અંધશ્રદ્ધા-મઘા નક્ષત્ર જન્મ

મઘા નક્ષત્ર જન્મ

એક બાળકનો જન્મ અહીં ન્યુઝીલેન્ડમાં તારીખ ૯ ફેબ્રુઆરી ૨૦૧૨ના બુધવારે સવારે ૬-૦૦ વાગ્યે થયો હતો. એના જન્મની રાશી જોવા માટે મારા પર ફોન આવ્યો. મેં અહીં વીસેક વર્ષ સુધી બધી ધાર્મીક પુજાઓ કરી છે, આથી કોઈ કોઈ લોકો અમુક માહીતીની અપેક્ષા રાખે છે. એ માટે હું ભારતમાં પ્રગટ થતું ‘સંદેશ મોટું પંચાગ’ રાખું છું, જેમાં રાશી, નક્ષત્રો, મુહુર્તો વગેરેની બધી માહીતી હોય છે. એમાં રાશી નક્ષત્રો વગેરેના સમયો સમાપ્તીના હોય છે રાશી કે નક્ષત્ર શરુ થવાના નહીં. આ માહીતી ભારતના સમય મુજબ હોય છે, આથી ક્યાં તો ન્યુઝીલેન્ડ સમયને ભારતના સમયમાં બદલવાનો રહે કે રાશી, નક્ષત્ર વગેરેના સમયને ન્યુઝીલેન્ડ સમયમાં ફેરવવો પડે. સામાન્ય રીતે ન્યુઝીલેન્ડ ભારતથી ૬-૩૦ કલાક આગળ હોય છે, સીવાય કે અહીં ડેલાઈટ સેવીંગ્સ સમય ચાલતો હોય. એ વખતે ન્યુઝીલેન્ડમાં ઘડીયાળ એક કલાક આગળ કરવામાં આવે છે, આથી ન્યુઝીલેન્ડ સમય ભારત કરતાં ૭-૩૦ કલાક આગળ હોય છે. આમ ભારતના સમયને ન્યુઝીલેન્ડના સમયમાં જાણવા માટે ૬-૩૦ કલાક કે ૭-૩૦ કલાક ઉમેરવા પડે અને ન્યુઝીલેન્ડના સમયને ભારતના સમયમાં બદલવા માટે   ૬-૩૦ કે ૭-૩૦ કલાક બાદ કરવા પડે. આ બાબતમાં કેટલીક વાર ભુલ થવાની શક્યતા એ રીતે રહે છે કે ભારત પાછળ હોવા છતાં ભારતનો સમય કાઢવા ન્યુઝીલેન્ડના સમયમાં જરુરી કલાકો ઉમેરી દેવામાં આવે છે.

ઉપરોક્ત બાળકનો જન્મ ન્યુઝીલેન્ડના ગુરુવારે સવારે ૬-૦૦ કલાકે થયો હતો. આમ ભારતના સમય મુજબ બુધવારે રાત્રે ૧૦-૩૦ કલાકે થયો ગણાય. એટલે કે પંચાંગમાં આપવામાં આવતા ૨૪ કલાકની પદ્ધતી મુજબ બુધવારે ૨૨-૩૦ કલાકે જન્મ થયો. મઘા નક્ષત્ર બુધવારે બપોરે ૧૨-૫૧ કલાકે શરુ થયું, કેમ કે આશ્લેષા નક્ષત્ર એ સમયે સમાપ્ત થયું, અને ગુરુવારે સવારે ૧૧-૨૯ કલાકે સમાપ્ત થતું બતાવ્યું છે. એ રીતે જન્મ મઘા નક્ષત્રમાં થયેલો. અથવા પંચાગમાં આપેલા ભારતીય સમયોને ન્યુઝીલેન્ડના સમયોમાં બદલીએ તો મઘા નક્ષત્ર બુધવારે રાત્રે ૮-૨૧ (૨૦-૨૧) કલાકે શરુ થયું અને ગુરુવારે સાંજે ૬-૫૯ (૧૮-૫૯) કલાકે સમાપ્ત થાય. બાળકનો જન્મ ન્યુઝીલેન્ડના ગુરુવારે સવારે ૬-૦૦ કલાકે થયો હતો. આમ આ બાળકનો જન્મ મઘા નક્ષત્રમાં થયેલો ગણાય. એ સમયને અશુભ ગણવામાં આવે છે, આથી બ્રાહ્મણ પાસે પુજા કરાવી એની શાંતી કરવી પડે એવી માન્યતા લોકો ધરાવે છે કે એવું બ્રાહ્મણો દ્વારા ઠસાવવામાં આવ્યું છે. મેં જ્યારે કહ્યું કે બાળકનો જન્મ મઘા નક્ષત્રમાં થયો છે અને એને અશુભ ગણવામાં આવે છે, તો એ બાળકનાં ઘરનાંને જરા ગભરામણ થઈ. મને પુજા કરવા બાબત પુછ્યું પણ મેં કહ્યું કે આ પ્રકારની પુજાની મને કશી ખબર નથી. હાલમાં અહીં કોઈ બ્રાહ્મણ ન હોવાથી એ લોકોએ ભારત બ્રાહ્મણને ફોન કરી વીધીની માહીતી મેળવવા વીચાર્યું. મારા ખ્યાલ મુજબ એમને કહેવામાં આવ્યું કે બાળકનો જન્મ મઘા નક્ષત્ર પુરું થયા પછી થયો છે. એનો અર્થ એ થયો કે ભારતના બ્રાહ્મણે ન્યુઝીલેન્ડના સમયને ભારતના સમયમાં બદલવા માટે ગુરુવારની સવારના ૬-૦૦માં ૭-૩૦ કલાક ઉમેર્યા હશે, એટલે ગુરુવારે બપોરના ૧-૩૦ (૧૩-૩૦)નો સમય આવે અને આગળ જોયું તેમ મઘા નક્ષત્ર ગુરુવારે સવારે ૧૧-૨૯ કલાકે સમાપ્ત થાય છે. આમ તો હવે ભારતમાં રહેતા આ ભાઈ અહીં વેલીંગ્ટનમાં ચાર વર્ષ રહી ગયા છે. ઘણા પ્રમાણીક પણ છે. એમણે અહીંના સમાજનું શોષણ કર્યું નથી. ચાર વર્ષ સુધી બહુ સારી સેવા આપી છે. પણ ગણતરી કરવામાં એમની પ્રામાણીકપણે ભુલ થઈ છે.

બ્રાહ્મણ જ્ઞાતીનો ન હોવા છતાં મેં અહીં વેલીંગ્ટનમાં જાન્યુઆરી ૧૯૮૪થી વીસેક વર્ષ બ્રાહ્મણ તરીકે સમાજની સેવા કશું જ મહેનતાણું કે મુસાફરી ખર્ચ પણ લીધા વીના કરી છે. હવે નીવૃત્તી લીધી છે. બીજું કોઈ અહીંના હીન્દુ સમાજનું ધર્મના ઓઠા હેઠળ શોષણ ન કરે એ આશયથી જ અહીંના ભારતીય મંડળની એ નીમણુંક મેં સ્વીકારેલી. આજે મારે ઉપરોક્ત મઘા નક્ષત્ર જન્મના પ્રસંગથી જે અનુભવ થયો તેના આધારે લોકોની ધાર્મીક માન્યતા કેવી ભ્રામક છે તે વીષે કહેવું છે.

ભારત બ્રાહ્મણ સાથે વાત થયા બાદ એ બાળકના ઘરનાએ ફરીથી અમારા ઘરે ફોન કર્યો, જે મારાં પત્નીએ ઉઠાવ્યો હતો, મારી સાથે વાત થઈ ન હતી. તેણે મારાં પત્નીને કહ્યું,

“હાશ! મને તો નીરાંત થઈ ગઈ. હું તો ગભરાઈ ગઈ હતી, પણ ભારતના બ્રાહ્મણે કહ્યું કે મઘા નક્ષત્ર વીતી ગયું છે, આથી મને શાંતી થઈ.”

હવે ખરેખર જોઈએ તો જન્મ તો મઘા નક્ષત્રમાં જ હતો, પણ એમને શ્રદ્ધા બ્રાહ્મણ પર (જેણે ગણતરીમાં ભુલ કરી છે,) પણ એમને તો એની જાણ જ નથી. સામાન્ય લોકોની માન્યતા હોય છે કે માત્ર બ્રાહ્મણો જ ધર્મ બાબત, ધાર્મીક વીધી અંગે બધું જાણતા હોય છે, બીનબ્રાહ્મણો નહીં. લોકોમાં આવી જડ માન્યતા એવાં મુળ નાખી ગઈ છે કે એ દુર થવાની કોઈ શક્યતા જણાતી નથી. હવે અહીં તો ન્યુઝીલેન્ડના સમયને ભારતના સમયમાં ફેરવવાનો પ્રશ્ન હતો, અને જે લોકોને આ જાણકારીની જરુર હતી તેઓનો તો કદાચ જન્મ પણ ન્યુઝીલેન્ડમાં હતો, છતાં ભારતનીવાસી એ બ્રાહ્મણભાઈ મઘા નક્ષત્ર વીતી ગયું છે એ નીર્ણય પર શી રીતે આવ્યા તેની કોઈ પૃચ્છા એ લોકોએ કરી હોય એમ જણાતું નથી, કેમ કે એ તો બ્રાહ્મણ!! આથી એના જોવામાં ભુલ હોઈ ન શકે, ગાંડાભાઈએ જોવામાં ભુલ કરી હશે એમ એ લોકોએ માની લીધું.

વળી બાળકના અશુભ જન્મની પુજા કરવાના સમય બાબત પણ જુદા જુદા લોકો (બ્રાહ્મણો) જુદું જુદું કહે છે. એક કહે છે કે જન્મથી બારમા દીવસે પુજા કરવી, જેથી કોઈ પણ પ્રકારનું મુહુર્ત જોવાની જરુર નથી. જો બારમા દીવસે પુજા ન થઈ શકે તો પછીથી સારું મુહુર્ત જોઈને પુજા કરવી. એ માટેના સારા મુહુર્તની શરતો પણ જણાવવામાં આવે છે કે અમુક તીથી, અમુક વાર, અમુક નક્ષત્ર વગેરે. જ્યારે બીજા કહે છે કે જે નક્ષત્રમાં જન્મ થયો હોય તે નક્ષત્ર બાળકના જન્મ પછી ફરીથી જ્યારે આવે તેમાં જ પુજા કરવી. કોની પુજા સાચી ગણવી? અને છતાં લોકો એમાં વીશ્વાસ રાખે છે!!

ટૅગ્સ: , ,

One Response to “અંધશ્રદ્ધા-મઘા નક્ષત્ર જન્મ”

  1. » અંધશ્રદ્ધા-મઘા નક્ષત્ર જન્મ » GujaratiLinks.com Says:

    […] Gandabhai Vallabh […]

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: