અન્નકુટ

નવેમ્બર ૧૯૯૬માં વીક્રમ સંવતના નવા વર્ષ વખતે અહીં વેલીંગ્ટનમાં અન્નકુટની ઉજવણી વખતે મને બે શબ્દો કહેવાનું જણાવવામાં આવ્યું હતું. તે સમયે મેં એ વીષય બાબત જે કહેલું તે અહીં રજુ કરું છું.

અન્નકુટ

 

ભારતીય સંસ્કૃતીમાં તહેવારો અને ઉત્સવોની ઉજવણીમાં ધર્મને લક્ષમાં રાખવામાં આવ્યો છે-વણી લેવામાં આવ્યો છે.  અહીં ધર્મનો અર્થ હીન્દુ ધર્મ નથી, કેમકે એ તો ધર્મની પ્રાપ્તીનો એક સંપ્રદાય છે, એક માર્ગ છે. ધર્મ એટલે મુળ સત્ય- धारयति ईति धर्म: – જે સહુને ધારણ કરે છે, જેનાથી આ સમગ્ર અસ્તીત્વ ટકેલું છે તે ધર્મ.

 

અન્નકુટના તહેવારની પાછળ પણ ધર્મની બહુ ઉંડી સુઝ છે.

ભારતમાં નવા વર્ષના દીવસે આ ઉત્સવ ઉજવાય છે. એ સમયે નવો પાક, નવું અનાજ તૈયાર થઈ ગયું હોય છે. એ સમયનો આનંદ જેઓ દેશમાં મોટાં થયાં હશે અને જેમણે ખેતીમાં કામ કર્યું હશે, જેમણે અનાજ પકવવાની મહેનત કરી હશે, તેમણે જરૂર માણ્યો હશે. મને એનું બરાબર સ્મરણ છે. કેમ કે અનાજ પકવવાની સમગ્ર પ્રક્રીયામાં હું જોતરાયો હતો. હું જ્યારે યુનીવર્સીટીમાં ભણતો હતો ત્યારે એક વાર ચર્ચાસભા ગોઠવેલી. વીષય હતો આદર્શ જીવનનું મારું સ્વપ્ન. તે સમયે મેં એક ખેડૂતના જીવનને મારો આદર્શ ગણેલો. અનાજના ઉત્પાદનથી મને જે આનંદની પ્રાપ્તી થતી તેનો ખરેખર અહીં પ્રતીઘોષ છે. આ આનંદ સહુ ભેગાં મળીને માણે એ માટે અન્નકુટની ઉજવણી કરવામાં આવે છે.

 

આ આનંદ શો છે? એ છે સર્જનનો આનંદ. વળી જે અનાજ પાક્યું એમાં ભગવાનની અસીમ કૃપા છે. હા, આપણે મહેનત કરીએ છીએ, ખેડ, ખાતર, પુરાં પાડીએ છીએ, પરંતુ એ ઉપરાંત ઘણા બધા સંજોગો એવા છે જે કુદરત કે ભગવાન જે કહેવું હોય તેના પર જ આધાર રાખે છે. આથી તૈયાર થયેલા અનાજમાંથી દરેક જણ થોડું થોડું લાવે છે અને તેનો ઢગલો કરવામાં આવે છે-અન્નકુટ. અન્ન એટલે અનાજ અને કુટ એટલે ઢગલો. જે અનાજ મારા ઘરમાં આવ્યું છે તે ખરેખર મારું નથી, ભગવાનનું જ છે. એનું સ્મરણ રહે એ માટે પ્રતીક તરીકે પાકેલા દરેક અનાજમાંથી થોડું થોડું લઈ  ભગવાનને અર્પણ કરવામાં આવે છે.

 

तेन त्यक्तेन भुंजीथाः || ત્યાગીને ભોગવી જાણો. અને सह नौ भुनक्तु || અમે બંને સાથે ભોગવીએ. બંને કોણ? ભગવાન અને ભક્ત. એનાથી આસક્તી-મારાપણાનો ભાવ વીદાય લેશે. અને મારાપણાનો ભાવ અહંકારનું મુળ છે. આથી અહંકાર વીદાય થતાં આનંદની પ્રાપ્તી થાય છે.

 

આપણી બધી જ ધાર્મીક વીધી અને ઉત્સવોનું આયોજન આ અહંકારના વીસર્જન માટે કરવામાં આવ્યું છે. જ્યારે આપણને આપણી જાતનું, દેહનું, મારાપણાનું વીસ્મરણ થાય છે, ત્યારે અહંકાર વીસર્જીત થાય છે અને અહંકાર વીસર્જીત થતાં જ આનંદની પ્રાપ્તી થાય છે. કારણ કે અહંકાર જ દુઃખનું મુળ છે. આ વીસ્મરણ માટે જ લોકો કેફી પદાર્થો (intoxication) પાછળ પાગલ હોય છે. અને ધર્મ એનો વીરોધ એટલા માટે કરે છે કે કેફી પદાર્થોના સેવનથી થતું અહંકારનું વીસ્મરણ માત્ર ક્ષણીક છે, શાશ્વત નથી. એની પાછળ પડેલા મનુષ્ય માટે શાશ્વત આનંદનો માર્ગ બંધ થઈ જાય છે. શાશ્વત આનંદનો માર્ગ તો આત્માનુભવનો છે, આત્મ સાક્ષાત્કારનો છે. કેમ કે ત્યાર બાદ અહંકાર હંમેશ માટે વીસર્જીત થઈ જાય છે.

 

પરંતુ આપણે જે ધાર્મીક ઉત્સવો ઉજવીએ છીએ કે ધાર્મીક વીધી કરીએ છીએ એની પાછળનું રહસ્ય સમજવાની ચીંતા કોઈ કરતું નથી. ઉલટું જોવા તો એવું મળશે કે આવી વીધી કરનાર પોતાના અહંકારને વધુ મજબૂત બનાવશે- પોતે કેવી ધાર્મીક વ્યક્તી છે કે આવી વીધી પાછળ પોતે સૌથી વધુ ખર્ચ કરી શકે છે. “હું પુજા પ્રાર્થના કરું છું” એમાં મહત્વ “હું” ને અપાતું હોય છે, પુજા-પ્રાર્થનાને નહીં.

 

એક સાદી વાત જોઈએ. આપણે ભગવાનની પુજા કરીએ છીએ. એ પુજામાં જેમણે ખરેખર ભાગ લીધો હોય તે એમાં એવું તો ઓતપ્રોત થઈ જાય કે મુર્તીમાં ભગવાન સીવાય એને બીજું કશું ન દેખાય. મુર્તીના ભૌતીક આકારનું કશું મહત્વ નથી. તેથી જ હીન્દુ તો ગમે તે આકારના પત્થરને પણ મુર્તી તરીકે પુજે છે- પત્થર જ નહીં, આપણે વીષ્ણુ ભગાવાનનો તો દર્ભ (એક પ્રકારનું ઘાસ)નો ચટ બનાવી પુજા કરીએ છીએ. એનો અર્થ કે આકારનું કશું મહત્વ નથી. ગણેશજીની મુર્તીના અભાવે આપણે સોપારી રાખીએ છીએ. પરંતુ મોટા ભાગે શું જોવા મળે છે? જ્યાં વીશાળ, મહાકાય, આકર્ષક મુર્તી જોવા મળે તો આપણે એનાં ખુબ વખાણ કરીએ છીએ. અમારા મંદીરમાં જે મુર્તીઓ છે તેવી તમને બીજે જોવા નહીં મળે. મહત્વ મુર્તીનું? આપણને માત્ર આકાર જ દેખાય છે, ભગવાન નહીં.

 

તે જ પ્રમાણે અહીં આપણે જે “અન્નકુટ” કર્યો છે તે પણ ભગવાનનું પ્રતીક છે. “अन्नं ब्रह्मम्z” પણ કહેવાયું છે. હીંદુ ધર્મમાં ખરેખર તો એક જ ભગવાનની કલ્પના છે. દેવો અનેક છે, પણ ભગવાન માત્ર એક જ, જેનો વાસ એ સહુ દેવોમાં છે. એ માટેનો શબ્દ બ્રહ્મ છે. અને જે અન્ન બ્રહ્મ છે તેને આપણું શરીર ગ્રહણ કરે છે. આથી એનું સતત સ્મરણ રહે એ માટે આપણે અન્નકુટ ભગવાનની પુજા કરીએ છીએ.

Advertisements

ટૅગ્સ:

2 Responses to “અન્નકુટ”

  1. નિરવની નજરે . . ! Says:

    ખુબ જ મનનીય .

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: