંમર ત્યારે માત્ર ૧૯ (ઓગણીસ) વર્ષની હતી! પછીથી પુના ફરગ્યુશન કૉલેજમાં ઈન્ટર સુધી(કેમેસ્ટ્રી સાથે) અભ્યાસ કરેલો અને દાંડીથી આટમાં ઘર બનાવેલું. ત્યાંથી કલકત્તા ગયેલા. સ્વાતંત્ર્ય સેનાનીનાં સંસ્મરણોનું પોટલું બાંધી કોન્ટ્રાક્ટરના ધંધામાં પરોવાઈ ગયેલા. કલકત્તામાં મે. બી.બી.જે. કન્સટ્રક્શન કું. લી.ના તેઓ મેઈન કોન્ટ્રાક્ટર હતા. આમ કોન્ટ્રાક્ટર તરીકેની ૪૦ (ચાલીસ) વરસની કારકીર્દી પછી કલકત્તા છોડી એથાણ ગામે નવું ઘર બનાવીને રહેલા.

તેઓ સાહીત્ય રસીક પણ હતા. એમના પ્રીય લેખક જયભીખ્ખુઅને કાકા કાલેલકર હતા. સાહીત્યના અખંડ અભ્યાસી પણ હતા. ૧૯૩૭માં હરીપુરા કોંગ્રેસનું એકાવનમું અધીવેશન ભરાયેલું. તેના પ્રમુખ સુભાષચંદ્ર બોઝ હતા. ત્યારે એકાવન બળદગાડાનું સરઘસ કાઢવામાં આવ્યું હતું. એ અધીવેશનમાં દેશમાંથી પધારેલા અનેકને ભોજન કરાવવાની વ્યવસ્થા પ્રભુભાઈએ સંભાળી હતી.

સ્વ. પરભુભાઈ કડકડતી ઠંડીમાં પણ ઠંડા પાણીથી નાહતા! પોતાનાં તેમ જ છોકરાંછૈયાંનાં બધાં જ કપડાં ઘરમાં નોકરો હોવા છતાં જાતે જ ધોતા! એમની સફાઈ તથા વ્યવસ્થા દૃષ્ટાંતરુપ હતી.

સ્વ. પુ. પ્રભુભાઈનાં પત્ની સ્વ. પુ. જશુબહેનનું અવસાન તા. ૨૮-૧-૧૯૮૮એ થયું હતું. એમનાં બાળકોમાં ૩ પુત્રો અને એક પુત્રી હયાત છે, જે બધાં પરદેશમાં હોઈ સાવ એકલવાયુ જીવન જીવતા હતા. એમનો નાનો દીકરો અમેરીકામાં છે. વચલો દીકરો કેનેડામાં છે, અને સૌથી મોટી દીકરી કરુણા અને ભાઈ નવનીત ન્યુઝીલેન્ડમાં છે. સ્વ. શ્રી પ્રભુભાઈનું અવસાન ૯૩ વર્ષની વયે થયું હતું.

આવા કર્મઠ, સાદાઈ ને સફાઈના પ્રતીક સમા સ્વ.પુ. પ્રભુભાઈ હતા.

સેવાવ્રતી નાનુભાઈ

કરાડીનું એક આગવું વ્યક્તીત્વ તે નાનુભાઈ સોમાભાઈ. આપણા વીભાગમાં ખાસ બહુ જાણીતા નહીં. જ્યાં જાણીતા હતા ત્યાં પણ ખાસ જાણીતા નહીં. મુકસેવક. ગાંધીજીની ગ્રામસેવાની પ્રવૃત્તીમાં એકનીષ્ઠ થઈને વેડછી આશ્રમમાં જુગતરામભાઈ દવે અને ચીમનભાઈ ભટ્ટના અંતરંગ સાથીદાર તરીકે જીવનના છેલ્લા શ્વાસ સુધી કામ કર્યું.

પાછામાં પાછા, નીચામાં નીચા,

દુબળાં બાપડાં જ્યાં, બીરાજે ચરણ આપનાં ત્યાં.

તેવા આદીવાસીઓની વચ્ચે પલાંઠી વાળીને બેઠા. વેડછી આશ્રમમાં શીક્ષક તરીકે જીવ્યા. કાંતણ, વણાટની તાલીમ આપી. વેડછી આશ્રમના છાત્રાલયોના એ મુખ્ય ગૃહપતી. આદર્શ ગૃહપતી કેવો હોવો જોઈએ તેનું ઉત્તમ દૃષ્ટાંત તેઓ પુરું પાડતા. ખેપાનીમાં ખેપાની વીદ્યાર્થી પણ નાનુભાઈ આગળ રાંક. વીદ્યાર્થીઓને વશ કરવાનું એમનું મોટામાં મોટું શસ્ત્ર તે વીદ્યાર્થી માટેનો એમનો પ્રેમ. નીર્વ્યાજ પ્રેમ. એ પ્રેમ થકી જ તેઓ એક સફળ ગૃહપતી તરીકે પંકાયેલા. નાનુભાઈ એટલે આશ્રમની મુછાળી માએમ કહેવાતું. અને તે સાચું કહેવાતું. અતીશયોક્તી અલંકાર ન હતો એ. વીદ્યાર્થીઓ તે એમનો પ્રીય વીષય. વીદ્યાર્થીઓનું ચારીત્ર્યઘડતર થાય, વીદ્યાર્થીઓ દેશના સાચા ઉત્તમ નાગરીકો બને તે એમનું લક્ષ્ય. તે માટે થાય તેટલું કરી છુટે. એમની મનગમતી પ્રવૃત્તી તે વેડછી આશ્રમની ગાયો. વેડછી આશ્રમની ગૌશાળા. એકેએક ગાયને નામ દઈને બોલાવે. ગાયો પણ એમને બરાબર ઓળખે. એયે ગાયોને વીદ્યાર્થીઓની જેમ સાચવે. આશ્રમની ગૌશાળા એટલે નમુનેદાર ગૌશાળા. વેડછી આશ્રમની મુલાકાતે તમે જાવ ત્યારે નાનુભાઈ કાં તો છાત્રાલયમાં હોય કાં તો ગૌશાળામાં. હોંશે હોંશે તમને ગૌશાળાની ગાયના દુધમાંથી બનાવેલો પેંડો પણ પ્રસાદરુપે આપે. આ જ એમની મુડી. મુડીમાં બીજું કંઈ ક્યાં હતું? બે ધોતીયાં ને બે સદરા. કફની પહેરી હોય ત્યારે માની લેવાનું કે નાનુભાઈ આજે બહાર જવાના છે. સત્યાગ્રહની અનેક લડતોમાં એમણે ભાગ લીધો હતો. ૧૯૩૦, ૧૯૩૨, ૧૯૪૨ની લડત વખતે માર પણ ખાધો હતો અને જેલ પણ ભોગવી હતી. વાલોડથી પકડાયા હતા. નાનુભાઈએ પોતાનું જીવન વેડછી આશ્રમને સમર્પીત કર્યું હતું. જુગતરામભાઈની અને ચીમનભાઈની માંદગી વખતે એમણે કરેલી સેવા કોઈ આશ્રમવાસી ભુલી શકે નહીં. તેઓ આજીવન બ્રહ્મચારી હતા. શ્વેત ખાદીનાં વસ્ત્રોમાં શોભતા ગાંધી જમાતના અકીંચન સાધુ. તપસ્વી મુક સેવક. નારાયણભાઈ દેસાઈએ ભુમીપુત્રમાં એમને વીષે એક સુંદર લેખ લખ્યો હતો, જેનું શીર્ષક હતું સેવાવ્રતી સત્યાગ્રહી નાનુભાઈ”. નારાયણ દેસાઈ દ્વારા આવું સન્માન મેળવવું તે બધાના નસીબમાં નથી હોતું.

મમતામયી મીઠુબેન

૪૨ની ક્રાંતી એટલે હીન્દુસ્તાનના અણુએ અણુમાં પ્રગટેલી સ્વાધીનતાની જ્યોત. સ્વરાજ્ય માટેની હીન્દુસ્તાનની તલપ, હીન્દુસ્તાનને બ્રીટીશ સામ્રાજ્યની બેડીમાંથી મુક્તી મળે એવી તલપ, એવી લગન જેટલી બ્રીટીશ હકુમતવાળા વીભાગમાં હતી એટલી જ પાડોશના ગાયકવાડી રાજ્યમાં પણ હતી. તે માટે જે કંઈ જોખમો ઉઠાવવાં પડે તે ઉઠાવવાની તૈયારી હતી.

દક્ષીણ ગુજરાતમાં આવેલ મરોલી સેવાશ્રમતે સમયે સ્વરાજ્યની ચળવળને ચાલના આપવા માટે તત્પર રહેતો હતો. લડતમાં ભાગ લેનારાઓને અનેક રીતે મદદ પણ કરતો.

૧૯૪૨ની ક્રાંતી દરમીયાન મરોલી આશ્રમનાં સંચાલીકા હતાં મીઠુબેન પીટીટ. પારસી બાનુ. પારસી ઘરાનાનું પારીજાત. માયજીના નામે આખા પંથકમાં મશહુર. એમનામાં પણ દેશ માટેની ભક્તી હતી. આ દેશ આઝાદ થાય એવી લગન હતી. તેથી તેઓ સ્વતંત્રતા માટે ચાલતી લડતને મદદરુપ બનતાં હતાં. એક કે બીજી રીતે તેમાં ભાગ લેતાં હતાં. તેમાં કામ કરનારાંઓને આશરો આપતાં હતાં. તેમનું ક્ષેમકુશળ ઈચ્છતાં હતાં. સ્વતંત્રતા સેનાનીઓ પણ તેમના સંપર્કમાં રહેતા.

એક વાર એમણે તવડીના વલ્લભભાઈ ડાહ્યાભાઈને તાત્કાલીક સંદેશો મોકલી બોલાવ્યા. સંદેશો મળતાં આવ્યા. ચોમાસાના દીવસો. કાચા રસ્તા. સડક તો હતી નહીં. કાદવકીચડનો પાર નહીં.

વલ્લભભાઈ જેવા નીષ્ઠાવાન યુવાનને સામે જોતાં જ મીઠુબેને કહ્યું કે અત્યારે જ દેલવાડા જાવ. દેલવાડા જઈને કરાડીવાળા મણીભાઈ શનાભાઈને સંદેશો આપો કે તમારી સાથે વૉરંટવાળા જે ભાઈઓ છે તેઓ તાત્કાલીક ત્યાંથી સલામત જગ્યાએ ચાલ્યા જાય. એમને મળેલી બાતમીને આધારે પોલીસો દેલવાડા ગામમાં દરોડો પાડવાના છે. સુચના મળતાં જ વલ્લભભાઈ દેલવાડા આવ્યા. વાત કરી. વૉરંટવાળા ભાઈઓને પોતાની માસીને ત્યાં કરાંખટ લઈ ગયા. રહેવાની સગવડ કરી. આવીને મીઠુબેનને વાત કરી. મીઠુબેને તો પોતાની પારસી ઢબે કહ્યુંઃ મુઆ, કરાંખટ તો સડકની બાજુમાં આવેલું ગામ છે. તારો પોલીસદાદો દરોડો પાડવા તાં તરત પોંચી જાહે. માટે જા પાછો જા. એવણને કોઈ બીજા સલામત ગામમાં પહોંચાડ.અને માયજીનો બોલ. કોઈથી ઉથાપાય નહીં. દેવવાણી.

તાબડતોબ પાછા કરાંખટ આવ્યા. વૉરંટવાળા ભાઈઓને વાત કરી.

હવે? ક્યાં જવું?

વૉરંટવાળા ભાઈઓ પણ કંઈ કાચી માટીના નહોતા. એમણે વલ્લભભાઈને કહ્યું કે તમે મુંઝાવ નહીં. અમે અમારું ફોડી લઈશું.

વલ્લભભાઈ પાછા વકટલેણ કરતા કરતા મરોલી આવ્યા. મીઠુબેનને સમાચાર આપ્યા. મીઠુબેનને સંતોષ ન થયો. નારાજ પણ થયાં. પણ એ લોકો કરાંખટ છોડી ગયા એથી સંતોષ માન્યો.

આ બાજુ વલ્લભભાઈ પાછા ૬૪ કીલોમીટરનો ચક્રાવો મારીને તવડી પાછા આવ્યા. ત્યારે તમરાંના સંગીતની સુરાવલીઓ હવામાં ગુંજતી હતી.

અમે ચારેય રાષ્ટ્રવાદીઓ કરાંખટ ગામમાંથી તરત જ નીકળી ગયા. સાંજ થવા આવી હતી. ક્યાં જવું? ચાલતા ચાલતા નીમળાઈ ગામે આવી પહોંચ્યા. મેં એક ઘરની બારી ખખડાવી. યજમાન અને મહેમાન બંને ચકીત થઈ ગયા! અરે, દયાળ તમે? અત્યારે ક્યાંથી? આવો, આવો….વરસો પછી આ રીતે મામા ભાણેજનું મીલન થયું.

વરસો પહેલાં પીતાની દુકાનમાં સેવા આપી ગયેલા નારણભાઈ વાલાભાઈને આ રીતે મળવાનું થયું.

નીયતી પણ કેવા કેવા ખેલ ખેલે છે!

ન્યુઝીલેન્ડવાસી નારણભાઈ વાલાભાઈ અને કેશવભાઈ મકનભાઈ ભગતે વૉરંટવાળા ચારેચાર ભાઈઓને સાચવી લીધા.

સી.કે.પટેલ (છીબુભાઈ કેશવજી પટેલ)

સી.કે. પટેલના હુલામણા નામે ઓળખાતા શ્રી.છીબુભાઈ કેશવજી પટેલ સ્વાતંત્ર્ય સંગ્રામના સેનાનીઓમાં અનોખા સૈનીક હતા. એમના હાથે એક એવું સરસ કામ થઈ ગયું કે જેનાથી તેઓ ચીરસ્મરણીય બની રહ્યા.

દાંડીમાં ગાંધીજી છઠ્ઠી એપ્રીલ ૧૯૩૦ના રોજ મીઠાના કાયદાનો ભંગ કરે તે પહેલાં વહેલી સવારે દરીયા કીનારે સમુદ્રસ્નાન કરવા ગયા. તે દરમીયાન ગાંધીજીનો ઉતારો જે મકાન(સૈફવીલા)માં હતો તેની સામે જ ખારપાટવાળી જમીનમાં કુદરતી મીઠું પાકેલું હતું. તે ઉપાડી ગાંધીજી સત્યાગ્રહ કરવાના હતા. તે જગ્યાએ સરકારે તમામ મીઠું મજુરો દ્વારા પાવડા વડે કાદવ-પાણીમાં ભેળવી દઈ ગાંધીજી માટે મીઠું ઉપાડવા જેવું રાખ્યું જ નહીં!

સદ્નસીબે તે સમયે ત્યાં સી.કે. પણ હાજર હતા. એમણે ઢોરના એક પગલામાં થોડું મીઠું રહી ગયેલું તેના ઉપર પાંદડાં, ઝાંખરાં નાખી ઢાંકી દીધેલું. સી.કે.એ તે બતાવ્યું ત્યારે ત્યાં હાજર રહેલાં સૌને હાશ વળી. અને ગાંધીજીએ નીચા નમી જમણા હાથે ચપટી મીઠું ઉપાડીને કાયદાનો ભંગ કર્યો. नमक का कानून तोड़ दिया ॥ જો સી.કે.એ આટલી અગમચેતી અને હીંમત ન દાખવ્યાં હોત તો…?!

તો બીજે અનેક સ્થળે મીઠું પાકતું હતું ત્યાં જઈને સત્યાગ્રહ તો થયો હોત; પણ આજે જે સ્થળે દાંડીમાં ગાંધી સ્મારકનું નીર્માણ થયું છે, તે ત્યાં ન હોત. કદાચ બીજી જ જગ્યાએ હોત. દાંડીમાં હાલમાં ગાંધી સ્મારક જે સ્થળે છે, તે ત્યાં નીર્માણ થયાનો મોટા ભાગનો યશ સી.કે.ને ફાળે જાય છે. કમનસીબી એ છે કે, સી.કે.નું આ કાર્ય ઘણું મહત્ત્વનું હોવા છતાં ઈતીહાસને પાને એની કોઈ નોંધ લેવાઈ નથી.

છીબુભાઈનો જન્મ સને ૧૮૯૮માં બોરીફળીયા મુકામે થયો હતો. બાળપણ, શીક્ષણ, ઉછેર બોરીફળીયામાં જ થયું. પણ તે વખતની હવા જ એવી કે થોડું ભણેલા પણ સ્વતંત્ર મીજાજના યુવાનને ગાંધીનો રંગ લાગ્યા વીના ન રહ્યો. દેશની આઝાદીનો થનગનાટ સી.કે.એ પણ અનુભવ્યો. પરંતુ કૌટુંબીક સ્થીતી એવી કે કામધંધો કર્યા વીના જીવાય જ નહીં. એટલે તદ્દન યુવાન વયે રંગુન ગયા અને ત્યાં કામધંધે જોડાયા.

એટલામાં સને ૧૯૨૮માં બારડોલી સત્યાગ્રહ શરુ થયો. રાષ્ટ્રીય ભાવનાવાળા યુવાનો ખુબ આકર્ષાયા. રંગુનમાં બેઠા બેઠા પણ સી.કે. દેશની હાલત જાણતા રહ્યા. એટલામાં સરદારે દેશના યુવાનોને લડતમાં જોડાવાની હાકલ કરી. સ્વયંસેવકોની માગણી કરી. સી.કે.નું મન ઝાલ્યું ન રહ્યું. રંગુનનો ધીકતો ધંધો છોડી દેશ આવી ગયા, અને બારડોલીની લડતમાં સામેલ થઈ ગયા.

ત્યાર પછી ૧૯૩૦માં દાંડીકુચ યોજાઈ. કાંઠાવીભાગના યુવાન અગ્રણીઓમાં સી.કે.ની ગણના થઈ. ઓંજલ – બોરફળીયાના ચારેક સ્વયંસેવકો સાથે તેઓ પણ દાંડી પહોંચી ગયા, અને મીઠાના કાનુનભંગમાં સામેલ થઈ ગયા. ગરીબાઈ તો તે વખતે પણ ઘણી હતી. પણ વ્યક્તીગત લાભાલાભ કે સુખદુઃખ કરતાં દેશ માટે કંઈક કરી છુટવાની તમન્ના ખુબ પ્રબળ હતી.

હવે જાહેર જીવન એમના માટે સહજ બની ગયું. એક સમયે તેઓ જલાલપોર કોંગ્રેસ સમીતીના પ્રમુખ હતા. જીલ્લા લોકલ બૉર્ડના સભ્યપદે રહીને તેમણે અનેક જાહેર સેવાનાં કાર્યો કર્યાં છે.

દેશ આઝાદ થયા પછીનું શેષ જીવન વ્યવસાયની સાથોસાથ શક્ય તેટલું લોકસેવાર્થે વીતાવ્યું. ૯૦ વર્ષ પુરાં થયાં. જીવનની અવસ્થા કોઈને છોડતી નથી. માંદગી આવી પડી. નવસારી દાબુ હોસ્પીટલમાં દાખલ કર્યા. કાંઠા વીભાગનાં લોકોને થયું કે સી.કે.ની જીવન દરમીયાન કોઈ કદર કરી નથી. મોડે મોડે પણ કંઈક કરવું જોઈએ. એમ વીચારી હોસ્પીટલમાં જ એમનું સન્માન કરી રુપીયા ૯૧, ૦૦૦/- એકાણું હજારની થેલી એમને અર્પણ કરી. અને બન્યું એવું કે બીજે જ દીવસે તેઓ અવસાન પામ્યા!

એમના અવસાન બાદ એમના નામનું એક ટ્રસ્ટ બનાવ્યું છે. સ્વ. છીબુભાઈ કેશવજી પટેલ સ્મારક ટ્રસ્ટઃ બોરી ફળીયા”. આ ટ્રસ્ટ દ્વારા એમને અર્પણ થયેલી રકમ બેંકમાં ફીક્ષ ડીપોઝીટમાં મુકી છે. તેના વ્યાજની રકમમાંથી મફત મેડીકલ કેમ્પ, કાંઠા વીભાગની પ્રાથમીક તથા માધ્યમીક શાળામાં ભણતા ગરીબ વીદ્યાર્થીઓને દર વર્ષે નોટબુક તથા યુનીફૉર્મ આપવામાં આવે છે. એ રીતે સી.કે.ની સ્મૃતી જળવાઈ રહી છે.

સી.કે. સાચે જ નમ્ર, નીર્મોહી, નીષ્ઠાવાન સ્વાતંત્ર્ય સેનાની અને કાંઠા વીભાગના મોભી પુરુષ હતા.

પરભુભાઈ છીબાભાઈ પટેલ (પી.સી. પટેલ)

આપણા સમાજના અને આપણા વીભાગના એક રાષ્ટ્રીય કાર્યકરે આપણી વચ્ચેથી ૯૧ વર્ષની વયે વીદાય લીધી છે. આ દુ:ખદ પ્રસંગે એમના જીવનના અનેક સારા નબળા પ્રસંગો આપણા સમાજ અને આપણા દેશની પ્રવૃત્તી સાથે સંકળાયેલા છે, તે યાદ કરી નોંધવાની જરુર છે. પ્રભુભાઈનું રાષ્ટ્રીયત્ત્વ ગુરુજી નાગરજીભાઈ લલ્લુભાઈ નાયકને આભારી છે. ૧૯૨૧ પછીથી રાષ્ટ્રીય શાળાઓના પ્રારંભથી જ એક વડલાના છાંયડે, લોકોના ઓટલા પર અને છેવટે બંધાયેલી રાષ્ટ્રીય શાળામાં ગુરુ નાગરજીએ ભણાવેલા. અંગ્રેજી બીજી પુરી કર્યા બાદ હાંસાપોર- મંદીર ગામે ચોથી અંગ્રેજી સુધી અભ્યાસ કરેલો. ત્યાંથી પરવારી સુરત સાર્વજનીક હાઈસ્કુલમાં ગયેલા. વધુ અભ્યાસ માટે સુણાવ પણ ગયેલા. મુંબઈમાં રાષ્ટ્રીય પ્રવૃત્તીમાં જોડાયેલા અને અસહકારની પ્રવૃત્તીમાં ફક્ત ૧૬ વર્ષની ઉંમરે ગીરફતાર થયેલા. ત્યારે મુંબઈથી પ્રસીદ્ધ થતા ગુજરાતી દૈનીક જન્મભુમીછાપામાં પ્રભુભાઈનો ફોટો પ્રસીદ્ધ થયેલો. મટવાડ રાષ્ટ્રીય શાળાના વીદ્યાર્થીઓને નાગરજીભાઈ ગુરુજીએ એ ફોટો બતાવેલો, તે મારી નજરે મેં જોયેલો. પછીથી ૧૯૩૩માં ઓક્લેન્ડમાં પી.સી.ના મીત્ર પ્રભુભાઈ રણછોડના ઘરે એમના ઓરડાની દીવાલ પર જોયેલો જે મને આજે પણ સ્પષ્ટપણે યાદ છે.

કાંઠા વીભાગના વીદ્યાર્થીઓ માટે જે કાર્ય મણીભાઈએ અને નાગરજીએ કર્યું અને જાગૃતી આણી તે પ્રકારનું કાર્ય પ્રભુભાઈએ મટવાડ વીદ્યાર્થી મંડળ સ્થાપીને કર્યું. મંડળમાં અનેક વીદ્યાર્થીઓને સભ્યો બનાવ્યા અને નવસારી કોળી વીદ્યાર્થી આશ્રમના સંચાલન કાર્યમાં માર્ગદર્શન આપી સંપુર્ણ સહકાર આપ્યો. એટલું જ નહીંં વીદ્યાર્થીઓમાં રાષ્ટ્રસેવાની પ્રેરણા પુરી. રજાના દીવસોમાં કાંઠાનાં ગામોમાં ગામસફાઈ, પ્રૌઢશીક્ષણ વગેરેની વ્યવસ્થીત પ્રવૃત્તી કરી અને આ વીદ્યાર્થી મંડળની પ્રવૃત્તીનો હેવાલ દર વર્ષે પ્રગટ થતો. આ બધાં કાંઠાનાં અન્ય ગામોના વીદ્યાર્થીઓને પ્રભુભાઈ પ્રત્યે સારું એવું માન હતું. અને આ બધાં કાર્યથી રાષ્ટ્રીય કોંગ્રેસમાં એ એક આગળ પડતા કાર્યકર્તા હતા. એઓ યુવાન વયે ગુજરાત પ્રાંતીય સમીતીના સભ્ય હતા. ગુજરાતના તમામ રાષ્ટ્રીય કાર્યકર્તાઓ એમને ઓળખતા અને સુમેળ રાખતા.

૧૯૨૮ની બારડોલી સત્યાગ્રહની લડત વેળા સુરત પાટીદાર આશ્રમમાંથી સત્યાગ્રહ પત્રીકા માટે એક ખાસ સમીતી નીમેલી, જેમાં પી.એસ. મુખ્ય તંત્રી, અને પ્રભુભાઈ વીગેરે અન્ય સભ્યોનો ગૃપ ફોટો પણ છે. આ બારડોલી સત્યાગ્રહ પત્રીકા પર સરકારે પ્રતીબંધ મુકેલો અને એ પ્રસીદ્ધ કરનારાઓ પર વોરંટ કાઢેલાં. તેમાં પી.એસ. પટેલ મુખ્ય, પણ પી.એસ. વોરંટથી પકડાયેલા નહીં, જેથી એની ગીરફતારીની માહીતી આપે તેને રોકડ ઈનામની જાહેરાત સરકારે મુંબઈ ગેઝેટમાં કરેલી. છતાં પણ પી.એસ. પકડાયેલા નહીં. પત્રીકાની નકલ મોજુદ છે. ગાંધીજીની દાંડીકુચની નીમક યાત્રામાં સુરતના આંગણેથી પી.એસ. અને પી.સી. જોડાયેલા. નીમક માટે દાંડીની પસંદગી અંગે પાટીદાર આશ્રમની સભામાં દાંડીનું સુચન કલ્યાણજીભાઈને ભાઈ પી.એસ.એ કહેલું કે દાંડી શું ખોટું છે? જેના પર કલ્યાણજીકાકાએ જલાલપોર તાલુકાની પ્રવૃત્તી પર વીશાળતા પુર્વક વીચાર કરી સરદાર વગેરેની મંજુરીથી દાંડી પસંદ થયેલું અને ગાંધીજીએ દાંડીને હરદ્વાર કહેલું. પી.સી. પટેલને અને પી.એસ. પટેલને રાષ્ટ્રીય પ્રવૃત્તીમાં જુદા પાડી શકાય નહીં. કાંઠા વીભાગના અનાજસંકટ સમયે કાંઠાના આગેવાનોની એક સભા રાત્રે આટ ગામની પશ્ચીમે આવેલી ટેકરી પર રાખેલી. ચર્ચા વીચારણાને અંતે લોન ઉઘરાવેલી. તે રકમ રુપીયા ૬૦ હજાર જેટલી થયેલી. નવસારીના એક વાણીયા વેપારીએ ૱ ૯૦ હજારનો માલ આપેલો. આ સભાના સંચાલનમાં પ્રભુભાઈ, પી.એસ.એ ખાસ ભાગ ભજવેલો. પાછળથી ભાઈ પરસોત્તમ અને જી.સી. વગેરેએ પણ ઘણો ભાગ ભજવેલો. આ સમીતીનું નામ કાંઠા વીભાગ રાહત સમીતીરાખેલું. એના મંત્રીઓ પૈકી ભાઈ પરસોત્તમ એક મંત્રી હતા. આ સમીતીની મુખ્ય ત્રણ દુકાનો હતી-બોરી ફળીયા, આટ અને મટવાડ. શરુઆતનાં વર્ષોમાં આ દુકાનો ઘણી સારી ચાલેલી. પાછળથી અમુક દુકાનોમાં હીસાબી ગોટાળા થયેલા જેના સંશોધન અને નીકાલમાં પ્રભુભાઈ વગેરેએ અગત્યનો ભાગ ભજવેલો. રેશનીંગના જમાનામાં સરકારે અનાજ, કાપડ, ખાંડ, કેરોસીન વગેરેનો વહીવટ રાહત સમીતીને સોંપેલો. જેના હીસાબનું ઓડીટીંગ સરકારી અધીકારી કરતા. આ બધાં કાર્યક્ષેત્રોમાં પ્રભુભાઈનો અવાજ જોરદાર રહેતો.

છેવટે આ બધાં સમાજસેવાનાં ક્ષેત્રોમાં રાજરમતની ગંદી રમત મીશ્ર થઈ. અને સત્તાની લગામ માટે ભેદી પ્રવૃત્તી અમુક વર્ગે શરુ કરી.

દેશમાં મોટામાં મોટી સંસ્થા રાષ્ટ્રીય મહાસભા, પરંતુ એની સાથે સંકળાયેલી કોંગ્રેસ સોસીયાલીસ્ટ પાર્ટીને કોંગ્રેસે સંપુર્ણપણે સ્વીકારેલી. છતાં વર્તણુંકમાં ગંભીર ભેદભાવ. આવા એક ગંભીર ભેદભાવનો ભોગ પ્રભુભાઈ બનેલા. કારણ કે પ્રભુભાઈ સમાજવાદી વીચારના. અને પ્રશ્નને સમજ્યા વીના મુંગે મોંએ હા પાડે નહીં. જેથી એમને બાકાત રાખવાનું કાવતરુ રચાયેલું. આ સમાજવાદી પક્ષમાં તે વખતે ખાસ કોણ કોણ હતા તેવા મીત્રોનાં થોડાં નામો વાંચવાથી આછો ખ્યાલ આવશે. ૧. રામ મનોહર લોહીયા. ૨. જયપ્રકાશ નારાયણ. ૩. અશોક મહેતા. ૪. અચ્યુત પટવર્ધન. ૫. મીનુ મસાણી. ૬. મહેરઅલી. ૭. અસરફ અલી. ૮. ઈશ્વલાલ દેસાઈ. ૯. નીરુ દેસાઈ. ૧૦. મધુ લીમયે. ૧૧. અમુલ દેસાઈ. ૧૨. છોટુભાઈ પુરાણી. ૧૩. ચંદ્રશંકર ભટ્ટ. ૧૪. બલ્લુભાઈ મજમુદાર. ૧૫. મણીભાઈ શનાભાઈ. ૧૬. ચુનીલાલ શાહ. ૧૭. હકુમત દેસાઈ. ૧૮. ચરોતર અને અમદાવાદ ડીસ્ટ્રીક્ટના અનેક સમાજવાદી મીત્રો. ૧૯. પી.સી. પટેલ. ૨૦. ભાઈ મોરારી. ૨૧. દયાળ કેસરી. ૨૨. મોહનરામ. આ ઉપરાંત મણીભાઈની નીકટના અનેક વીદ્યાર્થીઓ.

અમુક વર્ગના કાર્યકર્તાઓના મનમાં જે ભેદ હતો તે અંતે પી.સી. પર પ્રગટ થયો, કારણ કે એ જ આગળ પડતો કાર્યકર્તા હતો. છેવટે ધારાસભાની ચુંટણીનો પ્રસંગ આવ્યો. ગુજરાતની મહાસભાના કાર્યકરોમાં પાર્લામેન્ટ બોર્ડના ચાર સભ્યો સરદાર પટેલ, કાનજીભાઈ દેસાઈ, મોરારજીભાઈ અને રાવજીભાઈ. ધારાસભાના ઉમેદાવારની પસંદગી આ ચાર ભાઈઓની મંજુરીથી થાય. એમની નીચેના કાર્યકરોની સલાહ સુચનને માન્ય રાખી દરેક સીટ માટે કોંગ્રેસ ફક્ત એક જ ઉમેદવાર ઉભો રાખે અને તેને જ ઉમેદવારી પત્ર ભરવાનું કહેવામાં આવે. કોંગ્રેસ તે મંજુર કરે તે પ્રમાણે આગળ ચાલવાનું. એટલે કોંગ્રેસની પસંદગી મુજબ એકનું જ પત્ર ભરાવું જોઈએ, એવી ગોઠવણ બધે જ કરેલી. પણ તે આપણા માટે નહીં. આપણા વીભાગમાંથી ત્રણ ભાઈઓ પાસે પત્રકો ભરાવ્યાં. ૧. લલ્લુભાઈ મકન. ૨. પી.સી. પટેલ અને ૩. ગણેશભાઈ સુખા. આ ત્રણમાંથી એક જ પત્રક ભરાવું જોઈએ. એ માટે પરસોત્તમભાઈ, મોરારી અને મેં ઘણા પ્રયત્નો કરેલા. ગણેશભાઈએ કહ્યું કે તમે કહો તે મને માન્ય છે. પી.સી.એ પણ કહ્યું કે તમે કરો તે મારે માન્ય છે. પરંતુ લલ્લુભાઈ ન કહી શક્યા. કારણ કે વહીવટ કરનારાઓએ લલ્લુભાઈને કહેલું કે તારે તો ભરવાનું જ છે. અમે આ પ્રશ્નનો ઉકેલ ન લાવી શક્યા જેથી પાટીદાર આશ્રમના ગૃહપતી નરોત્તમભાઈને વચ્ચે પાડ્યા. તેમની યોજના પણ લલ્લુભાઈએ ન સ્વીકારી. (કારણ કે એમણે આગળથી જ ગોઠવેલું.) છેવટે ત્રણેનાં પત્રકો ગયાં, અને લલ્લુભાઈનું મંજુર થયું. તે વખતે રાષ્ટ્રની સેવામાં પ્રભુભાઈ મોખરે હોવા છતાં આ ભેદભર્યો બનાવ અમુક સત્તાધારીઓએ બનાવેલો. આવા બીજા બનાવોના પણ પાકા મુદ્દા સાથે અનુભવ છે. પ્રભુભાઈને ચુપ રાખવા માટે મજુર સંગઠનના પ્રમુખ માટેની ઑફર કરેલી, પરંતુ પ્રભુભાઈએ તે સ્વીકારેલી નહીં. મને પણ શાંત રાખવા માટે જીલ્લા બોર્ડનો મોહ આપેલો. મેં સીધો જ જવાબ આપેલો કે મારે તમારી સાથે અનેક મતભેદો છે, જે મટે નહીં એટલે હું કાંઈ ન સ્વીકારું. એ લોકોની નીતીની ઘણે મોડેથી લલ્લુભાઈને સમજ પડેલી. તે એમણે મને કહેલું. આવી રાજરમતમાં ભલભલાનાં ભાવી પલટાઈ જાય છે. ઈન્દુલાલ યાજ્ઞીકનું જીવન પલટાઈ ગયેલું. આખા જ સમાજવાદી પક્ષને ઘણો જ અન્યાય થયેલો.

પી.સી.નું જીવન બીજી સામાજીક પ્રવૃત્તીઓ સાથે સંકળાયેલું રહેલું. વર્ષો સુધી બે મીત્રોની જમીન અને વાડી સાચવી ને પાછી સ્વેચ્છાએ આપી દીધી. કાંઠા વીભાગની કેળવણીમાં રસ ધરાવતા. ભાગ લેતા. ઘણાં વર્ષોથી કોઈની સાથે લાંબીટુંકી નહીં. દેલવાડા ગામમાં એમનું આગલું સાસરું. તે સગાઈ મરણ તક સાચવેલી. દેલવાડા સંગ્રામ સ્મારકનો આગ્રહ એમનો. તે બધાએ સંયુક્ત થઈને સરજાવ્યું. મટવાડ શહીદ સ્મારકની પાયાની પ્રવૃત્તીમાં પ્રભુભાઈ, મોરારી વગેરે. જાળવણીમાં જી.સી.નો મુખ્ય ભાગ.

આવડા ફળીયા, મોખલા ફળીયા, આટ, બોરી ફળીયા, ઓંજલ, દાંડી, સામાપોર વીગેરે સ્થળોએ એમના સંખ્યાબંધ મીત્રો. એમનાં પત્ની રામીબેન થકી એમને ચાર પુત્રો અને બે પુત્રીઓ. હાલ બધાં જ પરદેશ-કેનેડા, ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડમાં સ્થીર થયાં છે. બધાં નીયમીત માતાપીતાની મુલાકાત લેતાં રહે છે.

આવા એક રાષ્ટ્રસેવકને વીદાય આપતાં હૈયું ભરાઈ આવે છે. ઈશ્વર એમના આત્માને ચીર શાતી આપે એવી હાર્દીક પ્રાર્થના. પ્રભુભાઈ સરદાર પટેલના મીત્ર, મણીભાઈ શ.ના મીત્ર, અમુલભાઈ, ઈશ્વરભાઈ, હકુમતભાઈ વગેરેના મીત્ર.

એમના જીવનનાં વીધ વીધ પાસાંઓનો મને ગાઢ પરીચય. એમના શીક્ષણમાં એમના જેરામ મામાનો ખાસ સહકાર. એ ન પકડાયેલા ત્યારે મામાને પકડી ગયેલા. એમના પકડાયા બાદ છોડી મુકેલા.

લી. દ. કેસરી.

૧૭. સ્વાતંત્ર્ય સંગ્રામ સ્મારક દેલવાડા

દેલવાડા અને તેની આસપાસનાં લોકોએ કાંઠાવીભાગના સ્વાતંત્ર્ય સેનાનીઓને જે સાથસહકાર આપ્યો તેની પાછળ કોઈ સ્વાર્થ નહોતો, બીજી કોઈ ગણતરી નહોતી. ગણતરી હતી તે આટલી જ કે પાડોશી ધર્મ બજાવવાનો છે. જે લોકો માભોમની મુક્તી માટે માથે કફન બાંધીને નીકળ્યા છે તેની પડખે રહેવાનું છે, તેમને સાચવવાના છે. લોકોએ જોખમ ખેડીને સહકાર આપ્યો હતો. ખબર તો હતી, જો પકડાય તો આવી જ બનવાનું છે. બધું ફનાફાતીયા થઈ જવાનું છે. તેમ છતાં એ જોખમ ખેડ્યું હતું. જો કે એક ધરપત પણ હતી. અમારાં ગામડાંઓ ગાયકવાડી રાજ્યનાં છે, એટલે ગાયકવાડી સરકારની મંજુરી વીના બ્રીટીશ પોલીસો આવી શકવાના નથી.

પુર્ણા અને મીંઢોળાની વચ્ચે કુલ ૨૮ ગામો આવેલાં છે. તે પૈકી માત્ર દેલવાડા ગામે જ સહુ પ્રથમ આઝાદીના લડવૈયાઓને આશરો આપ્યો હતો. પછીથી તવડી, સાગરા, મીરજાપોર, અલુરા, ભીનાર, નીમળાઈ, કરાંખટ, કાદીપોર, ધામણ વગેરે ગામોએ પણ પોત પોતાની સગવડ પ્રમાણે સાથ આપ્યો. તેમાં દેલવાડા મુખ્ય મથક હતું. મરોલી કાંઠા વીભાગમાં દેલવાડા ગામ નવસારીથી ઘણું દુર. તે દીવસે તો સડક પણ નહીં. કાચા રસ્તા. પગે ચાલીને જ બધે જવાનું. પણ લોકો હીંમતવાળાં, સાહસીક, આતીથ્યભાવનાવાળાં. જરુર પડે તો બલીદાન દેવાની તૈયારીવાળાં. એટલે સ્વાતંત્ર્ય સેનાનીઓને અંતરના ઉમળકાથી આવકારેલા. સાથસહકાર આપેલો. તે દીવસોમાં દેલવાડા ગામ અને દેલવાડા ગામનો સીમાડો સેંકડો સ્વાતંત્ર્ય સેનાનીઓથી ઉભરાતો હતો. બીજા ગામોમાં હશે તે તો જુદા. આ બધાની જમવા કરવાની, રહેવા કરવાની વ્યવસ્થા કરવી તે કામ સરળ નહોતું જ. પણ તમારું અંતર સાફ હોય તો મુશ્કેલમાં મુશ્કેલ કોયડો પણ સરળ બની જાય છે. કહે છે ને કે અમી ભરેલું અંતર જેનું તેને માટે કોઈ વસ્તુ અશક્ય નથી. બધું બરાબર સચવાઈ ગયું.

પ્રેમનું મુલ્ય તો આંકી શકાતું નથી. ચુકવી પણ શકાતું નથી. પણ પી.સી. અને મારો જીવ એક, કોઠો એક. અમને બંનેને એક સાથે એવો વીચાર આવ્યો કે આપણે દેલવાડામાં રાષ્ટ્રીય સ્મારક રચવું જોઈએ. મારો સ્વભાવ એવો કે એક વાર મનમાં જે વાત ઉગી, જે વાત બહુજનહીતાય હોય, લોકકલ્યાણ અર્થે હોય, તેમાં ઢચુપચુ ન રાખું. પાર કરું જ. અમે બંને મીત્રોએ દેલવાડા ગામના આગેવાનોને વાત કરી. દેલવાડા ગામના આગેવાનો તો ખુશ ખુશ થઈ ગયા. ગામના ગૌરવ માટે આથી વીશેષ શું? વળી ભવીષ્યની પેઢીને સ્વતંત્રતાની લડતનો અને એ લડતમાં પોતાના ગામના વડીલોએ કેવો ભાગ ભજવ્યો છે, તેનો સાચો ઈતીહાસ જાણવા મળશે. એ રીતે સ્મારકનો વીચાર આકાર ધારણ કરવા લાગ્યો. ગામના પાદરમાં જગ્યા પસંદ કરવામાં આવી. જગ્યા મેળવવા માટે જમીનના માલીક શ્રી જગુભાઈ સુખાભાઈ પટેલને વીનંતી કરવામાં આવી. જગુભાઈએ તો અંતરના ઉમળકાથી વીનંતીનો સ્વીકાર કર્યો. જગ્યા દાનમાં આપવાનું વચન પણ આપી દીધું. અને તે જ ક્ષણે જાણે સ્મારકનું મુર્ત સ્વરુપ ખડું થઈ ગયું.

હું ૧૯૯૫માં પાછો ન્યુઝીલેન્ડ ગયો. ત્યાં મીત્રવર્તુળમાં સ્મારકના વીચારો રજુ કર્યા. ઑક્લેન્ડવાસી ઘણા ભાઈઓને વીચારો ગમ્યા. ખર્ચને પહોંચી વળવા ઑક્લેન્ડમાં એક સમીતીની રચના કરવામાં આવી. જેના અધ્યક્ષપદે મટવાડના શ્રી છોટુભાઈ છીમાને નીયુક્ત કરવામાં આવ્યા. ૧૨ વર્ષની કીશોરવયે ન્યુઝીલેન્ડ આવેલા દેલવાડાના મણીલાલ છગનભાઈએ ફાળો એકઠો કરવામાં તનમનધનથી મદદ કરી. એ રીતે ન્યુઝીલેન્ડમાં ફાળો એકઠો થયો. હું પાછો ભારત આવ્યો. ખર્ચને પહોંચી વળવા દેલવાડા વીભાગ અને કાંઠા વીભાગનાં ગામોમાંથી પણ લોકોએ હોંશે હોંશે ફાળો આપ્યો.

દેલવાડા-કાંઠા વીભાગ અને આસપાસનાં ગામોમાંથી રચવામાં આવેલી સ્થાનીક સમીતીએ ઉદ્ઘાટન માટે ૨૬મી જાન્યુઆરી ૧૯૯૭નો પ્રજાસત્તાક દીન પસંદ કર્યો. સ્મારકના ઉદ્ઘાટન માટે ગાંધીજીના પૌત્ર માનનીય શ્રી રાજમોહન ગાંધીને વીનંતી કરવામાં આવી. જેનો એમણે સહર્ષ સ્વીકાર કર્યો.

ગામની પ્રાથમીક શાળા, ગામનાં યુવાન ભાઈબહેનો અને વડીલોએ ભારે જહેમત ઉઠાવી સુંદર તૈયારી કરી. પુર્ણાના બંને કાંઠાનાં ગામોમાં નીમંત્રણો મોકલાયાં. લોકો આવ્યાં. ઉપરાંત ન્યુઝીલેન્ડ, ઈન્ગ્લેન્ડ, કેનેડા અને દક્ષીણ આફ્રીકાથી પણ કેટલાક વતનપ્રેમીઓ પધાર્યા હતા.

૨૬મી જાન્યુઆરી, આજનો દીવસ જ એવો હતો. રળીયામણો, ઉજમાળો. દેશની આઝાદી માટે યુવાનોએ આપેલા બલીદાનને યાદ કરવાનો. તેમની કુરબાનીને વંદન કરવાનો.

હવામાં ક્યાંકથી આ શબ્દો ગુંજતા હતાઃ

અય મેરે વતન કે લોગો,

જરા આંખ મેં ભર લો પાની,

જો શહીદ હુએ હૈં ઉનકી

જરા યાદ કરો કુરબાની….

૧૯૪૨ની ક્રાંતી બાદ જે સ્વતંત્રતા સેનાનીઓ પરલોક સીધાવ્યા છે, તેમના પુનીત આત્માને અંજલી આપવાનો અને જે સ્વાતંત્ર્ય સેનાનીઓ આજે હયાત છે, તેમનું બહુમાન કરવાનો આ પ્રસંગ હતો. ઘણી મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉભરાયો હતો.

દેલવાડા ગામની ભાગોળે જાણે વીશાળ રાષ્ટ્રધ્વજ લહેરાતો હોય તેમ ગામની યુવાન દીકરીઓ ભારતના ગૌરવભર્યા રાષ્ટ્રધ્વજના આબેહુબ રંગમાં લીલી, સફેદ અને કેસરી રંગની સાડીઓમાં સુસજ્જ થઈને ઉભી હતી. તેમના મસ્તક પર મુકેલ અને આંંબાનાં પાંદડાંથી તથા શ્રીફળથી શણગારેલ કુંભકળશ અત્યંત આકર્ષક લાગતા હતા. કરાડીના જેકભાઈ, દેલવાડાના ડાહ્યાભાઈ, જસમતભાઈ (સોલંકી) અને ડાહ્યાભાઈ (ડી.ડી.) શ્રી રાજમોહનનું સ્વાગત કરવા ઉભા હતા. રાષ્ટ્રધ્વજની ત્રીરંગી વેશભુષા પરીધાન કરેલી દીકીરીઓને જોઈને તેમની આંખ સામે ૪૨નાં દૃશ્યો ચીત્રપટની જેમ પસાર થતાં હતાં!

શ્રી રાજમોહન ગાંધી બરાબર ૧૦ને ટકોરે આવી પહોંચ્યા. સૌએ એમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. ગામડાને શોભે એ રીતે. સ્વાગત સમીતીના તમામ સભ્યોએ પણ જાણે પોતાના આપ્તજનને મળતા હોય તે રીતે ઉમળકાથી સ્વાગત કર્યું. એમનું સ્વાગત, એમનું સામૈયું અતી ભવ્ય હતું.

શ્રી રાજમોહન ગાંધી દેલવાડાના ઐતહાસીક સ્વાતંત્ર્ય સંગ્રામ સ્મારક પાસે આવી થંભી ગયા. ભાવવીભોર બની ગયા. પોતાના દાદાજીએ માંડેલા સ્વરાજ્ય યજ્ઞમાં લોકોની દેશભક્તી જોઈને કેવા કેવા અને ક્યાં ક્યાંના લોકોએ કુરબાની આપી છે તે જોઈને તેઓ ગદ્ગદીત થઈ ગયા. પોતાના શુભ હસ્તે સ્મારકના દરવાજા પર બાંધેલી લાલગુલાબી પટ્ટી કાપીને વીધીવત્ ઉદ્ઘાટન કર્યું. આઝાદી અમર રહો”, “ગાંધી બાપુ કી જય”, “વંદે માતરમ્ના અવાજોથી ગગન ગાજી ઉઠ્યું.

દેવોને પણ ઈર્ષ્યા આવે એવું દુર્લભ એ દૃશ્ય હતું.

યુવાન ભાઈબહેનોએ સમુહગીત ગાયુંઃ

સ્વરાજની સરવાણી ફુટી,

દેલવાડા ગામના ચોરે રે,

સ્થંભ અનેરા સ્થાપી દીધા,

સંગ્રામના આ લોકે રે

સ્થાનીક લોકકવી દ્વારા રચાયેલું પોતીકો ભાવ લઈને આવતું આ ગીત સૌને સ્પર્શી ગયું.

રાજમોહન ગાંધીનું વક્તવ્ય દેલવાડા ગામ ખાતે બાંધવામાં આવેલ આ સ્વાતંત્ર્ય સ્મારક દેશની આઝાદી માટે જાનફેસાની કરનાર સૈનીકોના સમર્પણનું દ્યોતક છે.

ભારતની રાજધાની દીલ્હી ખાતે રહેતા રાજમોહન ગાંધીને દેલવાડા ગામ ક્યાં આવ્યું તેની કલ્પના જ નહોતી. એમણે દેલવાડા ગામની ધરતી પર પગ મુક્યો અને એ ધરતીના લોકોનો ગાંધી પ્રત્યેનો પ્રેમ જોયો, ગાંધી પ્રત્યેની ભક્તી જોઈ તેઓ ગદ્ગદીત થઈ ગયા. સત્ય, અહીંસા અને અસહકારનો ગાંધીનો મંત્ર આ દુરનાં ગામડાંમાં પણ કેવો જીવંત છે તે જોઈ ચકીત થઈ ગયા. પછી તેમણે પોતાનું વક્તવ્ય આપ્યુંઃ

દેલવાડા ગામની આજની આ પ્રજાસત્તાક દીનની સભા તથા સ્વાતંત્ર્ય સંગ્રામના સ્મારકનું અનાવરણ મારા જીવનના યાદગાર પ્રસંગોમાંનો એક પ્રસંગ બની રહેશે. મારા જીવનની અગત્યની દસ ઘટનાઓમાં આજનો આ પ્રસંગ અવીસ્મરણીય બની રહેશે. જે પ્રદેશના લોકો તેમના પુર્વજોને, પુર્વજોના ઈતીહાસને યાદ રાખે છે, તેમનું ભાવી ઉજ્જવળ છે.

સમગ્ર ભારતમાં રાષ્ટ્રીય ભાવના, રાષ્ટ્રીય ચેતના જાગ્રત કરનારા સૌથી પ્રથમ મહાત્મા ગાંધી હતા. તેથી જ સુભાષચંદ્ર બોઝે તેમને રાષ્ટ્રપીતાકહ્યા હતા. મારામાં તો ગાંધીજીનું રક્ત છે, પણ આપ સહુમાં તો ગાંધીજીનો આત્મા છે. અહીં મારા હાથે આંબાના રોપાની વાવણી થઈ ત્યારે મને એમ થયું કે આઝાદીનું વૃક્ષ વાવનારે પોતાનું લોહી, આંસું અને પરસેવો રેડી એ વૃક્ષને કેવું ઉગાડ્યું છે!

ભારતને સંભાળવું હોય તો, સાચવવું હોય તો, આપણે આપણા આત્માને ઢંઢોળીએ. આ સ્મારકના સ્થાનેથી આપણને રોશની અને ઉર્જા મળી રહેશે.

ભારત છોડોની ચળવળ થઈ. પરંતુ આજે આઝાદીનાં આટલાં વરસ પછી વીપરીત પરીસ્થીતી જોવા મળે છે. વીદેશી એમ્બેસીઓ પર ભારત છોડવા ઈચ્છનારા નાગરીકોની લાંબી લાંબી કતારો દેશની પરીસ્થીતીનું કેવું દુઃખદ ચીત્ર રજુ કરે છે! ભારતનું યુવાધન વીદેશો તરફ ખેંચાય રહ્યું છે! એ આપણને શું સુચવે છે? શું સંદેશ આપે છે?

વીદેશની ધરતી પર ભારતીયોનો વીકાસ થાય છે, પણ અહીં ભારતમાં ભારતીયો પાછળ કેમ રહે છે? સરકાર અને દેશના નેતાઓ માટે આ ચીંતન કરવાનો વીષય છે.

દાંડીમાં એક એવું સ્મારક રચાવું જોઈએ જ્યાંથી દેશ અને દુનીયાને પ્રેરણા મળે, પ્રોત્સાહન મળે, શક્તી અને રોશની મળે. દાંડીનું સ્મારક વીશ્વમાં અજોડ અને અદ્વીતીય બને એવી હું ઈચ્છા રાખું છું. ૪૨ની ચળવળમાં આ વીભાગના લોકોએ બહુ મહત્ત્વનો ભાગ ભજવી દેશનું ઋણ ચુકવવાનો પ્રયત્ન કર્યો છે.

મહાત્મા ગાંધીની હત્યા અને ઈંદીરા ગાંધીની હત્યા એ ભારતની લોકશાહી પ્રણાલીકામાં હીંસક રાજનીતીની પ્રતીતી કરાવે છે. અન્ય સાથે મતભેદ પડતાં તેને મારવાની કે મારી નાખવાની વૃત્તીથી દેશ કદી ઉન્નતી કરી શકતો નથી. વીશ્વમાં ભારત સૌથી મોટો લોકશાહી દેશ છે. ભારતની પ્રજા આજે જે મુશ્કેલીઓમાંથી, યાતનાઓમાંથી પસાર થઈ રહી છે તે ગૌરવ લેવા જેવી બાબત નથી.

આ પછી આપણા પ્રદેશના સ્વાતંત્ર્ય સેનાનીઓનું શ્રી રાજમોહન ગાંધીના હસ્તે ચંદ્રકો આપી સન્માન કરવામાં આવ્યું.

સુભાષચંદ્ર બોઝની આઝાદ હીંદ ફોજમાં આપણા વીભાગમાંથી દેલવાડાના ચાર ભાઈઓ, અલુરાના બે ભાઈઓ અને ભીનાર તથા નીમળાઈના એક એક એમ આઠ ભાઈઓ જોડાયા હતા. તેમને પણ બોલાવ્યા હતા. તેમને ચંદ્રક અર્પણ કરતી વખતે રાજમોહન ગાંધી અત્યંત ભાવવીભોર બની ગયા હતા. સૌ સૈનીકોને છાતી સરસા ચાંપી આલીંગન આપ્યું હતું. સ્વાતંત્ર્ય સૈનીકોને ચંદ્રક અર્પણ કરતાં પહેલાં વાંકા વળીને પોતાનો હૃદયભાવ વ્યક્ત કર્યો હતો. તેમના આ નીખાલસ અને નીરાભીમાની વર્તનથી લોકો ગદ્ગદીત થઈ ગયાં હતાં. આવું તો કદી કોઈએ જોયું જ નહોતું. આવો મોટો માણસ ગામડાંનાં માણસોને આ રીતે ભેટે! આ રીતે માન આપે!

આ રીતે આજનો આ કાર્યક્રમ પુરો થયો.

આઝાદીના સંગ્રામમાં જેમણે ભાગ લીધો છે તેવા વીરલાઓની સ્મૃતીને જીવંત રાખવા દેલવાડા સ્વાતંત્ર્ય સંગ્રામ સમીતીએ તેમનાં નામોની તક્તી પણ મુકી છે. તે આ પ્રમાણે છેઃ

આઝાદહીંદ ફોજના સૈનીકો

1. કાનજીભાઈ દાજીભાઈ દેલવાડા

2. કેશવભાઈ છીમાભાઈ દેલવાડા

3. ગોવીંદભાઈ દાજીભાઈ દેલવાડા

4. મગનભાઈ દયાળભાઈ દેલવાડા

5. લલ્લુભાઈ સોમાભાઈ અલુરા

6. સુખાબાઈ નાનાભાઈ અલુરા

7. નાનાભાઈ વાલાભાઈ ભીનાર

8. મકનભાઈ ભીખાભાઈ નીમળાઈ

દેલવાડાથી ગીરફતાર થયેલા આઝાદીના લડવૈયા

1. મણીભાઈ શનાભાઈ કરાડી

2. પરભુભાઈ છીબાભાઈ (પી.સી.) મટવાડ

3. દયાળભાઈ કેસરી મટવાડ

4. જેરામભાઈ ફકીરભાઈ (જેક) કરાડી

5. ડાહ્યાભાઈ બુધીયાભાઈ દેલવાડા

6. રણછોડભાઈ (છીમા) બુધીયાભાઈ દેલવાડા

7. વલ્લભભાઈ મંગાભાઈ દેલવાડા

8. નારણભાઈ ગાંડાભાઈ દેલવાડા

9. હરીભાઈ જગુભાઈ દેલવાડા

10. નાથુભાઈ જીવલાભાઈ દેલવાડા

11. રણછોડભાઈ જોગીભાઈ દેલવાડા

12. દયાળભાઈ જગાભાઈ રામા દેલવાડા

13. ડાહ્યાભાઈ દયાળભાઈ (ડી.ડી.) દેલવાડા

આઝાદીની લડતમાં સક્રીય છતાં ગીરફતાર ન થયેલા

1. મગનભાઈ રવજીભાઈ (રાજા) દેલવાડા

2. જસમતભાઈ જોગીભાઈ દેલવાડા

3. વલ્લભભાઈ પ્રેમાભાઈ દેલવાડા

4. ગોવીંદભાઈ રણછોડભાઈ દેલવાડા

5. નરસીંહભાઈ રણછોડભાઈ દેલવાડા

6. પ્રેમાભાઈ નાકાભાઈ દેલવાડા

7. સુખાભાઈ મોરારભાઈ દેલવાડા

8. નાનુભાઈ ડાહ્યાભાઈ દેલવાડા

9. જેરામભાઈ પ્રભુભાઈ દેલવાડા

10. છગનભાઈ દયાળભાઈ દેલવાડા

11. રણછોડભાઈ ગોવીંદભાઈ દેલવાડા

12. માવજીભાઈ ફકીરભાઈ તવડી

13. વલ્લભભાઈ ડાહ્યાભાઈ તવડી

14. મગનભાઈ મોરારભાઈ તવડી

15. ફકીરભાઈ સુખાભાઈ (F.S.Koli) તવડી

16. દેવદાસભાઈ નારણભાઈ ચૌહાણ તવડી

17. લલ્લુભાઈ નારણભાઈ ચૌહાણ તવડી

18. છગનભાઈ બુધીયા જીવણ તવડી

19. છીમાભાઈ રામાભાઈ(બળવંતના પીતા) તવડી

પુરવણી

મનુષ્યથી ના અદકું કંઈજ,

મનુષ્યમાંયે શીર જેવું ઉર્ધ્વ,

મુર્ધન્ય તે.

ઉમાશંકર જોશી

૧. સ્વાતંત્ર્ય સંગ્રામના સીપાઈઓ

લેખક- ભાનુભાઈ કાનજીભાઈ પટેલ ઃ કેનેડા

૧૯૪૨નો અંગ્રેજી સરકાર સામેનો બળવો એ પ્રજાનો આખરી અને નીર્ણાયક બળવો. મુંબઈમાં મળેલી કોંગ્રેસની સમીતીએ હીંદ છોડોના ઠરાવની સાથોસાથ એક ઈન્કીલાબી સુત્ર પ્રજાને આપ્યું-કરેંગે યા મરેંગે’. પ્રજાએ આ સુત્ર ઝીલી લીધું, અને સમગ્ર દેશ ઈન્કીલાબ ઝીંદાબાદ, કરેંગે યા મરેંગેના સુત્રોથી ગાજી ઉઠ્યો. નહીંં નમશે નહીંં નમશે નીશાન ભુમી ભારતનું’, ‘અમે લીધી પ્રતીજ્ઞા પાળીશું રેજેવાં ગીતોથી દેશનું હવામાન ગાજવા લાગ્યું. આ યુદ્ધમાં, લોકક્રાંતીમાં અનેક કીશોરો, યુવાનો, બુઝર્ગોએ ઝંપલાવ્યું. પ્રત્યેકના દીલમાં આગ પ્રજ્વલીત બની હતી.

આપણે સ્વાતંત્ર્ય સેનાનીનો અર્થ સંકુચીત બનાવી દીધો છે. જે જેલમાં ગયા તે જ સ્વાતંત્ર્ય સેનાની એવો સંકુચીત અર્થ કર્યો. પણ જેઓ બ્રીટીશ સરકાર સામે યુદ્ધે ચઢ્યા અને ભુગર્ભમાં રહીને સરકાર વીરુદ્ધ પ્રવૃત્તીઓ કરી, તે પછી વ્યક્તીગત ધોરણે કરી હોય કે સામુહીક ધોરણે, એવા તો અનેક નામી અનામી સ્વાતંત્ર્ય સેનાનીઓ આ દેશમાં વસે છે. અહીં થોડા વળી ઉજાગર કરવાનો પ્રયત્ન કર્યો છે.

૨૨મી ઑગષ્ટ ૧૯૪૨ના દીવસે મટવાડમાં પોલીસ અને પ્રજા સમાસામે આવી ગઈ. આઝાદીની આગ ભભુકી ઉઠી. એ આગમાં, સ્વાતંત્ર્યની આગમાં કાંઠાની ત્રણ વ્યક્તી- રણછોડભાઈ લાલાભાઈ કરાડી, મોરારભાઈ પાંચીયા અને મગનભાઈ ધનજી મટવાડ, મોખલા ફળીયા આ ત્રણે હોમાઈ ગયા. દેશને કાજે શહીદ થઈ ગયા. શહીદીની તવારીખનો આંકડો દેશમાં ઘણો મોટો છે.

૨૨મી ઑગષ્ટના પ્રત્યાઘાતરુપે રોષે ભરાયેલી બ્રીટીશ પોલીસે તે રાતથી જ દમનનો દોર શરુ કરી દીધો. રાતભર મટવાડમાં રંજાડ કર્યો. વહેલી પરોઢે કરાડીમાં પ્રવેશ કર્યો.

આચાર્ય મણીભાઈ પટેલ કરાડી બાલાફળીયામાં રહેતા હતા. તેઓ આ લડતના સુત્રધાર હતા. એટલે પોલીસો મોસમમીયા સાથે બાલાફળીયામાં મળસ્કે જ આવી ગયા હતા. મણીભાઈએ અગમચેતી વાપરી દયાળભાઈ મોયાભાઈને સાવચેત કર્યા હતા કે રાત્રે ઘરે રહેશો નહીં. પણ દયાળભાઈ ઘરે જ રહ્યા હતા. પોલીસ સીધી અમારા ઘરમાં અને દયાળભાઈના ઘરમાં ઘુસી ગઈ. ગોવીંદભાઈ અને દયાળભાઈ સાથે જ માળ ઉપર છુપાયા હતા. અમારે ત્યાં આવી ઘરની જડતી લેવી શરુ કરી. અમારો પેટારો ખોલવાનો કહ્યો. એ ખોલવામાં વીલંબ થયો એટલે બંદુકનો કુંદો મારી માને માર્યો. પેટારો ખુલ્યો. પોલીસે બધું રફેદફે કરી નાખ્યું. તેઓ બંદુક શોધતા હતા.

બીજી બાજુ દયાળભાઈની પત્નીને પોલીસોએ મારઝુડ શરુ કરી. દયાળભાઈથી આ જુલમ જોવાયો નહીંં, અને ખુબ ઝનુનથી માળ ઉપરથી કુદકો મારી પોલીસ ઉપર હુમલો કર્યો. દયાળભાઈના ઘરમાં ધમાસણ મચી ગઈ. એટલે અમારા ઘરમાં આવેલા પોલીસો પણ દયાળભાઈના ઘર તરફ ધસી ગયા. આ તરફ ગોવીંદભાઈ આ તકનો લાભ લઈ છટકી ગયા.

પોલીસો ઘણા હતા. દયાળભાઈ એકલા. એમને પકડી લીધા અને બેફામ માર માર્યો. એમનો નોકર દુધ દોહતો હતો, એને પણ પકડી લીધો અને ખુબ માર માર્યો. જેઓ પહેલે દીવસે પકડાયા હતા તેઓને ખુબ માર પડ્યો. કારણ કે મટવાડના ઉતારાની આગળની ઝપાઝપીનો ગુસ્સો ઉતારતા હતા. મોસમમીયો ઉભો ઉભો બડબડાટ કરતો હતો, પણ એને ક્યાં ખબર હતી કે મોસમમીયાની મોસમ હવે પુરી થવાની હતી. સ્વરાજનો સુર્યોદય પુર્વમાં ઝળાંહળાં થઈ રહ્યો હતો. બ્રીટીશ સરકારના આખરી ધમપછાડા હતા.

મણીભાઈની સલાહથી ગોવીંદભાઈ સુરત સત્યાગ્રહ કરી ધરપકડ વહોરવાના હતા. પટેલ ફળીયાના જે.સી. પટેલ એમને સુરત લઈ ગયા હતા. સુરતમાં આગલી રાત્રે બોંબ ધડાકા થયા હતા. તેથી એ દીવસે સત્યાગ્રહ મુલતવી રાખવાની સલાહ મળતાં સત્યાગ્રહ થઈ શક્યો નહીં. કાંઠા વીભાગપત્રીકા એઓ રસપુર્વક વાંચતા, પ્રચાર કરતા. આવા તો મણીભાઈના અનેક વીદ્યાર્થીઓ હતા, જેઓ પ્રભાતફેરીમાં જોડાતા, સ્વાતંત્ર્યના શ્લોકગાન પુકારતા, પત્રીકાઓ પહોંચાડતા-ચોંટાડતા અને ભારતમાતાનો જયજયકાર કરતા. સ્વાતંત્ર્યતાનો સેતુ નામી અનામી અનેક રાષ્ટ્રભક્તોથી નીર્માણ પામ્યો છે. ૧૯૩૨માં ઑર્ડીનન્સ રાજ હતું. સરકારે મેજીસ્ટ્રેટોને વીશાળ સત્તાઓ આપેલી. આંદોલન કરનારને પકડી લેતી. મહાસત્તાના કાર્યકરને આશરો આપે તો તેને પણ પકડી લેતી. પીટીશન પેપરને માટે કોઈ તક ન હતી.

૨૩મી જાન્યુઆરીએ કાંઠા વીભાગના આટ ગામે અને કરાડી મુકામે ધ્વજવંદનનો કાર્યક્રમ ગોઠવેલો હતો. પોલીસ આ કાર્યક્રમ કોઈ પણ ભોગે કરવા દેવા માગતી ન હતી. વીદ્યાર્થીઓ ઝંડા ઉંચા રહેના નારા લગાડતા. પાંચાકાકા વાડી જે તે વખતે આઝાદ મેદાન તરીકે જાણીતી હતી. ત્યાં ધ્વજ રોહણ વીધી થવાની હતી. ત્યાં ધ્વજસ્તંભ રોપવામાં આવ્યો હતો.

પોલીસને આ સમાચાર મળતાં તેઓ ધ્વજસ્તંભે પહોંચી ગયા, અને ધ્વજનો થાંભલો ખોદવા લાગી ગયા. ધ્વજવંદન ન થવા દેવાનો પોલીસનો નીર્ધાર હતો, તેથી ત્યાંથી થાંભલો ખટારામાં નાખી ઉપાડી જવો હતો. આ વખતે મણીભાઈ પટેલ, ગણેશજી સુખાભાઈ અને ઉંકાભાઈ કાલીદાસ આ ત્રણ નાથુભાઈ ઉંકાભાઈ ગાંધીને ત્યાં બેઠા હતા.

જેવા આ સમાચાર મળ્યા કે આ ત્રીપુટીએ ધ્વજવંદન સ્થળ તરફ દોટ મુકી. મણીભાઈએ ધ્વજને મજબુત હાથે પકડી લીધો. ધ્વજ છોડાવવા પોલીસે મણીભાઈના હાથમાં સખત દંડાનો પ્રહાર કર્યો. મણીભાઈ લોહીલુહાણ થયા. આ જોઈ ધ્વજના રક્ષણાર્થે ઉંકાભાઈ કાલીદાસએ ઝનુનપુર્વક દોડી જઈ ધ્વજને પકડી લીધો. પોલીસે ઉંકાભાઈને માથામાં સખત પ્રહાર કર્યો, ને તેઓ જમીન પર પડી ગયા. અસંખ્ય પોલીસોની વચ્ચે જઈને ગણેશભાઈએ પણ ધ્વજને બચાવવાનો પ્રયાસ કર્યો.

લોકોના હૃદયમાં પણ આ ભાવ છલકાતો હતોઃ

ઝંડા અજર અમર રહેજે, વધ વધ આકાશે જાજે

પરાક્રમને પંથે પડેલી પ્રજામાં તો એક જ ક્રાંતીનાદ ગુંજતો હતોઃ

નહીં નમશે નહીં નમશે નીશાન ભુમી ભારતનું

૧૯૨૧માં રાષ્ટ્રીય પ્રવૃત્તીથી દેશ ધમધમી રહ્યો હતો. ગાંધીજીએ અસહકારનો કાર્યક્રમ દેશને આપ્યો હતો. શાળા, મહાશાળા, કોર્ટકચેરીના બહીષ્કારનો આદેશ અપાયો હતો. રાષ્ટ્રીય કેળવણી દ્વારા સ્વદેશ ભાવના ખીલે અને પ્રજા રાષ્ટ્રીય ભાવનાથી રંગાય એ વીચારને કેન્દ્રમાં રાખી કરાડી, મટવાડ, બોદાલી અને બોરીફળીયામાં રાષ્ટ્રીય શાળા શરુ થઈ હતી. આ શાળાઓ રાષ્ટ્રીય શીક્ષણ આપતી હતી, અને આઝાદીની ભાવના પ્રબળ બને એવી ભાવના પ્રેરતી હતી. સ્વતંત્ર સંસ્થાઓ હતી તેથી આર્થીક સમસ્યા પણ નડતી હતી. બ્રીટીશ સરકારની પજવણી પણ હતી. તેથી કરાડી સીવાયની ઉપરની સંસ્થાઓ બંધ પડી. કરાડીની રાષ્ટ્રીય શાળા ભારત વીદ્યાલયનામ ધારણ કરી ૧૯૫૯ સુધી ચાલુ રહી. અંતે આઝાદ ભારતના કેળવણી ખાતાના લોકલ બોર્ડને સોંપી દીધી.

૨૨મી ઑગષ્ટ ૧૯૪૨ના રોજ જે સંઘર્ષ પ્રજા અને પોલીસ વચ્ચે ઉભો થયો તેના મુળમાં ૧૯મીએ ભારત વીદ્યાલયમાંથી નીકળેલી પ્રભાતફેરી કારણભુત હતી. આમ તો તે પ્રભાતફેરી રોજબરોજ નીકળતી અને ગામે ગામ જઈ પ્રજાને આઝાદીનો સંદેશો આપતી. કીશોરો પત્રીકાઓ ઠેર ઠેર ચોંટાડતા અને પ્રજામાં વહેંચતા. ૧૯મીએ નીકળેલી પ્રભાતફેરીમાં ૧૯ વીદ્યાર્થીઓ હતા. આ પ્રભાતફેરીની આગેવાની શાળાના શીક્ષકો નાનુભાઈ છીબાભાઈ, રામજીભાઈ ફકીરભાઈ, જયરામભાઈ છીબાભાઈ (જે.સી.) અને મગનભાઈ છીબાભાઈએ લીધી હતી. પ્રભાતફેરી કરાડીમાં ફરી રહ્યા બાદ વાણીયાવાડ થઈ, સડક પર થઈ મટવાડમાં ફરવાની હતી. મટવાડના પ્રવેશદ્વાર આગળ જ પોલીસગેટ ઉતારો છે. વીદ્યાર્થીઓમાં થનગનાટ હતો અને ખુબ ઉત્સાહથી સુત્રોચ્ચાર કરતા હતા. શ્રી રામભાઈ છીબાભાઈ અને જયરામભાઈ છીબાભાઈના હાથમાં બ્યુગલો હતાં. એઓ બ્યુગલો વગાડતા હતા અને ઉત્સાહ પ્રેરતા હતા. રામભાઈ અમે ડરતા નથી હવે કોઈથી રેએ ગીત ગવડાવતા હતા, અને બધા ઝીલતા હતા.

આ વખતે પોલીસો માર્ચપોસ્ટ કરતા હતા. તેઓ ધસી આવ્યા અને લાઠીચાર્જ કર્યો. શીક્ષકો પર સખત લાઠીચાર્જ થયો. તેઓ લાઠીના ઘા હાથ પર ઝીલી લેતા હતા. રમણભાઈ અગ્રેસર હતા. તેમના પર થતા લાઠીચાર્જ સામે શીક્ષકોએ રક્ષણ કર્યું. આ સમાચાર વાયુવેગે કાંઠાવીભાગમાં પ્રસરી ગયા. મુંબઈનાં બે રાષ્ટ્રવાદી અખબારો વંદે માતરમ્અને જન્મભુમીમાં આ સમાચારો હેડલાઈનમાં ચમક્યા. આમ કરાડી-મટવાડ સંયુક્ત નામે ગુજરાતમાં જાણીતું બન્યું.

માહીતી સ્રોતઃ આચાર્ય મણીભાઈ પટેલ સ્મૃતી ગ્રંથ

લે. ભાનુભાઈ કાનજીભાઈ પટેલ ઃ કેનેડા

૨. લાલીબેનઃ મારી મા

મારી માતાજીનું નામ લાલીબેન. એમની કુખે હું ૧૯૧૯માં કરાડીમાં જન્મેલો. મારી માની ઉંમર આસરે ૨૬ વર્ષની. ભણેલાં ખાસ નહીં. પરંતુ પાછળથી પ્રૌઢ શીક્ષણના વર્ગમાં થોડું શીખેલાં. મને બાળપણમાં વીનય અને વીવક શીખવનાર એ હતાં. મહોલ્લામાં રહેતાં દરેક ભાઈબહેનોને મામા-મામી, માસી, ભાઈ-બહેન વીગેરેથી સંબોધન કરતાં. અરે હરીજનવાસમાં પણ માસી મામા કહેતાં. મારે લડતમાં પડવું હતું અને લગ્ન નહોતાં કરવાં, પરંતુ માતાજીના ખુબ દબાણથી મેં લગ્ન કરેલાં.

ક્રાંતી દરમીયાન મારી માતાજીએ અનેક રીતે મારી દેખરેખ રાખેલી. ૨૨મી ઑગષ્ટની રાત્રે મારી માને બરડા પર અને પગની જાંઘ પર ગંભીર માર પડેલો. તે શરીર અને પગ બ્લુ થઈ ગયેલા. પાંચ પેઢીની સગાઈ શોધી માસીના ઘરે તવડી અમને મોકલેલા. રાજના જંગલમાંથી (રાજપપળા) આવ્યા બાદ ફરીથી લાંબી સગાઈ શોધી ફોઈબાના ઘરે દેલવાડા ગોઠવેલા. કરાડીમટવાડથી દુધ, ઘી, અનાજ વીગેરે મોકલતાં. સોડીયાવડથી ભાગી ગયેલો ત્યારે મને નદી તરીને દેલવાડા મુકવા માટે આવેલાં. પછીથી જેટલી જેલોમાં ગયો તેટલી જેલમાં એ નીયમીત જેલની મુલાકાતે આવતાં. નવસારી, જલાલપોર અને સુરત ખાસ આવેલાં. (સાબરમતી નહીં.) દરેક કટોકટીના પ્રસંગે હીંમત રાખતાં. મુલાકાત વખતે દરેક જાતનું ખાવાનું લાવતાં.

૩. ડાહીબેનઃ મારાં પત્ની

મારાં લગ્ન એક મીત્રપત્નીના સહકારથી તા. ૧૮-૫-૧૯૪૨ના રોજ થયેલાં. ખેતી અને પશુપાલન એ મારું મુખ્ય કાર્ય. ૧૯૪૨ના ઑગષ્ટમાં લડત આવી. એમાં મેં ઝંપલાવ્યું. હું અને મારાં પત્ની ભુગર્ભવાસમાં ગયાં. તવડી, કાદીપોર, ધામણ, રાજપીપળા અને અંતે દેલવાડામાં એક ઝુંપડીમાં સાથે ત્રણ માસ રહ્યાં. હરીભાઈ અને ડાહ્યાભાઈએ જબરો સાથ આપ્યો. નીકટના મીત્ર બન્યા. ભાગ્યા બાદ ફરીથી દેલવાડાના સીમાડામાં બે માસ કાઢ્યા. અંતે ૧૯-૨-૪૩ના રોજ વહેલા પરોઢે સીમાડામાંથી ગીરફતાર થયેલા. દરમીયાન મારી પત્નીએ મારો સાથ છોડેલો નહીં. જ્યારે જ્યારે જેલોમાં મળવા આવતાં ત્યારે હંમેશાં ખાવાનું લાવતાં. અને મારા માટે ધોયેલાં કપડાં લાવતાં. મારી પત્નીએ લડત દરમીયાન મને ખુબ જ સહકાર આપેલો. મારી ૧૯ માસની જેલ દરમીયાન વીયોગ સહન કરેલો. મારા અનેક પ્રસંગોની એ ભાગીદાર છે. પુર્ણા નદી એણે મારા કરતાં વધુ વાર ઓળંગી છે. અમને ૨૦ વર્ષની સજા થશે તો એની શું દશા થશે? તે વીચારે જેલમાં અનેક રાત્રે હું ઉંઘતો નહીં. ઠીક થયું કે ભગવાને તેમ ન કર્યું.

આ પુસ્તક મણીભાઈ, માતાજી અને પત્નીને સમર્પણ.

૪. સરદાર વલ્લભભાઈ પટેલ

દેશમાં સહુથી વધારેમાં વધારે મહત્ત્વનું કાર્ય કોઈએ કર્યું હોય તો તે સરદાર વલ્લભભાઈએ. જેનાં થોડાં સ્મરણો યાદ કરીએ.

દાંડી નીમક સત્યાગ્રહ પહેલાં ૧૯૨૮માં બારડોલી સત્યાગ્રહ થયેલો. મહેસુલ નહીં ભરવાના મુદ્દાઓ પર બ્રીટીશ સરકારે ગંભીર ત્રાસ વર્તાવેલો. ખેડુતોના ઘરોની જડતી લઈ માલમીલકત બધું કાઢી લઈ ગયેલા. ઢોર બળદો પણ કાઢી લઈ ગયેલા. જડતી લીધેલા માલનું લીલામ કરેલું. ઘરમાં બંધાઈ રહેલાં ઢોરો ધોળાં થઈ ગયેલાં. લોકોને ઘરબારમાંથી કાઢી મુકેલા. લોકો આમ તેમ સગેવહાલે જઈને રહેલાં. સરકારે જમીન હરાજી કરેલી તે કેટલાક પારસીઓએ સસ્તી મળતી હોવાથી લીધેલી. પરંતુ સરદારે અને પ્રજાએ નમતું તોલેલું નહીં. પરંતુ જીતેલા એમ કહીએ તો ખોટું નથી. ખેડુતોએ સરદારને કહ્યું કે કોઈક જગ્યાએ જમીન મળતી હોય તો અમે ખેતી કરીએ. આ વીષય પર સરદારે ઉંડો વીચાર કર્યો, અને માંડવીથી આગળ રાજપીપળા સ્ટેટ (દેશી રાજ્ય)ના રાજાને મળીને એમનાં જંગલો યોગ્ય કીંમતે આ ખેડુતોને વેચવાનું કહ્યું. તે પ્રમાણે જંગલો ખરીદી, ઝાડો કાપી, મુળીયાં કાઢી, જમીન સાફ કરી ખેતી કરવાનું કામ શરુ કર્યું. આ હકીકત રમુજી છે. ક્રાંતીકાળમાં નીરાશ્રીત તરીકે મેં રાજમાં પાંચેમ ગામે ધામણના ધીરજભાઈ ગોરધનને ત્યાં કાઢેલાં. ત્યારે એ ખેતી અંગેની વીસ્તૃત વીગત મેળવેલી. જંગલો ખરીદે, ઝાડો કપાવે, તેનાં ઈમારતી લાકડાં વેચે. ડાળ-પાંખડાં બાળવા માટે વેચે. થડ-મુળીયાં કોલસા માટે વેચે. આ બધી વીધી કરતાં વ્યવસ્થીત મહેનત કરવી પડે. પછીથી જમીન ચોખ્ખી થાય. ત્યારે પાણીના નીકાલ માટે મોટી નીકો કરવી પડે. એનું નાની નદીઓના વહેણ સાથે સંગમ કરાવવું પડે. ધીરજભાઈ પાસે પાંચેમમાં ૧૨૦૦ વીઘાં આવી જમીન. ત્રણ દીકરા પૈકી એક કાયમ ત્યાં રહે. બાકીના બે ધામણથી આવજા કરે. ધામણમાં ત્રીસ વીઘાં જમીન. ખાનદાની જબરી. હું ત્યાં હતો તે દરમીયાન ધીરજકાકાને મેં રામકબીર ગ્રંથ વાંચી સંભળાવેલો. ખેતી કરવાની પદ્ધતીનો મેં અભ્યાસ કરેલો. ખેડેલી જમીનમાં બે ચાસ કપાસ લીધા પછીથી બે ચાસ ખેતરનું હલકું ભાત ઓરવું એ રીતે ભાતમાં ક્યાંક થોડી તુવેરની છાંટ નાખવી. આ ભાત આસો માસમાં કાપી લેવાયા બાદ કપાસને વીકસવા માટે પુરતી જગ્યા મળી રહે. અમુક ખેતરોમાં જુવાર પણ ઓરે. આ ખેડુતોએ ભાત અને કપાસનો પાક એટલો બધો લીધો કે ઝગડીયા અને નેત્રંગમાં કપાસ અને ભાતનાં કારખાનાં ઉભાં કર્યાં. આથી એક આખો ઉદ્યોગ શરુ થયો. ગોરધનભાઈ ભક્તના કાકાએ રાજપરા ગામે ખેતી ઉપરાંત ઈમારતી લાકડાં વેચવાની એક વખાર ઉભી કરી હતી. ત્યાં અમારા ભત્રીજા રણછોડભાઈ ગોવીંદ રહી આવેલા. બારડોલી વીસ્તારના ખેડુતોની જમીન ગયેલી તેવા અનેક ખેડુતો રાજપીપળા સ્ટેટમાં સ્થીર થયેલા. જ્યારે પ્રાંતીય સરકાર રચાયેલી ત્યારે આ ખાલસા થયેલી જમીન સાચા ખેડુત માલીકોને સરદારે પાછી અપાવેલી.

સરદારની આગેવાની હેઠળ ખેડા જીલ્લામાં પણ મહેસુલ સામે સત્યાગ્રહ કરવામાં આવેલો. તેનું સંચાલન પણ સરદારે સફળતાપુર્વક કરેલું. અમદાવાદ શહેસુધરાઈના એ પ્રમુખ ચુંટાયેલા અને શહેરના મીલમાલીકો અને મુડીવાદીઓનું મજુર સામેના ઘર્ષણો અને હડતાલોમાં વચ્ચે પડી સંતોષકારક સમાધાનો કરાવેલાં. ગુજરાતના બીજા અન્ય સમાજવાદી આગેવાનો ઈન્દુલાલ યાજ્ઞીક, છોટુભાઈ પુરાણી, ચંદ્રશંકર ભટ્ટ વીગેરે સાથે સંબંધ રાખેલો. પરંતુ કોંગ્રેસના વહીવટમાંથી અલગ રાખેલા. ભારત વીદ્યાલય કરાડી, મટવાડ વીદ્યાર્થી મંડળ, અમલસાડ વીસ્તારના અનેક રાષ્ટ્રીય દેશસેવકો જોડે એમનો ઉંડો સંબંધ. મરોલી આશ્રમ અને વેડછી આશ્રમ સાથે પુરો પાકો સંબંધ. રાષ્ટ્રીય લડત વખતે આ બધા જ સંબંધો એમણે ઉપયોગમાં લીધેલા. ગણેશ વાસુદેવ માવલંકરને એમણે મુંબઈના સ્પીકર અને બાદમાં દીલ્હીના સ્પીકર બનાવેલા. ગુજરાતના અનેક કાર્યકરોને એમણે ઠેકાણે પાડેલા. ધીમે ધીમે આખા દેશમાં અને કોંગ્રેસના બંધારણીય તંત્રની મુખ્ય જવાબદારી એમના હાથમાં આવેલી. કોંગ્રેસ પાર્લામેન્ટરી બોર્ડના એ પ્રમુખ બનેલા. સ્થાનીક અને સમગ્ર દેશની તમામ ચુંટણી વખતે એમની બોલબાલા. જેમાં એક વાર મુંબઈના અને કોંગ્રેસના જાણીતા પારસી આગેવાન નરીમાન સાથે દીલ્હીની ચુંટણી પ્રસંગે મતભેદ પડેલા અને તે ઝગડો કોંગ્રેસની ખાસ સમીતી સુધી ગયેલો. સમીતીએ નરીમાનને સંપુર્ણપણે સાંભળેલા અને સરદારને સાંભાળેલા. આખરી નીર્ણય સરદારની તરફેણમાં આવેલો.

એક પ્રસંગે પ્રાંતીય રાજસત્તાના કોંગ્રેસી પ્રધાન ખરેએ અયોગ્ય પગલું ભરેલું. જેથી એને સ્થાન પરથી પદભ્રષ્ટ કરેલો. ઘણો ખળભળાટ થયેલો. પરંતુ સરદારે સંતોષકારક ખુલાસો આપેલો. પ્રાંતીય ધારાસભાની ચુંટણી પ્રસંગે અને પછીથી અનેક પ્રસંગો બનેલા તેમાં આપણે ત્યાં આપણને સ્થાનીક વહીવટદારોએ ચુંટણીમાં લડાવેલા. કોંગ્રેસના નીયમાનુસાર એક બેઠક માટે એક જ માણસે ઉમેદવારી કરવાની અને તે જેને કોંગ્રેસ કહે તેણે જ. જ્યારે આપણી બેઠક માટે ત્રણ ભાઈઓ પાસે ઉમેદવારી પત્રો ભરાવેલાં. ૧. લલ્લુભાઈ મકન, ૨. પી.સી. પટેલ, ૩. ગણેશભાઈ સુખા. આ નીતી સામે પરસોત્તમભાઈ તલાટી, મોરારીભાઈ સોમા અને મેં સખત વાંધાઓ લીધેલા. પરંતુ તેમાં સફળ થયેલા નહીં. અંતે ત્રણે ભાઈઓનાં ઉમેદવારી પત્રો ગયેલાં. લલ્લુભાઈનું મંજુર થયેલું. મુંબઈ-ગુજરાત ધારાસભામાં લલ્લુભાઈ સહુથી યુવાન અને સહુથી વધારેમાં વધારે મતોથી જીતેલા, કારણ કે ચુંટણી પ્રસંગે આપણે સહુએ સંપુર્ણ સહકારથી કામ કરેલું. (મારે માટે એરુ-એથાણ વીસ્તાર આવેલો.)

દેશી રજવાડાં સરદારની ખરી કસોટી તો દીલ્હીની રાજસભા સંભાળવા પછીથી થયેલી. નહેરુ વડાપ્રધાન પણ બંધારણીય અને વહીવટી તંત્ર અંગે સરદાર નીર્ણય કરતા. સરદાર નહેરુથી જુદો અભીપ્રાય આપતાં અચકાતા નહીં, અને કેટલીયે વાર ગાંધીજીને વચ્ચે પડવું પડતું.

બ્રીટીશ સરકાર પાકીસ્તાનના ભાગલા પાડી ખસી ગઈ ત્યારે દેશી રાજ્યો માટે ખાસ કાંઈ નીર્ણય લીધેલો નહીં અને એમને યોગ્ય લાગે તેની સાથે જોડાવા માટે એ સ્વતંત્ર છે એમ કહી ગયેલા. આ બધા રાજાઓને સમજાવીને યુદ્ધ કર્યા વીના હીન્દુસ્તાન સાથે જોડાવાનું કાર્ય સરદારે કરેલું. બધાને આમંત્રણો મોકલી બોલાવ્યા. કેટલાક આવ્યા, કેટલાક નહીં. કેટલાકને ફરીથી આમંત્રણ આપ્યાં. વાતચીતમાં સરદારે એ બધાને મહત્ત્વના મુદ્દાઓ કહ્યા. કારણ કે અમુક રાજાઓ જક્કી હતા. એમને નીવૃત્ત કરીને યોગ્ય પેન્સન બાંધી આપીએ. પાર્લામેન્ટના સભ્ય બની મીનીસ્ટર સુધીની સગવડ આપીએ. તથા ઉચ્ચક મોટી રકમ જોઈતી હોય તો તે આપીએ. અમુક રજવાડાંઓ માની ગયેલાં અને અમુકે ન માનેલું. તેવાઓને આખરી સંદેશો આપેલો કે આવી મોટી બ્રીટીશ સરકાર પાસે સત્તા છોડાવી તો પછી તમારું શું ગજું? લગભગ બધા જ જોડાયેલા, પરંતુ બેત્રણ મુસ્લીમ રાજ્યો ન જોડાયેલાં. કાઠીયાવાડનું એક જેને પ્રજાના સત્યાગ્રહથી જીતેલું (શામળદાસ ગાંધીની આગેવાનીથી). હૈદ્રાબાદના નીઝામે માનેલું નહીં. એમની સાથે સમાધાનની વાટાઘાટ માટે સરદારે મુંબઈથી મુન્શીને મોકલેલા. સમાધાન ન કરતાં નીઝામે મુન્શીને કેદ કરેલા. સરદારને લાગ્યું કે વાટાઘાટથી સમાધાન થવાનું નથી ત્યારે એમણે લશ્કરથી કબજો લેવાનો નીર્ણય કર્યો. એ નીર્ણયના અમલ માટે કેબીનેટની પરવાનગી માગી. ગંભીર ચર્ચાઓ બાદ બધા સંમત થયેલા. શરુઆતમાં નહેરુ પણ શંકાશીલ હતા. અંતે હીન્દી લશ્કર લઈને સરદાર પોતે સરદારી લઈને હૈદરાબાદ પર ગયા અને એક જ દીવસમાં ખાસ ખુવારી વીના કબજો લીધો. મુન્શીને મુક્ત કર્યા. દેશના વાતાવરણમાં તરત જ શાંતી સ્થપાઈ.

કાશ્મીરનો પ્રશ્ન ખુબ જ ગુંચવાયો છે, કારણ કે એની પાછળ નહેરુની સચ્ચાઈની નીતીને એના વીશ્વાસુ સાથીદારોએ દગો કર્યો અને અમેરીકા અને બ્રીટન યુનાઈટેડ નેશનમાં પાકીસ્તાનને પડખે રહ્યાં. ઉપરાંત પાકીસ્તાને યુનાઈટેડ નેશનના નીર્ણયોનો અમલ ન કર્યો.

કાશ્મીરના જે લોકો હીન્દથી વીરુદ્ધ છે તેને પાકીસ્તાની લશ્કરે હથીયાર અને સૈનીકની મદદ શરુ કરેલી અને તે વ્યવસ્થીત રુપે મોટા પ્રમાણમાં. સરદાર આ બધી પરીસ્થીતીનો ચીવટપુર્વક અભ્યાસ કરતા હતા. એમને એવું લાગ્યું કે આપણે પાકીસ્તાનને ભાગે પડતાં નાણાં આપીએ છીએ તે નાણાંમાંથી પાકીસ્તાન હથીયાર ખરીદે અને તે હથીયારો આપણી સામે વાપરે છે, જેથી આપણે હાલ નાણાં આપવાનું બંધ કરવું જોઈએ. એ વીષય અંગે નહેરુએ માઉન્ટ બેટનને કહ્યું. તેણે કહ્યું કે નાણાં આપી દેવાનાં. સરદારનું કહેવું હતું કે કાશ્મીરના પ્રશ્નનો નીકાલ કર્યા બાદ આપવાં. આ મુદ્દા પર સીધા જ મતભેદ પડેલા, અને સરદાર છુટા થવા તૈયાર થઈ ગયેલા. મહાત્માજી વચ્ચે પડેલા અને સરદારને શાંત કરેલા. ગાંધીજી સંપુર્ણ સમાધાન કરે તે પહેલાં એમનું ખુન થયેલું. ગાંધીજીને અપેલા વચનને ખાતર સરદારે નહેરુ સાથે જીવનના અંત સુધી કામ કરેલું.

કાશ્મીરમાં મુસ્લીમોની બહુમતી હોવાથી પાકીસ્તાનનો દાવો છે અને એ દાવા પર બધા સંપુર્ણપણે વીચાર કરતા નથી. કાશ્મીરના મુસ્લીમોની વસ્તી કરતાં હીન્દુસ્તાનના મુસ્લીમોની વસ્તી અનેકગણી છે. જો હીન્દના મુસ્લીમોને હીન્દુસ્તાન સાચવી શકે તો કાશ્મીરના મુસ્લીમોને જરુરથી સાચવી શકે. કાશ્મીરના મહારાજાએ કાશ્મીરને હીન્દુસ્તાન સાથે જોડાવાની વ્યવસ્થા કરી છે. ત્રાસવાદી મુસ્લીમોને પાકીસ્તાન અનેક વાર લશ્કરી સહાય આપે છે. અને હજારો હીન્દુઓને ખતમ કરી નાખ્યા છે. અનેક હીન્દુ પંડીતો કાશ્મીર પ્રદેશ છોડીને હીજરત કરી ગયા છે. હીન્દુઓના ધાર્મીક સ્થળો ઉપર પણ જાત્રાના પ્રસંગે હુમલા કરી ત્રાસ વર્તાવે છે. અપાર ત્રાસ અને ખુવારી બધું હીન્દી સરકાર સહન કરીને ચાલ્યા કરે છે. બચાવ કરવા માટે અનેક યોજનાઓ કરે પરંતુ પહાડી પ્રદેશ હોવાથી સંપુર્ણ રક્ષણ કરી શકાતું નથી. હીન્દુસ્તાનના પ્રદેશ પર અનેક હુમલાઓનો આપણે હજુ ન્યાય મેળવી શક્યા નથી. સંભવ છે કે સરદાર હોત તો પરીસ્થીતી જુદી હોત. જાણ્યે અજાણ્યે નહરુનાં પગલાંથી આજે આપણી આ પરીસ્થીતી છે. અને પાકીસ્તાનની નીતીને ધ્યાનમાં લેતાં પ્રદેશ પર સંપુર્ણ શાંતી સ્થાપવી મુશ્કેલ છે. યુવાન મુસ્લીમોને જેહાદનું શીક્ષણ આપવામાં આવે છે. એ બધા યુવાન દેહનું બલીદાન આપી દે છે. એનાં માતા-પીતા વીલાપ કરે છે. કેટલીક વાર પરદેશી પત્રકારોનું પણ અપહરણ કરી લઈ તેમની કતલ કરી નાખે. જેથી બીજાઓ ત્યાં જવાની હીંમત ન કરે. આગળના ચાર પત્રકારોનો હજી પણ પત્તો નથી. એ બતાવે છે કે ત્યાં અરાજકતા પ્રવર્તે છે. કાશ્મીરની વીગતો પુરી નથી. ઈતીહાસ બતાવે છે કે ત્યાં રાજસત્તા વારંવાર બદલાતી હતી. અને અમુક વર્ષો સુધી ત્યાં શીખ લોકોનું રાજ હતું. બ્રીટીશરોના રાજ દરમીયાન એ હરીસીંગ રાજાનું સ્ટેટ હતું. અને તેણે પરીસ્થીતીને ધ્યાન પર લઈને હીંદની સરકારને સોંપેલું. ત્યાર પછીના અનેક ગંભીર બનાવો આપણી નજર સમક્ષ બન્યા છે અને બન્યા જ કરે છે.

આપણા અનેક રાજકર્તાઓએ સમાધાન માટે પ્રયત્નો કર્યા. પરંતુ તેમાં સંપુર્ણ સફળતા મળી નથી. કાશ્મીર માટે હીંદી સરકારે કરોડો રુપીયા ખર્ચ્યા અને હજુ પણ ખર્ચ્યે જાય છે. દુનીયામાં અન્યાયોના કારણે શાંતી સ્થપાતી નથી. લોકશાહીની પદ્ધતીથી પ્રયત્નો ચાલુ છે. પરંતુ જ્યાં ને ત્યાં નાના મોટા ઝઘડા થયા જ કરે છે. હજારો યુદ્ધમાં મરે અને હજારો માનવી ભુખથી મરે છે. વીશ્વમાં અનેક યોજનાઓ કરવામાં આવે પરંતુ તે સફળ થતી નથી, કારણ કે માનવીના મનમાં પક્ષાપક્ષી જીવીત છે, ને ત્યાં સુધી અન્યાય અને વીગ્રહો ચાલુ રહેવાના.

દયાળજી કેસરી, મટવાડ

૫. પંડીત જવાહરલાલ નહેરુ

મોતીલાલ નહેરુથી માંડી રાજીવ ગાંધી સુધી નહેરુ પરીવારની ચાર ચાર પેઢીઓએ દેશ માટે મહાન ભોગ આપ્યો છે. જવાહરલાલ નહેરુ માત્ર દેશનેતા જ ન હતા પણ સમગ્ર વીશ્વમાં સન્માન્ય નેતા હતા. એક તરફ રશીયા-ચીન સાથે થોડા સામ્યવાદી દેશો અને બીજી તરફ અમેરીકા-બ્રીટન અને યુરોપ સહીતના લોકશાહી દેશો એમ બે જુથોમાં દુનીયા વહેંચાયેલી હતી, ત્યારે નહેરુએ તટસ્થતાની નીતી અપનાવી હતી, જે અમેરીકા-બ્રીટનને પસંદ ન હતી. નહેરુની આ તટસ્થતાની નીતીમાં બીજા ત્રણચાર દેશો પણ સામેલ હતા. જવાહરલાલની આ તટસ્થતાની નીતીથી દુનીયાને ઘણો જ લાભ થયો છે.

અમેરીકાની દક્ષીણે ક્યુબા એક નાનકડો સામ્યવાદી દેશ છે. અમેરીકા સામ્યવાદનું કટ્ટર વીરોધી હોવાથી ક્યુબા પર વેપારી પ્રતીબંધો લાદી એને આર્થીક ભીંસમાં લેવાના એ સતત પ્રયત્નો કરતું રહે છે. આથી આ બે દેશો વચ્ચે દુશ્મનાવટ ચાલ્યા કરે છે. છેવટે ક્યુબાના સરમુખત્યાર ફીડેલ કાસ્ટ્રોએ અમેરીકા સાથે લડી લેવાનો નીર્ણય કર્યો, અને અમેરીકા તરફ ફેંકવા માટે મીસાઈલો ગોઠવી દીધી. મદદ માટે રશીયાના નૌકાદળને બોલાવ્યું. આ બધી હકીકતો યુનોમાં અમેરીકાના પ્રતીનીધીએ ફોટા સહીત રજુ કરી સાબીત કરી, અને અમેરીકા પણ યુદ્ધ માટે તૈયાર થઈ ગયું. કેમ કે રશીયાનું નૌકાદળ અમેરીકા તરફ આવવા રવાના થઈ ગયું હતું. જો એ અમેરીકાની હદ નજીક આવી જાય તો યુદ્ધની પુરેપુરી શક્યતા હતી. પરંતુ પરીસ્થીતી વણસે તે પહેલાં અમેરીકાના પ્રમુખ કેનેડીએ નહેરુનો સંપર્ક કરી રશીયાના પ્રમુખ ક્રુશ્ચેવ સાથેની એમની મીત્રતાનો ઉપયોગ કરી કંઈક ઉપાય કરવા જણાવ્યું. નહેરુએ ક્રુશ્ચેવને સમજાવ્યા અને એમણે નૌકાદળ પાછું ખેંચી લીધું. દુનીયા ત્રીજા વીશ્વયુદ્ધના ભયંકર સંકટમાંથી ઉગરી ગઈ.

આ પ્રસંગથી પ્રમુખ કેનેડીનું નહેરુ પ્રત્યેનું માન હતું તેનાથી ઘણું વધી ગયું. નહેરુ જ્યારે અમેરીકા ગયા ત્યારે કેનેડીને ત્યાં ભોજન સમારંભ સમયે કેનેડીએ સામેથી જ નહેરુને ભારતને મદદ કરવાની ઑફર કરેલી. ત્યારે નહેરુએ કહેલુંઃ તમારી મદદનો અમે સહર્ષ સ્વીકાર કરીશું, પરંતુ એની સાથે કોઈ પણ પ્રકારની શરતો અમે સ્વીકારીશું નહીં.આ સાંભળી કેનેડી ચુપ થઈ ગયા હતા.

જવાહરલાલ નહરુએ ઈજીપ્ત સાથેની એમની મીત્રતાને લઈને સુએઝ કેનાલનો પ્રશ્ન પણ ઉકેલી આપ્યો હતો. અમેરીકાના કેટલાક પત્રકારોને ચીનની સામ્યવાદી સરકારે લાંબા સમય સુધી કેદ કરી રાખ્યા હતા. તેમને છોડાવવાના બ્રીટન અને અમેરીકાના પ્રયત્નો નીષ્ફળ ગયેલા. અંતે નહેરુના વચ્ચે પડવાથી આ પત્રકારોને મુક્તી મળેલી. આપણા દેશમાં પણ કેરાલામાં સામ્યવાદી સરકારે રબર ઉદ્યોગનું રાષ્ટ્રીયકરણ કરેલું અને બ્રીટીશ શૅરહોલ્ડરો સાથે વીખવાદ થયેલો. તેઓ રબર ઉદ્યોગનો કબજો છોડતા ન હતા. એનો નીકાલ પણ નહેરુએ જ કાઢેલો.

જો કે પોતાની જેમ બધાને જ પ્રમાણીક અને સરળ માનવાની ભુલ જવાહરલાલે ચીન સાથે કરી. ચીને તીબેટનો કબજો કર્યો. ધર્મગ્રંથો અને ધર્મગુરુઓનો નાશ કર્યો. પછી ભારત પર હુમલો કરી હજારો ચોરસ કીલોમીટર જમીન પચાવી પાડી. ભારત સાથે ભયંકર યુદ્ધ કર્યું.

ભારત-ચીનના આ યુદ્ધ સમયે હું ન્યુઝીલેન્ડના હીન્દી મંડળનો પ્રમુખ હતો. ભારતને સહાય કરવા અમે ન્યુઝીલેન્ડમાં ફંડ ભેગું કર્યું હતું. ૧૯૬૩ના નવેમ્બર કે ડીસેમ્બરમાં ગુજરાતના તે સમયના મુખ્ય પ્રધાન જીવરાજભાઈ મહેતાની ગોઠવણ મુજબ ગુજરાત રાજ્યના ગવર્નરના નીવાસસ્થાને નહેરુ પધાર્યા હતા. એ સમયે ન્યુઝીલેન્ડના આ ફાળાનો ૱ ૧, ૦૦, ૦૦૦ (એક લાખ)નો ડ્રાફ્ટ મેં અર્પણ કર્યો હતો. આ વખતે પાડવામાં આવેલા ફોટામાં એમને જ્યારે વચ્ચે ઉભા રાખવામાં આવ્યા ત્યારે એમણે કહ્યુંઃ ના, વચ્ચે તો ન્યુઝીલેન્ડ હીન્દી મંડળના પ્રેસીડન્ટને જ ઉભા રાખો.

ભારતના આવા એક મહાન સપુતને મારા નમસ્કાર સાથે વીરમું છું.

દયાળભાઈ કેસરી

6. Manukau Indian Association Inc

25 Tui Road Papatoetoe Manukau

President Balubhai Mistry Secretery Ajay Kapoor

Phone Res:2675999/0274721368 Phone Res: 5346813/0275276672

Email:brmistry@ihug.co.nz Email:captcapoor@xtra.co.nz

DAYALBHAI KESRI

COMMUNITY SERVICES RECOGNITION AWARD

The executive committee of Manukau Indian Association would like to publicly appreciate and acknowledge the outstading contribution you have made to the Indian community in New Zealand.

The Indian people living in Manukau and Auckland regard you as a community stalwart. You have excelled in providing community services for number of years.

Your services to the Indian community have helped raise the profile of Indians living in New Zealand. It has been inspirational and motivating to the new migrants arriving from India. They have turned to you for help and guidance during their early years of settlement with the assurance of getting the right advice.

You have provided leadership in your chosen field of expertise, whether it be religious, spiritual, educational, community services, political, sports or business which has led to the establishment of our culture, heritage and traditions. The Indian community in New Zealand greatly benefited by your contribution.

In recognition of your outstanding services, Manukau Indian Association Inc. is proud to present you with this certificate of acnowledgement.

Balubhai Mistry

President

21 October 2005

7. Outstading Events of Gandhiji Life

1869 Born at Porbandar, now in Gujarat, India, on 2nd October

1876 Early education in Rajkot; betrothed to Kasturbai.

1883 Married to Kasturbai.

1885 Father died.

1887 Passed Matriculation Examination; entered the Sanwaldas college at Bhavnagar.

1888 Proceeded to England on September 4, to study law.

1891 Became Barrister on June 10; sailed back to India; reached Bombay on July 7, where he received news of his mother’s death.

1892 Started legal practice at Rajkot and Bombay.

1893 Left for South Africa in April to appear in a civil suit.

1894 Civil suit decided by compromise.

1895 Enrolled as an advocate of Natal Supreme Court; Organised Indian Congress.

1896 Returned from South Africa to India where he remained for six months and met Indian leaders, Tilak, Gokhale and

others. Went to South Africa again on November 28.

1897 Anti-Gandhi demonstrations in Durban, which marked the beginning of a great change in his life.

1899 Helped the British in Boer war.

1901 Returned to India. Organised public service in plague affected areas of Rajkot. Participation in Calautta Congress.

1902 Went to Burma. Started traveling in India in third class railway compartment. Opened an office in Bombay in July. Again proceeded after three months to South Africa.

1903 Established ‘Transvaal British India Association’. Started editing ‘Indian Opinion’.

1904 Studied Gita and Ruskin’s ‘Unto This Last’ which led to a revolutionary change in his life. Established ‘Phoenix Ashram’.

1906 Zulu Revolt. Rendered services to the injured in the revolt. Took a vow to observe Brahmcharya. The word ‘Satyagrah’ was coined for the first time. Proceeded to England as a member of the Indian deputation.

1907 Started Satyagrah against ‘Black Act’.

1908 Interim agreement with British. Was attacked by Pathan. Restarting of Satyagrah, resulting in his arrest.

1909 Wrote his first letter to Tolstoy. Proceeded to England as a member of second Indian deputation, while returning from England he wrote ‘Hind Swaraj’ or ‘India Home Rule’.

1910 Established Tolstoy Farm in Johannesburg.

1912 Gokhale arrived in South Africa. The book entitled ‘Niti Dharma’ was published. Wrote another book of general information on nature-cure for health.

1913 Restarting of Satyagrah. Arrested and released. Observed fast for seven days and there after took one meal a day for four and a half months.

1914 Fast for 14 days. Success of Satyagrah, resulting in an agreement. Proceeded to England on July 18. First world war broke out on August 14. Meeting with Sarojini Naidu. Service in world war.

1915 Awarded Kaisr-e-Hind medal on return to India. Widely traveled in India. Meeting with Kaka Kalelkar and Acharya Kriplani. Death of Gokhale on February 19. On May 25 Sabarmati Ashram was established.

1916 Historical speech on the occasion of the establishment of Kashi Vishwavidyalaya. First meeting with Jawaharlal Nehru in Lucknow Congress.

1917 First meeting with Rajendra Prasad. Started Champaran Satyagraha on April 10. Abolition of indentured Labour Act on May 31. Death of Dadabhai Nauroji on June 30. First meeting with Mahadev Desai.

1918 Mill workers’ strike in Ahmedabad, followed by three days’ fast. Khera Satyagrah. Revival of spinning wheel.

1919 Rowlett Act. Observed April 6 as prayer-cum-fast day. Jallianwala Bagh massacre on April 13. Started editing of ‘Young India’ and ‘Navjivan’, Khilafat Movement. Amritsar Congress.

1920 Death of Lokmanya Tilak on August 1. ‘Tilak Swaraj Fund’ was established on October 2. Congress constitution prepared by Gandhiji was approved. Started Non-Cooperation movement. Establishment of Gujarat Vidyapeeth.

1921 Establishment of other national educational institutions. Boycott of the visit of Prince of Wales, followed by riots. Five days fast. Ahmedabad Congress.

1922 Revolt of Chauri Chaura on February 5. Satyagrah suspended, five days fast. Arrested on March 10. Six years imprisonment.

1924 Operated for appendicitis. Released from jail on February 5. Twenty one days fast from September 24 in support of Hindu Muslim unity. Presided over Belgaum Congress.

1925 Death of Deshbandhu Chitranjandas 0n June 16. One week fast. Kanpur Congress. Establishment of Charkha Sangh.

1926 Martyrdom of Swami Shrddhanand.

1927 Extensively toured throughout India for the revival of Khadi. Death of Hakim Ajmal Khan on September 19.

1928 Simon Commission. Bardoli Satyagrah. Death of Maganlal Gandhi in Patna on April 22. Death of Lala Lajpat Rai on November 17. Nehru report. Compromise resolution in Calcutta Congress.

1929 Resolution for Complete Independence passed in Lahore Congress.

1930 Pledge for Complete Independence on January 26. Famous Dandi March on March 12 to break the Salt Law. Arrested on May 5.

1931 Death of Mohammad Ali in England on January 4. Gandhiji released from jail on February 25. Death of Pandit Motilala Nehru on February 6. Gandhi-Irwin Pact on March 4. Bhagat Singh hanged on March 23. Karachi Congress. Martyrdom of Ganesh Shankar Vidyarthi on March 25. Participated in Second Round Table Conference as a sole representative of India, but returned disappointed in December.

1932 Congress declared unlawful organisation. Restarted Satyagrah. ‘Navjiwan’ stopped. From September 20 fast unto death against Communal Award. Yarvada Pact on September 24. Fast ended on September 26.

1933 Thirty one days fast from May 8. Started ‘Harijan’ weekly. Released from jail and again arrested. One year imprisonment. Fast unto death from August 16, which ended after one week. Released from jail on August 23. Death of Annie Besant on September 20. Death of Vitthalbhai Patel on September 22. Left Sabarmati Ashram to live at Wardha. Undertook tour from November 7 for ‘Harijan’ uplift.

1934 Bihar earthquake. Satyagrah suspended on May7. Seven days fast. Gram Udyog Sangh established on October 26. Bombay Congress.

1935 Golden Jubilee of Indian National Congress.

1936 Death of Dr. Ansari on May 10. Sewagram Ashram established.

1937 Accepted Congress membership in July. Started ‘Nai Talim’ programme.

1939 Death of Maulana Shaukat Ali on January 4. Fast unto death in Rajkot, which ended in four days on the intervention of the Viceroy. Tripura Congress. Subhash Chandra Bose resigned from the Presidentship of Indian National Congress. Government in all provinces resigned on November 8.

1940 Individual Satyagrah started from October 11, Vinoba offered arrest as first Satyagrahi. Publication of ‘Harijan’ weekly suspended.

1941 Death of Rabindranath Tagore on August 7. Gave up leadership of Indian National Congress. Established ‘Go-Seva-Sangh’ on September 30.

1942 Again accepted leadership of Indian National Congress. Death of Shri Jamnalal Bajaj on February 11. Cripps Mission. Established ‘Hindustani Prachar Sabha’. ‘Quit India’ resolution on August 8. Collective arrest of Indian leaders all over India on August 9. Death of Mahadev Desai on August 15.

1943 Twenty one days fast in Agha Khan palace.

1944 Death of Kasturba Gandhi on February 22. Released from jail on May 6. Gandhi-Jinnah talks.

1945 Indian leaders released from jail. 1st Simla conference.

1946 Cabinet Mission. ‘Direct Action’ programme of Muslim League from August 16. Communal riots. Pad Yatra in Noakhali. death of Madan Mohan Malviya on November 12.

1947 India declared independent on August 15. Seventy three hours fast for peace in Calcutta.

1948 Fast unto death undertaken to established peace in Delhi, which continued for five days.

Martyrdom on January 30.

Last words: ‘Hey Ram Hey Ram.’

8. New Zealand Indian Freedom Fighters

Some of these freedom fighters suffered severe lathi blows, faced bullets and were imprisoned. Some of them also managed to escape arrest and did activities underground.

N. Z. India

1. Simabhai Dubha Rotorua Matwad

2. *Chhotubhai Sima Auckland Matwad

3. Dhedabhai Lala Auckland Matwad

4. *Dayalbhai Kesry Papakura Matwad

5. Govindbhai Nana Wellington Matwad

6. Kanjibhai Panchia Christchurch Matwad

7. Unkabhai Pancha Dannevirke Matwad

8. Unkabhai Ranchhod Wanganui Matwad

9. Hirabhai Dheda Rotorua Matwad

10. Nanabhai Vallabh Wellington Matwad

11. Ganeshbhai Sukha Wanganui Karadi

12. Jerambhai Sukha Waitara Karadi

13. *Jerambhai Ravaji Wanganui Karadi

14. Rambhai Unka Hamilton Karadi

15. *Paniben Vallabh Auckland Karadi

16. Dajibhai Parag Wellington Karadi

17. Dahiben Jeram Auckland Karadi

18. Jerambhai Fakir (Jack) Auckland Karadi

19. *Kamalavatiben Daji Auckland Karadi

20. Fakirbhai Chhiba Christchurch Karadi

21. Chhibabhai Lala NewPlymouth Karadi

22. Sukhabhai Naran Wellington Ashtagam

23. Parabhubhai Jogi Wellington Sisodara

24. Bhanabhai Pema Wellington Sisodara

25. Mavjibhai Govind Wellington Munsad

26. Haribhai Jagu Auckland Sachin

27. *Narsihbhai Nana Rotorua Dandi

28. Khushalbhai Parag Auckland Vankaner-

Bardoli

29. Keshavbhai Jeram Auckland Bodali

30. Madhavbhai Kuvarji Auckland Ryam-

Bardoli

31. Deviben Madhavbhai Auckland Ryam-

Bardoli

32. Dayalbhai Soma Auckland Matwad

33. *Ranchhod Budhia Wellington Delwada

Those who have taken prominent part and suffered lathi blows and faced bullets; escaped arrest and remained underground are:

34. Ranchhodbhai Govind Wellington Matwad

35. Vallabhbhai Soma NewPlymouth Karadi

36. Gandabhai Chhiba Christchurch Matwad

37. Unkabhai Bhangia Wanganui Karadi

38. *Vallabhbhai Dahya Auckland Tavadi

There are seven persons living in New Zealand, they are (with asterisk *) No.2, 4, 13, 15, 19, 27, 33, and 38.

D. Kesry

1-5-2007

Papakura

Verified By:

Jerambhai Ravaji

Chhotubhai Sima

ટૅગ્સ:

4 Responses to “આઝાદીની ગૌરવગાથા”

  1. Rupen patel Says:

    વાંચે ગુજરાત
    ‘જ્ઞાન જ્યોત’ના ઉપક્રમે અમદાવાદમાં યોજાયેલ જ્ઞાનોત્સવમાં ગુજરાતના ઘર-ઘરમાં જ્ઞાનની પ્રતિષ્ઠાનો ચિરંજીવ સંદેશો પહોંચાડવા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ‘વાંચે ગુજરાત’ નામના નવતર મહાઅભિયાનની જાહેરાત કરી છે. જેનો આંરભ ર્સ્વિણમ જયંતી વર્ષ ૨૦૧૦-૧૧ દરમિયાન સમગ્ર રાજ્યમાં થશે.
    ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી કહે છે કે ,
    ગુજરાત સુવર્ણજયંતી અવસરે ૫૦ પુસ્તકો વસાવીને પ્રત્યેક પરિવાર ગ્રંથાલય ઊભું કરવાનો સંકલ્પ કરે અને વર્ષ દરમિયાન ૫૦ લાખ પરિવારો જ્ઞાનમાર્ગના વાંચક- યાત્રિક બને.
    આપ સૌ પણ આ અભિયાન આપના બ્લોગ ધ્વારા જોડાવા વિનંતી. આપ પણ આ સંકલ્પમાં, અભિયાન માં જોડવો.
    આપ પણ મારાં બ્લોગની મુલાકાત લેશો અને પ્રતિભાવ પણ જણાવશો તો મને આનંદ થશે ! આભાર મળતા રહીશું ! આવજો ! મારાં બ્લોગની લીંક http://rupen007.wordpress.com/

    Like

  2. Rakesh Rathwa Says:

    very nice try ………….excellent job for those whoes are not aware of real picture of n history ……….

    try to explore some new subjects

    Like

    • ગાંડાભાઈ વલ્લભ Says:

      આપની કૉમેન્ટ બદલ હાર્દીક આભાર રાકેશભાઈ.
      આ પુસ્તકનું અંગ્રેજીમાં પણ ભાષાંતર કરવામાં આવ્યું છે, પરંતુ હજુ પ્રકાશીત થયું નથી. એને ઈન્ટરનેટ પર મુકવાની પરવાનગી મળશે કે કેમ તેની ખબર નથી. જો મળશે તો હું એનો અમલ કરવાનો પ્રયત્ન કરીશ. એના મુળ ગુજરાતીના લેખક શ્રી દયાળભાઈ કેસરી હવે હયાત નથી. એમણે જ મને એનું અંગ્રેજી કરવાનું કહ્યું હતું, જે મેં એમની હયાતી દરમીયાન જ કરી દીધું હતું.
      -ગાંડાભાઈ વલ્લભ

      Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.