ન્યુઝીલેન્ડ વીષે થોડું જાણીએ

ન્યુઝીલેન્ડ વીષે થોડું જાણીએ

નોંધ: મારા એક પરીચીત ઑકલેન્ડ નીવાસી શ્રી પરભુભાઈ નાથુએ એકવાર એક લેખ ‘નવપ્રગતિ’ નામે એક માસીકમાં પ્રગટ કરેલો. એમાં સુધારા-વધારા કરવાનું મને જણાવવામાં આવ્યું હતું. એમાંનો કેટલોક અંશ આ સાથે મારા બ્લોગમાં એમની પરવાનગી અને સૌજન્યથી મુકું છું.

ન્યુઝીલેન્ડ એક આદર્શ લોકશાહી દેશ છે. જો કે એ પ્રજાસત્તાક દેશ નથી, કેમ કે ન્યુઝીલેન્ડ ઈંગ્લેન્ડનાં રાણીને સર્વોચ્ચ સ્થાને બેસાડે છે. રાણી પોતાના પ્રતીનીધી તરીકે ગવર્નર જનરલની નીમણુંક કરે છે. પણ અહીં સરકાર બનાવવા માટે પ્રજાના પ્રતીનીધીઓ પ્રજા ખરેખર પોતે જ નક્કી કરે છે. ભારત પ્રજાસત્તાક લોકશાહી દેશ હોવા છતાં ખરેખર ત્યાંની સરકારમાં પ્રજાના પ્રતીનીધી હોય છે ખરા? ના. ભલે ત્યાં લોકશાહી ઢબે ચુંટણી થતી હોય તો પણ એ ખરેખરા પ્રજાના પ્રતીનીધીઓ હોતા નથી, કેમ કે ત્યાં બધા જ રાજકીય પક્ષો ચુંટણીમાં ઉભા રહેવા માટે ઉમેદવારોને ટીકીટ દીલ્હીમાં બેઠેલા હાઈકમાન્ડ દ્વારા આપવામાં આવે છે. અહીં ન્યુઝીલેન્ડમાં દરેક મતદાર વીભાગમાં રાજકીય પક્ષોનાં મતદાર મંડળો હોય છે. આ મતદાર મંડળો બહુમતીથી પોતાના  ઉમેદવારો નક્કી કરે છે. એટલે કે ચુંટણીમાં ઉભા રહેલા ઉમેદવારો લોકો નક્કી કરે છે, હાઈકમાન્ડ – ઉચ્ચ સ્થાને બેઠેલા નેતાઓ નહીં.  

પેસીફીક મહાસાગરમાં મુખ્ય બે મોટા ઉપરાંત બીજા નાના ટાપુઓનો બનેલો ન્યુઝીલેન્ડ દેશ વસ્તીની દૃષ્ટીએ તો બહુ નાનો છે. ૨૦૧૩ની વસ્તી ગણતરી અનુસાર એની વસ્તી માત્ર ૪૪,૩૩,૦૦૦ (૪.૪૩૩ મીલીઅન) માણસોની જ છે. એ પૈકી એકલા ઓક્લેન્ડની વસ્તી ૧૪,૨૦,૦૦૦(૧.૪૨ મીલીઅન)ની છે. એટલે કે આખા ન્યુઝીલેન્ડની વસ્તીના લગભગ ત્રીજા ભાગની વસ્તી એક જ શહેર ઓક્લેન્ડમાં છે. બીજાં મુખ્ય શહેરોમાં નૉર્થશોર, વાઈટાકીરી, માનાકાઉ, ક્રાઈસ્ટચર્ચ, વેલીંગ્ટન(ન્યુઝીલેન્ડનું પાટનગર), હેમીલ્ટન, ડનેડીન, ટાઉરંગા વગેરે છે. આ શહેરો પૈકી કોઈ પણ શહેરની વસ્તી ૧૦ લાખ(૧ મીલીઅન) તો શું, એની નજીક પણ નથી. જેમ કે વેલીંગ્ટન શહેરની વસ્તી આશરે ૨ લાખની છે, જે વસ્તીમાં છઠ્ઠા ક્રમે આવે છે.

ન્યુઝીલેન્ડમાં મુખ્ય વસ્તી ગોરા લોકોની છે. આ પછી લગભગ બાર ટકા જેટલી વસ્તી માઓરી અને પેસીફીક મહાસાગરમાં આવેલા અન્ય ટાપુઓમાંથી આવીને વસેલા લોકો છે. આ ઉપરાંત વીવીધ દેશોમાંથી સ્થળાંતર કરીને આવેલા ઘણા લોકો છે, જેમાં દુનીયાના મોટા ભાગના દેશોનો સમાવેશ થાય છે. આમ ન્યુઝીલેન્ડની વસ્તી એક રીતે પચરંગી કહી શકાય.

ન્યુઝીલેન્ડમાં ગરીબ-તવંગર વચ્ચે બહુ મોટું અંતર નથી. નોકરી કરીને કમાનાર ગરીબાઈમાં નથી જીવતો અને ધંધોધાપો કરનાર એકદમ પૈસાદાર બની જતો નથી. એનું એક કારણ અહીંના આવકવેરાનું માળખું છે. ઓછી કમાણી કરનારને આવકવેરામાં ઘણી રાહત હોય છે, જ્યારે વધુ આવકવાળાના વેરાના દર ઘણા ઉંચા છે. જે લોકોની નોકરી છુટી જાય તેમને સરકાર તરફથી બેકારીભથ્થુ (unemployment benefit) આપવામાં આવે છે. સાથે સાથે એમને નોકરી શોધવામાં પણ સરકાર દ્વારા માર્ગદર્શન આપવામાં આવે છે. સરકારના સમાજકલ્યાણ ખાતાની ઓફીસમાં એ માટે બધી વ્યવસ્થા હોય છે. એ ઓફીસમાં નોકરીની ખાલી જગ્યા, કેવી લાયકાત જરુરી છે, એ માટે કોને અરજી કરવી વગેરે વીગતો મળી શકે એટલું જ નહીં એ અંગે જરુરી તમામ માહીતી અને માર્ગદર્શન આપવામાં આવે છે. બેકાર માણસો ભાડુતી ઘરમાં રહેતા હોય અને ભાડુ ભરી શકે તેવી સ્થીતી ન હોય તો તેમાં પણ સરકાર મદદ કરે છે.

ન્યુઝીલેન્ડમાં વીધવા, ત્યક્તા અને છુટાછેડા લીધેલ બહેનોને પણ યોગ્ય સહાય (benefit)  આપવામાં આવે છે. ૬૫ વર્ષથી વધુ ઉંમરના લોકો જે સરકારી પેન્શન મેળવવાને પાત્ર હોય તેઓ સ્થાનીક બસ, ટ્રેન વગેરેમાં વીના મુલ્યે મુસાફરી કરી શકે છે.

અહીં સરકારી દવાખાનામાં ખુબ સારી સારવાર આપવામાં આવે છે. વળી એ સારવાર ન્યુઝીલેન્ડના સહુ નાગરીકો અને અહીં રહેવાનો હક ધરાવનારા સહુને વીના મુલ્યે આપવામાં આવે છે. એમાં બહેનોની પ્રસુતીની સારવારનો પણ સમાવેશ થાય છે. અહીંનાં સરકારી દવાખાનાં પણ ખુબ સારી સુવીધાવાળાં, તદ્દન સ્વચ્છ, સુઘડ, ખુલ્લાં હવાઉજાસવાળાં અને રમણીય વાતાવરણવાળાં હોય છે. દવાખાનામાં ડોક્ટર, નર્સ અને અન્ય બધા કર્મચારીઓ બહુ માયાળુ અને લાગણીવાળા હોય છે. દર્દીઓ માટે રમત-ગમત અને કસરતની સગવડ હોય છે. અમુક દર્દીઓને બાગ-બગીચામાં કે દરીયાકીનારે ફરવા પણ લઈ જવામાં આવે છે.

અપંગ બાળકોની અહીંની સરકાર સારી કાળજી લે છે. જે માબાપ કે વાલી પાસે અપંગ બાળકોને શાળાએ લઈ જવા લાવવા માટેની વ્યવસ્થા ન હોય તેમના માટે સરકાર ખાસ ટેક્સીની વ્યવસ્થા કરે છે. આવી ખાસ ટેક્સી ચલાવનાર જ બાળકોને ઘરે આવીને લઈ જાય, અને શાળાનો સમય પુરો થતાં ફરી ઘરે મુકી જાય છે.

ન્યુઝીલેન્ડની સરકાર વીદ્યાર્થીઓને ભણવા માટે લોન આપે છે. ભણી રહ્યા પછી એ લોનના પૈસા સરકારને પાછા આપવાના હોય છે. કેટલાક વીદ્યાર્થીઓ ભણી રહ્યા પછી વધુ કમાણી માટે પરદેશ પણ જતા રહે છે, જ્યાંથી એ લોનનાં નાણાં તેઓ ભરપાઈ કરે છે.

અહીં અકસ્માતમાં સહાય મળે એ માટે એક વીમા યોજના છે, જેને એ.સી.સી. (Accident Compensation Commission)  કહે છે. એ સરકારી સંસ્થા છે, જેમાં કમાણી કરનાર દરેક જણે કોઈ પણ અપવાદ સીવાય સરકારે નીશ્ચીત કરેલો ફાળો ફરજીયાત ભરવાનો હોય છે. અકસ્માતના સમયે દરેક પ્રકારની સારવાર ઉપરાંત કમાણી બંધ થઈ જતાં ૮૦% નાણા જ્યાં સુધી કમાણી શરુ ન થાય ત્યાં સુધી આપવામાં આવે છે.

મનુષ્યની પાયાની જરુરીયાત છે રોટી, કપડાં અને મકાન. અહીં રોટી-કપડાંની તો કોઈ અછત નથી, પણ મકાનનો પ્રશ્ન દુનીયાના અન્ય દેશોની જેમ ન્યુઝીલેન્ડમાં પણ છે જ. આમ તો સરકારે રાષ્ટ્રીય મકાન યોજના બનાવી છે, જેના દ્વારા સરકાર પોતાનાં મકાનો બંધાવી સસ્તા દરે જરુરતમંદોને ભાડે આપે છે. છતાં ડીમાન્ડના પ્રમાણમાં મકાનો ઓછાં પડે છે. કેટલાંયે કુટુંબો વેઈટીંગ લીસ્ટમાં આજે પણ છે.

આ દેશમાં પણ ચોરી, લુંટફાટ, ખુનામરકી જેવા ગુનાઓ થાય છે, પણ કદાચ અન્ય દેશોની સરખામણીમાં એનું પ્રમાણ કંઈક ઓછું હશે. 

 

 

Advertisements

ટૅગ્સ:

4 Responses to “ન્યુઝીલેન્ડ વીષે થોડું જાણીએ”

  1. Ramesh Patel Says:

    આપના માતૃભાષાના આ પ્રેમે સરસ બ્લોગની ભેટ ધરી છે. હું પણ સરદાર પટેલ યુનિવર્સિટિ માં ભણ્યો છું ને ૧૯૭૧ માં બીવીએમમાં હતો. નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

    રમેશ પટેલ(આકાશદીપ)

  2. Purvi Malkan Says:

    ન્યૂઝીલેન્ડ વિષે શાંતિથી વાંચવું ગમ્યું.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: