Archive for ઓક્ટોબર, 2013

સ્વ. સોમાભાઈ ભાણાને શ્રદ્ધાંજલિ

ઓક્ટોબર 25, 2013

સ્વ. સોમાભાઈ ભાણાને શ્રદ્ધાંજલિ

આ વર્ષના જુલાઈ માસમાં અમારા ગામના વડીલ સોમાભાઈ ભાણાનું લગભગ 97 વર્ષની પાકટ વયે નીધન થયું. સોમાભાઈ પહેલાં નાઈરોબી, કેન્યામાં હતા અને ત્યાર બાદ લેસ્ટર, ઈન્ગ્લેન્ડમાં વર્ષો સુધી રહ્યા. અંતીમ વેળા તેઓ ગામમાં હતા. ઈન્ગ્લેન્ડમાં બોદાલીના મંડળે એમની શ્રદ્ધાંજલી મીટીંગ રાખી હતી, તે સમયે મેં શ્રદ્ધાંજલીના જે શબ્દો લખી મોકલ્યા હતા તે આ સાથે મારા બ્લોગ પર મુકું છું.

સ્વ. સોમાભાઈ ભાણાને શ્રદ્ધાંજલિ

સોમાભાઈ ભાણા આપણા બોદાલી ગામના એક બહુ જ સન્માન્ય વ્યક્તિવિશેષ હતા. એમના જવાથી બોદાલી ગામને તો ખરેખર બહુ મોટી ખોટ રહેવાની. પ્રભુ એમની બ્રહ્મપ્રાપ્તિની યાત્રા શીઘ્ર, સરળ અને નિષ્કંટક બનાવે એવી હાર્દિક પ્રાર્થના.

સોમાભાઈનાં માબાપ એમને બહુ જ નાના મુકીને સ્વર્ગવાસી થયાં હતાં, આથી તેઓ અમારા મહોલ્લામાં અમારી લગભગ  પાડોશમાં જ મામાના ઘરે મોટા થયેલા. ફકીરકાકા એમના મામા. આથી મારા પિતાજીને પણ સોમાભાઈ મામા કહેતા. આમ ઉંમરમાં સોમાભાઈ મારા કરતાં ખાસા મોટા હોવા છતાં મારા તો ભાઈ થતા હતા. વળી સોમાભાઈએ અમારા મહોલ્લાના ઋણના સ્વીકાર તરીકે અમારે ત્યાં પણ એમનાં માતા-પિતાની સ્મૃતિમાં બાંકડો મુકાવ્યો છે.

સોમાભાઈનાં અનેકવિધ સેવાનાં કાર્યોથી તો માત્ર આપણા ગામનાં જ નહીં, પણ આપણા વિસ્તારનાં એટલું જ નહીં દૂર દૂર સુધીનાં લોકો પરીચિત છે. જેમ કે ‘કોળી કોમનો ઐતિહાસિક પરિચય’ (જેનું સંપાદન સૌરાષ્ટ્રવાસી ભાઈએ કર્યું છે.) પુસ્તકમાં પણ એમના ફોટા સહીત કોળી કોમના એક અગ્રણી અને દાનવીર તરીકેની નોંધ લેવામાં આવી છે.

મારે સોમાભાઈ વિશે એક બીજી વાત કદાચ બહુ ઓછા લોકો જાણતા હશે તે જણાવવી છે.

એક પ્રસંગ મેં ઘણાં વર્ષો પહેલાં સાંભળેલો- કદાચ ૫૦-૬૦ વર્ષ પહેલાં. એ પ્રસંગે સોમાભાઈની ઉંમર કેટલી હશે તેની મને ખબર નથી. સોમાભાઈ કેવા નીડર, સાહસિક અને સ્પષ્ટવક્તા હતા તે દર્શાવતો આ પ્રસંગ છે.

એક વાર રાત્રે સોમાભાઈ સાઈકલ પર નીકળ્યા હતા. બોદાલીથી ઘણે દૂર પહોંચ્યા. ત્યાં કેટલાક તોફાની યુવકોનો ભેટો થયો. સોમાભાઈ પાસે હથિયાર તરીકે એક નાની કુહાડી સાઈકલના પાછલા કેરિયરમાં મુકેલી હતી.

પેલા તોફાનીઓએ કહ્યું, “એઈ! આ કુહાડી અમને આપી દે.”

સોમાભાઈ : “તમને આપવા માટે આ કુહાડી મેં સાથે નથી રાખી, પણ તને કુહાડી જોઈએ છે? આવીને લઈ જોને.”

અહીં યાદ રાખવાનું કે પેલા તોફાની યુવકો વધુ સંખ્યામાં હતા, સોમાભાઈ એકલા જ હતા. સોમાભાઈ કદાચ તે તોફાનીઓના ગામની સાવ નજીક અને બોદાલીથી ઘણા દૂર હતા. છતાં પેલા તોફાનીઓમાંથી કોઈની પણ સોમાભાઈને પડકારવાની હિંમત કે તાકાત ન હતી, કેમ કે એમનો પ્રભાવ અને વ્યક્તિત્વ એવાં હતાં કે કોઈએ એ સમયે સોમાભાઈની નજીક ફરકવાની હિંમત કરી નહીં.

અંત વેળાએ સોમાભાઈને એમની વિદાયની જાણે કે જાણ થઈ ગઈ હતી. આથી વ્હીલ ચૅરમાં પણ ગામમાં જેમને ખાસ મળવા જેવું લાગ્યું તેમને મળવા ગયેલા. એમાંના એક એમના ખાસ મિત્ર દુર્લભકાકા – છોટુભાઈના પિતાજી. છોટુભાઈના પિતાજીની ઉંમર ૧૦૧ વર્ષની હતી. એમને સોમાભાઈએ કહ્યું કે હવે તો આપણે ‘ઉપર’ મળીશું. ત્યારે દુર્લભકાકા કહે કે, “ભાઈ, હું તમારાથી મોટો છું, આથી પહેલાં તો હું જઈશ.”

પરંતુ એવું ન થયું સોમાભાઈએ પહેલી વિદાય લીધી અને માત્ર પાંચ જ દિવસમાં દુર્લભકાકાએ પણ.

ફરીથી એમની મોક્ષપ્રાપ્તીની આકાંક્ષા ત્વરાથી સંપન્ન હો અને એમના કુટુંબીજનો, સ્નેહીજનો અને સહુ મિત્રોને આ ખોટ સહન કરવાની પ્રભુ શક્તિ આપે એવી પ્રાર્થના.

ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ

મીઠા સત્યાગ્રહ-બોદાલીમાં

ઓક્ટોબર 20, 2013

મીઠા સત્યાગ્રહ-બોદાલીમાં

એક અપ્રકાશીત અધ્યાય

 

ભારતની આઝાદી અને સત્યાગ્રહની લડતમાં અનેક લોકોએ વીવીધ પ્રકારનો ભોગ આપેલો. એમાં કેટલાંક નામો બહુ પ્રખ્યાત થયેલાં અને અન્ય કેટલાંક સાવ વીસરાઈ ગયાં છે. આઝાદીની લડતનાં સંસ્મરણોનાં કેટલાંયે પુસ્તકો બહાર પડ્યાં છે તેમાં પણ કોઈક કારણોસર એવા અમુક લોકોનાં નામો અને પ્રસંગોનો સમાવેશ થયો નથી. બોદાલીના ખાડીફળીયામાં થયેલ એવા એક સત્યાગ્રહ અને એમાં ભાગ લેનાર ચાર સત્યાગ્રહીઓની આ નાનશી ગૌરવગાથા છે. (બોદાલી મારું ગામ અને મારું ઘર પણ ખાડીફળીયામાં જ છે. -ગાંડાભાઈ)

 

આ ચાર સત્યાગ્રહીઓ છે મીઠાભાઈ કાનજી, રામભાઈ પાંચા, લાલભાઈ જેરામ (ચોથી પેઢીએ મારા કાકા- ગાંડાભાઈ) અને જેરામભાઈ સોમાભાઈ. મીઠાભાઈ કાનજી એક અવ્વલ નંબરના સત્યાગ્રહી હતા. પ્રસ્તુત સત્યાગ્રહનો પ્રસંગ એમના સ્વમુખે જ સાંભળીએ.

 

“૧૯૩૦માં મહાત્મા ગાંધીજીએ નીમકના કાયદાનો ભંગ કરવા સત્યાગ્રહ શરુ કર્યો. આ પછી આખા દેશમાં એક નવી જ જાગૃતી આવી ગઈ. ઠેર ઠેર સત્યાગ્રહની લડત લોકોએ શરુ કરી. જ્યાં જુઓ ત્યાં ‘સત્યાગ્રહ કરી જેલ ભરો’ એ જ નારો ગાજતો હતો.

 

દાંડી સત્યાગ્રહના થોડા સમય બાદ આઝાદીની લડતના આગેવાનો તરફથી બોદાલી શાળાના તે સમયના મુખ્ય શીક્ષક પ્રાગજીભાઈ નાયકને સંદેશો મોકલવામાં આવ્યો કે અમુક દીવસે બોદાલીમાં પણ નીમકના કાયદાના ભંગ માટે સત્યાગ્રહનું આયોજન કરવામાં આવ્યું છે. તે સમયના ગામના એક આગેવાનને મુખ્ય શીક્ષકશ્રીએ આ અંગે જાણ કરી. એ ભાઈ ગામમાં એમના વીસ્તારમાં સત્યાગ્રહ કરવા સંમત ન હતા. એમણે ખાડીફળીયા કે ખંડારકમાં સત્યાગ્રહ કરવાનું સુચન કર્યું. (બોદાલી ગામને મુખ્ય ત્રણ વીભાગમાં વહેંચી શકાય-મોટાફળીયા, ખાડી ફળીયા અને ખંડારક)

 

નક્કી કરેલા દીવસે આઝાદીના ક્રાંતીકારી ભાઈ-બહેનો (જેમાં ચરોતરના નાગરજીભાઈ પટેલ, તેમનાં બહેન મણીબહેન, મહારાષ્ટ્રના આપ્ટેજી તથા તેમનાં પત્ની શારદાબહેનનો સમાવેશ થાય છે) બોદાલી ગામમાં આવ્યાં ત્યારે મુખ્ય શીક્ષકે તેઓને ખાડીફળીયામાં જવાનું કહ્યું.  અહીં ખાડીફળીયાના મુખ્ય પાદર આગળ એક પ્લેટફોર્મ બનાવી સભાનું આયોજન કરવામાં આવ્યું. આ સભામાં લગભગ બસો જેટલાં ભાઈ-બહેનોએ ભાગ લીધો હતો.

 

આ સત્યાગ્રહની જાણ સરકારને પ્રથમથી જ કરવામાં આવી હતી. મીઠાના કાયદાનો ભંગ હોવાથી ગામનો પટેલ તથા પોલીસ પણ આવી પહોંચી હતી. સૌ પ્રથમ ઉપરોક્ત ચાર મુખ્ય સત્યાગ્રહી ભાઈ-બહેનો(નાગરજીભાઈ, મણીબહેન, આપ્ટેજી અને શારદાબહેન)એ આઝાદીની લડત વીષે જોરદાર ભાષણ કર્યાં. જવાહરલાલ નહેરુએ સરકારના અન્યાયી સોળ કાયદાઓનો ભંગ કરવાનો આદેશ આપતું એક ભાષણ કરેલું. એની સોળ ફકરાવાળી એક પુસ્તીકા વાંચવાનો પ્રોગ્રામ હતો. મંચ પર જઈ એ વાંચવાની હાકલ કરવામાં આવી, પરંતું કોઈ એ વાંચવાની હીંમત કરતું નથી. આ સમયે હું (મીઠાભાઈ કાનજી) ભાણાભાઈ છીકાના ઘરની ટેકરી પર ભજન મંડળીમાં બેઠો હતો, જ્યાંથી મીટીંગમાં ચાલતું બધું જ જોઈ-સાંભળી શકાતું હતું. વારંવાર આગેવાનો દ્વારા હાકલ કરવા છતાં કોઈ ઉઠીને વાંચવાની હીંમત કરતું નથી. આથી આગેવાન સત્યાગ્રહીઓએ કહ્યું કે બોદાલી તો બોદું નીકળ્યું. આથી ભજન મંડળીના મુખીને મેં કહ્યું કે હું મીટીંગમાં જાઉં છું.

 

મંચ પર આવી મેં ભાષણ વાંચ્યું. આ પછી નીમકના કાયદાનો મીઠું પકાવી ભંગ કરવાનો કાર્યક્રમ હતો. હવે રામભાઈ પાંચાએ પણ હીંમત કરી અને નીમક પકાવ્યું. લાલાભાઈ જેરામે એનું લીલામ કર્યું, અને જેરામભાઈ સોમાભાઈએ તે ખરીદ્યું. ગામના પટેલે તથા પોલીસે અમારાં બધાનાં નામ નોંધી લીધાં.  થોડા દીવસો પછી અમારી ધરપકડનાં વૉરંટ કાઢવામાં આવ્યાં. જ્યારે પોલીસ ધરપકડ માટે આવી ત્યારે કેટલાક ભાઈઓ તો તવડી જતા રહ્યા હતા. જેરામભાઈ સોમાનું નામ ગામના મુખીના આગ્રહથી કાઢી નાખવામાં આવ્યું હતું, કેમ કે એમની ઈચ્છા ગામના એમના વીભાગમાંથી આ લડતમાં કોઈ ન સંડોવાય એવી હતી. પોલીસ આવી ત્યારે સવારના લગભગ છ વાગ્યા હતા. હું દાતણ કરતો હતો. પોલીસ જ્યારે ભગત ઝાંપામાં પુછપરછ કરતી હતી ત્યારે મને જમનાભાભી(ડાહ્યાભાઈ લાલભાઈનાં મા)એ કહ્યું,

‘મીઠલાજી, મીઠલાજી, સંતાઈ જાઓ, પોલીસ ભગત ઝાંપામાં આવી ગઈ છે.’

 

મેં કહ્યું, ‘જમનાભાભી, ભાગી કે સંતાઈ જવા માટે સત્યાગ્રહ થોડો જ કર્યો હતો?’

 

પરંતુ પછીથી ખબર પડી કે પોલીસને કોઈકે કહેલું કે વીઠ્ઠલભાઈ કાનજી નામનો કોઈ માણસ અહીં નથી. (નોંધ: ‘વીઠ્ઠલભાઈ’ નામ ઘણું ખરું બદલીને ‘મીઠાભાઈ’ કરવામાં આવે છે-ગાંડાભાઈ)  આથી પોલીસ ભગત ઝાંપા આગળથી જ પાછી વળી ગયેલી. કદાચ પોલીસને કોઈને પકડવામાં ઝાઝો રસ પણ ન હતો. આ પછી એકાદ-બે દીવસ રાહ જોઈ પણ કોઈ પોલીસ દેખાઈ નહીં. એક દીવસ જલાલપુરવાળા પહાડમાં એક મીત્રના ખેતરમાં અમે કામ કરવા ગયા હતા. ત્યાંથી જ હું જલાલપુર પોલીસથાણે પહોંચી ગયો. મીત્રને કહ્યું કે હું ગયો છું તે મારી માને કહી દેજે.

 

ત્યાં જઈ થાણામાં પહેરેદાર પોલીસને કહ્યું, ‘હમને બોદાલી મેં સત્યાગ્રહ કીયા થા ઔર હમ પર વૉરંટ નીકાલા ગયા હૈ. મૈં હાજીર હું.’

 

તે નવાઈ પામી મને કહેવા લાગ્યો, ‘અચ્છા, તો બકરા ખુદ હલાલ હોનેકો આ ગયા હૈ.’

 

પછી તે મને મેજીસ્ટ્રેટ મી. દેસાઈ અને ફોજદાર કોઈ પારસી ભાઈ હતા તેમની પાસે લઈ ગયો. મેજીસ્ટ્રેટ દેસાઈએ મને સમજાવ્યો, ‘નાહક શા માટે જેલમાં જવાનો. જા જલાલપોર ગામમાંથી દેવા હરીને(હાલના ધારાસભ્ય સી.ડી. પટેલના પીતાશ્રી) બોલાવી લાવ, તેને સાક્ષી તરીકે રાખી છુટી જા. હું તને જવા દઈશ.’

 

મેં એને કહ્યું, ‘હું તો દેશની આઝાદી માટે લડું છું. અમને આઝાદી સીવાય કશું ન ખપે.’

 

ત્યારે એણે કહ્યું, ‘આ છોકરાનું મોઢું ખુબ ચાલે છે, એને કોટડીમાં પુરી દો.’

 

મને જે કોટડીમાં લઈ ગયા ત્યાં સત્યાગ્રહી નાગરજીભાઈ પટેલ હતા. મને જોઈને નાગરજીભાઈ ઘણા આનંદમાં આવી ગયા. જ્યારે મેં કહ્યું કે મને પકડવા માટે કોઈ આવ્યું નહી, આથી હું મારી જાતે હાજર થઈ ગયો છું, એ સાંભળીને તો એમને અત્યંત ખુશી થઈ. બીજા સત્યાગ્રહીઓને પણ જાણ કરી અને કહ્યું કે બોદાલીમાં ઘાંટા પાડેલા નકામા નથી ગયા.  બીજા એક-બે દીવસ બાદ રામભાઈ પાંચા પણ એમની જાતે જ થાણામાં હાજર થઈ ગયા.

 

જલાલપોરથી અમને સુરત લઈ જવામાં આવ્યા. ત્યાં અમારા પર કેસ ચલાવવામાં આવ્યો. અમને બધાને ચાર ચાર મહીનાની સજા ફટકારવામાં આવી, અને સુરતથી અમદાવાદ સાબરમતી જેલમાં ખસેડવામાં આવ્યા. જો કે અમે ચાર મહીનાની સજા પુરી કરીએ તે પહેલાં જ અમને છોડી મુકવામાં આવ્યા હતા, કેમ કે આ સમયે લંડનમાં ગોળમેજી પરીષદ ભરાઈ રહી હતી. પરીષદની શરુઆતમાં જ ગાંધીજીએ પહેલી માગણી એ કરી કે મીઠાના સત્યાગ્રહમાં પકડવામાં આવેલા અમારા લાખો કેદીઓને છોડી મુકવામાં આવે તો જ આગળ વાતો ચલાવવામાં આવશે. સાબરમતી જેલના બધા જ કેદીઓને જ્યારે છોડી મુકવામાં આવ્યા ત્યારે અમદાવાદની જનતાએ ફુલહારથી જે ભવ્ય સ્વાગત કરેલું તે કદી નહી ભુલાય તેવું હતું. એ પ્રસંગ મારા મન પર અમીટ છાપ મુકતો  ગયો છે. અમારી જેલયાત્રા આ રીતે પુરી થઈ.”

 

જેલના જીવન, વાતાવરણ તથા કોઈ મહાન નેતાની મુલાકાત થયેલી કે કેમ એ વીષે પુછવામાં આવ્યું ત્યારે મીઠાભાઈએ જણાવ્યું કે આમ તો ઘણા આગળ પડતા નેતાઓ હતા, પરંતુ એમાં મહાદેવભાઈ દેસાઈ તથા રાજાજી મુખ્ય હતા. જેલમાં અમે સખત મહેનત કરતા, સચ્ચાઈ પુર્વક, ગાંધીજીના આદર્શ મુજબ જીવન ગુજારતા હતા. અમારાથી મોટી ઉમરના મુરબ્બીઓ અમને કહેતા કે છોકરાઓ, તમે અહીં ઉંઘવા કે મઝા કરવા નથી આવ્યા. મળસ્કે ચાર વાગ્યે ઉઠી, નાહવા-ધોવાનો નીત્ય ક્રમ પતાવી, પ્રાર્થના પછી દરેક પ્રકારનું સફાઈકામ, અનાજની સફાઈ, અનાજ દળવાનું કામ વગેરે અમે કર્યું હતું. દેશના મહાન ગાંધીવાદી નેતાઓ પાસેથી પ્રાર્થના કેવી રીતે કરવી, પ્રાર્થનાના શ્લોકો, ભજનો ગાવાં વગેરે બધું અમને જેલમાં શીખવા મળેલું.

 

જેલમાં આપણા કાંઠા વીભાગના તમારી સાથે કોણ કોણ હતા એવું પુછ્યું ત્યારે મીઠાભાઈએ કહ્યું હતું કે કરાડી, ભાઠા ફળીયાના ભાણાભાઈ જસમત હતા.

 

‘જેલમાં તમને માર પડેલો ખરો?’

‘ના, પણ યરવડા જેલમાં ખુબ મારતા.’

 

‘તમારા ઘરે જલાલપોરના વાણીયાની દુકાનેથી અનાજ મોકલવામાં આવતું એ વાત સાચી?’

‘હા, જેમની સ્થીતી ગરીબ કે સાધારણ-મધ્યમ હતી તેમના ઘરે અનાજ આપવામાં આવેલું, પણ એના નાણાં કોંગ્રેસના ભંડોળમાંથી ચુકવવામાં આવતાં.’

 

પ્રેષક: જયરામભાઈ મીઠાભાઈ કાનજી

 

નોંધ : સ્વ. મીઠાભાઈ કાનજીની સ્મૃતીમાં મીઠાકાકા સત્યાગ્રહ સ્મૃતી મંદીરની સ્થાપના બોદાલી, ખાડી ફળીયામાં જે સ્થળે સત્યાગ્રહ કરવામાં આવેલો તે સ્થળે એમના સુપુત્ર જયરામભાઈ દ્વારા કરવામાં આવી છે. એના ઉદ્ઘાટન પ્રસંગે ઉપરોક્ત પ્રવચન શ્રી જયરામભાઈએ આપ્યું હતું.

 

ગુરુપુર્ણીમા

ઓક્ટોબર 6, 2013

ગુરુપુર્ણીમા

અહીં વેલીંગ્ટન ઈન્ડીયન એસોસીયેશ દ્વારા ગુરુપુર્ણીમાની ઉજવણી કેટલાંક વર્ષ પહેલાં જ્યારે કરવામાં આવેલી ત્યારે મને બે શબ્દો કહેવાનું જણાવવામાં આવેલું. મારું એ વક્તવ્ય અહીં મુકું છું.

 

અષાઢ સુદ પુર્ણીમા એટલે ગુરુ પુર્ણીમા. આ દીવસે શીષ્ય ગુરુનું પુજન કરી પોતાનો અહોભાવ વ્યક્ત કરવા ગુરુદક્ષીણા આપે છે. શાસ્ત્રો અને પંડીતો આ વીષે શું કહે છે તેની મને માહીતી નથી, પરંતુ સત્યનો સાક્ષાત્કાર કરનાર એક પ્રજ્ઞાપુરુષના ગુરુ અને પુર્ણીમા વીષેના ઉદ્ગારોની મારા મન પર પડેલી અસરનું જે કંઈક સ્મરણ છે તે વ્યક્ત કરવાનો પ્રયત્ન કરીશ. એમાંથી જો કોઈ સત્યનો આભાસ થાય તો એ આ પ્રજ્ઞાપુરુષનો પ્રતાપ ગણવો અને માત્ર શબ્દોની રમતનો ભાસ થાય તો મારી સમજણની ઉણપ સમજવી.

 

પંડીતો દ્વારા રચાયેલા શાસ્ત્રોમાં માત્ર શબ્દોનો સંગ્રહ હોય છે, સત્ય તરફનો નીર્દેશ નહીં. પ્રજ્ઞાપુરુષોના ઉદ્ગારોમાં સત્ય પ્રતી આંગળી ચીંધવાનો પ્રયત્ન હોય છે, કેમ કે શબ્દો દ્વારા સત્ય કદી આપી શકાતું નથી. એના તરફ માત્ર ઈશારો કરી શકાય.

 

ગુરુ કોણ? જેણે સત્યનો સાક્ષાત્કાર કર્યો છે, અને જે એના તરફ ઈશારો કરવાને શક્તીમાન હોય છે તે. સત્યનો સાક્ષાત્કાર કરનાર બધા જ એને વ્યક્ત કરવાને સમર્થ હોય છે એમ હોતું નથી. વળી શીક્ષકને ગુરુ માની લેનારાં સાવ ભોળાં લોકો પણ મોટી સંખ્યામાં જોવામાં આવે છે. અને શીરા માટે શ્રાવક થનારાનો ક્યાં તોટો છે? આથી કેહવાતા ગુરુ પણ ઘણા છે.

 

અહીં આપણે સાચા ગુરુ વીષે વાત કરીશું. ગુરુને અષાઢી પુર્ણીમાના ચંદ્રની ઉપમા આપી છે. શીષ્ય સત્યનો પ્રકાશ- તમારે ભગવાન કહેવું હોય તો ભગવાનનો સીધો પ્રકાશ ઝીલી ન શકે, કેમ કે સત્ય એ સુર્ય સમાન છે. સુર્ય સામે આપણે સીધું જોઈ ન શકીએ. પ્રયત્ન કરશો તો પ્રકાશને બદલે અંધારું મળશે. પરંતુ જેમ ચંદ્ર સુર્યનો પ્રકાશ ઝીલી આપણને પાછો આપે છે તો તે શીતળ ચાંદનીનો પ્રકાશ આપણા માટે આનંદ દાયક છે. તેવી જ રીતે ગુરુના માધ્યમ વડે આપણે સત્યનો સાક્ષાત્કાર કરી શકીએ.

 

આ સમજવા જેમણે સત્યનો સાક્ષાત્કાર કર્યો છે તેમના ઉદ્ગારો જોઈએ. જેમ કે મીરાંબાઈ-

એમણે ગાયું છે

ઉંચા ઉંચા આભમાં ને ઉંચા ઉંચા ડુંગરાની

ઉંડીરે   ગુફામાં  મારો  દીવડો  બળે   રે ………

એ દીવડો કેવો છે?

લાખ લાખ ચંદા ચળકે કોટી કોટી ભાનુ રે

દીવડા  અગાડી  મારા  ઝાંખા  પડે   રે…………

ભાનુ એટલે સુર્ય અને કોટી કોટી એટલે કરોડો.

કરોડો સુર્યનો પ્રકાશ આપણે ઝીલી ન જ શકીએ. આથી સત્યનો ગુરુ દ્વારા આડકતરી રીતે જ પરીચય પામી શકાય.

 

પરંતુ અષાઢી પુર્ણીમાને જ કેમ ગુરુ પુર્ણીમા કહી?

 

આપણા દેશમાં અષાઢ માસ ખાસ વરસાદનો મહીનો ગણાય. વરસાદ પડી ગયો હોય અને આ દીવસે જો આકાશ ખુલ્લું હોય તો ચંદ્રમાનો પ્રકાશ બહુ સ્પષ્ટ લાગે છે. કેમ કે વરસાદ પડી જવાને કારણે હવામાં ધુળની રજકણો બીલકુલ હોતી નથી. પરંતુ અષાઢ માસમાં આકાશમાં વરસાદ કે વાદળો ન હોય એવું બહુ ઓછું બને- ગુરુ મળવા બહુ દુર્લભ છે. એ તરફ આ ઈશારો છે. એમ છતાં જો ગુરુ મળે તો અષાઢી પુિર્ણમાના ચંદ્રમાની જેમ બહુ જ સ્પષ્ટ માર્ગદર્શન મળી શકે.

 

વળી ગુરુ એક સમયે શીષ્ય અત્યારે જે સ્થીતીમાં છે તે સ્થીતીમાં રહી ચૂક્યા છે. આથી ગુરુ શીષ્યની સ્થીતી બરાબર સમજે છે. અને ગુરુને અનંત પ્રકાશનો પણ અનુભવ થઈ ચૂક્યો છે. આથી જ એ શીષ્યને યોગ્ય માર્ગદર્શન આપી શકે.

ગેસ, અપચો અને ખાટા ઓડકાર

ઓક્ટોબર 4, 2013

ઉપચાર તમારા આરોગ્ય ચીકીત્સકની સલાહ મુજબ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

નીચેની માહીતી ભાઈશ્રી બી.જે. મિસ્ત્રીના સૌજન્યથી આપવામાં આવે છે. એમના તરફથી મળેલ ઈમેઈલમાં આ માહીતીનો પ્રચાર કરવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. આમાંના કેટલાક ઉપાય મારા બ્લોગમાં આવી ગયા હશે. લગભગ આ બધા ઉપાયો પીત્ત પ્રકૃતીવાળાએ કરતાં પહેલાં પ્રમાણ બાબત કાળજી લેવી, અને પ્રતીકુળ અસર જણાય તો પ્રયોગ ચાલુ રાખવા ન જોઈએ, કે ઔષધોનું પ્રમાણ ઘટાડી દેવું.

ગેસ, અપચો અને ખાટા ઓડકાર

૧. જીરુ પાવડર સાથે થોડી હીંગ ભેળવી લેવાથી પેટમાં થયેલ વાયુનો ભરાવો દુર થાય છે.

૨. મેથી અને સુવાનું શેકી ચુર્ણ બનાવી પાણી સાથે લેવાથી વાયુ, મોળ, આફરો, ઉબકા અને ખાટા ઓડકરમાં બહુ ફાયદો થાય છે.

૩. દરરોજ રાત્રે સુતાં પહેલાં ગળ્યા દુધમાં બે ચમચી ઈસબગુલ નાખી લવણભાસ્કરની ફાકી કરવાથી વાયુની તકલીફ દુર થાય છે. જોકે ઈસબગુલ લાંબો સમય લેવાથી સ્નાયુઓ જકડાઈ જાય છે.

૪. ૨૫ ગ્રામ મેથી અને ૨૫ ગ્રામ સુવાને અધકચરા શેકી ખાંડી દેવા. આ ચુર્ણને પછી એક એરટાઈટ ડબામાં મુકી દેવું. દીવસમાં ત્રણ વાર ૫-૫ ગ્રામ ફાકી જવાથી વાયુ, ગોળો, આફરો, ખાટા ઓડકાર, પાતળા ઝાડા વગેરે મટી જાય છે.

૫. ગોળ અને સુંઠને ભેળવી દીવસમાં ત્રણ વાર લેવાથી વાયુનો નાશ થાય છે.

૬. ખુબજ વાયુ થયો હોય તો, દીવસમાં ત્રણવાર ૫ ગ્રામ અજમો ગરમ પાણીમાં ચાવી જવો. જેના કારણે પેટના દુખાવામાં અને ડાબી બાજુના હૃદયના દુખાવામાં રાહત મળશે. અજમા સાથે થોડું સીંધવ મીઠુ અને લીંબુના રસનાં બે-ત્રણ ટીંપાં પણ અકસીર ઈલાજ છે.

૭. ગેસની તકલીફ દુર કરવા, શેકેલા કાચકા અને મરી સરખા ભાગે લઈ પાવડર બનાવી ફાકી કરવાથી ગેસમાં ચોક્કસ રાહત મળે છે.

૮. વાયુના નીકાલ માટે સુંઠ, સંચળ અને અજમો ભેગાં કરી, સોડા બાયકાર્બન સાથે પાણીમાં ભેળવી પીવું.

૯. ગેસના દર્દીએ રોજ તુલસીના રસમાં લીંબુનો રસ ભેળવી પીવો જોઈએ.

૧૦. તુલસી મળવી મુશ્કેલ હોય તો, ગરમ પાણીમાં લીંબુનો રસ ભેળવી પીવો જોઈએ.

મોટાભાગના રોગનું મુળ ગેસ છે.