Archive for સપ્ટેમ્બર, 2014

નવરાત્રી

સપ્ટેમ્બર 30, 2014

નવરાત્રી

વીપરીત ક્રમથી સાધનાની ગણના થાય છે. એટલે ઉપાસનાકાંડના ગ્રંથોમાં મહાકાલી, મહાલક્ષ્મી, મહાસરસ્વતીનો નીયત ક્રમ હોય છે. આ ત્રીદેવ અને ત્રીશક્તીનો વર્ણ, તેમની ક્રીયા જુદી જુદી હોવા છતાં તેમાં તેમનામાં સામ્ય રહેલું છે તે દર્શાવે છે. સંહારના દેવ રુદ્ર ગૌર વર્ણના છે, તો તેની શક્તી કાલી શ્યામ છે. પાલનના દેવ વીષ્ણુ શ્યામ વર્ણના, તો શક્તી લક્ષ્મી સુવર્ણ રંગની. સર્જનના દેવ બ્રહ્મા સુવર્ણ રંગના, તો શક્તી સરસ્વતી ગૌર વર્ણની. હવે શક્તીમાન અને શક્તીની કાર્યપરંપરા સાથે વર્ણનો મેળ જોઈએ.

ગૌર વર્ણના શીવ સંહારનું કાર્ય શ્યામ કાલીને સોંપે છે. કાલી ધ્વંસ કરે છે પણ આ ધ્વંસ તો અજ્ઞાનનો, અવીદ્યાનો જ છે, મોહ અને મમત્વનો જ છે. આ ધ્વંસ દ્વારા જે વ્યાપક ભાવ, જે ચૈતન્ય પ્રગટે છે તેને કાલી વીષ્ણુના હાથમાં સોંપે છે. કાલી સાથે વીષ્ણુના વર્ણની સમાનતા છે. વીષ્ણુ પણ શ્યામ વર્ણના છે. ધ્વંસ રક્ષા સમાન બને છે, વીષ્ણુ જે ચૈતન્યની વ્યાપકતા પ્રગટી તેને રક્ષી નવા નવા ઉન્મેષ માટે પોતાની શક્તી લક્ષ્મીને સોંપે છે. લક્ષ્મીનો વર્ણ સુવર્ણ રંગનો છે. તે અનંત વૈભવની ધારીણી છે. લક્ષ્મી આ સુવર્ણ-સંપદા, પોતાના સમાન સુવર્ણ રંગના બ્રહ્માને સોંપે છે, તેના નવા ને નવા આકારો, અલંકારો બનાવવાને માટે. બ્રહ્મા એ કાર્યભાર સ્વીકારી પોતાની શક્તી સરસ્વતીને સર્જનનું કામ સોંપે છે. સમસ્ત સર્જન આ ધવલ સ્વરૂપા, પરાવાક્ દ્વારા થાય છે. ગૌર સરસ્વતીનું સર્જનકાર્ય જ્યારે અંતીમબીંદુ સુધી પહોંચે છે ત્યારે આ ભૌતીક રૂપોનાં આવરણ ભાંગવાનું કાર્ય તે ગૌર વર્ણના શીવને હવાલે કરે છે. ગૌર અને કાલીનો ખેલ ફરી શરૂ થાય છે.

સંહારક શક્તી કાલી અને રક્ષક દેવ વીષ્ણુ એકરંગી. રક્ષકશક્તી લક્ષ્મી અને સર્જક દેવ બ્રહ્મા એકરંગી. એ જ રીતે સર્જકશક્તી સરસ્વતી અને સંહારક દેવ શીવ એકરંગી. આ સમાન વર્ણ તે સંહારમાં રક્ષણ, રક્ષણમાં સર્જન અને સર્જનમાં સંહારનું જે સમાન તત્વ રહ્યું છે તે દર્શાવે છે. આ ત્રિગુણાત્મક શક્તીઓને સમત્વપણે નીહાળી શકાય કે તરત જ તેની પાછળ રહેલા નીર્ગુણ નીર્લેપનો અનુભવ થાય છે. ત્રણેમાં પરોવાયેલ હોવા છતાં એ અવીકૃત અને અવીનાશી છે.

ન્યુઝીલેન્ડમાં એક સાંસ્કૃતીક કાર્યક્રમ વખતે

સપ્ટેમ્બર 20, 2014

ન્યુઝીલેન્ડમાં એક સાંસ્કૃતીક કાર્યક્રમ વખતે

2011ના ડીસેમ્બરમાં અહીં એક સાંસ્કૃતીક કાર્યક્રમમાં મને મહેમાન તરીકે આમંત્રણ હતું. ત્યાં જે બે શબ્દો મેં કહ્યા હતા તે રજુ કરું છું.

નમસ્તે.

સાંસ્કૃતીક કાર્યક્રમમાં આ પ્રકારનો મારો આ પહેલો પ્રસંગ છે. સાંસ્કૃતીક એટલે સંસ્કૃતી સંબંધીત. પણ સંસ્કૃતી એટલે શું એવી ફીલસુફીની વાત મારે કરવી નથી, એમાં ખાસ કોઈને રસ પણ નહીં હોય, અને મારે વધુ લાંબું ભાષણ નથી કરવું, કેમ કે અહીં બધાં કાર્યક્રમ જોવા માટે આવેલાં હોય છે, ભાષણમાં કોઈને ખાસ રસ હોતો નથી. પણ પરંપરા મુજબ બધા આવું કરે છે, તો ચાલો થોડી વાતો કરી લઈએ.

આપણે ઈન્ડીયન કે ન્યુઝીલેન્ડર? કે પછી આપણે ઈન્ડીયન ન્યુઝીલેન્ડર કે ન્યુઝીલેન્ડર ઈન્ડીયન? આપણી પાસે કઈ સંસ્કૃતીનો વારસો છે? બીજા શબ્દોમાં કહીએ તો આપણે કઈ સંસ્કૃતીના વારસદારો છીએ? કદાચ ઈન્ડીયન છીએ એ આપણે લગભગ બધા જ ભુલી તો ન જ શકીએ. છતાં આપણે ન્યુઝીલેન્ડનાં પર્વો-ઉત્સવો (festivals)ની ઉજવણી શુદ્ધ ન્યુઝીલેન્ડરોની જેમ જ કરીએ છીએ. જુઓને આ નાતાલ(Christmas)નો ઉત્સવ. પણ એમાં એક મહત્ત્વનો તફાવત છે- આપણી ઉજવણી (celebration)માં ભારતીયતા ભારોભાર ભરેલી હોય છે. પણ માત્ર ભારતીયતા જ કે? ના, એમાં ન્યુઝીલેન્ડનું તત્ત્વ પણ વણાયેલું હોય છે. આમ આપણા એટલે કે ભારતીય તહેવાર આપણે ઉજવીએ કે ન્યુઝીલેન્ડના તહેવારો પણ એ બંને પ્રકારમાં બે સંસ્કૃતીઓ ઓતપ્રોત થઈ જાય છે-વણાઈ જાય છે. બેને કદાચ અલગ તારવવી મુશ્કેલ થાય. A fusion (not just mixing but fusion) of two cultures-Indian and New Zealand, the country we or our ancestors chose to live in. બે દેશો-ભારત અને ન્યુઝીલેન્ડની સંસ્કૃતીઓનું સંમીશ્રણ-માત્ર મીશ્રણ નહીં, પણ સંમીશ્રણ, ન્યુઝીલેન્ડ કે જે દેશને આપણે કે આપણા પુર્વજોએ વસવાટ માટે પસંદ કર્યો છે.

આમ છતાં બીજો એક મુદ્દો મહત્ત્વનો છે. આપણે આ ઉત્સવો ઉજવીએ ત્યારે આપણી સંસ્કૃતીની લાક્ષણીકતા ઉભરી આવે તે પણ જોવું જોઈએ. આપણી સંસ્કૃતીની લાક્ષણીકતા જેને આપણે જાળવી રાખવા માગીએ છીએ. અત્યાર સુધી જે પ્રોગ્રામ આપણે જોયો તેમાં જોયું કે એમાં આપણા ગુજરાતી ગરબા હતા, પણ એમાં સાથે સાથે પશ્ચીમી નૃત્ય કેવું વણાઈ ગયું છે! કઈ રીતે? પશ્ચીમમાં પરાપુર્વથી સમુહ નૃત્ય ચાલી આવે છે. એમાં સંગીત સાથે નૃત્ય હોય છે. આ સંગીત પહેલાં તો માત્ર લાઈવ જ રહેતું, પહેલેથી રેકોર્ડ કરેલું નહીં. આપણા ગરબા પણ પહેલાં માત્ર લાઈવ સંગીત સાથે થતા. પણ એમાં ચાલીસ-પચાસ વર્ષ પહેલાં વીશેષતા એ હતી કે ગરબામાં ગાનાર એક જગ્યાએ અલગ બેસીને નહીં, પણ ગરબામાં ઘુમતાં ઘુમતાં ગાતાં. પછીથી જો કે એ બદલાયું. આજે પશ્ચીમી નૃત્યની જેમ સંગીત તો રેકોર્ડ કરેલું વાગતું હોય છે, પરંતુ પરંપરા જાણે જાળવવા મથતાં હોય તેમ ગરબા ગાનારાં હોઠ હલાવતાં રહે છે.

આપણે આપણી લાક્ષણીકતા સહીતનો એવો શો મુકી શકીએ કે જેની નકલ ન્યુઝીલેન્ડની સંસ્કૃતી કરવા પ્રેરાય? અહીં આ પ્રકારના સાંસ્કૃતીક કાર્યક્રમ તૈયાર કરી રજુ કરવાની તક જેમને મળે છે તેઓ આવું કંઈક કરી શકે?

અહીં આવવાની જેમણે મને તક આપી તે સહુનો અને આપ સહુએ મારું આ વક્તવ્ય સાંભળવાની ધીરજ દાખવી તે બદલ આપ સહુનો હાર્દીક આભાર.

શ્રાદ્ધ

સપ્ટેમ્બર 15, 2014

શ્રાદ્ધ

હીન્દુ ધર્મમાં માણસના મૃત્યુ બાદ દસમા દીવસથી બ્રાહ્મણ દ્વારા શ્રાદ્ધની વીધી કરવામાં આવે છે. સામાન્ય રીતે પીતાનું શ્રાદ્ધ સૌથી મોટો પુત્ર અને માનું શ્રાદ્ધ સૌથી નાનો પુત્ર કરે છે. પરંતુ પુત્ર ન હોય તો દોહીત્ર કે પુત્રી પણ શ્રાદ્ધ કરી શકે. દસ, અગીયાર, બાર અને તેરમાની શ્રાદ્ધ ક્રીયા બાદ દર મહીને, એક વર્ષ પછી અને દર વર્ષે શ્રાદ્ધ પક્ષમાં મૃત્યુની તીથીને દીવસે પણ શ્રાદ્ધ કરવામાં આવે છે. જો મૃત્યુની તીથી યાદ ન હોય તો અમાસને દીવસે શ્રાદ્ધ કરવામાં આવે છે. આ ઉપરાંત કોઈ તીર્થ ક્ષેત્રમાં પણ ઓછામાં ઓછું એક વાર શ્રાદ્ધ કરવામાં આવે છે.

શ્રાદ્ધક્રીયામાં પ્રથમ તર્પણ કરવામાં આવે છે. એમાં ગતાત્મા કે પીતૃઓને પાણીની અંજલી આપવામાં આવે છે. હીન્દુ ધર્મની માન્યતા અનુસાર એનાથી આ આત્માઓની તરસ છીપે છે. આ પછી વીષ્ણુ ભગવાનની, સુર્યની અને ગતાત્માની પોતાના પીતૃઓ સહીત પુજા કરવામાં આવે છે. અને છેવટે પીંડદાન કરી અન્ય દાન કરવામાં આવે છે કે દાન કરવાનો સંકલ્પ કરવાનો હોય છે.

આ શ્રાદ્ધ શા માટે કરવું જોઈએ? હીન્દુ ધર્મની માન્યતા અનુસાર આત્મા દેહ છોડ્યા પછી જે સ્થળ પ્રત્યે એનો લગાવ હોય ત્યાં અમુક દીવસો સુધી ભટકતો રહે છે. સામાન્ય રીતે એના નીવાસ સ્થાનની આસપાસની શક્યતા વધુ છે. આથી દેહના અગ્નીદાહ કે ભુમીદાહ પછી તરત જ અને એ પછી તેર દીવસ સુધી કાગવાસ કે અન્ય પક્ષીઓને ખાવાનું આપવાનું શરૂ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે કાગડા સુક્ષ્મ શરીરધારી આત્માને જોઈ શકે છે અને એની બહુ જ નજીક હોય છે. આથી એમને તૃપ્ત કરવાથી આત્માઓ તૃપ્ત થાય છે. એક ખ્યાલ એવો પણ છે કે આત્મા તો એક જ છે. કાગડાનો આત્મા અને મનુષ્યનો આત્મા જુદા નથી. ધાર્મીક ક્રીયા દરમિયાન એ પણ યાદ અપાવવામાં આવે છે કે આ જે કંઈ છે તે મારું નથી. સામાન્ય સંજોગોમાં દેહ છોડ્યા પછી બાર-તેર દીવસ સુધી આત્માને સ્થુળની સ્મૃતી જળવાયેલી રહે છે. આથી તેરમાના દીવસે જે કંઈ દાન કરવું હોય તેનો સંકલ્પ કરી દેવાનો હોય છે. કેમ કે ગતાત્માએ પ્રાપ્ત કરેલું તેની ઈચ્છા મુજબ અર્પણ કરી દેવું જોઈએ. આ એક બહુ જ ઉમદા સમાજવાદી વીચાર ધર્મમાં દાખલ કરવામાં આવેલો, પણ લોકોની સ્વાર્થવૃત્તીને લીધે એ બધું હવે કોઈ પાળતું નથી. જો એનો અમલ કરવામાં આવે તો સમાજમાં આજે ગરીબ અને તવંગર વચ્ચે જે ઘણું મોટું અંતર છે તે એકદમ ઘટી જાય.

દર વર્ષે શ્રાદ્ધ શા માટે? હીન્દુ ધર્મની માન્યતા મુજબ આત્મા જ્યાં સુધી મોક્ષ ન મેળવે ત્યાં સુધી એ જન્મ ધારણ કરતો રહે છે. જ્યારે એને બ્રહ્મનો સાક્ષાત્કાર થાય ત્યારે એને કોઈ પણ પ્રકારની વાસના રહેતી નથી, જેને મોક્ષપ્રાપ્તી કહેવામાં આવે છે. આથી આવા આત્મસાક્ષાત્કારીને ભુમીદાહ દેવામાં આવે છે અને તેની સમાધી બનાવવામાં આવે છે. કેમ કે એને કોઈ પણ જાતની વાસના રહેલી હોતી નથી. આથી આવા આત્મા સ્થુળ શરીરની આસપાસ ઘુમરાતા રહેતા નથી. પણ જેને મોક્ષ નથી મળ્યો તે આત્મા ફરીથી ક્યારે જન્મ ધારણ કરશે તે કહી ન શકાય. વળી એની દેહાસક્તી પણ હોવાની, આથી જો સ્થુળ દેહને બાળવામાં આવે તો આત્માની એની આસપાસ ફરતા રહેવાનો છેદ ઉડી જાય છે. આથી હીન્દુઓમાં અગ્નીદાહની પ્રથા છે. દરેક માટે એ સમય સરખો હોતો નથી. કોઈકને બહુ જ ટુંકા સમયમાં પુનર્જન્મ મળી જાય – ખરેખર તો એ ધારણ કરે. એનો આધાર આત્માની ગુણવત્તા પર રહેલો છે. બહુ જ ઉચ્ચ કોટીના અને તદ્દન નીચ કોટીના આત્માને પોતાને અનુકુળ મા-બાપ જલદી મળી આવતાં નથી, આથી એના પુનર્જન્મને વર્ષોનાં વર્ષો લાગી જાય. જ્યારે સામાન્ય કક્ષાના સરેરાશ આત્માને યોગ્ય મા-બાપ મેળવવામાં મુશ્કેલી નથી હોતી. વળી મૃત્યુ પછી આત્માની સ્મૃતી આગળ જોયું તેમ ૧૨-૧૩ દીવસ સુધી જ રહે છે. પણ કોઈક આત્મા અમુક કારણોસર આ સ્મૃતી અનેક વર્ષો સુધી પણ જાળવી રાખે એવું બની શકે. આથી એવા આત્માને માટે દર વર્ષે શ્રાદ્ધ કરવાની જરૂર રહે. સામાન્ય રીતે વાર્ષીક શ્રાદ્ધ આપણે તે જ વર્ષે મૃત્યુ પામેલ આત્મા માટે કરીએ છીએ પણ તે સમયે આપણા બધા જ પુર્વજો અને અન્ય સગાંસંબંધીઓ, મીત્રો, ગુરુ, નોકરો, પરીચીતો, અપરીચીતો જેમને માટે આવી ક્રીયા ન થઈ શકી હોય તે બધાં ઉપરાંત વૃક્ષોનો પણ સમાવેશ કરવામાં આવે છે. વૃક્ષોમાં પણ આત્મા છે એવી હીન્દુ ધર્મમાં માન્યતા છે. આથી આ બધાંની તૃપ્તી માટે દર વર્ષે શ્રાદ્ધ કરવામાં આવે છે.

વૃદ્ધત્વ

સપ્ટેમ્બર 14, 2014

વૃદ્ધત્વ

મુક્ત કણો(ફ્રી રેડીકલ્સ)ને વૃદ્ધત્વને ઝડપી બનાવનાર માનવામાં આવે છે. મુક્ત કણ એટલે કોઈ પણ એવો પરમાણુ (atom) કે અણુ (molecule) જેની બાહ્ય ભ્રમણકક્ષામાં (સ્તરમાં) એક જ ઈલેક્ટ્રોન(ઋણ વીજકણ) વધારાનો એટલે કે જોડમાં નથી હોતો.

(નોંધ: કેટલાક લોકો ગુજરાતીમાં રેણુ – molecule, અણુ – atom, અને એટમમાં રહેલા સુક્ષ્મ કણો જેમ કે ઈલેક્ટ્રોન, પ્રોટોન, પોઝીટ્રોન અને બીજા ઘણા બધા માટે પરમાણુ શબ્દ વાપરે છે. કદાચ આ શબ્દો વધુ યોગ્ય લાગે છે, પણ હજુ સર્વમાન્ય થયા નથી. જેમ કે ગુજરાતી લેક્સીકોનમાં રેણુ શબ્દનો અર્થ dust, sand એવો આપ્યો છે, અને અણુ શબ્દનો અર્થ atom, molecule એમ બંને આપ્યા છે.)

પરમાણુ (એટમ) કે અણુ (મોલેક્યુલ)ના કેન્દ્રની પ્રદક્ષીણા કરતા ઈલેક્ટ્રોન બબ્બેની જોડમાં હોય છે. આ જોડ વીનાનો ઈલેક્ટ્રોન બેકી થવાને સતત ઉત્સુક હોય છે. આથી મુક્ત કણો બહુ જ સક્રીય રાસાયણીક પદાર્થ હોય છે. અમુક પ્રકારનાં એન્ઝાઈમનો ડોઝ આપવાથી તેમ જ એન્ટીઓક્સીડન્ટ આહાર લેવાથી આ મુક્ત કણો નષ્ટ થઈ શકે છે. આ રીતે વૃદ્ધત્વને પાછળ ઠેલી શકાય છે, જેનાથી ઉમ્મરમાં 20% જેટલો વધારો સંભવ છે.

 

મુક્ત કણો સામે રક્ષણ મળવાથી ઘડપણને કારણે સતાવતા રોગો પણ અટકાવી શકાય છે એવું અમુક સંશોધનોમાં જાણવા મળ્યું છે. જેમાં હૃદયરોગો, કેન્સર, સંધીવા, સ્મૃતીભ્રંશ જેવા અમુક માનસીક રોગો, ડાયાબીટીસ અને બીજા ગંભીર રોગોનો સમાવેશ થાય છે.

આમ જીવન લંબાવવા, ઘડપણને દુર ઠેલવા અને વૃદ્ધાવસ્થાના રોગો સામે રક્ષણ મેળવવા આપણા આહારમાં એન્ટીઓક્સીડન્ટ પદાર્થોનો સમાવેશ કરવો જોઈએ. સામાન્ય રીતે ફળ અને શાકભાજીમાં એન્ટીઓક્સીડન્ટ જોવા મળે છે. આથી સમયસર ફળ-શાકભાજીનો આપણા આહારમાં યોગ્ય પ્રમાણમાં સમાવેશ કરવો લાભદાયક છે.

કોલેસ્ટરોલ

સપ્ટેમ્બર 9, 2014

ઉપચાર તમારા આરોગ્ય ચીકીત્સકની સલાહ મુજબ કરવા, આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે, જાતે પોતાના ઉપાય કરવા પ્રેરવાનો નહીં.

કોલેસ્ટરોલ

આપણા શરીરમાં કોલેસ્ટરોલ બે પ્રકારનું હોય છે, ખરાબ અને સારું, અથવા કહો કે હાનીકારક અને ફાયદાકારક. એને એલ.ડી.એલ. (low density lipoprotein) અને એચ.ડી.એલ. (high density lipoprotein) કહેવામાં આવે છે. આપણે જે ખોરાક લઈએ છીએ તેમાંથી કોલેસ્ટરોલ મળે છે અને આપણું શરીર પણ કોલેસ્ટરોલ બનાવે છે. શરીરમાં થોડા કોલેસ્ટરોલની જરુર રહે છે. એ અમુક હોર્મનના ઉત્પાદનમાં તથા કોષોના સ્વાસ્થ્ય માટે જરુરી હોય છે.

કોલેસ્ટરોલ સામાન્ય રીતે પ્રાણીજ આહાર જેમ કે દુધ અને દુધની બનાવટો, ઈંડાં, માંસ, મચ્છી વગેરેમાં હોય છે. મનુષ્ય સહીત દરેક પ્રાણીના શરીરમાં કોલેસ્ટરોલ હોય છે. પાચનમાર્ગમાં પ્રાણીજ આહારનું શોષણ થયા બાદ એ લીવરમાં જાય છે અને ત્યાંથી લોહીમાં ભળે છે. લોહીમાં ભળેલ આ કોલેસ્ટરોલમાં એલ.ડી.એલ.નું પ્રમાણ વધુ હોય તો એ બીજા અમુક પદાર્થો સાથે ભળી સખત બનીને ધમનીની દીવાલમાં ચોંટતું રહે છે અને લોહીના પ્રવાહનો માર્ગ સાંકડો બનતો જાય છે. આ સ્થીતી હાર્ટએટેક કે સ્ટ્રોક લાવી શકે છે. સારું કોલેસ્ટરોલ ખરાબને ઓગાળવામાં મદદ કરે છે. આપણું લીવર પણ સારું કોલેસ્ટરોલ બનાવે છે. આથી કોલેસ્ટરોલના નુકસાનને ટાળવા સારા કોલેસ્ટરોલવાળાં આહારદ્રવ્યો લેવાં જોઈએ.

આવા પદાર્થો પૈકી એક છે ટામેટાં. ટામેટાં ખાવાથી કે એનો રસ પીવાથી ખરાબ કોલેસ્ટરોલનું પ્રમાણ ઘટાડી શકાય છે. આથી જ આહારમાં ટામેટાંને આરોગ્યપ્રદ ગણવામાં આવ્યાં છે. આયુર્વેદીક દવા ત્રીફળા પણ કોલેસ્ટરોલનું પ્રમાણ ઘટાડવામાં મદદગાર થાય છે. ઉપરાંત દહીંનો આહારમાં સમાવેશ કરવાથી પણ કોલેસ્ટરોલ ઘટાડવામાં મદદ મળે છે. મશરુમ કોલેસ્ટરોલને ઓછું કરવામાં ઉપયોગી જણાયું છે.

સંશોધકોનું કહેવું છે કે પીસ્તાં (pistachio nuts) ખાવાથી ખરાબ કોલેસ્ટરોલનું સ્તર ઘટે છે, આથી હૃદયરોગનું જોખમ પણ ઘટે છે. એ જ રીતે અખરોટ પણ સહાય કરે છે. લીલી ચા એટલે કે લેમન ગ્રાસનો ઉકાળો પીવાથી પેશાબનું પ્રમાણ વધે છે, જેના કારણે શરીરમાંનો યુરીક એસીડ અને સાથે હાનીકારક કોલેસ્ટરોલ પણ પેશાબ વાટે શરીરની બહાર નીકળી જાય છે. અહીં જે લીલી ચાની વાત છે એ ખરેખર ચા નથી, એક પ્રકારનું સુગંધીયુક્ત ઘાસ છે, પણ આપણે ગુજરાતીમાં એને લીલી ચા કહીએ છીએ. લીલી ચા એટલે ગ્રીન ટી એક પ્રકારની ચા છે, જેના પર કરવામાં આવેલી પ્રક્રીયાના કારણે એમાં કેફીનનું પ્રમાણ બહુ ઓછું હોય છે. પણ કોલેસ્ટરોલ ઘટાડવામાં લીલી ચા એટલે લેમન ગ્રાસ, ચા નહીં.

કાચાં શાકભાજી જે આપણે કચુંબર તરીકે લઈ શકીએ છીએ તથા ફણગાવેલાં કઠોળ તેમજ ફણગાવેલ અન્ય ધાન્ય ઉપરાંત ફળોમાં પ્રાકૃતીક ક્ષારો (મીનરલ) અને રેષા (ફાઈબર) સારા પ્રમાણમાં હોય છે. એનાથી લોહીમાંના કોલેસ્ટરોલનું પ્રમાણ નીયંત્રણમાં રહે છે. કચુંબરમાં ડુંગળી, લસણ, આદુ વગેરેનો પણ સમાવેશ કરી શકાય, જે કોલેસ્ટરોલને નીયંત્રણમાં રાખવામાં મદદ કરે છે.

કોબીજ અને કોલીફ્લાવરમાં રહેલું ખાસ રસાયણ ધમનીમાં કોલેસ્ટરોલને જામવા દેતું નથી એમ એક સંશોધનમાં જાણવા મળ્યું છે. જો કોલેસ્ટરોલ જામવાનું શરુ થઈ ગયું હોય તો આ શાક ખાવાથી એ પ્રક્રીયા અટકી જાય છે. જ્યારે ઈંડામાં કોલેસ્ટરોલનું પ્રમાણ વધુ હોય છે, જેથી હૃદયરોગ અને સ્ટ્રોકનું જોખમ વધી જાય છે.

ફળોમાં એવોકાડો, ગ્રેપ ફ્રુટ, તરબુચ અને નાની ટેટી પણ કોલેસ્ટરોલને કાબુમાં રાખવામાં સહાય કરે છે.

આગળ જોયું તેમ સોલ્યુબલ ફાઈબર કોલેસ્ટરોલનું પ્રમાણ ઘટાડવામાં મદદરુપ થાય છે. આ સોલ્યુબલ ફાઈબર ઓટમાં સારા પ્રમાણમાં હોય છે. આથી સવારે નાસ્તામાં રોલ્ડઓટની પોરીજ – રાબ કોલેસ્ટરોલથી થતું નુકસાન અટકાવવામાં લાભકારક થશે.

કોફીમાં રહેલા કેફીનથી લીવર પર ખરાબ અસર થાય છે અને કોલેસ્ટરોલના ચયાપચયમાં વીક્ષેપ પડે છે. સંશોધકો કહે છે કે દીવસમાં પાંચથી છ કપ ઉકાળેલી કોફી પીનાર વ્યક્તીના શરીરમાં એલ.ડી.એલ (ખરાબ) કોલેસ્ટરોલનું પ્રમાણ ૯ થી ૧૪ ટકા જેટલું વધે છે. જો કોઈ વ્યક્તીના શરીરમાં એલ.ડી.એલ. કોલેસ્ટરોલનું પ્રમાણ ૧૦ ટકા જેટલું વધે તો એને હૃદયરોગ થવાની શક્યતા ૨૦ ટકા જેટલી વધી જાય છે. ( પેપર ફીલ્ટર વાપરીને કોફી બનાવવામાં આવે તો આ કોલેસ્ટરોલ વધવાની અસર અટકાવી શકાય છે.)

કસરત કરવાથી લોહીમાંનું ખરાબ કોલેસ્ટરોલ ઓછું થાય છે અને સારા કોલેસ્ટરોલમાં વધારો થાય છે. આ કસરતમાં ખાસ કરીને સીડીનાં કે અન્ય પગથીયાં ચડવાથી સારો લાભ થાય છે. એક સંશોધન મુજબ દરરોજ માત્ર છ મીનીટ દાદરા કે બીજાં કોઈ પગથીયાં ચડ-ઉતર કરવાથી કોલેસ્ટરોલમાં ૧૦-૧૫ ટકા જેટલો ઘટાડો થાય છે. કોલેસ્ટરોલનું જોખમ ઘટાડવા માટે નીયમીત કસરત કરવી બહુ ફાયદાકારક છે.

વીરાટની ષષ્ઠીપુર્તી

સપ્ટેમ્બર 7, 2014

વીરાટની ષષ્ઠીપુર્તી

(મારા એક સંબંધીની ૬૦મી વર્ષગાંઠની ઉજવણી પ્રસંગે કહેલા શબ્દો. નામ અને સ્થળ બદલ્યાં છે.)

વીરાટે સાંઠ વર્ષ પુરાં કર્યાં એ પ્રસંગે હું મારા તરફથી તેમ જ અમારા પરીવાર તરફથી હાર્દિક અભીનંદન પાઠવું છું. એ સાથે જ આવાં બીજાં ઘણાં ઘણાં ઈચ્છીત વર્ષો સુધી સર્વ રીતે સુખી, આનંદી, સ્વાસ્થ્યપુર્ણ, સંતોષપ્રદ જીવન વીરાટને મળે એવી શુભેચ્છા, આશીર્વાદ અને પ્રાર્થના.

 

વીરાટનો જન્મ બારડોલીમાં ૨૨ માર્ચ ૧૯૪૫ના રોજ થયો હતો. બાલ્યાવસ્થામાં પણ વીરાટ કંઈક રમુજી હતો. હીન્દી ફિલ્મ જોવાનો એને ખુબ શોખ હતો. તે સમયે સસ્તામાં સસ્તી મળતી ચાર આનાની ટીકીટમાં થિયેટરમાં ફિલ્મો જોવા જતો, અને ત્યાં એક આનામાં મળતી ફિલ્મી ગીતોની ચોપડી એની વંદનાફોઈને માટે હંમેશાં લાવતો. ફિલ્મી ગીતો ગાવાનો શોખ ત્યારથી જ એણે કેળવ્યો હતો.

 

આઠમા ધોરણમાં દાખલ થયા સુધીનું શીક્ષણ વીરાટે ભારતમાં લીધું હતું, અને એક તેજસ્વી વીદ્યાર્થી તરીકેની છાપ ઉપસ્થીત કરી હતી.

 

વીરાટ વીષે મારા ઉપર પડેલી છાપ બહુ જ ટુંકા શબ્દોમાં કહું તો એ નીર્દંભ છે, પ્રમાણીક છે, અને પુર્વ અને પશ્ચિમની સંસ્કૃતીનો સુયોગ છે. આથી જ વીરાટને પોતાને વિષે લોકો શું વિચારશે તેની ચીંતા કર્યા વીના જે સાચું લાગે તે બેધડક કહેવામાં કોઈ ખંચકાટ થતો નથી. આજે કહેવાતા આસ્તીકો-ભગવાનમાં માનનારાઓ ખરેખર તો નાસ્તીકો જ હોય છે, પરંતુ એ કબુલ કરવાની હીંમત એ લોકોમાં હોતી નથી. વીરાટ કંઈક જુદી માટીનો છે. વીરાટના પીતાજી બહુચરભાઈ રજનીશના અનુયાયી હતા. રજનીશનું કહેવું પણ એ જ છે કે તમે કંઈ પણ જાણ્યા વીના માની લો કે જાણ્યા વીના ઈન્કાર કરી દો એટલે કે કહેવાતા આસ્તીક અને નાસ્તીક બંનેની માન્યતાની કશી કીંમત નથી. રજનીશ વીષે વીરાટે વાંચ્યું વીચાર્યું છે કે કેમ તેની મને ખબર નથી, પણ રજનીશ ધર્મ કે ઈશ્વરના વીષયમાં બહુ હળવાશથી વાતો કરે છે, ગંભીર જરાયે નથી, પ્રમાણીક જરૂર છે, તેથી સાચું લાગે તે કહેવામાં ખંચકાટ અનુભવતા નથી. એમણે કહેલી એક રમુજ રજુ કરું છું.

 

વોલ્ટર વીબલ એક સુકલકડી નાનકડો પુરુષ ચર્ચના છેવાડે એક દીવસ ભગવાનને પ્રાર્થના કરતો હતો, “હે ભગવાન,” તે કરગરતાં કહેતો હતો, “મારા ઘરનું મોર્ગેજ ભરવાની મારી શક્તી નથી, મારી પત્ની નવો ડ્રેસ માગે છે, અને મારી કાર બગડી ગઈ છે. તારે મને મદદ કરવી જ જોઈએ.”

અને એટલામાં જ ચર્ચનું બારણું ધડામ દઈને ખુલે છે અને એક કદાવર કાળો આદમી અંદર આવે છે. તે સીધો ચર્ચના આગલા ભાગમાં જાય છે, ઉપર આકાશ તરફ જોઈને મોટેથી બરાડે છે, “એય ભગવાન, સાંભળ, હું ખરેખર તને જ ખોળું છું. મને એક નવી કાર જોઈએ છે, એક નવું ઘર જોઈએ છે અને એક સરસ યુવતી. અને એ પણ તરત જ.”

એ પછી તરત જ તે બહાર ચાલ્યો ગયો.

વોલ્ટર તો આ માની જ ન શક્યો અને શાંતિથી ગણગણતો ગણગણતો ચાલતો થયો.

ફરી એક વીક પછી વોલ્ટર ચર્ચમાં પાછળ ઊભો રહીને ભગવાનને પ્રાર્થના કરતાં ત્રુટક ત્રુટક ગણગણતો હતો. “હે ભગવાન! મારી પત્ની મને ત્યજી દેવા માગે છે, મારી નોકરી હમણાં જ છૂટી ગઈ છે અને….” પરંતુ બહાર બ્રેકના તીણા અવાજથી એ વાક્ય પુરું કરી ન શક્યો. પછી ચર્ચનું બારણું ધડામ દઈને ખુલ્યું અને પેલો કાળિયો સુંદર યુવતી સાથે અંદર દાખલ થયો. તેઓ ચર્ચમાં આગળ આવ્યાં અને પેલો મોટેથી કહે છે, “એય ભગવાન, મેં તને ખરેખર ધમકાવીને ખોળી કાઢ્યો ભાઈ, કાર સરસ છે, ઘર ઉત્તમ અને યુવતી અતી સુંદર.”

વોલ્ટર માટે આ હદ બહારનું હતું. જ્યારે પેલો માણસ જતો રહ્યો ત્યારે એ આગળ આવ્યો, હાથ ઉંચા કર્યા અને કરગરતાં ધીમેથી કહે છે, “ ઓ ભગવાન, આ શું? એને જે કંઈ જોઈતું હતું તે બધું જ તેં એને આપ્યું. પરંતુ મને તો કશું જ ન આપ્યું. એમ કેમ?

એકાએક એક ગંભીર આકાશવાણી સંભળાઈ. “તારી તો મને કોઈ અસર જ જણાતી નથી, ભાઈ!”

રજનીશ વીષેનો કોઈ પુર્વગ્રહ હોય તો તે અંગે વીચાર કરવામાં આવે એ આશયથી આ રમુજ કહી છે. રજનીશે કંટાળાજનક ઉપદેશો નથી આપ્યા.

 

આ પહેલાં વીરાટનો જન્મોત્સવ કદી પણ ઉજવવામાં આવ્યો નથી. એટલે કે વીરાટની પહેલી, એકવીસમી, ચાળીસમી, પચાસમી જેવી કોઈ વરસગાંઠ ઉજવી નથી.

 

જીવનનો ભરપુર આનંદ માણવાની એક વીશીષ્ટ કળા પણ વીરાટ પાસે છે, જેનો થોડો અનુભવ અત્યારે અત્યારે મને થયો છે.

ફરીથી અંતરની શુભેચ્છા અને હાર્દીક આશીર્વાદ.