Archive for મે 13th, 2013

પ્રકરણ ૯ : દેલવાડામાંથી ધરપકડ અને અમારી નાસભાગ

મે 13, 2013

આઝાદીની લડતનાં સંસ્મરણો – ગોસાંઈભાઈ છીબાભાઈ પટેલ

પ્રકરણ  ૯ : દેલવાડામાંથી ધરપકડ અને અમારી નાસભાગ

અમારી પ્રવૃત્તી ચાલુ જ રહેતી. પત્રીકા લેવા માટે હું નવસારી પણ જતો. અમે કરાડીથી ઉત્તરના રસ્તે ખંડારક જતા અને ત્યાંથી બોદાલી અને બારોબાર જલાલપોર થઈ નવસારી પહોંચતા. ધરમદાસ મેડીકલ સ્ટોર્સની સામેના મકાનમાં અમે જતા. તે સીવાય બાજુના મહોલ્લામાં શ્રી રઘુનાથજી નાયક રહેતા હતા. ત્યાં જતા. પત્રીકા વગેરે લાવતા. લડત અંગે ચર્ચાવીચારણા પણ કરતા.

અનાજના પ્રશ્નની વીચારણા અંગે એક સંમેલન શ્રી મીનુ મસાણીના પ્રમુખપદે મુંબઈમાં કોર્પોરેશનના સભાખંડમાં મળ્યું. તે સંમેલનમાં ભાગ લેવા મને મોકલવામાં આવ્યો. પુ. દિવાનજીભાઈએ સ્વ. વૈકુંઠભાઈ મહેતા પર ચીઠ્ઠી લખી આપી હતી. હું તેઓશ્રીને મળ્યો, અને કાંઠા વીભાગની મુશ્કેલી દર્શાવી. સભાખંડમાં પોલીસો પણ હતી. અમારા જેવા વૉરંટવાળા પણ સભામાં હશે તેનો ખ્યાલ તેમને ક્યાંથી હોય! છતાં મારા મનમાં ભડક તો રહેતી જ.

બેત્રણ વાર રાત્રે હું મારા ઘરે પણ જઈ આવ્યો. ત્યાં રહેવાની ઈચ્છા થાય, બા-બાપુજી રહેવા ન દે. તેમને પકડાઈ જવાની બીક રહેતી. તેમને એમ કે પકડાશે તો ખુબ મારશે. પરંતુ હેમખેમ મળીને પાછો જતો એટલે તેમને સંતોષ થતો.

અમને અમારા જેલમાં ગયેલા ભાઈઓને મળવાની ઈચ્છા થતી. મટવાડના બનાવ અંગેનો કેસ સુરતમાં સેશન્સ કોર્ટમાં ચાલતો હતો. અમારામાંથી કેટલાક વૉરંટવાળા ત્યાં જઈ પણ આવ્યા. મને પણ સાહસ કરવાની ઈચ્છા થઈ. એક દીવસે કેસ ચાલતો હતો ત્યારે હું પણ ત્યાં જઈ આવ્યો, અને અનેક સાથીઓને જોઈ આવ્યો. થોડાને મળ્યો પણ ખરો. પોલીસો અમને શોધતા હતા. પણ અમારા વીષે તેમનો ખ્યાલ એવો હતો કે અમે ઉંચા અને તગડા હોઈશું. આ તેમનો ખોટો ખ્યાલ અમારા લાભમાં હતો. તેથી અમે તેમની ઝપટમાં આવ્યા નહીં.

દેલવાડામાં એક ખેતરમાંથી અમારામાંથી આચાર્ય મણિભાઈ, પી.સી. પટેલ, શ્રી દયાળભાઈ કેસરી તેમ જ દેલવાડાના શ્રી ડાહ્યાભાઈ બુધીભાઈ, સોલંકી, ગોવિંદભાઈ વગેરે પકડાયા. તેઓ વાતો કરીને મોડા સુતા હતા. પોલીસોને મળેલી બાતમીના આધારે પોલીસોએ ખેતરને ઘેરો ઘાલ્યો અને સૌ ઉંઘતા હતા તે દશામાં જ ઝડપી લીધા. કેટલાકને તો જગાડવા પડ્યા. આ ભાઈઓને નવસારીની જેલમાં રાખવામાં આવ્યા હતા. તેમનામાંથી કેટલાકને મટવાડવાળા કેસમાં અને કેટલાકને સોડીયાવડવાળા કેસમાં સંડોવવામાં આવ્યા. સાબુમાં ગાબડી પાડી તેમાં અમે સંદેશો મોકલતા. તેમના તરફથી પણ સંદેશા અમને મળતા. અમે તેમને જેલમાંથી છોડાવવાની યોજના વીચારતા હતા. એક દીવસે પટેલફળીયામાં અમે આ યોજના અંગે રવજીભાઈના ઘરે વીચારતા હતા, તેવામાં શ્રી કેશવભાઈ બુધીભાઈ દોડતા આવ્યા અને ‘પોલીસ’ એટલું કહ્યું એટલે અમે ભાગ્યા. પોલીસોએ ત્રીપાંખીયો ધસારો કરી ફળીયાને ઘેરવા ધાર્યું હતું. મારી અને પોલીસની વચ્ચે માંડ થોડા ફુટનું અંતર હતું. વાડો કુદી હું મછાડ તરફ ભાગ્યો. નીશાળફળીયાની ખાડી સુધી એક પોલીસ મારી પાછળ પડ્યો. પછી આગળ આવવાની હીંમત તેણે કરી નહીં. બીજા જેઓ ઉત્તરે સ્મશાન તરફ ભાગ્યા હતા, તેમનો પોલીસોએ પીછો પકડ્યો. એક માઈલ દુર પુર્ણા નદી સુધી તેઓ પાછળ પડ્યા. પરંતુ અમારા સાથીઓ પુર્ણા તરીને સામે કાંઠે પહોંચી ગયા. અને હાથ હલાવી પોલીસોને આહ્વાન કર્યું. પણ પોલીસોએ પુર્ણામાં પડવાની હીંમત કરી નહીં. અને ખાલી હાથે પાછા ફર્યા. અમારામાંથી કેટલાકના પગે ધુળથી દાઝવાથી ફોલ્લા પણ પડ્યા હતા. પોલીસોએ અમારા માટે એવો અભીપ્રાય બાંધ્યો કે આ બધાને દોડવામાં અને તરવામાં કોઈ પહોંચી શકે નહીં. એ વાત થોડી સાચી પણ હતી.

આ ગાળામાં મારા મામાનું અવસાન થયું. પોલીસોને એની ખબર પડી. પોલીસોને એમ કે સ્મશાનમાં અમે બધા હાજર રહીશું. પોલીસોની ધારણા ખોટી નહોતી. અમે સ્મશાને ગયા હતા. અમે પોલીસોને આવતા જોયા એટલે વીખેરાયા. પોલીસ કેટલેક સુધી અમારી પાછળ પડીયે પણ પછી તેઓ હીંમત કરી શક્યા નહીં. ખાસ શીકાર તો હાથમાં આવ્યો નહીં એટલે સ્મશાનમાંથી મારા પીતાજી વગેરેને પકડ્યા. જો કે પાછળથી તેમને છોડી દેવામાં આવ્યા હતા.

કેદીઓને જેલમાંથી છોડાવવાની અમારી યોજના અમે સંપુર્ણ ઘડી કાઢી હતી. એક ભાડુતી ટેક્સી જેલના દરવાજે લઈ જવી, પછી અમે મુલાકાતે જઈએ ત્યાં થોડા પોલીસને પકડે પછી કેદીઓને છોડાવી ટેક્સી ડ્રાઈવરને બાજુએ મુકી અમારામાંથી એક જણે ટેક્સી હંકારી જવી. આ ટેક્સી અમુક જગ્યાએ છોડી દેવી અને અમારે પછી યોજના મુજબ ભાગી છુટવું. આ યોજના અમે જેલમાં મોકલી. યોજના પાર પાડવા વીષે અમને શંકા નહોતી, પણ જેઓ જેલમાં હતા તેઓમાંથી બધાએ તૈયારી બતાવી નહીં. એટલે આ યોજના અમલમાં મુકવાનું સાહસ અમે કરી શક્યા નહીં. પાછળથી ખબર પડી કે જેલમાંથી કોઈ કેદી ભાગી ગયા પછી જેલ સત્તાવાળા ચેતી ગયા હતા.

દેલવાડામાં શરુઆતના દીવસોમાં મોટી સંખ્યામાં લોકો રહ્યા. બલુચી પોલીસોને બોલાવી લીધા પછી જુલમ કંઈક ઓછો થયો એટલે મોટા ભાગના લોકો પાછા ફર્યા. છેવટે અમે લડતમાં સક્રીય ભાગ લેનારા બાકી રહ્યા. તેમાંયે કરાડીના ભાઈઓ કરાડી પાછા ફર્યા. અમારું ઘર પોલીસ ગેટથી બહુ દુર નહીં એટલે ઘરે જવાનું અમારા માટે તો શક્ય જ ન હતું. અમારામાંથી સ્વ. પુરુષોત્તમ હીરાભાઈ એમના સાસરેથી પકડાયા. ભાઈશ્રી દયાળભાઈ મકનજી એમની કાકીને ત્યાં કરાડી રહ્યા. એમના ભાઈ હીરાભાઈ બોરીફળીએ એમના મીત્રને ત્યાં રહ્યા. છેવટે હું પણ મારી ફોઈને ત્યાં કરાડી રહેવા ગયો. આમ અમે વૉરંટવાળઓ કરાડીમાં આવીને રહ્યા. ત્યાં રહીને પણ અમારી પ્રવૃત્તી તો ચાલતી જ.