Archive for માર્ચ 5th, 2015

નીર્લેપ ભાવે આપી દેવું એ જ ખરું દાન

માર્ચ 5, 2015

નીર્લેપ ભાવે આપી દેવું એ જ ખરું દાન

અનામી લેખક

Awakin.orgના સૌજન્યથી

(Nipun Mehta [nipun@servicespace.org] 24-2-2015ના રોજ એમના બ્લોગમાં પ્રગટ થયેલ અંગ્રેજી લેખના આધારે એમની પરવાનગીથી)

મહાભારતમાં પ્રખ્યાત યોદ્ધો અર્જુન એનો રથ હાંકનાર ભગવાન કૃષ્ણને પુછે છે, “ભગવાન, જગતમાં સૌથી ઉત્તમ દાનવીર કોણ?”

ભગવાન કહે છે, “દાનવીરોમાં સૌથી ઉદાર આ જગતમાં કર્ણ વીના બીજું કોઈ નથી, એમાં કોઈ શંકાને સ્થાન નથી.”

અર્જુનને એ બરાબર લાગ્યું નહીં. કર્ણ તો મહાભારતના એ યુદ્ધમાં સામેના પક્ષમાં મોટા હરીફોમાંનો એક હતો. એના હાવભાવ પરથી આ બાબત એનો સખત અણગમો પ્રગટ થતો હતો. એ કશું જ બોલ્યો નહીં. કૃષ્ણે અર્જુને ચડાવેલાં ભવાં જોયાં. અર્જુનની નજરમાં હરીફનો ભાવ એણે વાંચ્યો, પણ કૃષ્ણે તે સમયે તો પોતાનું સ્મીત જાહેર ન થવા દીધું. તે વખતે તો એ વીષય પડતો મુકવામાં આવ્યો, પરંતુ કેટલાક દીવસ બાદ કૃષ્ણે એક કસોટી વીચારી કાઢી.

સાંજે એક વાર બંને જણા સાથે જતા હતા ત્યારે કૃષ્ણે અર્જુનને પુછ્યું, “ તને પેલા બે ડુંગરો દેખાય છે અર્જુન?”

અર્જુને પાછા વળીને જોયું તો દુર ઉંચા ડુંગરોનાં શીખરો આછા અજવાળામાં ચમકતાં નજરે પડ્યાં. એ બે ડુંગરા નકરા સોનાના બની ગયા હતા. કૃષ્ણે કહ્યું, “અર્જુન મારે તને એક કામ સોંપવું છે. એ ડુંગરાની તળેટીમાં રહેતાં ગરીબ લોકોને તારે આ બધું સોનુ વહેંચવાનું છે. જ્યારે એ સોનાનો કણેકણ તું વહેંચી રહે ત્યારે મને જણાવજે. પોતાની પરોપકાર અને દાનવૃત્તીની ભાવના દર્શાવવાનો આ મોકો ઝડપી લઈ કૃષ્ણને અને દુનીયાને બતાવી આપીશ એવા ભાવથી એ ખુબ રાજી થયો. બધાં ગામલોકોને બોલાવી એણે જાહેરાત કરી, “જુઓ, ભાઈઓ તમારા માટે હું બહુ ખુશીના સમાચાર લાવ્યો છું. આ બે સોનાના ડુંગરોનું બધું સોનું હું તમને સહુને વહેંચી આપવા માગું છું.” અને એ સોનું એકઠું કરવાની તથા એને વહેંચવાની વ્યવસ્થા કરવમાં લાગી ગયો.

સતત બે દીવસ અને રાત અટક્યા વીના ડુંગરોમાંથી એ સોનું એકઠું કરતો રહ્યો. ખવા-પીવા માટે, ઉંઘ માટે કે જરાક આરામ માટે પણ એ થોભ્યો નહીં. છતાં પણ એ ડુંગરા પર સોનુ જરાયે ખુટતું ન હતું. એની આ નીષ્ફળતાને લીધે એ હતાશામાં ડુબી ગયો. જેમ જેમ એ સોનુ કાઢતો જાય તેમ તેમ એટલું જ સોનુ ડુંગરામાં જમા થતું જાય. થાકીને લોથપોથ થઈ એ કૃષ્ણના શરણે ગયો. “મારે થોડા દીવસ હવે આરામ કરવો જોઈએ.” એણે કહ્યું.

આથી કૃષ્ણે અર્જુનના દેખતાં જ કર્ણને બોલાવ્યો. કૃષ્ણે કર્ણને પુછ્યું, “પેલા બે ડુંગરો તું જુએ છે ને?

“જરુર.” કર્ણે જવાબ વાળ્યો.

“એની તળેટીમાં રહેતા ગરીબ લોકો વચ્ચે તારે આ બધું સોનુ વહેંચી દેવાનું છે. એ બધું સોનુ વહેંચાઈ રહે એટલે તું મને એની જાણ કરજે.” કૃષ્ણે કહ્યું.

એક ક્ષણનો પણ વીલંબ કર્યા વીના કર્ણે એ જ સમયે ત્યાંથી પસાર થતા બે ગ્રામવાસીઓને બોલાવ્યા. “પેલા બે ડુંગરો તમે જુઓ છો ને?” કર્ણે તે લોકોને પુછ્યું. “હા, જરુર અમે એ ડુંગરા જોઈ શકીએ છીએ.” જવાબ મળ્યો.

“સોનાના એ બંને ડુંગરા તમને આપી દીધા. તમારે એનું જે કરવું હોય તે કરવાની છુટ છે.” ઉગતા સુર્યનાં કોમળ કીરણો સરખું મોં પર સ્મીત લાવી કર્ણે કહ્યું. અને જે સહજતાથી એણે આ શબ્દો કહ્યા એટલી જ સહજતાથી એ કૃષ્ણને નમન કરીને ચાલતો થયો.

આ જોઈને અર્જુન તો સાવ આશ્ચર્યચકીત થઈ ગયો. કૃષ્ણ અર્જુનની તરફ ફરીને પ્રેમથી અને યુગો પ્રાપ્ત જ્ઞાનની વાણી ઉચ્ચારે છે, “અર્જુન, તારા મનમાં સોનાની બહુ ભારે કીમત છે. તારા અજ્ઞાત મનમાં સુવર્ણનો ભારે મોહ છે. આથી એ આપવામાં તને કંઈક ખંચકાટ છે. તું આ કારણે કોને એ આપવા જેવું છે, કોણ આ દાનને લાયક છે એની યોજના ઘડવામાં રોકાયો હતો. આવી તુચ્છ બાબતોથી તારા ઉત્સાહમાં ઓટ આવી, આથી સમય જતાં તને થયું કે આ ડુંગરોની સંપત્તી તારી બુદ્ધી, લાગણી કે વ્યક્તીગત ક્ષમતા કરતાં અનેક ગણી વધુ છે.” અર્જુનને આ શબ્દોનું સત્ય સમજાયું. એણે એનો સહજપણે સ્વીકાર કર્યો.

“પણ કર્ણ બાબત શું?” કળ વળતાં એણે પ્રશ્ન કર્યો. “સુવર્ણની કર્ણના મનમાં કોઈ કીંમત નથી.” કૃષ્ણે સહજતાથી કહ્યું. “એના માટે તો ખરેખરું મહત્ત્વ સુવર્ણનું ન હતું, પણ કંઈ પણ આપવું એ મહત્ત્વનું હતું. આથી એણે કોઈ ગણતરી કરવાની જરુર ન હતી. વળી કોઈ એનાં વખાણ કરે કે આભાર માને એવા કશા બદલાની અપેક્ષા પણ એને ન હતી. એણે તો શુદ્ધ ભાવથી અને નીર્દોષ મનથી બધું આપી જ દીધું. અને જેવું આપ્યું કે તરત જ નીર્લેપ ભાવે એણે ચાલતી પકડી. અને પ્રીય અર્જુન આ જ સાક્ષાત્કારના પંથે આગળ વધી રહેલાનાં લક્ષણ છે.”

 

 

 

Advertisements