Archive for ફેબ્રુવારી, 2012

મને કહેવા દો (૪)

ફેબ્રુવારી 29, 2012

આ છેલ્લા પ્રકરણ સાથે આ પુસ્તીકા અહીં પુરી થાય છે. સમગ્ર પુસ્તીકા એકી સાથે મુકવાનું પણ વીચારું છું. (ગાંડાભાઈ વલ્લભ)

આ પુસ્તીકા શ્રી. કશ્યપ ચંદુલાલ દલાલના સૌજન્યથી રજુ કરી છે.

(યુનીકોડમાં અને ઉંઝા જોડણીમાં અક્ષરાંકન-ગાંડાભાઈ વલ્લભ)

મને કહેવા દો (૪)

તો ગાંધીજી અને નરસીંહ મહેતા આત્મહત્યા કરત

નરસીંહ મહેતા રચીત “વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે” ભજનમાં સદ્ગૃહસ્થ વ્યક્તીનાં લક્ષણો નરસીંહ મહેતાએ બખુબી વર્ણવ્યાં છે. અને તે ભજન ગાંધીજીનું અતી પ્યારું ભજન હતું. એ બંને હકીકત વીશ્વમાં સહુ કોઈ જાણે છે.

આ ભજન જુદા જુદા રાગોમાં ગવાતું મેં સાંભળ્યું છે. પરંતુ નરસીંહ મહેતાના અને ગાંધીજીના જ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં આ ભજન અત્યંત બેહુદા અને નીમ્ન કક્ષાના રાગમાં ગવાતું સાંભળ્યું. એટલું જ નહીં, સાથે સાથે ભદ્દુ કાંઈક અંશે બીભત્સ કહી શકાય તેવું, ફીલ્મી જગતનાં કહેવાતાં નૃત્યોની વાનર નકલ કરતું, હાથ પગ ઉલાળતું, તાબોટા પાડતું, કહેવાતું નૃત્ય પણ જોયું. વીશ્વના શ્રેષ્ઠ કહી શકાય તેવા આ ભજનને આ રીતે ગવાતું અને આવા કહેવાતા નૃત્યમાં ઢળાયેલું જોઈને મારાથી સહજ બોલાઈ ગયું કે જો ગાધીજી અને નરસીંહ મહેતા આ જોવા-સાંભળવા જીવતા હોત તો જરુર આત્મહત્યા    કરત !!! માત્ર હું જ નહીં, પરંતુ જે કોઈને પણ ગાંધીજી અને નરસીંહ મહેતા પ્રીયજન છે તે સહુ કોઈ આ જોઈ-સાંભળીને આ જ વાક્ય બોલે તેની મને ખાતરી છે.

માટે જેમને પણ ગાંધીજી અને નરસીંહ મહેતા પ્રીયજન છે, જેમને પણ “વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે” ભજન પ્રીય છે તે સહુ કોઈ આમ થતું અટકાવે તેવો મારો આગ્રહ પુર્વકનો અનુરોધ છે.

જેટલાં લુચ્ચાં હોય તે બધાં હોંશીયાર હોય જ, પરંતુ જેટલાં હોંશીયાર હોય તે બધાં લુચ્ચાં હોય જ એવું જરુરી નથી.

*******

   (આ પુસ્તીકાની વધારાની નકલો આપ શરુઆતમાં દર્શાવેલા સરનામેથી નીઃસંકોચ મંગાવી શકો છો.)

આ પુસ્તીકાની લોકપ્રીયતાની પારાશીશી:

તૃતીય સંવર્ધીત આવૃત્તી માટેનો સ્વૈચ્છીક આર્થીક સહયોગ:

શ્રી બળદેવભાઈ જ. પટેલ         ૧૦૦૦ પ્રત

ડૉ. પ્રવીણભાઈ પંડ્યા       ૫૦૦ પ્રત

શ્રી ચતુરસીંહ બારોટ       ૫૦૦ પ્રત

      પ્રા. ચીત્તરંજનભાઈ મહેતા     ૫૦૦ પ્રત

ડૉ. તનુમતીબેન અને ડૉ. ગીરીશભાઈ શાહ   ૫૦૦ પ્રત

******

ચતુર્થ સંવર્ધીત આવૃત્તી માટેનો સ્વૈચ્છીક આર્થીક સહયોગ:

શ્રીમતી ગુણવંતીબહેન નટવરલાલ સોપારકર ૫૦૦ પ્રત

શ્રી. ચતુરસીંહ બારોટ                  ૫૦૦ પ્રત 

      

મને કહેવા દો (૩)

ફેબ્રુવારી 25, 2012

આ પુસ્તીકા શ્રી. કશ્યપ ચંદુલાલ દલાલના સૌજન્યથી રજુ કરી છે.

(યુનીકોડમાં અને ઉંઝા જોડણીમાં અક્ષરાંકન-ગાંડાભાઈ વલ્લભ)

મને કહેવા દો (૩)

આખી દુનીયા વીષે તો હું કહી ના શકું પરંતુ મારી નમ્ર માન્યતા મુજબ અને વીજ્ઞાનના સીધ્ધાંતો સાચા માનીને ચાલીએ તો એમ કહી શકાય કે ભારતમાં જન્મતું હરકોઈ બાળક ગર્ભાવસ્થામાં હોય ત્યારથી જ અંધશ્રધ્ધાના સંસ્કારો મેળવે છે. આપણા આખા દેશમાં રીવાજ છે કે સ્ત્રીએ ગર્ભાધાન થાય ત્યારથી જ બાળક પર સુસંસ્કારો પડે તે માટે સદ્સાહીત્યનું વાંચન કરવું જોઈએ. અને મોટે ભાગે સદ્સાહીત્ય એટલે બીજું કશું નહીં પણ કહેવાતું ધાર્મીક સાહીત્ય!! આપણે બધા સારી રીતે જાણીએ છીએ કે ધાર્મીક સાહીત્ય એટલે કે એવું સાહીત્ય કે જેમાં અંધશ્રધ્ધા ઠાંસી ઠાંસીને ભરેલી હોય છે. અને તેથી જ હરકોઈ બાળક અંધશ્રધ્ધાના સંસ્કારો લઈને જ જન્મે છે.

એ બાળક તે પછી પણ વધુ ને વધુ અંધશ્રધ્ધાના સંસ્કારો સાથે જ મોટું થતું જાય છે અને તેમ જ થાય એ બીલ્કુલ સ્વાભાવીક છે, કારણ કે બાળક જેમની પાસેથી સંસ્કાર મેળવે છે તે બધા જ અંશ્રધ્ધાની ગર્તામાં ડુબેલાં હોય છે!!! ફક્ત તે બાળક જ્યારે પણ સ્વતંત્ર રીતે વીચારી શકે તેટલું પુખ્ત થાય ત્યારે જ અને તે પણ જો પુરતું નસીબદાર હોય તો જ સમજી અને વીચારી શકે કે એને જે કાંઈ પણ સંસ્કારો અન્યો પાસેથી મળ્યા છે, તેમાં અંધશ્રધ્ધા કેટલી બધી ભરેલી છે. અને જરા વીચારો કે જ્યારે એ હવે વૈચારીક રીતે પુખ્ત થયેલું બાળક કે વ્યક્તી, અન્ય બધી જ અંધશ્રધ્ધાળુ વ્યક્તીઓની વચ્ચે, જ્યારે પહેલી વાર પોતાના મૌલીક વીચારો વ્યક્ત કરતી હશે ત્યારે તેણે કેટલી બધી હીંમત કરવી પડતી હશે? તેના માથે કેટલાં છાણાં થપાતાં હશે? જરા કલ્પના કરો કે જે વ્યક્તી ચારે બાજુથી અંધશ્રધ્ધાગ્રસ્ત લોકોથી ઘેરાયેલી હોય તેવી વ્યક્તીને પોતાના અંધશ્રધ્ધા વીરુધ્ધના વીચારો વ્યક્ત કરતાં કેટલી બધી મુશ્કેલીઓ પડે? એનું કામ સામે પુરે તરનારા તરવૈયા જેટલું કપરું છે.

અને તેથી જ અંધશ્રધ્ધા વીરુધ્ધ મત ધરાવનાર હરકોઈ વીવેકબુધ્ધીવાદીઓ (રેશનાલીસ્ટો)ને મારાં કોટી કોટી અભીનંદન અને વંદન.

 

 

મને કહેવા દો (૨)

ફેબ્રુવારી 22, 2012

આ પુસ્તીકા શ્રી. કશ્યપ ચંદુલાલ દલાલના સૌજન્યથી રજુ કરી છે.

(યુનીકોડમાં અને ઉંઝા જોડણીમાં અક્ષરાંકન-ગાંડાભાઈ વલ્લભ)

મને કહેવા દો (૨)

પુર્વજન્મ, પુનર્જન્મ અને પરમાત્મા સાથે આત્માનું મીલન

મેં આપણાં શાસ્ત્રો વાંચ્યાં નથી. પણ એવું સાંભળ્યું છે કે આપણા શાસ્ત્રો મુજબ આપણા જીવનનું અંતીમ ધ્યેય પોતાના આત્માનું પરમાત્મા સાથેનું વીલીનીકરણ (મોક્ષ) છે. સંસારથી અલીપ્ત રહેનારાં સાધુ સંતો તેમજ સંસારમાં ડુબેલા અનેક સજ્જનો પાસેથી પણ આમ જ સાંભળવા મળે છે. વળી એમ પણ સાંભળવા મળે છે કે જ્યાં સુધી આત્માનો મોક્ષ ના થાય ત્યાં સુધી એક યા બીજા સ્વરુપે તેનો પુનર્જન્મ થતો જ રહે છે.

પુર્વજન્મ, પુનર્જન્મ કે મોક્ષની કોઈ સાબીતી નથી. મારી સમજ મુજબ એ કપોળકલ્પીત વાત છે. એ માત્ર ધારણાઓ જ છે. કોઈક ફળદ્રુપ ભેજાની પેદાશ માત્ર છે કે જેમાં કોઈ તથ્ય જ નથી. છતાં પણ સમજો કે એ બધું જ છે તો પણ હું અંતઃકરણપુર્વક ઈચ્છું છું કે મારા આત્માનું પરમાત્મા સાથે વીલીનીકરણ (મોક્ષ) થવાને બદલે તેનો કોઈ ને કોઈ સ્વરુપે પુનર્જન્મ થયા જ કરે.

હું તો ઈચ્છું કે મહાત્મા ગાંધીજી કે સંત વીનોબાના સ્વરુપે, કે પ્રેમ બલીદાની ઈશુના સ્વરુપે કે મહાન ચીંતક સોક્રેટીસ કે ટોલ્સ્ટોય સ્વરુપે, કે મહાન સમાજસુધારકો રાજા રામમોહનરાય કે સ્વામી વીવેકાનંદ કે કવી નર્મદના સ્વરુપે, કે મહાન દેશભક્તો લાલા લજપતરાય કે ભગતસીંહના સ્વરુપે, કે ગરીબ આદીવાસીઓની આર્થીક સુધારણા કરતા કાંતીભાઈ શાહ કે રક્તપીત્તગ્રસ્તોની સેવા કરનાર ફાધર ડેનીયમ કે સુરેશભાઈ સોનીના સ્વરુપે કે આદીવાસીઓના સ્વાસ્થ્યની હરહંમેશ ચીંતા કરી છુટેલા ડૉ. નવનીતભાઈ ફોઝદાર સ્વરુપે, કે પછી કાંઈ નહીં તો છેવટે કશ્યપનો કશ્યપ સ્વરુપે મારા આત્માનો પુનર્જન્મ નીરંતર થતો જ રહે. પણ મારા આત્માનો મોક્ષ થઈ ક્યારેય પણ “વેડફાઈ” ના જાય!!! માણસનો મહામુલો આત્મા એમ “વેડફાઈ” જવા નથી બન્યો!

 

 

મને કહેવા દો (૧)

ફેબ્રુવારી 16, 2012

આ પુસ્તીકા શ્રી. કશ્યપ ચંદુલાલ દલાલના સૌજન્યથી રજુ કરી છે.

(યુનીકોડમાં અને ઉંઝા જોડણીમાં અક્ષરાંકન-ગાંડાભાઈ વલ્લભ)

મને કહેવા દો (૧)

પોતાના સ્વાર્થ ખાતર આખા દેશને ચુસનાર નફ્ફટ રાજકારણીઓને, ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરી નીર્દોષ લોકોના સ્વાસ્થ્યની ઘોર ખોદનાર ઉત્પાદકો તથા વેપારીઓને, ભોળી જનતાને નશીલી દવાઓને રવાડે ચઢાવનારાઓને, નીઃસહાય નાનાં બાળકોનાં અંગ તોડી કાયમી અપંગ બનાવી તેમની પાસે ભીખ મંગાવી પોતાનું પાપી પેટ ભરનારાંઓને, માફીઆઓને, પોતે જેમના થકી આ દુનીયામાં આવ્યાં છે તે માતા-પીતાને હડધુત કરનારા છતાં તેમની મીલકત પર કાગ ડોળો રાખનારાં છેલ્લી કોટીનાં સંતાનોને તથા સમાજમાં રહેલી “મંથરા”ઓને તથા “કૈકેયી”ઓને નગરચોકમાં ખડાં કરી કોરડે કોરડે ફટકારી, રીબાવી રીબાવીને સ્વધામ પહોંચાડી દેવાં જોઈએ. હ્યુમન રાઈટ્સ કમીશન ઝખ મારે છે. આમેય દુનીયાના કહેવાતા સંસ્કારી દેશોમાંથી કેટલા દેશો હ્યુમન રાઈટ્સ કમીશનનું કહ્યું માને છે?

ઉંઝા જોડણી

ફેબ્રુવારી 16, 2012

આ પુસ્તીકા શ્રી. કશ્યપ ચંદુલાલ દલાલના સૌજન્યથી રજુ કરી છે.

(યુનીકોડમાં અને ઉંઝા જોડણીમાં અક્ષરાંકન-ગાંડાભાઈ વલ્લભ)

ઉંઝા જોડણી

તા. ૧૦-૧-૧૯૯૯ના રોજ અખીલ ગુજરાત જોડણી પરીષદમાં થયેલો મુખ્ય ઠરાવ:

ગુજરાતીમાં ઈ-ઉની જોડણીના વીદ્યાપીઠના કોશના નીયમો અતાર્કીક અને ઘણી વીસંગતતાથી ભરેલા છે, તેમજ ગુજરાતી ભાષામાં ઈ-ઉનું હ્રસ્વત્વ-દીર્ઘત્વ અર્થભેદક ન હોઈને એ અવાસ્તવીક પણ છે, તેથી એ નીયમો હવે પછી છોડી દેવા અને લેખનમાં સર્વત્ર એક ‘ઈ’ અને ‘ઉ’ યોજવા. ‘ઈ’ માટે દીર્ઘ ( ી )નું ચીહ્ન અને ‘ઉ’ માટે હ્રસ્વ (  ુ)નું ચીહ્ન રાખવું.

(મારા નમ્ર મત મુજબ ઉપરના સુધારાઓ હજુ ઘણા ઓછા છે. હજુ ઘણા સુધારાઓ કરવાની તાતી જરુર છે. – કશ્યપ)

અંધશ્રદ્ધા-મઘા નક્ષત્ર જન્મ

ફેબ્રુવારી 10, 2012

મઘા નક્ષત્ર જન્મ

એક બાળકનો જન્મ અહીં ન્યુઝીલેન્ડમાં તારીખ ૯ ફેબ્રુઆરી ૨૦૧૨ના બુધવારે સવારે ૬-૦૦ વાગ્યે થયો હતો. એના જન્મની રાશી જોવા માટે મારા પર ફોન આવ્યો. મેં અહીં વીસેક વર્ષ સુધી બધી ધાર્મીક પુજાઓ કરી છે, આથી કોઈ કોઈ લોકો અમુક માહીતીની અપેક્ષા રાખે છે. એ માટે હું ભારતમાં પ્રગટ થતું ‘સંદેશ મોટું પંચાગ’ રાખું છું, જેમાં રાશી, નક્ષત્રો, મુહુર્તો વગેરેની બધી માહીતી હોય છે. એમાં રાશી નક્ષત્રો વગેરેના સમયો સમાપ્તીના હોય છે રાશી કે નક્ષત્ર શરુ થવાના નહીં. આ માહીતી ભારતના સમય મુજબ હોય છે, આથી ક્યાં તો ન્યુઝીલેન્ડ સમયને ભારતના સમયમાં બદલવાનો રહે કે રાશી, નક્ષત્ર વગેરેના સમયને ન્યુઝીલેન્ડ સમયમાં ફેરવવો પડે. સામાન્ય રીતે ન્યુઝીલેન્ડ ભારતથી ૬-૩૦ કલાક આગળ હોય છે, સીવાય કે અહીં ડેલાઈટ સેવીંગ્સ સમય ચાલતો હોય. એ વખતે ન્યુઝીલેન્ડમાં ઘડીયાળ એક કલાક આગળ કરવામાં આવે છે, આથી ન્યુઝીલેન્ડ સમય ભારત કરતાં ૭-૩૦ કલાક આગળ હોય છે. આમ ભારતના સમયને ન્યુઝીલેન્ડના સમયમાં જાણવા માટે ૬-૩૦ કલાક કે ૭-૩૦ કલાક ઉમેરવા પડે અને ન્યુઝીલેન્ડના સમયને ભારતના સમયમાં બદલવા માટે   ૬-૩૦ કે ૭-૩૦ કલાક બાદ કરવા પડે. આ બાબતમાં કેટલીક વાર ભુલ થવાની શક્યતા એ રીતે રહે છે કે ભારત પાછળ હોવા છતાં ભારતનો સમય કાઢવા ન્યુઝીલેન્ડના સમયમાં જરુરી કલાકો ઉમેરી દેવામાં આવે છે.

ઉપરોક્ત બાળકનો જન્મ ન્યુઝીલેન્ડના ગુરુવારે સવારે ૬-૦૦ કલાકે થયો હતો. આમ ભારતના સમય મુજબ બુધવારે રાત્રે ૧૦-૩૦ કલાકે થયો ગણાય. એટલે કે પંચાંગમાં આપવામાં આવતા ૨૪ કલાકની પદ્ધતી મુજબ બુધવારે ૨૨-૩૦ કલાકે જન્મ થયો. મઘા નક્ષત્ર બુધવારે બપોરે ૧૨-૫૧ કલાકે શરુ થયું, કેમ કે આશ્લેષા નક્ષત્ર એ સમયે સમાપ્ત થયું, અને ગુરુવારે સવારે ૧૧-૨૯ કલાકે સમાપ્ત થતું બતાવ્યું છે. એ રીતે જન્મ મઘા નક્ષત્રમાં થયેલો. અથવા પંચાગમાં આપેલા ભારતીય સમયોને ન્યુઝીલેન્ડના સમયોમાં બદલીએ તો મઘા નક્ષત્ર બુધવારે રાત્રે ૮-૨૧ (૨૦-૨૧) કલાકે શરુ થયું અને ગુરુવારે સાંજે ૬-૫૯ (૧૮-૫૯) કલાકે સમાપ્ત થાય. બાળકનો જન્મ ન્યુઝીલેન્ડના ગુરુવારે સવારે ૬-૦૦ કલાકે થયો હતો. આમ આ બાળકનો જન્મ મઘા નક્ષત્રમાં થયેલો ગણાય. એ સમયને અશુભ ગણવામાં આવે છે, આથી બ્રાહ્મણ પાસે પુજા કરાવી એની શાંતી કરવી પડે એવી માન્યતા લોકો ધરાવે છે કે એવું બ્રાહ્મણો દ્વારા ઠસાવવામાં આવ્યું છે. મેં જ્યારે કહ્યું કે બાળકનો જન્મ મઘા નક્ષત્રમાં થયો છે અને એને અશુભ ગણવામાં આવે છે, તો એ બાળકનાં ઘરનાંને જરા ગભરામણ થઈ. મને પુજા કરવા બાબત પુછ્યું પણ મેં કહ્યું કે આ પ્રકારની પુજાની મને કશી ખબર નથી. હાલમાં અહીં કોઈ બ્રાહ્મણ ન હોવાથી એ લોકોએ ભારત બ્રાહ્મણને ફોન કરી વીધીની માહીતી મેળવવા વીચાર્યું. મારા ખ્યાલ મુજબ એમને કહેવામાં આવ્યું કે બાળકનો જન્મ મઘા નક્ષત્ર પુરું થયા પછી થયો છે. એનો અર્થ એ થયો કે ભારતના બ્રાહ્મણે ન્યુઝીલેન્ડના સમયને ભારતના સમયમાં બદલવા માટે ગુરુવારની સવારના ૬-૦૦માં ૭-૩૦ કલાક ઉમેર્યા હશે, એટલે ગુરુવારે બપોરના ૧-૩૦ (૧૩-૩૦)નો સમય આવે અને આગળ જોયું તેમ મઘા નક્ષત્ર ગુરુવારે સવારે ૧૧-૨૯ કલાકે સમાપ્ત થાય છે. આમ તો હવે ભારતમાં રહેતા આ ભાઈ અહીં વેલીંગ્ટનમાં ચાર વર્ષ રહી ગયા છે. ઘણા પ્રમાણીક પણ છે. એમણે અહીંના સમાજનું શોષણ કર્યું નથી. ચાર વર્ષ સુધી બહુ સારી સેવા આપી છે. પણ ગણતરી કરવામાં એમની પ્રામાણીકપણે ભુલ થઈ છે.

બ્રાહ્મણ જ્ઞાતીનો ન હોવા છતાં મેં અહીં વેલીંગ્ટનમાં જાન્યુઆરી ૧૯૮૪થી વીસેક વર્ષ બ્રાહ્મણ તરીકે સમાજની સેવા કશું જ મહેનતાણું કે મુસાફરી ખર્ચ પણ લીધા વીના કરી છે. હવે નીવૃત્તી લીધી છે. બીજું કોઈ અહીંના હીન્દુ સમાજનું ધર્મના ઓઠા હેઠળ શોષણ ન કરે એ આશયથી જ અહીંના ભારતીય મંડળની એ નીમણુંક મેં સ્વીકારેલી. આજે મારે ઉપરોક્ત મઘા નક્ષત્ર જન્મના પ્રસંગથી જે અનુભવ થયો તેના આધારે લોકોની ધાર્મીક માન્યતા કેવી ભ્રામક છે તે વીષે કહેવું છે.

ભારત બ્રાહ્મણ સાથે વાત થયા બાદ એ બાળકના ઘરનાએ ફરીથી અમારા ઘરે ફોન કર્યો, જે મારાં પત્નીએ ઉઠાવ્યો હતો, મારી સાથે વાત થઈ ન હતી. તેણે મારાં પત્નીને કહ્યું,

“હાશ! મને તો નીરાંત થઈ ગઈ. હું તો ગભરાઈ ગઈ હતી, પણ ભારતના બ્રાહ્મણે કહ્યું કે મઘા નક્ષત્ર વીતી ગયું છે, આથી મને શાંતી થઈ.”

હવે ખરેખર જોઈએ તો જન્મ તો મઘા નક્ષત્રમાં જ હતો, પણ એમને શ્રદ્ધા બ્રાહ્મણ પર (જેણે ગણતરીમાં ભુલ કરી છે,) પણ એમને તો એની જાણ જ નથી. સામાન્ય લોકોની માન્યતા હોય છે કે માત્ર બ્રાહ્મણો જ ધર્મ બાબત, ધાર્મીક વીધી અંગે બધું જાણતા હોય છે, બીનબ્રાહ્મણો નહીં. લોકોમાં આવી જડ માન્યતા એવાં મુળ નાખી ગઈ છે કે એ દુર થવાની કોઈ શક્યતા જણાતી નથી. હવે અહીં તો ન્યુઝીલેન્ડના સમયને ભારતના સમયમાં ફેરવવાનો પ્રશ્ન હતો, અને જે લોકોને આ જાણકારીની જરુર હતી તેઓનો તો કદાચ જન્મ પણ ન્યુઝીલેન્ડમાં હતો, છતાં ભારતનીવાસી એ બ્રાહ્મણભાઈ મઘા નક્ષત્ર વીતી ગયું છે એ નીર્ણય પર શી રીતે આવ્યા તેની કોઈ પૃચ્છા એ લોકોએ કરી હોય એમ જણાતું નથી, કેમ કે એ તો બ્રાહ્મણ!! આથી એના જોવામાં ભુલ હોઈ ન શકે, ગાંડાભાઈએ જોવામાં ભુલ કરી હશે એમ એ લોકોએ માની લીધું.

વળી બાળકના અશુભ જન્મની પુજા કરવાના સમય બાબત પણ જુદા જુદા લોકો (બ્રાહ્મણો) જુદું જુદું કહે છે. એક કહે છે કે જન્મથી બારમા દીવસે પુજા કરવી, જેથી કોઈ પણ પ્રકારનું મુહુર્ત જોવાની જરુર નથી. જો બારમા દીવસે પુજા ન થઈ શકે તો પછીથી સારું મુહુર્ત જોઈને પુજા કરવી. એ માટેના સારા મુહુર્તની શરતો પણ જણાવવામાં આવે છે કે અમુક તીથી, અમુક વાર, અમુક નક્ષત્ર વગેરે. જ્યારે બીજા કહે છે કે જે નક્ષત્રમાં જન્મ થયો હોય તે નક્ષત્ર બાળકના જન્મ પછી ફરીથી જ્યારે આવે તેમાં જ પુજા કરવી. કોની પુજા સાચી ગણવી? અને છતાં લોકો એમાં વીશ્વાસ રાખે છે!!

અભીપ્રાય-‘ચાલો આપણે વૃદ્ધ થતાં શીખીએ’ પુસ્તીકા અંગે

ફેબ્રુવારી 6, 2012

આ પુસ્તીકા શ્રી. કશ્યપ ચંદુલાલ દલાલના સૌજન્યથી રજુ કરી છે.

(યુનીકોડમાં અને ઉંઝા જોડણીમાં અક્ષરાંકન-ગાંડાભાઈ વલ્લભ)

અભીપ્રાય-‘ચાલો આપણે વૃદ્ધ થતાં શીખીએ’ પુસ્તીકા અંગે

શ્રી. કશ્યપ દલાલને આ નાનકડી પણ દરેક માટે ઉપયોગી, પ્રેરણાદાયક અને ખાસ તો અમલમાં મુકવા જેવાં સુચનોથી ભરપુર પુસ્તીકા લખવા બદલ અભીનંદન. જુની અને નવી પેઢી વચ્ચે આજકાલ જોવા મળતા અને વધતા જતા ઘર્ષણોને નીવારી શકાય તેવાં વ્યાવહારીક (practical) આ સુચનો જો અમલમાં મુકવામાં આવે તો ખાસ કરીને જુની પેઢીનાં પાછળનાં વર્ષો આનંદમાં જરુરથી વીતી શકે.

–    દીનકરભાઈ શાહ (અમદાવાદ)

*********

આપનું આખું પુસ્તક એક જ સીટીંગમાં વાંચી જતા મને આનંદ થયો. પુસ્તકમાં બહુ જ બહુ જ કીમતી સુચનો – અમલ કરવા માટે – આવી સેવા માટે અભીનંદન – આભાર. આપે સરસ લખ્યું.

–    ચીમનભાઈ એન મહેતા (મુંબઈ)

આલેખન સુંદર, વ્યવહારુ અને મંથન કરી જીવનમાં ઉતારવા યોગ્ય છે.

-આબીદ લાખાની (મુંબઈ)

આપની પુસ્તીકા મારા જેવા સીનીયર સીટીઝન માટે ખુબ જ ખપની છે. આજકાલ જે જનરેશન ગૅપ જોવા મળે છે તે આ પુસ્તીકા વાંચીને અમલ કરીને તે ગૅપ નીવારી શકાય. પુનશ્ચ ધન્યવાદ

જીતેન્દ્ર મોદી (પદમપુર, ઓરીસ્સા)

સીનીયર સીનીયર સીટીઝનને ઉપયોગી થાય તેવી પુસ્તીકા પ્રકાશીત કરવા બદલ અભીનંદન.

–    એ. એચ. મીરઝાં (નડીયાદ)

તમારી પુસ્તીકા વાંચીને ઘણું જાણવા મળ્યું. મારા જીવનની આખી દીશા જ બદલાઈ ગઈ.

–    એક અજાણ્યા બેનનો ટેલીફોન પર સંદેશો.

–    (માત્ર ત્રણ આવૃત્તીના જ નહીં, પરંતુ પાંચ આવૃત્તીના માત્ર રુપીયા જ નહીં, મહેનત પણ વસુલ! – કશ્યપ)

*******

અમારા ટ્રસ્ટ તરફથી આ પુસ્તીકા છપાવી શકીએ?

–    એક ટ્રસ્ટી તરફથી પરવાનગીની માગણી.

(પરવાનગીની જરુર નથી. કૉપીરાઈટ તો આપનો છે! – કશ્યપ)

******

પુસ્તકના થોડા અંશો પરથી પુસ્તકનું તુલ્ય અને મુલ્ય સમજી શકાય છે. આવી જ કંઈક વાતો કરીને સંતો-બાવા અને મનોચીકીત્સકો લાખો કરોડો બનાવે છે ત્યારે લેખક શ્રી. કશ્યપ દલાલ આ જીવનનું ભાથું વીના મુલ્યે લોકોને લ્હાણી તરીકે પીરસી રહ્યા છે. એમને લાખો વંદન.

–    જગદીશ ક્રીશ્ચ્યન

જે વૃધ્ધ થવાના છે એમના માટે  પુસ્તીકા જરુર મદદ રુપ થશે. લેખકને અભીનંદન. એમની ફ્રી ઑફર માટે ખાસ.

વીનોદ આર. પટેલ

It is a very good & very helpful article. We all should accept the facts of life & start implementing in our daily life. I have become very glad to read it.

Thanks so much.

Pradeep H. Desai

USA

સરસ વીષય પસંદ કર્યો. આભાર કશ્યપભાઈનો. સુંદર માહીતી માટે હાર્દીક આભાર, ખાસ કરીને વીના મુલ્યે પુસ્તીકાની ઑફર માટે.

ગાંડાભાઈ વલ્લભ

ન્યુઝીલેન્ડ

Really this book needs to be distributed to everyone crossing 60…Expectations are the greatest –blood pressure – raising, misery and gloomy mind making thoughts….Let’s teach them. Really good one.

Ashwin Parikh

ખુબ જ વાસ્તવીક અને પ્રાસંગીક દર્શન અને રજુઆત. વૃધ્ધોને જોમ બક્ષી વધુ જીવવાની પ્રેરણા પુરી પાડી શકે તેવું ઉત્તમ પ્રકાશન. હૃદયપુર્વકના અભીનંદન.

કલ્યાણ સી. શાહ

લેખ પ્રેરણાદાયી છે. લેખક ‘ખુદ્દાર’ આદમી માલુમ પડે છે.

પ્રભુલાલ ભરાડીયા

 

કહેતા-કહેતી

ફેબ્રુવારી 3, 2012

આ પુસ્તીકા શ્રી. કશ્યપ ચંદુલાલ દલાલના સૌજન્યથી રજુ કરી છે.

(યુનીકોડમાં અને ઉંઝા જોડણીમાં અક્ષરાંકન-ગાંડાભાઈ વલ્લભ)

કહેતા-કહેતી

આપણે જાણીએ છીએ કે કોઈ વાત એક કાનેથી બીજે કાને જાય એટલે તેમાં મોટે ભાગે ફેરફાર થાય જ. મુળ વાતમાં મીઠું, મરચું, ધાણાજીરું, હળદર વગેરે ઉમેરાઈને મસાલેદાર બની જાય. ક્યારેક તો મુળ વાત છેક જ ફેરવાઈ જાય. માટે સાંભળેલી વાત પર ભરોસો રાખતાં પહેલાં આપણે લાખ વાર વીચાર કરીશું.

કેટલીક વ્યક્તીઓ એવી હોય છે કે જે વાત સાંભળી પોતાના પેટમાં રાખે, કેટલાક એક કાનેથી સાંભળી બીજે કાનેથી કાઢી નાખે અને કેટલાક કાનેથી સાંભળેલી વાત મોંઢેથી ઓકી કાઢે. માટે આપણે કોઈ પણ વાત જેને કહી રહ્યા હોઈએ તેનો સ્વભાવ કેવો છે એ જાણવું ખુબ જ અગત્યનું છે. એમાં આપણે જો ભુલ કરી બેસીએ તો ઘણું મોટું નુકસાન થઈ શકે એટલું આપણે ખાસ યાદ રાખીશું.

     આપણે માત્ર જ્ઞાન મેળવી બેસી ન રહીએ. આપણે તેને આપણા જીવનમાં પણ ઉતારીએ. કારણ કે જે જ્ઞાન આચરણમાં ના મુકીએ તે જ્ઞાન વાંઝીયું છે. અરે, તે જ્ઞાન જ્ઞાન જ નથી એવું સંતોનું કહેવું છે!!! આચરણમાં ના મુકેલું જ્ઞાન કેવળ દંભ જ છે.

તો ચાલો આ પ્રમાણે આપણું શેષ જીવન ગુજારવા પ્રયત્ન કરીએ! આપણા વૃધ્ધત્વને ઉજાળીએ!! તેને અન્યોને પ્રેરણા આપે તેવું, કેવડાના ફુલ જેવું મહેંકાવીએ!!! અને હાં, હસતાં હસતાં ચીરવીદાય લઈએ.

આપણને બરાબર ખબર છે કે માહીતી ભેગી કરવી અગત્યની છે, તેના ઉપર વીચાર તથા મનન કરવાં તેનાથી પણ વધારે અગત્યનાં છે, પરંતુ તેનો અમલ કરવો એ સૌથી અગત્યનું છે!!!