આરોગ્યની ચાવી-ગાંધીજી- પ્રકરણ ૭. માદક પદાર્થો – Intoxicants

આરોગ્યની ચાવી-ગાંધીજી- પ્રકરણ ૭. માદક પદાર્થો – Intoxicants

માદક પદાર્થોમાં હીન્દુસ્તાનમાં મદીરા, ભાંગ, ગાંજો, તમાકુ અને અફીણ ગણી શકાય. મદીરામાં એ દેશમાં પેદા થતાં તાડી અને ‘એરક’ (મહુડાં) છે; અને પરદેશથી આવતા દારુઓનો કંઈ પાર નથી. આ બધા સર્વથા ત્યાજ્ય છે. મદીરાપાનથી માણસ ભાન ભુલે છે અને એ સ્થીતીમાં એ નકામો થઈ જાય છે. જેને શરાબની ટેવ વળગી છે તેઓ પોતે ખુવાર થયા છે ને પોતાનાંને ખુવાર કર્યાં છે. મદીરાપાન કરનાર બધી મર્યાદાને તોડે છે.

એવો એક પક્ષ છે જે બાંધેલા (મર્યાદીત) પ્રમાણમાં શરાબ પીવાનું સમર્થન કરે છે, અને તેથી ફાયદો થાય છે એમ કહે છે. મને એ દલીલમાં કંઈ વજુદ નથી લાગ્યું. પણ ઘડીભર એ દલીલનો સ્વીકાર કરીએ તો પણ અનેક માણસો જે એ મર્યાદામાં રહી જ નથી શકતા તેમને ખાતર પણ એ વસ્તુનો ત્યાગ કરવો ઘટે છે.

તાડીનું સમર્થન પારસી ભાઈઓ તરફથી પુશ્કળ થયું છે. તેઓ કહે છે કે, તાડીમાં માદકતા છે ખરી, પણ તાડી ખોરાક છે અને સાથે સાથે બીજા ખોરાકને હજમ કરવામાં મદદ કરનારી છે. આ દલીલ મેં બહુ વીચારી છે, અને એ વીશે સારી પેઠે વાંચ્યું છે. પણ તાડી પીનારા ઘણા ગરીબોની જે દુર્દશા મેં જોઈ છે તે ઉપરથી હું એવા નીર્ણય પર આવ્યો છું કે, મનુષ્યના ખોરાકમાં તાડીને કશું સ્થાન આપવાની જરુર નથી.

તા. ૯-૧૦-૪૨

જે ગુણોનું આરોપણ તાડીમાં કરવામાં આવે છે તે બધા આપણને બીજા ખોરાકમાંથી મળી રહે છે. તાડી ખજુરીના રસમાંથી બને છે. ખજુરીના શુદ્ધ રસમાં માદકતા મુદ્દલ નથી. શુદ્ધ રુપમાં એ નીરાને નામે ઓળખાય છે. એ નીરો એમ ને એમ પીવાથી ઘણાને સાફ દસ્ત આવે છે. મેં પોતે નીરો પી જોયો છે. મારી ઉપર મેં એવી અસર નથી અનુભવી. પણ તે ખોરાકની ગરજ બરોબર સારે છે. ચા વગેરેને બદલે માણસ નીરો સવારમાં પી લે તો તેને બીજું કંઈ પીવા કે ખાવાની જરુર ન રહેવી જોઈએ. નીરાને શેરડીના રસની જેમ ઉકાળવામાં આવે તો તેમાંથી બહુ સરસ ગોળ પેદા થાય છે. ખજુરી એ તાડની એક જાત છે. અનેક પ્રકારના તાડ દેશમાં વગર મહેનતે ઉગે છે. તે બધામાસંથી નીરો નીકળી શકે છે. નીરો એવો પદાર્થ છે કે જ્યાં નીકળ્યો ત્યાં જ તરત પીવાય જાય તો કંઈ જોખમ ન વહોરવું પડે. તેમાં માદકતા જલદી પેદા થઈ જાય છે. એટલે જ્યાં એનો વપરાશ તુરત થઈ ન શકે એમ હોય ત્યાં તેનો ગોળ કરી લેવામાં આવે, તો એ શેરડીના ગોળની ગરજ સારે છે. કેટલાકની માન્યતા એવી છે કે, એ શેરડીના ગોળ કરતાં વધારે ગુણકારી છે. તેમાં ગળપણ ઓછું હોવાથી શેરડીના ગોળ કરતાં વધુ માત્રામાં તે ખાઈ શકાય છે. ગ્રામોદ્યોગ સંઘની મારફત તાડગોળનો ઠીક પ્રમાણમાં પ્રચાર થયો છે. હજુ બહુ વધારે પ્રમાણમાં થવો જોઈએ. જે તાડોમાંથી તાડી બનાવવામાં આવે છે, તે તાડોમાંથી ગોળ બનાવવામાં આવે, તો હીન્દુસ્તાનમાં ગોળખાંડની તુટ આવે જ નહીં, અને ગરીબોને સસ્તે ભાવે ઉત્તમ ગોળ મળી શકે. તાડગોળમાંથી શર્કરા બની શકે છે અને તેમાંથી ચીની પણ બનાવી શકાય છે. પણ ગોળનો ગુણ સાકર અને ચીની કરતાં બહુ વધી જાય છે. ગોળમાં રહેલા ક્ષારો ચીનીમાં રહેતા નથી. જેમ ભુસી વીનાનો આટો કે ભુસી વીનાના ચાવલ તેમ ક્ષારો વીનાની સાકર સમજવી. ખોરાક જેમ તેની સ્વાભાવીક સ્થીતીમાં ખવાય તેમ તેમાંથી આપણને વધારે સત્ત્વ મળે છે, એમ કહી શકાય.

તાડીનું વર્ણન કરતાં સહેજે મારે નીરાનો ઉલ્લેખ કરવો પડ્યો અને તેને અંગે ગોળનો. પણ શરાબ વીશે હજુ કહેવાનું બાકી રહે છે.

શરાબથી થતી બદીનો જેટલો મને કડવો અનુભવ થયો છે, તેટલો જાહેર કામ કરનારા સેવકોમાંના કોઈને થયેલો મારી જાણમાં નથી. દક્ષીણ આફ્રીકામાં ગીરમીટ (અર્ધગુલામી)માં જતા હીંદીઓમાંના ઘણાને શરાબ પીવાની આદત પડેલી હોય છે. ત્યાંના કાયદા પ્રમાણે હીંદીથી શરાબ ઘેર ન લઈ જવાય. પીવો હોય તેટલો પીઠા ઉપર જઈને પીએ. બૈરાંઓ પણ તેનો ભોગ થયેલાં હોય છે. તેઓની જે દશા મેં જોઈ એ અત્યંત કરુણાજનક હતી. તે જોનાર કોઈ દીવસ દારુ પીવાનું સમર્થન ન કરે.

ત્યાંના હબસીઓને સામાન્યપણે પોતાની મુળ સ્થીતીમાં શરાબ પીવાની ટેવ નથી હોતી. તેઓનો તો દારુએ વીનાશ જ કર્યો છે એમ કહી શકાય. ઘણા હબસી મજુરો પોતાની કમાણી શરાબમાં હોમતા જોવામાં આવે છે. તેઓનું જીવન નીરર્થક બની જાય છે.

અને અંગ્રેજોનુ? સારા ગણાતા અંગ્રેજોને પણ મેં ગટરમાં આળોટતા જોયા છે. આ અતીશયોક્તી નથી. લડાઈને વખતે જેને ટ્રાન્સવાલ છોડવું પડ્યું હતું એવા ગોરાઓમાંથી એકને મેં મારે ત્યાં રાખ્યો હતો. એ એન્જીનીયર હતો. શરાબ ન પીધો હોય ત્યારે એનાં લક્ષણ બધાં સારાં હતાં. થીયોસોફીસ્ટ હતો. પણ તેને શરાબ પીવાની લત હતી. જ્યારે એ પીએ ત્યારે તે છેક દીવાનો થઈ જતો. તેણે શરાબ છોડવાનો ઘણો પ્રયત્ન કર્યો, પણ મારી જાણ પ્રમાણે છેવટ લગી તે સફળ ન થઈ શક્યો.

તા. ૧૦-૧૦-૪૨

દક્ષીણ આફ્રીકાથી દેશ આવ્યો ત્યારે પણ દુખદ અનુભવો જ થયા. કેટલાક રાજાઓ શરાબની કુટેવથી ખુવાર થયા છે અને થાય છે. જે રાજાઓને લાગુ પડે છે તે ઘણા ધનીક યુવકોને પણ ઓછાવત્તા પ્રમાણમાં લાગુ પડે છે. મજુર વર્ગની સ્થીતી તપાસીએ તો તે પણ દયાજનક જ છે. આવા કડવા અનુભવો પછી વાંચનાર આશ્ચર્ય નહીં પામે કે હું કેમ મદ્યપાનનો સખત વીરોધ કરું છું.

એક વાક્યમાં કહું તો મદ્યપાનથી મનુષ્ય શરીરે, મને અને બુદ્ધીએ હીન થાય છે ને પૈસાની ખુવારી કરે છે.

ટૅગ્સ: ,

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: