આરોગ્યની ચાવી (ગાંધીજી) પ્રકરણ ૧ શરીર: Body

આરોગ્યની ચાવી (ગાંધીજી) પ્રકરણ ૧ શરીર: Body

તા. ૨૮-૮-૪૨

શરીરનો પરીચય કરીએ તે પહેલાં આરોગ્યનો અર્થ જાણી લેવો ઠીક ગણાશે. આરોગ્ય એટલે શરીર-સુખાકારી. જેનું શરીર વ્યાધીરહીત છે, જેનું શરીર સામાન્ય કામ કરી શકે છે, એટલે જે મનુષ્ય વગર થાક્યે દસ-બાર માઈલ ચાલી શકે છે, સામાન્ય મજુરી થાક વીના કરી શકે છે, સામાન્ય ખોરાક પચાવી શકે છે, જેની ઈન્દ્રીઓ અને મન આબાદ છે, એનું શરીર સુખાકારી ભોગવે છે. આમાં મલ્લ શરીરનો કે અતીશય દોડનાર, કુદનારનો સમાવેશ નથી થતો. એવાં અસાધરણ બળ બતાવનારાં રોગગ્રસ્ત હોઈ શકે છે. એવાં શરીરનો વીકાસ એકાંગી કહેવાય.

ઉપરોક્ત આરોગ્ય જે શરીરને સાધવું છે તે શરીરનો અમુક અંશે પરીચય આવશ્યક છે.

પુર્વે કેવી તાલીમ લેવાતી હશે તે દૈવ જાણે; સંશોધકો કંઈક જાણે. આજની તાલીમનું જ્ઞાન આપણને બધાંને થોડુંઘણું છે જ. એ તાલીમને આપણા રોજના જીવન સાથે કંઈ જ સંબંધ નથી હોતો. શરીર જેનો આપણને સદાય ઉપયોગ છે, તેનું જ્ઞાન આપણને એ તાલીમ વાટે નહીં જેવું જ મળે છે. તેમ જ આપણા ગામનું, આપણા ખેતરનું જ્ઞાન. પણ દુનીયાની ભુગોળનું જ્ઞાન આપણે પોપટની જેમ પામીએ છીએ. એનો ઉપયોગ નથી એમ કહેવાનો અહીં આશય નથી. પણ બધી વસ્તુ પોતાના સ્થાને શોભે. શરીરનું, ઘરનું, ગામનું, ગામના સીમાડાનું, ગામના ખેતરોની વનસ્પતીઓનું, તેના ઈતીહાસનું જ્ઞાન સારું હોવું જોઈએ. તેના પાયા ઉપર રચાયેલું બીજું જ્ઞાન આપણને કામ આપી શકે.

તા. ૨૯-૮-૪૨

શરીર પંચમહાભુતોનું બનેલું છે:

પૃથ્વી, પાણી આકાશ, તેજ અને વાયુ,

એ પંચતત્ત્વનો ખેલ જગત કહેવાયું.

શરીરનો વ્યવહાર દશ ઈન્દ્રીયો અને મનની ઉપર આધાર રાખે છે. દશ ઈન્દ્રીયોમાં પાંચ કર્મેન્દ્રીયો છે ને પાંચ જ્ઞાનેન્દ્રીયો. પાંચ જ્ઞાનેન્દ્રીયો તે હાથ, પગ, મોં, જનનેન્દ્રીય અને ગુદા. જ્ઞાનેન્દ્રીયો તે સ્પર્શ કરનારી ત્વચા, જોનારી આંખ, સાંભળનારા કાન, અને સ્વાદ કે રસ ઓળખનારી જીભ. મન વડે આપણે વીચાર કરીએ છીએ. કોઈ મનને અગીયારમી ઈન્દ્રીય તરીકે ઓળખાવે છે. આ ઈન્દ્રીયોનો વ્યવહાર સંપુર્ણ ચાલતો હોય ત્યારે મનુષ્ય આરોગ્ય ભોગવે છે એમ કહેવાય. એવું આરોગ્ય કોઈકને જ સાંપડતું જોવામાં આવે છે. શરીરની અંદર રહેલા વીભાગો આપણને આશ્ચર્યચકીત કરે છે. શરીર જગતનો એક નાનકડો પણ આબાદ નમુનો છે. જે તેમાં નથી તે જગતમાં નથી.  જે જગતમાં છે તે શરીરમાં છે. તેથી ‘यथा पिंडे तथा ब्रह्मांडे’ એ મહાવાક્ય નીકળ્યું છે. એટલે આપણે જો શરીરને પુર્ણ રીતે ઓળખી શકીએ તો જગતને ઓળખીએ છીએ એમ કહેવાય. પણ એવી ઓળખ દાક્તરો, વૈદ્યો, હકીમો સુદ્ધાં નથી પામી શક્યા, તો આપણે સામાન્ય પ્રાણી ક્યાંથી જ પામીએ? હજુ લગી કોઈ હથીયાર નથી શોધાયું કે જે મનને ઓળખે. તજ્જ્ઞો શરીરની અંદર અને બહાર જે ક્રીયાઓ ચાલે છે તેનું આકર્ષક વર્ણન આપી શકે છે, પણ તે ક્રીયાઓ કેમ ચાલે છે એ બતાવી નથી શક્યા. મોત શા સારું આવે છે એ કોણે જાણ્યું? ક્યારે આવશે એ કોણ કહી શક્યું છે? અર્થાત્ મનુષ્યે ઘણું વાંચ્યું, વીચાર્યું, અનુભવ્યું, પણ પરીણામે તેને પોતાના અલ્પજ્ઞાનનું જ વધારે ભાન થયું છે.

શરીરની અંદર જે અદ્ભુત ક્રીયાઓ ચાલે છે તેની ઉપર ઈન્દ્રીયોની સુખાકારીનો આધાર છે. શરીરમાં રહેલાં બધાં અંગો નીયમનમાં રહે તો વ્યવહાર સુંદર ચાલે. એક પણ અંગ અટકે તો ગાડી અટકી પડે. તેમાંયે હોજરી પોતાનું કામ બરોબર ન કરે તો તો શરીર ઢીલું થઈ જાય છે. તેથી અપચા કે બંધકોશને જે અવગણે છે તે શરીરના ધર્મ નથી જાણતા. અનેક રોગો એમાંથી ઉત્પન્ન થાય છે.

તા. ૩૦-૮-૪૨

હવે શરીરનો ઉપયોગ શો છે તે વીચારીએ.

હરેક વસ્તુનો સદુપયોગ કે દુરુપયોગ હોઈ શકે છે. આ નીયમ શરીરને વીશે પણ લાગુ પડે છે.  શરીર સ્વાર્થ કે સ્વછંદને સારુ કે બીજાને બગાડવા સારુ વપરાય તો તેનો દુરુપયોગ થયો. એ જગતમાત્રની સેવા અર્થે વપરાય, તે વડે સંયમ સધાય, તો તેનો સદુપયોગ થયો. મનુષ્યશરીરને જો આપણે, આત્મા જે પરમાત્માનો અંશ છે, તેની ઓળખ કરવા વાપરીએ તો તે આત્માને રહેવાનું મંદીર બને છે.

શરીરને મળમુત્રની ખાણ તરીકે વર્ણવવામાં આવ્યું છે. એક રીતે જોતાં તેમાં જરાય અતીશયોક્તી નથી. જો શરીરની એ જ ઓળખ હોય તો તેનું જતન કરવામાં કશો અર્થ નથી. પણ જુદી રીતે ઓળખીએ, તેને મળમુત્રની ખાણ કહેવાને બદલે તેમાં કુદરતે મળમુત્રાદીને કાઢનારા નળો પણ મુક્યા છે એમ સમજીએ, તો તેને સારું રાખીને તેને સાચવવાનો ધર્મ પેદા થાય છે. હીરાની કે સોનાની ખાણમાં જુઓ તો તે ખરે જ માટીની ખાણ છે, પણ તેમાં સોનું કે હીરો છે એ જ્ઞાન માણસની પાસે કરોડો રુપીયા ખરચાવે છે ને તેની પાછળ અનેક શાસ્ત્રજ્ઞોની બુદ્ધી કામ કરે છે. તો આત્માના મંદીરરુપ શરીરને સારુ શું ન કરીએ? આ જગતમાં જન્મ પામીએ છીએ તે તે જગતનું લેણ ચુકવવા સારુ, એટલે તેની સેવા કરવા સારુ. એ દૃષ્ટીએ જોતાં મનુષ્યે પોતાના શરીરના સંરક્ષક બનવાનું છે. એનું તેણે એવી રીતે જતન કરવું જોઈએ કે જેથી તે સેવાધર્મના પાલનમાં સંપુર્ણ કામ આપી શકે.

ટૅગ્સ:

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: