Archive for એપ્રિલ, 2011

સ્વપ્ન બીહામણાં

એપ્રિલ 30, 2011

સ્વપ્ન બીહામણાં દરરોજ રાત્રે સુતી વખતે બ્રાહ્મીનું ચુર્ણ દુધ સાથે લેવાથી બીહામણાં-અમંગળ સ્વપ્ન આવતાં અટકે છે. બ્રાહ્મીનું ચુર્ણ બજારમાં મળે છે.

સ્મરણ શક્તી

એપ્રિલ 29, 2011

(૧) ડુંગળી ખાવાથી કંઠ-ગળું અને મોં ચીકાશ વગરનું બની સાફ થાય છે, અને નીર્બળ બનેલા સ્નાયુઓ મજબુત થાય છે. આથી સ્મરણ શક્તી પણ વધે છે.

(૨) ઈંડાંનું કૉલેસ્ટરોલ વૃદ્ધોની સ્મૃતીને લાભકારક હોય છે, એવું બર્કલેની કેલીફોર્નીયા યુનીવર્સીટીમાં શ્રી. સીંગરે કરેલા સંશોધને પુરવાર કર્યું છે. બીજા શબ્દોમાં કહીએ તો વૃદ્ધોના શરીરમાં રહેલ કૉલેસ્ટરોલ તેમની સ્મરણ શક્તી જાળવવા માટે સક્ષમ ન હતું, પરંતુ આહારમાં ઈંડાં લઈ શરીરમાં ઉમેરેલું કૉલેસ્ટરોલ એ માટે સક્ષમ હતું. (Singer’s work at the University of California, Berkeley, has shown that the cholesterol in eggs improves memory in older people. In other words, these elderly people’s own cholesterol was insufficient to improve their memory, but added dietary cholesterol from eggs was.)

સ્ફુર્તી માટે

એપ્રિલ 28, 2011

કોઈ ખાસ પ્રસંગ માટે જેમ કે કોઈ રમતની સ્પર્ધા  હોય ત્યારે શરીરમાં સ્ફુર્તીની જરુર હોય તો બે દીવસ પહેલાંની સાંજે વીટામીન ‘સી’ અને પીપરમીન્ટ ટી મધ, મોલાસીસ કે ગોળ સાથે લેવી.

બીજે દીવસે સવારે ઑરેન્જ અને લીંબુનો રસ પાણી સાથે અથવા એકલા લીંબુનું શરબત મધ, મોલાસીસ કે ગોળ નાખીને તથા વીટામીન ‘સી’ લેવું. એકબે માઈલ ચાલવું. સવારે ભુખ હોય તો અનુકુળ હોય તે મુજબ માત્ર તાજો રસ કાઢીને પીવો, જેમાં ગાજર અને સફરજન અથવા ગાજર, સફરજન અને બીટરુટ અથવા સફરજન અને સેલરી લઈ શકાય. વધુ ભુખ હોય તો એકબે સફરજન ખાવાં.

બપોરે સફરજન અને મોસંબીનો રસ અથવા વીવીધ શાકભાજીનું કચુંબર, ફણગાવેલાં કઠોળ, થોડું ઑલીવ ઑઈલ અને લીંબુ તથા વીટામીન ‘સી’ લેવું.

બપોર પછી  ફળ, શાકભાજીનો રસ અથવા હર્બલ ટી પીવી.

સાંજે થોડા પ્રમાણમાં કચુંબર અથવા બાફેલાં શાકભાજી લો.

રાત્રે સુતાં પહેલાં કેમોમાઈલ ટી પીઓ.

આ પ્રયોગ જ્યારે કોઈ પ્રતીયોગીતામાં ભાગ લેવો હોય કે શારીરીક સ્ફુર્તીની જરુરીયાતનું કામ હોય તેના એક દીવસ પહેલાં કરવો.

સોરાયસીસ

એપ્રિલ 26, 2011

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવાઅહીં  આપવાનો હેતુ માત્ર માહીતીનો છે.

સોરાયસીસ ચામડીનો દારુણ વ્યાધી છે. એમાં ભયંકર ખંજવાળ આવે છે. શીયાળામાં એ ઉથલો મારે છે.

(૧) પીપળાની છાલ સુકવી તેનું ચુર્ણ કરવું. આ ચુર્ણ બજારમાં તૈયાર પણ મળે છે. જો સોરાયસીસમાં ચામડી સુકી રહેતી હોય તો પીપળાની છાલનું ચુર્ણ કોપરેલમાં મેળવીને લગાડવું અને જો ચામડી ભીની રહેતી હોય તો ચુર્ણ ઉપરથી જ ભભરાવતા રહેવું. દીવસમાં બે-ત્રણ વખત લગાડતાં રહેવાથી ફાયદો થવાની શક્યતા છે.

(૨) સમભાગે ટર્પેન્ટાઈન અને કપુર લેવાં. ટર્પેન્ટાઈન ગરમ કરી તેમાં કપુર મેળવી શીશીમાં બંધ કરી રાખી મુકવું. દરરોજ સવાર-સાંજ આ તેલ સોરાઈસીસવાળા ભાગ પર ઘસવું.

(૩) સરખા ભાગે આમલસાર ગંધક અને કૉસ્ટીક સૉડામાં વાટેલી ખાંડ ભેળવી કાચની શીશીમાં ભરી રાખવાથી તે પ્રવાહી બની જાય છે. આ પ્રવાહી સોરાયસીસવાળા ભાગો પર થોડું થોડું દીવસમાં બે-ચાર વાર ધીરજ પુર્વક લાંબા સમય સુધી ચોપડતા રહેવાથી સોરાઈસીસ મટે છે.

(૪) સમાન ભાગે અરડુસીના પાનનું ચુર્ણ અને હળદરને ગૌમુત્રમાં મેળવી દીવસમાં બે વખત લગાડવાથી સોરાયસીસની તકલીફ મટે છે.

(૫) લીમડાનાં પાન જેટલી વાર અને જેટલાં ચાવીને ખવાય તેટલાં ખાતા રહેવાથી સોરાયસીસ મટે છે.

(૬) મજીઠ, લીમડાનાં પાન, ચોપચીની, વાવડીંગ અને આમળાનું સરખે ભાગે ચુર્ણ એક એક ચમચી સવાર-સાંજ નીયમીત લેવાથી સોરાયસીસની બીમારી મટે છે.

(૭) દરરોજ દીવસમાં જેટલી વખત મુત્રત્યાગ કરો ત્યારે એ તાજા મુત્રનું માલીશ કરતા રહેવાથી સોરાયસીસ મટે છે.

સોજા

એપ્રિલ 24, 2011

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવાઅહીં  આપવાનો હેતુ માત્ર માહીતીનો છે.

(૧) આદુનો રસ, લીંબુનો રસ અને સીંધવ એકત્ર કરી ભોજનની શરુઆતમાં લેવાથી સોજા મટે છે.

(૨) મીઠું અને ખટાશ નાખ્યા વગરનું ગાજરનું શાક રોજ ખાવાથી અને ગળપણ ત્યજી દેવાથી સોજાના રોગીને બહુ ફાયદો થાય છે. માત્ર ગાજરના રસ પર પણ રહી શકાય.

(૩) સોજા પર તાંદળજાના પાનની પોટીસ બનાવી લેપ કરવાથી લોહી વીખરાઈ જઈ સોજો મટે છે.

(૪) એક ચમચી લીંડીપીપરનું ચુર્ણ મધ સાથે દીવસમાં બેત્રણ વાર લેવાથી શરીરે ચડેલ મેદ-સોજા મટે છે.

(૫) ધાણાને જવના લોટની સાથે વાટી તેની પોટીસ બાંધવાથી શરીર પરનો સોજો ઉતરી જાય છે.

(૬) મુળા અને તલ ખાવાથી ચામડી નીચે એકત્ર થયેલું પાણી શોષાઈને સોજો મટે છે.

(૭) મુળાના પાનનો ૨૫-૫૦ ગ્રામ રસ પીવાથી સોજો જલદીથી ઉતરે છે.

(૮) રાઈ અને સંચળ વાટીને લેપ કરવાથી સોજો ઉતરે છે.

(૯) લવીંગ વાટી તેનો લેપ કરવાથી શરીરના કોઈ પણ ભાગમાં આવેલો સોજો ઉતરે છે.

(૧૦) શરીરના સોજા વાળા ભાગ પર મુલતાની માટીનો રાત્રે લેપ કરી સવારે ઉઠી ધોઈ લેવાથી થોડા દીવસમાં સોજા ઉતરી જાય છે.

(૧૧) પુનર્નવા એટલે સાટોડી, દારુહળદર, હળદર, સુંઠ, હરડે, ગળો, ચીત્રક, ભારંગમુળ અને દેવદાર સરખા ભાગે ખાંડી અધકચરો ભુકો કરવો. બે ચમચી ભુકો બે ગ્લાસ પાણીમાં એક ગ્લાસ બાકી રહે ત્યાં સુધી ઉકાળી, ગાળીને ઠંડુ કરી પંદરેક દીવસ સવાર-સાંજ પીવાથી હાથ-પગ અને પેટનો સોજો મટે છે. સમગ્ર શરીરમાં કે  શરીરના કોઈ પણ ભાગમાં સોજો ચડ્યો હોય તેમાં આ ઉકાળો લાભપ્રદ છે. નમક-મીઠું બંધ કરવું. આ ઉકાળામાં મુખ્ય ઔષધ સાટોડી એટલે પુનર્નવા છે, બાકીનાં આઠ એનાં સહાયક ઔષધ છે. આથી એને પુનર્નવાદી ક્વાથ કહે છે. સાટોડી સોજાનું ઉત્તમ તેમ જ એટલું જ નીર્દોષ ઔષધ છે.

(૧૨) શરીરમાં વીવીધ પ્રકારના નબળાઈના સોજામાં ગાજર બહુ અકસીર છે. દરરોજ દીવસમાં બે વખત ગાજરનો રસ ૨૫૦ ગ્રામ જેટલો નીયમીત લેવો. ગાજરનું કચુંબર અને હલવો પણ ખાઈ શકાય તેટલો દરરોજ લેવો.

(૧૩) તુલસીનાં પાન વાટી ચોપડવાથી સોજો ઉતરે છે.

(૧૪) લીમડાનાં પાન બાફી સોજાવાળા ભાગ પર લગાડવાથી ફાયદો થાય છે.

નબળાઈના સોજા  : પોષક તત્ત્વોના અભાવે શરીરમાં આવેલા સોજા દીવસમાં ત્રણેક વખત એકેક કેળું ખાવાથી મટે છે. (કેળાં તમારી પાચનશક્તીને અને પ્રકૃતીને અનુકુળ હોય તો જ આ પ્રયોગ કામનો છે.)

સુર્યાવર્ત

એપ્રિલ 23, 2011

દરરોજ સુરજ ઉગે ત્યારથી આથમે ત્યાં સુધી મસ્તકની પીડા ઉત્તરોત્તર વધતી રહે તેને સુર્યાવર્ત કહે છે.

(૧) દરરોજ વહેલી સવારે ઉઠીને તરત કોપરું અને સાકર પાચન થઈ શકે તેટલા પ્રમાણમાં ખાવાથી આ દુખાવો કદાચ મટી શકે.

(૨) ઘી-સાકરનું નસ્ય લેવાથી પણ કદાચ લાભ થઈ શકે. ઘીમાં સાકરનું ચુર્ણ નાખી ગરમ કરવું. આ પછી ઠંડું થાય ત્યારે ગાળીને બંને નસ્કોરામાં ઘીનાં પાંચ-સાત ટીપાં ચત્તા સુઈને મુકવાં. એને દસેક મીનીટ સુધી ધારણ કરી રાખવું. ગળામાં આવેલ ઘી ગળી જવું નહીં, પણ દસેક મીનીટ બાદ થુંકી નાખવું.

સુસ્તી

એપ્રિલ 21, 2011

આખો દીવસ સુસ્તી રહેતી હોય તો રોજ સવારે નાહવાના પાણીમાં ચપટી મીઠું નાખ્યા બાદ સ્નાન કરવું. મીઠું શરીરમાં રુધીરના પ્રવાહનો વેગ વધારવાની શક્તી ધરાવે છે. જેના કારણે સ્ફુર્તી અનુભવાય છે. પરંતુ હાઈ બ્લડપ્રેશર હોય તો આ પ્રયોગ ન કરવો.

સુકલડી શરીર

એપ્રિલ 19, 2011

દુબળા અને સુકલકડી રહેવામાં જો કફ કે વાયુદોષ કારણભુત હોય તો રોજ કાચા પાણીને સ્થાને પાકું ગરમ પાણી પીવાથી શરીરનું વજન વધે છે.

સાંધાનો દુખાવો

એપ્રિલ 18, 2011

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક

(૧) દરરોજ સવાર, બપોર, સાંજ ૧-૧ ગ્લાસ લીલી ચાનો (લેમન ગ્રાસનો) ઉકાળો પીવાથી સાંધાનો દુખાવો ઓછો થવા લાગે છે. ઉકાળામાં દુધ, સાકર નાખવું હોય તો નાખી શકાય.

(૨) દેવદારનો બારીક પાઉડર દરરોજ સવાર-સાંજ ૧-૧ ચમચી મધ સાથે ઘણા દીવસો સુધી લેવાથી સાંધાનો દુખાવો મટે છે.

(૩) દરરોજ જમવામાં કોલીફ્લાવરનું બને તેટલું વધુ સેવન કરવાથી સાંધાનો દુખાવો મટે છે. સાંધાના દુખાવામાં રક્ત અને મુત્રમાં રહેલા દોષો કારણભુત હોય છે, જે કોલીફ્લાવર ખાવાથી દુર થાય છે.

(૪) સુકા ધાણામાં બમણી સાકર લઈ અધકચરું ખાંડી દરરોજ સવાર-સાંજ ૧-૧ મોટો ચમચો ખુબ ચાવીને ખાવાથી અને એ પછી એકાદ કલાક સુધી પાણી ન પીવાથી સાંધાના અમુક પ્રકારના દુખાવા મટે છે.

(૫) અશોકવૃક્ષનાં પાન કે તેની છાલનો ઉકાળો નીયમીત પીવાથી સાંધાનો દુખાવો મટે છે.

(૬) હળદરના સુકા ગાંઠીયા શેકી એટલા જ વજનના સુંઠના ટુકડા સાથે બારીક ખાંડી દરરોજ ૧-૧ ચમચી ચુર્ણ સવાર-સાંજ પાણી સાથે લેવાથી સાંધાનો દુખાવો મટે છે.

(૭) રાસ્નાનો ઉકાળો કરી તેમાં ગુગળ ઓગાળી સવાર-સાંજ ૧૦-૧૦ ગ્રામ પીવાથી સાંધાનો દુખાવો મટે છે.

(૮) ૧૦ ગ્રામ ત્રીફળા ચુર્ણને ૨૫૦ ગ્રામ પાણીમાં ઉકાળી ઠંડુ પાડી એક ચમચો મધ મેળવી અડધો કપ સવારે ખાલી પેટે અને અડધો કપ સાંજે સુતાં પહેલાં પીવાથી સાંધાનો દુખાવો મટે છે.

(૯) બે ભાગ તલ અને એક ભાગ સુંઠના ૧-૧ ચમચી બારીક ચુર્ણનું સવાર-સાંજ હુંફાળા પાણી સાથે સેવન કરવાથી સાંધાનો દુ:ખાવો મટે છે.

(૧૦) સવાર-સાંજ બીટ ખાવાથી સાંધાનો દુ:ખાવો મટે છે, કેમ કે બીટમાં સોડીયમ તથા પોટેશીયમનું સારું પ્રમાણ છે જે સાંધાઓમાં કેલ્શીયમને એકઠો થતો અટકાવે છે.

સાઈનસ

એપ્રિલ 17, 2011

સાઈનસ ભરાઈ ન જાય તે માટે અઠવાડીયામાં ચાર-પાંચ વાર ગરમ પાણીની વરાળનો નાસ લો. સાધારણ ગરમ પાણી નાક વાટે ચડાવી મોં દ્વારા બહાર પણ કાઢી શકાય.