બાળકોનું આરોગ્ય

બાળકોનું આરોગ્ય

અત્યાર સુધી બાળકોના આરોગ્ય બાબત આપેલી બધી માહીતી આ સાથે એક જ લેખમાં સાથે મુકી છે, જેથી એની કોપી કરીને રાખવું હોય તો રાખી શકાય.

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

ઉધરસ (૧) ધાણા અને સાકરને ચોખાના ઓસામણમાં પીવડાવવાથી બાળકોની ઉધરસ મટે છે.

(૨)  દાડમના રસનું ચાટણ અથવા તેના ફળની છાલ પાણીમાં ઘસી ચટાડવાથી બાળકોની ઉધરસ મટે છે.

(૩) એેલચીને ઘીના દીવા પર સહેજ શેકીને વાટી મધ સાથે ચટાડવાથી ઉધરસમાં ફાયદો થાય છે.

(૪) દીવસમાં ચારેક વખત બાળકને સહેજ સહેજ  કોપરેલ ચટાડવાથી ખાંસી મટી જાય છે.

(૫) વાંસના ઝાડમાંથી નીકળતા સફેદ ગર્ભને વંશલોચન કહે છે. એનો ૧-૧ ચમચી પાઉડર દર ચારેક કલાકના અંતરે મધ સાથે ચટાડવાથી બાળકોની ખાંસી મટે છે.

બાળકોની કાળી ખાંસી (હુપીંગ કફ) (૧) લસણની  ૧૦-૧૫ ગ્રામ કળી દુધમાં પકાવી, ગાળી, એ દુધ પીવડાવવાથી બાળકોની કાળી ખાંસી મટે છે.

(૨) લસણનો ૨૦ થી ૩૦ ટીપાં રસ શરબતમાં મેળવી ચાર-ચાર કલાકે આપવાથી હુપીંગ કફ મટે છે.

(૩) લસણની કળીઓને કચરી, પોટલી બનાવી, ગળામાં બાંધી રાખી વાસ લેવાથી હુપીંગ કફ મટે છે.

(૪) લસણના રસને ઓલીવ ઑઈલમાં મેળવી બાળકની છાતી અને પીઠ પર ચોળવાથી હુપીંગ કફ મટે છે.

(૫) લસણની કળીઓને બારીક પીસી, કપડા પર પાથરી, પગના તળીયે તેલ ચોપડી પાટો બાંધવાથી અને સવાર-સાંજ પાટો બદલવાથી હુપીંગ કફ મટે છે.

બાળકોની ઉલટી કારેલાનાં ત્રણ બી અને ત્રણ કાળાં મરી પાણી સાથે પથ્થર પર ઘસી બાળકને પીવડાવવાથી તીવ્ર ઉલટી બંધ થાય છે.

બાળકોની ઉંચાઈ ડુંગળી અને ગોળ રોજ ખવડાવવાથી બાળકની ઉંચાઈ જલદી વધે છે.

બાળકોના ઝાડા (૧) જાયફળ અને સુંઠને ગાયના ઘીમાં ઘસીને તેનો ઘસરકો ચટાડવાથી બાળકને શરદીને લીધે થતા ઝાડા મટે છે.

(૨) સુંઠને પાણીમાં ઘસી, તેમાં ઘી અને ગોળ મેળવી, અગ્ની પર સીઝવી, ચાટણ કરીને ચટાડવાથી બાળકોની આમસંગ્રહણી મટે છે.

(૩) દાડમના ફળની છાલ પાણીમાં ઘસી પાણી સાથે મેળવીને પાવાથી બાળકોનો અતીસાર મટે છે.

(૪) બાળકના ઝાડા બંધ કરવા દાડમની છાલ પથ્થર પર ઘસી મધમાં ચટાડવી.

(૫) થોડા તલ અને સાકર વાટી મધમાં ચટાડવાથી બાળકોના લોહીના ઝાડા મટે છે.

(૬) બે એલચી અને એક ચમચી ખસખસ બદામી થાય ત્યાં સુધી શેકી વાટીને મધ અથવા વાટેલી સાકર સાથે ચટાડવાથી બાળકના ઝાડા મટે છે.

બાળકોની નીદ્રા ૨૫૦ મી.લી. પાણીને ખુબ ઉકાળી, નીચે ઉતારી, ૫૦ ગ્રામ ડુગળીનું છીણ નાખી, ૫-૧૦ મીનીટ રહેવા દઈ, ઠંડુ થયા બાદ ગાળી, તેમાંથી એક ચમચી પાણીમાં પાંચેક ટીપાં મધ મેળવી બાળકને પાવાથી તે ઘસઘસાટ ઉંઘી જાય છે.

બાળકના દાંત આવવા (૧)  ખજુર ધોઈ ચોખ્ખા સુતરમાં પરોવી બાળકના ગળે બાંધી દેવું, જેથી એ ખજુર સતત ચુસતું રહે. ખજુર ખાવાથી દાંત આવવાની કોઈ પણ તકલીફ બાળકને થશે નહીં. ખજુર પૌષ્ટીક હોવાથી બાળક માટે એ શક્તીવર્ધક પણ રહેશે.

(૨) લીલી તાજી હળદરનો રસ બાળકના પેઢા પર દીવસમાં બેત્રણ વખત ચોપડવાથી દાંત આવવામાં કોઈ તકલીફ રહેતી નથી.

બાળકોને કફ (૧) ચણાની દાળથી સહેજ ઓછા પ્રમાણમાં પાપડખાર અને ગોળ એકત્ર કરી, તેમાં જરાક ધાવણ મેળવી બાળકને પીવડાવવાથી કફ છુટો પડે છે, બાળકની સસણી મટે છે.

(૨) નાગરવેલના પાનને એરંડીયું ચોપડી, સહેજ ગરમ કરી, નાના બાળકની છાતી પર મુકી, ગરમ કપડાથી હળવો શેક કરવાથી બાળકની છાતીમાં ભરાયેલો કફ છુટો પડી જાય છે.

બાળકનો વીકાસ-હૃષ્ટપુષ્ટતા (૧) શારીરીક અને માનસીક વીકાસ જે બાળકનો નહીં થતો હોય તેને દરરોજ આહારમાં બાળકની પાચન શક્તી મુજબ અંકુરીત ઘઉં આપવા. અંકુરીત ઘઉં નીયમીત લેવાથી બાળકનો સર્વાંગી વીકાસ શક્ય બને છે.

(૨) બટાટાનો તાજો રસ ૧-૧ નાનો કપ સવાર-સાંજ નીયમીત આપવાથી નાના બાળકનો વીકાસ બરાબર ન થતો હોય તેમાં ફાયદો થાય છે. બટાટાનો તાજો રસ નાનાં ધાવતાં બાળકોને પણ આપી શકાય. બટાટાના રસનું પ્રમાણ બાળકની અવસ્થા અને અન્ય પરીસ્થીતી અનુસાર નક્કી કરવું જોઈએ.

(૩) પાકાં ટામેટાંનો તાજો રસ નાનાં બાળકોને દીવસમાં બે-ત્રણ વાર પીવડાવવાથી બાળકો નીરોગી, બળવાન અને હૃષ્ટપુષ્ટ બને છે.

(૪) ખજુરની એક પેશી ૧૦ ગ્રામ ચોખાના ધોવાણ સાથે મેળવી ખુબ વાટી થોડું પાણી મેળવી પ્રવાહી બનાવી નાનાં બાળકને બેત્રણ વખત આપવાથી નબળાં, કંતાઈ ગયેલાં શરીરવાળાં બાળકો હૃષ્ટપુષ્ટ-ભરાવદાર થાય છે. (આ પ્રયોગ બાળકોને સારામાં સારો ટોનીક ખોરાક પુરો પાડે છે.)

(૫) અંજીરવાળું દુધ પાવાથી બાળકોને સારું પોષણ મળે છે.

(૬) સાકર અથવા ગોળ સાથે નાનાં બાળકોને કોપરું ખવડાવવાથી તેમનું સુકલકડી શરીર હૃષ્ટપુષ્ટ થાય છે, શરીરમાં ચરબીનો વધારો થાય છે.

(૭) નીયમીત પપૈયું ખવડાવવાથી બાળકોની ઉંચાઈ વધી શરીર મજબુત અને તંદુરસ્ત બને છે.

બાળકોના કૃમી (૧) એક ચમચી ડુંગળીનો રસ આપવાથી અન્ન ખાતાં બાળકોના ઝીણા કૃમી મરી જાય છે, અને ફરી થતા નથી તથા બદહજમી પણ મટે છે.

(૨) છાસમાં વાવડીંગનું ચુર્ણ નાખી પાવાથી બાળકોના કૃમી મટે છે.

બાળકોને આંચકી (૧) ધોળી ડુંગળીને ચીરી, કચરી, સુંઘાડવાથી બાળકોની આંચકીમાં-તાણમાં ફાયદો કરે છે.

(૨) બાળકને આંચકી આવતી હોય તો રુદ્રાક્ષ, ટંકણ અને પીપળાની વડવાઈ મધમાં ચટાડવાથી રાહત થાય છે.

બાળકોની ઉલટી અને અપચો જાંબુના ૫૦૦ ગ્રામ રસમાં ૧૨૫૦ ગ્રામ સાકર મેળવી ઉકાળી ચાસણી કરી શરબત બનાવવું અને કપડાથી ગાળી શીશીમાં ભરી રાખવું. ૨૦ થી ૨૫ ગ્રામ આ શરબત ચારગણા પાણીમાં મેળવી બાળકોને પાવાથી બાળકોની ઉલટી મટે છે. એનાથી બાળકોનો અપચો પણ મટે છે.

બાળકોને દુધની ઉલટી (૧) ટામેટાનો એક-બે ચમચી રસ દુધ પીવડાવતાં પહેલાં આપવાથી બાળકોને થતી દુધની ઉલટી મટે છે.

(૨) લીંબુના રસમાં મધ મેળવી ચટાડવાથી બાળકોનું દુધ ઓકવું બંધ થાય છે.

બાળકોની શરદી (૧) હળદર અને દુધ ગરમ કરી સહેજ મીઠું અને ગોળ નાખી પીવડાવવાથી બાળકોનાં શરદી, કફ અને સસણી મટે છે.

(૨) બહુ નાનાં બાળકોને શરદીમાં મધ અને આદુનો રસ ભેગાં કરી સેવન કરાવવાથી રાહત થશે.

(૩) સ્તનપાન કરતાં નાનાં બાળકને માના ધાવણમાં સહેજ જાયફળ ઘસીને પાવાથી શરદીમાં લાભ થાય છે.

બાળકોનો આફરો-અપચો (૧) નાગરવેલના પાનના રસમાં મધ મેળવી ચટાડવાથી અપાન વાયુની છુટ થઈ નાનાં બાળકોનો આફરો તથા અપચો મટે છે.

(૨) કારેલીના પાનના રસમાં થોડી હળદર નાખી નાના બાળકને પાવાથી બાળકનું પેટ ચઢ્યું હોય તો મટી જાય છે.

બાળકોનો દમ ધાણા અને સાકરને ચોખાના ઓસામણમાં પીવડાવવાથી બાળકોનો દમ મટે છે.

બાળકોનો મુત્રાવરોધ લીંબુનાં બી અધકચરાં ખાંડી ડુંટીમાં ભરી ઉપર ઠંડા પાણીની ધાર કરવાથી બાળકોનો મુત્રાવરોધ મટે છે.

બાળકનો તાવ (૧) એકાદ નાની ચમચી મરીનું ચુર્ણ ગરમ પાણીમાં સવાર-સાંજ આપવું. પ્રયોગ બાદ બાળકને એકાદ કલાક આરામ કરાવવો. બાળકનો સામાન્ય તાવ આ પ્રયોગથી ઉતરી જાય છે.

(૨) ઘરે તૈયાર કરેલું કે બજારમાં મળતું ગળોસત્ત્વ હુંફાળા પાણીમાં એક ચપટી જેટલું આપવાથી નાના બાળકનો સમાન્ય તાવ ઉતરી જાય છે.

બાળક પથારીમાં પેશાબ કરે (૧) કાળા તલ રાત્રે બાળકને ખવડાવવાથી પથારીમાં પેશાબ કરવાની તકલીફ મટે છે.

(૨) આમળાં અને હળદરનું સમાન ભાગે બનાવેલા ૧-૧ ચમચી ચુર્ણનું મધ સાથે બાળકને દીવસમાં ત્રણ વાર સેવન કરાવવાથી પથારીમાં પેશાબ કરવાની તકલીફ મટે છે.

(૩) સુકાં આમળાંનું ચુર્ણ ૧૦૦ ગ્રામ અને ૫૦૦ ગ્રામ મધનું મીશ્રણ કરી સવાર-સાંજ ૧-૧ ચમચો બાળકને આપવાથી એની પથારીમાં પેશાબ કરવાની તકલીફ મટે છે.

(૪) સાંજે પ્રવાહી બને તેટલું ઓછું આપવું અને સાંજના આહારમાં બટાટા આપવા. સાંજે બટાટા ખાવાથી રાત્રે પેશાબ કરવાની તકલીફ મટે છે.

બાળકોનું એક ઔષધ લીંબુનો રસ ૩ ચમચી, ચુનાનું નીતારેલું પાણી ૨ ચમચી, મધ ૧ ચમચી અને અજમાનું બારીક ચુર્ણ ૧ ચમચી મીશ્ર કરી બાટલીમાં ભરી રાખવું. નાનાં બાળકોને એમાંથી ૧૦ ટીપાં જેટલી દવા સવાર-સાંજ પાવાથી ધાવણ ન પચતું હોય તો આ ઔષધ હીતાવહ છે. એનાથી બાળકોની પેટની ચુંક, આફરો, ઉબકા, ઉલટી, ઝાડા અને વાયુના જુદા જુદા વીકારોમાં તથા સ્તનપાન કરતાં બાળકોમાં સ્તનપાન કર્યા પછી ધાવણ કાઢી નાખતાં હોય એવી બધી વીકૃતીઓમાં ઉપયોગી થાય છે. લીંબું ખાટું હોવા છતાં પીત્તશામક છે. એ વાયુનું પણ શમન કરે છે અને જઠરાગ્ની પ્રદીપ્ત કરે છે.

બાળકને પેટનો દુખાવો (૧) નાના બાળકને પેટમાં દુખતું હોય અને પેટ ફુલી ગયું હોય તો અડધી ચમચી હીંગ બે-ત્રણ ટીપાં બ્રાન્ડી કે પાણીમાં પેસ્ટ બનાવી ડુંટીમાં લગાવવાથી પેટનો દુખાવો મટે છે. હીંગને ગરમ કરીને પણ  પેટ પર ચોપડી શકાય.

(૨)  તુલસીના પાનના રસમાં થોડી સુંઠ મેળવીને પાવાથી બાળકોને પેટની ચુંક મટે છે.

બાળકનું મોં આવવું નાના બાળકનું મોં ગરમીથી આવી ગયું હોય તો બકરીના દુધની શેડ પાડવાથી લાભ થાય છે.

બાળકોની સસણી (૧) બાળકને સસણી થાય તો નાગરવેલનું પાન અને લવીંગ પાણીમાં ઉકાળી, ચોળી, ગાળીને સહેજ ટંકણખાર નાખી પીવડાવવાથી રાહત થાય છે.

(૨) ગાયના મુત્રમાં ચપટી હળદર નાખી પીવડાવવાથી બાળકોની સસણી મટે છે.

બાળકોની બુદ્ધી વધારવા સમાન ભાગે આમળાનું ચુર્ણ અને તલમાં થોડું ઘી અને મધ મેળવી દરરોજ સવારે ખાલી પેટે નાનાં બાળકોને ખાવા આપવાથી તેમની બુદ્ધી વધે છે. ઘી અને મધ સમ પ્રમાણમાં લેવાં નહીં. કફપ્રકૃતી કે પ્રકોપમાં મધ બમણું અને વાયુમાં ઘી મધ કરતાં બમણું લેવું.

Advertisements

ટૅગ્સ:

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: