પ્રકરણ ૫ : અમારી રખડપટ્ટી

આઝાદીની લડતનાં સંસ્મરણો: ગોસાંઈભાઈ છીબાભાઈ પટેલ

પ્રકરણ  ૫ : અમારી રખડપટ્ટી

અમે થોડા દીવસ કાદીપોર રહ્યા. અમારા સાથી રણછોડભાઈ  ગોવિંદજીનાં પત્ની રામીબેનનું ત્યાં મોસાળ હતું. ત્યાં અમને ખુબ સારી રીતે રાખવામાં આવ્યા. રામીબેન ખુબ મોટા કટોરામાં અમને દુધ આપતાં તે તો ભુલાતું જ નથી. પછી અમે ગણદેવી તાલુકાના પાથરી ગામે ગયા. અમારા આગેવાન શ્રી પી.સી. પટેલના મામાની ત્યાં જમીન હતી. ખેતરમાં એક મકાન હતું. તેમાં અમે થોડા જણ રહેતા હતા. ત્યાં એક કાકા અમને ખાવાનું બનાવી આપતા. અમે પણ થોડી મદદ કરતા. ખુબ તીખું ખાવાનું બનાવતા એટલું તો આજે પણ યાદ છે. પોલીસો અમને શોધતી હતી, પણ પાથરી તો એમની કલ્પનામાં ક્યાંથી હોય!

પોલીસોના ત્રાસથી બચવા સેંકડો સ્ત્રીપુરુષોએ મરોલી વીભાગના દેલવાડા, ભીનાર, અલુરા વગેરે ગામે આશરો લીધો હતો. ત્યાંનાં ગામલોકોએ દીવસો સુધી સૌને ખાવાનું અને રહેવાનું આપ્યું. આ કામમાં કસ્તુરબા સેવાશ્રમ, મરોલી, તરફથી પુ. મીઠુબહેન પિટીટ અને પુ. કલ્યાણજીકાકાએ પણ સારી મદદ કરેલી. કરાડી-મટવાડ તરફથી આવેલાં ભાઈ-બહેનો ગોંગડા ખાડીને કીનારે બેસીને પોતાનાં ગામોની ઝાંખી કરતાં હતાં. દરરોજ સમાચાર મળતા રહેતા હતા. કેટલાક સાહસીકો ઘર સુધી જઈ પણ આવતા. દેલવાડામાં રહેતા સાથીઓને અને ગામનાં ભાઈબહેનોને મળવાની ઈચ્છા અમને થાય તે સ્વાભાવીક છે. તેથી અમે ગમે તેમ કરીને દેલવાડા પહોંચ્યા. હું ડાહ્યાભાઈ દયાળજીને ત્યાં રહ્યો. એમનું કુટુંબ મોટું હતું, અમે પણ દસેક જણ હોઈશું. અમારી ખાવાની, નહાવાની, રહેવાની અને કપડાં ધોવાની બધી વ્યવસ્થા આ ઘરમાં થતી. આ પ્રદેશનાં લોકો આતીથ્ય માટે જાણીતાં હતાં, પણ અમે જ્યારે એ અનુભવ્યું ત્યારે અમારું માથું આ લોકોની ઉન્નત ભાવના આગળ નમ્યું. અમારામાં કેટલાક વોરંટવાળા હતા. તેમની પોલીસ તપાસ કરતી હતી. પરંતુ  પ્રજા ભલે ગાયકવાડી હોવા છતાં તેમના દીલમાં પણ દેશની ભાવના પડેલી હતી. તેઓ લડતમાં પણ અમારી સાથે હતા. એમાં ભાઈશ્રી ડાહ્યાભાઈ દયાળજી, શ્રી ડાહ્યાભાઈ બુધીભાઈ, શ્રી વલ્લભભાઈ, શ્રી ગોવિંદભાઈ, શ્રી સોલંકી, શ્રી હરિભાઈ, શ્રી નાથુભાઈ જીવાભાઈ વગેરે અમારા ભાંગફોડના કાર્યક્રમોમાં પણ ભાગ લેતા. કેટલાક પકડાયા પણ હતા અને ભારે જુલમનો ભોગ થઈ પડ્યા હતા.

એક દીવસ સાદા વેશમાં પોલીસના માણસો આવ્યા, અને હું જે ઘરમાં રહેતો હતો તે ડાહ્યાભાઈના ઘરમાં તપાસ કરી. અમને તુરત જ ખબર આપવામાં આવી. અમે માળના પાછળના ભાગમાંથી નીચે કુદી પડ્યા અને છટક્યા. પોલીસના હાથમાં પછી શું આવે!

ટૅગ્સ:

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: