અંધશ્રદ્ધા

આટલી અન્ધશ્રદ્ધા નર્મદના જમાનામાં પણ ન હતી !

શ્રી દીનેશભાઈ પાંચાલનો લેખ ભાઈ શ્રી ગોવીંદભાઈ મારુએ એમના બ્લોગ ‘અભીવ્યક્તી’માં લીન્ક (http://govindmaru.wordpress.com/2012/03/01/dinesh-panchal-21/)  ૧ માર્ચ ૨૦૧૨ના રોજ મુક્યો હતો. એ લેખ ગોવીંદભાઈની પરવાનગીથી અને ભાઈ શ્રી દીનેશભાઈના સૌજન્યથી રજુ કરું છું. આપે કદાચ આ લેખ અન્યત્ર વાંચ્યો પણ હોય, પણ ભાઈ શ્રી ગોવીંદભાઈના શબ્દોમાં “મારો મકસદ રૅશનલ વીચારો વહેંચાય, વંચાય અને અનુસરાય તે જ છે..”

૧ માર્ચ ૨૦૧૨

હમણાં થોડા સમય પુર્વે ભત્રીજીના લગ્ન અંગે થોડા મુરતીયાને મળવાનું થયેલું. દશમાંથી નવ નમુનાઓ જન્માક્ષરમાં માનતા હતા. એકબેએ તો ગળામાં માદળીયાં પણ પહેર્યાં હતાં. ન પુછવું જોઈએ; પણ પુછાઈ ગયું: ‘આ માદળીયું કોઈ દેવનું છે ? ’ જવાબ મળેલો– ‘ના ના દેવનું શાનું…? એ તો અમારા ફલાણા ઢીંકણા ગુરુદેવે કરી આપ્યું છે !’ ‘એનાથી શું થાય ?’ એમ પુછ્યું તો તેમણે શ્રદ્ધાપુર્વક જણાવ્યું– ‘ઘરમાં અને જીવનમાં સુખશાન્તી રહે… ધારેલાં કામ થાય…!’ એ માદળીયા–માસ્તરને મારે પુછવું હતું– ‘ભઈલા, ગળામાં બોતેર મણનું માદળીયું લટકાવ્યું છે; તોય બાર બાર વર્ષથી કન્યા માટે કેમ ભટકો છો ?’ પણ આસપાસ બધા બેઠા હતા. છતાં એટલું તો પુછ્યું જ– ‘ધારો કે કન્યા ગમે અને કુંડળી ન મળે તો શું કરશો ?’ યુવાન ઉવાચ– ‘તો તો ન જ થાયને વળી!’ એ યુવાન મારા તરફ એવી રીતે જોઈ રહ્યો જાણે કહેતો હોય– જન્માક્ષર ન મળે તો લગ્ન ન થઈ શકે એ વાતની પણ તમને ખબર નથી? તમે સોળમી સદીમાં જીવો છો કે શું ? (એકવાર એક વડીલે તો સ્પષ્ટ કહી દીધું હતું– ‘છોકરી જોવાની જરુર નથી. પહેલાં બન્નેના જન્માક્ષર મેળવો મળે તો જ જોવાનું ગોઠવીએ !’) ત્યાં બેઠાં બેઠાં જ થોડાક વીચારો જનમ્યા અને ભીતર જ સમી ગયા : કુંડળી મેળવીને પરણેલાઓ પણ કુવો–તળાવ કરીને મરી જાય છે; ત્યાં કુંડળીનો આવો દુરાગ્રહ શા માટે રાખવામાં આવે છે ? લગ્નજીવનની સફળતા માટે જન્માક્ષરનો નહીં; મનનો મેળ જરુરી છે. પણ આપણું કોણ સાંભળે? બ્રાહ્મણો સાંભળવા દે પણ ખરા કે?

આપણી અન્ધશ્રદ્ધાના વૉલ્ટેજ ધીમે ધીમે વધતા જાય છે. નરેન્દ્ર મોદીને પુછવાનું મન થાય છે : ‘સાહેબ, જરા સર્વે કરાવી જુઓ, ‘વાંચે ગુજરાત’ અભીયાન પછી કેટલો ફરક પડ્યો ?’ મોટા ભાગના વાલીઓ તેમનાં બાળકોને ધાર્મીક પુસ્તકો વંચાવે છે. અત્રે નામ નહીં લખીએ પણ સાવ અવૈજ્ઞાનીક વીચારસરણી ધરાવતા પાખંડી સાધુ બાવાઓનાં પુસ્તકો આજના મોટા ભાગનાં બાળકો વાંચે છે. જેમના સેક્સ અને જમીન–કૌભાંડો અંગે કોર્ટમાં કેસ ચાલતા હોય એવા બની બેઠેલા ‘બાપુ’ઓની અવૈજ્ઞાનીક અને વાહીયાત વાતો આજનું બાળક વાંચે  છે.  એવા એક બાપુએ યુવાનો અંગેના પુસ્તકમાં સલાહ આપી છે : ‘લગ્ન બાદ કેવળ સન્તાન પ્રાપ્તી માટે જ સમ્બન્ધ કરવો. સન્તાન થયા પછીનો પ્રત્યેક શરીરસમ્બન્ધ પાપ છે !’ હવે આ ઉપદેશની વીરુદ્ધની વાસ્તવીકતા શી છે તે પણ જોઈ લો. એમના આશ્રમમાં ચાલતાં સેક્સસ્કેન્ડલો પકડાયાં, કેસ થયો, અને સાબીત થઈ ગયું કે સંયમનો અંકુશ નબળો હોય તો તમારા હવસનો હાથી ભગવા ધોતીયાં ફાડીને દમ્ભના ચુરેચુરા કરી નાખે છે. વધારામાં એ પણ સાબીત થઈ જાય છે કે સંસાર માંડ્યા પછી બ્રહ્મચર્ય પાળવાની વાત તો દુર રહી; પણ સંસાર છોડ્યા પછી જ્યાં ખરેખર બ્રહ્મચર્ય પાળવાનું હોય છે, ત્યારે પણ તેઓ બ્રહ્મચર્ય પાળી શકતા નથી. એનો અર્થ એ થયો કે તમારા ખોખલા મેનમેઈડ નીયમો કરતાં કુદરતનો કાનુન વધુ પ્રબળ હોય છે. તો ભાઈસાહેબ, શા માટે લોકોને ઉંધે પાટે ચઢાવો છો ? દુ:ખની વાત એ છે કે ઈશ્વરને પામવા નીકળેલા માણસો ખુદ ઈશ્વરના જ કાનુનને સમજી શકતા નથી !

બાપુઓની આવી અવળવાણીને ઈશ્વરાજ્ઞા સમજીને લોકો તેનું પાલન કરે છે. ભરયુવાનીમાં પતીપત્ની ગુરુઆજ્ઞા અનુસાર બ્રહ્મચર્ય પાળે છે. પછી થાય છે એવું કે એવી (અતૃપ્ત) ભક્તાણીને કોઈ લમ્પટ બાવો મળી જાય તો આગ અને પેટ્રોલ મળ્યા જેવો ભડકો થાય છે. હમણાં સુરતની ‘સત્યશોધક સભા’ના જાણીતા કાર્યકર શ્રી મધુભાઈ કાકડીયા મળ્યા. તેમણે સ્વામીઓના ભક્તાણીઓ સાથેના નગ્ન ફોટા બતાવ્યા. ગુરુભક્તી કે શ્રદ્ધાના સ્વાંગમાં કેવાં સેક્સસ્કેન્ડલો ચાલતાં હોય છે તે જોઈને સ્તબ્ધ થઈ જવાયું ! માધુભાઈએ કહ્યું, ‘સાહેબ, આ તો કાંઈ નથી. હજી તમે એ સ્વામીઓની સીડી જુઓ તો ચક્કર ખાઈ જાઓ…!’

બ્રહ્મચર્ય અને ભક્તીના નામે કુદરતના દૈહીક કાનુનને અવગણવાની બહુ મોટી સજા આ દેશ ભોગવી રહ્યો છે. જુઓ, કેવી અદૃશ્ય જુગલબંધીથી કામ થાય છે ! થોડાક બાવાઓ સંસારીઓને બ્રહ્મચર્યનું પાલન કરી કેવળ ઈશ્વરભક્તીમાં રચ્યાપચ્યા રહેવાનું કહે છે. બાકીના થોડાક બાવાઓ આશ્રમ સ્થાપીને (એમ કહો કે છટકું ગોઠવીને) બેસી જાય છે. પેલા એક નમ્બરના બાવાઓ સંસારીઓને ખદેડીને આ તરફ હાંકી લાવે છે અને આ તરફના બે નમ્બરના બાવાઓ આશ્રમના છટકામાં તેમને સપડાવી તેમનું જાતીય શોષણ કરે છે ! એવી ભક્તાણીઓના અન્ધશ્રદ્ધાળુ પતીઓને એટલું જ કહી શકાય કે બુદ્ધીપુર્વક નહીં જીવશો તો જગતનો કોઈ બાવો તમારું કલ્યાણ કરી શકવાનો નથી. તમારી બકરીને શ્રદ્ધાભાવે વાઘની બોડમાં મોકલશો તો પણ; તે હલાલ થયા વીના નહીં રહે. એક ચીન્તકે કહ્યું કે પોતાના દેહને ‘અર્ઘ્ય’ની જેમ ગુરુઓની સેવામાં સમર્પીત કરી દેનારી ભક્તાણીઓ ગમે તેટલી અબુધ હોય તો પણ તેમને એટલો ખ્યાલ તો હોય જ છે કે તેમની સાથે શું થઈ રહ્યું છે. કારણ કે પોતાના શીયળ સમ્બન્ધે સ્ત્રીઓ કુદરતી રીતે જ સાવધ, સતેજ અને ચંચળ હોય છે. એથી તેમની મુક સમ્મતી વીના કોઈ બાવો ફાવી શકે નહીં. એ જે હોય તે; પણ ભોગ બનનાર સ્ત્રી (અને તેના પતી વગેરેનો પણ)નો પણ આમાં ઓછો વાંક નથી હોતો. બાવાઓ પ્રત્યેની આંધળી શ્રદ્ધામાંથી જ આવા સેક્સસ્કેન્ડલો રચાતાં હોય છે. સમાજના થોડાક અન્ધશ્રદ્ધાળુ સ્ત્રીપુરુષો ભેગા મળીને ભક્તીના નામે બાવાઓને બગાડે છે. લોકો મદદ ના કરે તો બાવાઓ એકલે હાથે બગડી જ ના શકે.

આ બધું હમણાં હમણાંથી બહું ફુલ્યુંફાલ્યું છે. બાકી ભુતકાળમાં નજર દોડાવો તો સમજાશે કે નર્મદના જમાનામાં અન્ધશ્રદ્ધા હતી; પણ ભાગ્યે જ બાવાઓના આવા આટલાં બધાં બખડજન્તર થતાં. તે જમાનામાં પણ લોકોમાં  અજ્ઞાન, અન્ધશ્રદ્ધા વહેમ, જડતા, કુરીવાજો વગેરે બધું જ હતું; પણ તે આટલી વીસ્ફોટક રીતે સમાજમાં ફેલાઈ નહોતું ગયું. આજે એક જણ વાત વહેતી કરે છે કે ગણપતીએ દુધ પીધું; એટલે લોકો બાટલી લઈને દોડ્યા જ સમજો, એક જણ વાત વહેતી કરે કે રાખડી બાંધવાથી ભાઈનું મૃત્યુ થાય છે; એથી હજારો ભાઈલાઓ પોતાના હાથ પરની રાખડી છોડીને ફેંકી દે છે. (ખરેખર તો તેમણે તેમની એમ. એસસી. ડીસ્ટીક્ન્શનવાળી ડીગ્રીનું સર્ટીફીકેટ ફેંકી દેવું જોઈએ !) કો’કને વેંગણ, બટાકા કે શક્કરીયાંમાં ‘ઓમ’ નો આકાર દેખાય તો દોઢસો સ્ત્રીઓ હાથમાં થાળી, દીવડો, કંકુ, ચોખા વગેરે લઈને લાઈન લગાડી દે છે.

વીચારો જોઉં…! નર્મદના જમાનામાં સન્તોષીમા હતાં ? દશામા હતાં ? વૈભવલક્ષ્મી હતાં ? વાસ્તુશાસ્ત્ર હતું ? રામકથાઓ થતી ? કદાચ ત્યારે અશીક્ષીત માણસ માદળીયું પહેરતો હશે; પણ આજે ડબલ ગ્રેજ્યુએટ થયેલો સાયન્સનો પ્રૉફેસર પણ ગળામાં માદળીયું અને કાંડા પર ‘રક્ષા–પોટલી’ બાંધીને ફરે છે ! ડૉક્ટરોના દવાખાને લીંબુ અને મરચું લટકે છે ! એકવીસમી સદીમાં ઉપગ્રહ છોડવામાં પણ શુભ ચોઘડીયાં જોવાનું આપણે ચુકતા નથી. વીકાસની પ્રક્રીયા જેમ જેમ આગળ વધતી જાય તેમ સમાજે નવા વીચારોનું સ્વાગત કરવું જોઈએ. તેને સ્થાને સમાજ દીનપ્રતીદીન વધુને વધુ અન્ધશ્રદ્ધાળુ બનતો જાય છે. આવું કેમ ? કોણ જવાબદાર છે એ માટે ?

ધુપછાંવ

આપણે અમેરીકાને પેટ ભરીને ગાળ દઈએ છીએ; પણ આપણા કહેવાતા ધંધાધારી ધધુપપુઓ ધર્મને નામે જે કુટણખાનાં અહીં ચલાવે છે તેના કરતાં અમેરીકાની સેક્સવર્કરો વધુ પવીત્ર ગણાય.

-દીનેશ પાંચાલ

‘ગુજરાતમીત્ર’, દૈનીક, સુરતની તા. 22 મે, 2011ની રવીવારીય પુર્તીમાં, વર્ષોથી પ્રગટ થતી એમની લોકપ્રીય કટાર ‘જીવન સરીતાના તીરે’માંથી.. લેખકના અને ‘ગુજરાતમીત્ર’ના સૌજન્યથી સાભાર.

સંપર્ક:

-દીનેશ પાંચાલ, સી-12, મજુર મહાજન સોસાયટી, ગણદેવી રોડ, જમાલપોર, નવસારી-396 445 ફોન: 02637 242 098 સેલફોન: 94281 60508

 

ટૅગ્સ:

2 Responses to “અંધશ્રદ્ધા”

  1. Govind Maru Says:

    ધન્યવાદ…

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: