સંયુક્ત કુટુમ્બ

આ પુસ્તીકા શ્રી. કશ્યપ ચંદુલાલ દલાલના સૌજન્યથી રજુ કરી છે.

 (યુનીકોડમાં અને ઉંઝા જોડણીમાં અક્ષરાંકન-ગાંડાભાઈ વલ્લભ)

 સંયુક્ત કુટુમ્બ

આમાંનો પહેલો મુદ્દો “સંયુક્ત કુટુમ્બમાં રહીને આપણે વૃધ્ધ થતાં શીખીએ”ને તપાસીએ.

માણસ જાતની ઉત્પત્તી થયા બાદ તેની પહેલી પેઢી જ્યારે પેદા થઈ હશે ત્યારથી એટલે કે અનાદી કાળથી એક સમસ્યા કાયમ માટે ચાલી આવી છે. દરેક પેઢીની વ્યક્તી એમ માનતી ચાલી આવી છે કે તેની પછીની પેઢી બરાબર નથી. તેના જેવી ડાહી, હોંશીયાર તથા ઠરેલ નથી. જ્યારે નવી પેઢી એમ માનતી આવી છે કે આગલી પેઢી કરતાં પોતે વધારે ડાહ્યા, હોંશીયાર અને ચાલાક છે. નવી પેઢીની આ ખરી કે ખોટી માન્યતાને જુની પેઢી પચાવી શકતી નથી અને તેથી બે પેઢી વચ્ચેનો આ સંઘર્ષ અહર્નીશ ચાલ્યા જ કરે છે. આપણે હૃદય પર હાથ મુકી પ્રમાણીકતાપુર્વક સ્વીકારીએ કે આપણને પણ આપણી આગલી પેઢી સાથે અમુક મતભેદો તો હતા જ હતા.

આખી દુનીયામાં પહેલાંના પ્રમાણમાં સંયુક્ત કુટુમ્બની પ્રથા ધીમે ધીમે ઓછી થતી જાય છે. ભારતમાંથી પણ એ પ્રથા પહેલાં કરતાં ઓછી થતી જાય છે. જો કે સદ્ભાગ્યે હજુ ઠીક ઠીક જળવાઈ રહી છે. આ પ્રથા ઘણા ગેરલાભોથી ભરેલી છે. પરંતુ તેના લાભો પણ અનેક છે. સમગ્ર રીતે જોઈએ તો ગેરલાભો કરતાં લાભોનું પલ્લું અનેકગણું ભારે છે. આ બહુમુલ્ય લાભો મેળવવા માટે સૌથી પ્રથમ તો આપણે આપણો અહમ્ છોડતાં શીખીએ. વર્ષો સુધી ઘરમાં કે રસોડામાં આપણું ધાર્યું જ થતું આવ્યું હોવાથી આપણને તેની કુટેવ પડી ગઈ છે. દીકરો તથા તેની વહુ હવે નાનાં કીકલાં નથી રહ્યાં. તેમને પણ તેમની બુધ્ધી છે, વીચારો છે, સપનાં છે, સ્વમાન છે. અને તેનો આપણે ખુલ્લા દીલે સ્વીકાર કરીએ. આપણું જ ધાર્યું થવું જોઈએ એવો દુરાગ્રહ આપણે છોડીએ. તે બીજું કશું નહીં પણ આપણો સુક્ષ્મ અહમ્ જ છે. તેમના વીચારોને સીધા જ નકારવાને બદલે તે વીચારો પર નીખાલસતાથી, કોઈ પણ પ્રકારના પુર્વગ્રહ વગર, પુરતું મનન કરી, યોગ્ય હોય ત્યાં સુધી ખુલ્લા દીલથી સ્વીકારી, તેને અમલમાં મુકીએ. તેમના વીચારોને પુરતી ઈજ્જત આપીએ તથા સન્માન કરીએ.

નવા જમાના પ્રમાણે આપણે જીવતાં શીખીએ. જુની આંખે નવા તમાશા જોતાં શીખીએ. સુખી થવું હોય તો આંખ આડા કાન કરતાં પણ શીખીએ. આપણી ઉમ્મર તથા શક્તી પ્રમાણે ઘરમાં શક્ય તેટલી મદદ કરીએ. ઘરનું નાનું મોટું કામ કરીએ. બાળકોને નીશાળે લેવા-મુકવાનું રાખીએ. ઘરનાં અન્ય વ્યક્તીઓ વ્યસ્ત હોય તો તેમનાં બેન્કનાં કામ કરીએ. શક્ય હોય તો શાકભાજી, ફળફળાદી વગેરે પણ ખરીદી લાવીએ. આપણે યાદ રાખીએ કે ઘરમાં કામ કરીશું તો બધાંને પ્યારા લાગીશું. આપણાં સંતાનોને કોઈ મળવા આવે તો તેમનું યોગ્ય અભીવાદન કરી પછી ત્યાં જ ચોંટી રહેવાને બદલે આપણે બીજા ઓરડામાં જતાં રહીએ.

ઘરની નાની નાની વાતોમાં આપણે માથું ના મારીએ. વાત વાતમાં કોઈને ટોકીએ નહીં. હા, પુછવામાં આવે તો આપણે અભીપ્રાય જરુર આપીએ. અરે, કાંઈ ખોટું થતું હોય તો ટોકીએ પણ ખરા. લાલબત્તી પણ ધરીએ. તેમ કરવું આપણી ફરજ પણ છે. પરંતુ તેમ કરવામાં આપણે આપણી વીવેકબુધ્ધી ના ગુમાવીએ. ટોકવાનું માત્ર એકબે વાર જ કરીએ અને તે પણ નમ્રતાથી. મંડ્યા ન રહીએ.

એ વાત ખરી છે કે આપણને આ ઉમ્મરે હવે પ્રેમ, હુંફ અને માનની ઝંખના રહે પરંતુ આપણે હંમેશાં યાદ રાખીએ કે પ્રેમ, હુંફ અને માન જોઈતાં હોય તો પહેલાં તે આપવા પડે. ઘરની નાની મોટી સહુ વ્યક્તીઓને ભેગાં કરીને પ્રાર્થના કરવાનું તથા સમુહભોજન કરવાનું રાખીશું. તેમ રોજ કરવાનું શક્ય ના હોય તો અઠવાડીયામાં એક ચોક્કસ દીવસ નક્કી રાખીશું. કારણ કે આપણે જાણીએ છીએ કે આમ કરવાથી એકબીજા સાથે પ્રેમ, સમજણ તથા સંવાદ વધે છે.

ઘરની કોઈ પણ વ્યક્તીએ કોઈ પણ સારું કામ કર્યું હોય તો તેની પીઠ થાબડી બીરદાવીએ, પ્રોત્સાહીત કરીએ. ઘરમાં નાનાં બાળકો સાથે ભળી જઈએ. તેમને ખુબ પ્યાર કરીએ અને તેમની પાસેથી ખુબ પ્યાર મેળવીએ. યાદ રાખીએ કે તેમાં આપણો જ સ્વાર્થ છે, કારણ કે આપણી અને આપણા પછીની પેઢી વચ્ચે બાળકો સેતુ રુપ છે. આપણા પછીની પેઢી જો આપણી સાથે અયોગ્ય વર્તન કરશે તો બાળકો તેમને તેમ કરતાં જરુર અટકાવશે. ઘરમાં સહુનાં અળખામણાં થઈશું તો વૃધ્ધાવસ્થામાં આપણે જ વધારે સહેવાનું આવશે. માટે આપણા સ્વાર્થ ખાતર પણ ઘરમાં સંપીને રહીએ.

આપણી ઉમ્મર જેમ જેમ વધતી જાય તેમ તેમ આપણી ઉંઘ દીવસે દીવસે ઘટતી જાય એ સ્વાભાવીક છે. જુવાનીમાં જેટલો શારીરીક શ્રમ આપણે કરતા હતા એટલો શ્રમ હવે આપણે કરતા નથી. આપણી પાસે અન્ય કામ ઓછું હોવાથી હવે આપણે રાત્રે વહેલા સુઈ જઈએ છીએ. આ બધાં કારણોને લીધે સ્વાભાવીક રીતે જ આપણે સવારે વહેલા ઉઠી જઈએ છીએ અને કુદરતી પ્રાતઃકર્મોમાં તથા પ્રભુભજન વગેરેમાં ડુબી જઈએ છીએ. પણ આપણે એ વાત ભુલી જઈએ છીએ કે કુટુંબનાં અન્ય સભ્યો હજુ મીઠી નીંદર માણી રહ્યાં છે. આપણે એ પણ ભુલી જઈએ છીએ કે આપણી વહેલી સવારની પ્રવૃત્તીઓથી એમને ખલેલ પહોંચે છે. જો આપણા નીવાસસ્થાનમાં પુરતી મોકળાશ હોય અને આપણા ઓરડાનું બારણું બંધ રાખવાની કાળજી રાખીએ તો તો બહુ વાંધો ન આવે, પરંતુ ઘર નાનું હોય તો ભલે આપણાં સંતાનો આપણને કશું કહે નહીં પરંતુ એમને ગમે તો નહીં જ. આ નાની લાગતી વાત ક્યારેક ઉગ્ર સ્વરુપ ધારણ કરે પણ ખરી.

આપણે પણ શાંતીથી જીવીએ અને બીજાને પણ શાંતીથી જીવવા દઈએ.

ટૅગ્સ:

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: