અમારી સાત પેઢી

નીચેની લીન્ક પર ક્લીક કરો.

Family Tree

અમારી સાત પેઢી

મારા પીતાશ્રી વાલજીભાઈના વડદાદા જસમતભાઈના બે પુત્રો હતા. એક પુનાભાઈ અને બીજા કાળાભાઈ. પુનાભાઈ મારા પીતાજીના દાદા થાય. એ બે પૈકી મોટા કોણ હતા તે ખબર નથી, પણ અમારું ઘર સાધારણ ટેકરા પર હતું. મારી જાણમાં પણ એ ટેકરો સાઈકલ પર ચડવો જરા મુશ્કેલ  જરુર હતો. હાલ જોકે ટેકરા જેવું ખાસ નથી. એ ટેકરો  કારાવાળાના ટેકરા તરીકે ઓળખાતો, અને અમારા કુટુંબી દુલ્લભભાઈ તે દુલ્લભ કાળા તરીકે ઓળખાતા. કેટલાક લોકો મને પણ કાળાવાળાના ત્યાંના ગજનલાલ તરીકે ઓળખતા, પરંતુ  ઉપર જણાવ્યા મુજબ  વંશાવળી જોશો તો ખબર પડશે કે અમે કાળાવાળા નહીં, પુનાવાળા છીએ. એમ લાગે છે કે જસમતભાઈના બે પુત્રો પુનાભાઈ અને કાળાભાઈમાં કાળાભાઈ વધુ જાણીતા હોવા જોઈએ. આથી જ કાળાભાઈનું નામ ચાલુ રહ્યું અને પુનાભાઈનું નામ ભુલાઈ ગયું.  પુનાભાઈનાં કેટલાં સંતાનો હશે તેની કોઈ માહ નથી. પુનાભાઈનું નામ  ચાલુ રહેવામાં પણ મારા  પીતાશ્રીનો જ ફાળો ગણાય, કેમકે પુનાભાઈના એક માત્ર પુત્ર તે મારા દાદા લજપતભાઈ. લજપતભાઈના ચાર પુત્રો- રામજીભાઈ, મકનભાઈ, વાલજીભાઈ અને સહુથી નાના પુત્રનું અવસાન  બહુ  નાની ઉમ્મરે એમના લગ્ન પહેલાં થયેલું, આથી એમનું નામ પણ ભુલાઈ ગયેલું.  વળી મારી ચાર ફોઈઓ હતી. એમાં સહુથી મોટાં માનીફોઈ અને સહુથી નાનાં મંગીફોઈ. એ સિવાય બે ફોઈનાં નામ મારી જાણમાં નથી. રામજીકાકાને કોઈ સંતાન થાય તે પહેલાં એમનું અવસાન થયેલું,  અને એમની સાથેનાં અમારાં સુમીત્રાકાકીએ મકનકાકા જોડે પુનર્લગ્ન કરેલાં. એમનાં બે સંતાનો સુરેખાબેન અને લક્ષ્મીબેન. અમે કેનેડા આવ્યાં  આથી મારી માની સેવા લક્ષ્મીબેને ઘડપણમાં  બહુ સારી રીતે કરેલી. લક્ષ્મીબેનનું  અવસાન થયા પછી મારાં મા પણ થોડા સમયમાં ગુજરી ગયાં. લક્ષ્મીબેન પછી મારાં પોતાનાં બહેન મૃણાલીબેન માની સંભાળ લેતાં હતાં. સુરેખાબેનનું અવસાન પણ બહુ યુવાન વયે થયેલું. મારા પીતાશ્રીની પ્રથમ પત્નીને સાત પુત્રીઓ અવતરી હતી, તેમાં માત્ર બે સીતાબહેન અને ગુણવંતીબહેન જ હયાત રહ્યાં. મારા પીતાનાં બીજી પત્ની એટલે મારાં માએ પ્રથમ પુત્રને જન્મ આપ્યો પરંતું તે જન્મ બાદ તુરત જ મૃત્યુ પામ્યો. આ પછી મૃણાલીબેન, ગુણવંતભાઈ અને મારો જન્મ થયો. મારા જન્મ પછી માત્ર દોઢ માસમાં મારા પીતાશ્રીનું અવસાન થયું.

બીજી તરફ મારા દાદાના કાકા કાળાભાઈના પણ માત્ર એક જ પુત્ર જગતભાઈનું નામ ચાલુ છે. જો કે અમારા ટેકરા પર થોડી જગ્યા વાલીમાના નામે ઓળખાતી. આ વાલીમાની કોઈ  માહીતી મારી પાસે નથી,  પરંતુ એ અમારા વડવા જસમતભાઈના જ વંશજ પૈકી હોવાં જોઈએ.

જગતભાઈના ચાર પુત્રો- મોતીભાઈ, ગણપતભાઈ, ભોવનભાઈ અને લજપતભાઈ. એ પૈકી ભોવનભાઈ બે સંતાનો દુલ્લભભાઈ અને જેકીબેનને બહુ જ નાનાં મુકીને ગુજરી ગયેલા. જેકીબેન પણ ઘણી નાની વયે ગુજરી ગયેલાં. મોતીભાઈનાં પત્ની એટલે અમારાં મીનાકાકી અમારા રામપુર ગામનાં જ બ્રાહ્મણ ફળિયાનાં હતાં. મોતીકાકા જોડે તેઓ રહ્યાં નહીં અને પોતાના પિયેર જતાં રહ્યાં. મીનાકાકી સ્વભાવે બહુ સારાં હતાં. મોતીકાકાને કોઈ બાળકો થાય તે પહેલાં તેઓ છૂટાં થયેલાં. હું પ્રાથમિક શાળામાં ભણતો ત્યારે મોતીકાકા મને નીશાળેથી જ પોતાના નાના બળદગાડામાં – જેને સવારી  કહેતા – બેસાડી વીસનગરના એક વૈદ્યને ત્યાં જતા. મને એ વૈદ્યનું નામ પણ હજુ યાદ છે – રામભાઈ. તે સમયે મને કશી ખબર ન હતી કે કાકા વીસનગરવાળા વૈદ્યની શી દવા કરતા હતા. એમનું મૃત્યુ પણ હું કદાચ નવ દસ વર્ષનો હોઈશ ત્યારે થયેલું. તે સમયે એમને લોહીની પુશ્કળ ઉલટી થયેલી. આથી મને ખબર પડી કે કાકાને ક્ષયની બીમારી હતી.

કદાચ ૧૯૨૫ની આસપાસ મારા પીતા વાલજીભાઈ, એમના ખાસ મિત્ર ભોવનભાઈ રવજી, મોતીકાકા અને બીજા બે કાકા જેમનાં નામ હું જાણતો નથી, તેઓ ઈરાકના બીજા નંબરના શહેર બસરા ગયેલા. તે સમયનો સમૂહ ફોટો મારા ઘરે હતો. એ ફોટામાં મારા પીતા અને ભોવનકાકા આગળ ખુરસીમાં બેઠેલા અને મોતીકાકા સહીત ત્રણ જણા પાછળ ઊભા હતા. ભોવનકાકા મારા પીતા કરતાં ઉમ્મરમાં મોટા હશે, અને મારા પીતા મોતીકાકા કરતાં મોટા હતા. આથી એ બન્ને વડીલો ખુરસીમાં બેઠેલા હોવા જોઈએ. બસરા ગયેલા ત્યારે પાસપોર્ટની જરૂર હશે પરંતુ મારા પીતાનો પાસપોર્ટ મારા  જોવામાં  આવ્યો નથી.

હવે જગતભાઈના બીજા પુત્ર ગણપતભાઈ એટલે કે અમારા ગણપતકાકા આફ્રિકાના કેન્યા દેશમાં ગયેલા. એમનાં બે સંતાનો દમયંતીબેન અને પ્રીતમભાઈનો જન્મ કેન્યા જવા પહેલાં દેશમાં થયેલો. ગણપતકાકાનાં પત્ની સુમીત્રાકાકી કેન્યા ક્યારે ગયાં હશે તે ખબર નથી, પરંતુ ૧૯૪૬-૪૭માં તેઓ દેશ આવ્યાં ત્યારે ત્રણ છોકરીઓ – તરલીકા, ભવાની અને શુદ્ધીને લાવ્યાં હતાં. દેશમાં આવ્યા પછી જશલાલનો જન્મ થયેલો. આ પછી ફરીથી તેઓ બધાં કેન્યા ગયાં, અને જ્યારે કેન્યા આઝાદ થયું ત્યારે દેશ આવ્યાં, અને એ પછી બ્રીટીશ પાસપોર્ટ હોવાના કારણે ઈંગ્લેન્ડ ગયાં.

જગતદાદાના ત્રીજા પુત્ર ભોવનકાકા યુવાન વયે ગુજરી ગયેલા તે અગાઉ આપણે જોયું. ભોવનકાકા બહુ નીડર સ્વભાવના હતા એવું સાંભળ્યું છે. એક વખત બાજુના મહોલ્લા ગર્વ મહોલ્લામાં કોઈકની સાથે મોતીકાકાને કંઈક ઝઘડો થયેલો. એ વખતે ભોવનકાકા ઘરે નહીં હોય. જ્યારે ઘરે આવ્યા અને ખબર પડી ત્યારે એકલા જ તેઓ એ મહોલ્લામાં ગયેલા અને સહુને પડકારેલા, પણ એમની સાથે ઝઘડો કરવાની કોઈની હિંમત ન હતી.

જગતદાદાનાં પત્ની જમનાદાદીને મેં જોયેલાં. સૌથી નાના લજપતકાકા પર એમને બહુ પ્રેમ. લજપતકાકા ભણવામાં પણ હોંશિયાર. તે સમયની મેટ્રિક્યુલેશન પરીક્ષા પાસ કરી યુનીવર્સિટિમાં પણ થોડો સમય લજપતકાકા ગયેલા. એ પછી તેઓ ઈંગ્લેન્ડ ગયા હતા. તે પહેલાં એમને ત્રણ સંતાનો હતાં-હજીભાઈ, બુધાભાઈ અને શર્વરીબેન. લજપતકાકાનાં પત્ની મંજુલાકાકી દેશમાં જ ત્રણે બાળકો સાથે હતાં. લજપતકાકા ઈગ્લેન્ડથી ૧૯૪૭-૪૮ના અરસામાં પાછા ફર્યા અને કાકીને ઈંગ્લેન્ડથી મોકલાવેલા પૈસા પૈકી કશું જ જોવા ન મળ્યું. આથી એમની વચ્ચે કંકાશ શરૂ થયો. મંજુલાકાકી એમના પિયેર લક્ષ્મણપુર જતાં રહ્યાં. લજપતકાકા અવાર નવાર લક્ષ્મણપુર જતા. એક દિવસ લજપતકાકા લક્ષ્મણપુર ગયા હતા. મંજુલાકાકી રસોડામાં રોટલા ઘડતાં હતાં, અને કાકા બેસીને વાતો કરતા હતા. કાકી સાથેની કોઈક વાતમાંથી લજપતકાકા ખૂબ જ ક્રોધમાં આવી ગયા. નજીક પડેલી નરાજ કાકીને માથામાં ફટકારી દીધી. કાકી ગુજરી ગયાં. લજપતકાકાને જેલ થઈ. જેલમાંથી થોડાં વર્ષ પછી છૂટીને ઘરે આવ્યા, અને દારૂની લતે ચડ્યા. જીવન લગભગ બરબાદ થઈ ગયું.  સાંભળ્યું છે કે લજપતકાકા તબલાં બહુ સરસ વગાડતા. ફિલ્મનાં ગીતો માટે પણ એમણે તબલાં વગાડેલાં. અંગ્રેજી ભાષા પરનો કાબુ પણ એમનો ઘણો સારો હતો.

મંજુલાકાકીએ વેડફેલા પૈસાનું એક ઉદાહરણ મને પણ યાદ છે. પુરી કોણ વધુ ખાઈ શકે તેની હરિફાઈ એમના ઘરે એકવાર રાખેલી, જેમાં દર્શનભાઈ સુરેન્દ્ર વીજયી થયેલા એવું સ્મરણ છે. લજપતકાકા થોડો સમય ગામમાં રહ્યા પછી દેશમાં જ ક્યાંક કામ અંગે જતા રહ્યા હતા. કોઇ કોઇ  વાર એમના પત્રો જગતભાઇ લાલા પર આવતા. પછીથી એમનું શું થયું તેની કશી ખબર પડી નહીં.

નીવૃત્ત બાદ ગણપતકાકા પણ દેશમાં આવીને રહ્યા, અને દારૂની લતે ચડયા. દારૂ પીને ધમાલ પણ મચાવતા. જાત જાતનાં અર્થહીન ભાષણો કરતા, બમ બરાડા પાડતા. આગળ જોયું તેમ મારા પીતા સાથે ગણપતકાકા વગેરેને ચાર પેઢી થાય, પરંતુ જમીન વગેરેની વહેંચણી એ સમયે થઇ હશે એમ લાગે છે. એમાં અમારા ભાગે આવેલી થોડી જમીન ભૃગુકુમાર વાલજીને જ્યારે વેચવામાં આવી ત્યારે મોતીકાકા, ગણપતકાકા વગેરેએ મારાં મા અને કાકીને(કેમ કે મારા પીતા કે કાકા કોઇ હયાત ન હતા) કહ્યું કે એ જમીન હજુ વહેંચાયેલી નથી, અને અમારો પણ એમાં ભાગ છે. આમ એ દરેક કાકાને ૧/૮ ભાગ એમાંથી મળ્યો કેમ કે એ ચાર ભાઈઓ હયાત હતા, જ્યારે અમને ૧/૪ ભાગ. જો એ લોકોનો ભાગ ન હોત તો અમને મારાં કાકી સાથે અડધો અડધો ભાગ મળત. ગણપતકાકા જ્યારે દારૂ પીને લવારા કરતા ત્યારે એકવાર એમણે કહેલું કે એમાં એ લોકોનો ભાગ હતો જ નહીં. ખોટી રીતે દાવો કરીને પડાવી લીધેલું. કોનું? બે વીધવાઓનું- મારાં મા અને કાકી. અમે બન્ને ભાઈઓ બહુ નાની વયના હતા. ગણપતકાકાની દારૂ પીને ધમાલ કરવાની ટેવ તો હું માધ્યમિક શાળામાં શીક્ષક થયો ત્યારે પણ ચાલુ જ હતી. એમના અવસાન સમયે હું ઉદયપુર ઉત્તર બુનીયાદી શાળામાં આચાર્ય હતો. ચોમાસા દરમિયાન ચીખલીથી ઉદયપુર બસ તે સમયે જઇ શકતી નહીં. સાઈકલ પર મને ખબર આપવા આવનાર ભાઈને ઉદયપુર મળી શક્યું ન હતું, આથી એમની સ્મશાનયાત્રામાં હું આવી શક્યો ન હતો.

ગણપતકાકા અને એમની પત્ની સુમીત્રાકાકીને પોતાના કુટુમ્બી દુલ્લભભાઈ અને બાંકીકાકી જોડે  બોલવા-ચાલવાનો સંબંધ ન હતો. દુલ્લભભાઈ અને ગણપતકાકાને અવાર નવાર ઝઘડા થતા મેં જોયેલા. ગણપતકાકા અને ભોવનકાકા સગા ભાઈ હોવા છતાં જ્યારે ગણપતકાકાના પુત્ર પ્રીતમભાઈનું અવસાન થયેલું ત્યારે દુલ્લભભાઈના ઘેર સ્નાન-સુતક  કશું કર્યું ન હતું એવું  સાંભળેલું. જો કે તે સમયે બાંકીકાકી હયાત ન હતાં. બાંકીકાકી હોત તો કદાચ આવું ન થાત. પ્રીતમભાઈ કેન્યાની રેલ્વે કંપનીમાં કામ કરતા હતા. કેન્યા આઝાદ થયા પછી તેઓ ઈંગ્લેન્ડ ગયેલા. ત્યાં પણ એમને કેન્યાની રેલ્વેની બ્રીટીશ કંપનીનું પેન્શન મળતું. આ પછી પ્રીતમભાઈ ઈંગ્લેન્ડથી ભારત આવી ગયા અને ભારતમાં પણ એમને  એ પેન્શન મળવાનું ચાલુ રહ્યું. પ્રીતમભાઈ એમની પત્નીથી છૂટા થઈ ગયા હતા. ગણપતકાકાની જેમ પ્રીતમભાઈને પણ દારૂની ભારે લત હતી. પેન્શનના જે કંઈ પૈસા મળતા તે બધા દારૂમાં પુરા કરી મૂકતા. દારૂ પીને જેવી રીતે ગણપતકાકા અર્થહીન ભાષણો કરતા તે જ રીતે પ્રીતમભાઈ પણ કરતા. જો કોઈએ ગણપતકાકાને એવું કરતાં સાંભળેલા હોય અને વર્ષો પછી પાછા આવી પ્રીતમભાઈને માત્ર સાંભળે, જુએ નહીં તો એમ જ માને કે ગણપતકાકા જ આ પ્રમાણે હજુ કરી રહ્યા છે. બંનેની બોલવાની શૈલી અને અવાજ આબેહુબ મળતાં આવતાં.

દુલ્લભભાઈનું ખરું નામ રણછોડભાઈ હતું, પરંતુ એ નામ ભાગ્યે જ કોઈ જાણતું. બધા એમને દુલ્લભ ભોવન તરીકે કે દુલ્લભ કાળા તરીકે જ ઓળખતા. દુલ્લભભાઈને જાહેર કામમાં ખાસ કરીને પ્રથમ અમારા મહોલ્લાનાં અને ત્યાર પછી ગામનાં કામોમાં રસ હતો. હું બહુ નાનો હતો ત્યારે અમારા ફળિયામાં કદંબ ફળિયા વીકાસ મંડળ રચાયેલું. એની મિટીંગ દુલ્લભભાઈ અને અમારા ઘરના ઓટલા પર મળતી.  તે સમયે બંને ઘર અડીને એટલે કે એક તાલીએ હતાં. આ વીકાસ મંડળમાં દુલ્લભભાઈએ સક્રિય ભાગ લીધેલો. તેઓ એના મંત્રી બનેલા. વીકાસ મંડળ બહુ લાંબો સમય ચાલ્યું નહીં, અને એ માત્ર માવલા સાથ, અમારો ટેકરો, મકાતી સાથ, નવી ઓરી અને કેસરી સાથ પુરતુ હતું, આખું કદંબ ફળિયું નહીં. અમારા એ વીસ્તારનું મૂળ નામ ગોકુળીયું ફળિયું હતું. જો કે એ નામ આ સમયે ભુલાઈ ગયું હતું. આ પછી સમગ્ર કદંબ ફળિયાનું એટલે કે ગોકુળીયું ફળિયું, ગર્વ ઝાંપો, ભગત મહોલ્લો, કારીગર મહોલ્લો, કુંભાર વાડ, હરિજન વાસ વગેરે ટૂંકમાં મોટી ખાડીના ઉત્તર ભાગનું પ્રગતી મંડળ સ્થપાયું, જેના દુલ્લભભાઈ જ પ્રથમ મંત્રી થયા. જ્યારે રામપુર ગામમાં ગ્રામ પંચાયત આવી ત્યારે એના પ્રથમ સેક્રેટરી પણ દુલ્લભભાઈ થયા. એમણે એસ. એસ. સી.ની પરીક્ષા છએક પ્રયત્ને પસાર કરેલી. જ્યારે દુલ્લભભાઈની સૌથી નાની છોકરી સમીરા એમ. એ. , બી. એડ. કરી એક માધ્યમિક શાળામાં શિક્ષિકા થઈ શકી. દુલ્લભભાઈનાં બીજાં પાંચ બાળકો – ત્રણ છોકરીઓ અને બે છોકરા- શિક્ષણ ક્ષેત્રે ખાસ નોંધ પાત્ર પ્રગતી કરી ન શક્યાં.

લજપતકાકાનાં ત્રણે બાળકો લક્ષ્મણપુર મામાને ત્યાં મોટાં થયાં. હીરજીભાઈએ કેટલું શિક્ષણ મેળવેલું તેની જાણ નથી. તેઓ લગ્ન કરી ઈંગ્લેન્ડ ગયેલા. એમને કોઈ સંતાન નથી. બુધાભાઈ ઉદ્યોગ શીક્ષક તરીકે સૌરાષ્ટ્રમાં નીવૃત્ત થયા ત્યાં સુધી હતા. એમનાં બધાં બાળકો સૌરાષ્ટ્રમાં જન્મેલાં. નીવૃત્ત થયા પછી બુધાભાઈવીસનગર ચાર રસ્તા પર મકાન બનાવ્યું. રામપુરનું ઘર તથા જમીન જશલાલભાઈને વેચી દીધાં. આમ લજપતકાકાનું ટેકરા પર કશું રહ્યું નથી. મોતીકાકાનું કશું નથી.  પ્રીતમભાઈનાં છોકરાં ઈંગ્લેન્ડથી ભારત આવીને રહે એવી કોઈ શક્યતા જણાતી નથી. જશલાલભાઈએ ગોરી છોકરી જોડે લગ્ન કર્યાં છે. એમનાં સંતાનોની માહીતી મને નથી, પણ એમણે ટેકરા પર નવું ઘર બંધાવ્યું છે. એને ત્યાં રસ છે. પરંતુ એમનાં છોકરાં ઈંગ્લેન્ડ છોડી ભારતમાં વસે એવી શક્યતા જણાતી નથી. આમ કાળા જસમતના વંશજોમાં દુલ્લભભાઈના બે પુત્રો બળવંત અને જગત છે. બળવંતના બે પુત્રો બૃહસ્પતી અને કૃષીલાલ. જગતે હજુ લગ્ન કર્યાં નથી. એ અત્યારે એપ્રીલ ૨૦૦૪માં લખાય છે ત્યારે ૪૧-૪૨ વર્ષનો હશે. આથી કાળા જસમતનું નામ જગત કાળા, ભોવન જગત, દુલ્લભ(રણછોડ) ભોવન, બળવંત રણછોડ અને બૃહસ્પતી તથા કૃષીલાલ બળવંત એ રીતે ટેકરા પર ચાલુ રહે છે.

ગુણવંતભાઇને બે છોકરીઓ છે, જે પરણીને સાસરે (ઈન્ગ્લેન્ડમાં) રહે છે. મારે(ગજનભાઇને) ત્રણ છોકરાઓ અને એક છોકરી  છે. પરંતુ મારા છોકરાઓને પણ દેશ વીષે કોઇ રસ નથી. ભવીષ્યમાં એમાંનું કોઇ ટેકરા પર જઇને વસે એવી શક્યતા નથી. આમ પુના જસમતનો વંશ પુના જસમત, લજપત પુના, વાલજીજપત, ગજનાલજી> ભૃગુ, ત્રીલોક અને આકાશ ગજન એ રીતે ચાલુ રહે છે પણ ટેકરા પર કોઇ નથી. ત્રીલોક અને આકાશે તો અમે બંધાવેલું નવું મકાન પણ જોયું નથી, હજુ લગ્ન કર્યાં નથી અને ભારત જવાની કે ઘર જોવાની ઈંતેજારી પણ નથી-આ લખું છું ત્યારે. એ બન્ને ૧૯૮૩-૮૪માં ભારત ગયેલા ત્યાર પછી દુનીયાના બીજા દેશોમાં એકથી વધુ વખત જઈ આવ્યા પણ દેશ ગયા નથી.

ટેકરા પર અત્યારે કાયમી વસવાટ કરનાર બળવંત અને જગત તથા એની બહેન સમીરા જેણે લગ્ન કર્યાં નથી તે છે. જશલાલભાઇએ મોટું મકાન તો બંધાવ્યું છે, પરંતુ એ ત્યાં કાયમી વસવાટ કરે એમ લાગતું નથી. સાતમી પેઢીએ બળવંતના બે પુત્રો બૃહસ્પતી અને કૃષીલાલ છે. અમારી સાતમી પેઢીએ ભૃગુની એક છોકરી કેનીષા અને મીલાન છે. જ્યારે ભગત મહોલ્લામાં લાંબા સમયે કદાચ એક જ વડવાનાં સંતાનો  મોટે ભાગે એટલી જ પેઢીમાં આખો મહોલ્લો ભરીને છે. એ જ મહોલ્લાના નરસીંહ દાદાએ મને અમારા પુર્વજોનાં નામ કહેલાં. નરસીંહ દાદાએ અમારા એ પુર્વજો જસમતભાઇ સુધીનાને કદાચ જોયા પણ હશે, ઓછામાં ઓછું પુના જસમત અને કાળા જસમતને તો જરૂર જોયા હશે. એમણે જ મને કહેલું કે અમે પુના જસમતના વંશજો છીએ. પરંતુ નરસીંહ દાદાએ જ્યારે મને અમારા પુર્વજોનાં નામ કહેલાં ત્યારે વધુ વીગતો જાણવાની તક મેં ગુમાવેલી. તે ઉમ્મરે- કદાચ ૧૪-૧૫ વર્ષની વયે એવી કોઇ ઈંતેજારી ન હતી. જ્યારે એ જાણવાની જીજ્ઞાસા જાગી ત્યારે માહીતી આપનાર કોઇ નથી. આથી મને જે જાણકારી છે તે ભાવી પેઢીને જ્યારે આ જાણવાની જીજ્ઞાસા જાગે ત્યારે જાણી શકે એમ માની એપ્રીલ ૨૦૦૪માં આ લખ્યું ત્યારે મારી ઉમ્મર ૬૬ વર્ષની છે.

Advertisements

ટૅગ્સ: , ,

4 Responses to “અમારી સાત પેઢી”

 1. nimesh patel Says:

  nyumonia mate noupchar apso

  • ગાંડાભાઈ વલ્લભ Says:

   નમસ્તે,
   આજે મારા બ્લોગને અપડેટ કરતાં આપની કૉમેન્ટ જોવા મળી. એ મારી આ વાર્તાની પોસ્ટ પર હોવાથી મારા ધ્યાન બહાર ગઈ હશે કે અંગ્રેજી ફોન્ટનું ગુજરાતી લખાણ કદાચ મારી સમજમાં આવ્યું નહીં હોય, અત્યારે જ ખ્યાલ આવ્યો કે mate noupchar ખરેખર તો mateno upchar છે. આથી ખુબ મોડો પણ આપને પ્રત્યુત્તર પાઠવું છું.
   મારા બ્લોગમાં ન્યુનોનીયા વીષે બહુ માહીતી નથી, પણ આ સાથે નીચે બે લીન્ક આપી છે, તેમાં માહીતી મળશે. સાથે આ એક ઉપાય છે, પણ ન્યુમોનીયા બહુ જોખમી હોવાથી ડૉક્ટરની સલાહ બને તેટલી વહેલી તકે લેવી જોઈએ.
   ફુદીનાનો રસ મધ સાથે મેળવી દર બે કલાકે આપવાથી ન્યુમોનીયાથી થતા અનેક વીકારો અટકી જઈ ન્યુમોનીયા ઘણી ઝડપથી મટી જાય છે.
   http://jivanshaili.org.in/firstaid/FA13_4.htm
   http://www.gujaratsamachar.com/20100902/astro/astro.html

 2. urvi Says:

  એક આખી પેઢીની વાત જાણીને આનંદ થયો. કાશ મને પણ અમારા દાદા પરદાદા વિષે ખબર હોત.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: