Archive for જાન્યુઆરી, 2010

આફરો

જાન્યુઆરી 31, 2010

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

આફરો : (૧) ૨૫ ગ્રામ મેથી અને ૨૫ ગ્રામ સુવા તાવડી પર થોડાં શેકી, અધકચરાં ખાંડી, ૫-૫ ગ્રામ લેવાથી વાયુ, મોળ, આફરો, ઉબકા, ખાટા ઘચરકા અને ઓડકાર મટે છે.

(૨) ૪૦૦ મી.લી. ઉકળતા પાણીમાં ૨૫ ગ્રામ સુંઠનું ચુર્ણ નાખી ૨૦-૨૫ મીનીટ ઢાંકી રાખવું. ઠંડુ થયા બાદ વસ્ત્રથી ગાળી ૨૫થી ૫૦ ગ્રામ જેટલું પીવાથી પેટનો આફરો અને પેટનો દુખાવો મટે છે.

(૩) ૫૦૦ ગ્રામ પાકાં જાંબુ લઈ તેનો રસ કાઢવો. એને કપડાથી ગાળી છઠ્ઠા ભાગે બારીક વાટેલું સીંધવ મેળવવું. એને શીશીમાં ભરી મજબુત બુચ મારી એક અઠવાડીયા સુધી રાખી મુકાવાથી જાંબુદ્રવ તૈયાર થાય છે. આ જાંબુદ્રવ ૫૦-૬૦ ગ્રામ દીવસમાં ત્રણ વાર પીવાથી આફરો મટે છે.

(૪) જાયફળનું ચુર્ણ, એકબે ટીપાં તેલ અને ખાંડ અથવા પતાસામાં મેળવી ખાવાથી આફરો તથા ઉદરશુળ મટે છે.

(૫) જીરુ અને સીંધવ સરખે ભાગે લઈ, લીંબુના રસમાં સાત દીવસ પલાળી રાખી, સુકવી, ચુર્ણ કરી સવાર-સાંજ લેવાથી આફરો મટે છે, તેમ જ પાચન શક્તી બળવાન બને છે.

(૬) શેકેલી હીંગ અને મીઠું ડુંગળીના રસમાં મેળવી પીવાથી આફરો મટે છે.

(૭)  તજ લેવાથી આફરો મટે છે.

(૮) પેટમાં ખુબ આફરો ચડ્યો હોય, પેટ ફુલીને ઢોલ જેવું થયું હોય, પેટમાં દુ:ખાવો થતો હોય તો ડુંટીની આજુબાજુ અને પેટ ઉપર હીંગનો લેપ કરવાથી થોડી જ વારમાં આરામ થાય છે.

(૯) લવીંગના તેલનાં બે-ત્રણ ટીપાં ખાંડ કે પતાસામાં લેવાથી પેટનો આફરો મટે છે.

(૧૦) લસણ, ખાંડ અને સીંધવ સરખા ભાગે મેળવી, ચાટણ કરી, તેમાં એ બધાંથી બમણું ઘી(થીજેલું) મેળવી ચાટવાથી આફરો મટે છે.

(૧૧) લીંબુ આડું કાપી બે ફાડ કરી ઉપર થોડી સુંઠ અને સીંધવ નાખી અંગારા પર મુકી ખદખદાવી રસ ચુસવાથી આફરો મટે છે.

(૧૨) વરીયાળી ચાવીને ખાવાથી અને તેનો રસ ઉતારતા રહેવાથી ઉદરશુળ અને અાફરો મટે છે.

(૧૩) વરીયાળીનું ૪-૫ ગ્રામ ચુર્ણ પાણી સાથે લેવાથી આફરો મટે છે.

(૧૪) વાયુથી ગડબડ રહેતી હોય અને પેટ ફુલી ગયું હોય તો મોટી એલચીના ૧ ગ્રામ ચુર્ણમાં .૧૬ ગ્રામ શેકેલી હીંગ મેળવી, લીંબુના રસમાં કાલવી ચાટી જવું. એનાથી વાયુનું અનુલોમન થાય છે અને પેટ બેસી જાય છે.

(૧૫) સરગવાના ફાંટમાં હીંગ અને સુંઠ મેળવી પીવાથી આફરો મટે છે.

(૧૬)  હીંગ, છીંકણી કે સંચળ નાખી ગરમ કરેલું તેલ પેટ પર ચોળવાથી અને શેક કરવાથી પેટનો આફરો મટે છે.

(૧૭)  પેટ પર હીંગ લગાવવાથી તથા ઘીમાં શેકેલી હીંગની ચણા જેવડી ગોળીને ઘી સાથે ગળી જવાથી આફરો મટે છે.

(૧૮) છાસમાં જીરુ અને સીંધવ અથવા સંચળ નાખીને પીવાથી પેટ ફુલતું નથી.

(૧૯) સંચળ અને સોનામુખી ખાવાથી વાયુનો ગોળો મટે છે.

(૨૦) ભોજન પછી પેટ ભારે લાગે તો ચાર-પાંચ એલચીના દાણા ચાવીને ઉપર લીંબુનું પાણી પીવાથી પેટ હલકું લાગશે.

(૨૧) સવાર-સાંજ ૩ ગ્રામ ત્રીફળા ચુર્ણ પાણી સાથે લેવાથી પથ્થર જેવું પેટ મખમલ જેવું નરમ થઈ જાય છે.

(૨૨) આદુ અને લીંબુના પાંચ પાંચ ગ્રામ રસમાં ત્રણ કાળાં મરીનું ચુર્ણ મેળવી દીવસમાં ત્રણ વખત લેવાથી ઉદરશુળ મટે છે.

(૨૩) ૨૫૦ ગ્રામ પાણી ઉકાળી ૧ ગ્રામ લવીંગનું ચુર્ણ નાખી દીવસમાં ત્રણ વાર ગરમ ગરમ પીવાથી પેટ ફુલી ગયું હોય તો ધીરે ધીરે બેસી જાય છે.

(૨૪) લવીંગના તેલનાં બે-ત્રણ ટીપાં ખાંડ કે પતાસામાં લેવાથી પેટનો આફરો મટે છે.

(૨૬) મરીનો ફાંટ બનાવી પીવાથી અથવા સુંઠ, મરી, પીપર, હરડેના ચુર્ણને મધમાં મેળવી ચાટવાથી અપચો અને આફરો મટે છે.

(૨૭) જીરુ અને હરડેનું સમભાગે ચુર્ણ લેવાથી આફરો મટે છે.

(૨૮) ૧ ભાગ હીંગ, ૨ ભાગ ઘોડાવજ, ૫ ભાગ કોઠું, ૭ ભાગ સાજીખાર અને ૯ ભાગ વાવડીંગનું ચુર્ણ બનાવી બરાબર મીશ્ર કરી પાણીમાં લેવાથી આફરો મટે છે.

(૨૯) ફુદીનાનાં પાનની લસણ અને મરી નાખી બનાવેલી ચટણી પાણી સાથે લેવાથી પેટમાં ખુબ આફરો આવ્યો હોય, વાછુટ ન થતી હોય તો તે મટે છે.

(૩૦) લીંબુના રસમાં જાયફળ ઘસીને ચાટવાથી આફરો મટે છે. જાયફળને લીંબુના રસમાં લસોટીને પણ પી શકાય.

(૩૧) આફરો ચડતો હોય તો હલકો આહાર લેવો, અને એક એલચીના દાણા શેકેલા અજમા સાથે ખાંડી હુંફાળા પાણી સાથે જમ્યા પછી બે કલાકે ફાકી જવાથી રાહત થાય છે. સવાર-સાંજ ચાલવા જવું.

(૩૨) ૩-૪ ગ્રામ સંચળ પાણી સાથે લેવાથી પેટનો આફરો મટે છે.

(૩૩) વાછુટ માટે ૩-૪ ગ્રામ હીંગ ઘીમાં શેકીને) પાણી સાથે લેવી.

(૩૪) ગરમ પાણીનો એનીમા લેવાથી પેટમાં આફરો ચડયો હોય, પેટ ઢમઢોલ હોય અથવા પેટમાં દુખતું હોય તો તે મટે છે.

(૩૫) અરીઠાનાં છોતરાં પાણીમાં થોડી વાર પલાળી હાથમાં મસળી ફીણ કાઢવું. એમાં આંગળીની ચપટી જેટલી જરાક હીંગ મેળવી ડુંટીની ગોળાકાર આ ફીણ બરાબર ચોપડી દેવાથી થોડા જ સમયમાં હાજત થઈ આફરો મટી જાય છે.

આધાશીશી

જાન્યુઆરી 30, 2010

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

આધાશીશી : આધાશીશી એ પીત્તના પ્રકોપથી થતી વીકૃતી છે.

(૧) આદુ અને ગોળની પોટલી બનાવી તેના રસનાં ટીપાં નાકમાં પાડવાથી આધાશીશીમાં ફાયદો થાય છે.

(૨) ગાજરના પાનની બંને બાજુએ ઘી ચોપડી, ગરમ કરી, તેનો રસ કાઢી, રસનું એક એક ટીપું કાન તથા નાકમાં નાખવાથી આધાશીશી મટે છે.

(૩) તમાકુમાં પાણી મેળવી કપડાથી ગાળી તેનાં બે ટીપાં નાકમાં નાખવાથી અને તાળવા ઉપર તેનું થોડું પાણી ચોળવાથી આધાશીશી મટે છે.

(૪)  દુધના માવામાં સાકર મેળવીને ખાવાથી આધાશીશી મટે છે.

(૫) દ્રાક્ષ અને ધાણા ઠંડા પાણીમાં પલાળી રાખી, મસળી, ગાળી પીવાથી આધાશીશી મટે છે.

(૬) લસણની કળીઓને પીસી કાનપટ્ટી પર લેપ કરવાથી આધાશીશી તાત્કાલીક મટે છે.

(૭) લસણના રસનાં ટીપાં નાકમાં પાડવાથી આધાશીશી મટે છે.

(૮) લીલાં કાચાં જામફળને જરા પાણી સાથે પથ્થર પર ઘસી સવારે કપાળ પર જ્યાં દર્દ થતું હોય ત્યાં લેપ કરવાથી બે-ત્રણ કલાકમાં જ આધાશીશી મટી જાય છે.

(૯)  સુંઠને પાણીમાં કે દુધમાં ઘસી નસ્ય લેવાથી (બંને નસકોરામાં મુકવાથી) અને માથા પર લેપ કરવાથી આધાશીશી મટે છે.

(૧૦) હીંગને પાણીમાં ઘોળી નાકમાં ટીપાં પાડવાથી આધાશીશીમાં રાહત થાય છે.

(૧૧) ગાયનું ઘી દીવસ દરમીયાન જેટલી વાર સુંઘી શકાય તેટલી વાર સુંઘતાં રહેવાથી આધાશીશી મટે છે. ગાયના ઘીમાં સાકરનું ચુર્ણ નાખી સહેજ ગરમ કરી ઠંડું કરી નસ્ય લેવાથી પણ આધાશીશી મટે છે.

(૧૨) આદુનો તાજો રસ ગાળી બે-ત્રણ કલાકે નાકમાં બબ્બે ટીપાં મુકતા રહેવાથી આધાશીશી મટે છે. એનાથી નાકમાં થોડી પીડા થશે પરંતુ પરીણામ આશ્ચર્યપ્રેરક હોય છે.

(૧૩) દુધમાં સાકર મેળવી નાકમાં ટીપાં મુકવાથી આધાશીશી મટે છે.

(૧૪) વાવડીંગ અને કાળા તલનું ચુર્ણ સુંઘવાથી આધાશીશી મટે છે.

(૧૫) સવારે ગરમ જલેબી કે માલપુડા ખાવાથી આધાશીશી ચડતી નથી.

(૧૬) પીત્તથી થયેલી આધાશીશીમાં દહીં, છાસ, કઢી, આથાવાળા પદાર્થો અને ટામેટાં બંધ કરી શંખભસ્મ, કંપર્દભસ્મ, શુક્તીભસ્મ એક એક ગ્રામમાં બે ગ્રામ કપુરકાચલીનું ચુર્ણ મેળવી દવા જેટલી જ ખાંડ(પાંચ ગ્રામ) નાખી ખાલી પેટે સવાર-સાંજ પાણી સાથે લેવું. પીત્તવર્ધક આહારવીહાર કાયમ માટે છોડી દેવો.

(૧૭) ચારથી પાંચ કેસરના તાંતણા, અડધી ચમચી સાકર અને એક ચમચી ઘી મીશ્ર કરી સહેજ ગરમ કરી એક રસ થાય ત્યારે પાંચથી છ ટીપાં બંને નસકોરામાં નાખવાથી આધાશીશી મટે છે. ખટાશ બંધ કરવી.

અંતઃ રક્તસ્રાવ

જાન્યુઆરી 29, 2010

અંતઃ રક્તસ્રાવ શરીરની અંદરના કોઈ પણ અવયવમાંથી લોહી નીકળતું હોય તો કોળાનો રસ લેવાથી લાભ થાય છે.

અંડકોષનો સોજો

જાન્યુઆરી 28, 2010

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

અંડકોષનો સોજો : (૧) ચણાનો લોટ પાણીમાં રગડી મધ મેળવી લગાડવાથી અંડકોષનો સોજો મટે છે.

(૨) સીંધવનું ચુર્ણ ગાયના ઘીમાં સાત દીવસ સુધી લેવાથી અંડવૃદ્ધીમાં ફાયદો થાય છે.

(૩) અંડકોષની વૃ્દ્ધીમાં કાચું પપૈયું છોલી અડધું કાપી બી કાઢી નાખી જનનેન્દ્રીય સહીત વૃષણ ઉપર વ્યવસ્થીત બાંધી દેવું. ઉપરથી કપડું લપેટી લો તો ચાલે. દરરોજ રાત્રે સુતી વખતે અા પ્રયોગ કરવો વધુ અનુકુળ રહે છે. બીજી કોઈ દવા લેવાની જરુર રહેતી નથી.

(૪)  તમાકુના પાનને શીલારસ ચોપડી વધરાવળ પર બાંધવાથી બે-ચાર દીવસમાં અંડવૃદ્ધી મટે છે.

અંગ જકડાવાં

જાન્યુઆરી 27, 2010

અંગ જકડાવાં (૧) સાથળ, નીતંબ અને કમરનો ભાગ જકડાઈ ગયો હોય તો અરણી અને કરંજનો ઉકાળો અડધા કપ જેટલો સવાર-સાંજ પીવો તથા સહન થાય એવા અા ગરમ ઉકાળાનું દુખાવા પર  સીંચન કરવું. (૨) વાયુથી જકડાયેલા અંગ પર રાઈની પોટીસ કરી બાંધવાથી અથવા તેનું પ્લાસ્ટર મારવાથી ફાયદો થાય છે.

અળાઈ

જાન્યુઆરી 26, 2010

અળાઈ : (૧) આંબાની ગોટલીના ચુર્ણને પાણીમાં કાલવી શરીરે લગાડી સ્નાન કરવાથી અળાઈઓ થતી નથી અને થઈ હોય તો મટી જાય છે.

(૨) આમલીનું શરબત પીવાથી ગણતરીના દીવસોમાં અળાઈ–ઝીણી ઝીણી ફોલ્લીઓ મટી જાય છે. ત્વચા માટે આમલીનું શરબત ખુબ ગુણકારી છે.

(૩) ચામડી પર થતી ઝીણી ઝીણી ફોલ્લીથી કોઈ વાર ખંજવાળ આવે છે અને કોઈ વાર નથી આવતી. આ અળાઈ ક્યારેક જાતે પણ મટી જાય છે. કારેલાનો તાજો રસ કાઢી સહેજ સોડા-બાય-કાર્બ નાખી મીશ્ર કરી અળાઈ પર દીવસમાં ચાર-પાંચ વાર માલીશ કરતા રહેવાથી અળાઈ મટી જાય છે.

(૪) નારંગીનો રસ અથવા આખી નારંગી સુકવીને બનાવેલો પાઉડર અળાઈવાળા ભાગ પર લગાડવાથી થોડા જ દીવસોમાં જાદુઈ અસરની જેમ અળાઈ મટે છે.

(૫) પીપળાની છાલ બાળીને તેની ભસ્મ શરીરે લગાડવાથી કે તેની છાલની ભસ્મ પાણીમાં ઓગાળી તેનાથી નાહવાથી અળાઈ થતી નથી.

(૬) સવાર-સાંજ નાહીને શરીર પર શંખજીરુ લગાવવાથી અળાઈ થતી નથી.

અશક્તી

જાન્યુઆરી 25, 2010

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

અશક્તી : (૧) ૧-૧ ચમચી જેઠીમધનું ચુર્ણ મધ સાથે સવાર-સાંજ ચાટી ઉપર એક કપ દુધ પીવાથી શરીરની શક્તી ઉપરાંત મન-મગજની શક્તીમાં પણ વધારો થાય છે. એકાદ અઠવાડીયામાં જ ફરક માલમ પડે છે.

(૨) કામ કરતાં થાકી જવાય, સ્ફુર્તીનો અભાવ હોય, શરીરમાં નબળાઈ વર્તાતી હોય તો વડનું દુધ પતાસામાં આપવું. એનાથી હૃદયની નબળાઈ, મગજની નબળાઈ અને શરીરની નબળાઈ પણ મટે છે.

(૩)  એલચી, ખજુર અને દ્રાક્ષ મધમાં ચાટવાથી અશક્તી મટે છે.

(૪) કોળાનાં બીની મીંજનો આટો ઘીમાં શેકી, સાકર નાખી લાડુ બનાવી થોડા દીવસો સુધી ખાવાથી અતી મહેનત કરવાથી આવેલી નીર્બળતા મટે છે.

(૫) કોળાનો અવલેહ દરરોજ સવારે ત્રણ માસ સુધી ૨૦થી ૩૦ ગ્રામ ખાવાથી શરીરનું વજન વધે છે, મોઢા પર તેજી આવે છે અને અશક્તી મટે છે.

(૬) ઘીમાં ભુંજેલી ડુંગળી અને બબ્બે કોળીયા શીરો ખાવાથી માંદગીમાંથી ઉઠ્યા પછી આવેલી અશક્તી દુર થઈ જલદી શક્તી આવે છે.

(૭) દરરોજ ૨૦-૨૫ ખજુર ખાઈ ઉપર એક પ્યાલો ગરમ દુધ પીવાથી થોડા દીવસમાં જ શરીરમાં સ્ફુર્તી આવે છે, બળ વધે છે, નવું લોહી પેદા થાય છે અને ક્ષીણ થયેલું વીર્ય વધવા માંડે છે.

(૮) ખજુર ૧૦૦ ગ્રામ અને કીસમીસ દ્રાક્ષ ૫૦ ગ્રામ દરરોજ ખાવાથી સુકલકડી શરીરવાળા દર્દીમાં નવું લોહી પેદા થાય છે. નબળા શરીર તેમ જ મનવાળા, જેનું વીર્ય ક્ષીણ થયું હોય તેવા માણસો માટે દરરોજ સવારમાં પીંડખજુરનો નાસ્તો કરવો ફાયદાકારક છે.

(૯) ઉમરાની છાલના ઉકાળાથી લોહીની ઓછપ અને શરીરનું દુબળાપણું મટે છે.

(૧૦) સવાર-સાંજ ૧૦-૧૦ ગ્રામ ચારોળીના દાણા ગોળ સાથે ખુબ ચાવીને ખાવાથી અશક્તી દુર થાય છે.

(૧૧) ઘી ૧ ભાગ, મધ બે ભાગ, અડધો ભાગ આમલસાર ગંધક અને જરુર મુજબ સાકર બરાબર મીશ્રણ કરી દીવસમાં બે વાર ચાટવાથી શરીરમાં તાત્કાલીક શક્તી આવે છે. જરુરીયાત મુજબ બધી વસ્તુનું પ્રમાણ નક્કી કરવું.

(૧૨) ગાજરનો રસ પીવાથી અશક્તી દુર થાય છે.

(૧૩) જમ્યા પછી ત્રણ-ચાર કેળાં ખાવાથી અશક્તી દુર થાય છે.(પાચનશક્તીનો ખ્યાલ રાખવો-કેળાં પચવામાં ભારે છે.)

(૧૪) એક કપ દુધમાં એક ચમચી મધ નાખી પીવાથી અશક્તી દુર થાય છે.

(૧૫) દુધમાં અંજીર ઉકાળી તે અંજીર ખાઈ દુધ પીવાથી અશક્તી દુર થાય છે.

(૧૬) ખજુર ખાઈ ઉપરથી ઘી મેળવેલું ગરમ દુધ પીવાથી ઘામાંથી પુશ્કળ લોહી વહી જવાથી આવેલી નબળાઈ દુર થાય છે.

(૧૭) સફેદ ડુંગળી ઘીમાં શેકીને ખાવાથી શારીરીક નબળાઈ, ફેફસાંની નબળાઈ અને ધાતુની નબળાઈ દુર થાય છે.

(૧૮) મોસંબીનો રસ પીવાથી નબળાઈ દુર થાય છે.

(૧૯) દુધમાં બદામ, પીસ્તા, એલચી, કેસર અને ખાંડ નાખી ઉકાળીને પીવાથી ખુબ શક્તી વધે છે.

(૨૦) પાંચ પેશી ખજુર ઘીમાં સાંતળી ભાત સાથે ખાવાથી અને અર્ધો કલાક ઉંઘ લેવાથી નબળાઈ દુર થાય છે અને વજન વધે છે.

(૨૧) એક સુકું અંજીર અને પાંચ-દસ બદામ દુધમાં સાકર નાખી ઉકાળીને પીવાથી લોહીની શુદ્ધી થઈ, ગરમી મટી શક્તી વધે છે.

(૨૨) ચણાના લોટનો મગજ, મોહનથાળ અથવા મૈસુર બનાવી રોજ ખાવાથી તમામ પ્રકારની નબળાઈ દુર થાય છે અને શક્તી આવે છે.

(૨૩) ફણગાવેલા ચણા સવારે ખુબ ચાવીને પાચન શક્તી મુજબ ખાવાથી શરીર બળવાન અને પુષ્ટ બને છે.

(૨૪) ઉમરાની છાલના ઉકાળાના સેવનથી લોહીની ઓછપ અને શરીરનું દુબળાપણું મટે છે.

(૨૫) ૧૫ ચણા ૫૦ ગ્રામ પાણીમાં ૨૪ કલાક પલાળી રાખી સવારે ખાલી પેટે એક એક ચણો ખુબ ચાવીને ખાવાથી અને વધેલું પાણી પી જવાથી શક્તી વધે છે.

અવાજ સુરીલો કરવા

જાન્યુઆરી 24, 2010

અવાજ સુરીલો કરવા : (૧) ૧૦ ગ્રામ આદુનો રસ, ૧૦ ગ્રામ લીંબુનો રસ અને ૧ ગ્રામ સીંધવ મેળવી દીવસમાં ત્રણ વાર ધીમે ધીમે પીવાથી અવાજ મધુર થાય છે.

(૨) ઘોડાવજનું ચુર્ણ મધ સાથે લેવાથી અવાજ મધુર થાય છે.

(૩) દરરોજ રાતે જમવામાં ગોળ નાખી રાંધેલા ચોખા ખાવાથી અવાજ સુરીલો બને છે.

(૪) ફણસના ઝાડની ડાળીના છેડેની અણીદાર કળીઓ વાટી ગોળી બનાવી મોંમાં મુકી રાખવાથી ગળું સાફ થઈ કંઠ ખુલે છે.

સ્વર સુધારવા

જાન્યુઆરી 23, 2010

સ્વર સુધારવા : (૧) હરડે, બહેડાં, આમળાં, હળદર અને જેઠી મધ સરખે ભાગે લઈ તેેમાંથી ૧૦-૨૦ ગ્રામનો ઉકાળો બનાવી, ગાળી, સવાર-સાંજ કોગળા કરવા. યષ્ટીમધુવટી કે ખદીરાવટી ચુસવી.

(૨) જેઠીમધ અને આમળાં સરખે ભાગે લઈ એમાંથી ૧૦-૨૦ ગ્રામનો ઉકાળો બનાવી, સાકર મેળવી સવાર-સાંજ પીવાથી સ્વર સુધરે છે.

(૩) હળદરનું ચુર્ણ દુધમાં કાલવી રોજ સવારે પીવાથી ગળું ખુલી જઈ અવાજ સ્પષ્ટ થાય છે.

અવાજ બેસી જાય ત્યારે

જાન્યુઆરી 22, 2010

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

અવાજ બેસી જાય ત્યારે : (૧) જેઠીમધ, આંબળાં, હળદર અને સાકરનો ઉકાળો પીવાથી લાભ થાય છે.

(૨) ભોજન પછી કાળાં મરી ઘીમાં નાખી ખાવાથી અવાજ બેસી ગયો હોય તેમાં લાભ થાય છે.

(૩) બહેડાની છાલને ગોમુત્રમાં ભાવીત કરી ચુસવાથી અવાજ સુરીલો થાય છે.

(૪) દસ ગ્રામ આદુ અને દસ ગ્રામ લીંબુના રસમાં ૧ ગ્રામ સીંધવ મેળવી  દીવસમાં ત્રણ વાર ભોજન પહેલાં ધીરે ધીરે પીવાથી અવાજ મધુર થઈ જાય છે.

(૫) ઘોડાવજનું ચુર્ણ મધ સાથે લેવાથી અવાજ સુરીલો બને છે અને ગમે તે કારણે બેસી ગયેલો અવાજ ખુલે છે.

(૬) દરરોજ રાતે જમવામાં ગોળ નાખી રાંધેલા ચોખા ખાવાથી અવાજ સુરીલો બને છે.

(૭) આંબાના મોરમાં ખાંડ મેળવીને ખાવાથી બેસી ગયેલું ગળું ઉઘડે છે.

(૮) ત્રીફલા (હરડે, આમળાં, બહેડાં),  ત્રીકટુ (સુંઠ, મરી, પીપર) અને જવખારનું ચુર્ણ પાણીમાં આપવાથી બેસી ગયેલું ગળું ખુલી જાય છે.

(૯) કોળાનો અવલેહ (જુઓ ઔષધો) ખાવાથી સ્વરભેદ મટે છે.

(૧૦) ગરમ કરેલા દુધમાં ચપટી હળદર નાખી રાત્રે પીવાથી સાદ બેસી ગયો હોય તો તે ઉઘડે છે.

(૧૧) ગળા પાસે વધુ પડતું કામ લેવાને કારણે સ્વરહાની થઈ હોય તો એકાદ નાની ચમચી જેટલો જાંબુના ઠળીયાનો બારીક પાઉડર લઈ મધ સાથે દીવસમાં બે ચાર વાર નીયમીત ચાટતા રહેવાથી લાભ થાય છે.

(૧૨) એક કપ પાણીમાં એક મોટો ચમચો ઘઉં નાખી ઉકાળી ગાળીને પીવાથી દબાઈ ગયેલો અવાજ ઉઘડવા લાગે છે.

(૧૩) આકડાના ફુલના ૩-૪ રેવડામાં ૨-૩ મરી નાખી, ઝીણું વાટી મોંમાં રાખવાથી બળતરા થશે અને કફ છુટો પડશે. પછી થોડી જ વારમાં અવાજ ખુલી જશે.

(૧૪) બોરડીની છાલનો કકડો મોંમાં રાખી તેનો રસ ચુસવાથી બે-ત્રણ દીવસમાં જ અવાજ ઉઘડી જાય છે.

(૧૫) પાકું દાડમ ખાવાથી અવાજ બેસી ગયો હોય તો તે સુધરે છે.

(૧૬) વધુ પડતું બોલવાથી કે બુમો પાડવાથી, ઉજાગરાથી કે અયોગ્ય આહારથી અવાજ બેસી જાય તો ગરમ પાણીમાં મીઠું મેળવી દીવસમાં પાંચ-સાત વાર કોગળા કરવા તથા હુંફાળા દુધમાં હળદર અને ઘી નાખી મીશ્ર કરી પી જવું.

(૧૭) સવાર-સાંજ ૧-૧ ચમચી આદુના રસમાં સીંધવ નાખી પીવાથી બેસી ગયેલો અવાજ ખુલે છે. અવાજ બેસી ગયો હોય ત્યારે ખારી અને તુરી વસ્તુ ન ખાવી, ઠંડાં પીણાં-પાણી, તમાકુ, સોપારી અને શરાબનું સેવન ન કરવું.

(૧૮) અજમો, હળદર, આમળાં, જવખાર અને ચીત્રકની છાલ દરેક ૫૦-૫૦ ગ્રામનું બારીક ચુર્ણ બનાવી એક ચમચી ચુર્ણ બે ચમચી મધ અને એક ચમચી ઘી સાથે લેવાથી અવાજ બેસી ગયો હોય તો તે ખુલે છે.

(૧૯) અવાજ બેસી જાય તો ભાંગરાના પાનનો રસ ઘી સાથે લેવાથી લાભ થાય છે. (૨૦) બોરડીનાં તાજાં લીલાં પાનને સાફ કરી વાટીને એક ચમચી જેટલી ચટણી બનાવી ઘીમાં શેકીને ખાવાથી બેસી ગયેલા અવાજમાં તથા ઉધરસમાં લાભ થાય છે. (૨૧) અવાજ બેસી જાય ત્યારે જેઠીમધ અથવા તેનો સાર (શીરો) મોઢામાં રાખી ચુસવાથી અવાજ ખુલી જાય છે. અવાજ સારો રાખવા માટે સંગીતકારો પોતાની પાસે જેઠીમધનો શીરો રાખતા હોય છે.

(૨૨) ચણકબાબ, સીંધવ વગેરે મુખમાં રાખી તેનો રસ ગળવાથી શ્વાસનળી અને કંઠમાં ચોંટેલો કફ નીકળી જાય છે અને બેસી ગયેલો અવાજ ખુલી જાય છે.

(૨૩) અનંતમુળ, જેઠીમધ અને આદુ કંઠ્ય અને સ્વર્ય ઔષધ છે. લીલી હળદર, સુંઠ, ગંઠોડા, તુલસી, નાગરવેલનાં પાન પણ થોડા પ્રમાણમાં કંઠય ઔષધ છે.