આરોગ્યની ચાવી- ગાંધીજી- પ્રકરણ ૧- ભાગ બીજો- પૃથ્વી એટલે માટી – Earth

આરોગ્યની ચાવી- ગાંધીજી- પ્રકરણ ૧- ભાગ બીજો- પૃથ્વી એટલે માટી – Earth

 

તા. ૧૩-૧૨-૪૨

આ પ્રકરણો લખવાનો હેતુ નૈસર્ગીક ઉપચારોનું મહત્ત્વ બતાવવાનો અને તેનો ઉપયોગ મેં કેવી રીતે કર્યો છે એ બતાવવાનો છે. એ વીશે થોડું તો ગત પ્રકરણોમાં કહેવાઈ ગયું છે. અહીં કંઈક વીસ્તારથી કહેવું છે. જે તત્ત્વોનું મનુષ્યરુપી પુતળું બન્યું છે, તે જ નૈસર્ગીક ઉપચારનાં સાધન છે. પૃથ્વી (માટી), પાણી, આકાશ (અવકાશ), તેજ (સુર્ય) ને વાયુનું આ શરીર છે. તે સાધનોનો ક્રમપુર્વક ઉપયોગ સુચવવાનો આ પ્રયત્ન છે.

 

સન ૧૯૦૧ની સાલ લગી મને કંઈ વ્યાધી થાય તો હું દાક્તરોની પાસે તો ન દોડતો, પણ તેઓની દવાનો થોડો ઉપયોગ કરતો. એક-બે વસ્તુ સ્વ. દાક્તર પ્રાણજીવન મહેતાએ બતાવી હતી. થોડો અનુભવ નાનકડી ઈસ્પીતાલમાં કામ કરતો ત્યાં મળેલો. બીજું વાચનથી પામેલો તે. મને મુખ્ય પજવણી બંધકોષની હતી. તેને સારુ વખતોવખત ફ્રુટ સૉલ્ટ લેતો. તેથી કંઈક આરામ મળતો, પણ નબળો થતો. માથું દુખે. બીજા પણ નાના ઉપદ્રવો થાય, એટલે દાક્તર પ્રાણજીવન મહેતાએ બતાવેલી દવા લોહ (ડાયલાઈઝ્ડ) અને નક્સવામીકા લેતો. તેથી સંતોષ ન થતો.

 

આ અરસામાં ખોરાકના મારા પ્રયોગો તો ચાલતા જ હતા. નૈસર્ગીક ઉપચારોમાં મને સારી પેઠે વીશ્વાસ હતો, પણ કોઈની મદદ ન હતી. છુટુંછવાયું વાંચેલું તે ઉપરથી મુખ્યત્વે ખોરાકના ફેરફાર ઉપર નભતો. પુશ્કળ ફરવાનું રાખતો તેથી કોઈ દીવસ ખાટલો સેવવો નહોતો પડ્યો. આમ મારું રગશીયું ગાડું ચાલતું હતું. તેવામાં જુસ્ટનું रीटर्न टु नेचर નામનું પુસ્તક ભાઈ પોલાકે મારા હાથમાં મુક્યું. તે પોતે તેના ઉપચારો નહોતા કરતા. ખોરાક જુસ્ટે બતાવેલો કંઈક અંશે લેતા. પણ મારી ટેવો જાણે તેથી તેણે મારી પાસે મજકુર પુસ્તક મુક્યું. તેમાં મુખ્યત્વે ભાર માટી ઉપર મુક્યો છે. મને લાગ્યું કે એનો ઉપયોગ મારે કરી લેવો જોઈએ. બંધકોષમાં સાફ માટીને ઠંડા પાણીમાં પલાળી તે પેડુ ઉપર મુકવી. જુસ્ટની ભલામણ માટી કંઈ કપડા વીના પેડુ ઉપર મુકવાની છે, પણ મેં તો ઝીણા કપડામાં જેમ પોલ્ટીસ મુકીએ તેમ પોલ્ટીસ બનાવીને આખી રાતભર પેડુ ઉપર રાખી. સવારે ઉઠ્યો, તો દસ્તની હાજત હતી ને જતાં તુરત દસ્ત બંધાયેલો ને સંતોષકારક આવ્યો. તે દીવસથી તે આજ લગી એમ કહી શકાય કે હું ફ્રુટ સૉલ્ટને ભાગ્યે જ અડ્યો હોઈશ. જરુર જણાયે કોઈક વાર એરંડીયું તેલ નાનો ચમચો પોણો સવારના લઉં છું ખરો. આ માટીની લોપરી ત્રણ ઈંચ પહોળી અને છ ઈંચ લાંબી હોય છે. બાજરાના રોટલાથી બમણી જાડી અથવા અડધો ઈંચ કહો. જુસ્ટનો દાવો છે કે, જેને ઝેરી સાપ ડંખ્યો હોય તેને જો માટીનો ખાડો કરી (માટીથી ઢાંકીને) તેમાં સુવાડવામાં આવે તો તે ઝેર ઉતરે છે. એવો દાવો સાબીત થાઓ કે ન થાઓ, પણ મેં જાતે જ ઉપયોગ કર્યો છે તે તો કહી જાઉં. માથું દુખતું હોય તો માટીની લોપરી મુકવાથી ઘણે ભાગે ફાયદો થયેલો મેં અનુભવ્યો છે. સેંકડોની ઉપર આ  પ્રયોગ કર્યો છે. માથું દુખવાનાં અનેક કારણો હોય છે એ જાણું છું. સામાન્યપણે એમ કહી શકાય કે, ગમે તે કારણથી માથું દુખતું હોય છતાં માટીની લોપરી તાત્કાલીક લાભ તો આપે જ છે. સામાન્ય ફોડા થયા હોય તેને પણ માટી મટાડે છે. વહેતા ફોડા ઉપર પણ મેં તો માટી મુકેલી છે. એવા ફોડા ઉપર મુકવાને સારુ સાફ કપડું લઈ તેને હું પરમૅંગેનેટના ગુલાબી પાણીમાં બોળું છું, ને ફોડાને સાફ કરીને ત્યાં માટીની લોપરી મુકું છું. ઘણે ભાગે ફોડા મટે જ છે. જેને સારુ મેં એ અજમાવેલ છે તેમાં કોઈ નીષ્ફળ ગયેલો કેસ મને યાદ નથી આવતો. ભમરી વગેરેના ડંખમાં માટી તુરત જવાબ આપે છે. વીંછીના ડંખમાં મેં માટીનો ખુબ ઉપયોગ કર્યો છે. સેવાગ્રામમાં વીંછીનો ઉપદ્રવ હંમેશની ચીજ થઈ પડેલ છે. જાણીતા બધા ઈલાજો ત્યાં રાખ્યા છે. કોઈને વીશે એમ ન કહી શકું કે તે તો અચુક ફાયદો કરે જ છે. કોઈ ઈલાજોથી માટી ઉતરતી નથી એટલું કહી શકાય.

 

તા. ૧૪-૧૨-૪૨

સખત તાવમાં માટીનો ઉપયોગ પેડુ ને માથા ઉપર, જો માથું દુખતું હોય તો કર્યો છે. તેથી હંમેશાં તાવ ગયો જ છે એમ ન કહી શકાય, પણ દરદીને તેથી શાંતી તો થઈ જ છે. ટાઈફૉઈડમાં મેં માટીનો બહોળો ઉપયોગ કર્યો છે. તે તાવ તેની મુદતે જ જાય છે, પણ માટીએ હંમેશાં દરદીને શાંતી આપી છે, ને બધા દરદીએ માટી માગી લીધી છે. સેવાગ્રામમાં દસેક કેસ ટાઈફૉઈડના થઈ ગયા. એક પણ કેસ ખોટો નથી થયો. ટાઈફૉઈડનો ભય સેવાગ્રામમાં નથી રહ્યો. એકેય કેસમાં દવાનો ઉપયોગ નથી કર્યો એમ કહી શકું. માટી ઉપરાંત બીજા નૈસર્ગીક ઉપચારો કર્યા છે ખરા. તે એને સ્થાને આપવા ધારું છું.

 

માટીનો ઉપયોગ છુટથી ઍન્ટીફ્લોજીસ્ટીનને બદલે સેવાગ્રામમાં કર્યો છે. તેમાં થોડું તેલ (સરસીયું) ભેળવવામાં આવે છે. એ માટીને સારી પેઠે ગરમ કરવી પડે છે, એટલે તે બીલકુલ નીર્દોષ બની જાય છે.

 

માટી કેવી હોવી જોઈએ એ કહેવાનું રહે છે. મારો પ્રથમ પરીચય તો ચોખ્ખી લાલ માટીનો હતો. પાણી મેળવવાથી એમાંથી સુગંધ છુટે છે. આવી માટી સહેજે મળતી નથી. મુંબઈ જેવા શહેરમાં તો કોઈ પણ પ્રકારની માટી મેળવવી મને તો મુશ્કેલ પડ્યું છે. માટી ચીકણી ન હોવી જોઈએ. છેક રેતાળ પણ નહીં. માટી ખાતરવાળી ન જ હોવી જોઈએ. સુંવાળી રેશમ જેવી હોવી જોઈએ. તેમાં કાંકરી ન હોવી જોઈએ. તેથી એને છેક ઝીણી ચાળણીમાં ચાળવી જોઈએ. તદ્દન સાફ ન લાગે તો માટીને શેકવી. માટી છેક સુકી હોવી જોઈએ. ભીની હોય તો તેને તડકે કે અંગાર ઉપર સુકવવી. સાફ ભાગ ઉપર વાપરેલી માટી સુકવી નાખ્યા પછી વારંવાર વાપરી શકાય. આમ વાપરવાથી માટીનો કોઈ ગુણ ઓછો થતો હોય તો હું જાણતો નથી. મેં આમ વાપરી છે ને તેનો ગુણ ઓછો થયો એવું અનુભવ્યું નથી. માટીનો ઉપયોગ કરનારાઓ તરફથી સાંભળ્યું છે કે, જમનાને કીનારે પીળી માટી મળે છે તે બહુ ગુણકારી છે.

 

સાફ ઝીણી દરીયાઈ રેતી એક બરની ખાવાનો પ્રયોગ દસ્ત લાવવાને સારુ કરાય છે, એમ ક્યુનેએ લખેલું છે. માટીનું વર્તન આમ બતાવવામાં આવ્યું છે : માટી કંઈ પચતી નથી. એને તો કચરાની જેમ બહાર નીકળવાનું જ છે. તે નીકળતા મળને પણ બહાર લાવે છે. આ વસ્તુ મારા અનુભવની બહાર છે, એટલે જે પ્રયોગો કરવા ધારે તેણે વીચારપુર્વક પ્રયોગ કરવો. એક-બે વેળા અજમાવી જોવાથી કંઈ નુકસાન થવાનો સંભવ નથી.

Advertisements

ટૅગ્સ:

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: