Archive for નવેમ્બર 24th, 2013

કર્મણ્યેવાધિકારસ્તે

નવેમ્બર 24, 2013

કર્મણ્યેવાધિકારસ્તે

(અહીંના ન્યુઝીલેન્ડ ઈન્ડીયન એસોસીયેશનની વેલીંગ્ટનમાં થોડાં વર્ષ પહેલાં મળેલી એક મીટીંગમાં મને કોઈક વીષય પર થોડું બોલવાનું કહ્યું હતું. તે વખતે મેં બહુ ટુંકમાં નીચેની વાતો જણાવી હતી.)

ગીતાનું પ્રસીદ્ધ વચન છે:

कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन.

અધીકાર શબ્દના ઘણા અર્થ થાય છેઃ સત્તા, હકુમત, હક, કાબુ, નીયમન, અંકુશ, પાત્રતા, લાયકાત અને બીજા કેટલાક અર્થો. અહીં અર્થ છે સત્તા, હકુમત, હક, કાબુ, નીયમન, અંકુશ એટલે કે કંટ્રોલ. એટલે કે આપણો કાબુ, આપણો અંકુશ માત્ર કર્મ, સેવા, કર્તવ્ય – કરવા યોગ્ય કામ – પર જ છે. અહીં કહ્યું છે कर्मण्येव એટલે કે માત્ર કર્મ પર જ. એકલું કર્મણે એમ નથી કહ્યું. અહીં જે ભાર દેવામાં આવ્યો છે તેના પ્રત્યે હું ધ્યાન દોરવા માગું છું. વળી કહ્યું છે मा फलेषु कदाचन ફળ પર કદી નહીં, કર્મના પરીણામ પર કદી નહીં. અહીં માત્ર मा फलेषु એટલું જ નથી કહ્યું, એમાં कदाचन શબ્દ સાથે મુક્યો છે.

આટલું બધું ભારપુર્વક કેમ કહેવામાં આવ્યું છે? એનો શો અર્થ થાય છે?

આપણે છીએ વર્તમાન ક્ષણમાં. આથી આપણે જે કંઈ કરીએ છીએ તે વર્તમાનમાં હોય છે. પરંતુ એનું ફળ, પરીણામ, બદલો તો ભવીષ્યમાં છુપાયો છે. આપણો કાબુ, અંકુશ, કંટ્રોલ (अधिकार) વર્તમાન ક્ષણ પર છે, પણ ભવીષ્ય પર નહીં. જો કર્મ કરતી વખતે આપણે બદલાની ભાવના કરીએ, બદલાની અપેક્ષા રાખીએ તો આપણે વર્તમાનમાં નહીં હોઈશું. એનો અર્થ એ કે આપણે વર્તમાન ઉપર કાબુ ધરાવી ન શકીએ, કેમ કે આપણે ત્યાં હાજર નથી. આથી કર્મમાંથી મળતાં સુખ, આનંદથી આપણે વંચીત રહીશું, જે આપણા હાથમાં હોય છે. પરંતુ આપણે ભવીષ્યના ચીંતનને લીધે, જેના પર
આપણો કાબુ નથી ત્યાં હાજર નથી, અને વર્તમાનમાં થતા કર્મમાંથી મળતો આનંદ ગુમાવીએ છીએ.

કર્મનો અર્થ છે કરવાલાયક કામ. એનો અર્થ ફરજ, ડ્યુટી નથી. ફરજ શબ્દમાં તો ઈચ્છા ન હોવા છતાં કરવું પડે માટે કરવાનું એવો ભાવ રહેલો છે. બીજો કોઈ છુટકો નથી, સમાજમાં ખરાબ દેખાય માટે કરવું પડતું કામ એવો અર્થ છે. જો આપણે કોઈપણ પ્રકારની અપેક્ષા વીના કર્મ કરીએ તો આપણું સમગ્ર અસ્તીત્વ એમાં જોતરાશે, અને કર્મ કરતાં કરતાં જ આપણને આનંદની પ્રાપ્તી થશે. કર્મના અંતે આવતા પરીણામ સુધી રાહ જોવાની રહેશે નહીં. કર્મનો આ જ હેતુ છે. આ આનંદ ત્યારે જ મળે જો એ કર્તવ્ય કર્મ હોય તો – કરવા યોગ્ય કામ હોય તો. ફરજને લીધે કરવાનું કામ નહીં.

જો કે હવે મુલ્યો બદલાયાં છે. લોકો કામ કરે છે કંઈક મેળવવા માટે. પછી એ ધન હોય, માનપાન હોય, મોટો હોદ્દો હોય કે બીજું ગમે તે. પહેલાંના વખતમાં આપણા ઈન્ડીયન એસોસીયેશનના ડેલીગેટ સેન્ટ્રલની વાર્ષીક કૉન્ફરન્સમાં તથા માસીક બ્રાન્ચ મીટીંગોમાં પોતાના ખર્ચે જતા. તમને લાગે છે કે આપણા એસોસીયેશનમાં કામ કરનાર કોઈ પણ વ્યક્તી એટલી ગરીબ હોઈ શકે જે આ પ્રકારની બ્રાન્ચ મીટીંગ કે કૉન્ફરન્સમાં ઑક્લેન્ડ, ક્રાઈસ્ટચર્ચ જેવી જગ્યાએ જવાનો ખર્ચ ભોગવી ન શકે? પણ આજે મુલ્યોનો હ્રાસ એટલી હદ સુધી થયો છે કે આ મતલબનું કહેવાની પણ કોઈ હીંમત કરી શકતું નથી. કદાચ આવું કહેનારને લોકો મુરખ ગણશે. કદાચ મારા જેવાને એમ પણ કહેવામાં આવે કે ભઈલા, તું કયા જમાનામાં જીવે છે?

આપણામાંથી કેટલા જણા આપણા સમાજમાં ૭૫ વર્ષ પહેલાં થઈ ગયેલા સૌથી વધુ ધનવાન કે સૌથી ઉંચા હોદ્દા પર રહેલ વ્યક્તીનું નામ આજે જાણે છે? અને ૭૫ વર્ષ કંઈ બહુ લાંબો સમય નથી. તો પછી આ પ્રકારની દોડનો કશો અર્થ ખરો? વર્તમાનમાં સ્થીર થઈ જાઓ અને વર્તમાનની ક્ષણનો ભરપુર આનંદ માણો. વર્તમાન ક્ષણ જ આપણા હાથમાં છે, કોઈ પણ પ્રકારની અન્ય વાસના નહીં, કશી દોડ નહીં. એનો અર્થ જ कर्मण्येवाधिकारस्ते.

Advertisements