લગ્નની તૈયારી – છોકરાના ઘરે

આજે અમારે ત્યાં વીઝીટર આવ્યાં ત્યારે વાત નીકળી કે લગ્ન વખતે શું કરવું તે હવેની નવી પેઢી ખાસ બહુ જાણતી હોતી નથી. આથી દર વખતે વડીલોને પુછવું પડે. પણ જો એવા વડીલ ન મળી શકે તો? ત્યારે મને યાદ આવ્યું કે એક વખત અહીં ન્યુઝીલેન્ડમાં ઑકલેન્ડમાં લગ્ન હતાં ત્યારે અમને પુછવામાં આવેલું અને બધી માહીતી મેં ઈ-મેઈલથી મોકલી હતી. તો એ લોકોએ સુચન કર્યું કે જો તમે એ તમારા બ્લોગમાં મુકો તો લોકોને મદદરુપ થાય.પરંતુ જુદા જુદા લોકોમાં રીવાજ જુદા જુદા હોઈ શકે. જેમને આ મુજબ કરવું હોય તેમને આ માહીતી કામ લાગશે. મેં આનો અંગ્રેજીમાં પણ અનુવાદ કર્યો છે. આ માહીતી છોકરાના લગ્ન બાબત છે.
લગ્નની તૈયારી – છોકરાના ઘરે
(નોંધ: હું હવે ગુજરાતીમાં એક જ ઈ-ઉ વાપરું છું-દીર્ઘ ઈ અને હ્રસ્વ ઉ.)
તમે = છોકરાનાં માબાપ. છોકરો-જેનાં લગ્ન થવાનાં હોય તે-વરરાજા, છોકરી-વધુ
લગ્નના દીવસે છોકરીના ઘરે તમારે લઈ જવાની વસ્તુઓની યાદી
1. છોકરીને માટે ત્રણ સાડી, એક ખુબ સારી જેને અમ્મર કહેવામાં આવે છે તે અને બે સામાન્ય. અમ્મર સાથે મેચીંગ બ્લાઉઝ અને મેચીંગ ચણીયો. બંને માટે છોકરીનું માપ લઈ દરજી પાસે સીવડાવી તૈયાર કરાવી લેવું.
2. લગ્નવીધી વખતે બ્રાહ્મણ કાળીગાંઠી માગે ત્યારે સ્ટેજ પર છોકરાની ભાભી હોય તે છોકરીને પહેરાવશે. કાળીગાંઠી ઑક્લેન્ડમાં મળતી હશે. નહીં તો ઈન્ડીયાથી મંગાવી લેવી.
3. છોકરી માટે સોનાનો સેટ (નેકલેસ, ઈયરરીંગ) અથવા એકલો નેકલેસ. (તમે જેટલો ખર્ચ કરવા ઈચ્છતાં હો તે મુજબ)
4. લગ્નવીધી વખતે છોકરો છોકરીને મંગલસુત્ર પહેરાવે છે, અને સેંથામાં સીંદુર પુરે છે. આ બંને તમારે જાનમાં જતી વખતે સાથે લઈ જવાં.
પીઠી લગાડવાના દીવસે નીચેની વસ્તુઓ જોઈશે.
કંકુ, સીંદુર, ચોખા, સોપારી, ઘઉં, કાચા સફેદ સુતરનો દડો, બાજઠ કે પાટલો, નવ-દસ આંબાનાં પાન, છુટા પૈસા, રવઈ (એગબીટર), ચાર વેલણ, જુવારના કણસલાનો દાંડો કે એના જેવું કંઈક, માટીનાં ચાર કોડીયાં, (કોડીયાં ન હોય તો નાની વાડકીઓ), સ્ટીલનો એક મોટો બાઉલ (bowl), તાંબાના પાંચ લોટા-ત્રણ મોટા અને બે નાના, ફુલના પાંચ મોટા હાર અને એક નાનો હાર ગણપતીની મુર્તી માટે. મોટા હાર પૈકી એક છોકરા માટે, એક સાથે બેસાડવામાં આવતી કુમારીકા માટે, એક દીવાલ પર કાઢવામાં આવતા ગણેશ માટે, સાંજે બીજો મોટો હાર માઈમાટલા માંડતી વખતે કાઢવામાં આવતા ગણેશ માટે, એક માઈમાટલા માંડે તેના ઘડા પર, અને અડધો મીટર સફેદ કાપડ માઈમાટલા ઉપર ઓઢાડવા માટે.
પીઠીની વીધી લગ્નના ત્રણ કે પાંચ દીવસ પહેલાં કરવામાં આવે છે-મુહુર્તની અનુકુળતા મુજબ. ધારો કે ત્રણ દીવસ પહેલાં અનુકુળતા છે. પીઠી પહેલાં ગણેશપુજા બ્રાહ્મણ પાસે કરાવવી હોય તો કરાવી શકાય. તે વખતે છોકરાના પીતાનાં જે મા કે બાપ (છોકરાનાં દાદા-દાદી) હયાત ન હોય તેના ફોટાને હાર પહેરાવવા.
એક મોટા ચોરસ સફેદ કાગળ પર નીચે મુજબ કંકુ અને સીંદુર વડે છોકરાની ફોઈ ગણેશ કાઢશે. એને ડ્રોઈંગ પીન વડે દીવાલ પર ચોંટાડવો. એને ફુલનો હાર પહેરાવવો.

Ganesh Pat

આ પછી ઉભારો ભરવાની ક્રીયા કરવામાં આવે છે. એકાદ કીલો જેટલા ઘઉં કે ચોખા લેવા. ભાભી, મામી વગેરે જે ચાર જણા પીઠી લગાવવાનાં હોય તેઓ ચારચાર ખોબા ભરીને એક મોટા બાઉલમાં નાખશે. એમાં ૧૬ સોપારી અને છુટા પૈસા મુકવા. ચાર વેલણ હોય તે દરેકને સુતર વડે સામસામે બે આંબાનાં પાન બાંધવાં. આ વેલણ વડે પીઠી ચડાવનાર ચાર જણા ઘઉં કે ચોખા ખાંડશે. આ પછી પીઠી ચડાવવાની વીધી કરવી.
એ માટે પ્રથમ કંકુ વડે નીચે મુજબ પાટ કાઢવો.

Pat

કંકુમાં પાણી નાખી રુ વડે ઉપર મુજબ છોકરાની મામી પાટ કાઢશે. પાટમાં વચ્ચે સોપારી અને પૈસો મુકવાં. ત્યાર બાદ ત્યાં બાજઠ કે પાટલો મુકી છોકરાને બેસાડવો. છોકરાએ બંને હાથ લંબાવી ખોબો કરવો. પીઠી લગાડનાર મામી કે ભાભીએ છોકરાને ચાંલ્લો કરી ફુલનો હાર પહેરાવવો. ખોબો કરેલા હાથમાં નીચેથી ઉપર જતાં (ચડતું) કંકુ લગાડવું. ખોબામાં આંબાનું પાન, પૈસા અને સોપારી આપી તેના પર નાળીયેર મુકવું. આ ઉપરાંત બે-પાંચ કેળાં અને મીઠાઈનું પેકેટ મુકવું. છોકરાની બાજુમાં કુમારીકા (બાર વર્ષથી નાની છોકરી) બેસાડી તેને કંકુનો ચાંલ્લો કરી હાથમાં પૈસા આપવા.
પછી પીઠી ચડાવનાર ચાર મામી અને/અથવા ભાભી પ્રથમ શરીરના ચાર ભાગ-પગ, ઘુંટણ, ખભા અને માથા-પર આંબાના પાનથી તેલ લગાડી પીઠી લગાડશે.
હવે લુણ ઉતારવાની વીધી કરવામાં આવે છે. ઈન્ડીયામાં આ વીધી ઘરની બહાર આંગણામાં કરવામાં આવે છે. સંજોગો અને તમારી પસંદગી મુજબ ઘરમાં કે બહાર આ વીધી કરવી. છોકરાનું મોં પુર્વ દીશામાં રહે એ રીતે બાજઠ પર ઉભો રાખી હાથમાં નાળીયેર આપવું. સુતરના દોરા વરને અરઘવામાં આવે તેમ જમણા પગથી શરુ કરી માથા પર થઈ ડાબા પગ સુધી લઈ જઈ ફરીથી માથા પર થઈ જમણા પગ સુધી વીંટવા. આવા ચાર આંટા લેવા. પછી બે કોડીયાં (કે નાની વાડકી)ને એકબીજા પર ઉંધાં વાળી સુતર વડે બાંધવાં. એને સંપુટ કહે છે. આ સંપુટ ભાભી/મામીએ જમણા પગથી શરુ કરી માથા પર થઈ ડાબા પગ સુધી લઈ જવું. ત્યાંથી પાછું માથા પર થઈ જમણા પગ સુધી લાવવું. એને લુણ ઉતારવું કહે છે. આ મુજબ ચાર વખત કરવું. એ જ પ્રમાણે રવઈ (એગબીટર), દાતરડું અને જુવારના કણસલાનો વાંકો દાંડો (જે મળી શકે તે) લઈને પણ કરવું. આ પછી લોટામાં પાણી લઈ પહેલાં છોકરાના જમણા પગ આગળ સહેજ પાણી રેડવું અને લોટાને ઉપર માથા પર થઈ ડાબા પગ સુધી લઈ જઈ ત્યાં પાણી રેડવું- ચાર વખત. જો ઘરમાં આ વીધી કરવામાં આવે તો પાણી માટે બંને પગ આગળ વાસણ રાખવાં.
છોકરાના હાથમાંના નાળીયેર પર આંબાનું એક પાન મુકી તેના પર સળગતા દીવામાંથી દીવેટ લઈને મુકવી. હવે છોકરો ચારે દીશાને પગે લાગશે. પછી દીવેટ પાછી લઈને દીવામાં મુકી દેવી. છોકરો નાળીયેર લઈને ઘરમાં આવે ત્યારે નાળીયેર બીજા રુમમાં કે ડાઈનીંગ રુમમાં પોતાની માના ખોળામાં મુકશે. માએ એ નાળીયેર પુજા માટેની જે થાળી હોય તેમાં મુકવું. લગ્નના દીવસે જાન નીકળે ત્યારે આ જ નાળીયેર છોકરાના હાથમાં આપવું, બીજું કોઈ નાળીયેર નહીં.
આ પછી મંડપરોપણની પુજાવીધી કરવી હોય તો બ્રાહ્મણ પાસે કરાવવી.
આ જ દીવસે કીચનમાં માઈમાટલા માંડવાં. એ માટે તાંબાના ત્રણ મોટા લોટા અને બે નાના લોટા લેવા. આ બધા જ લોટા પર કંકુથી બે બાજુ સ્વસ્તીક કાઢવો. ગળામાં કાચા સુતરનો દોરો ચાર વખત વીંટાળવો. સફેદ કાગળ પર કંકુ વડે ગણેશ કાઢીને કીચનની દીવાલ પર પીન વડે ચોંટાડવો. એને ફુલનો હાર પહેરાવવો.

Pat

આ ગણેશની નીચે માઈમાટલા માંડવાં. લાઈનમાં બંને બાજુ બે મોટા કળશ (લોટા) મુકવા. વચ્ચે ત્રીજો લોટો આવશે. બંને લોટા પર એક એક નાનો લોટો મુકવો. જમણી બાજુના લોટા પરના નાના લોટા પર કંકુ વડે બંને બાજુ સ્વસ્તીક કાઢી નાળીયેર મુકવું. આ નાળીયેર ઉપર અડધા મીટરનો સફેદ કાપડનો ટુકડો ઓઢાડવો. એના પર ફુલનો હાર મુકવો. ડાબી બાજુના લોટા પરના નાના લોટામાં ફુલ મુકવાં. બાકી રહેલો ત્રીજો મોટો લોટો લઈ ઘરની બહાર જવું. ત્યાં નળ આગળ વરુણ દેવની પુજા કરીને લોટામાં નળમાંથી પાણી લેવું. એને પેલા બે લોટાની વચ્ચે રાખેલી જગ્યા પર મુકવો. એના પર બે તરફ કંકુથી સ્વસ્તીક કાઢેલું નાળીયેર મુકી ફુલ ચડાવવાં. આ ગોત્રજઘડાને બધાં પગે લાગશે. છોકરાની ફોઈએ પગે લાગવા આવનાર સહુને ચાંલ્લો કરવો. સહુથી પહેલાં છોકરો પગે લાગશે અને ઈચ્છા મુજબ ગોત્રજ આગળ પૈસા મુકશે. આ પછી માતાપીતા અને બીજાં બધાં પગે લાગશે અને પૈસા ચડાવશે. ગોત્રજઘડો ઉઠાવી લીધા પછી આ પૈસા ફોઈના થાય છે.
આ જ દીવસે સાંજે પેણાની વીધી થાય છે. થોડી પુરી બનાવી ચારચાર પુરીનું એક એવાં ચાર પેકેટ સુતરના દોરા વડે બાંધીને બનાવવાં. આ પેકેટ માઈમાટલા આગળ મુકવાં.
બીજે દીવસે એટલે કે લગ્નના આગલે દીવસે પણ પીઠી લગાવવી. આ દીવસે ગૃહશાંતીની વીધી બ્રાહ્મણ દ્વારા કરવામાં આવે છે.
ત્રીજે દીવસે એટલે લગ્નના દીવસે પીઠી લગાવ્યા બાદ નાવણીની વીધી કરવામાં આવે છે. એમાં ભાભીઓ છોકરાને પગ-મોં પર દહીં-પાણી લગાડે છે. આ પછી છોકરો બાથ કે સાવર લઈ તૈયાર થાય છે. જાનની તૈયારી વખતે છોકરાને સૌ પ્રથમ એનાં બહેન-બનેવી ચાંલ્લો કરીને હાર પહેરાવે છે. આ પછી માતાપીતા તથા બીજાં બધાં હાર પહેરાવી જે પ્રેઝન્ટ આપવી હોય તે આપે છે. આગળ જણાવ્યા મુજબ પીઠીના દીવસે રાખી મુકેલું નાળીયેર જ લગ્નના દીવસે વાપરવાનું હોય છે.
લગ્નવીધી વખતે છોકરીને કાળીગાંઠી બાંધવા માટે છોકરાની ભાભીએ જવું. (જો ભાભી સ્ટેજ પર બેસવાની હોય તો એને કાળીગાંઠી પહેલેથી જ આપી રાખવી.) છોકરીને મંગલસસુત્ર પહેરાવવાની વીધી છોકરો કરશે. સેંથામાં સીંદુર પુરવાની વીધી પણ છોકરો કરે છે, આથી સીંદુર લઈ જવાનું યાદ રાખવું.
છોકરીને એનાં સગાંવહાલાં કન્યાદાન કરી રહે પછી છોકરાંનાં માબાપ કન્યાદાન કરે છે. છોકરાનાં બીજાં નજીકનાં સગાંઓ પણ પછી કન્યાદાન કરે છે.
લગ્નની આ બધી વીધીઓ પુરી થયા પછી છોકરીને ખુરસી પર બેસાડી ચાંલ્લો કરીને એને માટે છોકરા તરફથી લઈ જવામાં આવેલાં કપડાં આપવામાં આવે છે. છોકરી એના સાસરેનાં આ કપડાં પહેરીને બહાર આવે ત્યારે એને માટે લઈ જવામાં આવેલી સોનાની જણસ છોકરીને પહેરાવવી.
છેલ્લે ખોળે બેસાડવાની વીધી કરવામાં આવે છે. હવે બધા લોકો આ વીધી કરતા નથી. તમારી ઈચ્છા હોય તો તમે કરી શકો. છોકરાની મા અને છોકરા પક્ષનાં બીજાં વડીલ સ્ત્રીવર્ગ વારા ફરતી ખુરસી પર બેસી છોકરીને પોતાના ખોળામાં બેસાડે છે અને છોકરીને પોતાની મરજી મુજબ પૈસા આપે છે.
પરણીને છોકરો ઘરે આવે ત્યારે એની પત્નીને કહેવું કે ઘરમાં દાખલ થતી વખતે જમણો પગ પહેલાં અંદર મુકી ઘરમાં આવવું. ત્યાર બાદ બંને જણા (છોકરો અને વહુ) ગોત્રજઘડાને પગે લાગે છે. આ પછી ગોત્રજઘડો તે દીવસે કે બીજે દીવસે સવારે ઉઠાવી લેવો.
નોંધ: છોકરીના ઘરે લગ્નની તૈયારીમાં ઉપરની વીગતોમાંથી છોકરાએ જે વસ્તુઓ છોકરી માટે લઈ જવાની હોય છે તે બાદ કરવું. વળી માઈમટલાં માંડવાની વીધી છોકરીના ઘરે લગ્નના આગલા દીવસે કરવામાં આવે છે. બાકી વીધી તો બધી સરખી જ હોય છે.

Advertisements

ટૅગ્સ:

4 Responses to “લગ્નની તૈયારી – છોકરાના ઘરે”

 1. pravinshastri Says:

  ગાંડાભાઈ ઘણી સરસ વિગતવાર માહિતી.

 2. અનામિક Says:

  પાવઠી

 3. Gandabhai Vallabh Says:

  નમસ્તે પ્રવિણભાઈ,
  તમારી કૉમેન્ટ મેં આજે જ જોઈ. હાર્દીક આભાર.

 4. અનામિક Says:

  namashkar

  undho gas (undho vayu) mate aapni shu salah che ?

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: