મીઠા સત્યાગ્રહ-બોદાલીમાં

મીઠા સત્યાગ્રહ-બોદાલીમાં

એક અપ્રકાશીત અધ્યાય

 

ભારતની આઝાદી અને સત્યાગ્રહની લડતમાં અનેક લોકોએ વીવીધ પ્રકારનો ભોગ આપેલો. એમાં કેટલાંક નામો બહુ પ્રખ્યાત થયેલાં અને અન્ય કેટલાંક સાવ વીસરાઈ ગયાં છે. આઝાદીની લડતનાં સંસ્મરણોનાં કેટલાંયે પુસ્તકો બહાર પડ્યાં છે તેમાં પણ કોઈક કારણોસર એવા અમુક લોકોનાં નામો અને પ્રસંગોનો સમાવેશ થયો નથી. બોદાલીના ખાડીફળીયામાં થયેલ એવા એક સત્યાગ્રહ અને એમાં ભાગ લેનાર ચાર સત્યાગ્રહીઓની આ નાનશી ગૌરવગાથા છે. (બોદાલી મારું ગામ અને મારું ઘર પણ ખાડીફળીયામાં જ છે. -ગાંડાભાઈ)

 

આ ચાર સત્યાગ્રહીઓ છે મીઠાભાઈ કાનજી, રામભાઈ પાંચા, લાલભાઈ જેરામ (ચોથી પેઢીએ મારા કાકા- ગાંડાભાઈ) અને જેરામભાઈ સોમાભાઈ. મીઠાભાઈ કાનજી એક અવ્વલ નંબરના સત્યાગ્રહી હતા. પ્રસ્તુત સત્યાગ્રહનો પ્રસંગ એમના સ્વમુખે જ સાંભળીએ.

 

“૧૯૩૦માં મહાત્મા ગાંધીજીએ નીમકના કાયદાનો ભંગ કરવા સત્યાગ્રહ શરુ કર્યો. આ પછી આખા દેશમાં એક નવી જ જાગૃતી આવી ગઈ. ઠેર ઠેર સત્યાગ્રહની લડત લોકોએ શરુ કરી. જ્યાં જુઓ ત્યાં ‘સત્યાગ્રહ કરી જેલ ભરો’ એ જ નારો ગાજતો હતો.

 

દાંડી સત્યાગ્રહના થોડા સમય બાદ આઝાદીની લડતના આગેવાનો તરફથી બોદાલી શાળાના તે સમયના મુખ્ય શીક્ષક પ્રાગજીભાઈ નાયકને સંદેશો મોકલવામાં આવ્યો કે અમુક દીવસે બોદાલીમાં પણ નીમકના કાયદાના ભંગ માટે સત્યાગ્રહનું આયોજન કરવામાં આવ્યું છે. તે સમયના ગામના એક આગેવાનને મુખ્ય શીક્ષકશ્રીએ આ અંગે જાણ કરી. એ ભાઈ ગામમાં એમના વીસ્તારમાં સત્યાગ્રહ કરવા સંમત ન હતા. એમણે ખાડીફળીયા કે ખંડારકમાં સત્યાગ્રહ કરવાનું સુચન કર્યું. (બોદાલી ગામને મુખ્ય ત્રણ વીભાગમાં વહેંચી શકાય-મોટાફળીયા, ખાડી ફળીયા અને ખંડારક)

 

નક્કી કરેલા દીવસે આઝાદીના ક્રાંતીકારી ભાઈ-બહેનો (જેમાં ચરોતરના નાગરજીભાઈ પટેલ, તેમનાં બહેન મણીબહેન, મહારાષ્ટ્રના આપ્ટેજી તથા તેમનાં પત્ની શારદાબહેનનો સમાવેશ થાય છે) બોદાલી ગામમાં આવ્યાં ત્યારે મુખ્ય શીક્ષકે તેઓને ખાડીફળીયામાં જવાનું કહ્યું.  અહીં ખાડીફળીયાના મુખ્ય પાદર આગળ એક પ્લેટફોર્મ બનાવી સભાનું આયોજન કરવામાં આવ્યું. આ સભામાં લગભગ બસો જેટલાં ભાઈ-બહેનોએ ભાગ લીધો હતો.

 

આ સત્યાગ્રહની જાણ સરકારને પ્રથમથી જ કરવામાં આવી હતી. મીઠાના કાયદાનો ભંગ હોવાથી ગામનો પટેલ તથા પોલીસ પણ આવી પહોંચી હતી. સૌ પ્રથમ ઉપરોક્ત ચાર મુખ્ય સત્યાગ્રહી ભાઈ-બહેનો(નાગરજીભાઈ, મણીબહેન, આપ્ટેજી અને શારદાબહેન)એ આઝાદીની લડત વીષે જોરદાર ભાષણ કર્યાં. જવાહરલાલ નહેરુએ સરકારના અન્યાયી સોળ કાયદાઓનો ભંગ કરવાનો આદેશ આપતું એક ભાષણ કરેલું. એની સોળ ફકરાવાળી એક પુસ્તીકા વાંચવાનો પ્રોગ્રામ હતો. મંચ પર જઈ એ વાંચવાની હાકલ કરવામાં આવી, પરંતું કોઈ એ વાંચવાની હીંમત કરતું નથી. આ સમયે હું (મીઠાભાઈ કાનજી) ભાણાભાઈ છીકાના ઘરની ટેકરી પર ભજન મંડળીમાં બેઠો હતો, જ્યાંથી મીટીંગમાં ચાલતું બધું જ જોઈ-સાંભળી શકાતું હતું. વારંવાર આગેવાનો દ્વારા હાકલ કરવા છતાં કોઈ ઉઠીને વાંચવાની હીંમત કરતું નથી. આથી આગેવાન સત્યાગ્રહીઓએ કહ્યું કે બોદાલી તો બોદું નીકળ્યું. આથી ભજન મંડળીના મુખીને મેં કહ્યું કે હું મીટીંગમાં જાઉં છું.

 

મંચ પર આવી મેં ભાષણ વાંચ્યું. આ પછી નીમકના કાયદાનો મીઠું પકાવી ભંગ કરવાનો કાર્યક્રમ હતો. હવે રામભાઈ પાંચાએ પણ હીંમત કરી અને નીમક પકાવ્યું. લાલાભાઈ જેરામે એનું લીલામ કર્યું, અને જેરામભાઈ સોમાભાઈએ તે ખરીદ્યું. ગામના પટેલે તથા પોલીસે અમારાં બધાનાં નામ નોંધી લીધાં.  થોડા દીવસો પછી અમારી ધરપકડનાં વૉરંટ કાઢવામાં આવ્યાં. જ્યારે પોલીસ ધરપકડ માટે આવી ત્યારે કેટલાક ભાઈઓ તો તવડી જતા રહ્યા હતા. જેરામભાઈ સોમાનું નામ ગામના મુખીના આગ્રહથી કાઢી નાખવામાં આવ્યું હતું, કેમ કે એમની ઈચ્છા ગામના એમના વીભાગમાંથી આ લડતમાં કોઈ ન સંડોવાય એવી હતી. પોલીસ આવી ત્યારે સવારના લગભગ છ વાગ્યા હતા. હું દાતણ કરતો હતો. પોલીસ જ્યારે ભગત ઝાંપામાં પુછપરછ કરતી હતી ત્યારે મને જમનાભાભી(ડાહ્યાભાઈ લાલભાઈનાં મા)એ કહ્યું,

‘મીઠલાજી, મીઠલાજી, સંતાઈ જાઓ, પોલીસ ભગત ઝાંપામાં આવી ગઈ છે.’

 

મેં કહ્યું, ‘જમનાભાભી, ભાગી કે સંતાઈ જવા માટે સત્યાગ્રહ થોડો જ કર્યો હતો?’

 

પરંતુ પછીથી ખબર પડી કે પોલીસને કોઈકે કહેલું કે વીઠ્ઠલભાઈ કાનજી નામનો કોઈ માણસ અહીં નથી. (નોંધ: ‘વીઠ્ઠલભાઈ’ નામ ઘણું ખરું બદલીને ‘મીઠાભાઈ’ કરવામાં આવે છે-ગાંડાભાઈ)  આથી પોલીસ ભગત ઝાંપા આગળથી જ પાછી વળી ગયેલી. કદાચ પોલીસને કોઈને પકડવામાં ઝાઝો રસ પણ ન હતો. આ પછી એકાદ-બે દીવસ રાહ જોઈ પણ કોઈ પોલીસ દેખાઈ નહીં. એક દીવસ જલાલપુરવાળા પહાડમાં એક મીત્રના ખેતરમાં અમે કામ કરવા ગયા હતા. ત્યાંથી જ હું જલાલપુર પોલીસથાણે પહોંચી ગયો. મીત્રને કહ્યું કે હું ગયો છું તે મારી માને કહી દેજે.

 

ત્યાં જઈ થાણામાં પહેરેદાર પોલીસને કહ્યું, ‘હમને બોદાલી મેં સત્યાગ્રહ કીયા થા ઔર હમ પર વૉરંટ નીકાલા ગયા હૈ. મૈં હાજીર હું.’

 

તે નવાઈ પામી મને કહેવા લાગ્યો, ‘અચ્છા, તો બકરા ખુદ હલાલ હોનેકો આ ગયા હૈ.’

 

પછી તે મને મેજીસ્ટ્રેટ મી. દેસાઈ અને ફોજદાર કોઈ પારસી ભાઈ હતા તેમની પાસે લઈ ગયો. મેજીસ્ટ્રેટ દેસાઈએ મને સમજાવ્યો, ‘નાહક શા માટે જેલમાં જવાનો. જા જલાલપોર ગામમાંથી દેવા હરીને(હાલના ધારાસભ્ય સી.ડી. પટેલના પીતાશ્રી) બોલાવી લાવ, તેને સાક્ષી તરીકે રાખી છુટી જા. હું તને જવા દઈશ.’

 

મેં એને કહ્યું, ‘હું તો દેશની આઝાદી માટે લડું છું. અમને આઝાદી સીવાય કશું ન ખપે.’

 

ત્યારે એણે કહ્યું, ‘આ છોકરાનું મોઢું ખુબ ચાલે છે, એને કોટડીમાં પુરી દો.’

 

મને જે કોટડીમાં લઈ ગયા ત્યાં સત્યાગ્રહી નાગરજીભાઈ પટેલ હતા. મને જોઈને નાગરજીભાઈ ઘણા આનંદમાં આવી ગયા. જ્યારે મેં કહ્યું કે મને પકડવા માટે કોઈ આવ્યું નહી, આથી હું મારી જાતે હાજર થઈ ગયો છું, એ સાંભળીને તો એમને અત્યંત ખુશી થઈ. બીજા સત્યાગ્રહીઓને પણ જાણ કરી અને કહ્યું કે બોદાલીમાં ઘાંટા પાડેલા નકામા નથી ગયા.  બીજા એક-બે દીવસ બાદ રામભાઈ પાંચા પણ એમની જાતે જ થાણામાં હાજર થઈ ગયા.

 

જલાલપોરથી અમને સુરત લઈ જવામાં આવ્યા. ત્યાં અમારા પર કેસ ચલાવવામાં આવ્યો. અમને બધાને ચાર ચાર મહીનાની સજા ફટકારવામાં આવી, અને સુરતથી અમદાવાદ સાબરમતી જેલમાં ખસેડવામાં આવ્યા. જો કે અમે ચાર મહીનાની સજા પુરી કરીએ તે પહેલાં જ અમને છોડી મુકવામાં આવ્યા હતા, કેમ કે આ સમયે લંડનમાં ગોળમેજી પરીષદ ભરાઈ રહી હતી. પરીષદની શરુઆતમાં જ ગાંધીજીએ પહેલી માગણી એ કરી કે મીઠાના સત્યાગ્રહમાં પકડવામાં આવેલા અમારા લાખો કેદીઓને છોડી મુકવામાં આવે તો જ આગળ વાતો ચલાવવામાં આવશે. સાબરમતી જેલના બધા જ કેદીઓને જ્યારે છોડી મુકવામાં આવ્યા ત્યારે અમદાવાદની જનતાએ ફુલહારથી જે ભવ્ય સ્વાગત કરેલું તે કદી નહી ભુલાય તેવું હતું. એ પ્રસંગ મારા મન પર અમીટ છાપ મુકતો  ગયો છે. અમારી જેલયાત્રા આ રીતે પુરી થઈ.”

 

જેલના જીવન, વાતાવરણ તથા કોઈ મહાન નેતાની મુલાકાત થયેલી કે કેમ એ વીષે પુછવામાં આવ્યું ત્યારે મીઠાભાઈએ જણાવ્યું કે આમ તો ઘણા આગળ પડતા નેતાઓ હતા, પરંતુ એમાં મહાદેવભાઈ દેસાઈ તથા રાજાજી મુખ્ય હતા. જેલમાં અમે સખત મહેનત કરતા, સચ્ચાઈ પુર્વક, ગાંધીજીના આદર્શ મુજબ જીવન ગુજારતા હતા. અમારાથી મોટી ઉમરના મુરબ્બીઓ અમને કહેતા કે છોકરાઓ, તમે અહીં ઉંઘવા કે મઝા કરવા નથી આવ્યા. મળસ્કે ચાર વાગ્યે ઉઠી, નાહવા-ધોવાનો નીત્ય ક્રમ પતાવી, પ્રાર્થના પછી દરેક પ્રકારનું સફાઈકામ, અનાજની સફાઈ, અનાજ દળવાનું કામ વગેરે અમે કર્યું હતું. દેશના મહાન ગાંધીવાદી નેતાઓ પાસેથી પ્રાર્થના કેવી રીતે કરવી, પ્રાર્થનાના શ્લોકો, ભજનો ગાવાં વગેરે બધું અમને જેલમાં શીખવા મળેલું.

 

જેલમાં આપણા કાંઠા વીભાગના તમારી સાથે કોણ કોણ હતા એવું પુછ્યું ત્યારે મીઠાભાઈએ કહ્યું હતું કે કરાડી, ભાઠા ફળીયાના ભાણાભાઈ જસમત હતા.

 

‘જેલમાં તમને માર પડેલો ખરો?’

‘ના, પણ યરવડા જેલમાં ખુબ મારતા.’

 

‘તમારા ઘરે જલાલપોરના વાણીયાની દુકાનેથી અનાજ મોકલવામાં આવતું એ વાત સાચી?’

‘હા, જેમની સ્થીતી ગરીબ કે સાધારણ-મધ્યમ હતી તેમના ઘરે અનાજ આપવામાં આવેલું, પણ એના નાણાં કોંગ્રેસના ભંડોળમાંથી ચુકવવામાં આવતાં.’

 

પ્રેષક: જયરામભાઈ મીઠાભાઈ કાનજી

 

નોંધ : સ્વ. મીઠાભાઈ કાનજીની સ્મૃતીમાં મીઠાકાકા સત્યાગ્રહ સ્મૃતી મંદીરની સ્થાપના બોદાલી, ખાડી ફળીયામાં જે સ્થળે સત્યાગ્રહ કરવામાં આવેલો તે સ્થળે એમના સુપુત્ર જયરામભાઈ દ્વારા કરવામાં આવી છે. એના ઉદ્ઘાટન પ્રસંગે ઉપરોક્ત પ્રવચન શ્રી જયરામભાઈએ આપ્યું હતું.

 

Advertisements

ટૅગ્સ:

2 Responses to “મીઠા સત્યાગ્રહ-બોદાલીમાં”

 1. Purvi Malkan Says:

  e vatavaran ma khovai javano aaand anero. kash 3D ma aa prasango jova male kam se kam e samay ne anubhavi shakaay. sundar ati sundar.

  • ગાંડાભાઈ વલ્લભ Says:

   નમસ્તે પૂર્વીબહેન.
   ‘મીઠા સત્યાગ્રહ બોદાલીમાં’ આપને ગમ્યું અને પ્રોત્સાહક કૉમેન્ટ લખી એ બદલ હાર્દીક આભાર.
   1947માં આઝાદી મળી તે સમયના ઉત્સાહનું થોડું સ્મરણ છે, અને તે પહેલાં ગામમાં આઝાદીની ચળવળ બાબત જે વાતાવરણ હતું તેનું પણ કંઈક સ્મરણ છે. 1942માં અમારા ગામમાં પણ પોલીસ આવેલી. અમારા ઘર આગળ પણ એક પોલીસ મરઘું પકડવા દોડેલો તેનું સ્મરણ મને હજુ છે – તે સમયે મારી ઉંમર માત્ર ચાર વર્ષની હતી છતાં. પોલીસના જુલમના કારણે મારાથી બે વર્ષ મોટા ભાઈ સહીત અમને જલાલપોર મામાના ઘરે મોકલી દીધા હતા, કેમ કે મામાના ઘરનો એ વીસ્તાર ગાયકવાડમાં ગણાતો. ત્યાં પોલીસનો અત્યાચાર ન હતો. એનું સ્મરણ મને છે.

   Thank you.
   Best regards.

   Gandabhai Vallabh
   My blog:gandabhaivallabh.wordpress.com

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: