Archive for માર્ચ, 2011

શરીરની ફીકાશ અને રુક્ષતા

માર્ચ 31, 2011

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે.

શરીરની ફીકાશ અને રુક્ષતા તાજો ફુદીનો, ખારેક, મરી, સીંધવ, હીંગ, કાળી દ્રાક્ષ અને જીરુની ચટણી બનાવી તેમાં લીંબુનો રસ નીચોવી ખાવાથી શરીરની ફીકાશ મટે છે.

શરીરની રુક્ષતા એટલે કે શરીર કરમાઈ ગયેલું- નીસ્તેજ લાગે, ચામડી પણ કરચલીવાળી માલમ પડે તો અરડુસાનાં તાજાં કે સુકાં પાનનો ઉકાળો બનાવી (સ્વાદ માટે ખાંડ પણ નાખી શકાય) દરરોજ સવાર-સાંજ એક એક ગ્લાસ પીવો. નીયમીત પ્રયોગ કરવાથી નીસ્તેજપણું દુર થઈ શરીરનું સૌંદર્ય ખીલે છે.

શરીરની ઉંચાઈ વધારવા

માર્ચ 28, 2011

શરીરની ઉંચાઈ વધારવા

૧. શરીરની ઉંચાઈ વધારવા માટે તથા હાડકાની મજબુતાઈ માટે સરગવાની શીંગનું શાક ખાવું.

૨. ડુંગળી અને ગોળ રોજ ખવડાવવાથી બાળકની ઉંચાઈ જલદી વધે છે.

૩. નીયમીત પપૈયું ખવડાવવાથી બાળકોની ઉંચાઈ વધી શરીર મજબુત અને તંદુરસ્ત બને છે.

૪. તાડાસન કરવાથી પણ શરીરની ઉંચાઈ વધી શકે.

શરદીની બહેરાશ

માર્ચ 23, 2011

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે.

શરદીની બહેરાશ શુદ્ધ બાંધાની હીંગ ચોખ્ખા રુમાં મુકી દરરોજ દીવસમાં બે વખત કાનમાં દબાવી દેવાથી થોડા દીવસોમાં કફ-શરદીને લીધે આવેલી બહેરાશ મટે છે.

 

શરદી-તાવ

માર્ચ 22, 2011

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક

શરદી-તાવ સામાન્ય શરદી અને તાવ હોય તો એક કપ ગરમ દુધમાં એક નાની ચમચી હળદર નાખી દીવસમાં ત્રણેક વખત પીવાથી સારું થઈ જાય છે.

 

શરદી

માર્ચ 21, 2011

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આપવાનો હેતુ માત્ર માહીતીનો છે.

 

(૧) અજમો થોડો ગરમ કરી, પાતળા કપડામાં પોટલી બનાવી થોડી થોડી વારે સુંઘવાથી છીંકોનો વેગ ઘટી જઈ શરદી શાંત થઈ જાય છે. અજમાનું  તાજું બનાવેલું ચુર્ણ ઘસવાથી શરદી, છીંકો, શીરઃશુળ અને મસ્તકના કૃમીઓનો નાશ થાય છે.

(૨) થોડા નવશેકા પાણીમાં એક લીંબુનો રસ નીચોવી દર બે-ત્રણ કલાકના અંતરે નીયમીત પીવાથી શરદી સારી થઈ જાય છે.

(૩) ગરમ જળપાનથી શરીરની ગ્રંથીઓના સ્રાવો વધે છે. તેથી શરદી-ખાંસીમાં રાતે સુતી વખતે, સુતાં પહેલાં અને સવારે દાતણ કરીને તરત ગરમ પાણી પીવાથી છાતી-હોજરીનો કફ છુટી જઈને દરદમાં આરામ થાય છે. 

(૪) પાણીમાં સુંઠની એક ગાંગડી મુકી અર્ધા ભાગનું પાણી રહે ત્યાં સુધી ઉકાળી, ઠારીને ગાળી લેવું. પાણીમાં નીચેના તળીયાના ક્ષારો ન આવે તેમ બીજા વાસણમાં લઈ લેવું. આ સુંઠી જળ પીવાથી કાયમી શરદી, સળેખમ, નાક બંધ થવું, દમ-શ્વાસ, હાંફ, વરાધ, સસણી, ફેફસામાં પાણી ભરાવું, અજીર્ણ-અપચો, કૃમી, ચીકણો ઝાડો-આમદોષ, જળસ, વાળો, બહુમુત્ર (વારંવાર  ખુબ જ પેશાબ કરવા જવું), ડાયાબીટીસ, લો બ્લડપ્રેશર, શરીર કાયમ ઠંડુ રહેવું, મસ્તક પીડા જેવાં કફદોષજન્ય તમામ દર્દોમાં લાભ થાય છે.

(૫) ભારે શરદી હોય અને નાક બંધ થઈ ગયું હોય તો તપેલીમાં પાણી ખુબ ગરમ કરી થોડું પેઈન બામ, નીલગીરીનું તેલ કે કપુર નાખી માથાથી તપેલી ઢંકાય તેવું જાડું કપડું કે ટુવાલ ઓઢી ગરમ પાણીનો નાસ લેવો.

(૬) ૧/૪ ચમચી એલચી ચુર્ણ સાથે એક ચમચી મધ મેળવી ચાટવાથી ઉધરસ મટે છે. મોટી એલચી ગરમ છે. એનાથી કફ, પીત્ત, રક્ત વીકારો, દમ, ચળ, તરસ, મોળ, ઉબકા, અરુચી, અપચો, મુત્રાશયના રોગ, મોઢાના રોગો, માથાના રોગો, શરદી-સળેખમ અને ઉધરસ મટે છે.

(૭) સુંઠ નાખી ઉકાળેલું પાણી પીવાથી અથવા પીવાના પાણીમાં સુંઠનો ગાંગડો નાખી લાંબા સમય સુધી એ પાણી પીવાથી જુની શરદી મટે છે. રોજ નવો ગાંગડો મુકવો.

 (૮) સુંઠ, તજ અને ખડી સાકરનો ઉકાળો પીવાથી શરદી-સળેખમ મટે છે.

(૯) ૧૦ ગ્રામ સુંઠનું ચુર્ણ, ૧૦ ગ્રામ ગોળ અને એક ચમચી ઘી એકત્ર કરી, થોડું પાણી મેળવી, અગ્ની પર મુકી રાબડી જેવું કરી રોજ સવારે ચાટવાથી ત્રણ દીવસમાં શરદીઅનેસળેખમ મટે છે. 

(૧૦) તજ, મરી અને આદુનો ઉકાળો દરરોજ પીવાથી શરદી મટે છે.

(૧૧) દહીંમાં મરી અને ગોળ મેળવી ખાવાથી શરદી અને સળેખમ મટે છે.

(૧૨) ફુદીનાનો તાજો રસ અથવા અર્ક શરદી  દુર કરે છે. (૧૩) મધ અને આદુનો રસ ૧-૧ ચમચી એકત્ર કરી સવાર-સાંજ પીવાથી શરદી મટે છે. 

(૧૪) લવીંગ દીવા પર શેકી મોંમાં રાખવાથી શરદી અને ગળાનો સોજો મટે છે.

(૧૫) લીંબુનો રસ રાત્રે સુતી વખતે ગરમ પાણીમાં પીવાથી શરદી મટે છે. આ પ્રયોગ કેટલાક દીવસ સુધી કરવાથી જીર્ણ સળેખમ-જુની શરદીમાં પણ ફાયદો થાય છે.

(૧૬) વાટેલી રાઈ  મધ સાથે ખાવાથી શરદી મટે છે. રાઈ ખુબ ગરમ હોવાથી પોતાની પ્રકૃતીનો ખ્યાલ કરી એનો ઉપયોગ કરવો.

(૧૭) દરરોજ થોડું ખજુર ખાઈ ઉપર ચાર-પાંચ ઘુટડા ગરમ પાણી પીવાથી કફ પાતળો બનીને ગળફાના રુપમાં બહાર નીકળે છે, ફેફસાં સાફ થાય છે અને શરદી-સળેખમ મટે છે. એનાથીલોહી પણ શુદ્ધ થાય છે.

(૧૮) નાગરવેલનાં બે-ચાર કોરાં પાન ચાવી જવાથી શરદી અને સળેખમ મટે છે.

(૧૯) હળદરચુર્ણના ધુમાડાનો નાસ લેવાથી શરદી-સળેખમ તરત જ મટે છે.

(૨૦) સુંઠ, તજ, ફુદીનો, તુલસીનાં પાન એલચી વગેરેના બોરકુટા ચુર્ણના બનાવેલા ઉકાળાથી શરદી મટે છે.

(૨૧) દહીંમાં મરીનું ચુર્ણ અને ગોળ નાખી રોજ ખાવાથી લાંબા સમયની શરદી અને પીનસ રોગ મટે છે. થોડા દીવસ ખોરાક બંધ કરી આ પ્રયોગ કરવો. એકલા દહીં પર રહેવાય તો વધુ સારું.

નવી શરદીમાં ખાટા દહીંમાં ગોળ અને મરીનું ચુર્ણ નાખી ખાવાથી લાભ થાય છે.

(૨૨) એકાદ નાની ચમચી વાટેલી રાઈ મધ સાથે મેળવી દીવસમાં બે-ત્રણ વાર ચાટવાથી બહુ ઠંડી લાગતી નથી. (૨૩) ગરમા ગરમ ચણા સુંઘવાથી શરદી મટે છે.

(૨૪) ડુંગળીના રસનાં ટીપાં નાકમાં પાડવાથી શરદી-સળેખમ મટે છે.

(૨૫) ભોંયરીંગણીના પંચાંગના ૧૫ ગ્રામ ચુર્ણનો ઉકાળો સવાર-સાંજ પીવાથી દમ અને શરદી બંને સારાં થાય છે. (૨૬) ગરમ દુધમાં મરીની ભુકી અને સાકર નાખી પીવાથી સળેખમ મટે છે. 

(૨૭) લવીંગના તેલને રુમાલમાં નાખી સુંઘવાથી સળેખમ મટે છે.

(૨૮) ગરમ કરેલા દુધમાં હળદર અને ઘી નાખી પીવાથી સળેખમ, કફ અને ઉધરસ મટે છે.

(૨૯) સમાન ભાગે મેથી અને અળસીનો હુંફાળો ઉકાળો દીવસમાં ૩-૪ વાર પીવાથી હઠીલી શરદી મટે છે.

(૩૦) શરદી અને કફ સારાં થતાં ન હોય તો ખાટી આમલીનાં લીલાં કે સુકાં પાનનો ઉકાળો દીવસમાં ત્રણ વાર એકેક ગ્લાસ હુંફાળો હુંફાળો પીવાથી લાભ થાય છે. (૩૧) સરસવના તેલમાં રુનું મોટું પુમડું બનાવી બંને નસકોરાંમાં ખોસી ઉંડા શ્વાસ લેતા રહેવાનો પ્રયોગ દીવસમાં ૩-૪ વખત કરતા રહેવાથી હઠીલી જુની શરદી મટે છે.

(૩૨) એલોપથીના ડૉક્ટરોના મતાનુસાર શરદી થાય ત્યારે ખાવું જોઈએ અને બની શકે તો તીખું, જેથી ખાવાની રુચી વધે અને વધુ ખવાય. ખોરાક લેવાથી શક્તી મળી રહે અને રોગ દુર કરવા શક્તી જરુરી છે. એક દીવસના ઉપવાસથી પણ શરીર નબળું પડે છે. પેરાસીટામોલવાળી દવા ભુખ્યા પેટે કદી ન લેવાય. શરદીમાં કુદરતી ઉપચાર મુજબ ડુંગળી ખાવી ઉત્તમ છે. જ્યારે કુદરતી ઉપચાર મુજબ શરદી થાય તો એકબે દીવસના ઉપવાસ કરવા જ જોઈએ.

(૩૩) દુધ, ઘી, તેલ, છાસ, લીંબુ અને વધુ પડતાં ખાંડ-ગોળ બંધ કરી સવાર-સાંજ પાણી સાથે ત્રીકટુ (સુંઠ, મરી અને લીંડીપીપરનું સમભાગે બનાવેલ ચુર્ણ)ની ફાકી લેવી, અને અજમો અને હળદરની ધુમાડીનો નાસ લેવાથી બંધ થયેલાં નસકોરાં ખુલી જાય છે અને થોડા દીવસમાં શરદી મટે છે.

(૩૪) સુંઠ, ગોળ અને ઘીનો લાડુ કરી રોજ સવારે નરણે કોઠે ખાવાથી શરદી મટી જાય છે.

(૩૫) ૧-૧ ચમચી હળદરનું ચુર્ણ દીવસમાં ત્રણ વાર પાણી સાથે લેવાથી એલર્જીને લીધે થતી શરદી મટે છે.

(૩૬) ૨૫૦-૨૫૦ ગ્રામ પાકું પપૈયું સવાર-સાંજ નીયમીત ખાવાથી જુની શરદી મટી જાય છે.

(૩૭) દરરોજ અડધો કલાક ઝડપથી ચાલવાથી શરદી સામે રક્ષણ મળે છે.

(૩૮) તજ, મરી અને આદુ સરખા ભાગે અધકચરા કુટી, એક ચમચીનો ઉકાળો સવાર-સાંજ પીવાથી જુની શરદી, સાયનસ મટે છે.

(૩૯) શરદીને કારણે માથું દુખતું હોય તો એક કપ દુધમાં હળદર અને કાળા મરીનું ચુર્ણ નાખી ઉકાળો. આવું દુધ ત્રણ દીવસ સુધી રોજ એક વાર પીઓ.

(૪૦) સુંઠ, મરી અને પીપરનું સરખા ભાગે બનાવેલું એક ચમચી જેટલુંચુર્ણ એક ચમચી મધ સાથે મીશ્ર કરી સવારે, બપોરે અને રાત્રે ચાટી જવાથી શરદી-સળેખમ, ઉધરસ, એલર્જી, ગેસ, અરુચી અને અપચાની ફરીયાદ મટે છે.

(૪૧) શરદી, ફ્લ્યુની ગોળી: સુંઠ, મરી, પીપર(પીપર જેમ વધુ ઘુંટવામાં આવે તેમ વધુ ગુણ કરે)  અને હરડે દરેકનું બારીક તાજું ચુર્ણ ૧૦-૧૦ ગ્રામ અને ગોળ ૮૦ ગ્રામ બધાંને સારી રીતે એકત્ર કરી ઘુંટી ૨-૨ ગ્રામની ગોળી વાળી ઘરમાં છાંયડે જ સુકવવી. શરદી કે ફ્લ્યુની અસર જણાતાં સવાર-સાંજ એક-એક ગોળી મોંમાં મુકી રાખી પોતાની મેળે ઓગળવા દેવી. માત્ર ત્રણ-ચાર દીવસમાં જ સ્પષ્ટ ફેર માલમ પડશે. સાથે જરુરી પરેજી પાળવી, જેમ કે વધુ પડતાં ખાંડ-ઘીવાળો, તળેલો, પચવામાં ભારે આહાર ન લેવો, માત્ર સુપાચ્ય હળવો ખોરાક લેવો. બને ત્યાં સુધી શક્તી મુજબ બેત્રણ કીલોમીટર દરરોજ ચાલવું, વગેરે.  

શય્યાવ્રણ

માર્ચ 20, 2011

શય્યાવ્રણ લાંબા સમય સુધી પથારીવશ રહેવાથી શય્યાવ્રણ થાય છે જેને પાઠું પડવું પણ કહે છે. વાંસા ઉપર કે વાંસાથી કમર સુધી ઘારાં પડે છે. એક વાર આ પાઠું પડ્યા પછી એ રુઝાવું બહુ મુશ્કેલ હોય છે. આથી એ ન પડે એ માટે વાંસાથી કમર સુધીના ભાગો પર કપુર અને કાથાનું પાણીમાં મીશ્રણ કરી દરરોજ દીવસમાં ત્રણ વાર ચોપડતા રહેવું.

 

શક્તી

માર્ચ 17, 2011

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

શક્તી (જુઓ અશક્તી લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2010/01/25/%E0%AA%85%E0%AA%B6%E0%AA%95%E0%AB%8D%E0%AA%A4%E0%AB%80/

(૧) ૧૦૦ ગ્રામ તલ અને ૧૦૦ ગ્રામ તજને દળીને ભુકો બનાવી રોજ એક ચમચી ખાવાથી શરીરમાં શક્તી આવે છે, ઉત્સાહ વધે છે.

(૨) અંજીર દુધમાં ઉકાળી, ઉકાળેલું અંજીર ખાઈ તે દુધ પીવાથી શક્તી આવે છે તથા લોહી વધે છે.

(૩) આમળાં અને કાળા તલ સરખે ભાગે લઈ, બારીક ચુર્ણ કરી ઘી કે મધમાં ચાટવાથી શક્તી આવે છે.

(૪) એક સુકું અંજીર અને ૫-૧૦ બદામ દુધમાં નાખી ઉકાળી, તેમાં સહેજ ખાંડ નાખી રોજ સવારે પીવાથી શક્તી આવે છે.

(૫) બેથી ચાર સુકાં અંજીર સવારે અને સાંજે દુધમાં ગરમ કરી ખાવાથી શક્તી આવે છે. અંજીર પચવામાં ભારે છે, આથી પાચનશક્તી મુજબ એનો ઉપયોગ કરવો.

(૬) ડુંગળીને ગરમ રાખમાં ભુંજી રોજ સવારે ખાવાથી આંતરડાં બળવાન બની, સારી રીતે શૌચશુદ્ધી થઈ શક્તી વધે છે.

(૭) ડુંગળીનો રસ ૫ ગ્રામ, ગાયનું ઘી ૫૦ ગ્રામ, મધ ૫ ગ્રામ અને આદુનો રસ ૫ ગ્રામ મેળવી પીવાથી શક્તી અને ઉત્સાહમાં વધારો થાય છે.

(૮) બી કાઢેલી દ્રાક્ષ ૨૦ ગ્રામ ખાઈને ઉપર ૨૫૦ મી.લી. દુધ પીવાથી તાવ પછીની નબળાઈ મટી શરીરમાં શક્તી આવે છે.

(૯) મોસંબીનો રસ લેવાથી શરીરની શક્તીમાં વધારો થાય છે.

(૧૦) વડની છાલ સુકવી ચુર્ણ બનાવી સમભાગે સાકર મેળવી સવાર-સાંજ ૧-૧ ચમચી દુધ સાથે લેવાથી શરીરને શક્તી અને પોષણ મળે છે.

(૧૧) ગરમીના દીવસોમાં દસ નંગ બદામને રાત્રે પાણીમાં પલાળવી. સવારે ખુબ ચાવીને ખાવી. એની સાથે ઈચ્છા મુજબ દુધ પીવું. આનાથી શક્તી મળે છે. તે યાદશક્તી વધારે છે અને આંખની જ્યોતી વધારે છે.

(૧૨) શીયાળામાં પાચનશક્તી અનુસાર કોરું કોપરું ચાવીને ખાવાથી દુર્બળતા અને શરીરની ક્ષીણતા નાશ પામી શરીર પુષ્ટ બને છે.

(૧૩)  આમલીના દસ-બાર કચુકાને પાણીમાં પલાળી રાખી, ઉપરનાં લાલ ફોતરાં કાઢી નાખી, સફેદ મીંજ દુધ સાથે વાટી રોજ સવારે પીવાથી શરીર બળવાન બને છે.

(૧૪) અડદની દાળનો લોટ, ઘઉંનો લોટ અને પીપરનું ચુર્ણ દરેક ૫૦ ગ્રામ એકત્ર કરી ૧૦૦ ગ્રામ ઘીમાં શેકવું. શેકાયા પછી તેમાં ૨૫૦ ગ્રામ સાકર અને ૫૦૦ મી.લી. પાણી નાખી પાક બનાવવો. તેના ૪૦-૪૦ ગ્રામના લાડુ બનાવવા. રાતે સુતી વખતે આ લાડુ ખાઈ ઉપર ૧૫૦ મી.લી. દુધ પીવું. (ખાટા, ખારા તથા તેલવાળા પદાર્થો છોડી દેવા.) એનાથી પુષ્ટી પ્રાપ્ત થાય છે અને શારીરીક બળ વધે છે.

(૧૫) અડદની દાળ પાણીમાં પલાળી રાખી, વાટી, તેમાં મીઠું, મરી, હીંગ, જીરુ લસણ અને આદુ નાખી વડાં કરવાં. તેને ઘીમાં અથવા તેલમાં તળીને ખાવાથી દુર્બલપણું મટે છે.

(૧૬) એક કપ દુધમાં એક ચમચી મધ નાખી પીવાથી શક્તી વધે છે. દુધ ઠંડું થયા પછી મધ નાખવું.

(૧૭) ગાયના દુધમાં જીરુ સીઝવી, તેનું ચુર્ણ કરી સાકર સાથે ખાવાથી તાવ પછીની અશક્તી મટે છે.

(૧૮) બદામ ગરમ પાણીમાં ભીંજવી, ફોતરાં કાઢી, બારીક પીસી, દુધમાં કાલવી, ઉકાળી, ખીર બનાવી, સાકર અને ઘી મેળવી ખાવાથી બળવૃદ્ધી અને વીર્યવૃદ્ધી થાય છે.

(૧૯) પપૈયું ખાવાથી શરીરની શક્તી વધે છે.

(૨૦) તરબુચનાં બીજની મીંજ અને સાકર સમાન ભાગે દરરોજ એક એક ચમચો સવાર-સાંજ લેવાથી પુરુષોમાં કામશક્તી વધે છે.

(૨૧) દરરોજ સવારે એક મોટો ચમચો મધ, અડધો ચમચો ઘી અને નાની ચમચી આમલસાર ગંધક ભેગાં કરી, બરાબર મીશ્રણ કરી થોડા દીવસ ચાટી જવાથી સારી એવી શક્તીનો અનુભવ થાય છે.

(૨૨) વીદારી કંદ અને ઉંબરાના સમાન ભાગે બનાવેલા એક ચમચી ચુર્ણને એક ગ્લાસ દુધમાં મેળવી બે ચમચી દહીં નાખી દરરોજ સવારે પીવાથી નબળાઈ મટી યુવાન જેવી શક્તીનો અનુભવ થાય છે.

(૨૩) એખરો, ગોખરું અને શતાવરીનું સરખા ભાગે બનાવેલું એક ચમચી ચુર્ણ અને દોઢ ચમચી ખડી સાકરનું ચુર્ણ એક ગ્લાસ દુધમાં નાખી સવાર-સાંજ પીવાથી શીઘ્રપતન, શીથીલતા અને નપુસંકતા દુર થઈ શરીર બળવાન અને પુષ્ટ બને છે.

વૃદ્ધત્વ

માર્ચ 16, 2011

વૃદ્ધત્વ મુક્ત કણો(ફ્રી રેડીકલ્સ)ને વૃદ્ધત્વને ઝડપી બનાવનાર માનવામાં આવે છે. મુક્ત કણ એટલે કોઈ પણ એવો પરમાણુ (atom) કે અણુ (molecule) જેની બાહ્ય ભ્રમણકક્ષામાં (સ્તરમાં) એક જ ઈલેક્ટ્રોન(ઋણ વીજકણ) વધારાનો એટલે કે જોડમાં નથી હોતો.
પરમાણુ (એટમ) કે અણુ (મોલેક્યુલ)ના કેન્દ્રની પ્રદક્ષીણા કરતા ઈલેક્ટ્રોન બબ્બેની જોડમાં હોય છે. આ જોડ વીનાનો ઈલેક્ટ્રોન બેકી થવાને સતત ઉત્સુક હોય છે. આથી મુક્ત કણો બહુ જ સક્રીય રાસાયણીક પદાર્થ હોય છે. અમુક પ્રકારનાં એન્ઝાઈમનો ડોઝ આપવાથી તેમ જ એન્ટીઓક્સીડન્ટ આહાર લેવાથી આ મુક્ત કણો નષ્ટ થઈ શકે છે. આ રીતે વૃદ્ધત્વને પાછળ ઠેલી શકાય છે, જેનાથી ઉમ્મરમાં 20% જેટલો વધારો સંભવ છે.
મુક્ત કણો સામે રક્ષણ મળવાથી ઘડપણને કારણે સતાવતા રોગો પણ અટકાવી શકાય છે એવું અમુક સંશોધનોમાં જાણવા મળ્યું છે. જેમાં હૃદયરોગો, કેન્સર, સંધીવા, સ્મૃતીભ્રંશ જેવા અમુક માનસીક રોગો, ડાયાબીટીસ અને બીજા ગંભીર રોગોનો સમાવેશ થાય છે.
આમ જીવન લંબાવવા, ઘડપણને દુર ઠેલવા અને વૃદ્ધાવસ્થાના રોગો સામે રક્ષણ મેળવવા આપણા આહારમાં એન્ટીઓક્સીડન્ટ પદાર્થોનો સમાવેશ કરવો જોઈએ. સામાન્ય રીતે ફળ અને શાકભાજીમાં એન્ટીઓક્સીડન્ટ જોવા મળે છે. આથી સમયસર ફળ-શાકભાજીનો આપણા આહારમાં યોગ્ય પ્રમાણમાં સમાવેશ કરવો લાભદાયક છે.
(૧) શક્ય તેટલા પ્રમાણમાં દરરોજ પોતાની પ્રકૃતી મુજબ કાચી કે રાંધેલી કોબીજ ખાવાથી સદા યુવાન રહી શકાય અને ઘડપણને આવતું રોકવામાં સહાય મળી શકે. (૨) દરરોજ સવાર-સાંજ ભોજન સાથે કાચી કે રાંધેલી એક મોટી ડુંગળી ખાવાથી વૃદ્ધાવસ્થામાં થતી જાતજાતની તકલીફોથી બચવામાં મદદ મળી શકે.

વીંછીનું ઝેર

માર્ચ 15, 2011

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે.

વીંછીનું ઝેર (૧) આમલીનો શેકેલો કે શેક્યા વગરનો કચુકો ધોળો થાય ત્યાં સુધી ઘસીને વીછીના ડંખ પર ચોંટાડવાથી ઝેર શોષી લઈ કચુકો પોતાની મેળે ખરી પડે છે અને વીંછી ઉતરી જાય છે. (૨) ગાયના દુધમાં કે આંકડાના દુધમાં હીંગ ઘસીને ચોપડવાથી વીંછીનું ઝેર ઉતરે છે.

વીર્યસ્રાવ

માર્ચ 12, 2011

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે.

વીર્યસ્રાવ તુલસીનાં બી અડધી ચમચી રાત્રે એક કપ પાણીમાં પલાળી સવારે એ ખાઈ જવાં અને ઉપરથી કપમાંનું પાણી પી જવું. એનાથી થોડા દીવસોમાં રાત્રે સ્વપ્નમાં થતો વીર્યસ્રાવ બંધ થાય છે.