Archive for ફેબ્રુવારી, 2014

કફપ્રકોપ

ફેબ્રુવારી 22, 2014

ઉપચાર તમારા આરોગ્ય નીષ્ણાતની સલાહ અનુસાર કરવા. આ આપવાનો હેતુ માત્ર શૈક્ષણીક છે, જાતે પોતાનો ઉચાર કરવા માટે નહીં.

કફપ્રકોપ તાજેતરમાં મને થયેલ કફપ્રકોપનો અનુભવ: ગઈ દીવાળી-નવાવર્ષ સમયે મારાં પત્નીએ બનાવેલ મીઠી એટલે ખાંડવાળી વાનગીઓ મેં કંઈક વધુ પ્રમાણમાં આરોગી હતી. આ પછી થોડા દીવસમાં જ મને ગળામાં કંઈક અણખટ થવાની શરુ થઈ હતી. જો કે મને એનું કારણ તે સમયે તો સમજાતું ન હતું. એટલે કે આ અણખટ મેં વધુ પડતી મીઠાઈ ખાધી હતી તેનું પરીણામ છે એવો ખ્યાલ આવ્યો ન હતો. આ પછી જાન્યુઆરીમાં મારી ગ્રાન્ડડોટરની વર્ષગાંઠ આવી. ગળાની મારી તકલીફ દુર થઈ ન હતી. અને વર્ષગાંઠ નીમીત્તે રાખેલા ભોજન બાદ ડેઝર્ટમાં મને કંઈક વધુ પડતી કેક મારી ગ્રાન્ડડોટરે પીરસી દીધી અને મને એ છાંડવાનું ઠીક ન લાગ્યું.

મને આ ઠંડા મુલકમાં પણ હાલ ખાસ શરદી થતી નો’તી. પણ આ વર્ષગાંઠ બાદ મને સખત શરદી થઈ ગઈ. મને લાગે છે કે દીવાળી સમયે મેં વધુ પડતી મીઠાઈ ખાધી હતી એનાથી કફ થયો હતો જે મને મારા ગળામાં અણખટરુપે અનુભવાતો હતો. શરદી થતાં એ કફ નીકળવો શરુ થયો. આ કફ દુર કરવા મેં ગરમ ઔષધો સુંઠ, મરી અને ગંઠોડા લેવાનું શરુ કર્યું. શરુઆતમાં નાકમાંથી પાણી નીકળવાની જે તકલીફ હતી તે માત્ર એક-બે દીવસમાં જ આ ગરમ ઔષધોથી દુર થઈ, અને ઘટ્ટ કફ ઝડપથી દુર થવા લાગ્યો. એકાદ વીકમાં કફની બધી તકલીફ દુર થઈ ગઈ. આથી ગળામાં જે અણખટ થતી હતી તે પણ મટી ગઈ.

સ્વસ્તીક

ફેબ્રુવારી 17, 2014

સ્વસ્તીક

(અહીં વેલીંગ્ટનમાં દર વર્ષે એક દીવસ 50+ ઉમ્મરનાં ભાઈબહેનો માટે ભોજન સમારંભ રાખવામાં અવે છે, જેમાં ભજનોનો કાર્યક્રમ શરુઆતમાં હોય છે. કેટલાંક વર્ષ પહેલાં જ્યારે હું બધી પુજાવીધીઓ કરાવતો ત્યારે એ કાર્યક્રમમાં મને સ્વસ્તીક વીષે બે શબ્દો કહેવાનું જણાવવામાં આવ્યું હતું.)

સ્વસ્તીક એ શુભનું, મંગલમયનું પ્રતીક છે. સ્વસ્તીક શબ્દ સુ ઉપસર્ગ સાથે અસ્ ધાતુ અને ક પ્રત્યયથી બન્યો છે. સુ ઉપસર્ગ સારું, સુંદર, મંગલ એવો અર્થ આપે છે. આ ઉપસર્ગ આપણા ઘણા શબ્દોમાં મળશે. જેમ કે સ્વાગત, સુવાસ, સુમેળ. અસ્ એટલે હોવું, થવું-to be. અને ક પ્રત્યય કૃ ધાતુ પરથી કરનાર એવો અર્થ ધરાવે છે. જેમ કે પ્રેષક-મોકલનાર, ભ્રામક-ભ્રમ કરનાર, શામક-શમાવનાર. આમ સ્વસ્તીક શબ્દનો સાદો અર્થ જે શુભ, મંગલ, સુંદર કરનાર છે, જેનાથી શુભ સંભવે છે તે. એટલે કે જેનાથી વીઘ્નો આવતાં નથી. આથી કેટલાક લોકો એને શ્રી ગણેશનું પ્રતીક પણ ગણે છે.

સ્વસ્તીક સાથે જોડાયેલો મંત્ર મેં ઘણી વાર પુજા સમયે કહ્યો છે. કદાચ કોઈને યાદ હોય તો, જે આ મુજબ છે:

स्वस्ति नः ईन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः ।

स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु .

અહીં સ્વસ્તીકનાં જે ચાર પાંખીયાં છે તે ચાર દેવોના પ્રતીક તરીકે છે. આ ચારે દેવો અમારું રક્ષણ કરો, મંગળ કરો એ અર્થ છે. આ ચાર દેવો તે ઈન્દ્ર, પુષા, ગરુડ અને બૃહસ્પતી.

સ્વસ્તીકનાં કાટખુણે વળેલાં પાંખીયાં એમ સુચવે છે કે ધ્યેયને પ્રાપ્ત કરવાનો માર્ગ સીધો, સરળ નથી, પણ એમાં અણધાર્યો ટર્ન ઘણીવાર આવે છે. ધ્યેય શું? માત્ર એક જ ધ્યેય હોઈ શકે-પ્રભુપ્રાપ્તી, આત્મસાક્ષાત્કાર. આપણે જાણતા હોઈએ કે ન હોઈએ, પણ આપણી બધી પ્રવૃત્તીઓ આ ધ્યેય હાંસલ કરવા તરફ હોય છે. કોઈને લાગે છે કે ધન ભેગું કરવાથી પ્રભુ મળશે, કોઈને પ્રતીષ્ઠામાં પ્રભુ દેખાય છે, તો કોઈને બીજાં કંઈકમાં. જો કે એ બાબતમાં આપણે બધાં સજાગ હોઈએ છીએ એવું નથી હોતું. એનો અર્થ એ પણ છે કે પ્રભુપ્રાપ્તીનો અકલ્પ્ય માર્ગ આત્મસુઝ, અંતર્દૃષ્ટી છે, બુદ્ધી નહીં.

એનાં ચાર બીન્દુઓ ચાર પુરુષાર્થ દર્શાવે છે-ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. એની આડી-ઉભી લીટી એકબીજીને જ્યાં મળે છે તે મધ્યબીન્દુ પ્રભુ અને પ્રકૃતીનું પ્રતીક છે. એટલે કે એ સંસારચક્ર દર્શાવે છે, જે આ અચળ બીન્દુ પ્રભુની આસપાસ સતત ઘુમતું રહે છે. જો કે સંસારચક્ર શબ્દમાં ચક્ર શબ્દ પુનરુક્ત થયો છે, કેમ કે સંસાર શબ્દનો અર્થ જ છે જે સતત ઘુમે છે તે, એટલે કે ચક્ર.

કેટલાક લોકો સ્વસ્તીકને સાથીયો કહે છે. પાલી ભાષામાં સ્વસ્તીક શબ્દનું રુપ સાક્ષી થયું. આથી साक्षियो कर्मः એટલે કે પ્રત્યેક શુભ અને મંગલમય કાર્યોમાં તે સાક્ષી તરીકે ઉપસ્થિત રહે. એમ પાલી ભાષામાં કહેવાતું. સાક્ષીયોનું અપભ્રંશ થઈને સાખિયો, અને પછીથી સાથિયો થયું હોવાનું માનવામાં આવે છે.

સ્વસ્તીક ભારતમાં હીન્દુઓ ઉપરાંત જૈનો અને બૌદ્ધો પણ વાપરે છે, અને ઘણું જ પ્રાચીન ચીહ્ન છે. ભારત ઉપરાંત દુનીયાના ઘણા દેશોમાં પ્રચલીત હતું અને હાલ પણ કેટલાક દેશોમાં પ્રચલીત છે. જાપાન, ગ્રીસ, સાઈપ્રસમાં થયેલા ખોદકામમાં મળેલાં વાસણો પર સ્વસ્તીકની છાપ જોવા મળી છે. ઑસ્ટ્રેલીયા, ચીન, તીબેટ, બેલ્જીયમનાં સંગ્રહાલયોમાં ઐતીહાસીક વસ્તુઓ પર સ્વસ્તીક છે. ઈ સ. પુર્વે ૨૨૦૦ વર્ષ પહેલાંના તુર્કસ્તાનના ધ્વજદંડ પર સ્વસ્તીક છે. ઈટાલી, આયર્લેન્ડ અને સ્કોટલેન્ડમાં મળેલા ઐતીહાસીક અવશેષો પર સ્વસ્તીક છે. કેનેડામાં તો સ્વસ્તીક નામનું એક નગર છે. અમેરીકા ખંડની પ્રાચીન સંસ્કૃતી માયા પણ સ્વસ્તીકનો ઉપયોગ કરતી એવા પુરાવા મળ્યા છે. કેટલાક લોકો માને છે કે ખ્રીસ્તી ધર્મનો ક્રોસ પણ ખરેખર તો સ્વસ્તીકનું જ જરા બદલાઈ ગયેલું રુપ છે, એ કંઈ ઈસુને જેના પર ચડાવવામાં આવેલ તે વધસ્તંભનું પ્રતીક નથી. પોતાના મસીહાનો વધ કરવા વપરાયેલ સ્તંભનું સ્મરણ જાળવી રાખવાની વાત બેહુદી લાગે. ક્રોસ તો ઈસુ પહેલાંનો સ્વસ્તીક તરીકે જ પ્રચલીત હતો એમ ઘણા લોકો માને છે. ખ્રીસ્તીઓની માન્યતા કે ક્રોસ પહેરવાથી એ લોકોનું રક્ષણ થાય છે, એ પણ આપણે સ્વસ્તીકનો જે અર્થ કરીએ છીએ તે સાથે સુમેળ સાધે છે.

બે પ્રકારનાં સ્વસ્તીક પ્રચલીત છે: જમણી તરફ વળી જતાં પાંખીયાં-ક્લોકવાઈઝ અને ડાબી તરફ વળતાં પાંખીયાં-એન્ટીક્લોકવાઈઝ. અતી પ્રાચીન સંસ્કૃતી લોથલમાંથી મળેલ સ્વસ્તીકની છાપ પાડવા માટેના બીબા પર આ ઉંધો સ્વસ્તીક છે, પણ છાપ પાડતાં એ દેખીતી રીતે જ ક્લોકવાઈઝ થઈ જાય. આમ છતાં કેટલાક લોકો ઉંધા સ્વસ્તીકને માને છે-ભારતમાં પણ કેટલાક લોકો આ ઉંધા સ્વસ્તીકને માને છે. એમનું કહેવું છે કે પવનથી એ ક્લોકવાઈઝ ફરશે, પણ પવનથી તમારી માન્યતાનો સ્વસ્તીક ઉંધો ફરશે. વળી પાંખીયાં ફરવા માટે જ છે. આથી અમારો સ્વસ્તીક જ સાચો છે.

સામાન્ય માનવીનું મન હંમેશાં કંઈ ને કંઈ અવલંબન શોધતું રહે છે. એને કંઈકનો સધ્યારો જોઈએ. બહુમતી લોકો સામાન્ય જ તો હોય છે, અસામાન્ય નથી હોતાં, જેમનાં મન બહુ જ ઉચ્ચ કક્ષાએ પહોંચ્યાં હોય; અથવા કહો કે જેમને કોઈ મન નથી-જેઓ અમન છે. બીજા અર્થમાં જેઓ સ્થીતપ્રજ્ઞ છે, જેમની ચેતના અસ્થીર નથી, ડામાડોળ નથી. આ એક બહુ સામાન્ય તથ્ય છે, કે આવા લોકો અસામાન્ય હોવાના-વીરલ જ હોવાના. આથી જ સામાન્ય લોકો માટે આ પ્રકારના એક પ્રતીકનો આવીષ્કાર કરવામાં આવ્યો-લગભગ આખી દુનીયામાં. એવું પ્રતીક કે જેનાથી આપણું હંમેશાં ભલું જ થશે, સદ્ભાગ્ય પ્રાપ્ત થશે, કોઈ વીઘ્ન નડશે નહીં એમ માની સૌ પ્રથમ જ્યારે નવા ઘરમાં રહેવા જાય ત્યારે ઉબરામાં સ્વસ્તીક કાઢવામાં આવે છે. માત્ર ગૃહપ્રવેશ જ નહીં, કંઈ પણ નવું કરવાનું હોય તો શરુઆતમાં સ્વસ્તીક કાઢવાથી બુરાઈ અને દુર્ભાગ્યને એ પ્રવેશવા દેશે નહીં, દુર હડસેલી કાઢશે. આ એક મનોવૈજ્ઞાનીક તથ્ય પણ છે. આપણું મન જે ભાવનાને દૃઢપણે વળગી રહે તે પ્રમાણે જ બને છે. મનોવૈજ્ઞાનીકો એટલે સુધી કહે છે કે મૃત્યુ સુદ્ધાં માણસની દૃઢ મનોકામના હોય તો જ સંભવે છે-વીના કારણે પણ માણસ એ રીતે મૃત્યુ પામી શકે.

એક વાર આવો મનોવૈજ્ઞાનીક પ્રયોગ કરવામાં આવેલો. એક માણસને મૃત્યુદંડની સજા કરવામાં આવી હતી. તેના પર આ પ્રયોગ કરવાનું નક્કી થયું. એ માણસના સાંભળતાં એને કેવી રીતે મૃત્યુદંડ દેવો તેની વાતચીત કરવામાં આવી કે એના ગળા પાસેની મુખ્ય નસ-ધોરી નસ કાપીને એના શરીરનું બધું જ લોહી કાઢી નાખીશું, જેથી એ તરત જ મૃત્યુ પામશે. આથી એને એક ટેબલ પર સુવડાવી આંખ પર કપડું ઢાંકી દઈ એની ધોરી નસ પર કાપ મુકવામાં આવ્યો અને નીચે એક વાસણ લોહી ઝીલવા માટે મુકવામાં આવ્યું. લોહીની ધાર વાસણમાં પડવા લાગી. થોડા સમય પછી જોયું તો એ માણસ મૃત્યુ પામ્યો હતો. ખરેખર તો એની ધોરી નસ પર એને થોડું દર્દ થાય એ રીતે કાપો કરવામાં આવ્યો હતો, પણ લોહીની ધારા વહે એટલો બધો નહીં. પછી આપણા શરીરના ઉષ્ણતામાન જેવું હુંફાળું પાણી એની ગરદન પર થઈ પાડવામાં આવ્યું, જે નીચે મુકેલા વાસણમાં પડે. વાસણમાં એ પાણી પડવાનો અવાજ એ માણસ સાંભળતો હતો. એને તો એમ જ ખાતરી હતી કે એના શરીરમાંથી લોહી વહી રહ્યું છે. એને થયું કે મારા શરીરમાંથી બધું જ લોહી વહી ગયું છે, આથી હું જીવતો રહી શકું જ નહીં. આ દૃઢ માન્યતા એના મનમાં એટલી સઘન બની કે એ મૃત્યુ પામ્યો. એને મૃત્યુદંડની સજા તો કરવામાં આવી હતી જ.

આપણે માત્ર કહીએ છીએ એટલું જ, મનમાં તો એનાથી વીપરીત જાણતા જ હોઈએ છીએ. આથી જ આપણી માન્યતા મુજબ કશું સંભવી શકતું નથી. આપણી માન્યતાઓ પોકળ હોય છે, ઉપરછલ્લી હોય છે.

આથી હવે જ્યારે સ્વસ્તીક કાઢો ત્યારે તમારું રક્ષણ એનાથી થવાનું જ છે એવી પ્રબળ, અડગ માન્યતા સહીત કાઢવાનું યાદ રાખશો. અને તો તમારું કલ્યાણ જ છે. પણ એ પ્રમાણે કોણ કરી શકશે? એ પણ આપણે બધા જાણીએ જ છીએ, આથી એ બધી વીગતોમાં હું જતો નથી. કેમ કે એમાં આપણે પુજા શા માટે કરીએ છીએ એની વાતો મારે કરવાની રહે અને એમાં ઘણું લંબાણ થવાની શક્યતા છે.

૨૬ જાન્યુઆરી ૨૦૧૦

ફેબ્રુવારી 3, 2014

૨૬ જાન્યુઆરી ૨૦૧૦

મેરા ભારત મહાન!

(પ્રજાસત્તાક દીને મને વેલીંગ્ટન ઈન્ડીયન એસોસીયેશન તરફથી ધ્વજવંદન માટે આમંત્રણ આપવામાં આવેલું. તે સમયે કહેલા બે શબ્દો.)

નમસ્તે.

 ૧૫ ઑગષ્ટ ૧૯૪૭ના રોજ ભારત દેશ આઝાદ થયો, પછી એનું નવું બંધારણ ઘડવામાં આવ્યું, જેનો અમલ ૨૬ જાન્યુઆરી ૧૯૫૦થી કરવામાં આવ્યો. એટલે કે શાસનની સત્તા પ્રજાના હાથમાં આવી. આથી આજનો દીવસ ભારતનો પ્રજાસત્તાકદીન છે. ઑગષ્ટ ૧૯૪૭થી જન્યુઆરી ૧૯૫૦ સુધી દેશ આઝાદ હોવા છતાં એનો વહીવટી વડો તો ઈંગ્લેન્ડનો રાજા જ્યોર્જ છઠ્ઠો હતો. તેના વતી ગવર્નર જનરલ લૉર્ડ માઉન્ટ બેટન દીલ્હીમાં બેઠો હતો. ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ના દીવસે ગવર્નર જનરલ વીદાય થયા અને ભારતના રાષ્ટ્રપતી એ સ્થાને આવ્યા. પ્રથમ રાષ્ટ્રપતી હતા ડૉ. રાજેન્દ્ર પ્રસાદ.

આઝાદી પછીનાં આટલાં વર્ષોમાં ભારત દેશે ખુબ ખુબ પ્રગતી કરી છે. આઝાદી સમયે તો એ ગરીબ દેશો પૈકીનો એક દેશ હતો. ભુતકાળની મોટાભાગની સમૃદ્ધી ગુલામી કાળમાં ઈંગ્લેન્ડ ખેંચી ગયું. હવે આજે ભારત કેટલો સમૃદ્ધ છે તેનો ખ્યાલ આ એક જ વાત પરથી મળશે. ઈન્ટરનેટ પર હાલમાં જ મેં એક અખબારમાં વાંચ્યું કે ૨૦૧૨ સુધીમાં એટલે કે માત્ર બે જ વર્ષમાં આર્થીક રીતે સમૃદ્ધ દેશોમાં ભારત દુનીયામાં ત્રીજા ક્રમે હશે. ભારતે બધાં જ ક્ષેત્રોમાં પ્રગતી કરી છે.

આજે પ્રજાસત્તાકદીને મારે જે ખાસ વાત કહેવી છે તેના પ્રત્યે દેશમાં રહેતા કે દુનીયામાં બીજે રહેતા કોઈ પણ ભારતીયનું ધ્યાન કેમ જતું નથી તે બહુ જ દુખદ અને આશ્ચર્યજનક છે. આજ સુધીમાં આ વીષે કોઈ બોલ્યું હોય એવું મારી જાણમાં નથી. (નોંધ: તા. ૪ ઑક્ટોબર ૨૦૧૩ના ‘દિવ્ય ભાસ્કર’માં રાહુલ ગાંધીએ નીચે મુજબ કહ્યું હોવાનું વાંચવા મળ્યું:

“દેશમાં જો સાચી લોકશાહી લાવવી હશે તો આ ડિસીસન મેકીંગ ગ્રાસરૂટ લેવલ સુધી લોકોના હાથમાં આપવું પડશે. હું એજ કામ કરૂં છું. મારા પિતાનું આ સપનુ હતું અને જો આજે તેઓ જીવતા હોત તો તેઓ પણ આ જ કરતા હોત.”)

આનો સ્પષ્ટ અર્થ એ થયો કે રાજીવ ગાંધીએ પણ આ વીષે વીચારેલું ખરું, પણ કશું કરી શક્યા નહીં. રાહુલ ગાંધી કહે છે કે એ આ કામ કરી રહ્યા છે. ખરેખર?

બહુ ટુંકાણમાં કહીશ આથી કદાચ સ્પષ્ટતા ન થવાની શક્યતા છે. ભારત પ્રજાસત્તાક છે, બરાબર છે, પ્રજા જ રાજ્ય કરે છે-દરેક કક્ષાએ, ગ્રામપંચાયત, તાલુકાપંચાયત, જીલ્લાપંચાયત, રાજ્યસરકાર, કેન્દ્રસરકાર. બધે પ્રજાએ ચુંટેલા પ્રતીનીધીઓ હોય છે. કોઈ રાજા નથી, નામ પુરતા રાજ્યપાલ (ગવર્નર) અને રાષ્ટ્રપ્રમુખ(ગવર્નર જનરલ) હોય છે, પણ તેની પાસે ખાસ સત્તા હોતી નથી. અને એની નીમણુંકમાં પ્રજા સીધી સંડોવાયેલી પણ હોતી નથી. પણ ખરેખર આજે દેશમાં પ્રજાના પ્રતીનીધીઓ રાજ કરે છે ખરા? હજારો વર્ષ પહેલાં પણ ભારતમાં લોકશાહી હતી એમ કહેવાય છે. તે જનપદો કહેવાતાં. પણ આજે જે રીતે પ્રજાના પ્રતીનીધીઓ નક્કી થાય છે તે રીતે જ ત્યારે પણ થતા હશે કે કઈ રીતે થતા તેની કશી માહીતી મારી પાસે નથી.

લોકશાહીમાં ઓછામાં ઓછા બે પક્ષો જોઈએ. ભારતમાં છે, અનેક છે. પક્ષોના પોતાના સભ્યો હોય છે. તેનાં સંગઠનો હોય છે-દરેક સ્ટેજે, ઉપર જણાવ્યું છે તેમ તાલુકા, જીલ્લા, રાજ્ય, કેન્દ્ર(એટલે કે દેશની કક્ષાએ). આ દરેક કક્ષાએ ચુંટણી વખતે ઉમેદવારો ઉભા રહે. આ ઉમેદવારો કોણ નક્કી કરે? અહીં ન્યુઝીલેન્ડમાં તો દરેક મતવીસ્તારમાં બધા પક્ષોના પોતપોતાના પ્રાથમીક સભ્યોનાં મંડળો હોય છે, ઉમેદવાર એ મંડળો બહુમતીથી નક્કી કરે. ભારતમાં? ત્યાં એવું નથી. ત્યાં ઉમેદવારની મંજુરી દીલ્હીથી લેવાની હોય છે. રાજ્ય માટે પણ પક્ષનો આખા દેશનો જે વડો(હાઈ કમાન્ડ) હોય તેની મંજુરી લેવી પડે. અને  બધા પક્ષોમાં આ જ પ્રથા છે, માત્ર જુનામાં જુના રાજકીય પક્ષ કોંગ્રેસમાં જ નહીં. રાજકીય ચુંટણીમાં એટલે કે પાર્લામેન્ટ અને વીધાનસભાની ચુંટણીમાં આમ થાય અને રાજકીય પક્ષોની ચુંટણીમાં જીલ્લા અને રાજ્યના પક્ષના પ્રમુખની પસંદગી પણ જે તે પક્ષનો દેશ કક્ષાનો વડો કરે.

આ પ્રથા આઝાદી પહેલાંથી ચાલી આવે છે. ૧૯૩૭માં અંગ્રેજોએ સ્થાનીક કક્ષાએ લોકપ્રતીનીધી ચુંટવાની છુટ આપેલી. ત્યારે આઝાદી માટે લડત ચલાવતા સરદાર વલ્લભભાઈ પટેલ જેવા દેશનેતાઓએ આ પ્રથા અપનાવેલી. હાલ સ્વ. દયાળભાઈ કેસરીની આઝાદીની લડત વીષેનું પુસ્તક જોવામાં આવ્યું તેમાં એની વીગતો છે. આમ લોકશાહીના મુળમાં લોકો નથી, નેતાઓ છે. રાજાશાહી ગઈ, પણ નેતાશાહી આવી. આ નેતાશાહીના પરીણામે જ દેશના લગભગ બધા જ રાજકીય પક્ષોમાં વંશપરંપરાશાહી પણ લગભગ સ્થાપીત થઈ ચુકી છે. લોકોને પોતાનો ઉમેદવાર ચુંટવાની તક જ નથી, કેમ કે પોતાનો ઉમેદવાર ચુંટણીમાં ઉભેલો જ નથી હોતો. તે વખતે ફરજીયાત મતદાનનો કાયદો લાવવો એ વળી લોકશાહીની વધુ એક મશ્કરી સમાન છે.

આનાં ઉદાહરણો તો દેશના મોટા ભાગનાં લોકો જાણતા જ હશે. આથી એની વીગતોમાં જવાની કોઈ જરુર હું જોતો નથી.

તા.૨૫-૯-૨૦૧૦