આરોગ્યની ચાવી- ભાગ બીજો-ગાંધીજી- પ્રકરણ ૨. પાણી – Water

આરોગ્યની ચાવી- ભાગ બીજો-ગાંધીજી- પ્રકરણ ૨. પાણી – Water

 

પાણીના ઉપચાર જાણીતી તેમ જ પુરાણી વસ્તુ છે. તેને વીશે ઘણાં પુસ્તકો લખાયાં છે. ક્યુનેએ તેનો ઉત્તમ ઉપયોગ શોધ્યો છે. એનું પુસ્તક હીન્દુસ્તાનમાં બહુ પ્રસીદ્ધીને પામ્યું છે. તેનો તરજુમો પણ આપણી ભાષાઓમાં થયો છે. એના વધારેમાં વધારે અનુયાયી આંધ્ર દેશમાં મળે છે. ક્યુનેએ ખોરાક વીશે પણ સારી પેઠે લખ્યું છે. અહીં તો હું પાણીના ઉપચારો વીશે જ લખવા ધારું છું.

 

ક્યુનેના ઉપચારમાં મધ્યબીન્દુ કટીસ્નાન અને ઘર્ષણસ્નાન છે. તેને સારુ તેણે ખાસ વાસણ પણ યોજ્યું છે. એની ખાસ આવશ્યકતા નથી. મનુષ્યના કદ પ્રમાણે ત્રીસથી છત્રીસ ઈંચનું (૭૫થી ૯૦ સે.મી.નું) ટબ બરોબર કામ આપે છે. અનુભવ પ્રમાણે મોટું જોઈએ તો મોટું લેવું. તેમાં ઠંડું પાણી ભરવું. ઉનાળામાં ખાસ ઠંડું રાખવાની જરુર છે. તુરત ઠંડુ કરવું હોય તો, ને મળે તો, થોડો બરફ નાખવો. વખત હોય તો માટીના ઘડામાં ઠારેલું પાણી બરોબર કામ આપે છે. ટબમાં પાણી ઉપર કપડું ઢાંકી ઝપાટાબંધ પંખો કરવાથી તુરત ઠંડું કરી શકાય.

 

ટબ ભીંતને અઢેલીને રાખવું ને તેમાં પીઠને આધાર મળે એવું લાંબું પાટીયું રાખવું, જેથી તેને અઢેલીને દરદી આરામથી બેસી શકે. આ પાણીમાં પગ બહાર રાખીને દરદી બેસે. પાણીની બહારનો શરીરનો ભાગ ઢાંકેલો રાખવો જોઈએ, જેથી ઠંડી ન વાય. જે કોટડીમાં ટબ રાખવામાં આવે તેમાં હવાની આવજા અને અજવાળું હોવાં જ જોઈએ. દરદીના આરામપુર્વક બેઠા પછી તેના પેડુ ઉપર એક નરમ ટુવાલ વતી ધીમું ઘર્ષણ કરવું. પાંચ મીનીટથી ત્રીસ મીનીટ લગી બેસી શકાય. સ્નાન થયા પછી ભીનો ભાગ સુકવીને દરદીને સુવાડી દેવો જોઈએ. આ સ્નાન ઘણો સખત તાવ હોય તેને પણ ઉતારે છે. આ પ્રમાણે સ્નાન લેવામાં નુકસાન તો છે જ નહીં, અને લાભ પ્રત્યક્ષ મળે છે. સ્નાન ભુખ્યે પેટે જ લેવાય છે. બંધકોષમાં પણ આ સ્નાન ફાયદો કરે છે. અજીર્ણને મટાડે છે. સ્નાન લેનારના શરીરમાં કાંટા આવે છે. બંધકોષને સારુ કટીસ્નાન પછી અરધો કલાક આંટા મારવાની ભલામણ છે. આ સ્નાનનો મેં બહોળો ઉપયોગ કર્યો છે. બધી વેળા સફળ થયો છે એમ નહીં કહી શકું, પણ સોમાંથી પંચોતેર ટકામાં સફળતા મળી છે એમ કહી શકું. તાવ બહુ ચડ્યો હોય ત્યારે તો, ને દરદીને ટબમાં બેસાડી શકાય એવી સ્થીતી હોય તો, તાવ બે-ત્રણ દોરા તો જરુર ઉતરશે. સન્નીપાતનો ભય મટશે.

 

આ સ્નાનને વીશે ક્યુનેની દલીલ આ છે: રોગનું ગમે તે બાહ્ય ચીહ્ન હોય, પણ તેનું આંતરીક કારણ એક જ હોય છે. આંતરડાનો તાવ અંદરની ગરમીને અનેક રુપે બહાર પ્રગટાવે છે. આ આંતરીક તાવ કટીસ્નાનથી અવશ્ય ઉતરે છે ને તેથી બહારના અનેક ઉપદ્રવો શાંત થાય છે. આ દલીલમાં કેટલું તથ્ય છે એ હું ન કહી શકું. એ તો અનુભવી દાક્તરો બતાવી શકે. પણ, જો કે નૈસર્ગીક ઉપચારોમાંથી કંઈ દાક્તરોએ લીધેલું છે છતાં એમ કહી શકાય કે એ ઉપચારો વીશે તેઓ  ઉદાસીન રહ્યા છે. આમાં બંને પક્ષના દોષ હું જોઉં છું. દાક્તરો પોતાની શાળા વાટે જે શીખે તે જ જોવાની ટેવ કેળવે છે, એટલે બહારનું જે હોય તેને વીશે તીરસ્કાર નહીં તો ઉદસીનતા તો અવશ્ય બતાવે છે. નૈસર્ગીક ઉપચારકો દાક્તરને વીશે તીરસ્કાર કેળવે છે, અને પોતાની પાસે શાસ્ત્રીય જ્ઞાન ઘણું ઓછું હોવા છતાં દાવો બહુ મોટો કરે છે. ઉપચારકો સંઘશક્તી કેળવતા નથી. કેમ કે સહુને પોતાની પાસે રહેલી મુડીથી સંતોષ છે. તેથી બે સાથે મળીને કામ નથી કરી શકતા. કોઈના પ્રયોગ ઉંડે જતા નથી. કોઈ નમ્રતા કેળવતા નથી. (નમ્રતા કેળવી શકાતી હશે ખરી?) આમ કહીને હું નૈસર્ગીક ઉચારકોને વગોવવા નથી ઈચ્છતો. વસ્તુસ્થીતી બતાવું છું. જ્યાં સુધી એઓમાંથી કોઈ અત્યંત તેજસ્વી માણસ ઉત્પન્ન નહીં થાય ત્યાં લગી સ્થીતી બદલાવાનો સંભવ થોડો છે. સ્થીતી બદલવાનો બોજો ઉપચારકો ઉપર છે. દાક્તરો પાસે પોતાનું શાસ્ત્ર છે, પોતાની પ્રતીષ્ઠા છે, પોતાનો સંઘ છે, પોતાની શાળાઓ છે. અમુક અંશે સફળતા પણ મળે છે. તેઓ પાસેથી અજાણી વસ્તુ એકાએક ગ્રહણ કરવાની આશા ન રાખવી ઘટે.

 

દરમ્યાન સામાન્ય માણસે આટલું સમજી લેવું બસ છે. નૈસર્ગીક ઉપચારના ગુણ તેના નામ પ્રમાણે છે. કેમ કે તે કુદરતી છે એટલે અણઘડ માણસ નીશ્ચીંતપણે તેનો ઉપયોગ કરી શકે છે. માથું દુખ્યું તો ટાઢા પાણીમાં બોળીને ભીનો રુમાલ માથે મુકવામાં નુકસાન થાય જ નહીં. માટીનો ઉપયોગ કરી ભીનાશની ઉપયોગીતામાં આપણે વધારો કરી શકીએ.

 

હવે ઘર્ષણસ્નાન ઉપર આવું. જનનેન્દ્રીય બહુ નાજુક ઈન્દ્રીય છે. તેની ઉપરની ચામડીના છેડામાં કંઈક અદ્ભુત વસ્તુ રહેલી છે. તેનું વર્ણન કરતાં તો મને નથી આવડતું. આ જ્ઞાનનો લાભ લઈને ક્યુનેએ કહ્યું છે કે, ઈન્દ્રીયોના છેડા ઉપર (પુરુષના કેસમાં ઘુંમટ ઉપર ચામડી ચડાવી લઈને) તેની ઉપર નરમ રુમાલ ભીંજવીને તેની ઉપર પાણી રેડતા જવું ને ઘસતા જવું. ઉપચારની પદ્ધતી આમ બતાવી છે: ટબમાં પાણીની સપાટીથી થોડે ઉંચે તેની બેઠક આવે એવું સ્ટુલ મુકવું. પગ બહાર રાખીને તેની ઉપર બેસવું, ને ઈન્દ્રીયના છેડાનું ઘર્ષણ કરવું. જરાય ઈજા ન થવી જોઈએ. ક્રીયા ગમવી જોઈએ. આ ઘર્ષણથી સ્નાન લેનારને ઘણી શાંતી મળે છે, તેનું દરદ ગમે તે હોય તે તે વખતે તો શાંત થાય છે. આ સ્નાનને ક્યુનેએ કટીસ્નાન કરતાં ઉંચું સ્થાન આપ્યું છે. મને જેટલો અનુભવ કટીસ્નાનનો થયો છે તેટલો ઘર્ષણસ્નાનનો નથી થયો. તેમાં મુખ્ય દોષ તો મારો જ ગણું. મેં તેનો પ્રયોગ કરવામાં આળસ કર્યું છે. જેઓને તે ઉપચાર સુચવ્યા છે તેઓએ તેનો ધીરજથી ઉપયોગ નથી કર્યો. એટલે પરીણામને વીશે અનુભવથી કંઈ નથી લખી શકતો. સૌએ આ અજમાવી જોવા જેવું છે. ટબ વગેરેની સગવડ ન હોય તો લોટામાં પાણી ભરીને તેથી ઘર્ષણસ્નાન લઈ શકાય. તેથી શાંતી તો વળશે જ. માણસ આ ઈન્દ્રીયની સફાઈ ઉપર બહુ ઓછું ધ્યાન આપે છે, જ્યારે ઘર્ષણસ્નાનથી એ ઈન્દ્રીય સહેજે સાફ તો થશે જ. ચીવટ ન રખાય તો ઘુમટને ઢાંકનારી ચામડીમાં મેલ ભરાયા જ કરે છે. એ મેલ કાઢી નાખવાની પુરી જરુર છે. એ ઈન્દ્રીયના આવા સદ્ઉપયોગથી, એને વીશે કાળજી રાખવાથી બ્રહ્મચર્યપાલનમાં મદદ મળે છે. આસપાસના તંતુઓ મજબુત અને શાંત થાય છે; અને ઈન્દ્રીય વાટે ફોકટ વીર્યસ્રાવ ન થવા દેવાની ચીવટ વધે છે, કેમ કે એમ સ્રાવ થવા દેવામાં રહેલી ગંદકી વીશે મનમાં અણગમો પેદા થાય છે, – થવો જોઈએ.

 

બે ખાસ ક્યુનેનાં સ્નાન કહીએ. ત્રીજું કેટલેક અંશે એવી જ અસર પેદા કરનારું ચાદરસ્નાન છે. તાવ આવતો હોય અથવા જેને નીદ્રા કેમેય ન આવતી હોય તેને આ સ્નાન ઉપયોગી છે.

 

ખાટલા ઉપર બે-ત્રણ ઉની કામળ પાથરવી. એ પહોળી હોવી જોઈએ. તેની ઉપર જાડી સુતરાઉ ચાદર, – જેવો કે જાડો ખાદીનો ચોફાળ – પાથરવી; તેને ઠંડા પાણીમાં બોળી ખુબ નીચોવવી ને તે કામળ ઉપર પાથરવી. આની ઉપર દરદીને ચત્તો સુવડાવવો. તેનું માથું કામળ બહાર તકીયા ઉપર રાખવું. માથા ઉપર ભીનો નીચોવેલો ટુવાલ રાખવો. દરદીને સુવાડીને તરત કામળના છેડા ને ચાદર ચારે મેર લપેટી લેવાં. હાથ ચાદરની અંદર હોય, પગ પણ બરોબર ચાદર ને કામળાની અંદર ઢંકાયેલા હોય કે જેથી બહારનો પવન અંદર ન જવા પામે. આ સ્થીતીમાં દરદીને એક-બે મીનીટમાં ગરમી લાગવી જોઈએ. શરદીનો ઈશારો માત્ર સુવાડતી વખતે જણાશે, પછી દરદીને સારું જ લાગવું જોઈએ. જો તાવે ઘર ન કર્યું હોય તો પાંચેક મીનીટમાં ઘામ થઈને પસીનો છુટે. પણ સખત માંદગીમાં અડધો કલાક લગી મેં દરદીને ચાદરમાં રાખ્યો છે ને આખરે પસીનો આવ્યો છે. કેટલીક વાર પસીનો નથી છુટતો પણ દરદી સુઈ જાય છે. સુઈ જાય તો દરદીને જગાડવો નહીં, ઉંઘ સુચવે છે કે તેને ચાદરસ્નાન આરામ આપે છે. ચાદરમાં મુકાયા પછી દરદીનો તાવ એક-બે અંશ નીચે  ઉતરે જ છે. સન્નીપાતમાં ઘેરાયેલા બેવડા ન્યુમોનીયાવાળા મારા દીકરાને મેં ચાદરસ્નાન આપ્યું છે. ત્રણ-ચાર દીવસ આપ્યા પછી તાવ હઠ્યો ને પસીને રેબઝેબ થયો. તેનો તાવ છેવટે ટાઈફૉઈડ નીવડ્યો ને ૪૨ દીવસે તાવ ઉતર્યો. ચાદરસ્નાન તો ૧૦૬ ડીગ્રી સુધી તાવ જતો ત્યાં લગી જ આપ્યું. સાત દીવસ પછી એવો સખત તાવ ગયો, ન્યુમોનીયા ગયો ને પછી ટાઈફૉઈડ રુપે ૧૦૩ લગી જતો. અંશ (ડીગ્રી) વીશે મને સ્મરણશક્તી છેતરતી હોય એમ બને. આ ઉપચાર દાક્તર મીત્રોની સામે થઈને મેં કરેલો. દવા કંઈ જ નહીં આપેલી. એ દીકરો મારા ચારે દીકરાઓમાં વધારે સારું આરોગ્ય આજે ભોગવે છે ને સહુથી વધારે ખડતલ છે.

 

તા. ૧૬-૧૨-૪૨

આ ચાદરસ્નાન શરીરમાં અળાઈ થઈ હોય, શીળસ થયું હોય, બહુ ચળ આવતી હોય, અછબડા નીકળ્યા હોય, માતા નીકળ્યાં હોય તેમાં પણ કામ આપે છે. મેં આ દરદોમાં ચાદરસ્નાનનો છુટથી ઉપયોગ કર્યો છે. શીતળા કે અછબડામાં મેં પાણીમાં ગુલાબી રંગ આવે એટલું પરમૅન્ગેનેટ નાખેલું. ચાદરનો ઉપયોગ થયા પછી તેને ઉકળતા પાણીમાં બોળી, પાણી નવશેકું થયા પછી બરોબર ધોઈ નાખવી જોઈએ.

 

લોહીનું ફરવું મંદ થઈ ગયું હોય ત્યારે, પગમાં બહુ કળતર થતી હોય ત્યારે બરફ ઘસવાથી ઘણો ફાયદો થયેલો જોયો છે. બરફના ઉપચારની અસર ઉનાળામાં બહુ સારી રીતે થાય છે. શીયાળામાં નબળા માણસની ઉપર બરફનો પ્રયોગ કરવામાં જોખમ હોઈ શકે.

 

હવે ગરમ પાણીના ઉપચાર વીશે વીચારીએ. ગરમ પાણીના સમજપુર્વક ઉપયોગથી ઘણા રોગોની શાંતી થઈ જાય છે. પ્રસીદ્ધ દવા આયોડીન જે કામ કરે છે તેમાંનું ઘણુંખરું ગરમ પાણી કરે છે. સોજો હોય ત્યાં આયોડીન લગાડે છે. તે જ જગ્યાએ ગરમ પાણીનું પોતું મુકો તો આરામ થવાનો સંભવ છે. આયોડીનના ઉપયોગમાં કંઈક જોખમ છે, આમાં નથી. આયોડીન ડીસઈનફેક્ટન્ટ (જંતુનાશક) છે, તેમ જ ગરમ એટલે ઉકળતું પાણી ડીસઈનફેક્ટન્ટ છે. આનો અર્થ એમ સુચવવાને સારુ નથી કે આયોડીન બહુ ઉપયોગી વસ્તુ નથી. એની ઉપયોગીતા વીશે મને જરાયે શંકા નથી. પણ ગરીબ માણસને ઘેર એ હોતું નથી. એ મોંઘી વસ્તુ છે. ગમે તે માણસના હાથમાં મુકાય નહીં એવી વસ્તુ છે. પણ પાણી તો બધાયને ત્યાં હોવાથી દવા તરીકે તેના ઉપયોગની અવગણના કરીએ છીએ. આ અવગણનામાંથી બચી જવું જોઈએ. આપણા ઘરમાં પડેલા ઉપાયો જાણવાથી આપણે ઘણા ભયોમાંથી ઉગરીએ છીએ.

 

વીંછી જેને ડંખે છે તેને જ્યારે બીજી કશી વસ્તુથી ફાયદો નથી થતો ત્યારે ડંખાયેલો ભાગ ગરમ પાણીમાં બોળવાથી ને તેમાં રાખવાથી કંઈક આરામ તો મળે જ છે.

 

એકાએક ટાઢ ચડે ત્યારે વરાળ આપવાથી કે દરદીની આસપાસ ગરમ પાણીવાળી બાટલીઓ ગોઠવવાથી ને બરોબર ઓઢાડવાથી તેની ટાઢ સમાવી શકાય છે. બધાની પાસે રબરની કોથળી નથી હોતી. કાચની મજબુત બાટલી, જેને મજબુત બુચ હોય તે એવું કામ આપે છે. કોઈ પણ ધાતુની બાટલી, જેને બરોબરનું બુચ લગાડાય, તે પણ સુંદર કામ આપે છે. ધાતુની કે બીજી બાટલી બહુ ગરમ જણાય તો તેને જાડા કપડામાં લપેટવી જોઈએ.

 

વરાળરુપે પાણી બહુ કામ આપે છે. પરસેવો ન આવતો હોય ત્યારે વરાળ લેવાથી તે લાવી શકાય છે. સંધીવાથી જેનું શરીર ઝલાઈ ગયું હોય તેને અથવા જેનું વજન બહુ વધી ગયું હોય તેને સારુ વરાળ બહુ ઉપયોગી વસ્તુ છે.

 

વરાળ લેવાની પુરાણી અને સહેલામાં સહેલી રીત આ છે: શણનો કે સીંદરીનો ખાટલો વાપરવો વધારે સારું છે, પણ પાટીનોય ચાલે. તેની ઉપર ચોફાળ કે કામળ પાથરીને દરદીને તેની ઉપર સુવાડવો. ઉકળતા પાણી ભરેલી બે તપેલી અથવા ઘડા ખાટલાની નીચે મુકવા. દરદીને એવી રીતે ઢાંકવો કે જેથી તે કામળ ચોમેર ભોંયને અટકે, જેથી બહારની હવા ખાટલા નીચે ન જવા પામે. આમ લપેટ્યા પછી ઘડા કે તપેલા પરનું ઢાંકણ કાઢી લેવું એટલે દરદીને વરાળ મળશે. બરોબર વરાળ ન મળે તો પાણી બદલવાની જરુર પડશે. બીજા ઘડામાં પાણી ઉકળતું હોય તે ખાટલા નીચે મુકવું. સાધારણ રીતે આપણામાં રીવાજ એવો છે કે, ખાટલા નીચે અંગારા મુકે છે અને તેની ઉપર ઉકળતા પાણીનું વાસણ. આ રીતે પાણીની ગરમી જરા વધારે મળવાનો સંભવ છે, પણ તેમાં અકસ્માત થવાનો ડર રહ્યો હોય છે. એક તણખો પણ ઉડે ને કામળ કે કંઈક ચીજ બળે તો દરદીની જાન જોખમમાં આવી પડે. એટલે ગરમી તુરત મળવાનો લોભ છોડીને મેં સુચવેલી રીતનો ઉપયોગ કરવો.

 

કેટલાક એવા પાણીમાં વસાણાં નાખે છે. જેમ કે લીમડો. મેં એનો ઉપયોગ અનુભવ્યો નથી. પ્રત્યક્ષ ઉપયોગ તો વરાળનો છે. આ રીત તો પરસેવો લાવવાની થઈ.

 

જેના પગ ઠંડા થઈ ગયા હોય, પગે કળતર થતી હોય; તેવે સમયે ગોઠણ લગી પહોંચી શકે તેવા ઉંડા વાસણમાં સહન થઈ શકે તેવા ગરમ પાણીમાં રાઈનો ભુકો નાખીને પગ થોડી મીનીટ લગી બોળી રાખવા. તેથી પગ ગરમ થાય છે. કળતર શમે છે. લોહી નીચે આવે છે, એથી દરદીને સારું લાગે છે. સળેખમ થયું હોય કે ગળું આવી ગયું હોય તો કીટલીમાં ઉકળતું પાણી રાખી ગળામાં કે નાકમાં વરાળ લઈ શકાય છે. કીટલીને એક સ્વતંત્ર ભુંગળી લગાડવાથી તે ભુંગળી વાટે વરાળ સુખેથી લઈ શકાય છે. આ ભુંગળી લાકડાની રાખવી. રબરની નળી લગાડીને તેને ભુંગળી લગાડવાથી વધારે સગવડ પડે છે.

Advertisements

ટૅગ્સ:

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: