આરોગ્યની ચાવી-ભાગ બીજો-ગાંધીજી, પ્રકરણ ૩: આકાશ Space

આરોગ્યની ચાવી-ભાગ બીજો-ગાંધીજી, પ્રકરણ ૩: આકાશ Space

 

આકાશનો જ્ઞાનપુર્વક ઉપયોગ આપણે ઓછામાં ઓછો કરીએ છીએ. તેનું જ્ઞાન પણ આપણને ઓછામાં ઓછું છે. આકાશ એટલે અવકાશ કહી શકાય. દીવસનાં વાદળાંનું આવરણ ન હોય ત્યારે આપણે ઉંચે નજર કરીએ તો અત્યંત સ્વચ્છ, સુંદર, આસમાની રંગનો ઘુમટ જોઈએ છીએ, તેને આપણે આકાશ નામે જાણીએ છીએ. તેનું બીજું નામ જ આસમાન છે ના? એ ઘુમટને છેડો જ નથી. એ જેટલું દુર છે એટલું જ આપણી પાસે છે. આકાશથી આપણે ઘેરાયેલા ન હોઈએ તો ગુંગળાઈને મરી જઈએ. જ્યાં કંઈ નથી ત્યાં આકાશ છે. એટલે આપણે જે દુર દુર આકાશી રંગ જોઈએ છીએ તે જ આકાશ છે એમ નથી. આકાશ તો આપણી પાસેથી શરુ થાય છે, નહીં તે આપણી અંદર પણ છે. પોલાણમાત્રને આપણે આકાશ નહીં કહી શકીએ. ખરું છે કે જે ખાલી દેખાય છે તે હવાથી ભરેલું છે. આપણે હવાને નથી જોઈ શકતા એ ખરું, પણ હવાને રહેવાનું ઠેકાણું ક્યાં છે? એ આકાશમાં જ વીહાર કરે છે ના? એટલે આકાશ આપણને છોડી જ નથી શકતું. હવાને પંપ વડે ઘણે ભાગે ખેંચી શકાય, પણ આકાશને કોણ ખેંચી શકે? આકાશને ભરી મુકીએ છીએ ખરા, પણ તે અનંત હોવાથી તેમાં ગમે તેટલા દેહો હોય તે બધા સમાઈ જાય છે.

 

એ આકાશની મદદ આપણે આરોગ્ય જાળવવા ને ખોયું હોય તે મેળવવા સારુ લેવાની છે. હવાની વધારેમાં વધારે જરુર છે, તેથી તે સર્વવ્યાપક છે. પણ હવા બીજા પદર્થોની સરખામણીમાં વ્યાપક છે, સ્વતંત્ર રીતે નહીં. ભૌતીકશાસ્ત્ર શીખવે છે કે, પૃથ્વીથી અમુક માઈલ પછી હવા નથી મળતી. એમ કહેવાય છે કે, પૃથ્વીના જીવો જેવા જીવ હવાના આવરણની બહાર હોઈ જ ન શકે. આ વાત બરોબર હો યા ન હો, આપણે તો અહીં એટલું જ જાણવાનું છે કે, જેમ આકાશ અહીં છે તેમ મજકુર આવરણની બહાર પણ છે. એટલે સર્વવ્યાપક તો આકાશ છે. પછી ભલે શાસ્ત્રીઓ સીદ્ધ કરે કે એ આવરણની ઉપર ઈશ્વર નામનો પદાર્થ છે, અથવા બીજા કોઈ. તે પણ જેમાં વસે છે તે આકાશ છે. એટલે એમ કહી શકાય કે, જો ઈશ્વરનો ભેદ જાણી શકાય તો આકાશનો જણાય.

 

એવું મહાન તત્ત્વ છે તેનો અભ્યાસ ને ઉપયોગ જેટલે અંશે કરી શકીએ તેટલે અંશે આપણે વધારે આરોગ્ય ભોગવીએ.

 

પ્રથમ પાઠ તો એ છે કે, એ સુદુર અને અદુર તત્ત્વની વચ્ચે ને આપણી વચ્ચે કંઈ જ આવરણ ન આવવા દઈએ. એટલે કે જો ઘરબાર વીના કે વસ્ત્રો વીના આપણે એ અનંતની જોડે સંબંધ બાંધી શકીએ તો આપણાં શરીર, બુદ્ધી અને આત્મા પુર્ણ રીતે આરોગ્ય ભોગવે. આ આદર્શને ભલે આપણે ન પહોંચીએ, ભલે કરોડોમાં એક જ પહોંચતો હોય, છતાં એ આદર્શને જાણવો, સમજવો ને તેને આદર આપવો આવશ્યક છે. અને જો તે આદર્શ હોય તો તેને જેટલે અંશે પહોંચાય તેટલે અંશે આપણે સુખ, શાંતી, ને સંતોષ ભોગવીશું. આ આદર્શને હું છેવટની હદ સુધી રજુ કરી શકું તો મારે કહેવું જોઈએ કે, આપણે શરીરનો અંતરાય પણ ન જોઈએ. એટલે કે શરીર રહે કે જાય તેને વીષે આપણે તટસ્થ રહીએ. એમ મનને કેળવી શકીએ તો શરીરને ભોગની વસ્તુ તો કદી ન બનાવીએ. આપણી શક્તી ને આપણા જ્ઞાન પ્રમાણે તેનો સદુપયોગ સેવા સારુ, ઈશ્વરને ઓળખવા સારુ, તેના જગતને જાણવા સારુ, તેની સાથે ઐક્ય સાધવા સારુ કરીએ.

 

આ વીચારશ્રેણી પ્રમાણે આપણે ઘરબાર, વસ્ત્રાદીના ઉપયોગમાં પુશ્કળ અવકાશ રાખીએ. કેટલાંક ઘરોમાં એટલું રાચરચીલું જોવામાં આવે છે કે મારા જેવો ગરીબ માણસ તેમાં ગુંગળાઈ જાય, એ વસ્તુનો ઉપયોગ ન સમજે. એને મન તો એ બધાં ધુળ અને જંતુઓને એકઠાં કરવાનાં ભાજન ગણાય. અહીં જે સ્થાનમાં હું વસું છું ત્યાં હું તો ખોવાઈ જ જાઉં છું. તેની ખુરસીઓ, કબાટો, મેજો, આરસીઓ મને ખાવા ધાય છે. તેની કીમતી જાજમો કેવળ ધુળ એકઠી કરે છે. તે ઝીણા જંતુઓનું ઘર બની છે. એક વખત એક જાજમ ખંખેરવા કાઢી. એક માણસનું એ કામ ન હતું; છ-સાત માણસો વળગ્યા. એમાંથી ઓછામાં ઓછી દસ રતલ ધુળ તો નીકળી જ હશે. જ્યારે એ પાછી પોતાની જગ્યાએ આવી ત્યારે એનો સ્પર્શ જ નવો લાગ્યો. હવે આ જાજમ હંમેશાં કઢાય નહીં, કાઢતાં તેની આવરદા ઘટે ને રોજની મહેનત વધે. આ તો મારો તાજો અનુભવ લખી ગયો. પણ મારા જીવનમાં તો આકાશની સાથે મેળ બાંધવા ખાતર મેં અનેક ઉપાધીઓને ઓછી કરી છે. ઘરની સાદાઈ, વસ્ત્રની સાદાઈ, રહેણીની સાદાઈ. એક શબ્દમાં અને આપણા વીષયની ભાષામાં કહીએ તો, મેં ઉત્તરોત્તર મોકળાશ વધારી, આકાશ સાથેનો સીધો સંબંધ વધાર્યો, અને એમ પણ કહી શકાય કે, જેમ એ સંબંધ વધતો ગયો તેમ મારું આરોગ્ય વધતું ગયું, મારી શાંતી વધી, સંતોષ વધ્યો, ને ધનેચ્છા સાવ મોળી પડી. જેણે આકાશની સાથે સંબંધ બાંધ્યો છે તેને કંઈ નથી ને બધું છે. અંતમાં તો મનુષ્ય એટલાનો જ માલીક બને છે, જેટલાનો તે પ્રતીદીન ઉપયોગ કરી શકે છે ને પચાવી શકે છે, એટલે તેના ઉપયોગથી તે આગળ વધે છે. આમ બધાય કરે તો આ આકાશવ્યાપી જગતમાં બધાને સારુ સ્થાન છે ને કોઈને સાંકડનો અનુભવ સરખો નહીં થાય.

 

તા. ૧૮-૧૨-૪૨

તેથી મનુષ્યનું સુવાનું સ્થાન આકાશની નીચે હોવું જોઈએ. ભીનાશ કે ટાઢથી બચવા પુરતું ઢાંકણ ભલે રાખે, એક છત્રી જેવું ઢાંકણ વરસાદમાં ભલે હોય. બાકી બધો વખત તેની છત્રી અગણીત તારાઓથી જડેલું આકાશ જ હોય. જ્યારે આંખ ઉઘડે ત્યારે તે પ્રતીક્ષણ નવું દૃશ્ય જોશે. તે જોતાં થાકશે નહીં છતાં તેની આંખ અંજાશે નહીં, શીતળતા ભોગવશે. તારાઓનો ભવ્ય સંઘ ફરતો જ દેખાશે. જે મનુષ્ય એઓની સાથે અનુસંધાન કરી સુશે ને તેઓને પોતાના હૃદયના સાક્ષી કરશે, તે કદી અપવીત્ર વીચારને સ્થાન નહીં આપે ને શાંત નીદ્રા લેશે.

 

પણ જેમ આપણી આસપાસ આકાશ છે તેમ જ આપણી અંદર છે. ચામડીમાં રહેલા એક એક છીદ્રમાં, બે છીદ્રોની વચ્ચે જ્યાં જગ્યા છે ત્યાં આકાશ છે. એ આકાશ – અવકાશને આપણે ભરી મુકવાનો પ્રયત્ન પણ ન કરીએ. તેથી જો આપણો આહાર જેટલો જોઈએ તેટલો જ લઈએ તો શરીરમાં મોકળાશ રહ્યા કરે. આપણને હંમેશાં ખબર નથી હોતી કે ક્યારે વધારે અથવા અયોગ્ય ખવાઈ ગયું છે. તેથી અઠવાડીયે પખવાડીયે કે સગવડ પડે તેમ અપવાસ કરીએ તો સમતોલતા, સમતા જાળવી શકાય. પુરા અપવાસ ન કરી શકે તે એક અથવા વધારે ટંકનું  ખાવાનું છોડી દેશે તો પણ લાભ મેળવશે.

Advertisements

ટૅગ્સ: ,

2 Responses to “આરોગ્યની ચાવી-ભાગ બીજો-ગાંધીજી, પ્રકરણ ૩: આકાશ Space”

  1. sajedkhan1111 Says:

    thank-u-saheb-aap- mane- je-kai- moklo-cho- te- lakhi-ne- hu-logo-ni-samkash-raju-karu-chu-aasha-che-aagal-pan-aap- mokalta-rehso-okthanks-

    ________________________________

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: