મન્સુભાઈની ખેલદિલી

મન્સુભાઈની ખેલદિલી

 

આપણા કાંઠા વિભાગના એક બહુ જાણીતા રમતવીરની ખેલદિલી વિષે બહુ ઓછા લોકો જાણતા હશે. આજે તો એમની ઉમ્મર લગભગ ૭૨ વર્ષની છે. (કમનસીબે જાન્યુઆરી ૨૦૦૫માં એમનું અવસાન થયું, તે પહેલાં આ લખ્યું હતું.) એ છે ભારત વિદ્યાલય, કરાડીના નિવૃત્ત આચાર્ય શ્રી મન્સુભાઈ પટેલ. હાલ તેઓ અહીં અૉકલેન્ડ, ન્યુઝીલેન્ડમાં રહે છે.

 

આમ તો એમનું નામ હતું મનુભાઈ સુખાભાઈ પટેલ. એનું સંક્ષિપ્ત રૂપ મનુ સુ. પટેલ, પણ એનું મન્સુ પટેલ થયું અને સામાન્ય રીતે તે સમયે તો નામ સાથે ભાઈ જોડવાનું સ્વાભાવિક હતું. આથી મન્સુભાઈ તરીકે તેઓ ઓળખાવા લાગ્યા.

 

કરાડીમાં હું ધારું છું કે લગભગ ૧૯૫૫થી મુરારી વૉલીબૉલ ટુર્નામેન્ટ શરૂ થયેલી. (આ મુરારીભાઈ વિશે પણ એક લેખ લખવા જેવી માહિતી મારી પાસે છે. કદાચ કોઈએ લખ્યું પણ હોય.) હું મન્સુભાઈને તે સમયથી ઓળખું છું. અા પછી ૧૯૬૨માં ભારત વિદ્યાલયમાં એક શિક્ષક તરીકે હું પણ જોડાયો અને મન્સુભાઈનો વધુ પરિચય થયો. મન્સુભાઈના નજીકના પરિચયમાં અાવેલ હોય તે લોકો તો એમની ખેલદિલી વિષે ઘણુંખરું જાણતા હશે. મને એ બાબતમાં એક પ્રસંગ બહુ નજીકથી જોવા મળેલો તે વિષે કંઈક કહેવા ધારું છું.

 

પ્રસંગ કદાચ ૧૯૬૩ની જાન્યુઅારીની અાસપાસનો હશે, સમય મને ચોક્કસ યાદ નથી. તે સમયે વાપીમાં વૉલીબૉલની એક ટુર્નામેન્ટ રમાતી. ત્યાં પાસીંગ અને ડાયરેક્ટ એમ બન્ને પ્રકારની વૉલીબૉલની રમત રમાતી. પાસીંગ રમત માટે વાપીની એક ટીમ ઊતરતી જે મુંબઈના ચુનંદા ખેલાડીઓની બનેલી હોય. (આ ટુર્નામેન્ટ રમાડનાર સંસ્થા મુંબઈના ખેલાડીઓને લઈ આવતી?) અા ટુર્નામેન્ટમાં વીજલપોર તરફથી એક ટીમ ભાગ લેવા ગયેલી. મને વૉલીબૉલમાં રસ હોવાથી અા ટુર્નામેન્ટ જોવા માટે હું મન્સુભાઈ સાથે ગયો હતો. મન્સુભાઈ વીજલપોરની ટીમમાંથી રમવાના હતા.

 

હવે વીજલપોરની ટીમ કેવી રીતે બની હતી તે જોઈએ. એમાં  બે ખેલાડી વીજલપોરના મહેશભાઈ અને વિજયભાઈ. એ બન્ને મુ. રણધીરભાઈ દેસાઈના સુપુત્રો. રણધીરભાઈ દેસાઈ રણધીરકાકા તરીકે જાણીતા હતા, તેઓ કરાડી મુરારી ટુર્નામેન્ટમાં દર વર્ષે ભાગ લેતા, શરૂઆતમાં ખેલાડી તરીકે અને પાછળથી અમ્પાયર તરીકે. અાથી અાપણા કાંઠા વિભાગના લોકોને તેઓ પરિચિત હતા. બે ખેલાડી ગુરકુલ સુપાના સુભાષભાઈ અને લોકપતિ. અમારા કાંઠા વિભાગના મન્સુભાઈ. બીજા એક ખેલાડીભાઈ હતા દિલ્હી યુનિવર્સિટીના શ્રી ગોહીલ. આ છએ છ ખેલાડીઓ યુનિવર્સિટી ચેમ્પીઅન. મહેશભાઈ, વિજયભાઈ, મન્સુભાઈ, સુભાષભાઈ અને લોકપતિ ગુજરાત યુનિવર્સિટીના અને શ્રી ગોહીલ દિલ્હી યુનિવર્સિટીના. આમ વિજલપોરની ટીમ પણ ઘણી સધ્ધર હતી.

 

વાપીમાં આ ટુર્નામેન્ટ ચાલી તે દરમિયાન એકાદબે રાત અમે ત્યાં રોકાયા હતા. હું અને મન્સુભાઈ હોટલમાં એક જ રૂમમાં સાથે રહ્યા હતા.

 

વાપીની એટલે ખરેખર તો મુંબઈની ટીમ સાથે વિજલપોરની ટીમનો રાઉન્ડ ખરેખર જોવા જેવો હતો. મેચ બહુ જ રસાકસીભરી હતી. પહેલી ગેઈમ વિજલપોરની ટીમ જીતી ગઈ. મેં જોયું તો એ ગેઈમમાં મન્સુભાઈને રમવાની તક વધુ મળી હતી. જો કે મન્સુભાઈનો પોતાનો વૉલી અહીં ન હતો. સામાન્ય રીતે કરાડીના ધીરુભાઈ ઉંકાભાઈ મન્સુભાઈનું વૉલી કરતા. સુભાષભાઈનો પોતાનો વૉલી લોકપતિ અને વિજયભાઈનો પણ પોતાનો વૉલી મહેશભાઈ એમની પાસે હતા. (કે મહેશભાઈના વૉલી વિજયભાઈ હતા? ઘણાં વર્ષો પહેલાંની આ વાત હોવાથી મને ચોક્કસ યાદ નથી.) માત્ર મન્સુભાઈ અને ગોહીલજી પાસે જ પોતાના વૉલી ન હતા. એમ છતાં મન્સુભાઈ માટે મહેશભાઈ અજાણ્યા ન હતા. પરંતુ પહેલી ગેઈમ જે વિજલપોરની ટીમ જીતી ગઈ પછી મન્સુભાઈને રમવાની બહુ તક ન મળી અને વિજલપોરની ટીમ પછીની કોઈ ગેઈમ જીતી ન શકી.

 

મને ખ્યાલ છે ત્યાં સુધી આ મૅચ પછી અમે એક રાત વાપી રોકાયા હતા. મન્સુભાઈ બહુ વિચારપૂર્વક રમતા. બૉલ માત્ર બળપૂર્વક સ્મૅશ કરવાથી જ પૉઈન્ટ મેળવી શકાય એવું નથી હોતું. મન્સુભાઈ ઘણી વાર બુદ્ધિ વાપરી એવી રીતે બૉલ મૂકી દેતા કે જેથી પૉઈન્ટ મળી શકે. આ મૅચમાં મન્સુભાઈને મળવા જોઈએ એટલા બૉલ મળ્યા ન હતા એ મેં જોયું હતું. કેમ કે એક જ સમયે નેટ પર બે સ્મેશર અને એક વૉલી હોય. સામાન્ય રીતે વૉલી જેને બૉલ આપવાને ટેવાયેલ હોય અને કેવો બૉલ એના સ્મેશરને જોઈએ એ જાણતો હોય આથી પોતાના સ્મેશરને વધુ બૉલ મળે. મન્સુભાઈ કે શ્રી ગોહીલજીને ખાસ બૉલ મળી ન શક્યા અને વિજલપોરની ટીમ જીતી ન શકી હતી એવું જોનાર તરીકે મને લાગ્યું હતું. પરંતુ મન્સુભાઈએ હું એમનો મિત્ર છતાં તે રાત્રે કે ત્યાર બાદ કદી પણ કહ્યું નથી કે જો એમને તક આપવામાં આવી હોત તો જીતવાની શક્યતા હતી. કરાડી ભારત વિદ્યાલયમાં અમે સાથે જ શિક્ષકો હતા આથી દરરોજ મળવાનું તો થતું જ હતું. એટલું જ નહિ મન્સુભાઈએ કદી એમ પણ કહ્યું નહિ કે જો બૉલ મળ્યા હોત તો મઝા આવી જાત. આ પ્રકારની ખેલદિલી મેં બીજા કોઈ ખેલાડીમાં જોઈ નથી. એવું ન હતું કે વૉલીબૉલ વિષે મન્સુભાઈ મારી સાથે ખાસ વાતો ન કરવા ઈચ્છે કેમ કે વૉલીબૉલની રમતમાં મને ગતાગમ ન હતી, એવું ન હતું. એક વખત હું કરાડીની ટીમમાં મન્સુભાઈ સાથે ગાર્ડા કૉલેજની ટીમ સામે ફ્રેન્ડલી મૅચમાં પણ રમ્યો હતો. અમારી બોદાલીની ટીમ એક વાર મુરારી ટુર્નામેન્ટમાં રનર અપ થયેલી તેમાં પણ હું રમ્યો હતો. તે સમયના નવસારી તાલુકામાં ‘મુરારી ટુર્નામેન્ટ’ એક પ્રેસ્ટીજીઅસ ટુર્નામેન્ટ ગણાતી. કરાડીની ટીમ એમાં ઘણી વાર વિજેતા બનતી, જેના ખેલાડીઓને નવસારી તાલુકા તરફથી ગુજરાત રમતોત્સવમાં પણ રમવા માટે ચુંટવામાં આવેલા એવો ખ્યાલ છે.

 

આ સિવાય બીજા એક પ્રસંગે પણ મને મન્સુભાઈની ખેલદિલીનો અનુભવ થયેલો. એકવાર અમે અમારા કાંઠા વિભાગનું ડેપ્યુટેશન લઈ તે સમયના વલસાડ જિલ્લા ક્રિકેટ એસોસિયેશનના  પ્રમુખશ્રી પાસે ગયેલા. મન્સુભાઈ વૉલીબૉલ ઉપરાંત ક્રિકેટ પણ ઘણું સારું રમતા.  એમની સાથે મન્સુભાઈએ ઘણી જ નમ્રતાપૂર્વક વાતો કરી હતી. પોતે ક્રિકેટના ઘણા સારા ખેલાડી હોવાની કોઈ છાપ એમણે પડવા દીધી ન હતી. જો કે એ પ્રમુખશ્રી મન્સુભાઈને કદાચ ઓળખતા હશે. એ ડેપ્યુટેશનનો આશય કાંઠા વિભાગના તે સમયના બહુ જ આશાસ્પદ યુવાન ખેલાડીઓને વલસાડની ટીમમાં સ્થાન મળવું જોઈએ એ હતો, પરંતુ એ ભાઈ તરફથી કોઈ સાનુકૂળ પ્રતિસાદ મળી શક્યો ન હતો. તે સમયે પણ કાંઠા વિભાગમાં કેટલાક ઘણું સરસ ક્રિકેટ રમનારા યુવાનો હતા.

 

કરાડીમાં રમાતી મુરારી ટુર્નામેન્ટ સમયે પણ મન્સુભાઈની આ ખેલદિલીનો અનુભવ ઘણાને થયો હશે.

 

એક શિક્ષક તરીકે પણ મેં મન્સુભાઈ સાથે કામ કરેલું અને એ રીતે પણ મને એમનો પરિચય થયેલો.

 

સાથે સાથે મન્સુભાઈ માત્ર ક્રિકેટ અને વૉલીબૉલ જ નહિ પણ હોકી અને ટેબલ ટેનિસ પણ રમતા. જો કે મેં એમને હોકી રમતા જોયા ન હતા. ટેબલ ટેનિસ તો હું એમની સાથે રમ્યો છું. મન્સુભાઈ ટેબલ ટેનિસ પણ ઘણું સારું રમતા.

Advertisements

ટૅગ્સ:

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: