Archive for ડિસેમ્બર, 2013

2013 in review

ડિસેમ્બર 31, 2013

The WordPress.com stats helper monkeys prepared a 2013 annual report for this blog.

Here’s an excerpt:

The Louvre Museum has 8.5 million visitors per year. This blog was viewed about 130,000 times in 2013. If it were an exhibit at the Louvre Museum, it would take about 6 days for that many people to see it.

Click here to see the complete report.

ન્યુઝીલેન્ડ વીષે થોડું જાણીએ

ડિસેમ્બર 27, 2013

ન્યુઝીલેન્ડ વીષે થોડું જાણીએ

નોંધ: મારા એક પરીચીત ઑકલેન્ડ નીવાસી શ્રી પરભુભાઈ નાથુએ એકવાર એક લેખ ‘નવપ્રગતિ’ નામે એક માસીકમાં પ્રગટ કરેલો. એમાં સુધારા-વધારા કરવાનું મને જણાવવામાં આવ્યું હતું. એમાંનો કેટલોક અંશ આ સાથે મારા બ્લોગમાં એમની પરવાનગી અને સૌજન્યથી મુકું છું.

ન્યુઝીલેન્ડ એક આદર્શ લોકશાહી દેશ છે. જો કે એ પ્રજાસત્તાક દેશ નથી, કેમ કે ન્યુઝીલેન્ડ ઈંગ્લેન્ડનાં રાણીને સર્વોચ્ચ સ્થાને બેસાડે છે. રાણી પોતાના પ્રતીનીધી તરીકે ગવર્નર જનરલની નીમણુંક કરે છે. પણ અહીં સરકાર બનાવવા માટે પ્રજાના પ્રતીનીધીઓ પ્રજા ખરેખર પોતે જ નક્કી કરે છે. ભારત પ્રજાસત્તાક લોકશાહી દેશ હોવા છતાં ખરેખર ત્યાંની સરકારમાં પ્રજાના પ્રતીનીધી હોય છે ખરા? ના. ભલે ત્યાં લોકશાહી ઢબે ચુંટણી થતી હોય તો પણ એ ખરેખરા પ્રજાના પ્રતીનીધીઓ હોતા નથી, કેમ કે ત્યાં બધા જ રાજકીય પક્ષો ચુંટણીમાં ઉભા રહેવા માટે ઉમેદવારોને ટીકીટ દીલ્હીમાં બેઠેલા હાઈકમાન્ડ દ્વારા આપવામાં આવે છે. અહીં ન્યુઝીલેન્ડમાં દરેક મતદાર વીભાગમાં રાજકીય પક્ષોનાં મતદાર મંડળો હોય છે. આ મતદાર મંડળો બહુમતીથી પોતાના  ઉમેદવારો નક્કી કરે છે. એટલે કે ચુંટણીમાં ઉભા રહેલા ઉમેદવારો લોકો નક્કી કરે છે, હાઈકમાન્ડ – ઉચ્ચ સ્થાને બેઠેલા નેતાઓ નહીં.  

પેસીફીક મહાસાગરમાં મુખ્ય બે મોટા ઉપરાંત બીજા નાના ટાપુઓનો બનેલો ન્યુઝીલેન્ડ દેશ વસ્તીની દૃષ્ટીએ તો બહુ નાનો છે. ૨૦૧૩ની વસ્તી ગણતરી અનુસાર એની વસ્તી માત્ર ૪૪,૩૩,૦૦૦ (૪.૪૩૩ મીલીઅન) માણસોની જ છે. એ પૈકી એકલા ઓક્લેન્ડની વસ્તી ૧૪,૨૦,૦૦૦(૧.૪૨ મીલીઅન)ની છે. એટલે કે આખા ન્યુઝીલેન્ડની વસ્તીના લગભગ ત્રીજા ભાગની વસ્તી એક જ શહેર ઓક્લેન્ડમાં છે. બીજાં મુખ્ય શહેરોમાં નૉર્થશોર, વાઈટાકીરી, માનાકાઉ, ક્રાઈસ્ટચર્ચ, વેલીંગ્ટન(ન્યુઝીલેન્ડનું પાટનગર), હેમીલ્ટન, ડનેડીન, ટાઉરંગા વગેરે છે. આ શહેરો પૈકી કોઈ પણ શહેરની વસ્તી ૧૦ લાખ(૧ મીલીઅન) તો શું, એની નજીક પણ નથી. જેમ કે વેલીંગ્ટન શહેરની વસ્તી આશરે ૨ લાખની છે, જે વસ્તીમાં છઠ્ઠા ક્રમે આવે છે.

ન્યુઝીલેન્ડમાં મુખ્ય વસ્તી ગોરા લોકોની છે. આ પછી લગભગ બાર ટકા જેટલી વસ્તી માઓરી અને પેસીફીક મહાસાગરમાં આવેલા અન્ય ટાપુઓમાંથી આવીને વસેલા લોકો છે. આ ઉપરાંત વીવીધ દેશોમાંથી સ્થળાંતર કરીને આવેલા ઘણા લોકો છે, જેમાં દુનીયાના મોટા ભાગના દેશોનો સમાવેશ થાય છે. આમ ન્યુઝીલેન્ડની વસ્તી એક રીતે પચરંગી કહી શકાય.

ન્યુઝીલેન્ડમાં ગરીબ-તવંગર વચ્ચે બહુ મોટું અંતર નથી. નોકરી કરીને કમાનાર ગરીબાઈમાં નથી જીવતો અને ધંધોધાપો કરનાર એકદમ પૈસાદાર બની જતો નથી. એનું એક કારણ અહીંના આવકવેરાનું માળખું છે. ઓછી કમાણી કરનારને આવકવેરામાં ઘણી રાહત હોય છે, જ્યારે વધુ આવકવાળાના વેરાના દર ઘણા ઉંચા છે. જે લોકોની નોકરી છુટી જાય તેમને સરકાર તરફથી બેકારીભથ્થુ (unemployment benefit) આપવામાં આવે છે. સાથે સાથે એમને નોકરી શોધવામાં પણ સરકાર દ્વારા માર્ગદર્શન આપવામાં આવે છે. સરકારના સમાજકલ્યાણ ખાતાની ઓફીસમાં એ માટે બધી વ્યવસ્થા હોય છે. એ ઓફીસમાં નોકરીની ખાલી જગ્યા, કેવી લાયકાત જરુરી છે, એ માટે કોને અરજી કરવી વગેરે વીગતો મળી શકે એટલું જ નહીં એ અંગે જરુરી તમામ માહીતી અને માર્ગદર્શન આપવામાં આવે છે. બેકાર માણસો ભાડુતી ઘરમાં રહેતા હોય અને ભાડુ ભરી શકે તેવી સ્થીતી ન હોય તો તેમાં પણ સરકાર મદદ કરે છે.

ન્યુઝીલેન્ડમાં વીધવા, ત્યક્તા અને છુટાછેડા લીધેલ બહેનોને પણ યોગ્ય સહાય (benefit)  આપવામાં આવે છે. ૬૫ વર્ષથી વધુ ઉંમરના લોકો જે સરકારી પેન્શન મેળવવાને પાત્ર હોય તેઓ સ્થાનીક બસ, ટ્રેન વગેરેમાં વીના મુલ્યે મુસાફરી કરી શકે છે.

અહીં સરકારી દવાખાનામાં ખુબ સારી સારવાર આપવામાં આવે છે. વળી એ સારવાર ન્યુઝીલેન્ડના સહુ નાગરીકો અને અહીં રહેવાનો હક ધરાવનારા સહુને વીના મુલ્યે આપવામાં આવે છે. એમાં બહેનોની પ્રસુતીની સારવારનો પણ સમાવેશ થાય છે. અહીંનાં સરકારી દવાખાનાં પણ ખુબ સારી સુવીધાવાળાં, તદ્દન સ્વચ્છ, સુઘડ, ખુલ્લાં હવાઉજાસવાળાં અને રમણીય વાતાવરણવાળાં હોય છે. દવાખાનામાં ડોક્ટર, નર્સ અને અન્ય બધા કર્મચારીઓ બહુ માયાળુ અને લાગણીવાળા હોય છે. દર્દીઓ માટે રમત-ગમત અને કસરતની સગવડ હોય છે. અમુક દર્દીઓને બાગ-બગીચામાં કે દરીયાકીનારે ફરવા પણ લઈ જવામાં આવે છે.

અપંગ બાળકોની અહીંની સરકાર સારી કાળજી લે છે. જે માબાપ કે વાલી પાસે અપંગ બાળકોને શાળાએ લઈ જવા લાવવા માટેની વ્યવસ્થા ન હોય તેમના માટે સરકાર ખાસ ટેક્સીની વ્યવસ્થા કરે છે. આવી ખાસ ટેક્સી ચલાવનાર જ બાળકોને ઘરે આવીને લઈ જાય, અને શાળાનો સમય પુરો થતાં ફરી ઘરે મુકી જાય છે.

ન્યુઝીલેન્ડની સરકાર વીદ્યાર્થીઓને ભણવા માટે લોન આપે છે. ભણી રહ્યા પછી એ લોનના પૈસા સરકારને પાછા આપવાના હોય છે. કેટલાક વીદ્યાર્થીઓ ભણી રહ્યા પછી વધુ કમાણી માટે પરદેશ પણ જતા રહે છે, જ્યાંથી એ લોનનાં નાણાં તેઓ ભરપાઈ કરે છે.

અહીં અકસ્માતમાં સહાય મળે એ માટે એક વીમા યોજના છે, જેને એ.સી.સી. (Accident Compensation Commission)  કહે છે. એ સરકારી સંસ્થા છે, જેમાં કમાણી કરનાર દરેક જણે કોઈ પણ અપવાદ સીવાય સરકારે નીશ્ચીત કરેલો ફાળો ફરજીયાત ભરવાનો હોય છે. અકસ્માતના સમયે દરેક પ્રકારની સારવાર ઉપરાંત કમાણી બંધ થઈ જતાં ૮૦% નાણા જ્યાં સુધી કમાણી શરુ ન થાય ત્યાં સુધી આપવામાં આવે છે.

મનુષ્યની પાયાની જરુરીયાત છે રોટી, કપડાં અને મકાન. અહીં રોટી-કપડાંની તો કોઈ અછત નથી, પણ મકાનનો પ્રશ્ન દુનીયાના અન્ય દેશોની જેમ ન્યુઝીલેન્ડમાં પણ છે જ. આમ તો સરકારે રાષ્ટ્રીય મકાન યોજના બનાવી છે, જેના દ્વારા સરકાર પોતાનાં મકાનો બંધાવી સસ્તા દરે જરુરતમંદોને ભાડે આપે છે. છતાં ડીમાન્ડના પ્રમાણમાં મકાનો ઓછાં પડે છે. કેટલાંયે કુટુંબો વેઈટીંગ લીસ્ટમાં આજે પણ છે.

આ દેશમાં પણ ચોરી, લુંટફાટ, ખુનામરકી જેવા ગુનાઓ થાય છે, પણ કદાચ અન્ય દેશોની સરખામણીમાં એનું પ્રમાણ કંઈક ઓછું હશે. 

 

 

જમ્યા પછી નુકસાનકારક છે આ સાત

ડિસેમ્બર 21, 2013

જમ્યા પછી નુકસાનકારક છે આ સાત

  1. ધુમ્રપાન: નીષ્ણાતોનું કહેવું છે કે જમ્યા પછી એક સીગારેટ પીવી તે સામાન્ય સંજોગોમાં પીધેલી ૧૦ સીગારેટ પીવાથી થતા નુકસાન જેટલું હાનીકારક છે. (કેન્સર થવાનું જોખમ વધી જાય છે.)
  2. ફળાહાર: જમ્યા પછી તરત જ ફળ ખાવાથી વાયુના કારણે પેટ ફુલી જવાની શક્યતા છે. આથી જમ્યા પછી ૧-૨ કલાક જવા દેવા અથવા જમવાના એક કલાક પહેલાં ફળ ખાવાં જોઈએ.
  3. ચા: જમ્યા પછી તરત ચા પીવી ન જોઈએ. ચામાં અમ્લનું વીશેષ પ્રમાણ રહેલું છે. એનાથી આપણા આહારમાં જે પ્રોટીન હોય છે તે સખત બની જાય છે અને એનું પાચન થવામાં મુશ્કેલી સર્જાશે.
  4. કમરપટ્ટો: કે કમર પર પહેરેલ ટાઈટ વસ્ત્ર તરત ઢીલું કરવું નહીં.  એના કારણે નાનું આંતરડું  અમળાવાની અને તેથી બ્લોક થઈ જવાની શક્યતા છે.
  5. સ્નાન: જમ્યા પછી તરત સ્નાન કરવું નુકસાનકારક છે. કેમ કે એનાથી લોહીનો પ્રવાહ હાથ, પગ અને શરીરના અન્ય અવયવો તરફ વળશે, આથી જઠર તરફ લોહીનો પ્રવાહ ઓછો થઈ જતાં પાચનક્રીયામાં વીક્ષેપ પડશે.
  6. ચાલવું: કેટલાક લોકો કહે છે કે જમીને તરત ૧૦૦ ડગલાં ચાલો અને તમે ૯૯ વર્ષનું આયુષ્ય મેળવો. ખરેખર એમાં કોઈ તથ્ય નથી. તરત ચાલવાથી પાચનક્રીયામાં વીક્ષેપ થશે અને આહારનાં તત્વોના શોષણમાં મુશ્કેલી પેદા થશે.
  7. ઉંઘ: ખાધા પછી તરત સુઈ ન જવું. તરત સુઈ જવાથી ખોરાકનું પાચન યોગ્ય રીતે થઈ શકતું નથી. આથી જઠરમાં ચેપની શક્યતા રહે છે.

આ માહીતી આપને જરુર જણાય તે રીતે કે અનુકુળતા હોય તે રીતે પ્રચારી શકો છો. (મને મળેલ એક ઈમેઈલનું ગુજરાતી રુપાંતર.)

 

૬૦-૬૫ વર્ષ પહેલાંની વાત

ડિસેમ્બર 14, 2013

૬૦-૬૫ વર્ષ પહેલાંની વાત

 

લગભગ ૬૨ ઘરો અને વસ્તી લગભગ ૧૭૯ માણસોની એટલે કે દરેક ઘરમાં સરેરાશ માત્ર ૩ માણસોવાળા મારા ગામના બહુ થોડા નાના સરખા ભાગની જ આ વાત છે,  કેમ કે મોટા ભાગનાં લોકો પરદેશમાં વસવાટ કરતાં હતાં, કરે છે. મને ન્યુઝીલેન્ડમાં ૩૯ વર્ષ થયાં છે. આ વાતો છે ૬૦-૬૫ વર્ષ પહેલાંની. અમારા ગામમાં જેમ વ્યક્તીઓને ઉપનામો આપવામાં આવતાં તેમ અમારા વીસ્તારમાં બધે જ એમ થતું કે કેમ તેની મને માહીતી નથી. આજે પણ તે સમયમાં જેટલા પ્રમાણમાં આવાં નામો આપવામાં આવતાં તે પ્રમાણમાં ચાલુ છે કે કેમ તે પણ હું જાણતો નથી. આવાં નામો તે સમયે આપવામાં આવતાં એની આવનારી પેઢીઓને જાણ થાય એ માટે જે યાદ છે તે રજુ કરું છું. એમાં કોઈની ટીકા કરવાનો આશય નથી, કે ન તો કોઈને બદનામ કરવાનો હેતુ છે. અને કોઈએ બંધબેસતી પાઘડી પણ પહેરી ન લેવા વીનંતી.

સૌ પ્રથમ એક જ પ્રકારની ખોડખાંપણમાં પણ બે અલગ અલગ વ્યક્તીઓને કેવાં જુદાં નામો આપવામાં આવેલાં તે જોઈએ.

એક કાકાનો એક પગ જન્મથી જ ખોડો હતો. તેમને નામ મળ્યું મન્યો લંગડો. તે સમયે લોકો મનુભાઈ જેવા સુંદર નામને બગાડીને મન્યો કરી દેતાં. આજે એવું થાય છે કે કેમ તેની મને ખબર નથી. બીજા એક ભાઈને પણ એક પગમાં ખોડ હતી. એમને નામ આપવામાં આવેલું દામજી ખોડો. આ તફાવતનાં કારણો હું જાણતો નથી, પણ દામજીભાઈ વીષે સાંભળેલું કે ખાતર કાઢ્યા પછી ઉકરડાનો જે ખાડો હતો તે કુદી જવાની એમણે શરત બકેલી અને કુદવા જતાં ખાડામાં પડી ગયેલા, અને એ રીતે પગ ભાંગ્યો હતો.

પણ આ નામ બગાડવાની વાત આવી તો એક ભાઈનું નામ ખુબ સુંદર હતું – ધીરજભાઈ કે ધીરુભાઈ. એનું ‘ઢેકો’ નામ શી રીતે કરી દીધું હશે એ તો મને સમજાતું જ નથી. એમના પુત્રોનાં નામ પાછળ પણ પછી લોકોએ આ ‘ઢેકો’ નામ જોડી દીધું હતું. જેમ કે શીરીષ ઢેકો. શીરીષ એમના પુત્ર. બીજા ધીરજભાઈ કે ધીરુભાઈ પણ હતા, પણ તેમાંથી કોઈનું નામ આ રીતે બગાડવામાં કે બદલવામાં આવ્યું ન હતું. એમનું નામ કેમ બગાડવામાં આવ્યું હશે તે મારા માટે એક કોયડો(મીસ્ટરી) છે.

 

આ ધીરુ નામ સાથે જોડાયેલ એક જોક યાદ આવ્યો :

એક કાકા પર ફોન આવે છે :

કાકા : હલો, હલો! કોણ બોલે છે?

ધીરુ : એ તો હું ધીરુ બોલું છું.

કાકા : કોણ? કોણ બોલે છે? ધીરુ કેમ બોલે છે? મોટેથી બોલ ને.

ધીરુ : હા, કાકા, એ તો હું ધીરુ બોલું છું, ધીરુ, ધીરુ.

કાકા : અલ્યા ધીરુ શું જખ મારવા બોલે છે? મોટેથી બોલતાં શું થાય?

 

મનુકાકાની ઉંમર દામજીભાઈ કરતાં વધુ હતી. દામજીભાઈ પણ મારા કરતાં ઉમ્મરમાં ઘણા મોટા હતા.  મનુકાકાનાં બધાં જ બાળકો મારા કરતાં ઘણાં મોટાં. આથી મનુકાકાને જન્મથી ખોડ હોવા છતાં એમનું લંગડો ઉપનામ ક્યારથી શરુ થયું હશે તે હું જાણતો નથી. કદાચ અલગ અલગ રીતે આવેલી ખોડને કારણે અલગ નામો હશે? ખાડો કુદવાને લીધે આવેલી ખોડને યાદ રાખવા દામજી ખોડો? કે બંનેની ચાલવાની અલગ અલગ સ્ટાઈલને લીધે અલગ નામો હશે? મને ખ્યાલ છે ત્યાં સુધી મનુકાકાને ચાલવામાં લાકડીનો સહારો લેવો પડતો, જ્યારે દામજીભાઈ લાકડીની મદદ વીના પણ ચાલી શકતા. જો કે અમુક જાહેર પ્રસંગોએ તો દામજીભાઈ લાકડી સાથે રાખતા એવું સ્મરણ છે. તે સમયે આધેડ કે વૃદ્ધ લોકો ખાસ પ્રસંગોએ ચોક્કસ પ્રકારની લાકડી રાખતા એ રીતે પણ દામજીભાઈ કદાચ લાકડી રાખતા એમ બને, ચાલવાના સહારા માટે નહીં.

બીજા બે જણા જેમના બંનેના ઉપલા હોઠ જન્મથી જ થોડા થોડા કપાયેલા હતા. અમારે ત્યાં એને રાવળા પુરુષ કહેવામાં આવે છે. એમાં એક કાકાનો હોઠ વધુ પડતો, ઠેઠ નાક સુધી કપાયેલ હતો, જ્યારે બીજા ભાઈનો હોઠ થોડો ઓછો. આથી બુધીભાઈ ગુંગણું બોલતા અને એમને કહેતા બુધો લવો, પણ કાનજીભાઈને બોલવામાં કોઈ તકલીફ ન હતી, આથી એમને કાનજી ખાંડો કહેતા.

એક જણ બધા ભાઈઓમાં સૌથી નાના હતા. એમની માને પોતાનો એ નાનો દીકરો બહુ વહાલો. મા કદાચ કહેતાં કે એ દીકરો તો મારો નવાઈનો છે. બસ, નામ પડી ગયું રામજી નવાઈ. આ પછી એમને બધા રામજી નવાઈને નામે જ ઓળખવા લાગ્યા.

એક કાકા મોહનભાઈને બે પુત્રો હતા. એકનું નામ વીઠ્ઠલભાઈ અને બીજાનું નામ સુરેશભાઈ. વીઠ્ઠલભાઈને લોકો વીઠ્ઠલ અસલ કહેતા. બહુ મોડી મોડી મને આ નામ કેમ અપાયેલું તેની ખબર પડી. મોહનકાકાનાં સુરેશભાઈનાં બા સાથે બીજી વખતનાં લગ્ન હતાં. એટલે કે સુરેશભાઈ આ મોહનકાકાના દીકરા ન હતા, એમનાં બા એમનાં પ્રથમ લગ્નના પુત્રને પોતાની સાથે લાવ્યાં હતાં. માત્ર વીઠ્ઠલભાઈ જ કાકાના પુત્ર તો હતા. આમ મોહનકાકાના ખરેખરા પુત્ર વીઠ્ઠલભાઈ જ છે એ હકીકત દર્શાવવા લોકોએ વીઠ્ઠલ અસલ કહેવાનું શરુ કર્યું હતું. આપણી હીન્દુ સંસ્કૃતી પીતૃપ્રધાન સંસ્કૃતી હોવાને કારણે પીતાનો વંશ પુત્ર દ્વારા જ આગળ ચાલે છે એમ માનવામાં આવે છે. જો કે બંને ભાઈઓના નામ સાથે પીતા તરીકે તો મોહનભાઈ જ બોલાતું, વીઠ્ઠલભાઈ મોહનભાઈ અને સુરેશભાઈ મોહનભાઈ.

બીજું એક નામ યાદ આવે છે. એમનું નામ હતું સોમાભાઈ. લોકો એને સોમો ‘જીયો’ કહેતા. એનું કારણ હું જાણતો નથી, અને આ ‘જીયો’ શબ્દ કયા અર્થમાં લોકો વાપરતા તે પણ મને ખબર ન હતી. કેમ કે સોમાભાઈનું આખું નામ સોમાભાઈ રણધીરભાઈ પટેલ હતું. પણ ગુજરાતી લેક્સીકોનમાં જોયું તો ‘લાડકો’, ‘વરરાજા’ એવો ‘જીયો’ શબ્દનો અર્થ આપેલો છે. એ અર્થમાં આ શબ્દ અમારા  વીસ્તારમાં તે સમયે વપરાતો હશે કે કેમ અને એટલા માટે નામ પડ્યું હશે કેમ એ બાબત હું કશું કહી શકું નહીં, અને આજે તો આ અંગે કોઈ પ્રકાશ પાડી શકે તેવું હોવાની શક્યતા જણાતી નથી. કેમ કે એ નામધારી કાકાનું અવસાન મારા ખ્યાલ મુજબ ૧૯૮૭માં થયેલું, અને એમના પુત્રની ઉમ્મર પણ લગભગ મારી ઉમ્મર જેટલી હતી, અને એમના એ પુત્ર પણ ઘણાં વરસ પહેલાં ગુજરી ગયા છે.

મારા દાદાના કાકાનું નામ હતું કાળીદાસ. અમારું ઘર સાધારણ ટેકરા પર હતું. આજે ટેકરા જેવું કશું રહ્યું નથી, લગભગ રસ્તાની સપાટીએ ઘરો છે. કહો કે રસ્તો ઘરની સપાટીએ આવી ગયો છે – માટીપુરાણ  કરવાને લીધે. આ માટીકામ દ્વારા ગામમાં જ્યાં ઉંડી નાળ હતી તે પુરી દેવાનો ખ્યાલ મારા ખાસ મીત્ર સરપંચ હતા ત્યારે તેમને આવેલો અને ગામની અમુક સ્થળોની તાસીર જ એમણે બદલી નાખી હતી. મારા બાળપણમાં નદીની રેલનાં પાણી અમારા ઘર સુધી એક વાર આવેલાં મેં જોયેલાં. રસ્તો એટલો બધો નીચો હતો – ઉંડી નાળ હતી. સાઈકલ પર સવાર થઈને અમારા ઘરનો ટેકરો ચડવામાં ઘણી મુશ્કેલી રહેતી. અમારો આ ટેકરો કારાવાળાના ટેકરા તરીકે ઓળખાતો. આજે હજુ એ નામ ચાલુ છે કે કેમ તેની ખબર નથી. પણ પાંચમી પેઢીએ મારા પીતરાઈ ભાઈના એક પુત્રને લોકો કારીયા તરકે ઓળખે છે. એનું નામ ‘કારીયો’ નથી. પણ એ નામે એ ઓળખાય છે. એમાં મને આશ્ચર્ય એ બાબત છે કે એનું નામ વીનય, પણ એને વીનય કારીયો નથી કહેતા, માત્ર ‘કારીયો’ કહે છે. જેમ કે “કારીયો આજે કેમ દેખાતો નથી?” અને હા, એ કંઈ વાને શામળો તો નથી જ.

આ નામની વાત સાથે બીજા એક નામ વીશે. કોણ જાણે કેમ પણ એ સમયે અમારી આ નાની સરખી જગ્યામાં ‘ગાંડાભાઈ’ નામધારી ભાઈઓ મને યાદ આવે છે તે મુજબ સાત જણા હયાત હતા. તેમ ડાહ્યાભાઈ પણ સાત મારા ખ્યાલમાં આવે છે, કદાચ વધુ પણ હોય. અને આ તો ૧૭૯ માણસોની વસ્તી, જેમાં બહેનોનો પણ સમાવેશ થાય છે. અને એ સમયે જે હયાત હતા એમનાં જ નામ.

બહેનોનો ઉલ્લેખ થયો તો એક કાકીનું નામ યાદ આવે છે. એમને લોકો ‘પલકડી’ કહેતાં. એ નામ શી રીતે લોકોએ પાડ્યું હશે અને એનો અર્થ શું થાય એ બાબતમાં હું સાવ અજ્ઞાન છું. એમનું નામ તો ખુબ સુંદર હતું, સુશીલા કાકી. તો લોકો એને સુશીલા પલકડી કેમ કહેતા? સાથે સાથે એક કાકાનો ઉલ્લેખ કરી લઉં. એમણે જીદંગીભર કદી પગરખાં પહેર્યાં ન હતા. આથી તેઓ ‘અઢવણ’ તરીકે ઓળખાતા. એમના પગરખાં ન પહેરવા પાછળના કારણની પણ મને જાણ નથી. કદાચ વર્ષો પહેલાં હતી, પણ અત્યારે કશું યાદ આવતું નથી.

બીજું એક નામ ભંગીયો છીપકો. ખરેખર એ કાકાનું નામ હતું ભાણાભાઈ છીબાભાઈ. એનું આવું ભાણાભાઈનું ભંગીયો અને છીબાભાઈનું છીપકો કેમ  થયું હશે કે લોકોએ કરી દીધું હશે એનું મને ખરેખર આશ્ચર્ય થાય છે. મારા ખ્યાલ મુજબ આ કાકા સારા સ્વભાવના હતા.

ફરીથી જણાવવાનું કે કોઈ પણ વ્યક્તીની ટીકા, નીચાજોણું કે ખણખોદ માટે આ લખ્યું નથી. અહીં દર્શાવેલ નામધારી સહુ વ્યક્તીઓ માટે મને માન અને આદર હતાં અને છે.

શીક્ષકોનો એક પરીવાર

ડિસેમ્બર 9, 2013

શીક્ષકોનો એક પરીવાર

બાબુભાઈ પાંચમી પેઢીએ મારા પીતરાઈ ભાઈ થાય છે. મારા વડવાનાં નામ આ મુજબ છે:

ગાંડાભાઈ-વલ્લભભાઈ-લાલાભાઈ-પુનાભાઈ-જસમતભાઈ.

બાબુભાઈના વડવાનાં નામો છે:

બાબુભાઈ-લાલાભાઈ-જેરામભાઈ-કાળાભાઈ-જસમતભાઈ.

 

આમ મારા વડદાદાના પીતા અને બાબુભાઈના વડદાદાના પીતા એક જ એટલે કે જસમતભાઈ.

આઝાદીની ચળવળ વખતે લગભગ ૧૯૩૨માં અમારા મહોલ્લા નજીક મીઠાના કાયદાનો ભંગ કરવા માટે એક સભા રાખવામાં આવેલી. એમાં બાબુભાઈના પીતા લાલાકાકાએ ભાગ લીધેલો અને મીઠાના કાયદાનો ભંગ કરીને પકવેલ મીઠું હરાજીમાં ખરીદેલું. આથી એમની ધરપકડનું વૉરંટ પણ નીકળેલું, પરંતુ ધરપકડ કરવામાં આવી ન હતી. એમણે યુનીવર્સીટીનું શીક્ષણ પણ તે સમયની મેટ્રીક્યુલેશનની પરીક્ષામાં સફળતા મેળવ્યા બાદ બે એક વર્ષ જેવું લીધું હતું. જો કે મારે વાત કરવી છે બાબુભાઈના પરીવાર વીશે, જેની માહીતી મને બહુ જ મોડી મળી – આ વર્ષે એટલે કે ૨૦૧૩ના સપ્ટેમ્બરમાં.

બાબુભાઈનો જન્મ ૧૯૩૩માં થયેલો. એમને એક મોટા ભાઈ હીરાભાઈ (જન્મ ૧૯૩૦) અને નાનાં બહેન શાંતિબહેન છે. બાબુભાઈએ એસ.એસ.સી. પસાર કરીને ખાદી ગ્રામોદ્યોગમાં અંબર ચરખા અને વણાટની તાલીમ લીધી હતી. આ પછી પી.ટી.સી. કોલેજમાં ઉદ્યોગ શીક્ષક તરીકે જોડાયા. હાલ બાબુભાઈ નીવૃત્તી જીવન માણી રહ્યા છે.

બાબુભાઈનાં પત્ની સવિતાબહેનનો જન્મ ૧૯૪૫માં થયેલો. એમણે પ્રાથમીક શીક્ષકની તાલીમ લઈને પી.ટી.સી. પ્રાપ્ત કરેલું અને વર્ષો સુધી શીક્ષક તરીકે સેવા આપ્યા બાદ હાલ નીવૃત્ત છે.

આમ આ દંપતીમાં બંને જણા શીક્ષકની સેવા આપ્યા બાદ નીવૃત્ત થયાં છે. હવે એમના પરીવારમાં પણ કેટલાં જણા શીક્ષક તરીકે સેવા આપી રહ્યાં છે કે શીક્ષક તરીકેની યોગ્યતા ધરાવે છે તે જોઈએ.

બાબુભાઈના સૌથી મોટા પુત્ર ભરતભાઈ. એમનો જન્મ ૧૯૬૬માં અને એમનાં પત્ની હેમલતાબહેનનો જન્મ ૧૯૭૦માં. ભરતભાઈએ બી.એ. થયા પછી બી.એડ. કર્યું અને એમ.આર.એડ. હાઈસ્કુલમાં સેવા આપી રહ્યા છે. હેમલતાબહેન પણ બી.એ., બી.એડ. છે.

બાબુભાઈના બીજા પુત્ર બિપીનભાઈનો જન્મ ૧૯૬૮માં થયેલો. એમણે બી.એ., બી.એડ. કર્યા બાદ શીક્ષણમાં માસ્ટર ડીગ્રી પણ પ્રાપ્ત કરી છે, એટલે કે એમ.એડ. પણ કર્યું છે. બિપીનભાઈ પી.ટી.સી. કૉલેજમાં પોતાની સેવા બજાવી રહ્યા છે. એમનાં લગ્ન માલતીબહેન સાથે થયેલાં. માલતીબહેને પણ બી.એ., બી.એડ. કર્યું છે.

બાબુભાઈના ત્રીજા પુત્ર છે વિમલભાઈ. એમણે બી.એ. કર્યા પછી મોબાઈલ કંપનીમાં સર્વીસ લીધી છે. વિમલભાઈનાં પત્નીનું નામ છે ભક્તિબહેન. ભક્તિબહેને બી.એ. કર્યા બાદ પી.ટી.સી. કર્યું છે અને પ્રાથમીક શાળામાં એમની સેવા આપી રહ્યાં છે.

આમ બાબુભાઈના પરીવારમાં શીક્ષક તરીકે લાયકાત ધરાવનારાં ભાઈ-બહેનોની સંખ્યા જુઓ:

૧. બાબુભાઈ લાલાભાઈ – પીતાજી

૨. સવિતાબહેન લાલાભાઈ – માતા

૩. ભરતભાઈ બાબુભાઈ – પુત્ર-૧

૪. હેમલતાબહેન ભરતભાઈ – પુત્રવધુ-૧

૫. બિપીનભાઈ બાબુભાઈ – પુત્ર-૨

૬. માલતીબહેન બિપીનભાઈ – પુત્રવધુ-૨

૭. ભક્તિબહેન વિમલભાઈ – પુત્રવધુ-૩

આમ આ એક જ પરીવારમાં સાત જણા શીક્ષકની લાયકાત ધરાવનારાં છે.

બાબુભાઈની પરવાનગી લઈ એમના સૌજન્યથી આ વીગતો પ્રગટ કરવામાં આવી છે.