આરોગ્યની ચાવી- ગાંધીજી -પ્રકરણ ૯ તમાકુ – Tobacco

આરોગ્યની ચાવી- ગાંધીજી -પ્રકરણ ૯ તમાકુ – Tobacco

 

તમાકુએ તો આડો આંક વાળ્યો છે. તેના પંજામાંથી ભાગ્યે જ કોઈ છુટે છે. આખું જગત એક કે બીજે રુપે તેનું સેવન કરે છે. ટૉલ્સ્ટૉયે તો તેને બધાં વ્યસનોમાં ખરાબ ગણાવી છે. એ ઋષીનું વચન ધ્યાન આપવા યોગ્ય છે, કેમ કે તેમને શરાબ અને તમાકુનો બહોળો અનુભવ થયો હતો ને બંનેના ગેરફાયદા પોતે જાણતા હતા. એમ છતાં મારે કબુલ કરવું જોઈએ કે, શરાબ અને અફીણની જેમ તમાકુનાં માઠાં પરીણામો પ્રત્યક્ષ રુપે હું પોતે બતાવી નથી શકતો. એટલું કહી શકું કે, એનો ફાયદો હું એકેય જાણતો નથી. એ પીનાર મોટા ખર્ચમાં ઉતરે છે એ હું જાણું છું. એક અંગ્રેજ મેજીસ્ટ્રેટ તમાકુ ઉપર દર માસે પાંચ પાઉન્ડ એટલે રૂ. ૭૫ ખર્ચતો હતો. એનો પગાર દર માસે પચીસ પાઉન્ડ હતો. એટલે પોતાની કમાણીનો પાંચમો ભાગ (વીસ ટકા) ધુમાડામાં જતો હતો.

 

તમાકુ પીનારની વૃત્તી એવી બુઠ્ઠી થઈ જાય છે કે તે તમાકુ પીતી વેળાએ પડોશીની લાગણીનો ખ્યાલ નથી કરતો. રેલગાડીમાં મુસાફરી કરનારને એનો અનુભવ બરોબર મળે છે. તમાકુ નહીં પીનારથી તમાકુ પીવાથી નીકળતા ધુમાડા સહન નથી થઈ શકતા, પણ પીનાર ઘણે ભાગે પડોશીની લાગણીનો વીચાર નથી કરતો. તમાકુ પીનારને (ખાનારને) ઘણે ભાગે થુંકવું પડે છે. તે ગમે ત્યાં થુંકતાં સંકોચાતો નથી.

 

તમાકુ પીનારના મોંમાંથી એક પ્રકારની અસહ્ય બદબો નીકળે છે. એવો સંભવ છે કે તમાકુ પીનારની સુક્ષ્મ લાગણીઓ મરી જાય છે. એ મારવાને ખાતર માણસ તમાકુ પીતો થયો હોય એ સંભવે છે. એમાં તો શક નથી જ કે, તમાકુ પીવાથી એક જાતનો કેફ ચડે છે અને તે કેફમાં માણસ પોતાની ચીંતા કે પોતાનું દુખ ભુલે છે. ટૉલ્સ્ટૉયે પોતાના એક પાત્ર પાસે ઘોર કામ કરાવ્યું તેના પહેલાં તેને શરાબ પીવડાવ્યો. તેને કરવું હતું ભયંકર ખુન. શરાબની અસર થતાં છતાં તે ખુન કરતાં સંકોચાય છે. વીચાર કરતો કરતો સીગાર સળગાવે છે, તેના ધુમાડા કાઢે છે, ઉંચે ચડતો ધુમાડો નીહાળે છે, ને બોલી ઉઠે છે: “હું કેવો બીકણ છું! ખુન કરવું એ કર્તવ્ય છે તો પછી સંકોચ શો? ચાલ ઉઠ ને તારું કામ કર.” એમ તેની ડહોળાયેલી બુદ્ધીએ તેની પાસે નીર્દોષ માણસનું ખુન કરાવ્યું. હું જાણું છું કે આ દલીલથી બહુ અસર ન પડી શકે. બધા તમાકુ પીનાર કંઈ પાપી હોતા નથી. કરોડો પીનારા પોતાનું જીવન સામાન્યપણે સરળતાથી વીતાડે છે એમ કહી શકાય. છતાં વીચારવાને જરુર મજકુર દૃષ્ટાંતનું મનન કરવું ઘટે છે. ટૉલ્સ્ટૉયની મતલબ એ છે કે, તમાકુની અસરમાં આવી પીનાર ઝીણાં ઝીણાં પાપો કર્યા કરે છે.

 

હીન્દુસ્તાનમાં આપણે તમાકુ ફુંકીએ છીએ એટલું જ નહીં પણ તે સુંઘીએ છીએ, ને જરદાને રુપે તે ચાવીએ પણ છીએ. કેટલાક એમ માને છે કે, તમાકુ સુંઘવાથી લાભ થાય છે. વૈદ્ય-હકીમની સલાહથી તેઓ તમાકુ સુંઘે છે. મારો અભીપ્રાય છે કે તેની કશી જરુર નથી. તંદુરસ્ત માણસને આવી જરુર ન જ હોવી જોઈએ.

 

જરદો ખાનારનું તો કહેવું જ શું? તમાકુ ફુંકવી, સુંઘવી અને ખાવી એ ત્રણમાં ખાવી એ સૌથી વધારે ગંદી વસ્તુ છે. એમાં જે ગુણ મનાય છે એ કેવળ ભ્રમણા છે.

 

આપણામાં કહેવત છે કે, ખાય તેનો ખુણો; પીએ તેનું ઘર અને સુંઘે તેનાં લુગડાં એ ત્રણે બરાબર.

 

જરદો ચાવનાર સાવધાન હોય તે થુંકદાન રાખે છે ખરા, પણ ઘણાઓ પોતાના ઘરના ખુણામાં અથવા દીવાલ ઉપર થુંકતાં શરમાતા નથી. પીનાર ધુમાડાથી પોતાનું ઘર ભરી મુકે છે અને છીંકણી સુંઘનાર પોતાનાં કપડાં બગાડે છે. કોઈ પોતાની પાસે રુમાલ રાખે છે તે અપવાદરુપે છે. જેઓ આરોગ્યના પુજારી છે તે દૃઢ મન કરીને ગમે તે વ્યસનની ગુલામીમાંથી નીકળી જશે. ઘણાને આમાંનાં એક, બે કે ત્રણેય વ્યસનો હોય છે, એટલે તેને સુગ નથી ચડતી. પણ જો શાંત ચીત્તે વીચાર કરીએ તો ફુંકવાની ક્રીયામાં કે લગભગ આખો દીવસ જરદા કે પાનબીડાં વગેરેથી ગલોફાં ભરી રાખવામાં કે તમાકુની દાબડી ખોલી સુંઘવામાં કંઈ શોભા નથી. એ ત્રણે વ્યસનો ગંદાં છે.

Advertisements

ટૅગ્સ:

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: