આરોગ્યની ચાવી- ગાંધીજી- પ્રકરણ ૧૦ બ્રહ્મચર્ય – Celibacy

આરોગ્યની ચાવી- ગાંધીજી- પ્રકરણ ૧૦ બ્રહ્મચર્ય – Celibacy

બ્રહ્મચર્યનો મુળ અર્થ જે વડે બ્રહ્મ મળે એવી ચર્યા. સંયમ વીના બ્રહ્મ મળે જ નહીં. સંયમમાં સર્વોપરી ઈન્દ્રીયનીગ્રહ છે. સામાન્યપણે બ્રહ્મચર્ય એટલે સ્ત્રીસંગ ન કરવો ને વીર્યસંગ્રહ સાધવો. સર્વ ઈન્દ્રીયોનો સંયમ સાધનારને વીર્યસંગ્રહ સહજ ને સ્વાભાવીક થઈ પડે છે. સ્વાભાવીક રીતે થયેલો વીર્યસંગ્રહ જ ધારેલું ફળ આપે છે. એવો બ્રહ્મચારી ક્રોધાદીથી મુક્ત હોય, જ્યારે ઘણા કહેવાતા બ્રહ્મચારી ક્રોધી ને અહંકારી જોવામાં આવે છે. કેમ જાણે તેઓને ક્રોધ કરવાનો, અભીમાની થવાનો ઈજારો મળ્યો હોય નહીં!

 

એમ પણ જોવામાં આવે છે કે, બ્રહ્મચર્યના પાલનના સામાન્ય નીયમોની અવગણના કરીને તેઓ કેવળ વીર્યસંગ્રહ કરવાની આશા રાખે છે. તેઓ નીરાશ થયા છે ને કેટલાક તો દીવાના જેવા બને છે. બીજા નીસ્તેજ જોવામાં આવે છે. તેઓ વીર્યસંગ્રહ કરી શકતા નથી ને કેવળ સ્ત્રીસંગ ન કરવામાં સફલ થાય તો પોતાને કૃતાર્થ થયેલા માને છે. સ્ત્રીસંગ ન કરવાથી જ બ્રહ્મચર્યપ્રાપ્તી થઈ ન કહેવાય. જે એ રસને બાળી શકે છે તે પુરુષ કે સ્ત્રીએ જ પોતાની જનનેન્દ્રીય ઉપર જીત મેળવી ગણાય. તેની વીર્યરક્ષા એ બ્રહ્મચર્યનું સીધું ફળ છે, પણ તે સર્વસ્વ નથી. ખરા બ્રહ્મચારીની વાણીમાં, વીચારમાં ને આચારમાં તરી આવે એવો પ્રભાવ જોવામાં આવે છે.

 

આવું બ્રહ્મચર્ય સ્ત્રીઓના સાથેના સંબંધથી કે તેના સ્પર્શથી અભડાશે નહીં. એવા બ્રહ્મચારીને સારુ સ્ત્રીપુરુષનો ભેદ નહીંવત્ થઈ જાય છે. આ વાક્યનો કોઈ અનર્થ ન કરે. એનો ઉપયોગ સ્વેચ્છાચારને પોષવાને કદી ન થાય. જેની વીષયાસક્તી બળીને ખાખ થઈ ગઈ છે, તેના મનમાં સ્ત્રીપુરુષનો ભેદ ટળી જાય છે, ટળવો જોઈએ. તેના ખુબસુરતીના ખ્યાલ જુદું જ રુપ પકડે છે. તે બહારના આકારને જોશે જ નહીં. જેના આચાર ખુબસુરત છે તે સ્ત્રી હો કે પુરુષ ખુબસુરત છે. તેથી રુપાળી સ્ત્રીને જોઈને તે વીહ્વલ નહીં થાય. તેની જનનેન્દ્રીયે પણ જુદું રુપ લીધું હશે, એટલે કે તે સદાયને માટે વીકારરહીત થશે. એ વીર્યહીન થઈ નપુસંક નહીં થાય, પણ તેના વીર્યનું પરીવર્તન થવાથી તે નપુસંક જેવો લાગશે. નપુસંકના રસ નથી બળતા એમ સાંભળ્યું છે. જેઓએ મને કાગળ લખ્યા છે, તેઓમાંના કેટલાકનો પુરાવો એ છે કે, જેઓ જનનેન્દ્રીયની જાગૃતી ઈચ્છે છે પણ તેની જાગૃતી નથી થતી છતાં સ્રાવ થઈ જાય છે. રસ રહ્યા છે તેથી તે બળ્યા કરે છે. આવા પુરુષ ક્ષીણવીર્ય હોઈ નપુસંક થયા છે; અથવા તે નપુસંક થવાની તૈયારી કરી રહ્યા છે. આ દયામણી સ્થીતી છે. પણ પોતાના રસ બળી જવાથી જે ઉર્ધ્વરેતા થયા છે તેનું નપુસંકત્વ સાવ જુદુ જ છે, અને તે સર્વને સારુ ઈષ્ટ છે. આવા બ્રહ્મચારી જવલ્લે જ મળે છે. બ્રહ્મચર્ય પાલનનું મારું વ્રત સને ૧૯૦૬ની સાલમાં લેવાયું. એટલે તે પ્રયત્નને છત્રીસ વર્ષ થયાં. હું મારી વ્યાખ્યાને પુર્ણ રીતે નથી પહોંચ્યો, પણ મારી દૃષ્ટીએ મારી પ્રગતી સારી થઈ છે ને ઈશ્વરની કૃપા હશે તો પુર્ણ સફળતા દેહ પડ્યા પહેલાં પણ મળે. મારા પ્રયત્નમાં હું મંદ નથી પડ્યો. બ્રહ્મચર્યની આવશ્યકતા વીશેના મારા વીચાર વધારે દૃઢ થયા છે એટલું હું જાણું છું. કેટલાક મારા પ્રયોગો સમાજની આગળ મુકવા જેટલી સ્થીતીએ નથી પહોંચ્યા. જો મને સંતોષ થાય તેટલે અંશે સફળ થશે તો તે સમાજની પાસે મુકવાની આશા રાખું છું. કેમ કે હું માનું છું કે તેવી સફળતાથી પુર્ણ બ્રહ્મચર્ય કદાચ પ્રમાણમાં સહેલું થાય.

 

તા. ૧૧-૧૨ ૪૨

આ પ્રકરણમાં જે બ્રહ્મચર્યની ઉપર હું ભાર દેવા માગું છું તે વીર્યરક્ષા પુરતું છે. પુર્ણ બ્રહ્મચર્યના જે અમોઘ લાભ છે તે આમાંથી નહીં મળે. છતાં તેની કીંમત જેવીતેવી નહીં હોય. એના વીના પુર્ણ બ્રહ્મચર્ય અસંભવીત છે. અને એના વીના, એટલે વીર્યસંગ્રહ વીના પુર્ણ આરોગ્ય જાળવવું અશક્યવત્ સમજવું. જે વીર્યમાં બીજા મનુષ્યને પેદા કરવાની શક્તી છે તે વીર્યનું ફોકટ સ્ખલન થવા દેવું એ મહા અજ્ઞાનની નીશાની છે. વીર્યનો ઉપયોગ ભોગને સારુ નથી, પણ કેવળ પ્રજોત્પત્તીને સારુ છે, એ પુર્ણપણે સમજાય તો વીષયાસક્તીને સ્થાન જ નથી રહેતું. સ્ત્રીપુરુષ-સંગમ પાછળ બંને નરનારી પછડાઈ મરે છે તે બંધ થાય, વીવાહનો અર્થ બદલાય, ને તે જે રીતે આજે જોવામાં આવે છે તે તરફ આપણને તીરસ્કાર છુટે. વીવાહ એ સ્ત્રીપુરુષ વચ્ચેના હાર્દીક અને આત્મીક ઐક્યની નીશાની હોવો જોઈએ, વીવાહીત સ્ત્રીપુરુષ પુર્ણ બ્રહ્મચારી ગણાવાને લાયક છે જો તેઓ પ્રજોત્પત્તીના શુદ્ધ કારણ વીના કદી સંગ કરવાનો વીચાર જ ન સેવે તો. એવો સંગ બંનેની ઈચ્છા થતાં જ સંભવે. એ સંગ આવેશમાં ન થાય. કામાગ્ની શાંત કરવાને કદી નહીં. સંગને કર્તવ્ય માની તે થાય પછી ફરી સંગની ઈચ્છા સરખી ન થવી જોઈએ. આ લખાણને કોઈ હાસ્યજનક ન ગણે. છત્રીસ વર્ષના અનુભવ પછી આ લખી રહ્યો છું એ વાંચનાર યાદ રાખે. હું જાણું છું કે સામાન્ય અનુભવની વીરુદ્ધ આ લખાણ જાય છે. સામાન્ય અનુભવની પાર આપણે જેમ જેમ જઈએ છીએ તેમ તેમ પ્રગતી સંભવે છે. અનેક સારીનરસી શોધો થઈ છે તે સામાન્ય અનુભવની સામે થઈને જ શક્ય બની છે. ચકમકમાંથી દીવાસળી ને દીવાસળીમાંથી વીજળીની શોધ એક જ વસ્તુને આભારી છે. જે ભૌતીક વસ્તુને લાગુ પડે છે તે આત્મીકને પણ લાગુ પડે છે. પુર્વે વીવાહ જેવી વસ્તુ જ ન હતી. સ્ત્રી-પુરુષ-સંગ ને પશુઓના સંગમાં ફરક ન હતો. સંયમ જેવી વસ્તુ ન હતી. કેટલાક સાહસીક માણસોએ સામાન્ય અનુભવને ઓળંગીને સંયમધર્મ શોધ્યો. એ સંયમધર્મ ક્યાં સુધી જઈ શકે છે એના પ્રયોગ કરવાનો આપણને અધીકાર છે ને તેમ કરવાનું કર્તવ્ય પણ છે. એટલે મારું કહેવું છે કે, મનુષ્યનું કર્તવ્ય સ્ત્રી-પુરુષ-સંગને હું સુચવું છું તે કક્ષાએ પહોંચવાનું છે, તે હસી કાઢવા જોગ નથી. તે સાથે મારું એ પણ સુચન છે કે, જો મનુષ્ય જીવન જેમ ઘડાવું જોઈએ તેમ ઘડાય તો વીર્યસંગ્રહ સ્વાભાવીક વસ્તુ થવી જોઈએ.

 

નીત્ય ઉત્પન્ન થતા વીર્યનો પોતાની માનસીક, શારીરીક અને આધ્યાત્મીક શક્તી વધારવામાં ઉપયોગ કરી લેવો જોઈએ. જે આમ ઉપયોગ કરતાં શીખે છે તે પ્રમાણમાં ઘણા ઓછા ખોરાકથી પોતાના શરીરને બાંધી શકશે. અલ્પાહારી હોવા છતાં તે શારીરીક શ્રમમાં કોઈથી ઉતરશે નહીં. માનસીક શ્રમમાં તેને ઓછામાં ઓછો થાક લાગશે. ઘડપણમાં આપણે જે ચીહ્ન જોઈએ છીએ તે આવા બ્રહ્મચારીમાં જોવામાં નહીં આવે. જેમ પાકેલું પાંદડું કે ફળ સહેજે ખરી પડે છે તેમ પોતાનો સમય આવ્યે માણસ સર્વ શક્તી ધરાવતો છતો ખરી પડશે. આવા માણસનું શરીર વખત જતાં ભલે ક્ષીણ દેખાય, પણ તેની બુદ્ધી ક્ષીણ થવાને બદલે નીત્ય વીકસવી જોઈએ. તેના તેજમાં પણ વધારો જ થવો જોઈએ. આ ચીહ્ન જેના વીશે ન જોવામાં આવે તેના બ્રહ્મચર્યમાં તેટલી ન્યુનતા સમજવી. તેણે વીર્યસંગ્રહની કળા નથી સાધી. આ બધું સાચું હોય – ને મારો દાવો છે કે સાચું છે – તો આરોગ્યની ખરી ચાવી વીર્યસંગ્રહમાં રહેલી છે.

 

તા. ૧૨-૧૨-૪૨

વીર્યસંગ્રહના થોડા મોટા નીયમો હું જાણું છું તે અહીં આપું છું:

 

૧. વીકારમાત્રની જડ વીચારમાં રહેલી છે, તેથી વીચારો ઉપર કાબુ મેળવવો. એનો ઉપાય એ છે કે, મનને ખાલી ન રહેવા દેવું, સારા ને  ઉપયોગી વીચારોથી ભરી મેલવું. અર્થાત્ પોતે જે કાર્યમાં રોકાયેલા હોય તેને વીશે ફીકર ન વેઠવી, પણ તેમાં કઈ રીતે નીપુણતા મળે એ વીચારવું ને તેનો અમલ કરવો. વીચાર અને તેનો અમલ વીકારોને રોકશે. પણ આખો વખત કામ નથી હોતું. મનુષ્ય થાક ખાય છે, શરીર આરામ માગે છે, રાતના ઉંઘ નથી આવતી, ત્યારે વીચારોના હુમલા સંભવે. આવા પ્રસંગોમાં સૌથી સર્વોપરી સાધન જપ છે. ભગવાનને જે રુપે અનુભવ્યો હોય અથવા અનુભવવાની ધારણા રાખી હોય, તે રુપને હૃદયમાં રાખીને તે નામનો જપ કરવો. જપ ચાલતો હોય ત્યારે બીજું કંઈ મનમાં ન હોવું જોઈએ. આ આદર્શ સ્થીતી છે. તેને ન પહોંચાય અને અનેક અણનોતરેલા વીચારો ચડાઈ કરતા હોય તેથી થાકવું નહીં, પણ શ્રદ્ધાપુર્વક જપ જપ્યા કરવો. તેના અંતે વીજય છે જ એમ નીશ્ચયપુર્વક માનવું એટલે વીજય થશે જ.

 

૨. વીચાર તેમ વાચા ને વાચન વીકારોને શમાવનારાં હોવાં જોઈએ. તેથી બોલમાત્ર તોળીને બોલવો, જેને બીભત્સ વીચાર ન આવે તેને મુખેથી બીભત્સ બોલી નીકળે જ નહીં.

 

વીષયને પોષનારું બહોળું સાહીત્ય પડ્યું છે. તેની તરફ મનને કદી જવા ન દેવું. સદ્ગ્રંથો અથવા પોતાના કાર્યને લગતા ગ્રંથો વાંચવા, તેનું મનન કરવું. ગણીતાદીને અહીં મોટું સ્થાન છે. દેખીતું છે કે જે વીકારોનું સેવન નથી ઈચ્છતો તે વીકારને પોષે એવા ધંધાનો ત્યાગ સેવશે.

 

૩. જેમ મગજ રોકાયેલું હોય તેમ જ શરીર રોકાયેલું હોવું જોઈએ – એવું કે રાત પડ્યે માણસને જે સુંદર થાક ચડેલો હોય તે પથારીમાં પડ્યો કે તુરત તેને નીદ્રાવશ કરે. એવાં સ્ત્રીપુરુષની નીદ્રા શાંત અને નીસ્વપ્ન હોય છે. જેટલું ખુલ્લામાં મહેનત કરવાનું મળે તેટલું વધારે સારું. જેને આવી મહેનત ન જ સાંપડે તેવાઓએ અચુક કસરત કરવી. ઉત્તમોત્તમ કસરત ખુલ્લી હવામાં વેગે ફરવાની છે. ફરતાં મોઢું બંધ હોય, શ્વાસ નાકેથી જ લેવાય. ચાલતાં બેસતાં શરીર ટટાર જ હોય. જેમતેમ બેસવું કે ચાલવું એ આળસની નીશાની છે. આળસમાત્ર વીકારનું પોષક છે. આસનોનો અહીં ઉપયોગ છે. જેના હાથ, પગ, નાક, કાન, જીભ ઈત્યાદી પોતાનાં યોગ્ય કામ યોગ્ય રીતે કરે છે, તેની જનનેન્દ્રીય કદી ઉપદ્રવ કરતી જ નથી, એ અનુભવ વાક્ય સૌ કોઈ માને એવી આશા રાખું છું.

 

૪. જેવો આહાર તેવો આકાર. જે માણસ અત્યાહારી છે, જેના આહારમાં કશો વીવેક નથી, તે પોતાના વીકારોનો ગુલામ છે. જે સ્વાદને ન જીતે તે ઈન્દ્રીયજીત કદી નહીં થઈ શકે. તેથી માણસે યુક્તાહારી ને અલ્પાહારી બનવું ઘટે છે. શરીર આહારને સારુ નથી, આહાર શરીરને સારુ છે. અને શરીર પોતાને ઓળખવા સારુ બન્યું છે. પોતાને ઓળખવો એટલે ઈશ્વરને ઓળખવો. એ ઓળખને જેણે પોતાનો પરમ વીષય બનાવ્યો છે, તે વીકારોને વશ નહીં થાય.

 

૫. પ્રત્યેક સ્ત્રીને માતા, બહેન કે દીકરી તરીકે જોવી. કોઈ પુરુષ પોતાની મા, બહેન કે દીકરી ઉપર વીકારી નજરે નહીં જુએ. સ્ત્રી પ્રત્યેક પુરુષને પીતા, ભાઈ કે દીકરા તરીકે જુએ.

 

મારાં બીજાં લખાણોમાં મેં વધારે નીયમો આપ્યા છે તે બધાનો સમાવેશ  પાંચમાં થઈ જાય છે. તેનું પાલન કરવાને સારુ મહાન વીકારને જીતવો બહુ સહેલું થઈ પડવું જોઈએ. જેને બ્રહ્મચર્ય પાળવાની ધગશ છે તે, એ પાલન અસંભવીત છે અથવા કરોડોમાંથી કોઈક જ પાળી શકે, એમ માનીને તેનો પ્રયત્ન નહીં છોડે. જે રસ તેના પાલનમાં છે તે બીજી કશી વસ્તુમાં નથી. હું બીજી રીતે કહું તો એમ કહેવાય કે, જે આનંદ ખરી રીતે નીરોગી શરીર ભોગવે છે તે આનંદ બીજી કશી વસ્તુમાં નથી, ને કોઈ શરીરને તે નીરોગીતા નહીં સાંપડે જે વીકારનું ગુલામ છે.

 

કૃત્રીમ અંકુશ : હવે કૃત્રીમ ઉપાયો વીશે થોડું લખું. ભોગ ભોગવવા છતાં કૃત્રીમ ઉપાયોથી પ્રજોત્પત્તી અટકાવવાની પ્રથા જુની છે. પણ પુર્વે તે છુપી રીતે ચાલતી. આ સુધારાના જમાનામાં તેને ઉંચું સ્થાન મળ્યું છે, ને ઉપાયો પણ પદ્ધતીસર રચાયા છે. એ પ્રથાને પરમાર્થની ઓઢણી ઓઢાડવામાં આવી છે. તેના હીમાયતી કહે છે કે, ભોગેચ્છા એક કુદરતી વસ્તુ છે, કદાચ તેને બક્ષીસને નામે પણ ઓળખાવાય. તેને કાઢવી અશક્ય છે, તેની ઉપર સંયમનો અંકુશ મુકવો મુશ્કેલ છે. અને જો સંયમ સીવાય બીજો કોઈ ઉપાય ન યોજવામાં આવે તો અસંખ્ય સ્ત્રીઓની ઉપર પ્રજોત્પત્તીનો ભાર પડે, ને ભોગથી ઉત્પન્ન થતી પ્રજા એટલી વધી પડે કે મનુષ્ય જાતીને સારુ એટલો ખોરાક જ ન મળી શકે. આ બે આપત્તીઓને અટકાવવા સારુ કૃત્રીમ ઉપાયો યોજવાનો માનવધર્મ થઈ પડે છે. મને આ દલીલમાં વજુદ નથી લાગ્યું, કેમ કે એ ઉપાયોથી બીજી ઉપાધીઓ મનુષ્ય વહોરી લે છે; અને સૌથી મોટું નુકસાન તો એ છે કે, સંયમધર્મનો લોપ થવાનો ભય પેદા થશે. એ રત્ન વેચી ગમે તેવો તાત્કાલીક લાભ થતો હોય તો તે જતો કરવો જોઈએ. પણ આ સ્થાને હું દલીલમાં ઉતરવા નથી ઈચ્છતો. જીજ્ઞાસુને મારી ભલામણ છે કે ‘નીતિનાશને માર્ગે’ નામનું મારું પુસ્તક મેળવે ને તેનું મનન કરે ને પછી તેના હૃદય ને બુદ્ધી જે કહે તે પ્રમાણે ચાલે. જેને એ પુસ્તક વાંચવાની ઈચ્છા કે ફુરસદ ન હોય તે ભુલેચુકે પણ  કૃત્રીમ ઉપાયોની પડખે ન ચડે. ભોગનો ત્યાગ કરવાનો ભગીરથ પ્રયત્ન કરે અને નીર્દોષ આનંદનાં ક્ષેત્રો છે તેમાંથી થોડાં પસંદ કરે. ખરો દંપતીપ્રેમ શુદ્ધ માર્ગે જાય, બંને ઉંચે ચડે એવાં કાર્યો શોધે, કે જેમાંથી વીષયવાસના સેવવા જેટલો અવકાશ જ ન મેળવી શકે. શુદ્ધ ત્યાગના થોડા અભ્યાસ પછી તેમાં રહેલો રસ તેમને વીષય ભણી જવા જ નહીં દે. મુશ્કેલી આત્મવંચનામાં પેદા થાય છે. ત્યાગનો આરંભ વીચારશુદ્ધીથી નથી થતો પણ કેવળ બાહ્યાચારને રોકવાના ફોકટ પ્રયત્નથી થાય છે. વીચારની દૃઢતાની સાથે આચારનો સંયમ શરુ થાય તો સફળતા મળ્યા વીના ન જ રહે. સ્ત્રીપુરુષની જોડી વીષયસેવન સારુ કદી તૈયાર નથી થઈ.

Advertisements

ટૅગ્સ:

2 Responses to “આરોગ્યની ચાવી- ગાંધીજી- પ્રકરણ ૧૦ બ્રહ્મચર્ય – Celibacy”

  1. sajedkhan1111 Says:

    tahnkh you sir ji

    ________________________________

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: