સ્વસ્તીક

સ્વસ્તીક

(અહીં વેલીંગ્ટનમાં દર વર્ષે એક દીવસ 50+ ઉમ્મરનાં ભાઈબહેનો માટે ભોજન સમારંભ રાખવામાં અવે છે, જેમાં ભજનોનો કાર્યક્રમ શરુઆતમાં હોય છે. કેટલાંક વર્ષ પહેલાં જ્યારે હું બધી પુજાવીધીઓ કરાવતો ત્યારે એ કાર્યક્રમમાં મને સ્વસ્તીક વીષે બે શબ્દો કહેવાનું જણાવવામાં આવ્યું હતું.)

સ્વસ્તીક એ શુભનું, મંગલમયનું પ્રતીક છે. સ્વસ્તીક શબ્દ સુ ઉપસર્ગ સાથે અસ્ ધાતુ અને ક પ્રત્યયથી બન્યો છે. સુ ઉપસર્ગ સારું, સુંદર, મંગલ એવો અર્થ આપે છે. આ ઉપસર્ગ આપણા ઘણા શબ્દોમાં મળશે. જેમ કે સ્વાગત, સુવાસ, સુમેળ. અસ્ એટલે હોવું, થવું-to be. અને ક પ્રત્યય કૃ ધાતુ પરથી કરનાર એવો અર્થ ધરાવે છે. જેમ કે પ્રેષક-મોકલનાર, ભ્રામક-ભ્રમ કરનાર, શામક-શમાવનાર. આમ સ્વસ્તીક શબ્દનો સાદો અર્થ જે શુભ, મંગલ, સુંદર કરનાર છે, જેનાથી શુભ સંભવે છે તે. એટલે કે જેનાથી વીઘ્નો આવતાં નથી. આથી કેટલાક લોકો એને શ્રી ગણેશનું પ્રતીક પણ ગણે છે.

સ્વસ્તીક સાથે જોડાયેલો મંત્ર મેં ઘણી વાર પુજા સમયે કહ્યો છે. કદાચ કોઈને યાદ હોય તો, જે આ મુજબ છે:

स्वस्ति नः ईन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः ।

स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु .

અહીં સ્વસ્તીકનાં જે ચાર પાંખીયાં છે તે ચાર દેવોના પ્રતીક તરીકે છે. આ ચારે દેવો અમારું રક્ષણ કરો, મંગળ કરો એ અર્થ છે. આ ચાર દેવો તે ઈન્દ્ર, પુષા, ગરુડ અને બૃહસ્પતી.

સ્વસ્તીકનાં કાટખુણે વળેલાં પાંખીયાં એમ સુચવે છે કે ધ્યેયને પ્રાપ્ત કરવાનો માર્ગ સીધો, સરળ નથી, પણ એમાં અણધાર્યો ટર્ન ઘણીવાર આવે છે. ધ્યેય શું? માત્ર એક જ ધ્યેય હોઈ શકે-પ્રભુપ્રાપ્તી, આત્મસાક્ષાત્કાર. આપણે જાણતા હોઈએ કે ન હોઈએ, પણ આપણી બધી પ્રવૃત્તીઓ આ ધ્યેય હાંસલ કરવા તરફ હોય છે. કોઈને લાગે છે કે ધન ભેગું કરવાથી પ્રભુ મળશે, કોઈને પ્રતીષ્ઠામાં પ્રભુ દેખાય છે, તો કોઈને બીજાં કંઈકમાં. જો કે એ બાબતમાં આપણે બધાં સજાગ હોઈએ છીએ એવું નથી હોતું. એનો અર્થ એ પણ છે કે પ્રભુપ્રાપ્તીનો અકલ્પ્ય માર્ગ આત્મસુઝ, અંતર્દૃષ્ટી છે, બુદ્ધી નહીં.

એનાં ચાર બીન્દુઓ ચાર પુરુષાર્થ દર્શાવે છે-ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. એની આડી-ઉભી લીટી એકબીજીને જ્યાં મળે છે તે મધ્યબીન્દુ પ્રભુ અને પ્રકૃતીનું પ્રતીક છે. એટલે કે એ સંસારચક્ર દર્શાવે છે, જે આ અચળ બીન્દુ પ્રભુની આસપાસ સતત ઘુમતું રહે છે. જો કે સંસારચક્ર શબ્દમાં ચક્ર શબ્દ પુનરુક્ત થયો છે, કેમ કે સંસાર શબ્દનો અર્થ જ છે જે સતત ઘુમે છે તે, એટલે કે ચક્ર.

કેટલાક લોકો સ્વસ્તીકને સાથીયો કહે છે. પાલી ભાષામાં સ્વસ્તીક શબ્દનું રુપ સાક્ષી થયું. આથી साक्षियो कर्मः એટલે કે પ્રત્યેક શુભ અને મંગલમય કાર્યોમાં તે સાક્ષી તરીકે ઉપસ્થિત રહે. એમ પાલી ભાષામાં કહેવાતું. સાક્ષીયોનું અપભ્રંશ થઈને સાખિયો, અને પછીથી સાથિયો થયું હોવાનું માનવામાં આવે છે.

સ્વસ્તીક ભારતમાં હીન્દુઓ ઉપરાંત જૈનો અને બૌદ્ધો પણ વાપરે છે, અને ઘણું જ પ્રાચીન ચીહ્ન છે. ભારત ઉપરાંત દુનીયાના ઘણા દેશોમાં પ્રચલીત હતું અને હાલ પણ કેટલાક દેશોમાં પ્રચલીત છે. જાપાન, ગ્રીસ, સાઈપ્રસમાં થયેલા ખોદકામમાં મળેલાં વાસણો પર સ્વસ્તીકની છાપ જોવા મળી છે. ઑસ્ટ્રેલીયા, ચીન, તીબેટ, બેલ્જીયમનાં સંગ્રહાલયોમાં ઐતીહાસીક વસ્તુઓ પર સ્વસ્તીક છે. ઈ સ. પુર્વે ૨૨૦૦ વર્ષ પહેલાંના તુર્કસ્તાનના ધ્વજદંડ પર સ્વસ્તીક છે. ઈટાલી, આયર્લેન્ડ અને સ્કોટલેન્ડમાં મળેલા ઐતીહાસીક અવશેષો પર સ્વસ્તીક છે. કેનેડામાં તો સ્વસ્તીક નામનું એક નગર છે. અમેરીકા ખંડની પ્રાચીન સંસ્કૃતી માયા પણ સ્વસ્તીકનો ઉપયોગ કરતી એવા પુરાવા મળ્યા છે. કેટલાક લોકો માને છે કે ખ્રીસ્તી ધર્મનો ક્રોસ પણ ખરેખર તો સ્વસ્તીકનું જ જરા બદલાઈ ગયેલું રુપ છે, એ કંઈ ઈસુને જેના પર ચડાવવામાં આવેલ તે વધસ્તંભનું પ્રતીક નથી. પોતાના મસીહાનો વધ કરવા વપરાયેલ સ્તંભનું સ્મરણ જાળવી રાખવાની વાત બેહુદી લાગે. ક્રોસ તો ઈસુ પહેલાંનો સ્વસ્તીક તરીકે જ પ્રચલીત હતો એમ ઘણા લોકો માને છે. ખ્રીસ્તીઓની માન્યતા કે ક્રોસ પહેરવાથી એ લોકોનું રક્ષણ થાય છે, એ પણ આપણે સ્વસ્તીકનો જે અર્થ કરીએ છીએ તે સાથે સુમેળ સાધે છે.

બે પ્રકારનાં સ્વસ્તીક પ્રચલીત છે: જમણી તરફ વળી જતાં પાંખીયાં-ક્લોકવાઈઝ અને ડાબી તરફ વળતાં પાંખીયાં-એન્ટીક્લોકવાઈઝ. અતી પ્રાચીન સંસ્કૃતી લોથલમાંથી મળેલ સ્વસ્તીકની છાપ પાડવા માટેના બીબા પર આ ઉંધો સ્વસ્તીક છે, પણ છાપ પાડતાં એ દેખીતી રીતે જ ક્લોકવાઈઝ થઈ જાય. આમ છતાં કેટલાક લોકો ઉંધા સ્વસ્તીકને માને છે-ભારતમાં પણ કેટલાક લોકો આ ઉંધા સ્વસ્તીકને માને છે. એમનું કહેવું છે કે પવનથી એ ક્લોકવાઈઝ ફરશે, પણ પવનથી તમારી માન્યતાનો સ્વસ્તીક ઉંધો ફરશે. વળી પાંખીયાં ફરવા માટે જ છે. આથી અમારો સ્વસ્તીક જ સાચો છે.

સામાન્ય માનવીનું મન હંમેશાં કંઈ ને કંઈ અવલંબન શોધતું રહે છે. એને કંઈકનો સધ્યારો જોઈએ. બહુમતી લોકો સામાન્ય જ તો હોય છે, અસામાન્ય નથી હોતાં, જેમનાં મન બહુ જ ઉચ્ચ કક્ષાએ પહોંચ્યાં હોય; અથવા કહો કે જેમને કોઈ મન નથી-જેઓ અમન છે. બીજા અર્થમાં જેઓ સ્થીતપ્રજ્ઞ છે, જેમની ચેતના અસ્થીર નથી, ડામાડોળ નથી. આ એક બહુ સામાન્ય તથ્ય છે, કે આવા લોકો અસામાન્ય હોવાના-વીરલ જ હોવાના. આથી જ સામાન્ય લોકો માટે આ પ્રકારના એક પ્રતીકનો આવીષ્કાર કરવામાં આવ્યો-લગભગ આખી દુનીયામાં. એવું પ્રતીક કે જેનાથી આપણું હંમેશાં ભલું જ થશે, સદ્ભાગ્ય પ્રાપ્ત થશે, કોઈ વીઘ્ન નડશે નહીં એમ માની સૌ પ્રથમ જ્યારે નવા ઘરમાં રહેવા જાય ત્યારે ઉબરામાં સ્વસ્તીક કાઢવામાં આવે છે. માત્ર ગૃહપ્રવેશ જ નહીં, કંઈ પણ નવું કરવાનું હોય તો શરુઆતમાં સ્વસ્તીક કાઢવાથી બુરાઈ અને દુર્ભાગ્યને એ પ્રવેશવા દેશે નહીં, દુર હડસેલી કાઢશે. આ એક મનોવૈજ્ઞાનીક તથ્ય પણ છે. આપણું મન જે ભાવનાને દૃઢપણે વળગી રહે તે પ્રમાણે જ બને છે. મનોવૈજ્ઞાનીકો એટલે સુધી કહે છે કે મૃત્યુ સુદ્ધાં માણસની દૃઢ મનોકામના હોય તો જ સંભવે છે-વીના કારણે પણ માણસ એ રીતે મૃત્યુ પામી શકે.

એક વાર આવો મનોવૈજ્ઞાનીક પ્રયોગ કરવામાં આવેલો. એક માણસને મૃત્યુદંડની સજા કરવામાં આવી હતી. તેના પર આ પ્રયોગ કરવાનું નક્કી થયું. એ માણસના સાંભળતાં એને કેવી રીતે મૃત્યુદંડ દેવો તેની વાતચીત કરવામાં આવી કે એના ગળા પાસેની મુખ્ય નસ-ધોરી નસ કાપીને એના શરીરનું બધું જ લોહી કાઢી નાખીશું, જેથી એ તરત જ મૃત્યુ પામશે. આથી એને એક ટેબલ પર સુવડાવી આંખ પર કપડું ઢાંકી દઈ એની ધોરી નસ પર કાપ મુકવામાં આવ્યો અને નીચે એક વાસણ લોહી ઝીલવા માટે મુકવામાં આવ્યું. લોહીની ધાર વાસણમાં પડવા લાગી. થોડા સમય પછી જોયું તો એ માણસ મૃત્યુ પામ્યો હતો. ખરેખર તો એની ધોરી નસ પર એને થોડું દર્દ થાય એ રીતે કાપો કરવામાં આવ્યો હતો, પણ લોહીની ધારા વહે એટલો બધો નહીં. પછી આપણા શરીરના ઉષ્ણતામાન જેવું હુંફાળું પાણી એની ગરદન પર થઈ પાડવામાં આવ્યું, જે નીચે મુકેલા વાસણમાં પડે. વાસણમાં એ પાણી પડવાનો અવાજ એ માણસ સાંભળતો હતો. એને તો એમ જ ખાતરી હતી કે એના શરીરમાંથી લોહી વહી રહ્યું છે. એને થયું કે મારા શરીરમાંથી બધું જ લોહી વહી ગયું છે, આથી હું જીવતો રહી શકું જ નહીં. આ દૃઢ માન્યતા એના મનમાં એટલી સઘન બની કે એ મૃત્યુ પામ્યો. એને મૃત્યુદંડની સજા તો કરવામાં આવી હતી જ.

આપણે માત્ર કહીએ છીએ એટલું જ, મનમાં તો એનાથી વીપરીત જાણતા જ હોઈએ છીએ. આથી જ આપણી માન્યતા મુજબ કશું સંભવી શકતું નથી. આપણી માન્યતાઓ પોકળ હોય છે, ઉપરછલ્લી હોય છે.

આથી હવે જ્યારે સ્વસ્તીક કાઢો ત્યારે તમારું રક્ષણ એનાથી થવાનું જ છે એવી પ્રબળ, અડગ માન્યતા સહીત કાઢવાનું યાદ રાખશો. અને તો તમારું કલ્યાણ જ છે. પણ એ પ્રમાણે કોણ કરી શકશે? એ પણ આપણે બધા જાણીએ જ છીએ, આથી એ બધી વીગતોમાં હું જતો નથી. કેમ કે એમાં આપણે પુજા શા માટે કરીએ છીએ એની વાતો મારે કરવાની રહે અને એમાં ઘણું લંબાણ થવાની શક્યતા છે.

ટૅગ્સ:

4 Responses to “સ્વસ્તીક”

  1. pravinshastri Says:

    ગાંડાભાઈ… સ્વસ્તિક વિષે અભ્યાસ પૂર્ણ લેખ બદલ ધન્યવાદ અને મારા આપને સાદર વંદન. ધર્મ અને આંતરિક શ્રદ્ધા, જીવનનો માનસિક સહારો છે.

  2. Purvi Malkan Says:

    bahu j sundar lekh gandabhai.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: