આરોગ્યની ચાવી ગાંધીજી-પ્રકરણ ૪ ખોરાક: Food

આરોગ્યની ચાવી ગાંધીજી-પ્રકરણ ૪ ખોરાક: Food

 

તા. ૨-૯-૪૨

હવાપાણી વીના માણસ જીવી જ નથી શકતો એ ખરું, પણ મનુષ્યનો નીર્વાહ તો ખોરાકથી જ થઈ શકે. અન્ન એનો પ્રાણ છે.

 

ખોરાક ત્રણ જાતનો કહેવાય: માંસાહાર, શાકાહાર ને મીશ્રાહાર. અસંખ્ય માણસો મીશ્રાહારી છે. માંસમાં માછલાં અને પક્ષીઓનો સમાવેશ થાય છે. દુધને કોઈ પણ રીતે આપણે શાકાહારમાં નથી ગણી શકતા. તેમ લૌકીક ભાષામાં એ કદી માંસાહારમાં નથી ગણાતું. સ્વરુપે તો એ માંસનું જ એક રુપ છે. જે ગુણ માંસમાં છે તે ઘણે ભાગે દુધમાં છે. દાક્તરી ભાષામાં એની ગણતરી પ્રાણીજ ખોરાક-ઍનીમલ ફુડ-માં કરવામાં આવી છે. ઈંડાં સામાન્ય રીતે માંસમાં ગણાય છે. હકીકતમાં એ માંસ નથી. અને હાલ તો ઈંડાં એવી રીતે પેદા કરવામાં આવે છે કે મરઘીને મરઘો બતાવવામાં નથી આવતો, છતાં તે ઈંડાં મુકે છે. આ ઈંડાં કદી પાકતાં નથી. તેમાં મરઘું નહીં થઈ શકે. એટલે જેને દુધ પીવામાં હરકત નથી તેને આ બીજા પ્રકારનાં ઈંડાં લેવામાં કશી હરકત ન હોવી જોઈએ.

 

દાક્તરી મત મુખ્યત્વે મીશ્રાહાર તરફ ઢળે છે. જો કે પશ્ચીમમાં દાક્તરોનો એક મોટો સમુદાય નીકળ્યો છે જેનો દૃઢ અભીપ્રાય છે કે, મનુષ્યના શરીરની રચના જોતાં એ શાકાહારી જ છે. એના દાંત, હોજરી વગેરે એને શાકાહરી સીદ્ધ કરે છે. શાકમાં ફળોનો સમાવેશ કર્યો છે. અને ફળોમાં સુકાં અને લીલાં બંને આવી જાય. સુકાંમાં બદામ, પીસ્તાં, અખરોટ, ચીલગોજા વગેરેનો સમાવેશ થાય છે.

 

મારો પક્ષપાત શાકાહાર તરફ હોવા છતાં અનુભવે મારે કબુલ કરવું પડ્યું છે કે, દુધ અને દુધમાંથી નીપજતા પદાર્થો – માખણ, દહીં વગેરે વીના મનુષ્ય શરીરનો નીભાવ સંપુર્ણ રીતે નથી થઈ શકતો. મારા વીચારોમાં આ મહત્ત્વનો ફેરફાર થયો છે. મેં દુધઘી વીના છ વર્ષ ગાળ્યાં છે. તે વખતે મારી શક્તીમાં કશી ન્યુનતા નહોતી આવી. પણ મારા અજ્ઞાનને લીધે હું ૧૯૧૭ની સાલમાં સખત મરડાનો ભોગ બન્યો. શરીર હાડપીંજર થઈ ગયું. હઠપુર્વક દવા ન લીધી અને એટલી જ હઠપુર્વક દુધ કે છાસ ન લીધાં, શરીર કેમેય ન બાંધી શકાય. દુધ ન લેવાનું મેં વ્રત લીધું હતું. દાક્તરે કહ્યું, “પણ તે તો ગાયભેંસનાં દુધ વીશે હોય, બકરીનું દુધ કેમ ન લેવાય?”

ધર્મપત્નીએ ટાપસી પુરી ને હું પીગળ્યો. ખરું જોતાં જેણે ગાયભેંસના દુધનો ત્યાગ કર્યો હોય તેને બકરી વગેરેના દુધની છુટ હોવી ન જોઈએ. કેમ કે એ દુધમાં પદાર્થો એક જ જાતના હોય છે. ફરક કેવળ માત્રાનો જ છે. એટલે મારા વ્રતના અક્ષરનું જ પાલન થયું. તેનો આત્મા તો હણાયો. ગમે તેમ હોય, બકરીનું દુધ તુરત આવ્યું ને મેં લીધું. મને નવચેતન આવ્યું. શરીરમાં શક્તી આવી ને ખાટલેથી ઉઠ્યો. એ અને એવા બીજા અનેક અનુભવો ઉપરથી હું લાચારીથી દુધનો પક્ષપાતી થયો છું. પણ મારો દૃઢ વીશ્વાસ છે કે, અસંખ્ય વનસ્પતીઓમાં કોઈક તો એવી છે જ કે દુધ અથવા માંસની સંપુર્ણ ગરજ સારે અને તેના દોષથી મુક્ત હોય. પણ આ શોધ તો થાય ત્યારે ખરી.

 

મારી દૃષ્ટીએ દુધ અને માંસમાં દોષ તો રહ્યા જ છે. માંસને સારુ આપણે પશુપંખીનો નાશ કરીએ છીએ. અને માના દુધ સીવાય બીજા દુધનો અધીકાર આપણને ન હોય. આ નૈતીક દોષ ઉપરાંત બીજા દોષો કેવળ આરોગ્યની દૃષ્ટીએ રહ્યા છે. બંનેમાં તેના માલીકના દોષો ઉતરે જ છે. પાળેલાં પશુ સામાન્યપણે તંદુરસ્ત નથી હોતાં. જેમ મનુષ્યમાં તેમ પશુઓમાં પુશ્કળ રોગો થાય છે. ઘણી પરીક્ષાઓ થતાં છતાં, ઘણા રોગો પરીક્ષકની નજર બહાર રહી જાય છે. બધાં પશુઓની સારી પરીક્ષા અસંભવીત લાગે છે. મારી પાસે ગૌશાળા છે. મીત્રોની મદદ સહેજે મળી રહે છે. પણ મારાથી ખાતરીપુર્વક ન કહી શકાય કે, મારી પાસે રહેલાં પશુઓ નીરોગી જ હોય. એથી ઉલટું એમ જોયું છે કે, જે ગાય નીરોગી માનવામાં આવતી હતી તે છેવટે રોગી સીદ્ધ થઈ છે. એ શોધ થતાં પહેલાં તો રોગી ગાયના દુધનો ઉપયોગ થયો હતો. આસપાસના ખેડુતો પાસેથી પણ દુધ સેવાગ્રામ આશ્રમ લે છે. તેઓના ઢોરની પરીક્ષા કોણ કરે? દુધ નીર્દોષ છે કે નહીં એ પરીક્ષા કઠીન વસ્તુ છે. એટલે દુધને ઉકાળીને જેટલો સંતોષ મળી શકે એટલેથી કામ ચલાવવું રહ્યું. બીજે બધે આશ્રમના કરતાં ઓછી જ પરીક્ષા હોવાનો સંભવ છે. જે દુધ દેતાં પશુઓને વીશે લાગુ પડે છે તે માંસને સારુ કતલ થતાં પશુઓને વીશે વધારે લાગુ પડે છે. પણ ઘણે ભાગે તો ભગવાન ભરોસે જ આપણું કામ ચાલે છે. મનુષ્ય પોતાના આરોગ્યની ચીંતા ઓછી જ કરે છે. તેણે પોતાને સારુ વૈદ્ય, દાક્તરો, હકીમ વગેરેનો કોટ ચણી રાખ્યો છે, ને પોતાને સુરક્ષીત માને છે. તેની મોટી ચીંતા ધનપ્રતીષ્ઠા વગેરે મેળવવાની રહે છે ને તે ચીંતા બીજી ચીંતાઓને ગળી જાય છે. એટલે જ્યાં લગી કોઈ પારમાર્થીક વૈદ્ય, દાક્તર, હકીમ ખંતપુર્વક સંપુર્ણ ગુણવાળી વનસ્પતી શોધી નથી શક્યા , ત્યાં લગી મનુષ્ય માંસાહાર, દુધાહાર કર્યે જશે.

 

હવે યુક્તાહાર ઉપર વીચાર કરીએ. મનુષ્ય શરીર સ્નાયુ બાંધનાર, ગરમી આપનાર, ચરબી વધારનાર, ક્ષારો આપનાર અને મળને કાઢનાર દ્રવ્યો માગે છે. સ્નાયુ બાંધનાર દ્રવ્યો દુધ, માંસ, કઠોળ તથા સુકા મેવામાંથી મળે છે. દુધ, માંસનાં દ્રવ્યો કઠોળાદી કરતાં વધારે સહેલાઈથી પચે છે ને સર્વાંશે વધારે લાભદાયી છે. દુધ અને માંસમાં દુધ ચડી જાય છે. માંસ પચી ન શકે ત્યારે પણ દુધ પચી શકે છે એમ દાક્તરો કહે છે, ને માંસાહાર નથી કરતા તેને તો દુધની બહુ ઓથ મળે છે. પચવામાં રાંધ્યા વગરનાં ઈંડાં સહુથી સારાં ગણાય છે. પણ દુધ કે ઈંડાં બધાંને સાંપડતાં નથી. એ બધેય મળતાં પણ નથી. દુધને વીશે એક અગત્યની વસ્તુ અહીં કહી જાઉં. જેમાંથી માખણ કાઢી લેવામાં આવે છે એ દુધ નકામું નથી. તે અત્યંત કીમતી પદાર્થ છે. કેટલીક વેળા તો તે માખણવાળા દુધ કરતાં પણ ચડી જાય છે. દુધનો મુખ્ય ગુણ સ્નાયુવર્ધક પ્રાણી દ્રવ્ય આપવાનો છે. માખણ કાઢી લીધા પછી પણ એ દ્રવ્ય કાયમ રહે છે. છેક બધું માખણ કાઢી શકાય એવું યંત્ર હજુ લગી તો બન્યું નથી. બનવાનો સંભવ પણ ઓછો જ છે.

 

તા. ૪-૯-૪૨

પુર્ણ દુધ કે અપુર્ણ દુધ ઉપરાંત બીજા પદાર્થોની જરુર રહે છે. બીજો દરજ્જો ઘઉં, બાજરો, જુવાર, ચોખા વગેરે અનાજોને આપી શકાય. હીન્દુસ્તાનમાં પ્રાંતે પ્રાંતે અનાજ નોખાં જોવામાં આવે છે. ઘણે ઠેકાણે કેવળ સ્વાદને ખાતર એ જ ગુણવાળાં એકથી વધારે અનાજ એકીવખતે ખાવામાં આવે છે. જેમ કે ઘઉં, બાજરો ને ભાત ત્રણેય વસ્તુ સાથે થોડી થોડી લેવાય છે. શરીરના પોષણ સારુ આ મીશ્રણ જરુરી નથી. એથી માપ ઉપર અંકુશ જળવાતો નથી ને હોજરીને વધારે પડતું કામ અપાય છે. એક જ અનાજ એકી વખતે લેવું ઠીક ગણાશે. આ અનાજોમાંથી મુખ્યત્વે સ્ટાર્ચ મળે છે. બધાં અનાજોમાં ઘઉં રાજા છે. દુનીયાની ઉપર નજર નાખીએ તો ઘઉં વધારેમાં વધારે ખવાય છે. આરોગ્યની દૃષ્ટીએ ઘઉં મળે તો ચાવલ અનાવશ્યક છે. જ્યાં ઘઉં ન મળે અને બાજરો, જુવાર ઈત્યાદી ન ભાવે કે રુચે તો ચાવલ લેવા ઘટે છે.

 

તા. ૬-૯-૪૨

અનાજ માત્રને બરાબર સાફ કરીને ઘરની ઘંટીમાં દળી, ચાળ્યા વગર વાપરવું જોઈએ. (દેશમાં હતો ત્યારે વર્ષો સુધી મેં જાતે દળીને ખાધું હતું. એ માટે ઘરની પરંપરાગત સામાન્ય ઘંટીમાં મોટરકારમાંની જુની બૉલબૅરીંગ – નવસારીમાં રવીવારના હાટમાં તે એ સમયે એક રુપીયામાં મળતી –  મેં નાખી હતી, જેથી દળવામાં બહુ સરળતા રહેતી. -ગાંડાભાઈ) તેની ભુંસીમાં સત્વ છે અને ક્ષારો છે. એ બંને બહુ ઉપયોગી પદાર્થો છે. વળી એમાં એવો પદાર્થ હોય છે કે જે પચ્યા વગર નીકળી જાય, તે સાથે મળને પણ કાઢે છે. ચાવલનો દાણો નાજુક હોવાથી કુદરતે તેની ઉપર પડ બનાવ્યું છે, જે ખાવાના ઉપયોગનું હોતું નથી, તેથી ચાવલને ખાંડવામાં આવે છે. ઉપલું પડ કાઢવા પુરતા જ ચાવલને ખાંડવા જોઈએ. યંત્રમાં ખાંડેલા ચાવલને તો, ભુસી છેક નીકળી જાય ત્યાં લગી ખાંડવામાં આવે છે. આનું કારણ એ છે કે, જો ભુસી રાખવામાં આવે છે તો ચાવલામાં તુરત ઈયળ કે ધનેડાં પડે છે, કારણ કે ચાવલની ભુસીમાં બહુ મીઠાશ રહેલી છે. અને ઘઉં કે ચાવલની ભુસીને કાઢતાં માત્ર સ્ટાર્ચ રહી જાય છે. અને ભુસી જતાં અનાજનો બહુ કીમતી ભાગ છુટી જાય છે. ઘઉં-ચાવલની ભુસી એકલી રાંધીને પણ ખાઈ શકાય. તેની રોટલી પણ બની શકે. કોંકણી ચાવલનો તો આટો કરીને તેની રોટલી જ ગરીબ લોકો ખાય છે. ચાવલના આટાની રોટલી આખા ચાવલ રાંધીને ખાવા કરતાં કદાચ વધારે પાચક હોય ને ઓછી ખાવાથી પુરતો સંતોષ આપે.

 

આપણામાં રોટલીને દાળમાં કે શાકમાં બોળીને ખાવાની ટેવ છે. આથી રોટલી બરોબર ચવાતી નથી. સ્ટાર્ચના પદાર્થો જેમ ચવાય ને મોઢામાં રહેલા થુંક (અમી)ની સાથે મળે તેમ સારું. એ થુંક (અમી) સ્ટાર્ચને પચાવવામાં મદદ કરે છે. ચાવ્યા વીના ખોરાક ગળી જવામાં આવે તો તે મદદ ન મળી શકે. તેથી ચાવવો પડે એવી સ્થીતીમાં ખોરાક ખાવો લાભદાયી છે.

 

સ્ટાર્ચપ્રધાન અનાજ પછી સ્નાયુ બાંધનાર કઠોળને બીજું પદ આપવામાં આવે છે. દાળ વીનાના ખોરાકને સહુ કોઈ અપુર્ણ ગણે છે. માંસાહારીને પણ દાળ તો જોઈએ જ. જેને મજુરી કરવી પડે છે, અને જેને પુરતું કે મુદ્દલ દુધ મળતું નથી, તેને દાળ વીના ન ચાલે એ સમજી શકાય છે. પણ જેને શારીરીક કામ ઓછું પડે છે, જેવા કે મુત્સદ્દી, વેપારી, વકીલ, દાક્તર કે શીક્ષક, અને જેને દુધ મળી રહે છે, એને દાળની જરુર નથી, એમ કહેતાં મને જરા પણ આંચકો નથી આવતો. સામાન્યપણે પણ લોકો દાળને ભારે ખોરાક માને છે ને સ્ટાર્ચપ્રધાન અનાજ કરતાં બહુ ઓછા પ્રમાણમાં લે છે. દાળોમાં વાલ, વટાણા બહુ ભારે ગણાય છે, મગ ને મસુર હળવાં. દેખીતું છે કે, માંસાહરીને દાળની મુદ્દલ જરુર નથી. એ માત્ર સ્વાદને સારુ દાળ ખાય છે. કઠોળને ભરડ્યા વીના રાતભર પલાળીને ફણગા ફુટે ત્યારે તોલા જેટલું ચાવવામાં આવે તો ફાયદો કરે છે.

 

ત્રીજું પદ શાક અને ફળને આપવું ઘટે. શાક અને ફળ હીન્દુસ્તાનમાં સસ્તાં હોવાં જોઈએ, પણ એમ નથી. તે કેવળ શહેરીઓનો ખોરાક ગણાય છે. ગામડાંઓમાં લીલોતરી ભાગ્યે જ મળે અને ઘણી જગ્યાએ તો ફળ પણ નહીં. આ ખોરાકની અછત એ હીન્દુસ્તાનની સભ્યતા ઉપર એક મોટો ડાઘ છે. દેહાતીઓ ધારે તો લીલોતરી પુશ્કળ ઉગાડી શકે છે. ફળઝાડોને વીશે મુશ્કેલી છે ખરી, કેમ કે જમીન-વપરાશના કાયદા સખત છે ને ગરીબોને દબાવનારા છે. પણ આ તો વીષયાંતર થયું.

લીલોતરીમાં પાંદડાંની ભાજીઓ (પત્તીભાજી) જે મળે તે સારા પ્રમાણમાં રોજ શાકમાં લેવી જાઈએ. જે શાકો સ્ટાર્ચપ્રધાન છે એની ગણતરી અહીં શાકમાં નથી કરી. સ્ટાર્ચપ્રધાન શાકોમાં બટેટાં, શક્કરીયાં, કંદ, સુરણ ગણાય. એને અનાજનું પદ આપવું જોઈએ. બીજાં શાક સારા પ્રમાણમાં લેવાવાં જોઈએ. કાકડી, લુણીની ભાજી, સરસવ, સુવાની ભાજી, ટમેટાં રાંધવાની કશી જરુર નથી. તેને સાફ કરી બરોબર ધોઈને થોડા પ્રમાણમાં કાચાં ખાવાં જોઈએ.

 

ફળોમાં મોસમનાં ફળ મળી શકે તે લેવાં. કેરીની મોસમમાં કેરી, જાંબુની મોસમમાં જાંબુ, જામફળ, પપૈયાં, અંગુર, ખાટાંમીઠાં લીંબુ, સંતરાં, મોસંબી વગેરે ફળોનો ઠીક ઉપયોગ થવો જોઈએ. ફળ સવારમાં ખાવાં ઉત્તમ છે. દુધ અને ફળ સવારે ખાવાથી પુર્ણ સંતોષ મળી રહે છે. જેઓ વહેલા જમે છે તેઓ સવારના એકલાં ફળ ખાય એ ઈષ્ટ છે.

 

કેળાં સરસ ફળ છે. પણ એ સ્ટાર્ચમય હોવાથી રોટલીની જગ્યા લે છે. કેળાં ને દુધ તથા ભાજી સંપુર્ણ ખોરાક છે.

 

મનુષ્યના ખોરાકમાં થોડેઘણે અંશે ચીકણા પદાર્થની જરુર છે. તે ઘી-તેલથી મળી રહે છે. ઘી મળી રહે તો તેલની કશી આવશ્યકતા નથી. તેલો પચવામાં ભારે હોય છે; શુદ્ધ ઘીનાં જેટલાં ગુણકારી નથી. સામાન્ય માણસને ત્રણ તોલા ઘી મળે તો પુરતું મનાવું જોઈએ. દુધમાં ઘી આવે જ છે. એટલે જેને ઘી ન પરવડે તે એકલું તેલ લે તો ચરબી મળી રહે છે. તેલોમાં તલનું, કોપરાનું, મગફળીનું સારું ગણાય. એ તાજાં હોવાં જોઈએ. તેથી દેશી ઘાણીનાં મળે તો સારાં. ઘી-તેલ બજારમાં મળે છે તે લગભગ નકામાં જેવાં હોય છે, એ ખેદની અને શરમની વાત છે. પણ જ્યાં લગી કાયદા વડે કે લોકકેળવણી વડે વેપારમાં પ્રામાણીકપણું દાખલ ન થાય, ત્યાં લગી લોકોએ કાળજી રાખીને ચોખ્ખી વસ્તુઓ મેળવવી રહી. ચોખ્ખીને બદલે જે તે મળે તેથી સંતોષ ન માનવો. ખોરું ઘી કે ખોરું તેલ ખાવા કરતાં ઘી-તેલ વીના રહેવું વધારે પસંદ કરવા જેવું છે.

 

જેમ ચીકટની ખોરાકમાં જરુર છે તેમ જ ગોળખાંડની. જો કે મીઠાં ફળોમાંથી પુશ્કળ મીઠાશ મળી રહે છે છતાં બેથી ત્રણ તોલા ગોળખાંડ લેવામાં હાની નથી. મીઠાં ફળો ન મળે તો ગોળખાંડની જરુર હોય. પણ આજકાલ મીઠાઈ ઉપર જે ભાર મુકવામાં આવે છે તે બરોબર નથી. શહેરનાં માણસો બહુ વધારે મીઠાઈ ખાય છે. દુધપાક, બાસુદી, શીખંડ, પેંડા, બરફી, જલેબી વગેરે મીઠાઈઓ ખવાય છે. તે બધાં અનાવશ્યક છે. વધારે પ્રમાણમાં ખાવાથી નુકસાન કરે છે. જે દેશમાં કરોડો માણસોને પુરું અન્ન પણ નથી મળતું, ત્યાં જેઓ પકવાન ખાય છે તે ચોરીનું ખાય છે એમ કહેવામાં મને મુદ્દલ અતીશયોક્તી નથી લાગતી.

 

જેમ મીઠાઈનું તેમ જ ઘી-તેલનું. ઘી-તેલમાં તળેલી વસ્તુઓ ખાવાની કશી આવશ્યકતા નથી. પુરી, લાડુ વગેરે બનાવવામાં જે ઘીનો ખર્ચ થાય છે એ કેવળ વગર વીચાર્યું ખર્ચ છે. જેને ટેવ નથી તેઓ આ વસ્તુ ખાઈ જ શકતા નથી. અંગ્રેજો આપણા મુલકમાં આવે છે ત્યારે આપણી મીઠાઈઓ અને ઘીમાં રાંધેલી વસ્તુઓ ખાઈ જ નથી શકતા. ખાનારા માંદા પડ્યા છે એ મેં ઘણી વાર જોયું છે. સ્વાદો કેળવેલી વસ્તુ છે. જે સ્વાદ ભુખ પેદા કરે છે તે સ્વાદ છપ્પન ભોગમાં નથી. ભુખ્યો માણસ સુકો રોટલો અત્યંત સ્વાદથી ખાશે. જેનું પેટ ભર્યું છે તે સારામાં સારું ગણાતું પકવાન નહીં ખાઈ શકે.

 

તા. ૮-૯-૪૨

કેટલું અને કેટલી વખત ખાવું એ વીચારીએ. ખોરાકમાત્ર ઔષધરુપે લેવો જોઈએ; સ્વાદને ખાતર કદી નહીં. સ્વાદમાત્ર રસમાં રહ્યો છે, અને રસ ભુખમાં છે. હોજરી શું માગે છે એની ખબર બહુ થોડાને રહે છે, કેમ કે આદત ખોટી પડી ગઈ છે.

 

જન્મદાતા માતાપીતા કંઈ ત્યાગી અને સંયમી નથી હોતાં. તેમની ટેવો થોડેઘણે અંશે બચ્ચાંમાં ઉતરે છે. ગર્ભાધાન પછી માતા જે ખાય છે તેની અસર બાળક ઉપર પડે જ. પછી બાલ્યાવસ્થામાં માતા અનેક સ્વાદો કરાવે છે. પોતે ખાતી હોય એ બાળકોને ખવડાવે છે. એટલે હોજરીને ખોટી ટેવ બચપણથી જ પડેલી હોય છે. તેને વટી જનાર તો બહુ વીચારી થોડા જ હોઈ શકે. પણ જ્યારે મનુષ્યને ભાન થાય છે કે, તેના શરીરનો તે સંરક્ષક છે અને શરીર સેવાર્પણ થયું છે ત્યારે શરીરસુખાકારીના નીયમો જાણવાની તેને ઈચ્છા થાય છે, ને તે નીયમોનું પાલન કરવાનો તે મહાપ્રયાસ કરે છે.

 

તા. ૯-૯-૪૨

ઉપરની દૃષ્ટીએ બુદ્ધીજીવી મનુષ્યનો રોજનો ખોરાક નીચે પ્રમાણે યોગ્ય ગણાય:

  1. બે રતલ ગાયનું દુધ.
  2. છ ઔંસ એટલે પંદર તોલા અનાજ (ચોખા, ઘઉં, બાજરી ઈત્યાદી મળીને).
  3. શાકમાં પાંદડાં (પત્તી-ભાજી) ત્રણ ઔંસ અને પાંચ ઔંસ બીજાં શાક.
  4. એક ઔંસ કાચું શાક.
  5. ત્રણ તોલા ઘી કે ચાર તોલા માખણ.
  6. ત્રણ તોલા ગોળ કે સાકર.
  7. તાજાં ફળ જે મળે તે રુચી અને શક્તી પ્રમાણે. રોજ બે ખાટાં લીબું હોય તો સારું.

આ બધાં વજન કાચા એટલે વગર રાંધેલા પદાર્થનાં છે. નીમકનું પ્રમાણ નથી આપ્યું. રુચી પ્રમાણે ઉપરથી લેવું જોઈએ. ખાટા લીંબુનો રસ શાકમાં ભેળવાય અથવા પાણી સાથે પીવાય.

 

આપણે દીવસમાં કેટલી વાર ખાવું જોઈએ? ઘણા તો માત્ર બે જ વખત ખાય છે. સામાન્ય રીતે ત્રણ વખત ખવાય છે. સવારે કામે ચડતાં પહેલાં, બપોરે, ને સાંજે કે રાતે. આથી વધારે વખત ખાવાની કશી જરુર નથી હોતી. શહેરોમાં કેટલાક વખતોવખત ખાય છે. આ નુકસાનકારક છે. હોજરી આરામ માગે છે.

Advertisements

ટૅગ્સ:

One Response to “આરોગ્યની ચાવી ગાંધીજી-પ્રકરણ ૪ ખોરાક: Food”

  1. urvi Says:

    બહુ જ જાણકારી ભર્યો લેખ લખાયો છે. અધધધ સામગ્રીઑ…શાંતિથી વાંચીએ તો બહુ જ મજાનો લેખ લખ્યો છે. સુંદર લેખ બદલ ખૂબ ખૂબ આભાર

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: