Archive for ડિસેમ્બર, 2009

અજીર્ણ-અપચો

ડિસેમ્બર 24, 2009

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

અજીર્ણ-અપચો

(૨૬) ૪૦૦ મી.લી. ઉકળતા પાણીમાં ૨૫ ગ્રામ સુંઠનું ચુર્ણ નાખી ૨૦-૨૫ મીનીટ ઢાંકી રાખવું. ઠંડુ થયા બાદ વસ્ત્રથી ગાળી ૨૫થી ૫૦ ગ્રામ જેટલું પીવાથી પેટનો અપચો, ખરાબ ઓડકાર તથા ઉદરશુળ મટે છે.

(૨૭) સમભાગે સુંઠ અને જવખાર ઘી સાથે ચાટી ઉપર ગરમ પાણી પીવાથી અજીર્ણ મટે છે; ભુખ ઉઘડે છે.

(૨૮) સુંઠ ૫ ગ્રામ અને જુનો ગોળ ૫ ગ્રામ મસળી રોજ સવારમાં ખાવાથી અજીર્ણ અને ગૅસ મટે છે.

(૨૯) ૫૦૦ ગ્રામ પાકાં જાંબુ લઈ તેનો રસ કાઢવો. એને કપડાથી ગાળી છઠ્ઠા ભાગે બારીક વાટેલું સીંધવ મેળવવું. એને શીશીમાં ભરી મજબુત બુચ મારી એક અઠવાડીયા સુધી રાખી મુકવાથી જાંબુદ્રવ તૈયાર થાય છે. જાંબુદ્રવ ૫૦-૬૦ ગ્રામ જેટલો દીવસમાં ત્રણ વાર પીવાથી અપચો મટે છે.

(૩૦) એક-બે ગ્રામ રાઈનું ચુર્ણ થોડી ખાંડ મેળવી ખાવાથી અને ઉપર ૫૦-૬૦ મી.લી. પાણી પીવાથી અપચો અને ઉદરશુળ મટે છે.

(૩૧) કુમળા મુળાનો ઉકાળો કરી, તેમાં પીપરનું ચુર્ણ મેળવીને પીવાથી અગ્ની પ્રદીપ્ત થાય છે તેમ જ અપચો કે અપચાથી થયેલ ઉલટી કે ઝાડા મટે છે.

(૩૨) ડુંગળીનો રસ ૧૦ ગ્રામ, આદુનો રસ ૫ ગ્રામ, હીંગ ૦.૧૬ ગ્રામ મીઠું અને થોડું પાણી મેળવી પીવાથી અપચો મટે છે. જરુર જણાય તો આ મીશ્રણ બે કલાક પછી ફરીથી લઈ શકાય.

(૩૩) મીઠાને તવી પર લાલ રંગનું થાય ત્યાં સુધી શેકી, હુંફાળા ગરમ પાણીમાં ૫ ગ્રામ જેટલું લેવાથી અપચો મટે છે.

(૩૪) અજમો, સીંધવ અને હરડે દરેક ૧૦-૧૦ ગ્રામ અને હીંગ ૫ ગ્રામનું બારીક ચુર્ણ કરવું. એને પાચન ચુર્ણ કહે છે. આ ચુર્ણ અડધીથી એક ચમચી જેટલું જમ્યા પછી ઉકાળીને ઠંડા કરેલા પાણી સાથે બપોરે અને રાત્રે નીયમીત લેવાથી ભુખ ન લાગવી, અપચો, પેટનું ભારેપણું, મોળ, ગૅસ, અજીર્ણ અને ઓડકાર મટે છે.

(૩૫) હરડે, લીંડીપીપર, સુંઠ અને કાળાં મરી સરખા વજને મીશ્ર કરી, એ મીશ્રણથી બમણા વજનનો ગોળ મેળવી ચણી બોર જેવડી ગોળી બનાવવી. બબ્બે ગોળી સવાર, બપોર અને સાંજે ચુસવાથી અજીર્ણ, અરુચી અને ઉધરસ મટે છે.

(૩૬) સરખા ભાગે સુકા ધાણા અને સાકરનો ઉકાળો દરરોજ સવાર-સાંજ પીવાથી અપચો મટે છે. ધાણા, સાકર અને પાણીનું પ્રમાણ પોતાની જરુરીયાત મુજબ રાખવું.

(૩૭) લસણની કળી તેલમાં કકડાવીને ખાવાથી અથવા લસણની ચટણી બનાવીને ખાવાથી અરુચી અને મંદાગ્ની મટે છે.

(૩૮) રાઈનું ચુર્ણ પાણી સાથે લેવાથી અજીર્ણ મટે છે.

(૩૯) ભુખ ન લાગતી હોય કે ભુખ મરી ગઈ હોય તો દીવસમાં બે વાર અર્ધી ચમચી અજમો ચાવીને ખાવાથી ભુખ ઉઘડશે.

(૪૦) લસણની ચટણી ખાવાથી ભુખ ઉઘડે છે.

(૪૧) ફુદીનો, તુલસી, મરી અને આદુનો ઉકાળો પીવાથી વાયુ દુર થઈ ભુખ લાગે છે.

(૪૨) ચણાના છોડ પર રાતે કપડું ઢાંકી રાખી, સવારે નીચોવી, એ પાણીને ગરમ કરી ઉડાડી દેતાં વાસણમાં જે ક્ષાર રહે તેનું છાસ સાથે સેવન કરવાથી ગમે તેવું અજીર્ણ મટે છે.

(૪૩) ચીત્રક, અજમો, સીંધવ અને મરીના સમભાગે બનાવેલા ચુર્ણનું સેવન કરવાથી અજીર્ણ મટે છે.

(૪૪) વરીયાળીનો અર્ક અથવા કાચી કે શેકેલી વરીયાળી નીયમીત ખાવાથી અજીર્ણ મટે છે.

અજીર્ણ-ગતાંકથી ચાલુ

ડિસેમ્બર 23, 2009

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

અજીર્ણ-ગતાંથી ચાલુ(૫) આદુ અને લીંબુના ૧૦-૧૦ ગ્રામ રસમાં ૧.૫(1½) ગ્રામ સીંધવ મેળવી સવારે પીવાથી અજીર્ણ મટે છે.

(૬) કાચાં ટામેટાંને શાકની જેમ સમારીને કલાઈવાળી તપેલીમાં થોડી વાર શેકીને મરી તથા સીંધવનું ચુર્ણ મેળવી અથવા એકાદ ગ્રામ સોડા-બાઈકાર્બ ભેળવીને ખાવાથી અજીર્ણ મટે છે.

(૭) ડુંગળીનો રસ અને કારેલાંનો રસ ભેગો પીવાથી અજીર્ણ મટે છે.

(૮) તજ લેવાથી અજીર્ણ મટે છે.

(૯) લીંબુના ચાર કકડા કરી કાચના વાસણમાં મીઠું, મરી અને સુંઠનું ચુર્ણ નાખી તડકામાં રાખી મુકવાથી મીઠાના સંયોગથી થોડા જ દીવસોમાં લીંબુ ગળી જાય છે. તે ખાવાથી અજીર્ણ, મોઢાની લાળ, મુખની વીરસતા-બેસ્વાદપણું મટે છે.

(૧૦) લીંબુ કાપી સીંધવ ભભરાવી ભોજન અગાઉ ચુસવાથી અજીર્ણ મટે છે.

(૧૧) સુંઠ, મરી, પીપર અને સીંધવ સમાન ભાગે લઈ, ચુર્ણ કરી છાસમાં નાખીને પીવાથી અજીર્ણ મટે છે.

(૧૨) છાસમાં સીંધવ અને મરીનું ચુર્ણ નાખીને પીવાથી અજીર્ણ મટે છે.

(૧૩) બહુ પાણી પીવાથી, કસમયે ભોજન કરવાથી, મળ-મુત્રાદીના વેગને રોકવાથી, સમયસર નીદ્રા ન લેવાથી, ઓછું કે વધારે ખાવાથી અજીર્ણ થાય છે.  આથી કારણને જાણીને તેનું નીવારણ કરવું.

(૧૪) આદુ સાથે સીંધવ ખાવાથી મંદાગ્ની મટે છે.

(૧૫) લવીંગ અને લીંડીપીપરના ચુર્ણને ૧થી ૩ ગ્રામ મધ સાથે સવાર સાંજ લેવાથી મંદાગ્ની મટે છે. આ પ્રયોગ બે અઠવાડીયાથી વધુ ન કરવો.

(૧૬) ભોજન પહેલાં લીંબુ અને આદુના રસમાં સીંધવ મેળવી પીવાથી મંદાગ્ની, અજીર્ણ અને અરુચીમાં લાભ થાય છે.

(૧૭) હરડે અને સુંઠનું ચુર્ણ સવારે ખાલી પેટે લેવાથી મંદાગ્નીમાં લાભ થાય છે.

(૧૮) હીંગની ચણા જેવડી ગોળી ઘી સાથે ગળવાથી અજીર્ણ તથા વાયુનો ગોળો મટે છે.

(૧૯)  અર્ધી ચમચી કાચા પપૈયાનું દુધ ખાંડ સાથે લેવાથી અજીર્ણ મટે છે.

(૨૦) કોકમનો ઉકાળો કરી ઘી નાખી પીવાથી અજીર્ણ મટે છે.

(૨૧) પાકા અનનાસના નાના કકડા કરી, મરી અને સીંધવની ભુકી ભભરાવી ખાવાથી અજીર્ણ મટે છે.

(૨૨)  લસણ, ખાંડ અને સીંધવ સરખા ભાગે મેળવી, ચાટણ કરી, તેમાં બમણું થીજાવેલું ઘી મેળવી ચાટવાથી અજીર્ણ મટે છે.

(૨૩)  સમાન ભાગે સુંઠ અને ગોખરુનો ઉકાળો રોજ સવારે પીવાથી અજીર્ણ મટે છે.

(૨૪) સારાં પાકાં લીંબુના ૪૦૦ ગ્રામ રસમાં ૧ કીલો ખાંડ નાખી, ઉકાળી, ચાસણી કરી શરબત બનાવવું. શરબત ગરમ હોય ત્યારે જ કપડાથી ગાળી ઠંડુ થાય એટલે શીશીઓમાં ભરી લેવું. ૧૫થી ૨૫ ગ્રામ જેટલું આ શરબત જરુરી પાણી મેળવી પીવાથી અપચો મટે છે.

(૨૫) એક માટલામાં લીંબુ અને મીઠાના થર ઉપર થર કરી, દબાવી રાખી, લીંબુને સારી રીતે આથવાં. પછી તેમાંથી એક એક લીંબુ લઈ ખાવાથી અજીર્ણ દુર થાય છે.

અજીર્ણ-અપચો

ડિસેમ્બર 22, 2009

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

અજીર્ણ અથવા અપચો દુર કરવાના ઘણા ઉપાયો છે-એ થવાનાં કારણો અનુસાર. આજે એના ચાર પ્રકારો વીષે જોઈશું. આ પછી બીજા ઉપાયો બધા એકી સાથે ન આપતાં થોડા થોડા આપવા ધારું છું.

અજીર્ણ-અપચો ભુખ લાગે ત્યારે જ જમવું. ઘઉં, ચોખા, મગ, કુણા મુળા, વંેગણ, સુરણ, પરવળ, પાકાં કેળાં, દાડમ, દ્રાક્ષ, દુધ, ઘી, દહીં, છાસ વગેરેનું સેવન કરવું. માત્ર ગરમ પાણી પીને બે કે ત્રણ નકોરડા ઉપવાસ કરવા માત્રથી પણ અજીર્ણ મટે છે.

અજીર્ણના ચાર પ્રકાર છે. (૧) કફથી થતું આમાજીર્ણ – એનાં લક્ષણોમાં આહારના ઓડકાર આવવા, મોળ છુટવી, પેટ ભારે લાગવું, આળસ, થાક, સુસ્તી, શરીર જડ જેવું લાગે, ભુખ ન લાગવી વગેરે છે. એમાં ઉપવાસ કરવા જોઈએ.

(૨) પીત્તથી થતું વીદગ્ધાજીર્ણ – એમાં છાતી, ગળું, હોજરીમાં બળતરા થાય છે. કડવા, તીખા ઘચરકા કે ઉલટી થાય, ચક્કર આવવાં વગેરે લક્ષણો હોય છે. એક-બે ઉપવાસ કરવા. ઉપવાસ દરમીયાન સાકરવાળું દુધ, દુધનું શરબત, આઈસક્રીમ વગેરે લઈ શકાય. ઉપવાસ પછી દુધ-રોટલી, દુધ-ભાત, ખીર, દુધ-પૌંઆ જ લેવા.

જમ્યા પછી અવીપત્તીકર ચુર્ણ અડધીથી એક ચમચી સવારે, બપોરે અને રાત્રે લેવું. અમ્લપીતાતંક વટી એક-એક અને સુતશેખર રસ એક એક ગોળી. ત્યાર પછી આહારમાં દુધી, ગલકાં, તુરીયાં, પરવળ વગેરે શાક લેવાય. અથાણાં, પાપડ, તળેલું, ડુંગળી વગેરે બંધ.

(૩) વાયુથી થતું વીષ્ટબ્ધાજીર્ણ – એનાં લક્ષણોમાં કબજીયાત, પેટ તંગ-ભારે થવું, આફરો, અધોવાયુની ગતી અટકી જવી, વાયુના પ્રકોપથી જમ્યા પછી ઉછાળા આવવા વગેરે છે. એમાં પ્રથમ એક દીવસ ફક્ત મગના પાણી પર રહેવું. પછી એક દીવસ ફળોના રસ પર રહી હળવો સુપાચ્ય આહાર લેવો. એક-બે કીલોમીટર ચાલવું.

ઔષધોમાં  શીવાક્ષાર પાચન ચુર્ણ અડધીથી એક ચમચી દીવસમાં ત્રણ વખત લેવું.  અગ્નીતુંડીવટી એક એક ગોળી ત્રણ વખત લેવી.  હીંગ્વાષ્ટક ચુર્ણ જમ્યા પછી એક ચમચી લેવું.  દીનદયાળ ચુર્ણ અડધી ચમચી રાત્રે લેવું.

(૪) રસશેષાજીર્ણ : આ અજીર્ણમાં પેટમાં ભરાવો, ભાવતા ભોજન પર પણ અરુચી, ઉબકા થવા, ખોટી ભુખ લાગવી- ભુખ લાગે છતાં ખાવું ભાવે નહીં અને કબજીયાત થવી વગેરે થાય છે. એના ઉપચારમાં ઉકાળેલું જ પાણી પીવું અને એક ઉપવાસ કરવો. બીજા દીવસે મગનું પાણી, ફળોનો રસ અથવા લીલાં શાકભાજીનો રસ પીવો. ત્રીજા દીવસે પચવામાં હલકાં દ્રવ્યો લેવાં. દુધી, ગલકાં, તુરીયાં, ભાજી જેવાં શાક, મગનું સુપ, ગરમ રોટલી વગેરે ખાવું.

ઔષધોમાં તાજું લવણભાસ્કર ચુર્ણ અથવા પંચકોલ ચુર્ણ અડધીથી એક ચમચી જેટલું દીવસમાં ત્રણ વાર તાજી મોળી છાસ સાથે લેવું. પાણીમાં મધ નાખી પીવું. ચીત્રકાદીવટીની એક એક ગોળી ત્રણ વાર લેવી. દશમુલાસવ જમ્યા પછી ત્રણ ચમચી પીવો. અપચો કે વાયુની પેટ પીડા વખતે ગરમ પાણી કે અજમો નાખી ગરમ કરેલું પાણી પીવાથી લાભ થાય છે.

રોગો વીષે-અગ્નીદગ્ધ વ્રણ

ડિસેમ્બર 21, 2009

અગ્નીદગ્ધ વ્રણ -આજથી કેટલાક રોગો વીષે લખવાનું વીચાર્યું છે. શરુઆત અગ્નીદગ્ધ વ્રણથી કરું છું. દાઝી જવાને કારણે વ્રણ થયો હોય અને રુઝ આવતી ન હોય તો કારેલાંને પીસી તેના રસનો લેપ કરવાથી ફાયદો થાય છે.

હીરાબોળ

ડિસેમ્બર 20, 2009

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

હીરાબોળ પ્રસુતી પછી ‘હીરાબોળ’ ખાવાનો રીવાજ અત્યંત શાસ્ત્રીય- વૈજ્ઞાનીક છે. હીરાબોળ જઠરાગ્નીને પ્રદીપ્ત કરે છે. ખાધેલા આહારનું પાચન કરે છે. વાયુ દુર કરે છે. ગર્ભાશયમાં રહી ગયેલા બગાડને-દોષોને બહાર કાઢે છે- ગર્ભાશયને સ્વચ્છ કરે છે અને તેને અસલ-પુર્વવત્ સ્થીતીમાં લાવે છે. શ્વેતપ્રદર, કટીશુળ, લોહીબગાડ અને રક્તાલ્પતા અથવા પાંડુરોગમાં ખુબ જ હીતકારક છે.

હીંગુકર્પુરવટી

ડિસેમ્બર 19, 2009

હીંગુકર્પુરવટી એક એક ચમચી હીંગ અને કર્પુર મીશ્ર કરી તેમાં જરુર પ્રમાણે મધ મેળવી, મગના કે અડદના દાણા જેવડી ગોળીઓ વાળી લેવી. એને “હીંગુકર્પુરવટી” કહે છે. એકથી બે “હીંગુકર્પુરવટી” સવારે, બપોરે અને રાત્રે લેવાથી હૃદયની પીડા-વેદના, ગભરામણ, ચક્કર, હૃદયના ધબકારા વધી જવા વગેરેમાં રાહત થાય છે.

હીંગ્વાષ્ટક ચુર્ણ

ડિસેમ્બર 18, 2009

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

હીંગ્વાષ્ટક ચુર્ણ હીંગ, સુંઠ, મરી, પીપર (ગણદેવી લીંડીપીપર), અજમો, જીરુ, શાહજીરુ અને સીંધવનું સરખા વજને મીશ્ર કરીને બનાવેલું ચુર્ણ એ હીંગ્વાષ્ટક ચુર્ણ. આ ચુર્ણ ખુબ બારીક બનાવી, વસ્ત્રગાળ કરી એરટાઈટ બોટલમાં ભરી લેવું. જેમને આહાર પર રુચી જ થતી ન હોય, ગેસ થયા કરતો હોય, આહાર પચતો ન હોય, જઠરાગ્ની મંદ પડી ગયો હોય, કબજીયાત રહેતી હોય એવા દર્દીઓએ આવું તાજું જ બનાવેલું હીંગ્વાષ્ટક  ચુર્ણ અડધીથી એક ચમચી જેટલું તાજી મોળી છાશમાં અથવા ભાતમાં મીશ્ર કરી ખાવું.

હાસ્ય

ડિસેમ્બર 17, 2009

હાસ્ય : હસે તેનું ઘર વસે. ખડખડાટ હાસ્ય એ તંદુરસ્તી માટે અકસીર ઔષધ છે.

હસવું દરેક વ્યક્તીને ગમે છે, પરંતુ આજુબાજુના વાતાવરણ અને સંજોગોને લીધે હસી શકાતું નથી.

કહેવાય છે કે દરરોજનું ૩૦ મીનીટ હસવાથી જીવનનાં ૩૦ વર્ષ વધી જાય છે.

હૃદયરોગથી પીડાતી વ્યક્તી માટે હાસ્ય એ અકસીર ટૉનીક છે, જે એકલા કે સમુહમાં પણ કરી શકાય છે. તેનાથી હૃદયને કસરત મળતાં સ્નાયુઓમાં રક્તપ્રવાહ વેગીલો બને છે, અને દર્દીનું હૃદય પ્રફુલ્લીત બની જાય છે. હાસ્યથી બ્લડપ્રેશર ઘટે છે. માનસીક તણાવથી હૃદયરોગની શક્યતા રહે છે. હાસ્યથી માનસીક તણાવ ઓછો થાય છે, કૉલેસ્ટરોલ ઘટે છે.

મગજના જે હોર્મોન્સ આળસ, થાક અને કંટાળો ઉત્પન્ન કરતા હોય છે તેમને હાસ્ય દુર કરી મગજને મુળ અવસ્થામાં લાવી દે છે.

ઘણી વાર વ્યક્તી ઉપરછલ્લું હસી શકતી હોય છે પણ આંતરીકપણે હસી શકતી ન હોય એમ પણ બને. આંતરીક શાંતી મેળવવી હોય તો તંદુરસ્ત હાસ્ય જરુરી છે.

એક ગણતરી પ્રમાણે ગુજરાતમાં લાફીંગ મેમ્બરોની સંખ્યા ૩૫,૦૦૦થી વધુ છે. એકલા અમદાવાદમાં ૮૦ વીસ્તારોમાં લાફીંગ ક્લબ ચાલી રહી છે, જેમાં સભ્યોની સંખ્યા ૧૦,૦૦૦ જેટલી થવા જાય છે.

હસવાની ક્રીયા દીવસમાં કોઈપણ સમયે કરી શકાય.

હળદર

ડિસેમ્બર 16, 2009

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

હળદર તીખી, કડવી, સુકી, ગરમ અને શરીરના વર્ણને સુધારનાર છે.

હળદર મધુપ્રમેહ, મુત્રમાર્ગ અને ચામડીના રોગો, રક્તવીકાર, બરોળ અને લીવરના રોગો, કમળો, સંગ્રહણી, શીળસ, દમ, ઉધરસ, શરદી, કાકડા, ગળાના રોગો, મોંઢાનાં ચાંદાં, અવાજ બેસી જવો વગેરે રોગોમાં ખુબ જ હીતાવહ છે. આ ઉપરાંત હળદર વર્ણ્ય એટલે દેહનો રંગ સારો કરનાર, મળને ઉખેડનાર, ખંજવાળ મટાડનાર, કફ, પીત્ત, પીનસ, અરુચી, કુષ્ટ, વીષ, પ્રમેહ, વ્રણ, કૃમી, પાંડુરોગ અને અપચાનો નાશ કરનાર છે.

ઈન્ગ્લેન્ડમાં તાજેતરમાં થયેલાં સંશોધન મુજબ હળદરમાં રહેલું કરક્યુમીન નામનું રસાયણ ઈસોફેજ્યલ કેન્સરના કોષોનો પણ નાશ કરે છે.

(૧) શેકેલી હળદરનું ચુર્ણ અને કુવારપાઠાનો ગર્ભ સમાન ભાગે લેવાથી હરસ મટે છે.  આ મીશ્રણનો લેપ કરવાથી મસા નરમ પડે છે.

(૨) મધ સાથે કે ગરમ દુધ સાથે હળદર મેળવી લેવાથી કાકડા, ઉધરસ, સળેખમ વગેરે મટે છે.

(૩) કફના અને ગળાના રોગોમાં અડધી ચમચી હળદરનું ચુર્ણ બે ચમચી મધ સાથે ચાટવું.

(૪) એકથી બે ચમચી લીલી હળદરના ટુકડા સવાર-સાંજ ખુબ ચાવીને ખાવાથી કફપ્રકોપ, ચામડીના રોગો, પ્રમેહ, રક્તનો બગાડ, સોજા, પાંંડુરોગ, વ્રણ-ચાંદાં-ઘા, કોઢ, ખંજવાળ, વીષ, અપચો વગેરે મટે છે.

(૫) અડધી ચમચી હળદરનું ચુર્ણ, અરડુસીનો રસ ત્રણ ચમચી અને એક ચમચી મધ સવાર-સાંજ લેવાથી કફના રોગો-ઉધરસ, શરદી, દમ વગેરે મટે છે.

(૬) આમળાં અને હળદરનું સમાન ભાગે બનાવેલું ૧-૧ ચમચી ચુર્ણ સવાર-સાંજ લેવાથી તમામ પ્રકારના પ્રમેહ મટે છે.

(૭) સુતી વખતે શેકેલી હળદરનો ટુકડો ચુસવાથી ઉધરસ, કાકડા અને ગળાના રોગોમાં લાભ થાય છે.

(૮) સમાન ભાગે હળદર અને ગોળ ગોમુત્રમાં મેળવી એક વર્ષ સુધી રોજ સવારે પીવાથી હાથીપગુ મટે છે.

(૯) હળદર, ફટકડી અને પાણી મીશ્ર કરી રોગગ્રસ્ત ચામડી પર લગાડવાથી ચામડીના મોટા ભાગના રોગો મટે છે.

(૧૦) હળદર, મીઠું અને પાણી મીશ્ર કરી લેપ કરવાથી મચકોડનો સોજો મટે છે.

(૧૧) હળદર અને લોધરનો લેપ કરવાથી સ્તનનો સોજો મટે છે.

(૧૨) હળદર અને સાકર ચુસવાથી અવાજ ખુલે છે, સ્વર સારો થાય છે.

(૧૩) એક મહીના સુધી રોજ અડધી ચમચી હળદર ફાકવાથી શરીરમાં કંઈક ઝેર ગયેલું હોય કે કોઈકે કંઈ ખવડાવી દીધું છે એવો વહેમ હોય તો તે મટી જાય છે.

(૧૪) આયુર્વેદમાં હળદરને ઉત્તમ કફઘ્ન કહી છે. શ્વાસનળીઓ અને નાકની અંદરની શ્લેષ્મ-ચીકણી ત્વચામાંથી વધારે પડતો શ્લેષ્મ-કફ સ્રવે છે ત્યારે મધ સાથે હળદર ચટાડવાથી આ શ્લેષ્મ ત્વચા રુક્ષ બને છે. એટલે કફનો સ્રાવ ઓછો થાય છે.

(૧૫) કફના રોગો જેવા કે શરદી-સળેખમ, ફ્લ્યુ-કફજ્વર, ઉધરસ વગેરેમાં ગરમ દુધમાં હળદર નાખી પીવાથી લાભ થાય છે.

(૧૬) પ્રમેહમાં આમળા અને હળદરનું સરખા ભાગે બનાવેલું ચુર્ણ ઉત્તમ લાભ કરે છે.

(૧૭) દરરોજ હળદરનું બ્રશ કરવાથી દાંતની તંદુરસ્તી જળવાઈ રહે છે.

હરડે

ડિસેમ્બર 14, 2009

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

હરડે : હરડે ઘી સાથે વાત, લવણ-મીઠા સાથે કફ, અને મધ કે સાકર સાથે પીત્તનું નીવારણ કરે છે, તેમ જ ગોળ સાથે હરડે ખાવાથી સર્વ રોગોનો નાશ કરે છે. આમ એ ત્રીદોષનાશક છે.

હરડેનું ચુર્ણ યોગ્ય પ્રમાણમાં લેવું. એનો આધાર ઉંમર, જરુરીયાત તથા પોતાની પ્રકૃતી ઉપર રહે છે. આરોગ્યની ઈચ્છા રાખનારે રોજ હરડેનું સેવન કરવું. રાતે અડધી હરડે ચાવીને ખાવી. તેના ઉપર એક કપ ગરમ દુધ પીવું. ચાવીને ખાધેલી હરડે અગ્નીને પ્રદીપ્ત કરે છે, વાટેલી હરડે રેચ લગાડે છે, બાફેલી હરડે ઝાડો રોકે છે અને હરડેને શેકીને લેવામાં આવે તો તે ત્રણે દોષોનો નાશ કરે છે.

હરડે ભોજનની સાથે ખાધી હોય તો બુદ્ધી અને બળ વધે છે તથા ઈંદ્રીયો સતેજ બને છે. વાયુ, પીત્ત તથા કફનો નાશ કરે છે. મુત્ર તથા મળને વીખેરી નાખે છે.

જમ્યા પછી હરડે ખાધી હોય તો તે અન્નપાનથી થયેલા અને વાત, પીત્ત તથા કફથી થયેલા દોષોને દુર કરે છે.

હરડે હેમંત ઋતુમાં સુંઠ, શીશીરમાં પીપર, વસંતમાં મધ, ગ્રીષ્મમાં ગોળ, વર્ષામાં સીંધવ અને શરદ ઋતુમાં સાકર સાથે ખાવી જોઈએ.

મુસાફરી કે શ્રમ કરવાથી થાકેલાએ, બળ વગરનાએ, રુક્ષ પડી ગયેલાએ, કૃશ-દુર્બળ પડી ગયેલાએ, ઉપવાસ કરેલા હોય તેણે, અધીક પીત્તવાળાએ, ગર્ભવતી સ્ત્રીઓએ અને જેમણે લોહી કઢાવ્યું હોય તેમણે હરડે ખાવી નહીં.

(૧) દુઝતા હરસમાં જમ્યા પહેલાં હરડે અને ગોળ ખાવાં.

(૨) બહાર દેખાતા ન હોય એવા હરસમાં સવારે હરડે અને ગોળ ખાવાં.

(૩) ઉલટી-ઉબકા થતા હોય તો હરડે મધ સાથે ચાટવી.

(૪) હરડેનું બારીક ચુર્ણ ગરમ પાણીમાં પેસ્ટ કરી લગાડવાથી ખરજવું, દાદર, સોરાયસીસ જેવા ચામડીના રોગ મટે છે. ખીલ, ખસ, ખરજવું, ગુમડાં વગેરે ચામડીના રોગો અને રક્તબગાડના રોગોમાં અડધીથી એક ચમચી હરડેનું ચુર્ણ રોજ રાત્રે જમ્યા પછી સુખોષ્ણ દુધ અથવા નવશેકા પાણી સાથે લેવું અને વાયુપીત્તાદી દોષાનુસાર પરેજી પાળવી.

(૫) હરડેનું ચુર્ણ, ગોળ, ઘી, મધ અને તલનું તેલ સરખા વજને મીશ્ર કરી બે ચમચી સવાર-સાંજ ચાટવાથી મરડો, જીર્ણ જ્વર, ગૅસ, અજીર્ણ, અપચો અને આમ મટે છે. પીત્તના દુખાવામાં પણ આ ઉપચાર અકસીર ગણાય છે.

(૬) હરડે અને સુંઠ સરખા ભાગે પાણીમાં લસોટી નવશેકા ગરમ પાણીમાં સવારે અને રાત્રે લેવાથી દમ-શ્વાસ અને કફના રોગો મટે છે.

હરીતકી અને ઉધરસ :

हरि हरितकी चैव सावित्री च दिने दिने |

आरोग्यार्थी च मोक्षार्थी भक्षयेत् कीर्तयेत् सदा ||

આરોગ્ય ઈચ્છનારાએ રોજ હરીતકીનું (હરડેનું) સેવન કરવું અને મોક્ષ ઈચ્છનારાએ હરી અને સાવીત્રીનું કીર્તન કરવું. આમવાત, સાયટીકા-રાંઝણઃ એક ચમચો હરડેનું ચુર્ણ બે ચમચી દીવેલમાં દરરોજ નીયમીત લેવાથી આમવાત, સાયટીકા-રાંઝણ, વૃદ્ધીરોગ અને અર્દીત વાયુ(મોં ફરી જવું) મટે છે.