Archive for જાન્યુઆરી, 2015

તાડાસન

જાન્યુઆરી 22, 2015

આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે, જાતે પ્રયોગ કરવા માટે નહીં.

તાડાસન

આનાથી શરીરની સ્થિતિ તાડના ઝાડ જેવી થઈ જાય છે તેથી આ આસનને તાડાસન કહે છે.

 

તાડાસન

તાડાસન

આ આસન ઉભા રહીને કરવામાં આવે છે. એડી-પંજાને અનુકુળતા મુજબ

થોડાં દુર રાખો. હાથોને કમર સાથે સીધા અડકાવી રાખો. ધીરે ધીરે બંને હાથને ખભા સુધી ઉઠાવી માથા પર લઈ જતાં પગની એડી પણ જમીનથી ઉઠાવીને પંજા પર ઉભા રહો. હવે બંને હાથના અંગુઠાના આંકડા બનાવી એકબીજામાં ભેરવી શરીરને બને શકે તેટલું ઉપરની તરફ ખેંચો. ગરદન સીધી રાખો અને પછી આની વીરુદ્ધ કરતાં ફરી પહેલાં જેવી સ્થીતીમાં આવી જવું. આ ક્રીયાનું વીસ વખત પુનરાવર્તન કરવું.

 

સાવધાની : જ્યારે હાથને ઉપરની તરફ લઈ જવામાં આવે છે, ત્યારે ધ્યાન રાખવાનું કે હાથની સાથે એડિયોને પણ ઉપરની તરફ ઉઠાવવામાં આવે છે. આ અવસ્થામાં શરીરનો ભાર પગ અને એની આંગળીઓ પર રહે છે. જ્યારે હાથને ઉપરની તરફ ખેંચવામાં આવે ત્યારે પેટને અંદરની તરફ વધુ ખેંચવામાં આવે છે.

 

તાડાસન કરવાથી છાતી, ખભો અને પીઠની માંસપેશીઓમાં ખેંચાણ આવે છે. આનાથી શરીરની લંબાઈ વધારી શકાય છે-જો તમારી ઉંમર ઓછી હોય અને તમે હજુ વૃદ્ધી પામતા હો તો. આ આસનથી હાડકાં પણ મજબુત બને છે. તથા સ્લિપ ડિસ્કની સંભાવના ઘટે છે. ખભા મજબુત બને છે અને ઉંડા શ્વાસ લેવા-છોડવામાં સરળતા થાય છે. વૃદ્ધાવસ્થામાં સતાવતા વાયુવીકારમાં પણ લાભ થાય છે.

 

યોગાસન વીશે

જાન્યુઆરી 9, 2015

યોગાસન વીશે

ઘણી નાની ઉંમરથી યોગાસન વીશે મેં અખતરા કરેલા. યોગાસનની માહીતી મને પુસ્તકો દ્વારા અને પછીથી અખતરા કરીને મળી છે. કેટલાંક વર્ષ પહેલાં અહીં વેલીંગ્ટન ન્યુઝીલેન્ડમાં ઈન્ડીયન એસોસીયેશનના હૉલ પર ભારતથી એના જાણકારના કાર્યક્રમમાં પણ ભાગ લીધેલો. એમણે કેટલાક દીવસો સુધી નીયમીત એના વર્ગો ચલાવ્યા હતા.

યોગાસનની કસરત બાબત મારા અનુભવને આધારે થોડું મારા બ્લોગ પર આપવા ધારું છું. તે પહેલાં અહીં મને વર્ષો પહેલાં થયેલા મારા એક અનુભવ વીશે જણાવવા ઈચ્છું છું.

તે સમયે અહીં ન્યુઝીલેન્ડમાં પોસ્ટ ઑફીસનો વહીવટ સરકાર હસ્તક હતો. એના ત્રણ વીભાગો હતા: ટપાલ, ટેલીફોન અને સેવીંગ્સ બેન્ક. એમાં સેવીંગ્સ બેન્કના હીસાબી વીભાગમાં નોકરીની પડેલી ખાલી જગ્યા માટે મેં અરજી કરી હતી. સમય હતો ઑગષ્ટ ૧૯૭૬નો. તે સમયે આ પ્રકારના વીભાગના વડાના હોદ્દાને પ્રીન્સીપાલ કહેવામાં આવતા. મારી પાસે યુનીવર્સીટીની ડીગ્રી હતી. એ પ્રકારની લાયકાત ધરાવનારનો ઈન્ટરવ્યુ જે તે વીભાગના વડા એટલે કે પ્રીન્સીપાલ લેતા.

ઈન્ટરવ્યુ લેવા માટે માત્ર એક જ જણ-પ્રીન્સીપાલ જ બેઠા હતા. એ સમયે કોઈ રીતે યોગાસનની વાત નીકળી. એ ગોરા સાહેબે યોગ વીશે સાંભળ્યું કે વાંચ્યું હશે. એમને યોગ બાબત વધુ જાણવાની ઈન્તેજારી હતી. આથી હું યોગ વીશે કશું જાણું છું કે કેમ એમ એમણે પુછ્યું અને જો જાણતા હો તો જુદાં જુદાં આસનો કેવી રીતે કરવામાં આવે છે તે મને વાંધો ન હોય તો બતાવવાનું કહ્યું.

આસનોની કસરત તે સમયે પણ હું કરતો હોઈશ, અત્યારે તો મને એનું ખાસ સ્મરણ નથી, કેમ કે આ પ્રસંગને ઘણાં વર્ષ વીતી ગયાં છે, પણ એટલું તો મને યાદ છે કે મેં એમને ત્યાં એમની ઑફીસમાં જ કેટલાંક આસનો કરી બતાવ્યાં હતાં. કયાં કયાં આસનો બતાવ્યાં હશે તેનું કશું સ્મરણ અત્યારે નથી. જો કે એ પછીથી કેટલાંક વર્ષ સુધી નીયમીત રીતે આસનોની કસરત કરવાનું હું ચાલુ રાખી શક્યો ન હતો, પણ હવે થોડાં વર્ષથી નીયમીત રીતે કરું છું. હું જે આસનો કરું છું તેની જ માહીતી એ ક્રમમાં આપવા વીચારું છું. મારા મહાવરાથી મને આ ક્રમ અનુકુળ જણાયો છે.

આસનોની કસરત કયા ક્રમમાં કરવી એ બાબત જુદા જુદા અભીપ્રાયો જોવામાં આવે છે. જેમ કે કેટલાક લોકોનું માનવું એમ છે કે શીર્ષાસન બધાં આસનો કરી રહ્યા પછી જ કરવું જોઈએ. જ્યારે કેટલાકના મત મુજબ એ સૌ પ્રથમ કરવું જોઈએ. કસરતના અંતે શીર્ષાસન કરવાની ભલામણ કરનારા કહે છે કે જો લોહી પુરતું ગરમ ન હોય અને શીર્ષાસન કરવામાં આવે તો ઠંડા લોહીનો ભરાવો મગજને નુકસાન કરી શકે. જ્યારે બીજો મત ધરાવનારા કહે છે કે ગરમ લોહી મગજને માટે અનુકુળ ન ગણાય. આથી મેં વચલો માર્ગ લીધો છે. થોડી કસરત શરુઆતમાં કર્યા બાદ હું શીર્ષાસન કરું છું. વળી એકાદ અભીપ્રાય મેં એ પણ જોયો છે કે શીર્ષાસન બાદ થોડી વાર ઉભા રહેવું અને ત્યાર બાદ શવાસન કરવું. જો કે હું એ મુજબ કરતો નથી, શીર્ષાસન પછી તરત શવાસન જ કરવું જોઈએ એમ મને લાગે છે.